મારા બાળપણનાં સંસ્મરણો- પ્રકરણ ૧
(૧) વિદુ અને કમુ
વિદુ એટલે મારા પિતાશ્રીના બા- મારા દાદી-વિદ્યાબા. અને કમુ એટલે
મારી માતા-કમળાબેન.મારા પિતાશ્રીનું નામ રસિકલાલ રતનલાલ બેન્કર.
પિતાશ્રીનું મોસાળ સાબરકાંઠા જીલ્લાનું એકલારા ગામ. આરસોડિયા પાસે
આવેલું આ ગામ ઉંચા ઊચા ટેકરાઓની ભેખડ પર વસેલું છે. મારા જન્મ
વખતે એસ.ટી.ની બસો અત્યારની જેમ છેક ગામમાં જતી ન હતી.
અમદાવાદથી જાદર સુધી બસ જાય.પછી દાવડ થઈને અમે
ચાલતા ચાલતા એકલારા જતાં એવું સ્મરણમાં છે. વર્ષો પછી, હિંમતનગરથી
એકલારા સુધીની બસો શરુ થઈ હતી. મને ત્યાંની ભેખડો, નદી અને ઉંચા
ટેકરા પર આવેલું મહાદેવજીનું મંદીર ખુબ ગમતું. ગામની સ્ત્રીઓ ઉંચી
ભેખડો પરથી, માથે બેડા મૂકીને પાણી ભરવા જતી કે કપડાનું તગારુ અને
લાકડાનો ધોકો લઇને નદીએ કપડા ધોવા જતી હતી એ દ્ર્ષ્ય પણ મને હજી
યાદ છે. મારી સોળ વર્ષની વયે, એ વખતે મારી સમવયસ્ક એકાદ બે છોકરીઓ
જે મને ગમતી એ પણ યાદ છે. એ ગામમાં એક ‘માઢ‘ નામે ઓળખાતું, ડેલીબંધ
માટીનું ઘર હતું જ્યાં મારી વિદ્યાબાના બે ભાઇઓ સહકુટુંબ રહેતા હતા- લાલામામા
અને ચમનમામા. લાલામામા શાંત માનવી હતા. એમને ચાર દીકરા અને બે
દીકરીઓ હતી.લાલામામા પોટલુ લઈને આજુબાજુના ગામોમાં જીવનજરુરી
ચીજવસ્તુઓની ફેરી કરવા જતા અને સાંજે બે પૈસા કમાઇને ઘેર પાછા ફરતા
શ્રમજીવી ઇન્સાન હતા.ચમનમામા પણ કંઇક એવી જ રીતે આજીવિકા ચલાવતા.
ચમનમામા છ ફૂટથી પણ ઉંચા, પાતળા હેન્ડસમ માણસ હતા. તે આજીવન
અપરિણીત રહેલા. રસોઇ પણ જાતે જ કરી લેતા. વિદ્યાબાના ત્રીજા એક ભાઇ
જેમને અમે બબામામા કહેતા હતા એ કરડા ચહેરાના, ગરમ મિજાજના,
ડારતુ વ્યક્તિત્વ ધરાવતા ઇન્સાન હતા.એમને બે દીકરા અને એક દીકરી-
એમ ત્રણ સંતાન હતા. મારા દાદી વિદ્યાબાને બીજી એક બહેન પણ હતી-જેમને
અમે ‘મંગુમાસી‘ કહેતા. મંગુમાસી અને વિદ્યાબાના સ્વભાવ વચ્ચે આભ-ધરતીનું
અંતર. વિદ્યાબા કઠોર, ગરમ મિજાજના, વાતેવાતે વાંધાવચકા પાડી દેનારા અને
આક્રમક સ્વભાવના હતા તો સામે પક્ષે, મંગુમાસી શાંત સ્વભાવના,સબમિસીવ,
સહનશીલ અને પ્રેમાળ. જો કે દાદી અને માસી બન્ને મને તો ભરપુર પ્રેમ કરતા.
મંગુમાસીનું સાસરુ દહેગામ-રખિયાલ પાસે આંબલિયારા નજીક ઊંટરડા નામનું ગામ.
એ ગામ પણ નદીની ભેખડો પર વસેલું મુખ્ય તો ઠાકરડા,બ્રાહ્મણ, વાણીયા, સુથાર જેવી
વસ્તી ધરાવતું નાનકડુ ગામ.આ બન્ને ગામોમાં એ જમાનામાં પાણીના નળ કે ઇલેક્ટ્રીસિટી
કનેક્શનો ન હતા. અમે લોટામાં પાણી લઇને,બબ્બે માઇલ ચાલીને ભેખડો વચ્ચે ઓઠા
શોધીને શૌચક્રિયા પતાવતા એનું સ્મરણ છે. આજે એ યાદ આવે છે ત્યારે અચરજ થાય છે કે
માત્ર એક લોટા પાણીથી કેવી રીતે અમે મેનેજ કરી લેતા હતા ! કોઇના લગ્નપ્રસંગે અમદાવાદથી
જાન આવી હોય તો વહેલી સવારે આઠ આઠ દસ દસ પુરુષો અને સ્ત્રીઓ લોટા લઈને ઓઠા શોધવા
નીકળતી અને કેવા કેવા રમૂજી છબરડાઓ વળતા એની વાતોથી તો મેં લોકોને ખૂબ હસાવ્યા છે.
