હરનીશ જાનીની “સુશીલા”–એક રસદર્શન-
હરનીશ જાનીની ક્રુતિ ‘સર્જન-વિસર્જન’માં સમીક્ષા અને ઓપિનિયન વચ્ચેનો તફાવત જે રીતે સમજાવ્યો છે એ વાંચ્યા પછી ‘સુશીલા’ની સમીક્ષા કરવાનું દુઃસાહસ મારાથી થઈ જ ન શકે.એ અંગે હું માત્ર મારો ઓપિનિયન જ આપી શકું.
સૌથી વધુ ગમી-‘સુપરપાવર‘. ‘ક્રિશ્ન ભગવાનની બાબરી‘,’રામચંદ્ર ભગવાનની પાદુકા‘,’કદમના વ્રુક્ષ પર આજે ય લટકતા વસ્ત્રો‘ ને એવી બધી અંધશ્રદ્ધાઓ પર કટાક્ષ કરતી આ હાસ્યરચના મારી દ્રષ્ટીએ શ્રેષ્ઠ છે. વિવિધ સામયિકોમાં એક ના એક લેખ છપાવવા,કવિતાઓના મુશાયરામાં એક ની એક ક્રુતિઓ અને સુગમ સંગીતના કાર્યક્રમોમાં એના એ જ ‘આંખનો અફીણી‘ જેવા ગીતો અને ચવાઇ ગયેલી શાયરીઓ અને જોક્સ અંગે કટાક્ષ કરતો લેખ ‘પુનરપિ પુનરાવર્તન‘ પણ ગમ્યો. મહમ્મદ ગઝનીની સત્તર સત્તર ચઢાઇઓવાળી વાત પણ આપણી નબળાઇઓ પર જે કટાક્ષ કરે છે તે દિલને ચુભી જતી વાત છે.રોજબરોજના જીવનમાં બનતી પ્રાસંગીક ઘટનાઓને આધાર બનાવીને જે લેખો લખ્યા છે તે તેમના આંતરબાહ્ય પ્રવાસની, સૌંદર્યપિપાસાની,ઉત્કટકળાપ્રીતિની,તેમના અનેકરંગી વ્યક્તિત્વની,વિદગ્ઘતાની,સહ્રદયતાની,અને રસિકતાની દ્યોતક છે.
લખાણોની ભાષા વિશદ અને પ્રવાહી રહી છે તેથી વાંચકોને રસક્ષતિ થતી નથી.લખાણોમાં કટાક્ષ અને વાણી-વક્રતાનો પણ ઉપયોગ થયેલો જણાઇ આવે છે. સાહિત્ય સાથે જગતદ્રષ્ટી,એનું દ્રષ્ટીબિંદુ ( Point of View ), સામગ્રી,અનુભવ,સજ્જતા,નિપુણતા ક્ષમતા, બધું જ સંકળાયેલું જણાઇ આવે છે.લેખક જે જુઓ છો તેને ઘેટાઓના ટોળાની જેમ સ્વીકારી લેતા નથી,પણ વિવેકબુદ્ધીથી તોળી, ચકાસીને રજુ કરે છે..આવી વિચારણામાંથી, ચયન-સંપાદન ( Editing ) કરવાની પ્રક્રિયામાંથી (Process) કરીને જે ક્રુતિ રચાઇ છે તેનું ઉત્ક્રુષ્ટ ઉદાહરણ ‘સુપરપાવર‘ છે. આને કારણે જ ક્રુતિ પ્રભાવક બની શકી છે. લખાણોમાં વિશાળ વાંચન અને બહુશ્રુતતાનો સમન્વય જોવા મળે છે.
સરળ ભાષા,માવજતપુર્ણ ભાવ-અભિવ્યક્તિ અને લાઘવપુર્ણ સૌંદર્ય રજૂ કરતી આ ક્રુતિઓ વાંચવી ગમે એવી છે.ક્રુતિઓ વાંચતાં, લેખકનું નિરભિમાની અને પારદર્શક વ્યક્તિત્વ દેખાઇ આવે છે.મને આવા માણસને મિત્ર બનાવવો ગમે.
અંતમાં…સુંદર,સત્વશીલ, હળવા અને રસસમ્રુદ્ધ લેખો-હાસ્યરચનાઓ-ગુજરાતી સાહિત્યને આપવા બદલ હાર્દીક અભિનંદન.
નવીન બેન્કર
સપ્ટેમ્બર ૦૧, ૨૦૧૧
નોંધ- લેખકે જીંદગીમાં સૌ પ્રથમ વખત આજે, કોઇના પુસ્તક વિશે સમીક્ષા કે ઓપિનિયન લખવાની અનધિક્રુત ચેષ્ટા કરી છે. તો..એમાં રહેલા હકિકતદોષો કે
મુદ્રણદોષો વગેરે અંગે ક્ષમાપ્રાર્થી છું.
Navin Banker
Phone No: 713 771 0050

Phone No: 713 771 0050
1 Comment