તદ્દન નગ્ન- લેખક ચંદ્રકાંત બક્ષી
તદ્દન નગ્ન : ત્યાગની ચરમ સીમા
: ચંદ્રકાંત બક્ષી
ત્યાગનું મહત્ત્વ લગભગ દરેક ધર્મે સ્વીકાર્યું છે. હિંદુ ધર્મગુરુ જે વસ્ત્રો પહેરે છે, ધોતી કે લુંગી કે કુરતું, કે જે ચાદર લપેટે છે એનો રંગ ભગવો છે, કારણ કે ભગવો હિંદુ રંગ છે. બીજું કોઈ પણ કારણ હોઈ શકે છે પણ મને એ રંગ હિંદુસ્તાનની મિટ્ટીનો લાગ્યો છે અને આ ભગવો રંગ કેસૂડાં કે ગુલમોરથી ઘઉં અને કેરીથી બદામ કે ચણા સુધીના વિવિધ હિંદુસ્તાની રંગો સુધી ફેલાઈ જાય છે. હજ પર જનાર મુસ્લિમનો લિબાસ સીવ્યા વિનાનું સફેદ કપડું હોય છે, કહેવાય છે કે મુસ્લિમ જીવંત હોય છે અને કફન પહેરીને પવિત્ર ભૂમિમાં પ્રવેશ કરે છે, બધાં જ સગાંસંબંધીઓની ક્ષમા માગીને અને જીવ્યા–મર્યાના જુહાર કરીને, ત્યાગને દરેક ધર્મમાં બહુ ઊંચા આસને મૂકવામાં આવ્યો છે પણ ત્યાગની પરાકાષ્ઠા કઈ ? નગ્નતા, સંપૂર્ણ નગ્નતા, નિર્વસ્ત્ર થઈ જવાની સ્થિતિ, સાધ્ય અને સાધકની વચ્ચે વસ્ત્રનો, આવરણનો, પોશાકનો પણ અવરોધ શા માટે ?
ખ્રિસ્તી ધર્મમાં સંત ફ્રાન્સિસ ઓફ એસીસીનું સ્થાન અત્યંત સન્માનનીય છે. ૧૩મી સદીમાં ફ્રાન્સિસે એક દૈવી સંદેશ સાંભળ્યો કે મનુષ્યની સેવા કરવા કરતાં ઈશ્વરની સેવા કર. ફ્રાન્સિસે દુનિયાની સ્વાર્થી પ્રવૃત્તિઓ છોડીને રક્તપિત્તિયાં, રુગ્ણોની, ભૂખથી પીડિત મુફલિસોની, અસહાયોની સેવા કરવી શરૂ કરી. પિતાને આ નાપસંદ હતું. એમણે પુત્રને કોર્ટમાં ઘસડી લાવીને ફરિયાદ કરી કે મારો પુત્ર આડી લઈને ચડી ગયો છે, એને સજા કરો! ફ્રાન્સિસ ત્યાં જ તદ્દન નગ્ન થઈ ગયા, સંપૂર્ણ ભૌતિક ત્યાગ, એ ઈશ્વર માટે જેને જીવન સમર્પણ કરવામાં આવ્યું. આ માણસે ખ્રિસ્તી ધર્મનો ‘ઓર્ડર ઓફ ફ્રાન્સિસ મેનર‘ સ્થાપ્યો. એમનું દેહાવસાન સન ૧૨૨૬માં થયું અને બે વર્ષ પછી એમને ખ્રિસ્તી ધર્મના સેઇન્ટ(સંત) બનાવવામાં આવ્યા. સેઇન્ટ ફ્રાન્સિસ ઓફ એસીસી વિશ્વની ધર્મપરંપરાઓમાં એક જ્વલંત નામ છે.