મારી અઢાર વર્ષની ઉંમરે ઊંટરડા ગામની બે રુપાળી છોકરીઓ મને ખુબ ગમી ગયેલી અને એમાંની
એકાદીની સાથે મારા લગ્ન થાય એવી મારી ઇચ્છા હતી એ વખતે. એકના તો વિવાહ મારા એક
દોસ્ત સાથે નાનપણમાં જ થઈ ગયેલા.છતાં માનવસ્વભાવ પ્રમાણે હું લાઇન મારવાનું છોડતો
ન હતો. એ છોકરીની બા પણ મને ખુબ ગમતી અને એ બા પણ મને પસંદ કરતા હતા.
થોડા વર્ષો પછી, એના વેવિશાળ તૂટી ગયા. મને થયું કે હવે આપણી લાઇન ક્લીયર છે.
પણ મારા દાદીમાના આકરા સ્વભાવને કારણે એ શક્ય ના બન્યું અને એ બીજે પરણી ગઈ.
અમે બન્ને અમારું પરસ્પરનું આકર્ષણ જાણતા હતા, માત્ર જબાન પર એ લાગણીને ‘પ્રેમ‘નું નામ
આપ્યું ન હતું. અમે એક જ જ્ઞાતિના હોવાને કારણે, લગ્નપ્રસંગોએ અવારનવાર એકબીજાને
જોતા હતા. એની બા પણ હંમેશાં મારા પર પ્રેમ રાખતા અને એક વખત તો મને કહ્યું પણ હતું કે
–‘નવીન, વિદ્યાબાના સ્વભાવનો અમને વાંધો ન હોત તો તું મારો જમાઇ બન્યો હોત.‘ પચાસ વર્ષો
વીતી ગયા.એને પણ બે-ચાર સંતાનો થઇ ગયા.સંતાનો પણ માબાપ બની ગયા. એનો પતિ પણ
ખુબ સારો, સંસ્કારી, સુશિક્ષિત હતો.એને સારી રીતે રાખતો હતો. હમણાં થોડા સમય પહેલાં જ એ
અવસાન પામી. બીજી જે છોકરી મને ગમતી હતી એ તો માત્ર ગમતી જ હતી. કશું ય ડેવલપમેન્ટ
થયું જ ન હતું. એ સ્ત્રી પણ એના પતિ અને બાળકો સાથે સુખરુપ જીવન વીતાવી રહી છે.
મુગ્ધાવસ્થાની મને ગમી ગયેલી આ બે છોકરીઓ અંગેના સંસ્મરણોને થોડાક કલ્પનાના રંગોથી સજાવીને મેં બે પોકેટબૂકો પણ ૧૯૬૮ના વર્ષોમાં લખેલી અને છપાવેલી. પણ અત્રે એ અપ્રસ્તુત છે.મંગુમાસીને એક દીકરો-ગુણવંત. મારો તો કાકો થાય, પણ મિત્ર બની
ગયેલો. એના લગ્ન હીરાબેન સાથે થયેલા અને હું એના લગ્નમાં યે ગયેલો. આ ગુણવંત અને
હીરાકાકી ગુજરી ગયા. અત્યારે એમના બે દીકરા , ચાર દીકરીઓ અને તેમનો વસ્તાર અમદાવાદમાં
સુખી છે. એક દીકરો જયેશ તો મારો મિત્ર છે અને અમદાવાદના મારા ઘરનું ધ્યાન રાખે છે.
ઊંટરડા ગામમાં એક ‘દીપામા‘ નામે ઓળખાતા દીપેશ્વરી માતાનું મંદીર પણ ડેવેલપ થયેલું છે
અને હવે તો કહે છે ત્યાં અમૂક દિવસે મોટો મેળો ભરાય છે અને કારોની લાઇનો લાગે છે.
લોકો માનતાઓ ઉતારવા આવે છે. મારી આવી બધી બાબતોમાં શ્રધ્ધા નહીંવત, છતાં મારી
પત્નીની લાગણી ના દુભાય એટલા ખાતર હું એની સાથે જઉં અને લટકસલામી કરી દઉં.
એ ગામમાં એક બ્રાહ્મણનો દીકરો જે મારી જ ઉંમરનો હતો એ બાપદાદાનો ધંધો સંભાળે અને
કથા વાર્તા, લગ્નો જેવા ક્રિયાકર્મો કરાવીને આજે ય આજીવિકા મેળવે છે. એનું નામ ચંદ્રકાંત જોશી.
બીજા મારા બે મિત્રો હતા.એકનું નામ અમરત અને બીજાનું નામ મુકુંદ. બન્ને સગા ભાઇઓ હતા
જેમની સાથે હું મારા મનની વાતો કરું. આજે હજૂ મુકુંદ અને ચન્દ્રકાંત હયાત છે.
હવે આવું મારા મોસાળ ‘ભૂડાસણ‘ ની વાત પર.
મારી બા કમુનું મોસાળ રખિયાલ પાસે સાહેબજીના મુવાડા નામના ગામમાં. એની મા એટલે કે
મારા ‘નાની‘ રેવાબેનના લગ્ન જીંડવા પાસેના ભૂડાસણ ગામે. આ જિંડવા ગામને એ બાજુ
જેંડવું કહે છે. હિંમતનગરને ‘અમનગર‘ અને ખેડબ્રહ્માને ‘ભરમાની ખેડ ‘ તરીકે લોકો ઓળખે છે.
મેં મારા નાના કે દાદાને જોયા નથી. રેવાબા અને વિદ્યાબાને વિધવા તરીકે જ જોયા છે.
રતનલાલ કે મણીલાલ શો વ્યવસાય કરતા કે કેવા માણસ હતા એ અંગે મેં કદી પ્રુચ્છા ય કરી નથી.
