એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » કુછ યાદેં ભીગી ભીગી સી » કુછ યાદેં ભીગી ભીગી સી-3

કુછ યાદેં ભીગી ભીગી સી-3

ઝુંપડીની પોળના એ પાડોશીઓના કેટકેટલા સંસ્મરણો તાજા થાય છે ! ગૌર વર્ણ, સુદ્ર્ઢ શરીર, શાંત, સૌમ્ય સ્વભાવવાળા બાજુવાળા ભાઇલાલભાઇ હંમેશા વહેલી સવારે ઉઠી જઈને અગાસીમાં શિર્ષાસન કરતા અને સાયકલ લઈને મીલમાં નોકરીએ જતા. પત્ની, ત્રણ દીકરીઓ અને બે દીકરાનો સુખી સંસાર તેમનો. પેલા એકલાઅટૂલા રહેતા અતિફોઇ..એમના ભત્રીજાઓ નાનશા જીવણની પોળમાં રહેતા જે એમની ચીજવસ્તુઓ લાવી આપે અને સારસંભાળ રાખતા. જયામાસી અને તેમના મેન્ટલી ડીસ્ટર્બ્ડ હસબંડ, ચતુરકાકા અને ચંચળબેન, ધનીમાસી અને બોબડા બાલુકાકા, તેમનો કાનુ,વિધવા શાંતામાસી અને તેમનો મનુ જેને અમે બાબોજ કહેતા. ગજરામાસી, મોતિલાલકાકા, ચીનુભાઇ, કમળાબેન, તારાબેન… પુષ્પા,’ કંદોઇતરીકે જેમનો ઉલ્લેખ બા કરતા એ ત્રણ મહેતા બ્રધર્સ અને તેમનું કુટુંબ,દેવકુંવરબેન, બચુભાઇ, કાંતિભાઇ અને પુષ્પાબેન, જયંતિભાઇ અને સુંદરબેન, …પાર્વતિબા, સુશીલાબેન, મંછાકાકી,હસુભાઇ, લતાકાકી-ચમનકાકા…કોને યાદ કરું ને કોને ના યાદ કરું ? ઘણાંના ચહેરા યાદ આવે છે પણ અત્યારે નામ ભુલાઇ ગયા છે…
હસુભાઇનો ઉલ્લેખ એક વ્યક્તિવિશેષ તરીકે કરવો છે. પોળમાં સામેનું જર્જરિત મકાન. એમાં નીચે હાંકુમાતરીકે અમે જેમને ઓળખતા એ સંતોકમા સૌથી વ્રુધ્ધ એકાકિ ડોશીમા. એમના ય સગાવહાલા એમની સાથે ન રહે પણ દેખરેખ રાખે. ઉપર, પાર્વતિબા,એમનો યુવાન ખુબસુરત દીકરો હસુભાઇ,તેની પત્ની સુશીલા, વિધવા નણંદ મંછાકાકી રહે. મારા દાદીમા અને પાર્વતિબા બહેનપનણીઓ .. બા જરા નવરા પડે કે હાંકુમાને ઓટલે જઈને વાંસનો પંખો હલાવતા હલાવતા પહોંચી જાય.ઉપરથી પાર્વતિબા નીચે આવે. અન્ય માજીઓ પણ આવે ાને શરુ થાય અલકમલકની વાતો, દ્ર્ષ્ટાંતો અને ઓટલાપરિષદ. મારી કમુ ( મારી જનેતા ) તેમાં ક્યારેય ન હોય. એ તો બિચારી ઘરના ઢસરડામાંથી ઉંચી જ ન આવે.
