‘બ્લ્યુ મગ’ નાટક અંગે
પ્રિય મિત્ર નિતીનભાઇ વ્યાસને એક પત્ર અને કોપી ટૂ અશોક પટેલ
વિષય-‘ બ્લ્યુ મગ’ – નાટક
તારીખ- ૨૦ જુલાઇ ૨૦૧૫
પ્રિય મિત્ર નિતીનભાઇ,
ગઈ કાલે આપણે ગીરીબાપુની શીવકથાના અંતીમ દિવસે, શીવશક્તિ મંદીરના પટાંગણમાં ,પાર્કીંગ લોટમાં ઉભા ઉભા ‘બ્લ્યુ મગ’ નાટક અને અન્ય પરદેશી નાટ્યકૃતિઓ અંગે તથા ઓશો રજનીશજી બાબતે ચર્ચાવિચારણા કરી રહ્યા હતા એના અનુસંધાનમાં આ પત્ર દ્વારા થોડીક વધુ માહિતી આપું છું.
મને પોતાને પણ એ નાટક નહોતુ સમજાયું અને આપણા હ્યુસ્ટનના પ્રેક્ષકોની તો વાત જ ક્યાં કરવી ? એટલે નાટક પુરુ થયા બાદ હું ગ્રીન રૂમમાં ગયેલો અને એના કલાકારો- રજતકપૂર, વિનય પાઠક રણવીર ( કપૂર નહીં ) અને શીબા ચઢઢા સાથે વાતો કરેલી અને મારી મુંઝવણ રજૂ કરેલી. મને મારૂં અજ્ઞાન પ્રદર્શિત કરતાં ક્યારેય સંકોચ નથી થતો. ફિલ્મ કોર્પોરેટથી ખ્યાતનામ થઈ ગયેલા ફિલ્મ અભિનેતા રજતકપૂરે મને બ્લ્યુ મગના કથાનક અંગે જે સમજ આપેલી એ આ પ્રમાણે હતી-
જેનું કોઇ નામ નથી કે ઓળખાણ આપવામાં આવતી નથી અને જેમની વચ્ચે કોઇ સંબંધ નથી એવા ચાર પાત્રો અહીં એક સાથે ટૂકડે ટૂકડે પોતપોતાની સ્મૃતિઓ વર્ણવે છે. એ સ્મૃતિઓનો પણ કોઇ ક્રમ નથી બધા પોતપોતાની ભાષામાં, પોતપોતાની રીતે આ વાતો કરે છે. એક માનસચિકિત્સક છે, બીજો એનો દરદી છે. દર્દીને વીસ વર્ષ પહેલાંનું યાદ રહે છે પણ વીસ મીનીટ પહેલાંનું યાદ નથી રહેતું. એની સ્મૃતિ જડ થઈ ગઈ છે. સ્ટેજ પર કોઇ પાત્રો એકબીજાને મળતા નથી પણ રંગમંચ અને પ્રેક્ષકો વચ્ચે એક પારદર્શક દિવાલ છે.મંચને છેડે માત્ર ડોકું જોઇ શકાય એવી સગવડ છે.
માત્ર પ્રકાશાઅયોજન અને પાર્શ્વધ્વનિને આધારે જ નાટક દર્શાવાય છે.માત્ર સ્મૃતિઓની વાત, સ્મૃતિઓની વાસ્તવિકતા અને વિરોધાભાસ તથા નજીકના સમયની વિસ્મૃતિની વાત એ માનવીના મગજના અભ્યાસનો એક વિરલ તર્ક જ દર્શાવાયો હતો. ક્યાંય કોઇ કથા નહીં, મનોરંજન નહીં, રહસ્ય નહીં, પ્રેમબ્રેમ નહીં, ખુનખરાબા નહીં, સસ્પેન્સ નહીં. મોડર્ન આર્ટ જેવું નાટક સામાન્ય પ્રેક્ષકોની સમજમાં ક્યાંથી આવે ?
રણવીર શૌરી પણ કોંકણાસેન સાથે લગ્ન કરીને અને પછી તેને છૂટાછેડા આપીને ખ્યાતનામ થઇ ગયો છે. શીબા ચઢઢા પણ હિન્દી સીરીયલોને કારણે જાણીતી બની ગઈ છે એટલે પ્રેક્ષકો તો આવેલા પણ નાટક સમજાયેલું નહીં એટલે ‘બોગસ’ ,’બોગસ’ કરીને વિદાય થઈ ગયેલા. આવા પ્રયોગશીલ નાટકો મુંબઈના પૃથ્વી થિયેટર્સમાં ભજવાય બાકી ટીકીટબારી પર નિષ્ફળ જ જાય.