એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2011 » September

નાટ્યવિષયક સંસ્મરણો

September 9th, 2011 Posted in મારા સંસ્મરણો
 
મને કોઈ પુછે કે નવીન, તને સૌથી વિશેષ મનગમતી પ્રવ્રુત્તી કઈ ?’ તો..મારો જવાબ છે કે-નાટક જોવાની. તે પછીની મનગમતી પ્રવ્રુત્તીઓમાં ફિલ્મો જોવી, પુસ્તકો વાંચવા વગેરે  આવે. અને..અત્યારે કોમ્પ્યુટર પર ગુજરાતી ફોન્ડ્સમાં સડસડાટ પ્રમુખ પેડ પર લખીને વર્લ્ડમાં સેઇવ કરી,મિત્રોને ઈ-મેઇલથી મોકલવું અને સારુ લાગે તો છાપામાં છપાવવા મોકલીને મારા બ્લોગ પર મુકી દેવું. 
આજે સાવ નવરો બેઠો છું. તો..થયું, મારા નાટ્યવિષયક સંસ્મરણો લખી નાંખું. 
હું દસેક વર્ષનો હોઈશ ત્યારે, મારા પિતાશ્રી સાથે દેશી નાટક સમાજ અને આર્યનૈતિક નાટક સમાજના ખ્યાતનામ નાટકો-વીરપસલી‘, ‘વડીલોના વાંકે‘,આંખકા નશા‘,-જોવા જતો એવું યાદ આવે છે.રાત્રે દસ વાગ્યે નાટક શરુ થાય અને સવારના ચાર વાગ્યા સુધી ચાલે.વન્સમોર ઉપર વન્સમોર થાય અને કલાકારો ફરી ફરીને સ્ટેજ પર હાજર થઈને એ કોમેડી ગીતો ગાય..એ જમાનો મેં જોયેલો. એ વખતે માસ્ટર અશરફખાન, પ્રાણસુખ નાયક, ચિમન ચકુડો,રાણી પ્રેમલતા , સોહરાબ મોદી,વગેરેને મેં સદેહે જોયેલા.કદાચ ત્યારથી નાટક પ્રત્યે મને આકર્ષણ થયું હશે. 
ત્યારપછી ૧૯૭૦-૭૧ દરમ્યાન નવચેતનવાળા ચાંપશી ઉદ્દેશીએ મને નાટ્યકલાકારોના નામની એક સુચી આપીને તેમની મુલાકાતોના અહેવાલ લખવાનું કામ આપેલુ. અને..એ સમયગાળા દરમ્યાન મેં જશવંત ઠાકર, અનસુયા સુતરિયા,પી.ખરસાણી,જગદીશ શાહ, ગીરા શાહ, નરોત્તમ શાહ (મામા), પ્રવીણ જોશી, અરવીંદ જોશી, સરીતા જોશી, પદમારાણી,અરવીંદ ત્રીવેદી,ઉપેન્દ્ર ત્રિવેદી,રમેશ મહેતા, રીટા ભાદુરી,નલીન દવે,નરેન્દ્ર મહેતા,દીનેશ શુક્લ, ઇન્દીરા મેઘા, પ્રતિભા રાવલ,જયેન્દ્ર મહેતા, વિજય દત્ત, મનહર રસકપુર,માર્કંડ ભટ્ટ,ઉર્મિલા ભટ્ટ,પ્રતાપ ઓઝા,દામીની મહેતા અરવીંદ વૈદ્ય, અને એવા કેટલાય નામી કલાકારોની મુલાકાતો લઈને ૧૯૭૧-૭૨-૭૩ના વર્ષો દરમ્યાન નવચેતનમાં છપાવેલા. ૧૯૭૨ના વર્ષમાં, સ્વ.દિગંત ઓઝા સાથે મેં ફિલ્મ-અભિનેત્રી બીંદુની મુલાકાત “જી” માટે, એના મુંબઈના ફ્લેટ પર જઈને લીધેલી. એ વખતે હું બત્રીસ વર્ષનો યુવાન હતો અને આરાધનાતથા દો રાસ્તેનો જમાનો હતો. બીંદુ ખુબ આકર્ષક ખલનાયિકા તરીકે છવાઇ ગયેલી.બિન્દુ હાથમાં ટ્રે લઈને દિવાનખંડમાં આવી અને ટેબલ પર મુકી ત્યારે..હું સ્તબ્ધ બનીને,દિગ્મુઢ થઈને એને જોતો જ રહી ગયેલો અને..સાચુ કહું તો એક પણ પ્રશ્ન એને પુછી શક્યો ન હતો. આખી મુલાકાત દીગંત ઓઝાએ જ લીધી હતી. આ અંગે દીગંતભાઇએ મારી ખુબ મજાક ઉડાવી હતી અને જે જેને આ વાત કરેલી એ બધા ખુબ હસ્યા હતા. જેને પરદા પર બાથટબના સ્નાન-દ્રષ્યોમાં અને મહેફીલોમાં ડાન્સ કરતી જોઇને લાળપાડી હોય એને સદેહે, આંખ સન્મુખ હાજરાહજુર જોઇને આંખમાં આંખ પરોવીને વાત કરવાનું થાય ત્યારે બત્રીસ વર્ષના  છલકાતા યુવાનની શી હાલત થાય એ તમને નહીં સમજાય ! તમને  તો હસવું જ આવતું હશે આ વાંચીને ! શ્રીરામ..શ્રીરામ.. 