હાં ! તો આપણે વાત કરતા હતા હસુભાઇની. ઉંચો, ગોરો વાન, વાંકડીયા ઝુલ્ફા, સદાય હસતો રહેતો ચહેરો, એકદમ સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતો આ માણસ કોઇની પંચાતમાં પડે નહીં. મારા વિદ્યાબા કહેતા કે માણસ સારો છે પણ એના ધંધા સારા નથી.એ આંકફરકનો ધંધો કરે છે. માણેકચોકના એક ખુણામાં ઉભા રહીને અમેરિકન ફીચરના આંકડા ખાય. ઇમાનદારીથી વલણ ચૂકવી દે. રસ્તા પર ઉભા ઉભા નોટોની થોકડીમાંથી નોટો ગણે. પાર્વતિબા કહેતા કે એ સટ્ટો રમતો નથી, રમાડે છે.આંકડા લગાવનારા ખુબ મળી રહે.પણ સરવાળે ફાયદો તો આંકડા ખાનારને જ થાય. સાંકડીશેરી જુગારના અડ્ડા માટે એ વખતે કુખ્યાત. નામદાર બ્રધર્સનું રાજ ચાલે. ચંદુલાલ નામદાર, ગીરીશ નામદાર, રશ્મી નામદાર, સુર્યકાંત નામદારના નામનો રોલો પડે. સાંકડીશેરીના દાદાગણાય. લાલાવસાની પોળનું એમનું ઘર અને બીજુ હજીરાની પોળનું ઘર જુગારના અડ્ડા..ખુલ્લી જીપમાં, પાછલી સીટની ગાદી પર આદમકદની કાળીના એક્કાની તસ્વીર મુકીને ગીરીશ નામદાર સાંકડીશેરીમાં નીકળે ત્યારે પોલીસ પણ કાંઇ ના કરે. પોલીસખાતુ અને રાજકારણીઓ સાથે એનો ઘરોબો. દરોડો પાડતા પહેલા પોલીસ એને કહે કે ઉપરથી બહુ દબાણ છે એટલે દરોડો પાડવાનો છે. દરોડો પડે,એકાદ બે બૂકીઓને પકડાવી દે, થોડાક રુપિયા પણ મુદ્દામાલ તરીકે જપ્ત થાય, છાપામાં અહેવાલ આવે અને પછી બધું રફેદફે થઈ જાય.
આમાંનું ઘણું સાંભળેલું છે અને કેટલુંક પ્રત્યક્ષ જોયેલું છે. ગિરીશ નામદાર અને રશ્મી નામદાર મારી ઉંમરના જ. રશ્મીકાંત મારી સાથે બાળમંદીરમાં ભણેલો. મારો મિત્ર હતો. એને કારણે એના બીજા બે ભાઇઓનો પણ મને પરિચય. ગિરીશ જાડીયો, બેઠી દડીનો,છતાં એને બેડોળ ના કહી શકાય.પવિત્ર રીશ્તાસિરીયલમાં ધર્મેશનું પાત્ર આવે છે ને એવો દેખાય. આખી જિન્દગી દાદાતરીકે વટથી જીવ્યો પણ મર્યો ત્યારે એના પોતાના ફાર્મ હાઉસમાં એના પોતાના ભ્ત્રીજાઓના હાથે તલવાર અને છરાના ઉપરાછપરી ઘા ખાઇને મર્યો.પચાસેક વર્ષ પહેલાની એક સાંભળેલી વાત યાદ આવે છે.
એક માથાફરેલ  માણસ  ધંધામાં હરીફાઇ કરવા જુગારના આંકડા ખાવાનું કામ કરવા લાગ્યો હતો.  એને બહુ સમજાવ્યો, ધમકી પણ આપી પણ એ ના જ સમજ્યો અને એક દિવસ ભરબપોરે, ભરબજારે, માણેકચોક જેવા ધમધમતા વાતાવરણમાં કોઇએ એ માથાફરેલ માણસને રહેંસી નાખ્યો હતો. એ વખતે કહેવાય છે કે ડ્યૂટી પરના પોલીસો આઘાપાછા થઈ ગયેલા. અને પોલીસને નજરે જોનારો એકે ય સાક્ષી મળી શક્યો ન હતો. આખી સાંકડીશેરી અને પોલીસખાતુ પણ સત્ય  જાણતુ હતું.
જિન્દગીમાં, મેં એટલા બધા અનુભવો કર્યા છે અને સત્યોને ધરબાઇ ગયેલા જોયા છે કે સત્યમેવ જયતેસ્લોગનમાં મને વિશ્વાસ રહ્યો નથી.
