એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2011 » March » 21

ટીકા…નિંદા…ભૂલો પ્રત્યે અંગૂલિનિર્દેશ

March 21st, 2011 Posted in સંકલન્

ટીકા…નિંદા…ભૂલો પ્રત્યે અંગૂલિનિર્દેશ

સંકલન – શ્રી. નવીન  બેન્કર

                (‘ એક જ દે ચિનગારીના લેખક શશિન તથા શ્રીમતિ ઈલા દત્ત ના એક લેખના આધારે )

 

ભારતિય કોમ્યૂનિટી તરીકે ભારતીયો ભેગા થવાની, ભેગા થઈ સાથે રહેવાની સમાન ધ્યેય કે હિતો સંબંધિત મજબૂત એકતા ધરાવવાની અણઆવડત ધરાવે છે.સાંસ્કૃતિક,સામાજિક અને રાજકિય સંગઠનો વધતા જાય છે તો તેમાં વિભાજનો અને ખંડનો પણ થયા જ કરે છે.આ બધું માત્ર અને માત્ર અહમને કારણે જ થાય છે.

 

 

 

શરુઆતમા તો વિખવાદકારો સંસ્થાની કોઈપણ સારી પ્રવ્રુત્તિઓમાંથી ભૂલો શોધી કાઢશે. તમે કોઈપણ સારુ કામ શરૂ કરો ત્યારે ક્યાંકને ક્યાંક તો ભૂલો થવાની જ. ક્યારેક યોગ્ય નિર્ણય કરવામાં તમે ભૂલ કરી બેસવાના. તાજેતરમાં જ એક કાર્યક્રમમા અમૂક સુંદર પ્રોગ્રામ અંતમા રાખવાની હિમાલય જેવડી ભૂલ સંચાલકે કરી ( જો કે એને માટે સંચાલક પાસે તેમ કરવાના કારણો પણ હતા જ ) અને એ ઉત્તમ કાર્યક્રમ શ્રોતાઓની ગેરહાજરીને કારણે પ્રેક્ષકો સુધી ના પહોંચી શક્યો.  બસ…સંસ્થાના કાર્યકરો પર માછલા ધોવાયા.બબ્બે-ત્રણ ત્રણ મહિના સુધી કરેલી જહેમત એપ્રીસિયેટ કરવાને બદલે  તેમને જૂતા મારવાનું જ બાકી રખાયું.

 

 

 

કદાચ ટિકાકારોનો હેતુ ,ભૂલો પ્રત્યે માત્ર અંગૂલિનિર્દેશ કરવાનો જ હોઈ શકે. પણ એ ભૂલોને રાઈનો પહાડ કરી દઈને શૂળી પર ચઢાવવા માટે તૈયાર લોકો ટાંપીને બેઠા જ હોય છે.

 

સૌ પ્રથમ તો આવી ટીકાઓ થાય ત્યારે આપણે આત્મનિરિક્ષણ કરવું જોઇયે.

 

આપણી ભૂલ થઈ હોય તો એનો સ્વીકાર કરીને ફરી તેવી ભૂલ ન થાય તે માટે પગલા લેવા જોઈયે.ટીકાકાર સર્જનાત્મક ટીકાકાર હોય તો ભૂલનિર્દેશ પ્રત્યે તેનો આભાર માનવો. પણ ટીકાકાર જો વિઘ્નસંતોષી અને માત્ર કુથલીખોર, હવનમા હાડકા નાખનાર દુષ્ટ માનવી લાગે તો મૌન ધારણ કરી લેવું અને તેની ઉપેક્ષા કરવી. છતાં ટીકામાં જો સાર હોય તો તેટલા અંશે તેનો સ્વીકાર કરીને આત્મદર્શન દ્વારા કંઇક શિખવુ.ટીકાના સરવાળા કરવાને બદલે તેની બાદબાકી કરવી.ટીકાખોરો કોલસા જેવા હોય છે. એ  ઉજળા બને એની રાહ જોવાને બદલે એ જેવા છે તેવા તેને સ્વીકારી લઈને આપણા કાન બંધ કરી દેવા એ જ આપણે માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

 

  ટીકાખોરી એ ચેપી રોગ છે. એ વ્યક્તિ બીજી વ્યક્તિની ટીકા કરે, એ ટીકાનો ભોગ બનેલો માણસ પણ એનાથી યે અદકેરી, આકરી ટીકા કરવા મેદાને પડવાનો કારણ કે  માણસને ટીકાત્મક શબ્દો તીરની જેમ સાલતા હોય છે.

 

માણસ જ્યારે કોઇપણ વસ્તુ, વ્યક્તિ, સ્થિતિ કે પરિસ્થિતીની ટીકા કરતો હોય છે ત્યારે મનોમન પોતાની જાત માટે એ એમ જ માનતો હોય છે કે હું તો આવી ભૂલ ન જ કરત. પોતે તેવા દોષ કે ટીકાપાત્ર પરિસ્થિતિથી સાવ મુક્ત છે. સત્ય માણસને કટુ સ્વાદવાળા ભોજન જેવુ લાગે છે જ્યારે ટીકાભર્યુ અસત્ય તેને  છપ્પનભોગ જેવુ સ્વાદિષ્ટ લાગે છે !