કાશ્મીરના ઇતિહાસમાં એક સ્ત્રીનું નામ આદરથી લેવાય છે. એ કોઈ ખાસ એક ધર્મની પુરસ્કર્તા ન હતી પણ અન્ય ધર્મીઓ પણ એની પૂજા કરતા હતા. એ સ્ત્રીનું નામ લલ્લા હતું અને કાશ્મીરમાં એવી કહેવત પડી ગઈ હતી કે બે જ વ્યક્તિઓની પૂજા થાય છે, એક અલ્લાહ અને બીજી લલ્લા! લલ્લાના ઘણા અનુયાયીઓ હતા અને એ એક રૂપસી સ્ત્રી હતી. કાશ્મીરની પૂજ્ય લલ્લા સમસ્ત જીવન તદ્દન નગ્ન જીવી હતી…
ગ્રીસના ઇતિહાસમાં ફિલસૂફ ડાયાજિનિસનું બહુ ઊંચું સ્થાન છે. ડાયાજિનિસ ચક્રમ પ્રકારનો પણ અત્યંત મેધાવી ફિલસૂફ હતો. એ મહાન એલેકઝાંડરના સમયમાં વિદ્યમાન હતો અને પ્રજામાં એને માટે બહુ માન હતું. એક વાર એલેકઝાંડરને ઇચ્છા થઈ ડાયાજિનિસને મળવાની અને નલસૂફને કોઈ જરૂર હોય તો સહાયતા કરવાની. એલેકઝાંડર એના રસાલા સાથે ડાયાજિનિસને મળવા ગયો ત્યારે ગ્રીક ફિલસૂફ ધૂપમાં નદીકિનારે બેઠો હતો. એ તદ્દન નગ્ન હતો. સમ્રાટ એલેકઝાંડરે પાસે આવીને ઝૂકીને ફિલસૂફ ડાયાજિનિસને પૂછયું કે પ્રભુ, હું તમારી શું સેવા કરી શકું છું? ડાયાજિનિસે કુતૂહલથી એલેકઝાંડર તરફ જોઈને કહ્યું : તું ખસી જા, દૂર ઊભો રહે… તું મારો તડકો રોકી રહ્યો છે !
નગ્નતા ઘણા પ્રાચીન ફિલસૂફોએ અપનાવી હતી. આપણે ત્યાં નાગા બાવાઓની એક પ્રશાખા છે જે હંમેશાં દરેક ઋતુમાં સંપૂર્ણ નગ્ન રહે છે. નાગા રહેવું એ ત્યાગની પરિસીમા છે જ્યારે અહંકારનું અંતિમ બુંદ ઓગળી જાય છે ત્યારે વ્યક્તિ નગ્ન થઈ જાય છે. નગ્નતા શરીરનું સત્ય સ્વરૂપ છે.
ભારતીય દર્શનશાસ્ત્રમાં નાગર્જુન એ નામ છે જે એના શૂન્યવાદ માટે પ્રસિદ્ધ છે. નાગાર્જુન એક બૌદ્ધ ભિક્ષુક હતા અને બૌદ્ધ ધર્મના અતિ પ્રસિદ્ધ નગ્ન ભિક્ષુ હતા. એ નગ્ન રહેતા હતા, એમણે કરેલી ચર્ચાઓનાં પ્રમાણો આજે પણ ઉપલબ્ધ છે. ચીનના તાઓવાદ પર નાગર્જુનના શૂન્યવાદની અસર છે એવી વાત છે. નાગર્જુનને એક રાણીએ રત્નજડિત સુવર્ણનું ભિક્ષાપાત્ર આપી દીધું એ પણ એમણે નિષ્પક્ષભાવે લઈ લીધું. પછી એ એક ખંડિયેરમાં ગયા અને એક ચોરને જોઈને એ રત્નજડિત સુવર્ણપાત્ર પણ એમણે ફેંકી દીધું કે જેથી ચોરને કામ આવે! નાગર્જુનનો વિચારસંબંધ સાધુતા સાથે હતો, ચોરીની પ્રકૃતિ સાથે ન હતો. નાગાર્જુનના શૂન્યવાદમાં બુનિયાદી વાતો હતી. ઘડો શું છે? અંદર જે ખાલી છે, જે શૂન્ય છે એ ઘડો છે, બહારની સપાટી ઘડો નથી. ઘર શું છે? બાહ્ય દીવાલો પર નથી, અંદર જે ખાલી જગ્યા છે, જેમાં જીવી શકાય છે એ ખાલીપણું, એ શૂન્યતા પર છે. મનુષ્યના દેહની અંદર જે ખાલીપણું છે, એ આત્મા છે, એ ચેતના છે. પદાર્થની અંદરની શૂન્યતા એ જ પદાર્થત્વ છે.
