એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » કુછ યાદેં ભીગી ભીગી સી » કુછ યાદેં ભીગી ભીગી સી-(૬)

કુછ યાદેં ભીગી ભીગી સી-(૬)

(૬) નાયગ્રા ધોધની મુલાકાતે
નાયગ્રાના પ્રચંડ ધોધના વહી જતા જલરાશિની પેઠે, વહી ગયેલી વાતોને પણ પોતાની એક અનોખી રમણિયતા હોય છે. જે જીવનકેડી પર પગ દઈને હું ક્યારેક ચાલ્યો હતો એની માટીની યાદની જેમ એ યાદો પણ સુમધુર નીવડે છે. કાળ અને કહાણી હૈયે રહી જાય આ એના જેવી વાત છે. જૂની સ્વપ્નભૂમિમાં આળોટતા આજે દિલમાં તાજી થાય છે એ વેળાની વાત.
વર્ષોથી નાયગ્રાશબ્દ વાંચતાં કે સાંભળતાં મારા મનમાં એક અદભૂત રોમાંચ જાગી જાય છે-આજે પણ.   એનું કારણ , નાયગ્રા ધોધ કરતાં નાયગ્રા નામના અંગ્રેજી મૂવીમાં, ૧૬ વર્ષની મારી મુગ્ધ વયે,જોયેલી સેક્સ સીમ્બોલ મેરિલીન મનરોનું આકર્ષણ છે. હું ભુલતો ન હોઊં તો  મહાગુજરાતના તોફાનો વખતે ૧૯૫૬ના ઓગસ્ટ માસ દરમ્યાન આ  અંગ્રેજી ફિલ્મ, અમદાવાદના એડવાન્સ સિનેમામાં રજૂ થયેલી અને અંગ્રેજી ન સમજતા હોવાં છતાં,માત્ર હોર્ડીંગ પર, મેરિલીન મનરોની મદમસ્ત જુવાનીનું ફાટફાટ થતું સૌંદર્ય અને મારકણી આંખોનું, આર. ગજ્જરે દોરેલું પેઈન્ટીંગ જોઇને , મારા ત્રણ ચાર મિત્રો સાથે એ મૂવી જોવા ગયેલો. એ જમાનામાં, આજના જેટલી નગ્નતા ફિલ્મોમાં નહોતી.મેરિલીન મનરોની મોહક મુખાક્રુતિ, એનાં ઉન્નત ઉરોજો કે પતલી કમર પર કેમેરો ફેરવવાને બદલે, દિગ્દર્શકે એના નિતંબ, એની મારકણી ચાલ, કમરના ઉલાળા પર ધ્યાન કેન્દ્રીત કરેલું.  એ યૌવનસભર રુપાળી સ્ત્રીનો એવો લયહિલ્લોળ સર્જ્યો હતો કે અમે સિસોટીઓ મારવા લાગતા હતા. મેરિલીનની એ લટકાળી ચાલ જોવા અમે પાંચ પાંચ વખત એ પિક્ચર જોયેલું. આ ૭૦ પ્લસની ઉંમરે, અસભ્ય કે ધ્રુષ્ટ લાગવાની બીક રાખ્યા વગર નિખાલસપણે કહું કે મેરિલીનને પરદા પર જોઇને,૧૬-૧૭ વર્ષના આ છોકરડાને પુરુષસહજ કીકવાગેલી અને રુપાળી છોકરીઓની દેહાક્રુતિને, લાલસાભરી નજરે જોવાની આદત પડવાના શ્રીગણેશ મંડાયા હતા.
હાં….તો, એ ફિલ્મમાં ચિત્રાંકિત થયેલું, નાયગ્રા ધોધનું પ્રપાતદર્શન એટલું પ્રભાવક લાગ્યું હતું કે અમે મંત્રમુગ્ધ બની ગયેલા.૧૯૫૬માં, અમદાવાદ શહેરની શેરીઓમાં, ઉઘાડા પગે,દોડતાં દોડતાં,છાપાની ફેરી કરનારા મારા જેવા ગરીબ માણસે સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે ક્યારેક અમેરિકા જઇશ, ત્યાં સ્થાયી થઈશ, ડોલર્સ કમાઈશ, સિટીઝન બનીશ અને આ જાજ્વલ્યમાન , અણનમ, અશેષ, ,અસ્ખલિત, ઉત્તુંગ પ્રપાતરાજના નિર્બંધ નિસર્ગનો વૈભવપુંજ આ ચર્મચક્ષુથી પ્રત્યક્ષ નિહાળી શકીશ.
બધી ઇશ્વરની લીલા છે !

