જુઠાણું ભારે પડી ગયું
જુઠાણું ભારે પડી ગયું
શાંતિલાલ ગરોળીવાલાની પત્ની શોન્તાબા પુષ્ટીમાર્ગીય મરજાદી ઓર્થોડોક્સ એટલે કે જુનવાણી વિચારસરણી ધરાવતી પણ પરંપરાગત ધાર્મિક સ્ત્રી છે. કોઇના ફ્યુનરલમાં, બેસણાંમાં, મરણ પાછળના ભજનમાં કે સુતકીના પ્રસંગમાં પણ શાંતિકાકા જાય તો ઘરમાં પેસતાં જ, બાથરૂમમાં ધક્કેલી દઈને બધા જ કપડા-ઇન્ક્લ્યુડીંગ હાથરૂમાલ, ડાયપર અને મોજાં- કઢાવીને નવડાવે અને પછી જ ઘરમાં અડવાનું. એટલી સ્ટ્રીક્ટ. શાંતિકાકા જુઠું બોલીને એને કહ્યા વગર ફ્યુનરલમાં જઈ આવે અને નહાય નહીં તો પણ એને ખબર પડી જાય. ડોશીઓ નવરી પડે એટલે કોન્ફરન્સ કોલ કરે એમાં એની ખાસ બહેનપણીઓ શોન્તાબાને કહી દે કે- ‘શાંતિકાકા તો હમણાં જ પેલીના ફ્યુનરલમાં મળ્યા હતા’
થઇ રહ્યુ.. શાન્તિલાલનું આવી બન્યું. ‘ઓ મારા ઘરમાં બોરાવારો કર્યો. મારા શ્રીનાથજી ભગવાન, મને માફ કરો. આ શાંતિડો સાલો નાસ્તિક પાક્યો છે.એને ધરમબરમનું ભાન જ નથી.’ કરીને પોતાના ગાલ પર ભગવાનના ચિત્રજી ની સામે ઉભી રહીને તમાચા
મારે.
શાંતિલાલને શોન્તાબા પર બહુ પ્રેમ. એટલે એમના આવા ગાંડાવેડા ચલાવી લે. અને આમે ય, ૭૭ વર્ષે થોડા છૂટાછેડા લેવાય છે ! ચલાવી લેવું પડે એ તો !
શાંતિલાલ સવારના પહોરમાં, મેઇલ બોક્સમાંથી ટપાલ લેવા ગયા.શાંતિલાલ મુસ્લીમોની બહુમતિવાળા કોન્ડો એપાર્ટમેન્ટમાં રહે છે. ૧૦૮ માંથી ૧૦૫ તો મુસલમાનો રહે છે ત્યાં. એમની મુસ્લીમ પાડોશણ હમીદાબાનુ પણ ટપાલ લેવા આવેલા. શાંતિકાકા બોલકણા એટલે બધાંની ખબર અંતર પુછે. એટલે જરા વાર થઈ ગઇ ઘરમાં આવતાં.
‘કેમ મોડું થયું ટપાલ લઈને આવતાં ?
હમીદાબાનુનું તો નામ લેવાય નહીં એટલે કાકા જુઠુ બોલ્યા. ‘ આ બાજુવાળા ગફુરચાચા ટપાલ લેવા આવેલા તે ચક્કર આવવાથી પડી ગયા હતા એટલે એમને બેઠા કરીને, વ્હીલચેરમાં બેસાડ્યા અને એમને ઘેર મૂકી આવ્યો એટલે વાર લાગી ગઈ.’
‘પેલા ગંદા ગોબરા ગફુરચાચા ? શું થયું હતું એમને ?
‘બિચારા ચક્કર આવતાં પડી ગયેલા. આજુબાજુ કોઇ હતું નહીં એટલે કોણ ઉભા કરે ?
બિચારા પગથી પર આડા પડી ગયેલા અને ટુંટીયું વાળીને પડ્યા’તા.’ શાંતિલાલે જુઠુ ચલાવ્યુંં.
શાંતિલાલને એમ કે પોતાને સિરપાવ મળશે.
‘હાય..હાય…તું એ મુસલમાનને અડ્યો ? એ જમીન પર પડી ગયેલા એટલે કેટલાય જંતુઓ એના શરીર પર ફરી ગયા હશે ! જલ્દી નહાઇ લે અને બધા કપડાં પલાળી નાંખ.’
બિચારા શાંતિલાલને જુઠાણું ભારે પડી ગયું. એક કલાકમાં આજે બીજી વાર નહાવું પડ્યું.
‘એ ભગવાન…બીજે જન્મે મારવાડણ આલજે પણ મરજાદણ ના આલતો’ એમ બબડતાં બબડતાં શાંતિલાલ ગરોળીવાલા બાથરૂમ તરફ જવા લાગ્યા.
*****************************************
નવીન બેન્કર ( લખ્યા તારીખ-૨૫ જુલાઈ ૨૦૧૭)