ઓહ….અમેરિકા !! (વાર્તા) -નવીન બેન્કર-
ઓહ….અમેરિકા !! -નવીન બેન્કર-
અમેરિકા આવનાર દરેક સ્ત્રીલોલુપ રસિક પુરુષનું એક સ્વપ્ન હોય છે- ગોરી ચામડીવાળી અમેરિકન કે મેક્સીકન છોકરી સાથે મજા કરવાનું.
કેટલાકને આ વિધાન અતિશયોક્તિભર્યું લાગશે. કેટલાક નાકનું ટેરવું ચડાવશે કેટલાક ચોખલિયાઓ ‘અશિષ્ટ’, ‘અભદ્ર.’…એવો ચિત્કાર કરી ઉઠશે એ હું સમજું છું.
પણ, મેં ‘દરેક પુરુષ’ કે ‘દરેક રસિક પુરુષ’ એવો શબ્દપ્રયોગ નથી કર્યો, હોં ! આગળ ‘સ્ત્રીલોલુપ’ એવો શબ્દ પણ લખ્યો છે એની નોંધ લઈને પછી જ આ રસિક લેખ વાંચશો.
આજે , જે બે કિસ્સા લખવા છે તે મારા ફળદ્રુપ (!) ભેજાની પેદાશ નથી. પણ ૧૯૯૬માં, હ્યુસ્ટનના ‘હ્યુસ્ટન ક્રોનિકલ’ જેવા લબ્ધ પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબાર અને ‘ નયા પડકાર’ ના શુક્રવાર તારીખ ૨૮ જુન ૧૯૯૬ ના અંકમાં પ્રસિધ્ધ થયેલા, બે લેખોના આધારે આ માહિતી આપને જણાવું છું- અલબત્ત, રજૂઆત અને ભાષા મારી આગવી છે.
હાં…તો, દરેક સ્ત્રીલોલુપ રસિક પુરુષ હંમેશાં, ગોરી ગોરી, લીસી લીસી, ઉંચી, પાતળી સ્ત્રીને ઇચ્છતો હોય છે. અને…અમેરિકા ફરવા આવનાર મોટી ઉંમરના વડીલ પુરુષો પણ પોતાના પુત્ર કે જમાઇને કોઇ ‘અવેઇલેબલ ગોરી’ અંગે પુછી ના શકે એટલે ક્યારેક કોઇ સિનિયર્સની મીટીંગમાં જાય અને હમવયસ્ક રસિક મિત્ર સાથે પરિચય થાય તો પુછી લે કે- ‘બાપુ… તમારે અમેરિકામાં કોઇ ‘ગોરી’ અવેઇલેબલ ખરી ?’ અને પછી, બીતાં બીતાં, કોઇ ગુનો કરી રહ્યાના ભાવ સાથે ન્યૂયોર્કની ૪૨મી ગલી કે ફીફ્થ એવન્યૂની ૨૮મી ગલીના આંટા મારતા હોય. હ્યુસ્ટનના હીલક્રોફ્ટ વિસ્તારની ગમે તે ક્લબમાં, રાતના દસ વાગ્યા પછી જાવ તો તમને આવા રસિક પુરુષો મળી જ રહેવાના.
સામાન્ય રીતે, અમેરિકામાં ગોરી ચામડીવાળી સ્ત્રીઓનો સહવાસ મેળવવો એ કોઇ પ્રોબ્લેમ નથી હોતો. મેક્સીકોમાંથી ગેરકાયદેસર ઘુસી ગયેલી અને પટેલોની મોટેલોમાં ચાદરો બદલનારી કે સંડાસ સાફ કરનારી ગોરી મેક્સીકનો કે ક્લબોની બાર ટેન્ડરો તરીકે કામ કરનારી ગોરી સ્ત્રીઓ મળી શકે- જો તમે સહેજ વાચાળ, હિંમતવાન અને આંખમાં આંખ પરોવીને મક્કમતાપુર્વક, શિષ્ટ રીતે પ્રપોઝ કરવાની આવડત અને ક્ષમતા ધરાવતા પુરુષ હો તો.
ઝાકઝમાળ રોશનીથી ઝગમગતી ગમે તે ક્લબમાં રાત્રે જઈ, એકાદ પેગ હાથમાં રાખીને, પગ પર પગ ચડાવીને એકલી અટૂલી બેઠેલી કોઇ સુંદર ગોરી યુવતીને ટેક્ટફુલી એપ્રોચ કરીને તમે ગણત્રીની મીનીટોમાં જ તમારા એપાર્ટમેન્ટ પર કોફી પીવડાવવા (!) લઈ જઈ શકો છો.