રેવાબા શાંત, સૌમ્ય સ્વભાવના-ભગવાનનું માણસ. કોઇ દિવસ મેં એમને ઉંચા સાદે બોલતા
કે ઝઘડતા જોયા નથી. ઘરની પરસાળમાં આગલી ઓરડીમાં કરિયાણું અને ગોળની નાનકડી
હાટડી ચલાવીને પોતાનું અને પોતાની ત્રણ દીકરીઓનું ભરણપોષણ કરતા. મારી કમુની
એક બહેન-તે સીતામાસી.એમના લગ્ન ગાંધીનગર જીલ્લાના સાદરા ગામની પાસે આવેલા
‘મોટી શીહોલી‘ નામના ગામમાં કાળીદાસ શાહ સાથે થયેલા.અને બીજી માસીના લગ્ન
અમદાવાદના એક ચોક્સી હિરાલાલ કેવળદાસ નામના સજ્જન સાથે થયેલા. એ માસીનું
તો નામ પણ આજે મને યાદ આવતું નથી. હિરામાસા પણ ગુજરી ગયા છે.મારા એ માસીની
દીકરી પ્રવિણા આજે હયાત છે.અહીં વંશાવળી લખવાનો કોઇ અર્થ નથી. એટલે મારી બા-કમુ-ની વાત પર જ આવું.
સહનશીલતા…ક્ષમા…સહાનુભૂતિ…સમતા..ઔદાર્ય…ધાર્મિકતા…ના અવતાર સમાન મારી
માની મૂર્તી આજેય, આટલે વર્ષે પણ હજી અકબંધ રીતે મારા મનોચક્ષુ સમક્ષ તરવરી રહે છે.
મા ખુબ સહનશીલ. ક્યારેય મનનો ઉકળાટ કોઇની પાસે ઠલવતી નહીં. ક્રોધી પતિ અને
લલિતાપવાર જેવી સાસુ સામે હરફ પણ ઉચ્ચારતી નહીં. મને તો ઘણીવાર એના પર ગુસ્સો
આવતો કે શા માટે એ આ બધું સહન કરી લે છે ! હું માનું ઉપરાણું લઈને દાદી અને બાપ જોડે
ઝઘડી પડતો.આજે ય મને ‘ઝી ટીવી‘ની સિરીયલોની અર્ચનાઓ, આભાઓ કે આરતીઓ
નથી ગમતી. શા માટે ઝઘડતી સાસુઓ, નણંદો કે દેરાણા-જેઠાણાના અપમાનો મૂંગે મોઢે સહન કરતી હશે ?
મારો જન્મ, મારી મા જ્યારે સત્તર વર્ષની હતી ત્યારે થયેલો એવું મારી દાદી કાયમ કહેતા.
‘તારી માએ એ સત્તર વર્ષની હતી ત્યારે તને જણેલો.‘ એટલે હું આજે ૭૨ વર્ષનો હોઊ તો
મારા બા આજે હયાત હોત તો ૮૯ વર્ષના હોત. મારા પિતાશ્રીએ ૩૨ વર્ષની વયે લગ્ન કરેલા એવું દાદી કહેતા.
કમુ-મારી મા- ચાર ફૂટ દસ ઇંચની ઉંચાઇ ધરાવતી, બેઠી દડીની, સામાન્ય દેખાવની સ્ત્રી હતી.
અતિ ઋજુ સ્વભાવ…ક્રોધ અને અપમાનો સહન કરી લેવાનું વલણ…શાંત…નિરામય…વ્યથામુક્ત.
.ઇશ્વરપ્રીતિ…એના સ્વભાવના પાસા હતા.હું મારા પિતા જેવા ક્રોધી સ્વભાવનો અને સમાધાન ન
કરવાની વ્રુત્તી ધરાવતો, આક્રમક મિજાજનો માણસ છું. કિશોર વયમાં અને યુવાનીમાં લડાઇ-ઝઘડા
ખુબ કર્યા છે. એટલે મા બિચારી હંમેશાં ડરતી અને ફફડતી.મને ક્યારેય ઉંચા સાદે બોલી નથી.
મને કદી પણ લડી નથી. મારવાની તો કલ્પના જ ન કરી શકાય. એના છેલ્લા વર્ષોમાં એ મારી
નાની બહેન સુષ્માને ઘેર રહેતી હતી. ત્યાંથી મને હ્યુસ્ટન ફોન કરી કરીને અવારનવાર કહે-
‘ભઈ…આજે મોટી અગિયારશ છે…ભીમ-અગિયારશ…પરસોત્તમ મહીનાનો છેલ્લો સોમવાર.
ઉપવાસ કરવાનું મોટુ મહાત્મ્ય છે..‘‘તને પાંસઠ થયા ( એ વખતે) . હવે પ્રભુભજનમાં ચિત્ત પરોવ.
એ જ સાથે આવવાનું છે.નાટક-ભવૈયા છોડ હવે.‘એ શબ્દોના ભણકારા હજી સંભળાય છે.
જેમ જેમ મારો સમય નજીક આવતો જાય છે તેમ તેમ એ શબ્દોની તીવ્રતાનો હું અનુભવ વધુ કરું છું.
માના અવસાન પછી, પ્રત્યક્ષપળે અને સ્થુળ રીતે ભલે મારાથી એ ચિરવિયોગની વ્યથા, સુષ્માની
જેમ વ્યક્ત નથી થઇ શકતી પણ એ વ્યથા હ્રદયના સાતમા પાતાળ જેવા કોઇ સ્તરે તો સંચિત
અને ઘનીભુત થતી જ રહે છે. એ નિર્વ્યાજ, નિઃસીમ, કશું ન માંગતા અને સતત આપતા રહેતા
પ્રેમની નક્કર અમીટ અનુભૂતિનો અહેસાસ આજે વધુ અનુભવું છું.ચંપલ પહેર્યા વગર ,ઉઘાડા પગે,
બળબળતા તાપમાં માને મેં બહાર જતા જોઇ છે.કોઇને ઝઘડતા જોઇને એનું મ્હોં સૂકાઇ જતું.