જૈનોના ૨૪ તીર્થંકરોમાં એક તીર્થંકરનું નામ છે : મલ્લિનાથ! આ તીર્થંકર પુરુષ નથી પણ સ્ત્રી છે અને એમનું નામ મલ્લિ હતું. મલ્લિબાઈ જૈન ધારાની અત્યંત પ્રતિભાવાન વિભૂતિઓમાં સ્થાન પામે છે. તત્કાલીન જૈન સાધુસમાજ અને શ્રાવકોના સમૂહોની વચ્ચે આ સ્ત્રી તદ્દન નગ્ન રહેતી હતી એ બતાવે છે કે એમનામાં વજ્ર જેવી સાહસવૃત્તિ હશે. જૈન ધર્મમાં જ્યાં સુધી નગ્નતા આવતી નથી ત્યાં સુધી અંતિમ અને ચરમ મુક્તિ નથી. મલ્લિબાઈ નગ્ન રહ્યાં અને પ્રજા માટે પૂજનીય અને સ્વીકાર્ય બન્યાં. એમના અવસાન પછી તરત જ એમનું નામ બદલી નાખવામાં આવ્યું અને આ તીર્થંકર મલ્લિનાથ બની ગયાં.
પણ નગ્નતાને સર્વોચ્ચ આધ્યાત્મિક ઊંચાઈ જે નામે આપી છે એ નામ છે : ભગવાન મહાવીર. જૈન ધર્માચાર્યોમાં મહાવીર કરતાં ઊંચું નામ નથી. જૈન ધર્મ શબ્દ દિગમ્બરનો અર્થ પણ સૂચક છે. દિગમ્બર શબ્દ સામાન્યતઃ નગ્ન માટે વપરાય છે પણ એનો શબ્દાર્થ થાય છે એ વ્યક્તિ જેને માટે દિક્(દિશાઓ) એ જ અંબર(વસ્ત્ર) છે. દિશાઓ જેનાં વસ્ત્રો છે એ પ્રજા પણ જૈનધર્મીઓની એક પ્રમુખ શાખા છે : દિગમ્બર જૈનો. મહાવીર સ્વામીએ જ્યારે એમની સ્વદમન સાધના શરૂ કરી ત્યારે એ સંપૂર્ણ નગ્ન બની ગયા અને મૂઢ લોકોએ એમને નગ્ન જોઈને પથ્થરો માર્યા હતા! અને એક દિવસ આવે છે જ્યારે પથ્થરો મારનારા જ પૂજા–અર્ચના કરે છે.
ભારતીય બૌદ્ધિક ધારામાં મહાવીરનું એક પ્રચંડ યોગદાન રહ્યું છે. જૈન અનુયાયીઓમાં શ્વેતાંબરો અને દિગમ્બરો નામની બે શાખાઓ છે અને દિગમ્બર મતાનુયાયીઓ માને છે કે મહાવીર દિગમ્બર હતા. એ નગ્નવસ્થામાં જીવતા હતા. એ દૃષ્ટિએ દિગમ્બરોની વાત વિશેષ તર્કગત અને પ્રમાણિત લાગે છે. લગભગ સમગ્ર જૈન ર્મૂિતવિદ્યાન નગ્ન, ધ્યાનસ્થ, પદ્માસનમાં બેઠેલી પ્રતિમાઓનું છે. નગ્નતા ત્યાગની અંતિમ ગતિ છે એ વિશે મતાંતરને કોઈ અવકાશ નથી. નગ્નતા એ પ્રામાણિકતા છે જે માણસને ર્નિિવચાર કરી શકે છે. પૃથ્વી પરનું દરેક ફૂલ, દરેક વનસ્પતિ, દરેક પશુ, દરેક જળચર, દરેક ખેચર, દરેક જંતુ, દરેક કીટાણુ નગ્ન છે. માત્ર મનુષ્યને જ પરિગ્રહ છે પોશાકનો. પોશાક વાસનાને જન્મ આપે છે? નગ્નતાવાદીઓનું તો એમ જ કહેવું છે…
So fresh and so clean.
he is my favorite authour
Her are some articles on Naturism, or nudism for your readers.
https://en.wikipedia.org/wiki/Nude_recreation
https://en.wikipedia.org/wiki/List_of_places_where_social_nudity_is_practised
https://en.wikipedia.org/wiki/Naturism
http://www.naturistplace.com/nudeusa.htm