અમે બત્રીસ વર્ષથી અમેરિકામાં રહીએ છીએ પણ ભાગ્યે જ બે-ચાર અમેરિકન સિટી જોયા છે.કારણ કે અમે જન્મજાત ‘ દેશી‘ જ રહ્યા છીએ.અમારે દરરોજ દાળ-ભાત-શાકઅને રોટલી-ભાખરી-પુરી- જ ખાવા જોઇએ  છે. અમને રસ પડે છે માત્ર અને માત્ર  ગુજરાતી નાટકોહિન્દી ફિલ્મોગુજરાતી વર્તમાનપત્રો-મેગેઝીનો-પુસ્તકો અને ફિલ્મી ગીતો,કે સુગમ સંગીતમાં.

 

મારે યુનિવર્સલ સ્ટુડીઓનાયગરા ધોધલાસવેગાસના કેસિનો અને ત્યાંની બિન્ધાસ્ત જીવનશૈલી  જોવાની ઇચ્છા હતી.

આ ઇચ્છાઓ પરિપુર્ણ કરવા માટે મારે બે વ્યક્તિઓનો ઋણસ્વિકાર કરવો જ રહ્યો.

 

મારી નાની બહેન ડોક્ટર કોકિલા પરીખે પોતાના ક્રેડીટકાર્ડના પચાસ હજાર પોઇન્ટ્સ આપી દઈને,જાતે કોમ્પ્યુટર પર માથાકુટ કરીને  અમારા માટે બે ટીકીટો , હ્યુસ્ટનથી ટોરન્ટોનીબૂક કરાવી આપી હતી.  અને બીજો ઋણસ્વિકાર તે મારી પત્નીના ફોઇની દીકરી વીણાબેનના દીકરા જિગર અને તેની પત્ની તૃપ્તીનો. જેમણે પાંચ પાંચ દિવસ સુધી અમને એરપોર્ટ-ટુ-એરપોર્ટ સર્વિસ આપીતેમને ઘેર રાખીને  ગુજરાતી જમણ જમાડ્યું અને ઓફિસમાંથી રજાઓ લઈને  રેન્ટે કાર કરીને  આ બે સિનીયર સિટીઝનોને બધે ફેરવ્યા હતા.

 

પંદરમી જુલાઈ ને ૨૦૦૪ને ગુરુવારે અમે કોન્ટીનેન્ટલ એરલાઈન્સની ફ્લાઇટમાં બેસીને કેનેડાના ટોરન્ટો શહેરના એરપોર્ટ પર રાત્રે બાર વાગ્યે ઉતર્યા ત્યારે ભાઇ જિગર અમને રીસીવ કરવા હાજર હતો.

ઘેર પહોંચી, ભોજન કરીને, જલ્દી જલ્દી ઉંઘી ગયા અને બીજે દિવસે વહેલી સવારે તો અમે ફરવાનો કાર્યક્રમ ઘડી રાખેલો તે પ્રમાણે,રેન્ટ-એ-કારમાં નીકળી પડ્યા.સાથે ઘરના બનાવેલા ઢેબરાં, શાક,કચરપચર અને પાણીની બોટલો તો ખરી જ.

 

નાયગ્રા ધોધ જોવાની મજા તો સમી સાંજે અને રાત્રે.એટલે જિગરે પ્રોગ્રામ એ રીતે ઘડી રાખેલો કે દસ વાગ્યાથી મરીનલેન્ડ પાર્કમાં રાઈડો લેવી, વિવિધ શો જોવાઅને સાંજે નાયગ્રા ધોધના સ્થળે જઈને મોટેલમાં સામાન મૂકે,ફ્રેશ થઈને નીકળી પડવું અને મોડી રાત્રે પાછા ફરવું. બીજે દિવસે ધોધ અને તેની આસપાસના સ્થળોની મુલાકાત લેવી.રાત્રે ઘેર પહોંચી જવું. ત્રીજે દિવસે, ‘વન થાઉઝન્ડ આઇલેન્ડ’ની બોટ રાઇડ લેવી અને ચોથે દિવસે ટોરન્ટો શહેરના અમારા પરિચીતોને તેમજ હિન્દુ મંદીરોની મુલાકાત લેવી.

 

૧૬ જુલાઇ ને શુક્રવારે સવારે ૧૦ વાગ્યે અમે,૭૬૫૭,પોર્ટેજ રોડ, નાયગ્રા ફોલ્સ,ઓન્ટેરીઓ, કેનેડાના સરનામે આવેલા મરીનલેન્ડ્સ નામે ઓળખાતા સ્થળે પહોંચ્યા.ટોરન્ટોથી કાર મારફતે રુટ નંબર ૪૦૦ નોર્થ, ૪૦૧,૪૨૭ સાઉથ થઈને હેમિલ્ટન તરફ જતા QEW માં મર્જ થઇને રુટ નં.૪૨૦ ( ચારસોવીસ ) પકડી લો એટલે તમે નાયગ્રા ફોલ્સ પહોંચી જાવ.પછી, થોડા ડાબે જમણે થઇને જયાં જવું હોય ત્યાં જઈ શકો.

