એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » મારા સંસ્મરણો » મારો લાલિયો કુતરો

મારો લાલિયો કુતરો

August 28th, 2015 Posted in મારા સંસ્મરણો

 મારો લાલિયો કુતરો

આ વાત અમદાવાદની અને મારા બાળપણની છે. માણેકચોકમાં , સાંકડીશેરીમાં અમે ભાડાના ઘરમાં, મેડા પર રહેતા ત્યારે, મારી ઉંમર પંદરેક વર્ષની હતી. અમારી ખડકી ના નાકે, ચાર-પાંચ કુતરા તો હોય જ. બે ગાયો પણ રસ્તાની વચ્ચે બેઠેલી હોય. અમને ગાયોના શીંગડાની બહુ બીક લાગે. ખડકીમાં ૪૫ ડીગ્રીના કોર્નર પર વીજળીની બત્તીનો એક મ્યુનિસિપલ થાંભલો ,જેનું અજવાળુ, ખડકીના નાકા પર ન પડે. રાત્રે તો ખડકીમાં પ્રવેશતાં, ધ્યાન રાખવું પડે કે વચ્ચે ગાયબાય તો બેઠી નથી ને ?  ક્યારેક કુતરા પણ બેઠેલા હોય ! પણ કુતરાઓનું તો એટલું સારૂ કે માણસને ખડકીમાં આવતો જુએ કે તરત ભસીને પોતાની હાજરી જાહેર કરી દે. પણ…ખડકીના રહેવાસીઓને કુતરા ઓળખી ગયેલા. કોઇને ય ક્યારેય કોઇ કુતરુ કરડ્યું હોય એવું મને યાદ નથી. સામાન્ય રીતે કુતરા લાલ, કાળા અને ધોળા રંગના. અમારા ઘરમાં, મારા દાદીમા સવારે નવ વાગ્યે ઘરના ૧૧ માણસ માટે રોટલી વણવા બેસે અને પહેલી રોટલી ગાય-કુતરા માટે જુદી રાખે. મોટેભાગે મને જ કહે કે –‘નવીનીયા, જા..પહેલા ગાયકુતરાની રોટલી  નાંખી આવ. પછી ખાવા બેસ.’ જો મને એ દિવસે ગાય કે કુતરુ જોવા ન મળે તો ખડકીના નાકે, હેમુબેનની ઓટલી પર રોટલી મૂકી દઉં અને પછી જમવા બેસી જઉં. હેમુબેન ની ઓટલી અને હાંકુમાનો ઓટલો – મને આજે ય યાદ છે. હાંકુમા એટલે સંતોકબેન. પણ અમે ક્યારેય એમના એ નામને જાણતા જ નહોતા. હેમુબેન  એક ડોસાને ,નવા નવા પરણીને આવેલા ત્યારે મારી ઉંમરના કિશોરોને એ ખુબ રૂપાળા લાગતા હતા. પછી જેમ જેમ અમે વધુ ને વધુ જુવાન થતા ગયા એમ એમ હેમુબેન ઘરડા થતા ગયા. છેવટે છેવટે તો એમના દાંત પણ પડી ગયેલા અને સા..વ.. ડોશી બની ગયેલા મેં જોયા હતા. કિશોરવયના મારા દોસ્તદારોમાં, અનિલ, ગુણવંત, દ્ત્તુ, રાજુ, ગિરીશ, મુરલીધર ( મોરલી), પ્રબોધ, સુરેન્દ્ર, પ્રવિણ, દેવલો ((દેવેન્દ્ર), કાનુ મને યાદ છે. આ મિત્રો સાથેની યે યાદો છે. પણ આજે તો મારે મારા લાલિયા કુતરાની વાત કરવી છે.

