એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » અહેવાલ » હ્યુસ્ટનમાં અભેસિંહ રાઠોડ ગ્રુપનો ડાયરો

હ્યુસ્ટનમાં અભેસિંહ રાઠોડ ગ્રુપનો ડાયરો

August 19th, 2011 Posted in અહેવાલ

 

તારીખ ૧૬મી જુલાઈ ૨૦૧૧ને શનિવારની એ રાત…લોકસાહિત્યના અભિસારની એ રાત…ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના નેજા હેઠળ, હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરના હોલમાં રાત્રે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી, લોકસાહિત્યના દિગ્ગજો એવા શ્રી.અભેસિંહ રાઠોડ,સ્વ.હેમુ ગઢવીના સુપુત્ર શ્રી.બિહારીભાઇ ગઢવી, સ્વરકિન્નરી  દમયંતીબેન બરડાઈ જેવા ગાયકોએ ડાયરાની રંગત જમાવી હતી. લોકસાહિત્યમાં આજે જે ગણ્યાગાંઠ્યા નામ બાકી રહ્યા છે તેમાં અભેસિંહ ભાઇ રાઠોડ  એક અગ્રગણ્ય નામ છે.કોઈ તેમને આષાઢી ગાયક કહે છે,તો કોઇ ટહુકતો મોરલો કહે છે.સૌરાષ્ટ્રના ગાયકોમાં જે બુલંદી હોય છે તે અભેસિંહમાં જણાઇ આવે છે.

રાબેતા મુજબ ઇશ્વરની સ્તુતિથી શરુઆત કરીને અભેસિંહભાઇએ છંદ, દુહા,લોકસાહિત્યની વાતોથી ગુંથીને તેમના જાણિતા ગીતો ‘દાદા હો દીકરી’..’રક્ત ટપકતી સો સો ઝોળી’,’કસુંબીનો રંગ’,જય જય ગરવી ગુજરાત’ વગેરે બુલંદ સ્વરે રજુ કરીને પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ મેળવી લીધા હતા.

લોકગાયિકા દમયંતીબેન બરડાઇ પણ લોકસાહિત્યમાં મુઠી-ઊંચેરુ નામ ગણાય છે.તેમણે પણ ‘મારો ટોડલે બેઠો મોર’,’મારે સાસરિયે આણા મોકલો’,’પાટણથી પટોળા મોંઘા લાવજો’, જેવા જાણીતા ગીતોની રમઝટ બોલાવી હતી. સ્વ.હેમુ ગઢવીના સુપુત્ર શ્રી. બિહારીભાઇએ પણ તેમના પિતાજી જેવા જ બુલંદ અવાજે છંદ, દુહાની રમઝટ સાથે લોકગીતોની તડાફડી બોલાવી દીધી હતી.લોકગીતો હોય અને સ્વ.ઝવેરચંદ મેઘાણીને કોઇ યાદ ના કરે એવું તો બને જ નહીં ને !

નવરાત્રિના ગરબાઓમાં ગવાતું ‘હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું’ એ શબ્દોમાં સાચો શબ્દ’ પછી’ નથી પણ ‘પથી’ છે અને એ ઘોડીનું નામ હતું એ અંગેની કથા એવી રસપ્રદ રીતે અભેસિંહભાઈએ  સંભળાવી કે શ્રોતાઓને કશુંક નવું જાણવા મળ્યું.

જીતુભાઈ દ્વારકાવાળાએ જોક્સ કહીને પ્રેક્ષકોને ખુબ હસાવ્યા.તેમના ‘વન લાઇનર જોક્સ’ પ્રેક્ષકોને ખુબ ગમ્યા.જીતુભાઇની મંજીરા વગાડવાની સ્ટાઇલે પણ પ્રેક્ષકોને સારુ એવું મનોરંજન પુરુ પાડ્યુ હતું.

આ લોકગાયકોને તબલા પર શ્રી.ચંદ્રકાંત સોલંકી, ઢોલક પર શ્રી.રાજુ પંડ્યા, ઇલેક્ટ્રીક ઓર્ગન પર શ્રી. જનક અમીન,વગેરે એ  સાથ આપ્યો હતો.

કમલેશ ભુપતાણી અને ચકુભાઇ જેવા નેશનલ સ્પોન્સર્સ , ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન જેવા ખમતીલા  લોકલ પ્રમોટર્સ અને અભેસિંહ રાઠોડ જેવા ખ્યાતનામ ગાયકો હોવાં છતાં, આ વખતે લોકસાહિત્યના આ ડાયરાને શ્રોતાઓનો જોઇએ તેવો પ્રતિસાદ મળ્યો નહી.  આ સીઝનમાં દર અઠવાડીયે એટલા બધા ગુજરાતી કાર્યક્રમો યોજાતા હોય છે કે હવે ‘હાઊસફુલ’ શબ્દ ભુંસાતો જાય છે.ભાગ્યે જ કોઇ કાર્યક્રમમાં પચાસ ટકા ટીકીટો વેચાતી હોય છે.સૌરાષ્ટ્રના ગામડાની લોકકથાઓ,કુટુંબજીવનની વાતો, સાસુવહુની વાતોમાં નવી પેઢીના યુવાન પ્રેક્ષકોને કોઇ જ રસ પડતો નથી હોતો. શ્રોતાઓમાં મોટાભાગના પચાસથી વધુ ઉંમરના જ હોય છે.ડાયરાઓમાં પણ વર્ષો જુના એના એ જ લોકગીતો,સુગમ સંગીતના એ જ ગીતો હોય છે ને !છતાં પણ હજુ અમારા જમાનાના લોકો ( એટલે સિત્તેરે પહોંચેલા ) તો જુનુ એટલું સોનુ ગણીને વારંવાર એ બધું સાંભળવા અને વાગોળવા આવા કાર્યક્રમોમાં દોડે જ.કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના ઉત્સાહી કાર્યકરો  શ્રી.અજીત પટેલ,શ્રીમતી નિશાબેન મિરાણી,અને કમિટી મેમ્બરોએ સારી એવી જહેમત ઉઠાવી હતી.

નવીન બેન્કર

૭૧૩-૭૭૧-૦૦૫૦

One Response to “હ્યુસ્ટનમાં અભેસિંહ રાઠોડ ગ્રુપનો ડાયરો”

  1. rohini patel says:

    kem niranjan patel nu nam bhuli gaya?he was the president of gsh at that time

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.