હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય સરિતાનો “દશાબ્દિ મહોત્સવ”“-અહેવાલ- નવીન બેંકર
બારમી માર્ચ ને શનિવારની રાત્રે, હ્યુસ્ટનના જૂના સ્ટેફર્ડ સિવિક સેન્ટરના વિશાળ હોલમાં,ગુજરાતી સાહિત્ય સરિતાએ પોતાના દશ વર્ષ પૂર્ણ કર્યાની ખુશાલીમાં “દશાબ્દિ મહોત્સવ”નું ભવ્ય આયોજન કર્યું હતુ.
બરાબર આઠને દસ મિનિટે, કાર્યક્રમના આયોજક શ્રી રસેશ દલાલ અને સંસ્થાના સંચાલક શ્રીમતિ દેવિકાબેન ધુવે પ્રેક્ષકોના સ્વાગતથી શરુઆત કરી.પ્રારંભમાં વિરેન્દ્ર બેંકરના કંઠે દેવિકા ધ્રુવ રચિત શારદ સ્તુતિ અને હેમંત ભાવસારના કંઠે વિનોબા ભાવેની પ્રાર્થના રજૂ કરવામાં આવી.તે પછી દીપ-પ્રાગટ્યની વિધિ થઇ હતી.
આ પ્રસંગે આમંત્રિત મુખ્ય મહેમાન તરીકે શિકાગોના જાણીતા અને માનીતા સન્માનીય ગઝલકાર કવિ-દંપતિ ડો.અશરફ ડબાવાલા તથા ડો.મધુમતી મહેતા ઉપસ્થિત રહ્યા હતા. તેઓ ગુજરાતી ભાષા,સાહિત્ય અને સંગીતના પ્રસાર માટે શિકાગો આર્ટ સર્કલ નામની સંસ્થા દ્વારા પ્રવૃત્ત રહે છે.ડો. અશરફ ડબાવાલાને ૨૦૦૭માં કલાપી એવોર્ડ,લીટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા તરફથી ચુનીલાલ વેલજી પારિતોષિક તથા શિકાગોની દ્રષ્ટિ-મીડીયા તરફ્થી ગઝલ-સર્જન માટે લાઇફ-ટાઇમ એવોર્ડ પણ પ્રાપ્ત થયાં છે.
અન્ય અતિથિવિશેષ,પદ્મશ્રી એવોર્ડથી વિભુષિત ડો.સુધીર પરીખ અને તેમના ધર્મપત્ની સુધાબેન પરીખ પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા.અનેકવિધ સન્માન અને મે્ડલ પ્રાપ્ત કરનાર ડો સુધીરભાઇ પરીખ વર્લ્ડવાઇડ મીડીયા ઇન્ક.ના ચેરમેન અને પબ્લીશર છે.આ ગ્રુપ ન્યુ ઇન્ડિયા ટાઇમ્સ,દેશી ટોક ઇન ન્યુયોર્ક,”ધી ઇન્ડિયન અમેરિકન્સ” તથા ગુજરાતીઓમાં સૌથી વધુ વંચાતા અને વેચાતા સપ્તાહિક ગુજરાત ટાઇમ્સનું પબ્લીકેશન કરે છે.