હા…એપાર્ટમેન્ટ પર લઈ જવાની વાત આવી એટલે એક ઘટના યાદ આવી ગઈ.
હ્યુસ્ટન ક્રોનિકલ નામના એક સુપ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારમાં, નામ-ઠામ અને ફોટા સહિત છપાયેલ એક સત્ય ઘટના છે. જાવેદમિંયા યુવાન છે, હેન્ડસમ છે અને એકલા જ છે.ક્લબોમાં જઈને સ્મય બગાડવા કરતા, ડેટીંગ સર્વિસમાં ફોન કરીને તેમણે લીન્ડા નામની એક ‘ધોળી’નો સંપર્ક સાધ્યો. ખાસ્સી પચ્ચીસ મીનીટ સુધી પ્રેમાલાપ કર્યો. ફોન પર જ ‘આપ કેવી સ્ટાઇલમાં કે કયા આસનમાં જાતીય આનંદ માણવાનું પસંદ કરશો ? એવા સવાલનો રસિક જવાબ પણ તેમણે આપ્યો હતો. અને પોતાના એપાર્ટમેન્ટનું સરનામુ આપ્યું હતું. થોડી જ વારમાં લીન્ડા એપાર્ટમેન્ટ પર પહોંચી ગઈ અને જાવેદમિંયાને ખુબ મજા કરાવી. બીજી મુલાકાત વખતે એ પોતાની સહેલીને લઈને આવી. જાવેદમિંયાએ દરવાજાની મેજીક આઇ માં થી જોયું તો એકને બદલે બબ્બે રૂપાળી લલનાઓને જોઇ, ખુશ થતાં થતાં દરવાજો ખોલીને બન્ને રૂપાળીઓને ઘરમાં દાખલ કરી. બીજી જ પળે પેલી રૂપાળીએ પિસ્તોલ કાઢીને તેના લમણામાં અડકાડી દીધી. બીજીની મદદથી જાવેદમિંયાના મ્હોં પર ટેપ લગાડીને હાથપગ બાંધી દીધા અને ખુણામાં પોટલુ બનાવીને ફેંક્યો. પછી ઘરમાંથી કેમેરા, રાચરચીલુ, ને રોકડ મળી લગભગ ચૌદ હજાર ડોલરની માલમતા સાથે છૂ થઈ ગઈ. પાછળથી જાવેદમિંયાએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે તપાસ કરીને, બન્ને જણીઓને પકડીને જેલ ભેગી કરી હતી.
આ તો જાવેદમિંયાના સદનસીબે એ બચી ગયા. બાકી, આવા કિસ્સામાં તો લમણામાં ગોળી ધરબી દઈને સાક્ષી-પુરાવાનો નાશ જ કરી નાંખવામાં આવતો હોય છે. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી.
બીજો એક કિસ્સો તો એનાથી ય વધુ રસિક છે. ‘ નયા પડકાર’ના ૨૮ જુન, ૧૯૯૬ના અંકમાં આ છપાયેલો કિસ્સો.એક મોટી ઉંમરના વિધુર ગુજરાતી કાકાનો છે. આપણે તેમનું નામ નથી જાણવું. કાકા પોતાની દીકરી, જમાઇ, અપરિણિત દીકરા અને પૌત્રો સાથે હ્યુસ્ટનના એક ઇન્ડીયન-પાકિસ્તાની કોમ્યુનિટી ધરાવતા એપાર્ટમેન્ટ કોમ્લેક્સમાં રહે છે. ભાડુ બચાવવા, આ બધા ભારતના સંયુકત કુટુંબ ની જેમ, બે બેડરુમના એપાર્ટમેન્ટમાં સાંકડે માંકડે પડ્યા રહેતા. કાકા સાંજે જોબ પરથી ઘેર પાછા ફરતાં, એપાર્ટમેન્ટના સીક્યોરીટી ગેટ પર મશીનમાં કાર્ડ ભરાવીને દરવાજો ખોલવા જતા હતા ત્યાં જ એક રૂપાળી લલનાએ આવીને કહ્યું- ‘હા…ય..’.
કાકા પાણી પાણી થઈ ગયા
.
મોટી ઉંમરના વિધુર કાકા સમજી ગયા કે ધોળી અવેઇલેબલ છે. એમણે સમય બગાડયા વગર સીધુ જ પુછ્યું- ‘ હાઉ મચ ?’
ધોળીએ કહ્યું- ‘મે આઇ કમ ઇન, ઇન યોર કાર ? વી મે ટોક કમફર્ટેબ્લી.’