ફરિયાદ કે અણગમાનો એક શબ્દ પણ એ ઉચ્ચારતી નહીં.ન સિનેમા…ન નાટક…ન હરવાફરવા જવાનું..
.એ ભલી ને એની પાણીની ચોકડી ભલી…આડોશપાડોશમાં જઈને કુથલી કરવાની એની ટેવ નહીં.
મારી નાની બહેન સુષ્મા ( અમે વહાલમાં એને શકુ કહીએ છીએ ) એને ખુબ વહાલી. એ શકુએ અને
મારા બનેવીલાલ ડોક્ટર શ્રેણિક શાહે એને સાચવી.શ્રેણિકભાઇએ તો પોતાની માની જેમ એને સાચવી.
છેલ્લે, એણે, મારા નાના ભાઇ વીરુને ઘેર જઈ,એને ગરમ ગરમ ફુલ્કા રોટલી ખવડાવીને પોતાની
જીવનલીલા સંકેલી લીધી. કોઇ માંદગી નહીં..કોઇની પાસે ચાકરી કરાવી નથી.
માની વાતો અને સંસ્મરણોનો તો કોઇ અંત નથી. હજી વચ્ચે વચ્ચે એ આવ્યા જ કરશે.
હવે ‘વિદુ‘ ( મારી દાદી)ની વાતો કરીએ. દાદીના સંસ્મરણો ખુબ છે.
પ્રકરણ ૨
માની વાતો અને સંસ્મરણોનો તો કોઇ અંત નથી. હજી વચ્ચે વચ્ચે એ આવ્યા જ કરશે. હવે ‘વિદુ‘ ( મારી દાદી)ની વાતો કરીએ. દાદીના સંસ્મરણો ખુબ છે.
વિદુ
વિદુ એટલે વિદ્યાબા-મારા દાદીમા. મેં વિદ્યાબાને મારા બાળપણથી માંડીને એ જીવ્યા ત્યાં સુધી એકધારા એકસરખા જ જોયા છે. પાતળી દેહયષ્ટી, ગૌર વર્ણ, આંખે ચશ્મા, સફેદ વાળ, મોટેભાગે કથ્થઈ કે વાદળી રંગની છીદરી, સફેદ ચણીયો અને સફેદ બ્લાઊઝ…..અવાજમાં મક્કમતા અને કંઇક કરડાકી, દ્રષ્ટાંતો અને વાર્તાઓ કહેવામાં એક નંબર, કટાક્ષ કરીને કોઈની પણ ફીરકી ઉતારી દેવામાં નિપુણ, સેન્સ ઓફ હ્યુમર પણ ખુબ જ….મોટાભાગના લોકો-ખાસ તો પાડોશીઓ અને મારા બાળપણના મિત્રો- તેમનાથી ડરતા અને તેમની સાથે વાદવિવાદમાં ઉતરવાનું ટાળતા…મારી શાળાના શિક્ષકો પણ તેમનાથી એક અંતર રાખતા. એમના અવસાન પછી, મારી નાની બહેન ડોક્ટર કોકિલા પરીખના એક મિત્ર ડોકટર સુમન પંડ્યાએ એમને અંજલિ આપતો એક સરસ પત્ર વર્ષો પહેલા લખેલો એ પત્ર જો મને મળશે તો ભવિષ્યમાં એના શબ્દો અહીં લખવા મને ગમશે. બાની ક્વોલીટીઝને બિરદાવતા એ શબ્દો ‘તમારા દાદી સ્ત્રી દેહે પુરુષ હતા”મારે મન સૌથી મોટો એવોર્ડ છે.
વિદ્યાબાના પતિ એટલે કે મારા દાદાનું કોઇ ચિત્ર કે ફોટો મેં જોયા નથી. એ શું કરતા હતા એ અંગે પણ મને કાંઇ ખબર નથી. મારા દાદી, બે પુત્રોને જન્મ આપ્યા બાદ, જુવાનીમાં જ વિધવા થયેલા. મારા પિતાશ્રી રસિક્લાલ અને કાકા રમણલાલ. રમણલાલ આજીવન અપરિણીત રહેલા.એમને એક છોકરી ગમતી હતી અને તેની સાથે એમને લગ્ન પણ કરવા હતા. આ અંગે તેમણે સ્પષ્ટપણે મારા દાદીને મારી હાજરીમાં જાણ પણ કરેલી. એ છોકરી પણ રમણકાકાને પસંદ કરતી હતી એ હું મારી એ કિશોરવયે પણ સમજતો હતો. ગમે તે કારણસર એ સંબંધ શક્ય બન્યો ન હતો. પછી એ છોકરીના લગ્ન પીપળજ ગામના એક સુખી ધંધાદારી વાણિયા સાથે થયેલા. હમણાં ગયા માર્ચ માસમાં હું જ્ઞાતિના સમૂહલગ્ન પ્રસંગે ગયેલો ત્યારે એ છોકરીના પૌત્રના લગ્ન વખતે મને જાણવા મળેલું કે એના દાદા-દાદી તો વર્ષો પહેલાં ગુજરી ગયા હતા. જેને મેં યુવાન અપરિણીત છોકરી તરીકે જોઇ હતી એના યે પૌત્રના લગ્ન મેં જોયા ત્યારે મને અહેસાસ થયો કે હું કેટલો વ્રુધ્ધ થઈ ગયો છું. ( જો કે હું ત્યારે જેકેટ અને ગોગલ્સ પહેરીને વટ મારવા પ્રયત્નો કરતો હતો). હસવું આવ્યું ને તમને આ વાંચીને ? મને સમૂહલગ્નોમાં જવું ગમે છે. ખુબ જૂના જૂના સંબંધીઓ મળી જાય છે. ત્યારે આનંદ થાય છે !