દીપ-પ્રાગટ્ય પછી મહેમાનોનું પુષ્પગુચ્છ અને ભેટ-પ્રતિક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ તેમના શુભ-હસ્તે હ્યુસ્ટનના જાણીતા સર્જકોના પ્રસિધ્ધ થયેલ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું. હ્યુસ્ટનના ૯૦ વર્ષના કવિશ્રી ધીરજલાલ શાહના બે પુસ્તકો,પીઢ કવિ સુમન અજમેરીના ચાર પુસ્તકો, સર્યુબેન પરીખનુ એક પુસ્તક “નીતરતી સાંજ”,પ્રવીણાબેન કડકિયાના સ્વરચિત ગીતોની એક CD”સમર્પણ”, વગેરે નું વિમોચન કરાયા બાદ શ્રી વિજય શાહના પુસ્તક “નિવૃત્તિની પ્રવૃત્તિ” વિષે માહિતિ આપવામાં આવી હતી. હ્યુસ્ટનના તેર લેખકોના સહિયારા સર્જન દ્વારા લખાયેલ નવલકથા “જીવન સંધ્યાએ”અને ૧૧ લેખકોના “સહિયારું સર્જન” (લઘુનવલકથા સંગ્રહ) નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. દેવિકાબેનના “શબ્દોને પાલવડે” નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ એક એકાંકી નાટક “ગુજરાત તારું ગૌરવ”રજૂ કરવામાં આવ્યુ.માત્ર ચાર જ પાત્રો દ્વારા ભજવાયેલ આ નાટકમાં પ્રહસન માટેની બધી જ સામગ્રી મૌજુદ હતી.ઝડપી કાર્યવેગ,સંવાદોમાં સાતત્ય, બધું જ. .નાટિકાના નામાભિધાન પ્રમાણે ગુજરાતના ગૌરવની તવારીખ જોશીલા સંવાદો દ્વારા એવી સરસ રીતે લખવામાં આવી છે અને દેવિકાબેન ધ્રુવના પાત્ર દ્વારા એવી જોશીલી જબાનમાં રજૂ કરવામાં આવી હતી કે તેના દરેક સંવાદ પર પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટથી સભાખંડ ગાજી ઉઠતો હતો.વાઇબ્રન્ટ ગુજરાત, શ્રી નરેન્દ્ર મોદીના ઉલ્લેખો અને ગુજરાતના વિકાસની ગાથા એવી કલાત્મક રીતે દિગ્દર્શક શ્રી રાહુલ ધ્રુવ દ્વારા સાંકળી લેવામાં આવ્યા છે કે નાટકની વાર્તામાં રસક્ષતિ ન થાય. અમેરિકાનું બધું જ સારું અને ગુજરાતમાં તો આમ ને તેમ એવી મનોદશામાં જીવતા પતિની ભૂમિકા શ્રી રાહુલ ધ્રુવે એવી તો સરસ રીતે ભજવી બતાવી કે તેમના મોટાભાગના સંવાદો પર પ્રેક્ષકોની હાસ્યની ખંડણી આવતી હતી.તો….ગુજરાતના ગૌરવને પોતાની જોશીલી જબાન દ્વારા અને પ્રતિભાશીલ અભિનય દ્વારા દેવિકા ધ્રુવે સુપેરે રજૂ કર્યુ હતું. ગુજરાતી પડોશીના પૂરક પાત્રોમાં હ્યુસ્ટનના ખ્યાતનામ કાર્ડીઓલોજીસ્ટ ડો. કિરીટ દેસાઇ અને ખ્યાતનામ ગાયનોકોલોજીસ્ટ ડો.કોકીલા પરીખે પોતાના સુંદર આંગિક અને વાચિક અભિનય દ્વારા હળવી પળો પૂરી પાડીને પ્રેક્ષકોને સારું એવું મનોરંજન પૂરું પાડ્યું હતું. આ બંને ડોક્ટરો સારા ગાયકો પણ છે એટલે દિગ્દર્શકે તેમના કસબનો અહીં આ નાટકમાં પણ ઉપયોગ કરીને કેટલાંક ગીતોની પંક્તિઓ મૂકવાનો મોહ ટાળી શક્યા ન હતા. મુકેશ અંબાણી અને ગાયક સ્વ.મુકેશ અંગેના સંવાદો,”તને જાતા જોઇ પનઘટની વાટે” કે”નજરના જામ છલકાવીને ચાલ્યાં ક્યાં તમે” જેવા ગીતોને સાંકળી લઇને ગીત-સંગીત સાથે હાસ્યને પણ સુંદર રીતે રજૂ કરવામાં લેખક તરીકે રાહુલ ધુવ અને કલાકારો તરીકે બંને ડોક્ટરો સંપૂર્ણ સફળ રહ્યાં હતાં. પ્રવક્તા તરીકે શ્રી નિખિલ મહેતા અને નેપથ્ય પાર્શ્વસંગીત પીરસનાર શ્રી મનોજ મહેતા તથા શ્રી દિલીપ નાયક પ્રશંસનીય રહ્યા.
