બેલેન્ડપાર્કના બાંકડેથી શ્રી. નવીન બેન્કર
બેલેન્ડપાર્કના બાંકડેથી શ્રી. નવીન બેન્કર
બે માસથી ઇન્ડિયા ગયો હતો એટલે મારા વગર બેલેન્ડપાર્કનો બાંકડો સૂનો પડી ગયો હતો. આ વખતની મીટીંગમાં, ફિલ્મી સંગીત કે એવું કાંઇ ન હતું. યોગા અને એક્સરસાઇઝ જેવા શુષ્ક વિષયો હતા એટલે મારા જેવા કેટલાક વયસ્ક મિત્રોએ બહાર બાંકડા પર અડીંગા જમાવ્યા હતા. આ વખતે અમારા એક મિત્ર શાંતિલાલને ન જોતાં, મેં અન્ય મિત્રોને તેમના ક્ષેમકુશળ પુછ્યા તો જાણવા મળ્યું કે શાંતિલાલ આજકાલ તેમની એક નવી સ્ત્રીમિત્ર સાથે મૂવી, નાટકો અને સંગીતના કાર્યક્રમોમાં જતા દેખાય છે.
આ શાંતિલાલ એટલે પેલા ‘ગરોળીવાળા શાંતિલાલ’ નહીં, હોં !
હમણાં જ એમણે બાસઠ વર્ષ પુર્ણ કર્યા છે અને સંસ્થાના નિયમ મુજબ તેમને સભ્યપદ મળ્યું છે. દર મહિનાના ત્રીજા શનિવારે સવારથી સાંજ સુધી,બસમાં પિકનિક પર જવા મળે એટલે સભ્ય થયા છે. બાકી એમને મીટીંગ કરતાં, બાંકડે બેસીને ફડાકા મારવામાં વધુ રસ હોય છે. મારી સાથે એમને વધુ બને છે એટલે અમે પેટછૂટી વાતચીત કરી લઈએ.
આ શાંતિલાલને ૪૦ વર્ષનું લગ્નજીવન છે. ચાર યુવાન બાળકો છે. પત્ની બિચારી સીધી સાદી, ભલી-ભોળી અને ધર્મપરાયણ સ્ત્રી છે. એ સિનીયર્સની મીટીંગ-બીટીંગમાં કદી આવતી નથી. શ્રીનાથજીની હવેલી સિવાય એ ક્યાંય જાય નહીં. બધે શાંતિકાકા એકલા જ દેખાય. અમે શાંતિલાલની આ અંગે મજાક ઉડાવીએ.
હજી તો એમની વાત શરુ કરી ત્યાં તો શાંતિલાલ દેખાયા. આજે શાંતિલાલ, રાજેશ ખન્નાની જેમ ઝભ્ભો અને પેન્ટ પહેરીને આવેલા. એનું કારણ પુછતાં એમણે કહ્યું કે પ્રોસ્ટેટની તકલીફને કારણે ‘ત્રીજી ધારના લીકીંગ પ્રોબ્લેમ ‘ ને કારણે ઝભ્ભો પહેરવો શરુ કર્યો છે જેથી….. ( યુ નો વોટ આઇ મીન ! )
આડીઅવળી વાત કર્યા વગર, અમે એમની નવી સ્ત્રીમિત્ર અંગે જ પૃચ્છા કરી દીધી તો જાણવા મળ્યું કે એમને લગભગ તેમની જ ઉંમરની એક સ્ત્રી સાથે નવી નવી દોસ્તી થઈ છે. તે ડાયવોર્સી છે, એકલી જ રહે છે. જોબ કરે છે. લગ્નોત્સુક પણ છે. ફિલ્મો, નાટકો અને સંગીતની શોખીન પણ ખરી. આવા જ કોઇ પ્રોગ્રામમાં તેને એકલા શાંતિલાલ ભટકાઇ ગયા હતા અને બન્ને વચ્ચે દોસ્તીના અંકુર ફુટ્યા હતા. ઘણાં પ્રોગ્રામોમાં બન્ને સાથે દેખાતા હતા.
શાંતિલાલના કહેવા પ્રમાણે તેમની મિત્રતા , માત્ર મિત્રતા જ છે. એમાં ક્યાંય સેક્સની વાત જ નથી. પોતે હજી એનો સ્પર્શ સુધ્ધાં કર્યો નથી. જસ્ટ સુખદુઃખની વાતો અને સાહચર્ય..