મારા પિતાશ્રી રસિકલાલ સુદ્ર્ઢ કદ-કાઠીના, ઉંચા, શોખીનમિજાજ, પણ તામસી સ્વભાવના માણસ. મારા સ્ટડીરુમમાં એમનો જે ફોટો લટકાવેલો છે એ, ફિલ્મોના પેલા ઇફ્તેખારની યાદ અપાવે છે.તમે ફિલ્મો જોતાં હશો તો, અમિતાભ બચ્ચનની ‘ડોન‘ ફિલ્મમાં જે પોલીસ ઓફીસર અમિતાભને નકલી ડોન બનાવીને ગુંડાટોળીમાં મોકલે છે અને ફિલ્મ દીવારમાં બાળપણના અમિતાભ પાસે બૂટ પોલીસ કરાવતાં ડાયલોગ ફેંકે છે કે- ‘જમીન ફેંકે હુએ પૈસે નહીં ઉઠાનેવાલા યે લડકા લંબી રેસકા ઘોડા હૈ‘ એ કલાકાર. વર્ષો જુની અભિનેત્રી વીણાનો એ સગ્ગો ભાઇ થાય. મને ખાત્રી છે કે તમને તો વીણા કોણ એ પણ યાદ નહીં હોય. મોગલે આઝમમાં ‘તેરી કિસમત આઝમા કર હમ ભી દેખેંગે‘ કવ્વાલીમાં એ મુખ્ય કલાકાર હતી.
પિતાશ્રી અમદાવાદની જુની માણેકચોક મીલ કે જે એ જમાનામાં ‘બિલાડીબાગ મીલ‘ના નામે ઓળખાતી હતી એમાં કોઇ સારી પોસ્ટ પર હતા એવું મને લાગે છે કારણકે ઘણા સપ્લાયરો અમારે ઘેર આવીને પિતાશ્રીને મસ્કા મારતા અને મને મીઠાઇનું બોક્ષ કે નોટબુકો આપવાનો પ્રયત્ન કરતા અને મોટાભાઇ
(અમે બધા બાળકો પિતાશ્રીને મોટાભાઇ કહેતા) એનો સવિનય અસ્વીકાર કરતા. આમાં એક વ્યક્તિ મને આજે ય બરાબર યાદ છે.ગાંધીરોડ પર, પતાસા પોળની સામેની બાજુ,લલિતા ફેકટરીની જોડે એક પ્રીન્ટીંગ પ્રેસ હતું એના માલીક અમારા સારા દિવસોમાં અમારે ઘેર આવતા. મને રમાડતા અને નોટબુકો આપતા.થોડાક વર્ષો પછી, અમારા ખરાબ દિવસો આવ્યા. અમે બેહાલ થઈ ગયા હતા. પેલા શેઠને ત્યાં હું નોટબુકો લેવા ગયો હતો ત્યારે એ માણસે મને હડધૂત કરીને કાઢી મૂક્યો હતો. એવા તો ઘણા કિસ્સા યાદ આવે છે. ક્યારેક ફી અને પુસ્તકો માટે શ્રીમંત શ્રેઠીયાને ત્યાં કલાકો સુધી વેઇટીંગ રુમમાં રાહ જોવાના દિવસો, રસ્તા પર બૂમો પાડીને ‘સંદેશ‘, ‘ગુજરાત‘, ‘જનસતા‘ વેચવાના દિવસો, દીવાળીના તહેવારોમાં ગળે પાટીયુ ભરાવીને, તડતડીયાની લૂમો વેચવાના દિવસો,’સંદેશ‘ પ્રેસમાં શબ્દરચના હરિફાઈઓની ઓફીસમાં કલાકના ચાર આનાના મહેનતાણા પર બાર બાર કલાક કામ કરવાના દિવસો, કેલેન્ડરના દટ્ટાઓને કાપવાના મશીનોના હેન્ડલ ફેરવીને , પરસેવો પાડી પાડીને, મહેનત કરવાના દિવસો, રેલ્વે સ્ટેશન પર ઓટોરીક્ષાની પાછળ દોડી દોડીને ગ્રાહકોને છાપાં વેચવાના, બાંધેલા ગ્રાહકોને વહેલી સવારે છાપાં પહોંચાડવા, ઉઘાડા પગે દોડવાના સંઘર્ષમય દિવસોની યાદો, ગરીબીને કારણે સહન કરેલા અપમાનો, પોલીસોનો માર…ને એ બધું યાદ આવે છે ત્યારે એમ થાય છે કે એ દિવસો ફરી નથી આવવાના. જ્યારે જ્યારે અમદાવાદ જઉં ત્યારે રાયપુર ભાઉની પોળને નાકે નવીન પેપર સ્ટોલના માલીક નવીન સાથે અને સારંગપુર તળીયાની પોળના નાકે ઓટલા પર છાપાં વેચવા બેસતા શશીકાંત સાથે જૂના દિવસો યાદ કરી લઉં. શશીકાંત ગયા વર્ષે ગુજરી ગયો. ભાઉની પોળનો નવીન હજી જીવે છે-મારી જેમ. એના છોકરાઓ એના કામમાં હાથ લંબાવે છે.
સોરી ! આડી વાતે ઉતરી ગયો.
