જ્યારે આખો ભારતદેશ અને વિદેશમાં વસતા બધા જ ભારતિયો જ્યારે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યા હોય ત્યારે હ્યુસ્ટનના સિનીયરો પણ તેમાંથી કેમ બાકાત રહે ?..અને તેમાંય જ્યારે સિનીયર સીટીઝન્સ એસોસિયેશનના પ્રમુખપદે શ્રી. લલિત ચિનોય જેવો ઉત્સાહી અને અગાઉ કોઇએ ન કરી બતાવ્યું હોય એવું કરી બતાવવાની ધગશ ધરાવતી વ્યક્તિ હોય !
આ વખતે સિનીયર્સ એસોસિયેશનના સભ્યોએ પ્રજાસત્તાક દિનની રેલી કાઢી, જે હ્યુસ્ટનના સિનીયર્સના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત બન્યું.
નસીબસંજોગે આ મહિનાની મીટીંગ પણ ૨૬ જાન્યુઆરિને શનિવારે જ આવી હતી. બપોરે બાર વાગ્યાને સુમારે સંસ્થાના લગભગ ત્રણસો જેટલા સભ્યો, બબ્બેની હરોળમાં, શિસ્તબધ્ધ રીતે બેલેન્ડપાર્ક કોમ્યુનીટી સેન્ટરના પ્રાંગણમાં ઉભારહી ગયા હતા. વિશાળ કદનો ભારતનો ત્રિરંગો ઝંડો લઇને સંસ્થાના સોહામણા ટ્રસ્ટી સુધાબેન ત્રિવેદી અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રી.રવિન્દ્ર ત્રિવેદી સૌને મોખરે આવી ગયા હતા.તેમની સાથે આગલી હરોળમાં, સંસ્થાના આગેવાન સભ્યો, કમિટી મેમ્બરો, વગેરે પણ ગોઠવાઇ ગયા હતા. અને…પછી કમ્યુનિટી પાર્કના પ્રાંગણમાંથી રેલીની શરુઆત થઇ. જેમ જેમ રેલી આગળ વધતી ગઈ તેમ તેમ ત્રિરંગાને પકડીને ચાલનારા બદલાતા ગયા. ‘ભારતમાતાકી જય‘ અને ‘વંદેમાતરમ‘ના નારાથી હ્યુસ્ટનના બેલેન્ડ પાર્ક ગૂંજી રહ્યો.
ઇન્ડીયા કલ્ચર સેન્ટરે અને અન્ય ભારતિય સંસ્થાઓએ આ વર્ષે પ્રજાસત્તક દિનની ઉજવણી શહેરમાં અન્યત્ર ગોઠવેલી એટલે સિનીયર્સની રેલીમાં કોન્સ્યુલર્સ કે અન્ય સંસ્થાઓના મહાનુભાવોની ગેરહાજરી દેખાઇ આવતી હતી.
રેલી લગભગ એક વાગ્યાની આસપાસમાં બેલેન્ડ પાર્કના કોમ્યુનિટી સેન્ટરના હોલમાં મીટીંગમાં ફેરવાઇ ગઇ. હ્યુસ્ટનના ગાયક કલાકાર શ્રી. અશોક શેલતે, પોતાના અનોખા અંદાઝમાં, એક્ટીંગ સાથે, કરોકીના સથવારે, દેશભક્તિના ગીતોથી શરુ કરીને, જુની હિન્દી ફિલ્મોના ખુબ જાણીતા, કર્ણપ્રિય ગીતોની હારમાળા રજુ કરીને, શ્રોતાઓને ડોલાવી દીધા હતા. સીત્તેર ઉપરની વયના કેટલાક સિનીયર સ્ત્રી-પુરુષો, ગીતોના શબ્દો પર, સ્ટેજ પાસે આવીને, પ્રેક્ષકોની સન્મુખ, ડાન્સ કરવા લાગ્યા હતા. હ્યુસ્ટનમાં જેમનું નામ જ ‘માસી‘ છપાઇ ગયું છે એવા સિનીયર્ વિલાસમાસી અને તેમના પતિ પ્રફુલ્લભાઇ પિપળીયાના સ્ટેપ્સ પર કોમ્યુનિટી સેન્ટરનો ફ્લોર ધમધમી ઉઠ્યો હતો.
કાર્યક્રમ બાદ, રસમલાઈ સાથેનું સ્વાદીષ્ટ ભોજન માણીને ,મીટીંગનું સમાપન થયું હતું.
સંસ્થા, આ વર્ષે સપ્ટેમ્બરની ૧૪મી અને ૧૫મી તારીખે એક અભુતપુર્વ ઇવેન્ટનું આયોજન કરી રહી છે.સમગ્ર અમેરિકાના સિનીયર્સનું એક વિશાળ સમ્મેલન હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સેન્ટરમાં યોજાઇ રહ્યું છે, જેમાં ઘણા રસપ્રદ પ્રોગ્રામો રજૂ થશે.બન્ને દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફી માત્ર પચાસ ડોલર્સ રાખી છે જેમાં બન્ને દિવસના ચાહનાસ્તા, ભોજન વગેરેનો સમાવેશ થઈ જાય છે. ગીત, સંગીત, નૃત્ય, નાટક, મીમીક્રી, સિનીયર્સને ઉપયોગી માહિતી વિષયક સેમિનારોથી ઓપતો આ કાર્યક્રમ કેવો અદભુત અને અભુતપુર્વ હશે એની, માહિતી સંસ્થાના કમીટી મેમ્બર શ્રી.શૈલેશ દેસાઇએ મેમ્બર્સને આપી હતી અને સભ્યોએ પચાસ પચાસ ડોલર્સ ભરીને રજીસ્ટ્રેશન કરાવવા નામો લખાવ્યા હતા. આ અંગેની વિગતવાર માહિતી સંસ્થાની વેબસાઇટ ઉપર પણ મુકવામાં આવનાર છે અને વર્તમાનપત્રો મારફતે પણ જાહેરાત થશે. હ્યુસ્ટનના ઘણી ભારતિય સંસ્થાઓએ આમાં સંપુર્ણ સહકારની ખાત્રી આપેલ છે.
આમ, શ્રી. લલિત ચિનોયની ટીમે, સંસ્થાના અનુભવી અને બાહોશ ટ્રસ્ટીઓના માર્ગદર્શન અને ઉત્સાહી-તરવરિયા કમીટી મેમ્બરોના સહકારથી આ વર્ષે બે અભુતપુર્વ કાર્યક્રમો સિનીયર્સ એસોસિયેશનના ઇતિહાસમાં નોંધાવ્યા- એક, રેલી અને બીજો કમ-સપ્ટેમ્બરનો ઇવેન્ટ.
થેન્કયુ લલિતભાઇ અને બેસ્ટ વીશીઝ ટૂ યુ એન્ડ યોર ટીમ.