શાંતિકાકાને લાધ્યું જ્ઞાન
August 2nd, 2017 Posted in અનુભૂતિ
શાંતિકાકાને લાધ્યું જ્ઞાન
તમને પેલા શાંતિલાલ ગરોળીવાલા અને શોન્તાબા તો યાદ છે ને ?
એ શાંતિકાકા હ્યુસ્ટનના બાથરૂમમાં સ્નાન કરવા બેઠા હતા. ‘કાકા’ ૭૭ વર્ષના અને જુનવાણી વિચારના. નવું કશું શીખવાની કે અપનાવવાની વૃત્તિ જ નહીં એટલે ટબમાં પણ શાવરબાથ ના લે. પણ ઇન્ડિયામાં એમના ગામડામાં ઘરની બહાર,પત્થર પર ,એક ડોલ જેટલું પાણી લઈને નહાવા બેસતા એમ જ, ટબમાં બેસીને , ટમ્બલર વડે જ પાણી રેડતા જાય અને ‘ગંગા, જમના, સરસ્વતિ કે બમ બમ ભોલે’ ના જાપ કરતાં કરતાં માથા પર પાણી રેડીને નહાય. ડાબા હાથે સાબુ ચોળે અને જમણા હાથે સાબુ સાફ કરતા જાય અને પાણી રેડતા જાય. ઉભા ઉભા શાવરબાથ લેવામાં એમને લપસી પડવાની બીક લાગે.
ઇન્ડીયામાં પણ એમના ગામની નદીએ નહાવા જાય ત્યારે પાણીમાં ડૂબકી મારીને, દરેક ડૂબકીએ, જે જે પાડોશણોએ પોતાના નામે ડૂબકી મારવાનું કહ્યું હોય એમના નામ લઈને, ‘આ સવલીકાકીની ડૂબકી મારી’, ‘ આ ઝમકુમાસીની ડૂબકી મારી’, ‘આ ચંચીકાકીની મારી’, આ સમુમાસીની મારી ( ડૂબકી), એમ બોલવાની એમની ટેવ..આ ટેવ અહીં હ્યુસ્ટનમાં છૂટી ગયેલી. (જસ્ટ એ જોક !!!)
શાંતિકાકા નહાઇને રાબેતા મુજબ, પાણીની ભરેલી આખી ડોલ, ઉંચકીને, માથે રેડે ત્યારે જ એમને નહાવાનો સંતોષ થાય. આજે પણ ડોલ ઉંચકીને માથે રેડવા ગયા તો પાણી ભરેલી ડોલ ઉંચી જ ન થાય. થોડું પાણી પેઢુ પર રેડી દીધું તો યે અડધી ડોલ પણ ન ઉંચકાઈ. પાછુ થોડુ પાણી ઘૂટણ પર રેડી દીધું છતાં ય ડોલ ઉંચકવામાં શ્રમ પડ્યો એટલે ડોલ ઉંચકવાના પ્રયત્નો મુકી દીધા. અને ઉભા થવા ગયા તો ઉભા જ ન થવાય. દિવાલનો ટેકો લઈને કાકા ઉભા થયા. ટુવાલથી શરીર લુછ્યું અને લેંઘો પહેરવાનો પ્રયત્ન કર્યો તો એક પગ ઉંચો કરીને, બીજા પગમાં લેંઘો નાંખવાનું પણ થઈ ન શક્યું. એટલે પલંગની ઇસ પર નાગાપુગા બેસીને, વારાફરતી બન્ને પગ પર લેંઘો ચડાવ્યો.
શાંતિલાલ ગરોળીવાલાને પોતે ઝડપથી ઘરડા થઈ રહ્યાનું જ્ઞાન થઈ ગયું.
નવીન બેન્કર ( લખ્યા તારીખ- ૨૫ ઉલાઈ ૨૦૧૭ )
**************************************************************
With Love & Regards,
NAVIN BANKER
6606 DeMoss Dr. # 1003,
Houston, Tx 77074
713-818-4239 ( Cell)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
એક અનુભૂતિઃએક અહેસાસ
Make yourself at home.