મોટાભાઇનો એક બીજો મિત્ર આજે ય યાદ છે. રાયપુર ચકલામાં, ચકલેશ્વર મહાદેવ પાસે હોટલની ફૂટપાથ પર એની બેઠક. ( આમ તો અડ્ડૉ શબ્દ જ વધુ એપ્રોપ્રીએટ ગણાય). ગોરો વર્ણ, ઉંચો, વાંકડીયા ઝુલ્ફા, ગલોફામાં પાનનો ડૂચો, મારકણું સ્મિત, મોટેભાગે સફેદ પેન્ટ-શર્ટનો પહેરવેશ, મીઠી વાણી ધરાવતો હેન્ડસમ યુવાન. નામ એનું બુલબુલ શેઠ. એની ખુબસુરત વાતોની અસર હજી આજે આટલા વર્ષે પણ મારા પર છે. મારા પિતાશ્રીના અવસાન પછી રતનપોળના રીલીફરોડવાળા છેડે, રુપમ સિનેમાના પાછળના દરવાજાની બાજુમાં ઉંચા ઓટલાવાળી એક ચાહની દુકાન પર હું એમને જોતો હતો. આજે તો એ દુકાનો નથી. સાડીઓના શો કેસ થઈ ગયા છે.
મોટાભાઇને, સારા દિવસોમાં,
નાટકો જોવાનો ખુબ શોખ હતો. ઘીકાંટા રોડ પર જ્યાં પ્રકાશ સિનેમા હતું એ જગ્યા પર ત્યારે નાટક થિયેટર હતું. આર્યનૈતિક નાટક સમાજ, લક્ષ્મીકાંત થિયેટરના નાટકો ત્યાં ભજવાય. મોટાભાઇ મને સાથે લઇ જાય. આગલી હરોળમાં જ મિત્રો સાથે બેસે. રાણી પ્રેમલતા, માસ્ટર અશરફખાન, ચંપકલાલા, સોહરાબ મોદી, પ્રાણસુખ નાયક, છગન રોમીયો, બાબુરાજે જેવાના સામાજિક નાટકો મેં, મોટાભાઈની સાથે જોયા છે. ક્યારેય, મારી મા સાથે આવી હોય એવું યાદ નથી.
એક પ્રસંગ ખાસ યાદ આવે છે. કાયમ મને સાથે લઈ જનાર મારા મોટાભાઇએ એક દિવસ મને કહ્યું-‘ નવીનીયા, તારે કાલે નાટક જોવા નથી આવવાનું.કાલનું નાટક નાના છોકરાઓ માટે નથી અને વળી હિન્દી ભાષામાં છે. બેટા તને ના સમજાય. આપણે પરમદિવસે બીજુ નાટક જોવા જઈશું.‘
મારો કદાચ બાળપણથી જ એ સ્વભાવ રહ્યો છે કે મને જે વસ્તુની કોઇ ના પાડે એ હું પહેલા કરું.મોટાભાઇ તો વહેલા વહેલા નાટકના થિયેટર પર જતા રહ્યા. મારી પાસે ચારેક આના હતા. મારી કમુ (મા) પાસેથી બે-ત્રણ આના લીધા. દાદી પાસેથી બે આના લીધા. અને એ ઉંમરમાં (કદાચ દસ કે બાર વર્ષની ઉંમરમાં) સાંકડીશેરીથી ફૂવારા, જુમ્મા મસ્જીદ,રીગલ સિનેમા, નોવેલ્ટી સિનેમા થઇને હું થિયેટર પર પહોંચી ગયો. સાડા દસ આનાની ટીકીટ લઈને, છેલ્લી હરોળમાં, બાંકડાની રેલીંગ પર ઉભડક બેસીને મેં પહેલો અંક જોયો. પછી, ઇન્ટરવલમાં મોટાભાઇ પાસે જઈને મારી બહાદુરી બતાવી
કહેવાની જરુર નથી કે મોટાભાઈએ બાકીના બે અંક મને સાથે બેસાડીને નાટક જોયું. અહીં ઘેર તો મારી શોધાશોધ થઈ ગઈ હતી. મારી માએ ડરતાં ડરતાં સાચી વાત કહેતાં, મારા લલિતાપવાર જેવા દાદીમા તો મારી મા પર બગડ્યા હતા એ મને પાછળથી ખબર પડી હતી.
એ નાટકનું નામ હતું- ‘આંખકા નશા‘.
આ કલાકરોને મળવા અને બિરદાવવા મારા મોટાભાઇ સાથે હું ગ્રીન રુમમાં ગયેલો ત્યારે એને જોવાનું થયેલું. વર્ષો પછી આ કલાકારને ઘણી હિન્દી ફિલ્મોમાં સાવ ફાલતુ રોલમાં જોયાનું યાદ આવે છે. છેલ્લે છેલ્લે, ભારતભુષણ અભિનીત ફિલ્મ ‘તકદીર‘ના એક જાણીતા ગીતમાં સાઇડ રોલમાં એને જોયો હતો. આમ, નાટકો જોવાનું બીજ મારા પિતાશ્રીએ રોપેલું એમ કહી શકાય.
ઘીકાંટા રોડ પરની ફેલોશીપ હાઇસ્કૂલમાં ભણતો એટલે બપોરના પહેલા શોમાં ગુલ્લા મારી મારીને પાંચ પાંચ આના વાળી ટીકીટોમાં ખુબ ફિલ્મો જોયેલી.
