એક ખુબસુરત યાદ-ડોક્ટર કોકિલાબેન ના લગ્નની તસ્વીર
આ તસ્વીર તારીખ ૩૦ માર્ચ ૧૯૭૧ની છે- અમારા ડોક્ટર કોકિલાબેન અને પ્રકાશભાઈ પરીખના લગ્ન વખતની. એમાંની વ્યક્તિઓનો પરિચય કરાવી દઉં.
ઉભા રહેલામાં ડાબી બાજુથી- માથે ઓઢેલી સફેદ સાડીમાં જે બહેન છે તે પાટણમાં ડોક્ટર કોકિલાબેનને ત્યાં ઘરકામ કરનાર બહેન છે.
બીજા નંબરે મારી પ્રિય, ભોળી, પ્રેમાળ પત્ની કોકિલા છે. એની બાજુમાં ઝુલ્ફાવાળો અને બ્લેક સુટ પહેરેલો ઉંચો યુવાન છે તે હું એટલે કે ત્રીસ વર્ષની વયનો નવીન બેન્કર છું મારી બાજુમાં મારો એકનો એક નાનો ભાઈ વિરેન્દ્ર છે. એની બાજુમાં જે ખુબસુરત યુવાન છે જે જુના એક્ટર રાજેન હકસર જેવો દેખાય છે તે રણજી ટ્રોફીમાં રમી ચુકેલા ક્રિકેટર શ્રી. રાહુલ ધ્રુવ છે અને તેની બાજુમાં છોકરી જેવી દેખાય છે તે મારી નાની બહેન અને આજની વિદ્વાન ગુજરાતી કવયિત્રી દેવિકા ધ્રુવ છે . કહેવાની જરૂર નથી કે રાહુલ અને દેવિકા પતિ-પત્ની છે. તેમના સંતાનો પણ ખુબ તેજસ્વી છે. કોઇ સાયન્ટીસ્ટ છે તો કોઇ ડોક્ટર છે અને ગ્રાન્ડ ચિલ્ડ્રન્સ પણ વિવિધ ક્ષેત્રે નામના મેળવી રહ્યા છે.
ખુરશીમાં બેઠેલામાં- ડાબી બાજુથી- મારી બા કમળાબેન, એની બાજુમાં ડોક્ટર કોકિલાબેન, મારા દાદીમા વિચક્ષણ વિદ્યાબા, પ્રકાશભાઇ પરીખ અને છેલ્લે ઝબ્ભો, બંડી અને ધોળી ટ્પ્પીમાં મારા પિતાશ્રી. રસિકલાલ રતનલાલ બેન્કર છે.
હવે વારો આવે છે પેલી ફર્શ પર બેઠેલી બે બેબલીઓનો. ડાબી બાજુ છે તે સુષ્મા અને એની બાજુમાં સંગીતા. સુષ્મા ૧૯૫૭ અને સંગીતા ૧૯૬૨ ની બોર્ન છે. મારા લગ્ન ૧૯૬૩માં થયેલા એટલે આ વિરેન્દ્ર, સુષ્મા અને સંગીતા અમારા ખોળામાં રમીને મોટા થયેલા, અમારા બાળકો જ છે. આ બન્ને બહેનો વિશે તો આખા જુદા લેખો લખાય તેમ છે. સંગીતા લતા મંગેશકરના ગીતો ગાવાને કારણે ટેક્સાસની કોયલ ગણાય છે. રેડીયો જોકી પણ છે. સુષમા પણ સારુ ગાઈ શકે છે. અને કલાના વિવિધ ક્ષેત્રે પ્રવૃત્ત છે.