ગરૂડપુરાણ- એક બકવાસ
August 2nd, 2017 Posted in અમેરિકામાં યે અંધશ્રધ્ધા !
ગરૂડપુરાણ- એક બકવાસ
હું જ્યારે બાળક હતો ત્યારે અમારી પોળમાં કોઇને ઘેર મરણ થયું હોય ત્યારે ગરૂડપુરાણ બેસાડવાનો રિવાજ હતો. પોળ તો સાંકડી અને ઘરો પણ ગીચ. એટલે પોળના ચોકઠામાં જ, કોઇ બ્રાહ્મણ પાટ નાંખીને બેસે અથવા ‘હાંકુમા’ ના ઓટલે બ્રાહ્મણ બેસે અને મોટાભાગે ગંગાસ્વરૂપ ડોશીમાઓ ગરૂડપુરાણ સાંભળે. હું પણ મારા દાદીમા સાથે, એ ગરૂડપુરાણ સાંભળવા બેસતો. સાત-આઠ દિવસ સાંભળવું પડે તો જ, મૃતાત્માનો જીવ ગતિએ જાય એવું બધું બ્રાહ્મણ સમજાવતા. ત્યારથી મારા મનમાં સ્વર્ગ અને નરકની કપોળકલ્પિત વાતો ઘુસી ગયેલી અને હું ડરપોક બની ગયેલો.
હવે આ ગરૂડપુરાણ શું છે એની વાત કરૂં.
ગરૂડપુરાણ એક જાડો ‘મહાગ્રંથ’ છે જેમાં ૧૬ અધ્યાય છે અને સ્વર્ગ અને નરકની સ્ટુપીડ કપોળકલ્પિત વાતો છે. વિષ્ણુ ભગવાન અને ગરૂડ નામના એક વિશાળકાય પક્ષી વચ્ચેના સંવાદમાં , આ બધુ પિષ્ટપિંજણ કરેલું છે. નરકમાં કોણ જાય છે, સ્વર્ગના સુખો શું છે,નરકનું વર્ણન, વૈતરિણી નદી, પુનર્જન્મ, ને..એવું બધું હિન્દુઓના મગજમાં ઘુસાડી દેવાયું છે.
જે લોકો બ્રાહ્મણને દાન ન આપે, એમને બ્ર્હ્મભોજન ન કરાવે, ગાયત્રીમંત્રનો જાપ ન કરે એ બધા નરકમાં જાય છે. જે શુદ્ર જાતિનો માણસ, વેદ ભણે, ગાયનું દૂધ પીએ, જજ બનીને કોઇ બ્રાહ્મણને સજા કરે એ બધા નરકમાં જાય છે. બ્રાહમણોનું અપમાન કરવાવાળા,એમની સાથેવાદવિવાદ કરવાવાળા, રાક્ષસ કહેવાય અને સાત પેઢી સુધી નિર્વંશ રહે છે. ( આ શબ્દ હમણાં મને શ્રી. વિજય શાહના ઇ-મેઇલમાં જોવા મળેલો એટલે યાદ આવી ગયો. )
તમને લાગે છે કે વિષ્ણુ ભગવાન આવી પક્ષપાતપુર્ણ વાત કરે ? ગરૂડપુરાણમાં તો બ્રાહ્મણો યજ્ઞના નામે ગાયનું માંસ ખાઈ શકે છે. હિન્દુ ગ્રંથોમાં સ્વર્ગની કલ્પના કરીને વિષ્ણુલોક, ઇન્દ્રલોક, દેવલોક વૈકુંઠના ચાંદતારા દેખાડીને સાધુસંતો અને કર્મકાંડી બ્રાહ્મણો ધર્મભીરુ અને અંધવિશ્વાસુ હિન્દુઓને ઠગતા આવ્યા છે.
ગરુડપુરાણમાં, બ્રાહ્મણોનું પુજન કરવાની, ભોજન કરાવવાની, ગાય, બળદ, ઘર, જમીન સોનુ, ચાંદી ,અનાજ અને વસ્ત્રનું દાન કરવાની વાત એટલી બધી વાર કહી છે કે જો એ વાતોને ડીલીટ કરી દેવામાં આવે તો આખુ ગરુડપુરાણ માત્ર ૧૦ પાનાનું રહી જાય.
