એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » કુછ યાદેં ભીગી ભીગી સી » કુછ યાદેં ભીગી ભીગી સી-(૫)

કુછ યાદેં ભીગી ભીગી સી-(૫)

૫)  ફિલ્મો અને હું
નાનપણથી મને ફિલ્મો  જોવાનો બહુ ચસ્કો. હું અને મારો પાડોશી મિત્ર મહેશ જોશી, પાંચ આનાની ટીકીટમાં ફિલ્મો જોવા જતા.  અમારા જમાનામાં, ‘પ્રતાપસિનેમા, સીનેમા-ડી-ફ્રાન્સ, ઇંગ્લીશ સિનેમા, રોઝી સીનેમા, રીગલ, અશોક, લક્ષ્મી, એલ.એન., પ્રકાશ, ક્રુષ્ણ, રુપમ જેવા છબીઘરોમાં અમે લાઇનમાં ઉભા રહી, ધક્કામુક્કી કરીને પાંચ આનાની ટીકીટ મેળવીને મોજથી પિક્ચરો જોતાં.
ફિલ્મોની મારા પર બહુ જ અસર પડતી. આહ  પિક્ચરમાં રાજકપૂરના મ્રુત્યુના અંતીમ દ્રશ્યમાં હું રડી પડતો. ફિલ્મ દીદારમાં છેલ્લે દિલીપકુમાર આંખો ફોડી નાંખે છે એ દ્રશ્ય વખતે પણ હું રડેલો. રાજકપૂરના નજરાનાના અંતીમ દ્ર્શ્ય વખતે પણ મારી આંખો ભીની થયેલી.૧૯૫૮- કે ૧૯૫૯માં, રીગલ સિનેમામાં ગુજરાતી ફિલ્મ મેંદી રંગ લાગ્યો જોયેલી. એમાં રાજેન્દ્રકુમાર મિત્રોની સોબતને કારણે દારુની લતે ચડી જઈને જિન્દગીની ખાનાખરાબી નોતરી બેસે છે એ વાત જોઈને મેં પ્રતિજ્ઞા લઈ લીધેલી કે કદી દારુ ન પીવો. અને પછી દાદીમાએ પણ સોગંદ લેવડાવેલા એટલે દારુ કદી આ પીધો-પાર્ટીઓમાં ડ્રિન્ક્સ તરીકે પણ નહીં. જ્યારે જ્યારે જિન્દગીમાં પ્રેમભંગ થવોનો પ્રસંગ બનતો ત્યારે ત્યારે મારામાં એ રાજકપૂર  અને દિલીપકુમારના ફિલ્મી રુપના આત્માઓ જાણે જાગ્રુત થઈ જતા !!
હિરોઈનોમાં મધુબાલા ખુબ ગમતી.પછી, મીનાકુમારી ગમવા લાગેલી. જેમ જેમ ફિલ્મો અને ઉંમર વધતા ગયા તેમ તેમ પસંદગીનું ક્ષેત્ર પણ વિસ્ત્રુત થતું ગયું. કાળક્રમે, સુરૈયા, મુમતાઝના પણ એકપક્ષી પ્રેમમાં (!) પડી ગયેલો. મુમતાઝ પછી તો ગણવાનું યે છોડી દીધું હતું. આજે સમજાય છે કે એ યુવાનીનો મોહ હતો. એમાં પ્રેમ-બ્રેમ જેવું કશું ન હતું..
મને સૌથી વિશેષ ગમતી બે જ ફિલ્મોના નામ દેવાના હોય તો હું કહું કે એક ત્રિશૂલ (સંજીવકુમાર, અમિતાભ, વહીદા રાખી,શશીકપૂર અને હેમામાલિની અભિનીત)  અને બીજી, ગુરુદત્તની કાગઝકે ફૂલ‘. મારા મનમાં આ બન્ને ફિલ્મોને મેં જુદી જુદી રીતે ભજવાતી જોઇ છે. આજે જો મારે એ બન્ને ફિલ્મોની રીમેઇક કરવાની હોય તો એની વાર્તા અને સંવાદો બદલીને મારી રીતે નવેસરથી બનાવું.
