મારા સ્ફોટક વિચારો
મારા સ્ફોટક વિચારો
ફ્રેન્કલી સ્પીકીંગ, મને ફોટોકુ અને હાયકુમાં બિલકુલ રસ પડતો નથી.
ખાલી શિષ્ટાચાર ખાતર, ‘સરસ’ એવો પ્રતિભાવ લખું છું અને તરત જ ડીલીટ કરી નાંખું છું. મને સીધેસીધુ ગદ્યસર્જન જ વધુ ગમે છે. ઇવન, કાવ્યોમાં ય અમુક વિષયના કાવ્યો ગમે.
આપે મીટીંગમાં રજુ કરેલ ‘મારે શું કરવું’ જેવા કાવ્યો ગમે. ‘પ્રકૃતિ અને પ્રભુને’ લગતા કાવ્યો ન ગમે. મને પ્રભુના અમુક સ્વરૂપોમાં ક્યારેય સૌંદર્ય દેખાતું જ નથી. રાધા-કૃષ્ણ ના પ્રેમપ્રસંગોને ગ્લોરીફાય કરતા ગીતો , કાવ્યો કે ભજનો નો હું પુરસ્કર્તા નથી. ટીવી પર આવતી ‘મહાબલી બજરંગબલી’ કે ‘સુર્યપુત્ર કર્ણ’ની કપોળકલ્પિત વાર્તાઓ જોવાની મજા જરૂર આવે , બાકી એમાંની એકે ય વાતને હું સત્ય સમજતો નથી. એ જમાના ના લેખકો /કવિઓએ રચેલી કલ્પિત વાર્તાઓથી વિશેષ કશું જ વધારે મહત્વ મારે માટે નથી. ઇવન, રામાયણ કે મહાભારત પણ મારે મન, તો કપોળકલ્પિત નવલકથાઓ જ છે. કોઇ ધર્મગ્રંથો નથી. બાળપણથી મને મૂર્તિપૂજામાં શ્રધ્ધા નથી. મંદીરમાં પ્રસ્થાપિત કરેલી કોઇ જ ભગવાનની મૂર્તિને હું ભગવાન સમજતો નથી. મારી શ્રધ્ધાવાન પત્નીની ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચે એટલા ખાતર, એની સાથે મંદીરમાં જઈને મૂર્તિ સમક્ષ નતમસ્તકે ઉભા રહેવાનો અભિનય હું કરૂં છું.ભજનો ગાતી વખતે પણ એના સંગીત અને ઢાળને કારણે એ ગમે, પણ એમાં પ્રભુની પ્રશસ્તિને હું દિલથી સ્વીકારતો નથી. ધર્મના વિવિધ સમ્પ્રદાયોમાં મને શ્રધ્ધા નથી.કોઇ જ સંપ્રદાયના ગુરૂને હું, ભગવાન કે પ્રગટબ્રહ્મસ્વરૂપ માનતો નથી.
હું નાસ્તિક નથી. કોઇ એક સર્વશક્તિમાન પ્રભુના અસ્તિત્વને હું માનું છું. છેક નાનપણથી મારા મન-મસ્તિષ્કમાં પ્રભુની એક મૂર્તિ-સ્વરૂપ દ્રઢ થયેલું છે તે શિવજીનું છે. ભલે એ કલ્પિત હોય, પણ જ્યારે હોસ્પિટલમાં, મને સ્ટ્રેચર પર નિર્વસ્ત્ર કરીને સર્જરિ વખતે, સર્જરિના વોર્ડમાં સુવડાવે છે અને સર્જન, એનેસ્થેશિયોલોજીસ્ટ મારી આસપાસ ઉભા હોય છે અને હું ફરી ભાનમાં આવીશ કે મારી આંખો કદી નહીં ઉઘડે એવી દ્વિધા વખતે જે મૂર્તિનું મારાથી સ્મરણ થઈ જાય છે તે માત્ર શિવજીનું જ કાલ્પનિક સ્વરૂપ હોય છે. ભવિષ્યમાં, મારી પત્ની ના રહે ત્યારે, હું બધા જ સ્વરૂપોના ફોટાઓ અને મૂર્તિઓ ને ગાર્બેજ કરી નાંખીને, માત્ર એક શિવજીની નાનકડી છબી જરૂર રાખું. એટલો આસ્તિક હું જરૂર છું.
પરસ્પરની સંમતિથી થયેલા શરીરસંબંધને હું પાપ માનતો નથી. પછી ભલે એ લગ્નેતર સંબંધ કેમ ન હોય ! It is my body and I have right to use it as I wish ! ‘લગ્ન’ એ શારીરિક સંબંધ કરવા માટેનું સામાજિક લાયસન્સ માત્ર છે. એક પુરૂષ બે સ્ત્રીઓને પ્રેમ કરતો હોય અને પત્નીને હર્ટ કર્યા વગર બન્ને સંબંધોને , અલગ અલગ કમ્પાર્ટમેન્ટ્સમાં રાખીને જિન્દગી જીવતો હોય તો ઇટ્સ ઓલરાઈટ ! એવું જ વાઇસાવર્સા માનવું.
આજના જમાનામાં, એક સ્ત્રી, પ્રેમ કર્યા વગર કોઇને પરણી હોય અને વર્ષો સુધી એના પતિ અને બાળકો સાથે જીવન વિતાવ્યા પછી એના જીવનમાં બીજો, મનને ગમતો માણિગર પ્રવેશે અને પરસ્પરની સંમતિથી શરીરસુખ ભોગવવાની તક ઉભી થાય તો મારા મતે કોઇ પાપ નથી. બશર્તે કે એના પતિને જાણ ન થાય અને સંસારમાં બખેડો ઉભો ન થાય ! આપની રચનામાં, આપ કહો છો તેમ-
‘સમજાય ના જે પ્રેમપત્રો, એ વાંચીને મારે શું કરવું’
‘સમજી ના શકું જે રાગને, એ જાણી મારે શું કરવું’
ગદ્યમાં પણ ગુજરાતી ભાષામાં લખાયેલું ગદ્ય વધુ ગમે. અંગ્રેજીમાં લખાયેલા ગદ્યની ભાષા મને સ્પર્શતી નથી.
૧ હિમ્મતવાન પુરુષ ની સાચી વાત- જાણે આમારા જેવા કેટ્લાય ના અંતર નો આવાજ !!!
very nice. good writer.