આપણે વાત કરતા હતા હસુભાઇની. પાર્વતિબા, વિદ્યાબાને કહેતા હતા કે હસુભાઇના લગ્ન એની ઇચ્છાવિરુધ્ધ સુશીલા સાથે થયેલા. એને કોઇ પ્રેમિકા હતી જેને એ દોશીવાડાની પોળમાં ઘર અપાવીને રાખે છે. બન્ને ઘર નિભાવે છે. સુશીલા પણ આ વાત જાણે છે અને એણે એ સ્વીકારી પણ લીધું છે. ક્યારેય, ઘાંટાઘાંટ, લડાઇ-ઝઘડા કશું જ નહીં. આખી જિન્દગી બે અલગ અલગ ખાનાઓમાં રહીને એ ત્રણેય પાત્રો જીવ્યા હતા. ( પવિત્ર રીશ્તામાં અર્જુન, ઓવી અને પુર્વી સાથે એવી રીતે રહે તો ? )
સાંકડીશેરીમાં દાદાઓપણ ઘણા હતા. એક એવા જ છોટુદાદા‘. બીજા ટેણીયાદાદા‘. આ લોકોને મેં ક્યારેય મારામારી કરતા કે ગાળો બોલતા યે જોયા નથી પણ એમની છાપ જ દાદાની. કોઇ એમની સાથે લડવાનું તો નામ જ ના લે. સાંકડીશેરીના બધા દાદાઓને હું ઓળખું. મોટાભાગના મરી પરવાર્યા છે. જે જીવે છે તે હવે ઠરીગયા છે અને પોળના ઓટલે બેસીને જુવાનીમા આને માર્યો હતો ને પેલાને ઠમઠોર્યો હતોએના બણગાઓ ફુંકતા, બીડીઓ ફુંકતા બેસી રહીને મૌતનો ઇન્તેઝાર કરી રહ્યા છે.
બાપાશાસ્ત્રીની પોળની સામે, જય અંબે હેર કટીંગ સલુનનો માલિક રમેશ લીંબાચિયા ઇડર બાજુના કોઇ નાનકડા ગામનો વાળંદ.મને એની પાસે વાળ કપાવતા કપાવતા અલકમલકની વાતો કરવાની ટેવ. એ પણ હસમુખો માયાળુ માનવી. અમદાવાદ જાઊં ત્યારે એની પાસે જ વાળ કપાવું. અત્યારે તો એ રીટાયર થઈને એના ગામ જતો રહ્યો છે. એના બે દીકરા-વિજય અને ધર્મેશ- પણ એવા જ હસમુખા, વાતોડીયા અને મસ્તમૌલા છે. એમને પણ સંતાનો છે.પણ હવે જ્યારે હું સેટેલાઇટથી સાંકડીશેરી વાળ કપાવવા જઉં છું ત્યારે સલુન બંધ જ હોય છે. બન્ને ભાઇઓ બપોરે બારથી ચાર સુધી સલુન બંધ રાખે છે અને મેડા પરના પોતાના ઘરમાં આરામ ફરમાવતા હોય છે.
લાખાપટેલની પોળનો રમેશ ગદાણી, દરજી બચાભાઇ (અરવિંદ), દીનેશ પટેલ, રમેશ દવે, વિદ્યાધર કેતકર, ગામડીવાળા બીલ્ડીંગ, જેમનો નામોલ્લેખ કરતાં આજે મને શરમ આવે છે એવી કેટલીક રુપાળી છોકરીઓ… કેટકેટલું સ્મરણપટ પર ઉભરી આવે છે ! રુપાળી છોકરીઓનો ઉલ્લેખ કર્યો એટલે એક યાદ તાજી થઇ ગઈ.
