ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૮૩મી બેઠકની ઉજવણી ‘વિશ્વપ્રવાસિની’ પ્રીતિ સેનગુપ્તા સાથે..અહેવાલ નવીન બેંકર
ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૮૩મી બેઠકની ઉજવણી ‘વિશ્વપ્રવાસિની’
પ્રીતિ સેનગુપ્તા સાથે..અહેવાલ નવીન બેંકર
તા.૧૮ માર્ચ,૨૦૧૮ને રવિવારના રોજ હ્યુસ્ટનના પ્રેક્ષા મેડીટેશન સેન્ટરના હોલમાં ગુજરાતી સાહિત્ય સરિતાનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. આ બેઠકના અતિથિ વિશેષ હતાં ‘વિશ્વપ્રવાસિની અને કવયિત્રી પ્રીતિબેન સેનગુપ્તા.
ગુડી પડવાના પવિત્ર પર્વની બપોરે, બરાબર ૨ અને ૧૦ મિનિટે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી નિતીન વ્યાસે કાર્યક્રમની શરુઆત કરી.સૌથી પહેલાં પ્રેક્ષા સેન્ટરના ભૂતપૂર્વ પ્રેસીડેન્ટ સીમાબેન જૈને સેન્ટર વિશે માહિતી આપી અને ભાવભીનું જૈન સ્તવન કર્યું. ત્યારબાદ સાહિત્ય સરિતાના ભાવનાબેન દેસાઈએ મધુર સ્વરમાં સરસ્વતી વંદના ગાઈ સંભળાવી. આ પ્રારંભિક વિધિ પછી શ્રી નીતિનભાઈ વ્યાસે કાર્યક્રમનું સંચાલન કવયિત્રી દેવિકાબેન ધ્રુવને સોંપ્યુ.
સૂત્રધાર તરીકે દેવિકાબેને વસંતઋતુને અનુરૂપ સ્વાગત કરી,વાતાવરણને કાવ્યમય બનાવી દીધું. તેમણે કાર્યક્રમની રૂપરેખા આપી તથા પ્રીતિબેન સેનગુપ્તાનો સવિશેષ પરિચય કલાત્મક રીતે આપી શ્રોતાજનોને રંગમાં લાવી,મન મોહી લીધું. સંસ્થાના હાલના સલાહકાર શ્રી હસમુખભાઈ દોશીના હસ્તે પુષ્પગુચ્છથી પ્રીતિબેનનું સ્વાગત કરવામાં આવ્યું.
પ્રથમ દોરમાં પ્રીતિબેને સ્વરચિત કાવ્યો રજૂ કર્યા. મેનાના માનસનું ગીત, ‘ઉંચેરી ડાળ પરથી મેના ટહૂક્યા કરે..થી માંડીને શેકસપિયરની ગઝલ, કબીરે કહ્યાની, ઓરતા કરવાની અને અંતિમ રુદનની ગઝલ વાંચી સંભળાવી. પછીની એક ગઝલ તો શ્રોતાઓને ખુબ પસંદ પડી.
દીવા પાછળનું અંધારૂં હોઇ શકે છે,
નસીબ કોઇકોઇનું ઠગારૂ હોઇ શકે છે.
