કુછ યાદેં ભીગી ભીગી સી-(૪)
.(૪) છાપાના ફેરિયાની દુનિયા
વહેલી પરોઢથી સવારના નવ સુધીના થોડાક જ કલાકોમાં , ધનુષમાંથી છૂટેલા તીરની ઝડપથી બધુ કામ આટોપી લેનાર છાપાના ફેરિયાની દુનિયામાં તમને ડોકિયું કરાવવું છે મારે આ પ્રકરણમાં.
૧૯૫૪થી ૧૯૬૦ના વર્ષો મારે માટે ખુબ સંઘર્ષના દિવસો હતા. આજીવિકા માટે સવારે ચાર વાગ્યે ઉઠી જઈને, ઉઘાડે પગે, અંધારામાં, લાખા પટેલની પોળ, સુથારવાડો, ખાડીયા ચાર રસ્તા, પાંચકુવા થઈને વીસ મીનીટમાં હું રેલ્વે સ્ટેશને પહોંચીને અન્ય ફેરિયાઓ સાથે ત્રણે મુખ્ય છાપાં ( સંદેશ, ગુજરાત સમાચાર અને જનસત્તા ) લેવા માટે લાઈનમાં ઉભો રહી જતો. એક સો છાપાનો થોકડો લઈને, દોડતો દોડતો,સારંગપુર દરવાજા…સામસંગાની પોળ…તળીયાની પોળ..રાયપુર ચકલા..ભાઉની પોળ..આકાશેઠકુવાની પોળ, નવો રસ્તો…માંડવીની પોળ…ના બાંધેલા ગ્રાહકોને છાપા પહોંચાડતો.. વચ્ચે વચ્ચે બૂમો પાડીને છૂટક પણ વેચતો અને વધેલી કોપીઓ રતનપોળના નાકે ઉભો રહીને વેચી નાંખીને સવારે નવ પહેલા તો ઘેર પણ આવી જતો.
વિદ્યાબા મને ગરમ ગરમ રોટલીઓ ખવડાવે. પછી સ્કૂલે જઊં…સ્કૂલમાંથી ગુલ્લી મારીને, ક્યારેક બપોરના વધારા (સેવકનો વધારો) વેચવા પણ દોડું.ઘીકાંટા સંદેશ પ્રેસમાંથી પચાસ છાપાની નકલો લઇને ઉનાળાની ગરમીમાં પણ દોડું. ઘીકાંટા..પાનકોરનાકા,,ગાંધીરોડ..રતનપોળ..પાંચકુવા..રીલીફરોડ..બૂમો પાડી પાડીને છાપા વેચીને ઘેર જઉં ત્યારે ચૌદ આના કમાયો હોઊં.
શહેરમાં બનેલી કોઈ ઉત્તેજક ઘટનાનું હેડીંગ વાંચીને તેનો પોકાર પણ કરતો.‘ખાડીયામાં ગોળીબાર‘…’..બ્રહ્મકુમાર ભટ્ટની ધરપકડ‘..’.મહાગુજરાતનો કુકડો‘…અમારી બોલવાની ગતિ પરથી પણ ન્યુઝ-વેલ્યુ લોકોને સમજાઈ જતી.મહાગુજરાતના તોફાનો વખતે તો બપોરે ચાર ચાર વધારા છપાતા. હજી તો એક વધારો હાથમાં હોય અને બીજો બહાર પડી જાય. એ વખતે ઘણી રાતો, રેવડીબજારમાં આવેલા, જનસત્તાના પ્રેસની બહાર મૂકેલા ન્યુઝપ્રિન્ટના રીમ્સ પર સુઈ રહીને વીતાવી છે. ધમધમતા મુદ્રણયંત્રો, અખબારની નકલોનો વહેતો ધોધ, પાર્સલ બાંધનારાઓની દોડધામ,, ઘાંટાઘાંટ…એ બધું આજે ય નજર સમક્ષ તરવરી રહે છે. શિયાળાની કડકડતી ઠંડી હોય, ઉનાળાના બળબળતા બપોર હોય કે ચોમાસાનો ધોધમાર વરસાદ… હું કદી ડરતો નહીં, કદી થાકતો નહીં…ને…આજે…? રસ્તો ક્રોસ કરતાં ય ડરી ડરીને ડગલુ ભરતો વ્રુધ્ધ, અશક્ત માણસ…!!!