અને… સ્વર્ગના દરવાજાની ચાવી ,કર્મકાંડી બ્રાહ્મણોના હાથમાં, વિષ્ણુ ભગવાને આપી છે. મરણાસન્ન અવસ્થામાં કે શ્રાધ્ધ કરતી વખતે જે ઉત્તરાધિકારી ,બ્રાહ્મણોને દાન આપે છે, માલપુઆ ખવડાવે છે, સોનાનું દાન કરે છે એમના પુર્વજોને ભગવાનના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા ‘ચિત્રગુપ્ત’ મૃતાત્માના સર્વ પાપોને ખારિજ કરી દઈને સ્વર્ગમાં સ્થાન આપે છે.
ગરુડપુરાણ ના આઠમા અધ્યાયના શ્લોક ૭૦, ૭૧, ૭૨ માં જણાવ્યું છે કે- ગાયનું દાન કઈ રીતે કરવું ?
ગાયના બન્ને શિંગડા સોનાથી મઢવા, ગાયના પગની ખરીઓને ચાંદીથી મઢવી, ગાય દોહવા માટે કાંસાનું વાસણ આપવું.ગાયને બાંધવા માટે લોઢાનો ખુંટો, તથા સોનાની મઢેલી યમરાજાની મૂર્તિ તાંબાના પાત્ર સહિત, ગાયનું દાન કરવું.
વધુ રસપ્રદ શ્લોકો તો, એ જ આઠમા અધ્યાયના ૭૮, ૭૯ પર પણ છે. ૧૧મા અધ્યાયના ૧૩મા શ્લોકની વાત પણ એટલી જ રસપ્રદ અને હાસ્યપ્રેરક છે.
પુરાણકારનું મગજ કેટલું ચાલાક છે કે મરણાસન્ન અથવા મૃત વ્યક્તિના પરિવારના ભોગે, કર્મકાંડી બ્રાહ્મણોએ પોતાના પરિવારની આજીવિકાની વ્યવસ્થા કરી નાંખી છે.
આ વાંચીને તમને નથી લાગતું કે જે રીતે આજના ભ્રષ્ટ પ્રધાનો અને લાંચિયા ઓફીસરો લાંચ લઈને ગુનેગારોને છોડાવી દે છે કે એમને અબજોના કોન્ટ્રાક્ટ્સની લહાણી કરે છે એ જ રીતે, પુરાણકાળમાં , ધર્મરાજ, અને ચિત્રગુપ્ત આ જ ધંધા કરતા હતા ?
આ બધુ વાંચીને મને પ્રશ્ન એ થાય છે કે સ્વયં વિષ્ણુ ભગવાન , પુરાણ લખનાર બ્રાહ્મણ પાસે ગયા હતા કે બ્રાહ્મણને સ્વર્ગમાં આ બધુ લખાવ્યું હતું ?
ગરુડપુરાણ લખનારે તો વિષ્ણુ ભગવાનને પક્ષપાતી અને બ્રાહ્મણોના ‘દલાલ’ બનાવી દીધા છે. વિષ્ણુ ભગવાન ગરુડપુરાણમાં કહે છે કે બ્રાહ્મણ ની પુજા એ જ મારી પુજા છે.
મને સમજાતું નથી કે આવા ગરુડપુરાણો હજુ ય, વંચાય છે ?
એક મંદીરના પુજારીને મેં આ અંગે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે નામ જાહેર ન કરવાની શરતે, જણાવ્યું કે ‘હા.. પણ હવે લોકો એટલા સુધર્યા છે કે હવે ગીતાનો પાઠ એક જ દિવસ કરાવી લઈને પતાવી દે છે. આમે ય એમને હવે ગરુડપુરાણ આઠ આઠ દિવસ બેસાડવું મોંઘુ પડે છે. અને અહીં તો કોની પાસે એટલો સમય જ છે ? અમે ય હવે કલાકના હિસાબે ચાર્જ કરીએ છીએ ને ! ‘
સમય છે હવે આવા અંધવિશ્વાસુ ‘મહાગ્રંથો’ વિષે કોમ્યુનિટીમાં જાગૃતિ આણવાનો.
જાગો…અને સુધરો…
નવીન બેન્કર ( લખ્યા તારીખ- ૯મી જુન ૨૦૧૬)
Navin Banker (713-818-4239)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
Ek Anubhuti : Ek Ahesas.
My Blog : navinbanker.gujaratisahityasarita.org
Ek Anubhuti : Ek Ahesas.
Kindly remove my name and address before forwarding this e-mail. We have no control over who will see forwarded messages! This keeps all our Personal Contacts lists Private and Stops Intruders & Spammers.
.
,
,
Discover something new.
No Comments