 

 

 

માણસ ટીકા કે નિંદા સહન કરવામા સાવ પોચટ હોય છે.લોકલાજ કે તેના ડર માત્રથી વિહ્વળ બની જાય છે.ટીકાખોર તો નિરાંતે ઊંઘી જાય છે પણ જેની ટીકા થઈ હોય છે તે તો પથારીમાં પાસા ઘસ્યા કરે છે.માટે આપણામા રહેલી સહિષ્ણુતા અને શુભદ્રષ્ટિ જ આપણને ટીકા પર વિજય મેળવવામા મદદરૂપ થાય છે. ટીકાખોર ઘૂવડ જેવા હોય છે. તેમનાથી તેજસ્વી માણસના વ્યક્તિત્વની ધવલતા, ઉજાસ કે પ્રકાશ સહન નથી થતા !  ટીકા ભયંકર હોય છે કારણ કે તે માણસના આત્મગૌરવ પર આક્રમણ કરીને એને હચમચાવી મૂકે છે તથા માણસમા રહેલા ક્રોધને પ્રદિપ્ત કરવાનું પ્રોત્સાહન પૂરુ પાડે છે. આજ લગી થયેલા યુદ્ધોનું જો વિહંગાવલોકન કરવામા આવે તો જણાશે કે શસ્ત્ર કરતા આલોચક કે ટીકાખોરની કથોલી જીભનું કારસ્તાન જ કેન્દ્રસ્થાને રહ્યુ જણાશે.

 

 

 

મારા અંગત મત પ્રમાણે, કોઈપણ ભારતિય સંસ્થામા આગેવાન થયા વગર, સેવા કરવાની વ્રુત્તિ હોય તો માત્ર વોલન્ટિયર તરીકે થાય તેટલું કરવુ. આગળની હરોળમા બેસવાની વ્રુત્તિ ત્યજવી. સ્ટેજ પર મોટા ભા થવાનું તો ટાળવું જ. છેલ્લી હરોળમા બેસીને પ્રવ્રુત્તિઓનો આનંદ માણવો અને ચૂપચાપ વિદાય થવું. ગુપ્ત મતદાન કરવું પણ આંગળી ઉંચી કરવાની થાય તો ધીરેથી ખસી જવું. તાજેતરમાં એક સેવાભાવી સંસ્થાના ટ્રસ્ટીઓની સેવાની કદર કરવાને બદલે તેમની હકાલપટી કરવા માટેના રણશિંગા જોઈને તો મને ઉબકા જ આવી ગયા હતા !

 

ગુજરાતી ભાષાનું એક પણ અખબાર કોમ્યુનિટીના સમાચારો, અહેવાલો લખવા માટે પુરસ્કાર આપતું નથી.  અરે! લેખની નકલ કે જે ઈસ્યૂમા અહેવાલ છપાયો હોય તેની એક કોમ્પ્લિમેન્ટરી કોપી સુદ્ધાં મોકલવાનું સૌજન્ય દાખવતા નથી. લેખકને પણ પોતાના લેખની નકલ મેળવવા માટે લવાજમ ભરવા પડે છે. અને એ ગુજરાતી ભાષાના જતન અને સંવર્ધન માટે ગુજરાતી લેખકે પોતાના કિંમતી સમયનો ભોગ આપીને સમાજ માટે કંઈક કર્યાનો વાંઝિયો સંતોષ માનવાનો !ફોટા પાડો, સ્કેન કરો, કેપ્શનડ કરો, ઇ-મેઈલ કરો.. ફોર વોટ ? તમારુ એક નામ લેખ નીચે છપાયેલું જોઈને મિથ્યાભિમાન સંતોષવા માટે અને.. કોઈની શરતચૂકથી કોઈ કાર્યકરનો નામોલ્લેખ કરવાનો રહી ગયો હોય તો તો આવી જ બન્યુ ! તમે નિષ્પક્ષ નથી,’ તમે કોઈને ફેવર કરો છોજેવા આક્ષેપો સહન કરવા માટે તૈયાર રહેવાનું. શ્રી રામ…શ્રી રામ..શ્રી રામ..

 

 

 

મેં તો લગભગ નક્કી  જ કરી નાંખ્યું છે કે હવે કોઈપણ સંસ્થાની પ્રવ્રુત્તિઓના અહેવાલો લખવાને બદલે મારી સર્જનશક્તિનો ઉપયોગ મારા બ્લોગ પર સર્જનાત્મક લખાણો લખવામા કરવો.ગુજરાતી સમાજ, સાહિત્ય સરિતા, સિનિયર સિટિઝન એસોસિયેશન…કશું જ નહી.બસ..જીવન વિષયક ચિંતન..મનન..મનગમતા પુસ્તકોનુ વાંચન…લેખન…

 

 

 

આજે બસ માત્ર આટલું જ….

 

 

 

અસ્તુ….

 

 

 

નવીન  બેન્કર

 

૨૦ માર્ચ, ૨૦૧૧-  હોળીનું પર્વ.

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.