થિયેટરના લાલાઓને, લાઇનમાં ઉભા રહીને કાળા બજારની ટીકીટો લાવી આપીએ એટલે અમને પિક્ચરમાં ઘુસાડી દે એ રીતે પણ ફિલ્મો જોયેલી.ફિલ્મો
માટે મારો એક ખાસ દોસ્ત,મારો લંગોટીયો મિત્ર મહેશ નટવરલાલ જોશી. અમે ઘીકાંટા રોડ પરના, રીગલ,નોવેલ્ટી,એલ.એન.,લક્ષ્મી,પ્રકાશ જેવા થિયેટરોમાં દેવ આનંદના ટેક્ષી ડ્રાયવર,લવ મેરેજ, જેવા પિક્ચરો વીસ વીસ વખત જોયેલા.
મારું બાળમંદીર
સાંકડીશેરીમાં, ખિજડાની પોળમાં આવેલા, રંજનબેન દલાલના મોન્ટેસોરી બાળમંદીરમાં મેં અને મારી નાની બહેન કોકિલાએ ધોરણ એક થી ચાર સુધીનો અભ્યાસ કરેલો. આ રંજનબેન દલાલ એટલે જાણીતા લેખક-સાક્ષર,નાટ્યલેખક શ્રી. જયંતિ દલાલના બીજી વારના પત્ની. રંજનબેન ઉંચા, ગોરા ગોરા,જાજરમાન, પ્રતિભાશાળી વિદ્વાન સામાજીક કાર્યકર.સમાજમાં એમનું વિશિષ્ટ સ્થાન. જયંતિ દલાલ વિષે એ જમાનામાં હું કાંઇ જાણું નહીં. જયંતિભાઇને બધા ‘સાહેબ‘ તરીકે જ સંબોધે-રંજનબેન સુધ્ધાં. ઉંચા, પહોળા જયંતિલાલ ધીમું ધીમું બોલે અને એવું જ ધીમે ધીમે ચાલે. મને રંજનબેનના પતિ તરીકે એ શોભતા નહોતા એવું એ વખતે લાગતું. ૧૯૬૧માં, એ બાળમંદીરની રજતજયંતિ પ્રસંગે અમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ટાઉનહોલમાં, એક કાર્યક્રમ કરેલો.જયંતિ દલાલ લિખિત એકાંકિ નાટક ‘જોઇએ છે, જોઇએ છીએ‘માં મેં સનત ઘોષ નામના એક બંગાળી યુવાનનું પાત્ર ભજવેલુ. આ નાટકની વાત વિગતવાર, હું, મારા નાટ્યવિષયક સંસ્મરણોમાં લખી ચૂક્યો છું. મારા બાળમંદીરના સહાધ્યાયીઓમાં અનીલ જાની, કૈયુર નાણાવટી, દમયંતિ મયાભાઇ શાહ, જ્યોતિ શાહ, વંદના, રશ્મીભાઇ નામદાર,
ઠક્કર, સુકેતુ શેઠ ,શીલા શેઠ, ( પાછળથી શીલા નાણાવટી). આ શીલા શેઠ એટલે હ્યુસ્ટનના રમોલા દલાલના બહેન. હું અને કૈયુર હંમેશા લડતા રહેતા. એ પતાસા પોળમાં રહેતો એટલે અમારો સંપર્ક ઘણાં વર્ષો સુધી ચાલુ રહેલો.શિક્ષકોમાં શિવણ ક્લાસના બહેન એગ્નેસબેન, નમણા અરુણાબેન, જ્યોતિભાઇ, એટલા જ યાદ આવે છે.
(૨) શાળાજીવનની કેટલીક યાદો
પાંચમા ધોરણથી હું લાખા પટેલની પોળમાં, શેઠની પોળમાં આવેલી ફેલોશીપ હાઇસ્કુલમાં દાખલ થયેલો. ત્યાં અમારા હેડમાસ્તર ઠાકોરભાઇ દલાલ. જે વર્ષો સુધી માંડવીની પોળમાં, ગતરાડની પોળમાં રહેલા.અન્ય શિક્ષકોમાં ભાઇલાલભાઇ પટેલ, નિમ્બાલકર ( કે નિમ્બાર્ક ) સાહેબ, સોમાભાઇ પી. પટેલ, યાદ છે. સહાધ્યાયીઓમાં અરવિંદ ઠેકડી ( જે હાલમાં હ્યુસ્ટનમાં જ છે અને ગિરીશભાઇના વેવાઇ થાય), અનીલ, નૈષધ કોટ,નરેન્દ્ર કંસારા, દીનેશ મણીલાલ પટેલ, હરીપ્રસાદ નરસિંહભાઇ પટેલ હરનીશ કાંતિલાલ શાહ ( જેને શિક્ષકો હરનીશ હોક્કો કહેતા ). એટલા સ્મરણમાં છે. આ જે જે નામો લખ્યા તે બધા ભણવામાં હોંશિયાર. પહેલા પાંચ નંબરમાં જ આવે. હું એવરેજ.તોફાની ગણાઉં. વારંવાર મને શિક્ષકો બેંચ પર ઉભા રહેવાની અને હથેળી પર ફૂટપટ્ટીથી સોટી મારવાની શિક્ષા કરતા. અને મારા દાદીમા સ્કૂલમાં આવીને, મારું ઉપરાણું લઈને શિક્ષકોને ધમકાવતા.‘ ખબરદાર..મારા નવીનીયાને માર્યો છે તો !‘. એક વાર તો ભાઇલાલભાઇ પટેલ નામના શિક્ષકે મને શાળા છોટ્યા પછી પણ ઘેર જવા ન દેતાં, ઓફીસ પાસે મુર્ગો બનાવીને બેસાડી રાખેલો ત્યારે મારા દાદીમાએ શાળામાં આવીને શિક્ષકનો ઝભ્ભો પકડીને જે ઝાટકી નાંખેલા તે મને આજે ય યાદ છે.