આ કૃતિનું આલેખન રાહુલ ધ્રુવની રંગમંચના ઉપયોગની પોતાની આગવી સૂઝ દર્શાવી જાય છે.. પ્રહસનની સફળતાનો મોટો આધાર સંવાદોની અભિવ્યક્તિમાં,સમયસૂચકતા અને મુખના ભાવો તેમ જ આંગિક અભિનયના પ્રભુત્વ પર હોય છે.અહીં બધા જ કલાકારો એ સાદ્યંત સાચવે છે. નિષ્પન્ન થતા હાસ્યનો વ્યક્તિગત હિસ્સો જો ફાળવવાનો હોય તો રાહુલ ધ્રુવ અને ડો,કિરીટ દેસાઇ બંને સ્ત્રી પાત્રો કરતાં પ્રથમ આવે. સાહિત્ય સાથેનો સંપર્ક રંગભૂમિને કેટલી સમૃધ્ધ બનાવી શકે એ દેવિકાબેનના પાત્રાલેખન અને સંવાદો દ્વારા દિગ્દર્શક શ્રી રાહુલ ધ્રુવ આ કોમેડી નાટકમાં ઉપસાવી શક્યા છે. ઇતિહાસના યાદગાર પાત્રો કે ગુજરાતની અસ્મિતા દર્શાવતા સંવાદોમાં આ સ્પષ્ટ થાય છે. જૂના જમાનાના “સતી આણલદે” ની એકોક્તિ દ્વારા દેવિકાબેન ધ્રુવ સુંદર પ્રભાવ પાડી ગયાં.જો કે સમગ્ર નાટકમાં તેમના મુખે બોલાયેલ સંવાદોમાં સાહિત્યિક ભાષાનો અતિરેક થયો લાગે છે. ડો.કોકીલા પરીખ ના ફાળે જોશીલા સંવાદો ન આવવા છતાં, નાટકની હળવી પળો પૂરી પાડવામાં તેમનો ફાળો ઓછો ન આંકી શકાય.
આ નાટક પછી ગરબો રજૂ કરવામાં આવ્યો હતો, જેના શબ્દો હતા “ઉંચી તળાવડીને તીર પાણી ગ્યા’તા”.આ ગરબામાં પંચાવન કે તેથી વધુ ઉંમરની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.તેની કોરીઓગ્રાફી હ્યુસ્ટનના જાણીતા કોરીઓગ્રાફર મિત્રાબેન પંચાલ દ્વારા કરવામાં આવી હતી અને સ્વરાંકન પણ તેમના સુમધુર કંઠે કરવામાં આવ્યું હતુ.
“દશાબ્દિ મહોત્સવ”ના બીજા ભાગમાં તા. ૧૪મી મેના રોજ રજૂ થનાર ત્રિઅંકી નાટક “ હું રીટાયર થયો”ની ઝલક સ્લાઇડ શો દ્વારા દસેક મિનિટ માટે વીડીયો પ્રેઝન્ટેશનથી પ્રેક્ષકોને બતાવવામાં આવી હતી.એક રીટાયર્ડ થયેલ નટ સમ્રાટના જીવનમાં પાછલી ઉંમરે જે ઝંઝાવાતો આવે છે તે હ્ર્દયસ્પર્શી સંવાદો અને જબરદસ્ત કથાનક સાથે, હ્યુસ્ટનના જ સ્થાનિક કલાકારો સાથે શ્રી મુકુંદભાઇ ગાંધીની મુખ્ય ભૂમિકામાં રજૂ થનાર છે તેની ક્લીપીંગ્સ દર્શાવવામાં આવી હતી.
ત્યારબાદ એક જબરદસ્ત એકાંકી નાટક “જો જો મોડું ના થાય” ભજવવામાં આવ્યું હતુ. મૂળ કૃષ્ણચંદર લિખિત આ નાટકનું રુપાંતર સાહિત્યપ્રેમી અને હાસ્યકવિની રચનાઓને પોતાની વિશિષ્ટ શૈલીમાં રજૂ કરવા માટે જાણીતા એવા શ્રી ફતેહ અલી ચતુરે ગુજરાતીમાં રુપાંતરિત કરીને રજૂ કર્યું હતું.
સચિવાલયના કમ્પાઉન્ડમાં જાંબુનું એક ઝાડ પડી ગયું છે અને તેની નીચે એક કવયિત્રી દબાઇ ગઇ છે. કોઇ રાહદારી આ અંગેની જાણ સચિવાલયના વિવિધ કર્મચારીઓને કરે છે અને બ્યૂરોક્રસીમાં અટવાયેલા કામચોર કર્મચારીઓ પેલી સ્ત્રીને બહાર કાઢવાને બદલે વાતને કેવી ગૂંચવી મારે છે અને અંતે પેલી દબાયેલી સ્ત્રીનું મૃત્યુ થાય છે એવા કથાનક પર રચાયેલ આ નાટક એટલી સરસ રીતે ભજવવામાં આવ્યું હતું કે, રૂપાંતરકાર અને દિગ્દર્શક શ્રી ફતેહઅલી ચતુર અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા વગર રહી ન શકાય.