પોતાનું લાગતું યે મઝિયારૂ હોઇ શકે છે…વગેરે… સાથે સાથે કવિતાની સર્જન-પ્રક્રિયાની પાર્શ્વભૂમિકા પણ વર્ણવી તથા શેક્સપિયરના ઓથેલો અને ડેસ્ડીમોનાની વાત પણ વણી લીધી. પછીની ગઝલના શબ્દો ઃરાત આખી ચાહવાની વારતા કરતા રહ્યા, રણ વચાળે ઝાંઝવાના ઓરતા કરતા રહ્યા…અહીં કાલિદાસના પેલા યક્ષને પણ યાદ કરી લીધો. પછી તો કાવ્યો અને ગઝલોનો દોર ચાલતો રહ્યો. ‘અંતીમ રૂદનની ગઝલ‘ અને નામ લખવા વિશેની ગઝલ ‘ભીતરી શેવાળ પર નામ લખી દઉં,શ્વાસની વરાળ પર નામ લખી દઉં’ તો શ્રોતાઓને રસતરબોળ કરી મુક્યા. પોતાના કાવ્યસંગ્રહ ‘ખંડિત આકાશ‘ની વાતો કરી. પ્રભુને ‘સખા‘ બનાવવાની વાત કરતું એક કાવ્ય રજૂ કર્યું. ‘મારા અંતરમાં એવું તે ઉગજો કે કાંટા પણ હરિયાળા થાય.‘ અમદાવાદ વિશે લખેલા એક કટાક્ષ-કાવ્યની રજૂઆત વખતે તો શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વાતાવરણને ગૂંજતું કરી મુક્યું હતું.
તે પછી સ્થાનિક સર્જકોનો બીજો દોર શરુ થયો. દરેક સર્જકની એક એક લીટીમાં સુંદર રીતે ઓળખાણ આપતા દેવિકાબેને સૌથી પ્રથમ મનોજ મહેતાને બોલાવ્યા. તેમણે સ્વરચિત ગઝલ સંભળાવી જે કાબિલેદાદ હતી.
જગમાં બધા ભલા નથી,બૂરા બધા નથી.
જીવતા ન આવડે છતાં, મરતા બધા નથી.
ઠોકર જો ખાધી પ્યારમાં, આંસુ વહે છે, પણ–
આંખોમાં આંસુ હોય તે રડતા બધા નથી.
તે પછી સાહિત્ય સરિતાના સદા પ્રસન્ન શૈલાબેન મુન્શાએ પોતાની એક રચના સંભળાવી જેના શબ્દો હતાં” નારીના હર રૂપ અનોખાં, હર ગુણ અનોખા”. હાસ્યલેખો અને હળવી રચનાઓ લખતા ચીમનભાઈ પટેલે તેમની લાક્ષણિક શૈલીમાં એક કૃતિ પ્રસ્તૂત કરી લોકોની વાહ વાહ મેળવી.. મૂકી આવીએ માબાપને, જઈ ઘરડાઘરમાં,મૃત્યુ પછી ભજનો, નિત ગાઈએ એવું બને.
પત્ની મળી વફાદાર ને વળી સીતા સમી ‘ચમન‘, કથાઓ સાંભળતા, નજર રાવણની બને, એવું બને! ત્યારબાદ ડો ઈન્દુબેન શાહે “વહેલી સવારે બારીએ ચકલી બોલી,જગાડી મને,”વસંત આવી,વસંત આવી” કહી વસંતના વધામણા કર્યા.મુકતકોના મહારાજા સુરેશ બક્ષીએ મઝાના મુકતકો રજૂ કર્યા. તેમના ચોટદાર શબ્દો પર લોકોએ તાળીઓના ગડગડાટ કરી તેમને વધાવી લીધા.
પ્રવીણાબેન કડકિયાએ અંતરમાં ડૂબકી મારીને બહાર લાવેલ સંવેદનાને વાંચી સંભળાવી તો વિજયભાઈ શાહે એક “ડોઝ” શિર્ષકવાળી માઈક્રોફિક્શન વાર્તા નાટ્યાત્મક રીતે વાંચી. વાર્તાનો અણધાર્યો અંત તેની ખૂબી હતી.ત્યારબાદ દેવિકાબેને એક ગઝલ ‘અણધારી આ હલચલ થઈ ગઈ, અંદર ઉથલપાથલ થઈ ગઈ. શીતલ વાયુ સહેજ જ સ્પર્શ્યો, પાંખડી મનની શતદલ થઈ ગઈ” અનોખા અંદાઝમાં રજૂ કરી.
