પાનખરે ખીલ્યા ફૂલ નાટ્ય-અવલોકન- શ્રી. નવીન બેન્કર
પાનખરે ખીલ્યા ફૂલ નાટ્ય-અવલોકન- શ્રી. નવીન બેન્કર
સાતમી માર્ચ ૨૦૧૫ના દિવસે, અમદાવાદના ઠાકોરભાઇ દેસાઇ હોલમાં, એક સરસ સામાજિક નાટક જોયું. વર્ષો પહેલાં- કદાચ ૧૯૭૦માં- પ્રિતમનગરના અખાડામાં, ‘રંગમંડળ’ નો જમાનો હતો અને સ્વ. શ્રી.રાજુ પટેલ, મહેન્દ્ર પાઠક તથા પ્રતિભા રાવલ નાટકો કરતા હતા ત્યારે હું રંગમંડળનો ઇતિહાસ લખવા રાત્રે ત્યાં જતો હતો એ અરસામાં મને પ્રતિભાબેનનો પરિચય થયેલો. ૪૫ વર્ષ પહેલાં ની એ વાત. પ્રતિભાબેન ખુબ સ્વરુપવાન. એમના, હવેલીની પોળવાળા મકાને પણ હું ગયેલો અને ત્યાં એમની નાટ્યપ્રવૃત્તિ અંગે મુલાકાત કરેલી. એ સમયે, દિનેશ શુક્લ, ઇન્દીરા મેઘા, સ્વ. નલિન દવે, સ્વ. પ્રવિણાબેન મહેતાના નાટકો પુરબહારમાં ચાલતા. એ સમયે, વિજય દત્ત, જશવંત ઠાકર, કૈલાસભાઇ, દામિની મહેતા, અરવિંદ ત્રિવેદી, પદમારાણી જેવા ધુરંધર કલાકારોને મારે મળવાનું થતું. એ દરેકની સાથે મારા સંસ્મરણો છે.
આ પ્રતિભા રાવલે લગભગ ૭૫+ ની ઉંમરે આ નાટકમાં એક અગત્યની ભૂમિકા ભજવવા ઉપરાંત દિગ્દર્શન પણ કર્યું છે. નાટકના મુખ્ય પુરુષપાત્ર કુમુદભાઇ રાવલ અને પ્રતિભાબેને મને આ નાટક જોવા ખાસ આમંત્રણ આપેલું. એના રિહર્સલો વખતે પણ મને ખાસ બોલાવેલો.
ઘનશ્યામ દેસાઇના પત્ની, પૈસા, ધનદોલત, મોટર, બંગલા, નોકરચાકર અને વૈભવના મોહમાં, પતિની ગરીબી અને કલાનો ઉપહાસ કરીને એક શ્રીમંત સાથે નાસી જાય છે. ઘનશ્યામ દેસાઇ નોકરી અને ગામ છોડીને દૂર આવીને વસે છે, જ્યાં તેમની પાછલી જિન્દગીને કોઇ જાણે નહીં અને કોઇ ઓળખે નહીં.સંગીતના ટ્યુશનમાંથી જે પૈસા મળતા તેમાંથી બન્ને સંતાનોનો ઉછેર કરવા લાગ્યા. તેમના જીવનમાં આશાવરી નામની શિષ્યા આવી અને પરોક્ષ રીતે સંતાનોના ઉછેરમાં મદદ કરતી રહી. એક પરિણીત સ્ત્રી ,પોતાના સંતાનોને છોડીને ભાગી ગઈ અને બીજી અપરિણીત સ્ત્રીએ તેના સંતાનોને સંભાળી લીધા.
સંગીતકાર ઘનશ્યામ દેસાઇની મુખ્ય ભૂમિકામાં શ્રી. કુમુદ રાવલ અને તેમના મિત્ર અને વેવાઇ ભજીયાવાળા ભગવાનદાસની ભૂમિકામાં એડવોકેટ શ્રી. નવીન ઓઝાએ આખા નાટકનો ભાર ઉપાડી લીધો હતો. ઘનશ્યમભાઇના પુત્ર મોહન (અક્ષય પટેલ)ને ભજીયાવાળાની દીકરી રાધા ( ટંકીકા પંચાલ ) સાથે પ્રેમ છે. દીકરી સરિતા ( રુહીન ઘોરી )નું સગપણ , મીસ્ટર પરીખ ( દિનકર ઉપાધ્યાય ) ના દીકરા પ્રોફેસર (પૂરબ મહેતા) સાથે થવાનું છે. સંગીતકાર ઘનશ્યામ દેસાઇને આશાવરી રાગ ખુબ પ્રિય છે. અને તેમના જીવનમાં પણ આશાવરી આવે છે.જેને કારણે રુઢિચુસ્ત જૂનવાણી સમાજમાં ચણભણ થાય છે. ખુદ એમના બાળકો પણ બાપને ગૂનેગાર અને ચારિત્રહીન માનવા લાગે છે અને પછી શરુ થાય છે ઘર્ષણ. ઘનશ્યામ દેસાઇના બન્ને સંતાનોના લગ્ન થઈ જાય છે એ પછી ઘનશ્યામ દેસાઇ આશાવરીને ઘેર લાવે છે અને સંતાનોને તેનો પરિચય કરાવતા જણાવે છે કે આશાવરીએ પત્ની અને માતા તરીકેની ફરજ અદા કરવામાં આખી જુવાની ખર્ચી નાંખી છે. પરંતુ, ફરજ બજાવનાર પિતા અને ત્યાગમૂર્તિ આશાવરીનો સંબંધ સંતાનોને સ્વીકાર્ય ન હતો.