લાલિયો અમારા ઓટલા પર પુંછ્ડી દબાવીને બેઠેલો હોય. મને જોઇને પુંછડી પટપટાવે, મારા પગ ચાટે. મારી પાછળ પાછળ આવે. કોઇની સાથે ઝઘડો થાય અને મારામારીમાં મારે માર ખાવાનો વખત આવે ત્યારે હું એ દુશ્મન ( આમ તો એ મિત્ર જ હોય)  પાછળ લાલિયાને છોડી દઉં. એટલે પેલો ભાગી જાય. લાલિયો કરડતો નહીં. અસ્સલ હિન્દુસ્તાની હતો એ. કોઇ આતંકવાદી ગમે તેટલા હુમલા કરે કે માથા વાઢી જાય પણ એ માત્ર ભસતા જ શીખેલો. ઘણીવર તો હું એને પોળને નાકે આવેલી કન્યાશાળાની બારીઓના ઓટલા પર બાજુમાં બેસાડીને પંપાળતો. મને એની આંખોમાં સ્નેહ દેખાતો. લાલિયાને નાંખેલો રોટલો બીજો બળવાન કુતરો ઝુંટવી જાય તો હું એને માટે બીજો રોટલો કે રોટલી લઈ આવીને ખવડાવતો. એક દિવસ, મ્યુનિસિપાલિટીની ગાડી આવીને કુતરા પકડી ગઈ એમાં મારો લાલિયો પણ ઝડપાઈ ગયો. આમે ય એ અહિંસક જ હતો ને ! અને…અહિંસકોને હંમેશાં માર જ ખાવાનો હોય છે. મને મહાત્મા ગાંધીજીની અહિંસામાં જરા ય વિશ્વાસ નથી, હું એમાં માનતો પણ નથી. નાનો હતો ત્યારથી હું આક્રમક રહ્યો છું. હું કોઇની સાથે લડતો હઉં  તો મારા લલિતાપવાર જેવા દાદીમા પંખો લઈને દોડતા આવીને મારૂં ઉપરાણું લે અને મારી સાથે લડવાવાળા અને એની માને પણ ઝાટકી નાંખતા.

આજે પણ હું મારા આક્રમક સ્વભાવને બરાબર ઓળખું છું એટલે કોઇ જ સંસ્થામાં કમિટી કે કોઇ પદ પર ઉભો રહેતો નથી. મને કોઇ સહેલાઈથી ઉશ્કેરી શકે છે. અને હું આક્રમક બની જાઉં એવો મને ડર રહે છે. મારામાં સહનશીલતા અને ધીરજના ગુણો નથી. મારામાં  મતાંતરક્ષમાનો ગુણ પણ નથી.

હું આડીવાતે ઉતરી ગયો…હમણાં એક સિનિયર સિટીઝન ડોશીમાને રાઇડ આપીને તેમને ઘેર ઉતારવા ગયો ત્યારે એમના ઘરમાં ડાઘિયા જેવા કુતરાને જોઇને મને ડર લાગી ગયેલો. કારણકે અત્યારે હવે આ ઉંમરે હું દોડીને ભાગી જઈ શકતો નથી. મારી નાની બહેન સંગીતા ધારિઆ ને ઘેર પણ એક ‘એમા’ નામની શ્વાન છે. ઘરના સભ્યની જેમ જ એને રાખે છે. . મારી પત્નીને કુતરા નથી ગમતા. કોઇના ઘેર કુતરો હોય કે બિલાડી હોય તો એમના સોફા પર બેસતાં યે એને સુગ ચડે છે.

હમણાં શ્રી. પી કે. દાવડા સાહેબનો એક લેખ વાંચ્યો, જે તેમના સૌજન્યથી આ સાથે નીચે કોપી-પેસ્ટ કરીને મૂકું છું.

અમેરિકામાં પાળેલા કુતરા

અમેરિકામાં ૨૦૧૧ માં એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે અમેરિકામાં બેતૃતિયાંસ ઘરોમાં કોઈને કોઈ પાળેલું પ્રાણી છે, અને આમાં સૌથી વધારે સંખ્યા કુતરાઓની છે. આજે જ્યારે માણસ એક બીજા પ્રત્યે વિશ્વાસ ગુમાવતો જાય છે ત્યારે પ્રાણીઓની વફાદારી માણસ કરતાં બે વેંત ઉંચેરી મનાય છે.