કાકાએ તેને પેસેન્જર સીટ પર બેસાડી દીધી અને ગાડી રીવર્સમાં લીધી. દીકરી, જમાઇ અને પૌત્રોથી ભર્યાભાદરા ઘરમાં તો ધોળીને લઈ જવાય તેમ ન હતી અને ધોળી પાસે પોતાની જગ્યા ન હતી એટલે એવું નક્કી થયું કે કોઇ એકાંત, અંધારા પાર્કીંગ પ્લોટમાં કાર પાર્ક કરી, સીટ જરા પાછળ કરીને, ‘બ્લો જોબ’થી જ સંતોષ માનવો. હવે મને કોઇ પુછશો નહીં કે ‘આ ‘બ્લો જોબ’ એટલે શું ?’ અશિષ્ટ ભાષાપ્રયોગ કર્યા સિવાય એનો અર્થ સમજાય નહીં એટલે જેઓ એનો અર્થ સમજતા હશે તે સમજી જશે .
એકાંત પાર્કીંગ લોટમાં કાર પાર્ક કરીને વિધુર પટેલબાપાએ પોતાની સીટ ઢળતી કરી અને આંખો મીંચીને, ‘સુખ’ માણવાની તૈયારી કરી ત્યાં તો…તેમના ગળા પર છરીની અણી દાબીને પેલી ‘માયા’ બોલી-‘ ચુપચાપ ખિસ્સા ખાલી કરીને મારે હવાલે કરી દો..નહિંતર ગળુ કાપી નાંખીશ…’ ( અલબત્ત, આ વાર્તાલાપ અંગ્રેજીમા થયેલો પણ આપણે પટેલબાપાના સગાવહાલા સમજી શકીએ એટલે ગુજરાતીમાં લખું છું. )
કાકાની બધી ઉત્તેજના ઓસરી ગઈ.
ક્રેડીટકાર્ડ સહિતનું પાકીટ ચુપચાપ તેણીને આપી દીધું. પેલી જતાં જતાં, પટેલબાપાનું પેન્ટ ઉતારીને પ્લાસ્ટીકની થેલીમાં ભરીને લઈ ગઈ અને થોડેક છેટે જઈને ગારબેજ કેનમાં નાંખીને ત્યાં પાર્ક કરેલી પોતાની કારમાં બેસીને છટકી ગઈ.
કાકા શરમજનક સ્થિતિમાં ઘેર આવ્યા. સાચી વાત તો કહી શકાય તેમ ન હતી એટલે ‘કોઇ કાળીયો ગન બતાવીને લૂંટી ગયો’ એવી કલ્પિત વાત કરીને લોકોની સહાનુભૂતિ મેળવી.
આમ તો આ વાતનો અહીં અંત આવી જાય. પણ ના…
એ કોમ્પ્લેકસમાં જ રહેતા એક ‘દેશી’ સીક્યોરી ગાર્ડે, પટેલબાપાને એકલા મળ્યા ત્યારે કહ્યું- ‘ કાકા…ગૂનો થાય એટલે કોઇ કાળિયાએ કર્યો એવી વાતો ફેલાવવાની હવે બંધ કરો. તમે એકલા આવી રીતે લૂંટાયા નથી. ઘણાં બધા લૂંટાયા છે અને પોલીસે ગુનેગારોને પકડ્યા પણ છે. પોલીસ ગૂનાની મોડસ ઓપરેન્ડી પરથી આ વિસ્તારની લૂંટારુ લલનાઓને ઓળખી કાઢે છે. પોલીસ ફરિયાદ કરશો તો પોલીસ તમારુ પાકિટ મેળવી આપશે.’
પણ કોઇ કુટુંબકબીલાવાળો ગુજજુ માઈનો લાલ આવી ફરિયાદ કરવાની હિંમત કરે ખરો ?…. શ્રીરામ..શ્રીરામ…
હિલક્રોફ્ટ વિસ્તારના એક સ્ટોર પર સાંજે સ્ટોર બંધ થવાના સમયે એકલા મિત્રો ભેગા થઈને, ટોળટપ્પા કરતા હોય એને અહીં ‘કડીયાનાકા’ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં આવી બધી માહિતી મળી રહે. મંદીરોના બાંકડે પણ આવું બધું જાણવા મળે.
‘આહ…અમેરિકા’ નો લ્હાવો માણવા જતાં, ક્યારેક ‘ઓહ..અમેરિકા !’ કરીને ચિત્કાર પણ કરવો પડે, હોં !
નવીન બેન્કર.