‘ના’ કહેવાની કળા – નવીન બેન્કર
‘ના’ કહેવાની કળા – નવીન બેન્કર
‘ના’ કહેવાની પણ એક કળા છે, જે ઘણાંને સાધ્ય નથી હોતી. સામાને ખરાબ ન લાગે એવી રીતે વિવેકપુર્ણ ના કહી દેવાથી ઘણી મૂશ્કેલ પરિસ્થિતિઓમાંથી તમે તમારી જાતને બચાવી શકો છો.
મારા એક મિત્ર પ્રવિણભાઇ છે. એ કોઇને ‘ના’ કહી જ શકતા નથી. હું એમને છેક બાળપણથી ઓળખું છું. શાળામાંથી ગુલ્લી મારીને, પ્રતાપ સિનેમામાં પાંચ આનાની ટીકીટમાં પિક્ચર જોવા માટે હું ‘પાવલા’ને ( એ વખતે હું એને પાવલો કહીને બોલાવતો અને એ , મને નવલો કહેતો.એનામાં ગુલ્લી મારવાની હિંમત જ નહી. પણ મને ના ન પાડી શકતો અને પછી ઘેર ગયા બાદ એની મા-જયામાસી- એની ધોલાઇ કરતા અને હું મારા ઘરમાં સાંભળું એમ મોટેથી કહેતા- ‘ખબરદાર..ખરાબ છોકરાઓની વાદે ચડીને ફિલમ-નાટકને રવાડે ચડ્યો છું તો !’ કોઇ ઉછીના માંગે તો યે, આનો-બે આના ઉધાર આપી દે. પાછળથી એ બેંકનો મોટો ઓફીસર થઈ ગયેલો અને રીટાયરમેન્ટ સમયે, કોઇ ધપલા માટે એની ધરપકડ થયેલી અને પોલીસ-કસ્ટડીમાં પોલીસના ધોલ-ધપ્પા તેમજ ડંડા ખાવા પડેલા. જો કે પાછળથી એની નિર્દોષતા સાબિત થતાં છૂટકારો થયેલો.પણ આના મૂળમાં યે, કાગળો તપાસ્યા વગર સહી કરી દેવાની અને ‘ ના’ નહીં પાડી શકવાનું કારણ જ હતું.
મારા એક બીજા મિત્ર તો અમેરિકામાં જ છે. એકદમ સીધા, સાદા, ભગવાનના માણસ. પુરી પ્રામાણિકતાથી એક સ્ટોર ચલાવે. એમના સાળાઓ મોટેલના અને ગેસ-સ્ટેશનના ધંધામાં ખુબ કમાયા એ જોઇને એમણે પણ એ ધંધાઓમાં ઝુકાવી દીધું. આ બન્ને ધંધામાં ખુબ પૈસા છે એ સાચું,પણ એ કમાવા માટે કેટલીક પાયાની આંટીઘુંટી આવડવી જોઇએ. એ આવડત આ મિત્રમાં ન મળે. ભાગીદારો ધંધો ચલાવે અને બેન્કના જે કાગળો પર સહીઓ કરાવે ત્યાં વિશ્વાસે સહીઓ કરી નાંખે. ના કહેવાની આવડત જ નહીં. પરિણામે એપાર્ટમેન્ટમાં રહેનારા એ નોકરિયાતો, ભાગીદારો બનીને પાંચ પાંચ મોટલોના માલિક અને ઇન્ડીયામાં મોટી મોટી પ્રોપર્ટીઓના બિલ્ડરો બની ગયા.અને એ સજ્જન મિત્ર આજે ય મોટેલોની બેન્ક લોનના હપ્તા, ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીઓ ચૂકવ્યા કરે છે. એના મૂળમાં ય આ ‘ના’ કહેવાની કળાનું અજ્ઞાન હતું એમ મને લાગે છે.
દુનિયાને, તમારી આસપાસના જગતને તમે ખૂબ ગંભીરતાથી લેતા થઈ જાઓ છો ત્યારે તમારી અંદર રહેલી માસૂમિયત, તમારી નિર્દોષતા તમે ગુમાવી બેસો છો. પરિણામ શું આવે છે એનું? તદ્દન નહીં જેવી બાબતોમાં તમે તમારી જાતને વેરવિખેર થઈ જતી જુઓ છો. તમારા પાડોશી મંછામાસીનો જ દાખલો લો. તમારા કહેવા પ્રમાણે તમે તમારી સીડી ઉતરીને કાર પાસે આવો ત્યાં તો, મંછામાસી દોડતા આવીને તમારી પાસે લીફ્ટ માંગે છે. કોઇપણ જરુરિયાતમંદને લીફ્ટ આપવી જોઇએ પણ અહીંતો, મંછામાસીના હસબંડ પાસે ય કાર છે, એમના બે દીકરાઓ પાસે ય કાર છે અને પુત્રવધૂ પાસે ય કાર છે. છતાં મંછામાસી તમારી પાસે જ કેમ લીફ્ટ માંગે છે ? મંછામાસીને બધા અવગણે છે, એમની પાસે જોબ કરાવવી છે, એમની પાસે રસોઇ કરાવવી છે, પણ એમને મંદીરે લઇ જવા કે સિનિયર્સની મીટીંગમાં લઈ જવા કોઇ તૈયાર નથી. તમે ના કહેવાની કળા જાણતા નથી એટલે તમારા અગત્યના કામની એપોઇન્ટમેન્ટને ભોગે પણ તૈયાર થઈ જાવ છો અને મંછામાસી એનો લાભ ઉઠાવ્યા કરે છે.