સૌ પ્રથમ તો સંનિવેશમાં ચીલાચાલુ બોક્સ-સેટને બદલે ઝાડનું કપાયેલું થડ તેના ડાળા-પાંદડા સાથે સ્ટેજ પર ગોઠવવામાં આવ્યું હતું અને સચિવાલયના બિલ્ડીંગનું મોટું ચિત્ર લટકાવવામાં આવ્યું હતું તો હોર્ટીકલ્ચર ડીપાર્ટમેન્ટ,એગ્રીકલ્ચર ડીપાર્ટ્મેન્ટ અને કલ્ચરલ ડીપાર્ટ્મેન્ટ્ની ઓફિસ તેના ટેલિફોનો વગેરેનું સેટીંગ્સ એટલી કુશળતાપૂર્વક કરવામાં આવેલું હતું કે પડદો ઉઘડતાં જ કશુંક નાવીન્યપૂર્ણ રજૂ થઇ રહ્યું છે તેનો આભાસ ઉભો થાય !
પ્રકાશ-આયોજન પણ સૂચક હતું. કયારેક સ્ટેજનો અમુક હિસ્સો પ્રકાશ-વર્તુળમાં આવે અને બીજો હિસ્સો અંધકારમાં રહે એવું આયોજન રહે પરંતુ ટેક્નીકલ મુશ્કેલીને કારણે અમુક દ્રશ્ય વખતે તે શક્ય બનતુ ન હતું.
ફતેહ અલી ચતુરની હથોટી જેટલી રુપાંતરમાં છે તેટલી જ દિગ્દર્શનમાં પણ જણાઇ આવે છે. રાહદારીના મુખ્ય પાત્રમાં જીવંત અદાકારી દાખવી હતી. વિવિધ શાયરો-ગઝલકારોના મુક્તકોનો ઉપયોગ તેમના મુખે બોલાવીને “દશાબ્દિ મહોત્સવ”ની ઉજવણી પ્રસંગે રજૂ થતા નાટક તરીકે તેને સફળ ગણી શકાય. નાટકની પકડ જાળવવા કે પાત્રાલેખનને ખીલવવા માટે જે ચપળ અને ચબરાકી ભાષા જરૂરી છે તેનો અહીં બરાબર ખ્યાલ રાખવામાં આવ્યો છે. સતત ઝાડ નીચે દબાયેલી રહેતી કવયિત્રીના પાત્રને શ્રીમતિ શૈલાબેન મુનશાએ પડ્યા પડ્યા પણ પોતાના ચહેરાના ભાવ-પરિવર્તનને સૂપેરે દર્શાવીને સુંદર રીતે ન્યાય આપ્યો હતો. હેડક્લાર્ક તરીકે શ્રી પ્રશાંત મુનશા,પટાવાળાના પાત્રમાં શ્રી વિનય પંચાલ,સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે શ્રી નીતિન વ્યાસ, સતીશ પરીખ અને અન્ય ડિપાર્ટમેન્ટોના હેડ તરીકે ડો.ઇન્દુબેન શાહ તથા શ્રીમતિ ગીતાબેન ભટ્ટ અને છેલ્લે આવતા કલ્ચરલ ડિપાર્ટમેન્ટના શ્રી સુરેશ બક્ષી પણ પોતપોતાની ભૂમિકાને અતિસુંદર રીતે ભજવી ગયાં હતાં.
રાહુલ ધ્રુવ અને ફતેહ અલી ચતુર- બંને પાસે સર્જનાત્મક અભિવ્યક્તિ છે. કોમેડીની ઝીણી સૂઝ, સુક્ષ્મ નિરીક્ષણશક્તિ અને માર્મિક નિરુપણ…આ બંને સર્જકોમાં છે.બંને એકાંકીઓમાં સાહિત્યિક્તા અને અભિનયક્ષમતાનો વિરલ સમન્વય જોવા મળ્યો. ઊમાશંકરના એકાંકીઓની તીવ્ર સંવેદના કે જયંતિ દલાલના એકાંકીઓનો બુધ્ધિવૈભવ આવા નાટકોમાં ભલે ન હોય પણ પાત્રા-લેખન,સંવાદ-કળા,નાટ્યાત્મકતા,ક્રમિક પરાકાષ્ટા,તખ્તા-લાયકી આ બધા એકાંકીના ઉત્તમ લક્ષણોથી મંડિત, ટૂંકા સચોટ સીધી ગતિના લક્ષ્યવેધી સંવાદોથી આ નાટકો વિભૂષિત છે.