૨૫-૩૦ મિનિટ ચાલેલ આ આઈટમમાં સાહિત્યના, ખાસ કરીને પદ્યસાહિત્યના, જુદા જુદા પ્રકારો રજૂ થયા હોવાને કારણે વિવિધતા રહી.
કાર્યક્રમના ત્રીજા દોરમાં દેવિકાબેને ફરી પાછા પ્રીતિબેનને આમંત્રણ આપ્યું અને તેમણે પોતાના દેશવિદેશના અનુભવોની દિલચશ્પ વાતો કરી. લોકલ બસોમાં સ્થાનિક જીવન જોવા, માણવા મળે છે અને એવા સમયે પોતે પરકાયા પ્રવેશ જ નહીં પણ પર-માયા પ્રવેશ કરી લે છે એના અનુભવો વર્ણવ્યા. વિશ્વના દરેક ખંડમાંથી પોતાને ગમતી જગ્યાઓ અંગે પણ વિશદતાપુર્વક માહિતી આપી.
તેમના વક્તવ્યમાંથી સ્પષ્ટ વર્તાતું હતું કે તેમને મન પ્રવાસ એ માત્ર શોખનો જ વિષય નથી પણ એક ધર્મ પણ છે. જે જે જગ્યાએ જાય છે તે તે જગ્યાઓને દિલથી ગમતી કરી લે છે. એટલે જ તો ગ્રુપ-પ્રવાસથી દૂર રહી પોતાની રીતે, પૂરતા સમય સાથે એક વિશ્વ નાગરિક તરીકે, જે તે દેશની જીવન-રીતિઓને નિહાળીને આલેખે છે. આ રીતે વિશ્વભ્રમણ પ્રીતિ સેનગુપ્તાના વ્યકિતત્વનો અસલી મિજાજ રહ્યો છે.
ત્યારબાદ ગુજરાતી સાહિત્ય સરિતાના વહીવટીકર્તાઓએ અને સંસ્થાના માનનીય વડિલ શ્રી દીપકભાઈ ભટ્ટે “વિશ્વપ્રવાસિની”ને માનપત્ર અને ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક દર્શાવતું પુસ્તક પણ ભેટ આપ્યું. તે પછી મનગમતો “લકીડ્રો” યોજાયો જેમાં પાંચ વ્યક્તિઓને પુસ્તકો ઈનામમાં મળ્યાં. સંસ્થાના ખજાનચી મનસુખભાઈ વાઘેલાએ સૌનો પ્રેમપૂર્વક આભાર માન્યો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેસિડેન્ટ શ્રી.સતીશ પરીખની ગેરહાજરીમાં ઉપપ્રમુખ શ્રી નીતિન વ્યાસ અને ખજાનચી શ્રી. મનસુખભાઇ વાઘેલાએ તથા ડોક્ટર રમેશ શાહ, ઇન્દુબેન શાહ, પ્રશાંત અને શૈલાબેન મુન્શા, શ્રી. હસમુખ દોશી, દેવિકાબેન ધ્રુવ,રાહુલ ધ્રુવ વગેરેએ તનતોડ મહેનત કરી હતી.
અઢી કલાક ચાલેલો આ આખો યે કાર્યક્રમ પ્રીતિબેનના પ્રવાસની વાતો, કવિતાઓ અને સંસ્થાના સર્જકોની રજૂઆતથી રળિયામણો અને રસભર્યો બની રહ્યો. છેલ્લે સ્વાદિષ્ટ પ્રીતિભોજનને ન્યાય આપી સૌ વિખેરાયા.વર્ષમાં આવા સુંદર બે કાર્યક્રમો થતા રહે તો ગુજરાતી ભાષા અને સંસ્થા વિકસતી રહે અને નવી પેઢીને પ્રેરણા મળે તે આશા અસ્થાને નથી.
અસ્તુ..
નવીન બેંકર
ગુજરાતી સાહિત્ય ને આપણે કોઈ પણ રીતે આગળ વધારવા ની જરૂર છે.