બીજો દાખલો તમારી બહેનપણી અને પાડોશી પેલી હંસા અને રીના નો છે. તમને બન્ને નથી ગમતી. એમના અને તમારા વિચારોમાં આસમાન-જમીનનો તફાવત છે.તમારી વચ્ચે કશું સામ્ય નથી. ઉપરથી એ બન્ને તમારી ઇર્ષ્યા કરે છે, અને તમને બદનામ કરવાની એકે ય તક છોડતી નથી. છતાં તમે એમને મળો છો, એમની સાથે ન જવા જેવી જગ્યાઓ પર પણ જાવ છો. શા માટે ?
હું આ બધું તમને કહું છું પણ હું યે ક્યારેક ‘ના’ કહેવાની કળા નહોતો જાણતો એટલે મેં ય ઘણાં પૈસા ગુમાવ્યા જ છે. દસેક વર્ષ પહેલાં એક મિત્રને રેસ્ટોરન્ટ ખરીદવા મેં લોન આપેલી. એ રેસ્ટોરન્ટ ન ચાલી અને બંધ કરવી પડી. આજસુધી એ પૈસા નથી ચૂકવી શક્યો. ઇન્ડીયામાં મંદીના સમયે કોઇ મિત્રને ધંધા માટે પૈસા આપેલા એ હજુ પાછા નથી મળ્યા.
હવે કોઇ પૈસા ઉછીના માંગે તો હું સવિનય અને શબ્દો ચોર્યા વગર ‘ના’ પાડી દઉં છું. અમેરિકામાં ૩૩ વર્ષ રહ્યા પછી કોઇ કહે કે મારી પાસે પૈસા નથી તો કોઇ ના માને. ( હા ! અમેરીકાની સરકાર જરુર માને. તમારા પૈસા બેન્કમાં ન હોવા જોઇએ. સરકાર તમને મેડીકેઈડ અને ફૂડ કુપન્સ આપે એ અલગ વાત છે.)
હવે, હું કહી દઉં છું કે-‘ ભાઇ, મારી પાસે પૈસા તો છે. પણ આપવાની મારી દાનત નથી.હું એ પૈસા મારી સાથે ઉપર લઈ જવાનો નથી પણ એ અંગે મેં વ્યવસ્થા કરી રાખેલી છે. અને હવે, આ ઉંમરે તમને આપીને, મારે સિરદર્દ લેવું નથી. મારી પાસે ઉછીના આપેલા પાછા મેળવવાનો સમય પણ રહ્યો નથી. અને મારી પત્નીને, પોતાના જ પૈસા માટે પાછલી ઉંમરે ટળવળવાનો કે કરગરવાનો વારો આવે એવું હું નથી ઇચ્છતો. એટલે તમે બીજે ક્યાંકથી સગવડ કરી લેજો.’
આસપાસની વિષમતાઓ, બીજાઓમાં રહેલી અટપટી અને અકળાવનારી વર્તણૂકો તથા જિંદગીના પ્રવાસમાં રોજિંદી બની ગયેલી તડકીછાંયડીઓ તરફ તટસ્થ રહેવાનો એક જ ઈલાજ છે -એમને અવગણવાનો અને સ્પષ્ટપણે કહી દેવાનો કે આઇ એમ નોટ કમ્ફર્ટેબલ વીથ યુ. લીવ મી એલોન. ડુ નોટ કોલ મી એન્ડ ડુ નોટ ડીસ્ટર્બ મી.
ખરાબ દુનિયામાં રહીને માણસ પોતે પણ પોતાના અંત:સત્વને એવું જ ખરાબ બનવા દે તો પછી એવી પરિસ્થિતિમાંથી ઊગરવાની કોઈ શક્યતા બચતી જ નથી. દુનિયાને તમે બદલી શકતા નથી અને તમે પોતે પણ બદલાવા નથી માગતા કે દુનિયા જેવા થઈ જવા નથી માગતા. આટલું સ્વીકારી લીધા પછી પણ એક હકીકત તો રહે છે જ કે તમારે આ જ દુનિયામાં રહેવાનું છે, આ જ લોકો તમારી આસપાસ હશે એવા વાતાવરણમાં રહેવાનું છે.