તારીખ ૨૯ જુને, હ્યુસ્ટનના જુના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરમાં, શ્રી. દિલીપ રાવલ લિખિત અને શ્રી.રસિક દવે અભિનીત-દિગ્દર્શિત કોમેડી-થ્રીલર ‘હેરાફેરી‘ ભજવાઇ ગયું. લાગે છે કે શ્રી. રસિક દવેને ‘હેરાફેરી‘ શબ્દ ફળ્યો છે. ચારપાંચ વર્ષ પહેલાં, ‘હૈયાની હેરાફેરી‘ નાટકનું દિગ્દર્શન તેમણે કરેલું અને એ નાટક પણ સફળ રહ્યું હતું.
‘હેરાફેરી‘ એક કોમેડી સસ્પેન્સ થ્રીલર છે. પરકાયાની હેરાફેરી..પરમાયાની હેરાફેરી…આત્માની હેરાફેરી..તકદીરની હેરાફેરી…
અહીં પણ ‘પતિ,પત્ની ઔર વો‘ ની જ કથા છે. પ્રેયસીના નામે માલમિલ્કત, પૈસાટકાનું વસિયતનામુ લખી આપીને તથા પત્ની પાસેથી છેતરપીંડીથી છૂટાછેડાના કાગળ પર સહી કરાવી લઈને, એ જ રાત્રે હાર્ટએટેકથી અવસાન પામેલા પતિની જાળમાંથી બહાર નીકળવા મથતી પત્ની અને પત્નીનો ભાઈ રાજેન, પરકાયા પ્રવેશના જાણકાર એવા રમતારામ બાપુ પાસે જાય છે. આ બાવો મ્રુત શરીરમાં પરકાયાપ્રવેશ કરીને પેલું વીલ ફાડી નાંખવામાં તો સફળ થાય છે પણ પછી કથામાં નાટ્યાત્મક વળાંક ( TWIST ) આવે છે જે સૌને સ્તબ્ધ કરી મૂકે છે. એ પછી પણ બીજા બબ્બે વણાંકો આવે છે અને આ નાટકને ખરેખર સસ્પેન્સ થ્રીલરની કક્ષામાં લઈ જાય છે. લેખક અહીં રસ પડે એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે અને તેને પ્રેક્ષકોનો સાચો પ્રતિભાવ સાંપડે છે.એમાં દિગ્દર્શક રસિક દવેની સફળતા છે.રસિક દવે અવિનાશ વૈશ્નવી નામના સફળ શ્રીમંત બિઝનેસમેન અને અલગારી અલખ નિરંજની બાવાની બેવડી ભૂમિકા સૂપેરે ભજવી બતાવે છે.બન્ને પાત્રોની વિરોધાભાસી લાક્ષણિકતાઓને તખ્તા પર સ્વાભાવિકતાપુર્વક જીવંત કરી જાય છે.
અવિનાશની પત્નીનું પાત્ર ભજવતા બહેન છાયા વોરાની કાયા ભલે ભારે હોય પણ પાત્રને અનુરુપ જીવંત અભિનયથી પ્રેક્ષકોને હળવાફુલ રાખી શકે છે.
મહેશ ઉદ્દેશી અને લોપા શાહ પણ પાડોશી-દંપતિના પાત્રોમાં, પ્રસંગોપાત આવનજાવન કરીને હાસ્ય પુરુ પાડે છે.
કશ્યપ દેસાઇ પણ ડોક્ટર અને ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં પ્રસંગોચિત અભિનય કરી જાય છે.
આશીષ જાની ક્યારેક સોલિસીટર, ક્યારેક નંદન નામનો નોકર, ક્યારેક સાધુ જેવી ભૂમિકાઓમાં વેશપરિવર્તન કરી કરીને હાજરી પુરાવી ગયા.
અવિનાશના સાળા રાજેનના પાત્રમાં કોમેડી એક્ટરશ્રી. હરેશ પંચાલ પણ વિવિધ ફિલ્મી એક્ટરોની મીમીક્રી કરીને હળવી પળો પુરી પાડી ગયા.
નિષ્પન્ન થતા હાસ્યનો વ્યક્તિગત હિસ્સો જો ફાળવવાનો હોય તો શ્રી. હરીશ પંચાલને જ એનું શ્રેય આપવું રહ્યું.
ઝડપી કાર્યવેગ, સંવાદોમાં સાતત્ય અને તેની અભિવ્યક્તિમાં સમયસુચકતા તથા દરેક પાત્રના મુખના ભાવો તેમ જ આંગિક અભિનય પરના પ્રભુત્વને કારણે આ નાટક રસ જાળવી રાખવામાં સફળ રહે છે. આખુ નાટક સાદ્યંત દિગ્દર્શક રસિક દવેના કાબુમાં રહે છે.સંવાદોની અભિવ્યક્તિ કે ચહેરાના હાવભાવમાં મુખ્ય ચારે ય પાત્રો ખુબ અસરકારક રહ્યા.
મને યાદ છે ત્યાં સુધી રસિક દવેને સૌ પ્રથમ ‘નાટક આંખે કંકુના સુરજ આથમ્યા‘માં જોયા હતા. એ વખતે આ ફૂટડો ગોરો ગોરો , મીઠુ મીઠુ હસતો યુવાન હિન્દી ફિલ્મોના ભુતપુર્વ અભિનેતા રાજકિરણ જેવો લાગેલો.ત્યારપછી તો ઘણા ગુજરાતી નાટકો, સિરીયલો, ફિલ્મો વગેરેમાં આ કલાકારને અભિનયના અજવાળા પાથરતો જોયો છે. બી. આર. ચોપરાની ‘મહાભારત‘ સિરીયલમાં તેમણે ભજવેલું ‘વસુદેવ(નોટવાસુદેવ)નું પાત્ર તો અવિસ્મરણીય રહ્યું છે.
આવું સુંદર નાટક હ્યુસ્ટનની ગુજરાતી જનતા સમક્ષ રજૂ કરવા બદલ નમસ્કાર ગ્રુપના શ્રી. રાજેશ દેસાઇને અભિનંદન.