આઠમા અને નવમું ધોરણ હું, રતનપોળમાં આવેલી બળેલી હવેલી નામે ઓળખાતી બીલ્ડીંગમાં, ફેલોશીપ હાઇસ્કૂલમાં ભણેલો. અહીં મને એક સદગુરુ જેવા શિક્ષક મળ્યા હતા જેમનું નામ મંગુભાઇ દવે. પુરા છ ફૂટ ઉંચા, ઝભ્ભો, ધોતિયુ , બંડી અને કાળી ટોપીમાં શોભતા એ શિક્ષક અમને સંસ્ક્રુત શીખવતા. મારામાં એમને કાંઇક સારુ લાગ્યં હશે એટલે મને સમજાવ્યો કે ‘નવીન, તું હોંશિયાર છે, પણ તારી શક્તિઓને તોફાનોમાં વેડફી નાંખે છે. ભણવામાં ધ્યાન આપે તો પહેલે નંબરે પાસ થાય. તને કાંઇ ન આવડે તો મને કહે. શાળાના સમય પછી પણ હું તને ભણાવીશ.‘ કોણ જાણે કેમ, મને એમની વાત સ્પર્શી ગઈ હતી અને આઠમા ધોરણમાં હું પાંચમા નંબરે પાસ થયો હતો. વચ્ચે એક વાત કહેવાની રહી ગઈ. પી.ટી. ( ફીઝીકલ ટ્રૈનીંગ ) માટે અમને સારંગપુર દરવાજા પાસે હાલમા જયાં ૪૯ નંબરનું બસ સ્ટેન્ડ છે ત્યાં , દર અઠવાડીયે લઈ જવાતા. અહીં મારી ચૌદ વર્ષની ઉંમરે મિત્રોના દેખાદેખી અને કંઇક, દેવ આનંદની સ્ટાઇલો મારવાની શેખી કરવા જતાં , મેં સિગારેટ પીવાનો શોખ કરેલો. અલબત, સિગારેટ પીતા તો આવડતી ન હતી.ગળા નીચે ધૂમાડા ઉતારીને નાકમાંથી ધૂમાડા કાઢતા નહોતું આવડતું પણ અદાથી બે હોઠ વચ્ચે સિગારેટ દબાવીને મ્હોંમાંથી જ ધૂમાડો કાઢવાથી દેવ આનંદ બન્યાનો વહેમ સંતોષાતો હતો. મને યાદ છે કે એ જમાનામાં કાણીયા પૈસામાં હનીડ્યૂ સિગારેટ સૌથી સસ્તી હતી અને તાજ છાપ સિગારેટ બે પૈસાની મળતી. અમે હનીડ્યૂનો ચસ્કો કરતા. આ બહુ લાંબુ નહીં ચાલેલું. એક વાર કોઇ શિક્ષક અમને જોઇ ગયા અને હેડમાસ્તર શ્રી. વૈષ્ણવસાહેબને ફરિયાદ કરી દીધી.ગૌર વર્ણના, ઉંચા, સફેદ વસ્ત્રોમાં શોભતા, સોનેરી ફ્રેમના ચશ્મા પાછળથી ધારદાર નજરે જોનારા એ નાગર કોમના આદરણીય નખશીખ સજ્જન હતા. મને ઠપકો આપ્યો, શિક્ષા પણ કરી. પ્રતિજ્ઞા કરાવી કે હવે પછી ધુમ્રપાન નહીં કરું. જો કે ત્યારપછી, શોખ ખાતર ધુમ્રપાન કદી નથી કર્યું. ક્યારેક નાટકમાં વીલનનો રોલ હોય ત્યારે રોલો પાડવા ધુમ્રપાન કર્યું હશે એ ગનીમત.
નાનપણથી હું ખોટા સોગંદ ખાતા ડરું છું. જેમને હું આદર કરતો હોઊં એ લોકોએ જયારે જ્યારે મારી પાસે પ્રતિજ્ઞાઓ કરાવી છે કે સોગંદ આપ્યા છે ત્યારે મેં એ સોગંદ પાળ્યા છે. મારા દાદીમાએ મારી પાસે પાણી મૂકાવેલું કે- ‘બેટા, આ ચાર વસ્તુ ક્યારેય નહીં કરવાની. (૧) દારુ નહીં પીવાનો. (૨) માંસ નહીં ખાવાનું (૩) જુગાર નહીં રમવાનો અને એક ચોથી વસ્તુ નહીં કરવાની‘. આ ત્રણ વસ્તુઓ મેં આજપર્યંત પાળી છે. ક્યારેય દારુને હાથ નથી લગાડ્યો, નોન્વેજ નથી ખાધું કે કેસિનોમાં જઈને હેન્ડલ પણ નથી પકડ્યું.
અમને ગુજરાતી અને ગણીત શીખવનાર બીજા એક સજ્જન શિક્ષક હતા શ્રી. નરસિંહભાઇ પટેલ. અમદાવાદના મ્યુનિસિપલ કોઠાની ઓફીસો પાસે, દાસના ખમણ વાળા ખાંચામાં મેડા પરના ઘરમા તે રહેતા હતા. એ શિક્ષકનો દીકરો આજે અમારા હ્યુસ્ટનમાં સિ.પી.એ. છે-હરિપ્રસાદ એન. પટેલ. ઘણી સંસ્થાઓમાં તેણે ફ્રી સેવાઓ આપેલી છે. વર્ષોથી મારા ટેક્ષ-રીટર્ન્સ પણ મિત્રદાવે ભરી આપે છે. અને વારતહેવારે અમને ઘેર બોલાવીને જમાડે પણ છે. આજે તો હવે એ રીટાયર્ડ થઈ ગયો છે, પણ દોસ્તી હજુ જાળવી રાખી છે.