આ અંગે, અમારે મિત્રોમાં જે ચર્ચા થઈ એનું વિષ્લેષણ આ પ્રમાણે છે-
સ્ત્રીપુરુષ મિત્રો વચ્ચે, શારીરિક સંબંધો વગર, માત્ર લાગણીની લેવડદેવડના સંબંધો યુવાનીમાં તો શક્ય નથી જ હોતા. સ્ત્રીઓમાં મેનોપોઝ અને પુરુષોમાં પ્રોસ્ટેટની તકલીફો પછી કદાચ આ શક્ય બને. બાકી આવી મૈત્રિમાં શારીરિક આકર્ષણનો અન્ડરટોન રહેવાનો જ. આ અન્ડરટોન ક્યારે ઉછાળો મારે એ કહેવાય નહીં. તમને કોઇ વિજાતિય વ્યક્તિ ગમી જાય કે એને જોઇને ‘કીક’ લાગે ત્યારે જ તમને એની સાથે વાત કરવાનું કે પરિચય કરવાનું મન થાય છે ને ? કોઇ મણીબેન કે મંછામાસીની સાથે દોસ્તી કરવાની ઇચ્છા કેમ નથી થતી ? ત્યાં તો શાલિનતાપુર્વક ‘ જેસી કરસન’ કરીને બે હાથ જોડી દેવાય છે. ખરું ને ? સામાજિક ડર કે અંગત માન્યતા અગર અન્ય કારણોસર તમે આગળ ન વધી શકો પણ મનની અંદર તો આકર્ષણનો ભોરીંગ ફુંફાડા મારતો જ હોય છે.
કોઇ અંગ્રેજી ફિલ્મમાં, એક સ્ત્રી પાત્ર કહે છે કે- જે સ્ત્રી આકર્ષક લાગતી હોય એની સાથે પુરુષ વિશુધ્ધ મૈત્રિસંબંધ રાખી શકે જ નહીં. માત્ર જેના માટે આકર્ષણ ન હોય કે થવાની શક્યતા પણ ન હોય એવી જ સ્ત્રી સાથે એવી કહેવાતી વિશુધ્ધ મૈત્રિ શક્ય છે.
વિશુધ્ધ મૈત્રી એટલે પ્રથમ પરિચય અને પ્રથમ કીસ વચ્ચેનો સમયગાળો.
શાંતિલાલને કલાવી કલાવીને પુછતાં એમણે એટલું તો સ્વીકારી લીધું હતું કે હા ! પોતે હજુ એનો સ્પર્શ કર્યો નથી. પણ ક્યારેક ફિલ્મમાં કે કારમાં વાતચીત દરમ્યાન તેમને ય પેલા ‘હેગા’ તો આવી જ જાય છે. પણ પોતે પરિણિત છે, જુવાન સંતાનોના બાપ છે, વર્ષોનું દામ્પત્યજીવન છે એટલે આગળ વધીને આ ઉંમરે, કોમ્લીકેશન કરવાની પોતાનામાં હિંમત નથી.
અમારા એક ટીખળી મિત્રએ તો શાંતિલાલને પુછી નાંખ્યું-‘ શાંતિભઈ, સાચું કહેજો, કેન યુ પરફોર્મ એટ ધીસ એઇજ ?’… અને શાંતિભાઇ તતપપ થઈ ગયા હતા. ટૂંકમાં, આત્મવિશ્વાસના અભાવે પણ પુરુષ આગળ વધી શકતો ન હોય એવું યે બને.
શાંતિભાઈ અને સપનાબેને ( આપણે એ બહેનને સપના કહીશું )એમના રિલેશનશીપની બાઉન્ડરી બાંધી લીધી છે. કઈ બાબત વિશે વાત નહીં કરવાની અને ભવિષ્યની ઇમોશનલ પળોમાં પણ શારીરિક સ્પર્શ નહીં જ કરવાનો એવી મર્યાદા બાંધી લીધી છે. આવા સંબંધો, સભાનતાપુર્વક કેળવી શકાય અને વિકસાવી શકાય. જે પળે એ સભાનતા છૂટી જાય એ પળે એ સંબંધો પણ તૂટી જ જાય. સપનાબેન લગ્નોત્સુક છે, પણ આ ઉંમરે એમની સાથે લગ્ન કરવા તૈયાર થાય એવો પુરુષ ક્યાંથી મળે ? છૂટાછેડા લીધેલો પુરુષ તો દુધનો દાઝેલો હોય એટલે સો ગળણે ગાળીને પાણી પીએ ને ? વળી મહાપરાણે કોર્ટકચેરીમાં અને ભરણપોષણના કમીટમેન્ટમાંથી છૂટ્યો હોય એ પાછો આ લપમાં પડવા તૈયાર થાય ખરો? પાશેર દુધ પીવા માટે ઘેર ગાય બાંધવાની જરુર ખરી ? સાઇઠ વર્ષ સુધી અપરિણિત રહ્યો હોય એના પૌરુષ અંગે પરણનાર સ્ત્રી ભરોસો મૂકે ?
આવતા અંકે આપણે બીજા એક શાંતિલાલની રમૂજી વાત કરીશું.
નવીન બેન્કર – ૬ એપ્રિલ ૨૦૧૫