પાછલી ઉંમરનો પ્રેમ
August 2nd, 2017 Posted in અનુભૂતિ
પાછલી ઉંમરનો પ્રેમ
૭૫ વર્ષની ઉંમરે, શરીરમાંથી સેક્સ સુકાઇ જાય છે- પુરૂષના કિસ્સામાં પ્રોસ્ટેટના પ્રોબ્લેમ્સ થયા પછી અને સ્ત્રીની બાબતમાં મેનોપોઝમાં બધું સુકાઇ જાય અને કુદરત ‘પ્રવેશબંધી’ ફરમાવી દે ત્યારબાદ- એક તથાકતિત દિવ્ય પ્રેમ , એકબીજાના અવલંબન પર આધારિત ઉષ્માસંબંધ આપોઆપ પ્રગટે છે- અંગ્રેજીમાં જેને શેરીંગ એન્ડ કેરીંગ કહે છે તેવો. એકબીજાનો ખ્યાલ રાખવો, ધ્યાન આપવું , દરેક પ્રવૃત્તિ સાથે કરવી એવો પ્રેમ- ૭૫ પછી હવે સાથે જીવવાના વર્ષો બહુ ઓછા રહ્યા છે અને બાકીનો સમય મુઠ્ઠીમાં જકડી રાખવાનો છે ,ચાહ ની દરેક ચુસ્કીમાંથી મજાની અપેક્ષા રહે છે. વીતી ગયેલી દરેક સાંજ ગમગીનીની એક કસક મૂકી જાય છે. જિન્દગીનું કોષ્ટક દરેકે પોતાની આવશ્યકતા પ્રમાણે ગોઠવી લેવું પડે છે. ‘મારા અવસાન પછી એનું આવું ધ્યાન કોણ રાખશે’ એવી ચિંતા થયા કરવી એનું જ નામ પ્રેમ હશે ? સામા પાત્રને જરાક ઠોકર વાગે તો એની ઠેસ આપણને લાગવી, ઉંઘમાં સામું પાત્ર પાસુ ફેરવે કે ઉધરસ ખાય તો આપોઆપ એના વાંસા પર હાથ ફેરવી લેવાની ઇચ્છા થાય એને જ પ્રેમ કહેતા હશે ? પત્ની ઢાલગરવાડમાં ખરીદી કરવા એકલી જાય તો એને પાનકોરનાકાની ફુટપાથો પર કોઇનો ધક્કો વાગશે અને એ પડી જશે એની ચિંતા કરીને એને એકલી ના જવા દેવાનો આગ્રહ કરવાને ‘પ્રેમ’ કહેતા હશે ? પત્નીને પ્લેનમાં ૧૬ કલાક બેસતાં તકલીફ થશે એનો ખ્યાલ કરીને ગજા ઉપરવટ જઈને પણ બિઝનેસ ક્લાસની ટીકીટ લઈ લેવાને ‘પ્રેમ’ કહેવાય ખરો ? કોઇને ત્યાં સત્સંગનો કાર્યક્રમ હોય ત્યાં પત્નીને સોફામાં કે ખુરશીમાં બેસવાની જગ્યા નહીં મળે અને ટેબલ પર મહાપ્રસાદ નહીં મુકાય તો પતરાળુ હાથમાં પકડીને ખાતાં એને તકલીફ પડશે એની ચિંતા કરીને સત્સંગમાં જવાનું ટાળી દેવામાં ‘પ્રેમ ‘ જ છલકાતો હશે ?
આ ઉંમરે શરીરનું તો કોઇ આકર્ષણ રહેતું જ નથી હોતું. તો પછી આ લાગણીને જ પ્રેમ કહેવાય ?
આપના પ્રતિભાવો આવકાર્ય છે.
નવીન બેન્કર ૧૫ એપ્રિલ ૨૦૧૭
Discover something new.