અમેરિકામાં પાળેલા કુતરા ઘરના એક સભ્યના જેટલો હક ભોગવે છે. ૯૦ % અમેરિકનોએ આ વાતનું સમર્થન કર્યું છે. સર્વેમાં એ પણ જાણવા મળ્યું કે અમેરિકાની ૪૦ % ગૃહીણીઓ માને છે કે એમના પતિ અને એમના સંતાનો કરતાં એમનું કુતરૂં એમને થોડો વધારે પ્રેમ કરે છે.

અહીં અમેરિકનો કુતરા પાછળ સમય અને ધન બન્નેનો દિલ ખોલીને ખર્ચ કરે છે. પોતે કામે ગયા હોય ત્યારે કુતરાને Day Care માં મૂકી જાય છે, જેથી એની ખાવા-પીવાની અને અન્ય સગવડ સચવાય. કુતરાઓ માટે ખાસ Clinics અને Hospitals ની બધે જ સગવડો છે. મારા એક મિત્ર પશુઓના ડૉકટર છે, અને એમની માલિકીની સાત પશુ હોસ્પિટલ છે. એ ધંધામાંથી એ એટલું કમાયા છે કે એમની માલિકીની Real Estate માં ૧૨૦૦ ભાડુત છે, અને એમની સંપત્તિ કરોડો ડોલરની છે.

અમેરિકનો પોતાની Wallet માં પોતાના સંતાનોના ફોટા રાખે છે, અને સાથે પોતાના કુતરાનો પણ ફોટા રાખે છે. કુતરૂં મરી જાય તો તેઓ અતિ ગમગીન થઈ જાય છે, અને શોક પાળે છે. અહીં કુતરાં માટે અલગ કબ્રસ્તાનો છે, અને એની ઉપર મોંઘા મોંઘા Tomb Stone મૂકવામાં આવે છે. ખોવાયલા કુતરાને શોધવા માટે ઈનામની જાહેરાતો આપવામાં આવે છે. ગ્રીટીંગકાર્ડ બનાવનારી હોલમાર્ક કંપનીના કુતરાઓને શુભેચ્છા આપતા કાર્ડસ મોટા પ્રમાણમાં વેચાય છે.

અમેરિકામાં પાળેલા કુતરાઓનું મહત્વ એટલું વધી ગયું છે કે Genetech નામની જગ પ્રસિધ્ધ બાયોટેક કંપનીએ તો કામપર, કુતરા સાથે લાવવાની છૂટ આપી છે, અને એમની સારસંભાળ લેવા વ્યવસ્થા કરી છે. સ્ટોરોમાં કુતરાઓના વપરાશની નવી નવી વસ્તુઓ અને કુતરાઓ માટેનો ખોરાક મોટા પ્રમાણમાં વેચાય છે.

આ કુતારાઓ બધી જાતના હોય છે. નાના નાના અનેક જાતના સુંદર ગલુડિયાં અને મોટા વાઘ જેવા કુતરા. હું તોજોઈને છક થઈ ગયો કે આ કુતરાઓ કેટલા બધા ટ્રેઈન્ડ છે. માલિકની અંગ્રેજીમા બોલાયલી બધી વાતો સમજે છે.એક ઉદાહરણ આપું. એક નાનું ગલુડિયું મને જોઈને ભસ્યું. એની માલકણે કુતરાને કહ્યું, “બેડ બોય. ગો એન્ડએપોલોજાઇસ”. કુતરૂં મારી પાસે આવીને ચુપચાપ ઊભું રહ્યું. મેં કહ્યું, “ઈટ્સ ઓ.કે.” ત્યારે જ એ પાછું ગયું. આવા તોઅનેક અનુભવો મને થયા છે. હવે મને પણ આ શિસ્તબધ્ધ કુતરા ગમવા લાગ્યા છે. જ્યારે પણ હું કોઈ કુતરા સામેપ્રેમથી જોઉં છું, ત્યારે એમના માલિક મારી સામે હસીને આભાર વ્યક્ત કરે છે. જ્યારે પણ હું કુતરાના વખાણ કરૂં છુંત્યારે કુતરા કરતાં એના માલિક વધારે રાજી થાય છે!! માલિકો તો એ બધું સમજતો હોય એવી રીતે એની સાથે વાતચીત કરે છે. જો ન માને તો એને ઠપકામાં માત્ર Bad boy કે Bad girl એટલું જ કહે છે.

