બિપીનભાઈના જુતા – એક સંસ્મરણ
ડાબી બાજુથી -શ્રી. બિપીનભાઇ અને શ્રી. નવીન બેન્કર
બિપીનભાઈના જુતા – એક સંસ્મરણ
-શ્રી. નવીન બેન્કર–
આ વાત મહાગુજરાતના તોફાનો વખતની છે. સોરી ! હું આજે પણ એ સમયને ‘આંદોલન’ નથી કહેતો. આંદોલન તો માત્ર મહાત્મા ગાંધીએ જ કરેલાં. ત્યારપછી તો પોતાની વાતને સાચી ઠેરવવા થયેલાં ત્રાગાં જ છે. નાક દબાવીને, પોતાના સંઘબળના જોરે, કલ્લી કઢાવી લેવાની ઘટનાઓને હું આંદોલનો નથી કહેતો.
એ સમયે મારી ઉંમર સોળ વર્ષની હતી. ( ૧૯૫૬). અમે અમદાવાદની એક પોળમાં ભાડાના ઘરમાં દસ કુટુંબીજનો રહેતા હતા. બાપુજીની નોકરી છૂટી ગયેલી. ગુજરાન ચલાવવા, હું છાપાં અને બપોરના વધારા વેચતો. મારા દાદીમા કોઇ સગાંને ત્યાં નાનામોટા કામો કરતા. બદલામાં, એ સગાં, અનાજપાણી અને ચીજવસ્તુઓ આપતા. એ ઘરમાં મારાથી ત્રણ વર્ષે મોટો એક છોકરો પણ હતો.એનું નામ બિપીન. શાંત, સૌમ્ય અને ઓછાબોલા સ્વભાવના એ છોકરાના જુના શર્ટ્સ અને સેન્ડલ પણ મને મળતાં. એ જમાનામાં ખમીસ પણ હું શુક્રવારીમાંથી આઠ આનામાં ખરીદીને પહેરતો હતો. આ શુક્રવારી, ઘીકાંટાની કોર્ટ પાસે ભરાતી. પછી કાળક્રમે એ રવિવારે ગુજરી બજાર તરીકે વિક્ટોરિયા ગાર્ડન પાસે નદીના પટમાં ભરાતી થઈ હતી. આજે પણ ત્યાં જ, નવા રૂપરંગ સહિત ભરાય છે.
બિપીને એકવાર લાલ રંગના બાટાના સેન્ડલ પહેર્યા હતા. મને એ સેન્ડલ બહુ ગમી ગયેલા. હું વિચારતો કે આ સેન્ડલ થોડા જુના થાય અગર બિપીન નવા સેન્ડલ લાવે તો મને જ આ સેન્ડલ મળી જશે મહિનાઓ સુધી રાહ જોયા પછી, ગાંધીરોડ પર જુમ્મા મસ્જિદ પાસે આવેલી બાટા શુ કંપનીના શો કેઇસમાં મુકેલા એ સેન્ડલનો ભાવ પણ હું પુછી આવેલો. એ વખતે એની કિંમત હતી ૨૮ રૂપિયા. મારી તો એટલી હેસિયત ન હતી. મેં એક દિવસ હિમ્મત કરીને બિપીનભાઈને કહ્યું-‘ તમારા આ સેન્ડલ તમને બહુ સરસ લાગે છે. ‘ બિપીને કદાચ મારી આંખમાં મારી ઇચ્છા વાંચી લીધી હશે કે કેમ, પણ એણે તરત જ કહ્યું-‘ નવીન, તને ગમે છે ? તું લઈ લે. આમે ય મેં બહુ પહેર્યા છે. હું નવા લઈ લઈશ.’ અને આમ એ ૨૮ રૂપિયાના સેન્ડલ મને મળી ગયા હતા.
પછી તો કાળનું ચક્ર ફરતું રહ્યું…
બહેનની સ્પોન્સરશીપ પર નવીન અમેરિકા આવી ગયો.
૧૯૮૨માં જ્યારે એ અમદાવાદ ગયો ત્યારે ન્યુયોર્કના લોંગ આઈલેન્ડ સીટીની એક ગારમેન્ટ ફેક્ટરી –RUSS TOGS INC-માં કામ કરીને થોડા ડોલર્સ બચાવીને, અમદાવાદમાં, આઠના ભાવના ડોલર, ૧૨ના ભાવે આપીને થોડા પૈસા બનાવેલા.
ઉંમર પણ ત્યારે ૪૨ વર્ષની જ હતી.
બિપીનભાઈની તપાસ કરતાં ખબર પડી કે એ તો ઘણાં શ્રીમંત થઈ ગયા છે અને હવે મુંબઈના વરલી વિસ્તારના કોઇ ભવ્ય ફ્લેટમાં પત્ની અને દીકરી સાથે રહે છે.
જોગાનુજોગ, કોઇ મિત્રના દીકરાના લગ્ન પ્રસંગે મુંબઈ જવાનું થયું હતું.
અમેરિકાની ગારમેન્ટ કંપની- RUSS TOGS-ના કાપડમાંથી સીવડાવેલા શાનદાર કપડા અને બાટાની ચંપલો પહેરીને નવીન બેન્કર ઉપડ્યા વરલીના એ ફ્લેટ પર.
મનમાં ફાંકો હતો કે આજે બિપીનભાઈને બતાવીશ કે હવે હું પણ તમારા જેવા વસ્ત્રો અને શુઝ પહેરી શકું છું. લોકલ ટ્રેન અને બસમાં મુસાફરી કરીને , એ વરલી ઉતર્યો ત્યારે મેઘરાજા એ તાંડવ મચાવી દીધું હતું. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. નવીનભાઈ પલળી ગયા.
બાટાની નવીનક્કોર ચંપલો પણ પાણીમાં તણાઇ ગઈ.
જેમતેમ કરીને બિપીનભાઇના ફ્લેટ પર તો પહોંચી ગયા, નસીબસંજોગે બિપીનભાઇ ઘેર જ હતા, ટુવાલથી શરીર લુછ્યું અને બિપીનભાઈના કપડાં પહેરીને સોફામાં બેઠો..ખાઇ-પી વાતો કરીને, જતી વખતે બિપીનભાઇના આપેલા શુઝ પહેરીને પાછો ફર્યો ત્યારે એને પોતે કરેલા અભિમાન બદલ શરમ આવી.
કુદરત જાણે કહેતી હતી કે ‘નવીન, તારે તો બિપીનભાઇના શુઝ જ પહેરવાના છે’.
એ વાતને ય આજે તો પાંત્રીસ વર્ષ વીતી ગયા છે. આજે ભારતથી કોઇ સગાં હ્યુસ્ટન આવ્યા અને તેમણે સમાચાર આપ્યા કે બિપીનભાઈ તો હમણાં જ ગુજરી ગયા.
મારી આંખ ભીની થઈ ગઈ.
નવીન બેન્કર ( લખ્યા તારીખ- ૨૮ જુલાઈ ૨૦૧૭ )
*****************************************************************