જુન, જુલાઇ અને ઓગસ્ટમાં મરીનલેન્દનો સમય સવારના ૯ થી સાંજના ૬ સુધીનો હોય છે. સીત્તેર હજાર ચોરસ ફીટમાં પથરાયેલા આ વિસ્તારમાં ઘણીબધી ગેઇમ્સ,ઘોસ્ટ બ્લાસ્ટર્સ જેવી અંધારી રાઈડો,સી-લાયન, વ્હેલ અને ડોલ્ફીનના શો, સ્કાય-સ્ક્રીમર, ડ્રેગન માઉન્ટન જેવા વિશ્વના સૌથી મોટા રોલર કોસ્ટર્સ, માછલીઘરો અને ઘણુંબધું છે.

 

સૌ પ્રથમ તો અમે કાર પાર્ક કરીને, ઘટાદાર વ્રુક્ષોથી ઓપતી હરિયાળી ધરતી પર બેસીને, દેશી સ્ટાઇલ પ્રમાણે ઘેરથી લાવેલા ઢેબરાં અને બટાકાપૌંઆનું લંચ કર્યું. ત્યારપછી, વ્યક્તિ દીઠ, છત્રીસ ડોલરની ફી આપીને મરીનલેન્ડમાં પ્રવેશ મેળવ્યો. અને અમારી ચાલવાની કસરત શરુ થઈ. વિશાળ મેદાનમાં પથરાયેલી રાઈડો અને જોવાલાયક સ્થળો જોવા માટે તમારે ચાલવું ફરજિયાત. હું અને મારી ધર્મપત્ની, બન્ને આર્થરાઈટીસના દર્દી અને મારે તો બન્ને પગે ઢાંકણીનાં ઓપરેશન કરાવેલા એટલે અમારી ચાલવા અંગેની મર્યાદાઓને કારણે અમારે વારંવાર ક્યાંક બાંકડા પર બેસી જવું પડતું અને જ્યાં ઢાળ ચઢીને જવાનું હોય  એવી જગ્યાઓ ટાળી દેવી પડતી. યુવાન નવપરિણીત જિગર-ત્રુપ્તીએ દુનિયાની સૌથી ઉંચી ટ્રીપલ રાઈડ સ્કાય-સ્ક્રીપરનો આનંદ માણ્યો તો મેં દુનિયાના સૌથી લાંબા સ્ટીલ-રોલર કોસ્ટર ડ્રેગન માઊન્ટનની મઝા માણી હતી. અમે ચારે જણે સમુહમાં માછલીઘર, ડીયરપાર્ક, ડોલ્ફીન શો,કીલર-વ્હેલ શોની મઝા માણી.યુરોપ અને એશિયાના લાલ હરણામ તથા કાળા રીંછ જોયા.મેં અને જિગરે કન્ડ્ર્ઝ ટ્વીસ્ટર નામની હળવી રાઈડ લીધી. તળાવમાં માછલાંને ચારો ખવડાવ્યો.વેવ સ્વીંગર, હરીકેન કોવ, ટીપોલી વ્હીલ, સ્પેસ એવેન્જર જેવી રાઈડો જોઇ. પછી…ટાંટીયાએ સાથ છોડી દીધો એટલે વાઇલ્ડરોફ હટ નામના રેસ્ટોરન્ટમાંથી ફ્રેન્ચ ફ્રાઇઝ, પોપકોર્ન અને આઇસક્રીમ લઈને ખુલ્લામાં બેસીને, અમેરિકન જાઝ મ્યુઝીક સાંભળતાં સાંભળતાં નાસ્તોપાણી કર્યા.

 

અહીંના હંગ્રી લાયન રેસ્ટોરંટમા બારસો વ્યક્તિ સાથે બેસીને નાસ્તો કરી શકે એવી વ્યવસ્થા છે જ્યાં પીઝા,સલાડ, ડેઝર્ટસ, ફ્રુટજ્યુસ, કોફી વગેરે મળે છે

મરીનલેન્ડમાં ફર્સ્ટએઇડ,નર્સીંગ,ખોવાયેલા બાળકો, સ્ટ્રોલર, વ્હીલચેર, લોકર,રેન્ટલર્સ,એ.ટી.એમ. મશીન્સ,પીકનીક ટેબલ્સ,કીંગ વાલ્ડરોફ પેલેસ રેસ્ટોરંટસ,ગીફ્ટશોપ્સ,વગેરે છે. ઉપરાંત, વરસાદ તુટી પડે ત્યારે એક્વેરીયમ બીલ્ડીંગમાં આશરો લેવા માટે પણ વ્યવસ્થા છે.

 

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help