કેટલાક હૃદયસ્પર્શી સંવાદો પછી, ઘનશ્યામ અને આશાવરી ઘર છોડી નવી જિન્દગી શરુ કરવા ચાલ્યા જાય છે એવા કથાનક પર સમસ્ત નાટકની માંડણી થઈ છે.
પ્રેમી ઘનશ્યામના જીવનમાં , તેમના ઘરસંસારમાં ખલેલ ના ઉભી થાય એ રીતે વર્ષો સુધી એકલતા અનુભવતી આશાવરીના પાત્રમાં પ્રતિભા રાવલ પાત્રોચિત સંયમી અભિનય કરી જાય છે. ઘનશ્યામ દેસાઇના, આશાવરી સાથેના સંબંધ અંગે પોતાના દ્ર્ષ્ટીબિંદુની રજૂઆત કરતા સંવાદોમાં આલેખનનું ઉત્તમ પાસુ જોવા મળે છે અને એ વખતના હ્ર્દયસ્પર્શી સંવાદોમાં કુમુદ રાવલ મેદાન મારી જાય છે. પુત્રવધુ બનતી અભિનેત્રી પણ છટાદાર સંવાદોથી પ્રેક્ષકોના દિલ જીતી લે છે. મોહન બનતા અક્ષય પટેલ ખુબ આશાસ્પદ કલાકાર છે. મીસ્ટર પરીખના મહેમાન કલાકાર જેવા રોલમાં દિનકર ઉપાધ્યાયને ખાસ કશું કરવાનું રહેતું નથી પણ પોતાના દમામદાર અભિનય અને અસરકારક અવાજના જોરે હાજરી પુરાવી ગયા. ભગવાનદાસ ભજીયાવાળાના રોલમાં શ્રી. નવીન ઓઝાએ સીક્સરો પર સીક્સરો ફટકારીને પ્રેક્ષકોને ખુબ હસાવ્યા હતા. પ્રોફેસર બનતા પૂરબ મહેતા પણ પોતાની ભૂમિકા સૂપેરે ભજવી ગયા. ત્રણેક કલાકારોએ તો પ્રથમ વખત જ સ્ટેજ પર અભિનય કર્યો હતો છતાં તેઓ અનુભવી કલાકારો જ લાગતા હતા.
નાટકનું રુપાંતર સ્વ. રાજુ પટેલનું હતું એમ સાઇનબોર્ડ પર જણાવાયું હતું.
જે ઉંમરે, અન્ય બધી જ અભિનેત્રીઓ થાઇરોડ અને આર્થરાઇટીસથી પીડાઇને, સ્ટેજ માટે નક્કામી બની જતી હોય છે એ ઉંમરે (૭૫+) પ્રતિભાબેનના શરીર પર ચરબીએ હુમલો કર્યો નથી. હા ! ઉંમરની અસર વર્તાય જરુર પણ હલનચલન કે અભિનયક્ષમતા પર એની અસર નથી. આજે ય, એકલપંડે નાટ્યપ્રવૃત્તિ ચાલુ રાખી શક્યા છે. કુમુદ રાવલ પણ ચૌદ વર્ષના વનવાસ પછી. ફરી નાટ્યપ્રવૃત્તિમાં સક્રિય થયા છે એ જોઇને આનંદ થયો. કુમુદ રાવલ અને પ્રતિભા રાવલની અટક માં જ સામ્ય છે. બાકી ધે આર નોટ રીલેટેડ.
બેસ્ટ લક, પ્રતિભાબેન અને કુમુદભાઇ !
નવીન બેન્કર ફોન નંબર-૭૧૩-૮૧૮-૪૨૩૯ ( લખ્યા તારીખ-૨૨ એપ્રિલ ૨૦૧૫ )