જે જમાનામાં હું છાપા વેચતો એ જમાનામાં પણ ગુજરાતી નાટકો મેં ઘણાબધા જોયેલા. પદમારાણીના નાટકો મને ગમે.એમનું અને વિજયદત્તનું ગુજરાતી પિકચર નંદનવન જોયેલું. અરીસા સામે ઉભો રહીને વિજયદત્તના છટાદાર સંવાદોની નકલ ઉતારતો. એ પદમારાણી એક વખત કોઇ નાટક લઈને અમદાવાદ આવેલા અને ટાઉનહોલની પાછળ, ગુરુક્રુપા ગેસ્ટ હાઉસમાં ઉતરેલા. એમને રુબરુમાં જોવાની ઘેલછાને કારણે હું એ ગેસ્ટ હાઉસના પગથિયા ચઢી ગયો અને પદમારાણાની સામે જઈને ઉભો રહી ગયો. પદમાબેને પુછ્યું-કેમ આવવું થયું, ભાઇ !હું તો તતપપ થઇ ગયો. જે કલાકારને રુબરુ જોવા હું હિંમત કરીને આવ્યો હતો એમને પ્રત્યક્ષ જોતાં જાણે મારી વાચા જ હરાઈ ગઈ. છતાં, મેં હિંમત કરીને ફેંક્યું-વિજયભાઇ નથી આવ્યા ?’
કોણ વિજયભાઇ ?’
વિજયદત્ત
આ નાટકમાં વિજયદત્ત નથી.
ઓહ ! એ..મ ?
હું ચુપચાપ દાદરો ઉતરી ગયો.
આખે શરીરે પરસેવો વળી ગયેલો.  હું પદમારાણીને મળ્યો…વાહ !
વર્ષો પછી…એ જ પદમારાણીને હ્યુસ્ટનમાં ઘણાં નાટકો દરમ્યાન, મારા મિત્ર સનત વ્યાસની સાથે મળવાનું થયું છે, સાથે ફોટા પણ પડાવ્યા છે. આજે તો મને પદમાબેન નામથી પણ ઓળખે છે. જુએ કે તરત બોલે-આવો..આવો..નવીનભાઇ, કેમ મોડા મોડા મળવા આવ્યા?’ એકવાર તો કોઇએ મારી ઓળખાણ આપવા માંડી તો પદમાબેન કહે-એમને તો હું ઓળખું છું. નવીનભાઇ છે એ.‘.
૧૯૭૧ના વર્ષ દરમ્યાન ચાંપશીભાઇ ઉદ્દેશીના નવચેતનમાટે મેં ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી નાટકોના કલાકાર-કસબીઓના ઇન્ટર્વ્યુ લઈને પ્રસિધ્ધ કરવા માંડ્યા એ વખતે મારી પાસે કેમેરો ન હતો.એટલે એ કલાકારોની સાથેના મારા ફોટા નથી. પણ એમની મુલાકાતોના છપાયેલા કટીંગો મેં સાચવી રાખ્યા છે. હમણા, માર્કંડ ભટ્ટ, અરવિંદ વૈદ્ય અને કાકા ચાલે વાંકાવાળા દિનેશ શુક્લ હ્યુસ્ટન આવેલા ત્યારે મેં એમની મુલાકાતના છપાયેલા કટીંગ્સ બતાવ્યા ત્યારે એ બધા છક થઈ ગયેલા કે અરે ! આટલા વર્ષે-૪૦ વર્ષ પછી પણ- તમે આ બધું સાચવી રાખ્યું છે ?’ મેં જવાબ આપ્યો કે-એ જ તો મારી મૂડી છે. ભુતકાળના આ સંસ્મરણોની માળા બનાવીને તો હું જીવી રહ્યો છું.
હ્યુસ્ટનમાં છેલ્લા વીસ વર્ષમાં આવી ગયેલા જે જે અભિનેતા-અભિનેત્રિઓને હું મળ્યો છું તેમની સાથેના સંસ્મરણોને પણ હું આ લેખમાળામાં મૂકવાનો છું.સલમાનખાન, શત્રુઘ્નસિંહા, નાના પાટેકર, અનિલકપૂર, અમિતાભ બચ્ચન ઉપરાંત પવિત્ર રીશ્તાના માનવની મમ્મી સવિતાનો રોલ કરતી ઉષા નાડકર્ણી સાથેના પ્રસંગો મુખ્ય હશે.
 

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help