ત્યારબાદ મહોત્સવની “signature item” “કવિ અને કવિતા”નો સેટ ગોઠવાય તે દરમ્યાન વચ્ચે ન્યૂયોર્કના ગાયક સંગીતકાર શ્રી વિરેન્દ્ર બેંકરના વાંસળી વાદનનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેને શ્રોતાઓએ મન ભરીને માણ્યો હતો.
આ અહેવાલ લખનારના અંગત અભિપ્રાય અનુસાર સમગ્ર કાર્યક્રમનો શિરમોર ભાગ છેલ્લે રજૂ થયેલ “ કવિ અને કવિતા” હતો. કાવ્ય,સંગીત અને કેળવાયેલ અવાજથી વિભૂ્ષિત સુંદર સાયુજ્ય સભર રચનાઓના દ્રશ્ય અને શ્રાવ્ય પ્રે્ઝન્ટેશનથી હાજર રહેલ પ્રેક્ષકો અનુભૂતિની શ્રેષ્ઠ અવસ્થાએ પહોંચી શક્યા હતા. જે કવિઓ અને તેમની રચનાઓને ગાયકો દ્વારા રજૂ કરવામાં આવી હતી તેમાં વીર કવિશ્રી નર્મદ ( શ્રી કિરીટ મોદી ), બરકત વિરાણી “બેફામ” ( શ્રી મુકુંદ ગાંધી ), ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા ( શ્રી ધીરુભાઇ શાહ ), ઉમાશંકર જોશી ( શ્રી વિશાલ મોણપરા), અવિનાશ વ્યાસ (શ્રી વિપુલ માંકડ ),શ્રી સુરેશ દલાલ ( શ્રી નવીન બેંકર ),તથા ઝવેરચન્દ મેઘાણી ( શ્રી પ્રશાંત મુન્શા). શ્રી રમેશ પારેખ ( શ્રી વિજય શાહ ) નો સમાવેશ થાય છે.
સ્ટેજની એક બાજુએથી ઉદઘોષકો ( શ્રી રસેશ દલાલ,શ્રીમતિ રિધ્ધિ દેસાઇ, ડો.કમલેશ લુલ્લા તથા શ્રીમતિ દેવિકા ધ્રુવ ) દ્વારા કવિનો પરિચય અપાય તે દરમ્યાન ધીમે પગલે જે તે કવિનું પાત્ર ભજવતા કલાકાર સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય અને અપાતો પરિચય પૂર્ણ થતાં બે શુભેચ્છાવાચક શબ્દો કહે અને ધીમે પગલે સ્ટેજની બીજી બાજુ પ્રસ્થાન કરે તે દરમ્યાન ગાયકો સંગીતના સથવારે તે કવિની રચનાને રજૂ કરે. આ આખી પરિકલ્પના સાહિત્ય સરિતાના કુશળ સૂત્રધાર શ્રી રસેશ દલાલની હતી.
ગાયક વૃંદમાં શ્રી મનોજ મહેતા, શ્રીમતિ કલ્પના મહેતા, શ્રીમતિ સ્મિતા વસાવડા, વોઇસ ઓફ મુકેશ તરીકે ઓળખાતા શ્રી શ્રી ઉદયન શાહ તથા શ્રી દિલીપ નાયક હતાં. વાદ્યવૃંદમાં તબલા પર શ્રી ડેક્ષ્ટર રઘુ આનંદ, મંજીરા અને જાઝ પર શ્રી હેમંત ભાવસાર, હાર્મોનીયમ પર શ્રી દિલીપ નાયકે સાથ આપ્યો હતો.
