એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » અહેવાલ » હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાએ ઉજવ્યો કાવ્યોત્સવ. અહેવાલ- શ્રી. નવીન બેન્કર

હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાએ ઉજવ્યો કાવ્યોત્સવ. અહેવાલ- શ્રી. નવીન બેન્કર

November 14th, 2014 Posted in અહેવાલ

હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાએ ઉજવ્યો કાવ્યોત્સવ-અહેવાલ-   શ્રી. નવીન બેન્કર


                                                                                                                                

GSS14Audience pic

તસ્વીર સૌજન્ય- શ્રી. જય પટેલ  

 

હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાએ ઉજવ્યો કાવ્યોત્સવ-    અહેવાલ-   શ્રી. નવીન બેન્કર

તસ્વીર સૌજન્ય-  શ્રી. જય પટેલ

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની યશકલગીમા એક વધુ છોગુ એટલે ‘કાવ્યોત્સવ’ ૨૦૧૪. અમદાવાદના યુવાન,તરવરીયા અને હસમુખા કવિ શ્રી. કૃષ્ણ દવે અને બ્રિટન-બોલ્ટનથી આવેલા પીઢ ગઝલકાર શ્રી. ‘અદમ’ ટંકારવીના અતિથિ વિશેષપદે ઉજવાયેલો  ‘કાવ્યોત્સવ’. શિકાગોથી આ પ્રસંગ માટે જ ખાસ પધારેલા કવયિત્રી શ્રીમતી સપના વિજાપુરા, હ્યુસ્ટનના સ્થાનિક પ્રતિષ્ઠિત મહાનુભાવો, સ્થાનિક સર્જક પ્રતિભાઓ અને એટલા જ ઉત્કટ સાહિત્ય પ્રેમીઓએ હાજરી આપીને કાર્યક્રમને દીપાવ્યો હતો.

તારીખ ૮મી નવેમ્બર ૨૦૧૪ને શનિવારની સલૂણી સાંજે, ઓસ્ટીન પાર્ક વે પર આવેલા, સીટી ઓફ સુગરલેન્ડના, ફર્સ્ટ કોલોની કોન્ફરન્સ સેન્ટરના વિશાળ હોલમાં, લગભગ દોઢસો જેટલા ગુજરાતી સાહિત્યના પ્રેમીઓની ઉપસ્થિતિ હતી. શરુઆતમાં, શ્રીમતિ દેવિકાબેન ધ્રુવે કવિતાભીનો આવકાર આપી કાર્યક્રમની રૂપરેખા કહી. સાહિત્ય સરિતાના વડીલ સર્જક ધીરુભાઈ શાહ અને મુરબ્બી શ્રી મુકુંદભાઈ ગાંધીના શુભ હસ્તે દીપ-પ્રાકટ્ય વિધિ સંપન્ન થયો. સંસ્થાના ઉપપ્રમુખ શ્રી. નિખિલ મહેતા સરસ્વતિ વંદના અને શ્રીમતી જ્યોત્સનાબેન વેદે પ્રાર્થનાગીત ગાયું. તે પછી, શ્રી. હસમુખ દોશીએ અમદાવાદના યુવાન કવિ શ્રી. કૃષ્ણ દવેનું અને હ્યુસ્ટનના પીઢ હાસ્યલેખક શ્રી. ચિમનભાઈ પટેલે બ્રિટનથી પધારેલા ગઝલકાર શ્રી. ‘અદમ’ ટંકારવીનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું.

રાબર સાડાત્રણ વાગ્યે શરુ થયેલા આ કાર્યક્રમના પહેલા કવિ હતા-Krushna Dave ‘વાંસલડી ડોટ કોમ’ થી જાણીતા થયેલા, કવિશ્રી કૃષ્ણ દવે. આ કવિએ બીજું કશું જ ન લખ્યું હોત અને માત્ર આ એક જ કાવ્ય લખ્યું હોત તો પણ આજના કવિઓનીહરોળમાં, એક મૂઠ્ઠી ઉંચેરા કવિ ગણાવા માટે પૂરતું હતું. “મૂળ કદી ના ભૂલું વૃક્ષ બનું, આકાશે પહોંચું ઉંડે ઉંડે મારી સાથે બંધાયો છે નાતો,” જેવી હૃદયસ્પર્શી કવિતાથી કૃષ્ણ દવે એ શરુઆત કરી. “આપણે તો આવળ ને  બાવળની જાત, ઊગવાનુ હોય ત્યારે પુછવાનું નહીં,” “એક બે પળ મળ્યા તો બહુ થયું, આપણે ખુદને મળ્યા તો બહુ થયું,” “તમે મારી સાથે આવો, પહેરી લ્યો પવનપાવડી,” જેવા કાવ્યોની રસછોળ ઉડાડી. શ્રોતાઓને ઇન્વોલ્વ કરતું, મહાભારતના પાત્રોની ઓળખ આપતું કાવ્ય ‘મહાભારત – એક માથાકુટ’ સૌએ મનભરીને માણ્યું અને દરેક પંક્તિ પર પોતાનો પ્રતિસાદ આપ્યો હતો. એવું જ બીજું ગીત હતું- ‘માણસ છે’ પતંગિયાની યે પાંખો છાપે, માણસ છે, બીઝનેસ કરે છે. ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બીઝનેસ કરે છે. સંબંધોની ફાઈલ રાખી, લાગણીઓને લેસરથી કાપે, માણસ છે….જેવી પંક્તિઓ પર શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી દાદ આપી હતી. પોતાની ખુબ જાણીતી કૃતિ ‘વાંસલડી ડોટ કોમ’ રજૂ કર્યા બાદ, બે ત્રણ હળવી કૃતિઓ રજૂ કરીને શ્રોતાઓને આનંદ વિભોર કરી દીધાં.