સાંકડીશેરીમાં જતાં આવતાં એક માંજરી આંખોવાળી ગોરી ગોરી છોકરી અમ્ને અને મારા મિત્ર વિદ્યાધર  કેતકરને ગમતી. કેતકરને ગમતી એટલે હું લાઇન નહોતો મારતો. બાકી મને ય ગમતી. કેતકર ખુબ શાંત અને સંસ્કારી છોકરો. એટલે કોઇ રીતે આગળ ના વધે. માત્ર એને જુએ અને શરમાયા કરે.વાત આગળ વધેલી જ નહીં.  હમણાં ગયા વર્ષે, અમદાવાદમાં સંદેશ પ્રેસ પાસે એક શાળાના મકાનમાં રાજુ બારોટ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી જેવા સંગીતના ધુરંધરોએ જુની રંગભૂમિના ગીતોની એક મહેફિલ યોજી હતી. કમલ મહેતા, રેખાબેન મહેતા અને ઘણાં નાગરો ત્યાં હાજર હતા. મને પણ આમંત્રણ હતું. હું , મારા પરમ મિત્ર કુમુદભાઇ રાવલ સાથે ગયેલો. મારી બાજુની જ બેઠક પર પેલી ગોરી ગોરી,માંજરી આંખોવાળી રુપાળી સ્ત્રી બેઠેલી. હું ભુતકાળના દિવસોના એ સંસ્મરણો યાદ કરતો હતો.પણ એની સાથે ક્યારેય વાત કરેલી નહીં એટલે ચુપચાપ બેસી રહેલો. શો છુટ્યા પછી, ગીતોની સીડી વેચાતી હતી એ ટેબલ પર અમે ફરી સાથે થઈ ગયા. આમે ય, સ્ત્રીઓની બાબતમાં હું હિંમતવાન ગણાઉં. મને ટેક્ટફુલી એપ્રોચ કરવામાં તકલીફ નથી પડતી.અને હવે સિત્તેર વટાવી ગયા પછી કોઇ સંદેહ પણ ના કરે ને !
મેં જાણે સ્વાભાવિકપણે વાત કરતો હોઊં એમ સીડી જોતાં જોતાં કહેવા માંડ્યું-ગીતો પ્રત્યક્ષ જેટલા અસરકારક લાગે છે એટલા ઘણીવાર સીડીમાં કર્ણપ્રિય નથી લાગતા,નહીં ? અને.. ક્યારેક તો આ સીડી કે વીસીડી આપણી કારમાં કામ નથી લાગતી.
હવે પછીનું કોન્વર્શેશન તમને માન્યામાં નહીં આવે.
તમે ઇન્ડીયામાં પાછા આવી ગયા ? હવે અહીં જ રહેવાના કે પાછા જવાના ?’
હવે આશ્ચર્ય પામવાનો વારો મારો હતો.
આપ મને ઓળખો છો ?’
હા ! સાંકડીશેરીમાં જ રહેલા એટલે ઓળખીએ જ ને હજી મારું આશ્ચર્ય શમે એ પહેલાં તો એણે બીજો બોમ્બ ફોડ્યો.
તમારી સાથે ફરતા હતા એ પેલા મરાઠી મિત્ર હાલમાં શું કરે છે ? ઘણા વર્ષોથી એમને જોયા નથી.
ઓહ ! માય ગોડ !!!  આ તો અમારી આંખોની ભાષા જાણતી હતી. અમે તો ક્યારેય એની સાથે વાત સુધ્ધાં કરી ન હતી. નજરો મળતાં પણ અમારી નજરને બીજે વાળી લેતા હતા છતાં અમારી ચોરીઆ સ્ત્રી જાણતી હતી અને આટલા વર્ષે એને એ બધું યાદ પણ છે.
મેં કહ્યું –એ મરાઠી મિત્ર તો બેંકમાંથી બદલી કરાવીને પૂના સેટલ થઇ ગયેલો અને હજી ગયા વર્ષે જ હાર્ટ એટેકથી અવસાન પામ્યો. એનો દીકરો હિન્દી ફિલ્મોમાં નાના મોટા રોલ્સ કરી લે છે. ફિલ્મ ફેમિલીમાં અમિતાભ બચ્ચન અને અક્ષયકુમાર સાથે સંવાદો  બોલતો એનો રોલ છે. પ્રસન્ન કેતકર એનું નામ. એની પત્ની અને બાળકો પણ મરાઠી સિરીયલોના જાણિતા એક્ટરો છે.
હાઉ સેડ !એટલું બોલી એ. ત્યાં તો એનો દીકરો પણ ટેબલ પાસે આવી પહોંચ્યો. એણે ઓળખાણ કરાવી.આ મારો ત્રીજા નંબરનો દીકરો છે. હાર્ટ સર્જન છે…..વગેરે…ડોક્ટરે વીઝીટીંગ કાર્ડ પણ આપ્યું. પણ હું વધુ સાંભળવાના મૂડમાં ન હતો….

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.