“કવિ અને કવિતા”ની શરુઆતમાં શ્રી મનોજ મહેતાએ પોતાના ભાવવાહી કંઠે શરુઆત કરીને વાતાવરણ જમાવી દીધું હતું. તેમના નરવા કંઠની બુલંદી માઇક વગર પણ ટહૂકી ઉઠે તેવી હતી.સ્મિતાબેન વસાવડાના કંઠમાં તો જાણે કોયલે માળો બાંધ્યો છે. તેમણે આલાપ,તાન અને ઉર્મિસભર રજૂઆત વડે શ્રોતાઓનો પ્રચંડ પ્રતિસાદ મેળવ્યો.અતિથિવિશેષ શ્રી અશરફ ડબાવાલાએ તેમને સ્ટેંડીંગ ઓવેશન આપ્યુ હતું જેને શ્રોતાઓએ પણ ઉભા થઇને સાથ આપ્યો હતો. સ્મિતાબેને એટલી જીવંત શૈલીથી ગીતોમાં ભાવ પૂરીને રચનાઓ ગાઇ સંભળાવી હતી કે કાર્યક્રમના અંતિમ ચરણને એક નવો આયામ મળ્યો હતો.
ગાયક અને સાજીંદાઓ વચ્ચે એટલો સુમેળ હતો કે જાણે સોનામાં સુગંધ મળી હતી. કવિઓની પસંદગી,ગીતોની પસંદગી,ગીતોનું સ્વરાંકન તથા શબ્દ અને સૂરની મિલાવટ એટલા મજબૂત હતા કે છેક સુધી હાજર રહેલા ભાવકો રસસમાધિમાં ડૂબી ગયા હતાં. આ કાર્યક્રમ ગીત, સંગીત અને ગાયકીનો બેજોડ સંગમ હતો, તો શ્રી વિશાલ મોણપરાની કોમ્પ્યુટરની ટેકનીકલ કાબેલિયત વડે રજૂ થયેલ સ્લાઇડ શો અભિનંદનને પાત્ર હતાં. સમજદાર શ્રોતાઓ તરફથી કાર્યક્રમને જબરદસ્ત દાદ મળી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સાહિત્ય સરિતાના સભ્યોએ તો ખુબ જ જહેમત ઉઠા્વી હતી જ, પરંતુ સ્ટેજની વ્યવસ્થા શ્રીમતિ મિત્રાબેન પંચાલ, શ્રી વિનય પંચાલ તથા શ્રી કિરીટ ભક્તાએ કુશળતાપૂર્વક સંભાળી હતી. તો મેઇક-અપ આર્ટીસ્ટ તરીકેની કામગીરી યોગીનાબેન પટેલે સુપેરે નિભાવી હતી. આવા સુંદર કાર્યક્રમનુ સફળ આયોજન અને સંચાલન કરવા માટે શ્રી રસેશ દલાલ,શ્રી વિજય શાહ, શ્રીમતિ દેવિકાબેન ધ્રુવ, ડો.રમેશભાઇ શાહ, શ્રી પ્રશાંત મુન્શા વગેરે અભિનંદનના અધિકારી છે.
“દશાબ્દિ” પ્રસંગે સાઇઠ પાનાનું દળદાર સોવેનિયર ( સ્મરણિકા ગ્રંથ ) “કલ-નિનાદ” પણ બહાર પાડવામાં આવ્યું હતું જેના સંપાદન અને સંકલન માટે પીઢ કવિ શ્રી સુમન અજમેરી, શ્રી વિજય શાહ અને તેમની કમિટિએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવવા માટે જેમણે કિમતી સલાહ- સૂચનો આપ્યા છે તે માનદ સલાહકારો શ્રી દિપક ભટ્ટ, શ્રી મુકુંદ ગાંધી,શ્રી અશોક પટેલ વગેરેનો મહત્વનો ફાળો રહ્યો છે.
ચાર કલાકના આ સમગ્ર કાર્યક્રમમાં ઔપચારિક આભા્રવિધિ,વિમોચન તથા મહાનુભાવોના સંદેશાઓને ટૂંકાવીને કવિ અને કવિતાના કાર્યક્રમને શરુઆતમાં મૂકાયો હોત અને પછી બંને એકાંકીઓને મૂકાયા હોત તો કાર્યક્રમ વધુ દીપી ઉઠત અને વધુ પ્રેક્ષકો સુધી પહોંચી શક્યો હોત એટલી ટકોર અસ્થાને નહિ ગણાય.
આટલો લાંબો અહેવાલ લખવામાં શક્ય છે કે કોઇનો નામોલ્લેખ રહી ગયો હોય તો એ મારો હકીકત-દોષ સમજી ક્ષમ્ય ગણશો.
અસ્તુ
નવીન બેંકર