માલિકો પોતાના કુતરાને અબાધિત પ્રેમ કરે છે. બદલામાં કુતરાઓ પણ એમના માલિકને ખરા દિલથી પ્રેમ કરે છે.માલિકની ગંધથી પણ એ પરિચિત હોય છે. આખો દિવસ ઘરમા પુરાયેલા હોવા છતાં, માલિકની ગાડી ઘરના ગેરેજપાસે આવે તો એમને તરત ખબર પડી જાય છે, અને ભસીને એમને આવકાર આપે છે. ઘર ખુલતાં જ માલિકનેવળગી પડે છે. અમેરિકામાં બાળકો મોટા થાય ત્યારે પોતાનું અલગ ઘર વસાવવા માબાપને છોડી જતા રહે છે ત્યારેમાબાપની એકલતા ટાળવામાં પાળેલા કુતરા મોટો ભાગ ભજવે છે. (પી કે. દાવડા )

આજે મને મારો એ લાલિયો યાદ આવી ગયો -આ લેખ વાંચતાં.

મને કુતરાઓને પકડીને લઈ જતી ગાડીઓ અને સાણસાથી પકડેલા કુતરાઓને જોઇને હંમેશાં દુઃખ થાય છે.

ડંડા મારી મારીને પોલીસવાનમાં ધકેલી દેવાતા માણસોને જોઇને પણ મને પોલીસો પર  ઘૃણા થાય છે. ( મને ત્રણ વખત ‘પોલીસ- બૃટાલિટી’ ના અનુભવ થયેલા છે.)

આ વાતો તો સાઇઠ વર્ષ પહેલાંની છે.

આજે ય જ્યારે જ્યારે હું અમદાવાદ જાઉં છું ત્યારે ત્યારે અચૂક અમારી સાંકડીશેરીની એ ખડકીમાં જાઉં છું અને ‘હાંકુમા ના ઓટલે’ બેસીને આંખના ખુણા ભીના કરી લઉં છું.  અમારા ફ્રીઝમાં મૂકેલી ચાર ચાર દિવસની રોટલીઓને માઇક્રોમાં મૂકીને ,ગરમ કરીને ખાતાં ખાતાં, મને  હેમુબેનની ઓટલી પર મૂકેલી સુક્કી રોટલીઓ યાદ આવી જાય છે,

લાલદરવાજાથી બસમાથી ઉતરીને, ચાલતાં ચાલતાં ત્રણ દરવાજા…પાનકોરનાકા..ફુવારા..માણેકચોક..સાંકડીશેરી.. રાયપુર ચકલા..કુમાર કાર્યાલય… રાયપુર દરવાજા…જાઉં , ઘણાં સંસ્મરણો વાગોળું, થોડું રડી પણ લઉં..

પણ…ગયા માર્ચ માસમાં અમદાવાદ ગયો ત્યારે મારા પગમાં એટલું ચાલવાની શક્તિ ન હતી. બસમાં ચઢવાની હિંમત પણ ન હતી…બે-ત્રણ વખત કુમાર કાર્યાલયમાં ગયો, પણ રીક્ષામાં જ જવું પડ્યું હતું…

હું સમજી  ચૂક્યો છું કે હવે મારા અંતની શરૂઆત થઈ ચૂકી છે. એક એક અંગની ક્રિયાશીલતા ઘટતી જાય છે.

શ્રીરામ..શ્રીરામ….

નવીન બેન્કર

લખ્યા તારીખ- ૨૦ ઓગસ્ટ ૨૦૧૫

 

 

 

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.