“મને પણ એવોર્ડ મળે તો સારું! છાશ લેવા જઉં છું ને દોણી નહીં સંતાડું,
મારી વાત તો છાપો, પણ એક એવોર્ડ તો આપો”…..

‘મને તો સ્યુગર કોટેડ જીભ મળી ગઈ, મને તાળી સાંભળવાની ટેવ પડી ગઈ’.
મને ખુદને ઓગાળવાની આ ગાંઠ નડી ગઈ,મને તાળી સાંભળવાની ટેવ પડી ગઈ.

અંતમાં તેમણે રજૂ કરેલી બે કૃતિઓ પર તો શ્રોતાઓ આફરિન પોકારી ઉઠ્યા હતા.
ડાયરી ખુલે ને ડર લાગે, એવું તો કેટલું ય લમણામાં વાગે,પણ માઇક મળે તો કોઇ છોડે ?
છેલ્લી બે વાત કરી લઉં એમ બોલીને પાછો એક કલાક ચાલે, માઈક મળે તો કોઇ છોડે?

બે ઘડી વાતો કરી, દિલને બહેલાવી અમે નીકળી ગયા,
કોઇ સંગ ના જઈ શક્યું ને અમે નીકળી ગયા…..કહીને શ્રી કૃષ્ણ દવે માઈક છોડી વિરમ્યા.

ત્યારબાદ, શિકાગોના કવયિત્રી સપના વિજાપુરાનું હ્યુસ્ટનના ડોક્ટર કોકિલા પરીખે પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ, તેમણે પણ સ્વરચિત રચનાઓ સંભળાવી હતી.
‘નથી છૂટતું, નથી છૂટતું આ અમેરિકા નથી છૂટતું’ રજૂ કર્યા બાદ તેમણે પોતાનો દીકરો શબ્બીર જયારે બીજી યુનિવર્સિટિમાં અભ્યાસ માટે ગયો ત્યારે લખાયેલું એક હૃદયસ્પર્શી ગીત રજૂ કર્યું ત્યારે તો શ્રોતાગણમાં બેઠેલી દરેક માતાની આંખો ભીની થઈ ગઈ હતી. સપનાબેન પોતાના કાવ્યસંગ્રહો ‘ખુલ્લી આંખના સપના’ અને ‘સમી સાંજના સપના’થી ખુબ જાણીતા છે. તેમના એક કાવ્યસંગ્રહના, ૨૬ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ, અમદાવાદમાં થયેલા વિમોચન પ્રસંગે આ અહેવાલ લેખકને પણ હાજર રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું.

માસ્ટર ઓફ સેરિમની એવા શ્રીમતિ દેવિકાબેન ધ્રુવે પોતાની લાક્ષણિક શૈલીમાં, રજૂ કરાયેલા કાવ્યો અંગે, અંકિત ત્રિવેદી અને તુષાર શુક્લ સ્ટાઇલમાં, બે વાતો કરીને,ગુજલીશ ગઝલોના રાજા અને કલાપી એવોર્ડ વિજેતા Adam Tankarviશ્રી.અદમ ટંકારવીને માઈક સોંપી દીધું. અદમ ટંકારવી એટલે રમુજી ગઝલોના બાદશાહ. એમની દરેક રજૂઆત સાથે સાથે, એ ગુજરાતી કવિઓના એટલા બધા રેફરન્સો આપતા જાય કે એમના વાંચન, બહુશ્રુતપણા અને વિદ્વત્તાનો ખ્યાલ આવે. છેવટે “મેં કંટાળી વાદળીને પૂછ્યું, વરસ્યા વગર કેમ જાવ છો?
વાદળી બોલી ‘ભઈ, વરસી તો પડીયે, પણ તમે ક્યાં કોઇ’દિ ભીંજાવ છો ?”

ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત કવિઓ- રમેશ પારેખ, યોસેફ મેકવાન, ખલિલ ધનતેજવી, મુકુલ ચોક્સી, માધવ રામાનુજ જેવાની કૃતિઓના હવાલા દેતા જાય અને સાથે સાથે પોતાની કૃતિઓ સંભળાવતા જાય. અદમભાઇની ગઝલોનારેફરન્સ સુધ્ધાં લખવા માટે આ અહેવાલના ચારપાંચ પાનાં પણ ઓછા પડે. ગુજરાતની સનમ, બ્રીટનની સનમ અને અમેરિકાની સનમવાળી ગઝલ પર શ્રોતાઓ ખુબ ખુશ થઇ ગયા હતા. ‘પટેલ અને મોટેલ’ની તેમની જાણીતીહાસ્યપ્રેરક ગઝલ ‘જેટલો મોટેલનો વિસ્તાર છે, એટલો આ આપણો સંસાર છે’ રજૂ કર્યા વગર તો અદમભાઇને ચાલે જ નહીં.

હ્યુસ્ટનના ‘નાસા’ ના વૈજ્ઞાનિક અને કવિ શ્રી. કમલેશ લુલ્લાના પુસ્તક, ‘પૃથ્વી એજ વતન’નું વિમોચન આમંત્રિત કવિઓના શુભહસ્તે કરવામાં આવ્યું હતું. શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટે બંને કવિઓને બિરદાવતા સ્વરચિત કાવ્યોને મઢીને, તેમને અર્પણ કર્યા હતા.

ગુજરાતી સાહિત્ય સરિતાના યુવાન અને બાહોશ પ્રમુખ નવોદિત રચનાકાર શ્રી. ધવલ મહેતાએ કેટલીક ગૌરવની વાતો કરી. તાજેતરમાં હ્યુસ્ટન આવી ગયેલા શ્રી. બળવંત જાનીનો ઉલ્લેખ, ફ્લોરીડા મુકામે ગયા માસમાં યોજાઈ ગયેલા કાવ્યોત્સવમાં સાહિત્ય સરિતાના શ્રીમતિ દેવિકાબેન ધ્રુવ, શ્રીમતિ સરયૂબેન પરીખ ને ડો. ઇન્દુબેન શાહને જે સ્થાન મળ્યું હતું એની વાત અને સહિયારું સર્જન અંગે લિમ્કા બૂક રેકોર્ડમાં આવેલ શ્રી વિજયભાઈ શાહનું નામ વગેરે વાતો કરી હતી. તે ઉપરાંત તેમણે ભવિષ્યમાં આવા સુંદર કાર્યક્રમો અંગે ‘યુએસ નેટવર્ક’ના પોતાના વિઝનનો પણ ખ્યાલ આપ્યો હતો. સંસ્થાના ઉપપ્રમુખ શ્રી. નિખિલ મહેતાએ પણ ખુબ ટૂંકા ને ટચ વક્તવ્યમાં પ્રસંગોચિત રજૂઆત કરી હતી.

અંતમાં, સંસ્થાના ખજાનચી શ્રી. નરેન્દ્ર વેદે કાર્યક્રમના ઉદ્દાત્ત સ્પોન્સરોનો આભાર માન્યો હતો. નરેન્દ્રભાઈએ હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાનો નવો લોગો અને બેનર ડીઝાઇન કરવા માટે શિકાગો રહીશ અવનીબેન ચોકસી નો આભાર માન્યો હતો.  ઉપરાંત, કાવ્યોત્સવમાં પધારનાર મહાનુભાવો, સ્થાનિક સર્જકો, વિશાળ આસ્વાદકો, કમિટીમેમ્બરો, સ્વયંસેવકોનો પણ આભાર માન્યો હતો. સંસ્થા તરફથી હાજર રહેલા સર્વેને સ્વાદિષ્ટ સાંધ્યભોજનનો આસ્વાદ કરાવ્યા બાદ એક સમૂહ તસ્વીર પણ સંસ્થાના સેવાભાવી અને નિઃશુલ્ક ફોટોગ્રાફર શ્રી. જયંતિ પટેલ દ્વારા લેવામાં આવી હતી.

બીજા દિવસે એટલે કે નવેમ્બર, ૯મીને રવિવારની સવારે હ્યુસ્ટનના વલ્લભવિદ્યામંદિર (VVM) ના શ્રીમતિ રચનાબેન શાહની રાહબરી હેઠળ ગુજરાતી શીખતા બાળકો સાથે શ્રી કૃષ્ણ દવેના બાળગીતોનો એક નાનકડો કાર્યક્રમ થયો. બાળકોએ બનાવેલાં મેઘધનુષી રંગના આકર્ષક દીવાઓની રંગોળી માણ્યા પછી બાળગીતો શરું થયાં.ચાંદામામા, ખિસકોલી, ફ્રીઝનું ટામેટું અને કીડીબાઈ વિષેની કવિતાઓ હાવભાવની સુંદર મુદ્રાઓ સાથે રજૂ કરવામાં આવી. થોડું સમજતા અને અનુવાદ દ્વારા વધુ  સમજીને ખિલખિલાટ હસતા બાળકોને મઝા આવી. કાર્યક્રમ પૂરો થયા પછી ત્રણ ચાર નાના ભૂલકાઓ છેક દરવાજાની બહાર દોડતા આવ્યાં અને કૃષ્ણ- ભાઇને કાલીઘેલી, ભાંગીતૂટી ગુજરાતીમાં કેવું વહાલભર્યું કહી ગયાં!  ‘અંકલ, મને તારું પોએમ બહું ગમ્યું !’ નિર્દોષ હૃદયનું આ વાક્ય મનને સ્પર્શી ગયું અને કવિતાની સફળતા પ્રમાણી ગયું.

સોમવારની સાંજે સર્જકો સાથે ‘કવિતા અને ગઝલ વર્કશોપ’નું આયોજન કરવામાંઆવ્યું હતું.. ડો.રમેશભાઈ અને શ્રીમતિ ઇન્દુબેન શાહના નિવાસ સ્થાને સૌ ગોઠવાઈ ગયાં હતાં. કૃષ્ણ- ભાઇએ દરેકની એકએક કવિતાસાંભળી અને કેટલીક મહત્વનીવાતો સમજાવી. તેમણે કહ્યું કે કવિતા હૃદયમાંથી આવે છે એ સાચું પણ તેમાં કલા હોવીજોઈએ. અંતરનું ભાવવિશ્વ લયબધ્ધ રીતે અને ખુબીપૂર્વક રજૂ થવું જોઈએ. ભીતરની સંવેદનાઓ, અનુભૂતિ, સુંદર કલ્પનો વિચારોની સ્પષ્ટતા,પ્રાસ અને લયયુક્ત શબ્દોની ગોઠવણી આ બધું મળે ત્યારે કવિતા બને. કવિતામાં કશું સીધું ન કહેવાય છતાં યે ભાવકને સમજાઈ જાય તે કવિતા કહેવાય.
તે પછી ‘અદમ’ ટંકારવીએ ગઝલ વિષે વાત શરુ કરી. ગઝલનો અર્થ, બાલાશંકર કંથારિયાથી માંડીને ક્રમિક ઈતિહાસની ઝલક અને સમયની સાથે ગઝલના સ્વરૂપના વિકાસની વાતો અતિ સરળતાથી સમજાવી. તે પછી ગઝલના બાહ્યસ્વરૂપ રદીફ, કાફિયા, બંધારણ અને આંતરિક ભાવોની ચોટ અને ચમત્કૃતિ વિષે દાખલા સહિત સરસ રીતે સમજણ આપી. બારણે ટકોરો થાય, વિસ્મય જાગે અને પછી દ્વાર ઉઘડે તે રીતે ગઝલના મત્લાની શરુઆત થાય અને તે પછી એ ભાવને પૂરક જુદાજુદા સંકેતો/રૂપકોથી ગઝલ આગળ વધે અને દરેક શેર વાંચતા વાંચતા ચોટ અને ચમત્કૃતિની સાથે સાથે એક ‘આહ અને વાહ’ સ્વાભાવિક પણે નીકળે તે ગઝલ તેમ સમજાવ્યું.  જાણીતા ગઝલકારોના શેર સાથે આ આખી યે વાત સૌના મનમાં સ્પષ્ટ થતી ગઈ. છેલ્લે એક ગઝલ  નમૂના તરીકે લઈ તેની ખામી/ખુબીઓ પણ પ્રયોગિક ધોરણે સમજાવી.

આમ, બંને કવિઓનું આગમન હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતા માટે ખુબ જ ઉપકારક, માર્ગદર્શી અને આશીર્વાદરૂપ બની રહ્યું.

One Response to “હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાએ ઉજવ્યો કાવ્યોત્સવ. અહેવાલ- શ્રી. નવીન બેન્કર”

  1. devikadhruva says:

    યથોચિત શબ્દો દ્વારા સુંદર અહેવાલ લખવા માટે નવીનભાઈને ખુબ ખુબ અભિનંદન.

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.