૧૯૭૯માં હું ન્યુયોર્ક આવ્યો ત્યારે શ્રીરામ લાગૂ, રાખી અને અમિતાભ બચ્ચન અભિનિત  ફિલ્મ ‘‘જુર્માનાબોમ્બે સિનેમા ક્વીન્સ, બોમ્બે સિનેમા મેનહટન અને ડીલક્ષ સિનેમામાં રીલીઝ થયેલી અને અમિતાભ બચ્ચન થોડી થોડીવાર પરદા પાસે અવીને બે હાથ જોડી પ્રેક્ષકો સમક્ષ હાજર થાય એ વખતે અમિતાભજીને કારની રાહ જોતાં બે મીનીટ માટે સમય મળેલો ત્યારે નજીકથી જોવાનો અવસર મળેલો.એ વખતથી ફિલ્મ કલાકારોને મળવાની, તેમની સાથે વાતો કરવાની અને ફોટા પડાવવાની આદત પડી ગઈ.લગભગ સિત્તેર ઉપરાંત ફિલ્મી હસ્તીઓના મેં ઇન્ટરવ્યુ લીધા અને તેમની સાથે ફોટા પડાવ્યા. 
૧૯૮૪ની સાલમાં મારી બહેન સ્વરકિન્નરી સંગીતાને કારણે, મુંબઈમાં રીનારોયના ફ્લેટ પર જવાનું થયેલું, પણ એ આખી વાત જ જુદી છે. 
હા !  મુળ વાત હતી નાટ્ય વિષયક સંસ્મરણોની. અને હું  આડે પાટે ચઢી ગયો. સોરી !
મારી ત્રેવીસ વર્ષની વયે,૧૯૬૩મા, અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં આવેલા ઓપનએર થીયેટરમાં, ૧૯ ઓક્ટોબરે ચંદ્રવદન મહેતા લિખિત  એક નાટક માઝમરાતભજવાયેલું એમાં મેં ચતુરસેન પ્રધાનનું નાનકડુ પાત્ર ભજવેલું. મારા નવા નવા લગ્ન થયેલા.મારી પત્ની, મારા આઠ વર્ષની વયના નાના ભાઇ વિરેન્દ્રને ખોળામાં લઈને આગળની હરોળમાં બેઠેલી. એ વખતે મારા એક સંવાદ પર થોડી રમુજ થયેલી. મારો એક સંવાદ હતો- હેં ! મારી પત્ની ચાલી ગઈ, મને  એકલો મુકીને જતી રહી ? હું જીંદગીમાંથી ફેંકાઇ ગયો.. આબરુમાંથી ગગડી ગયો‘…વગેરે..અને મારો નાનો ભાઈ મોટેથી બોલી ઉઠ્યો- ભાભી અહીં જ છે.અને..પ્રેક્ષકોમાં હાસ્યનું મોજુ છવાઈ ગયું હતું.
૧૯૬૪ના વર્ષમાં, હું જે બાળમંદીરમાં ભણેલો એ રંજનબેન દલાલના બાળમંદીરની રજતજયંતી પ્રસંગે  બાળમંદીરના ભૂતપુર્વ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ અભિનીત સાંસ્ક્રુતિક કાર્યક્રમ ૨૯ ઓક્ટોબર અને ૩૦ ઓક્ટોબર એમ બે દિવસ, અમદાવાદના ટાઉનહોલમાં  રાખેલો. એ વખતે,રંજનબેનના હસબંડ અને જાણીતા લેખક, વિવેચક, નાટ્યવિદ એવા  સ્વ.શ્રી. જયંતી દલાલ લિખિત નાટક જોઇએ છે,જોઈએ છીયે‘  ભજવાયેલું . આ નાટકમાં મારું પાત્ર મકરંદનામના યુવાનનું હતું. મારા સહકલાકારોમાં શ્રી.ચંદ્રકાંત દલાલ, ભરત ઠક્કર, જગમિત્ર ઝવેરી, યોગેશ શાહ હતા. સ્ત્રી-પાત્ર મંજરી મજમુદાર નામના એક બહેન ભજવતા હતા. બધા કલાકારોમાં હું મારી ઉંચાઇને કારણે સૌનું ધ્યાન ખેંચતો હતો. ( અહો રુપમ; અહો ધ્વનિ ! )
એ પછીના મોટાભાગના નાટકો એકાઉન્ટન્ટ જનરલની કચેરીની મારી નોકરી દરમ્યાન ભજવાયેલા.દર વર્ષે એક ગુજરાતી અને એક હિન્દી ભાષામાં નાટક ભજવાય. ક્યારેક હું ગુજરાતી ગ્રુપના નાટકમાં હોઊં અને ક્યારેક હિન્દી ગ્રુપમાં.પણ દરેક વખતે નાટકમાં મારો નંબર લાગે જ.
૧૯૬૬થી માંડીને ૧૯૭૮ ના વર્ષો દરમ્યાન મેં ઘણાં નાટકો કર્યા.( હું ભજવ્યાનથી કહેતો,’કર્યાકહું છું, હોં ! )-ક્યારેક જિન્દગીમાં, ક્યારેક સ્ટેજ પર. સ્ટેજ પર કર્યા એના કરતાં જિન્દગીમાં વધારે નાટકો કર્યા છે.એની બડાશ નથી મારતો, GUILT ફીલ કરું છું
૧૯૬૬ અને ૧૯૬૯ એમ બે વખત અમે સ્વ. પ્રબોધ જોશીનું હિન્દી નાટક પાગલભજવેલું.એમાં હું ભણેલા ગણેલા યુવાન પાગલ વિનોદનો રોલ ભજવતો.દિગ્દર્શક શ્રી. ચીમન ટેકાણી (શર્મા) મદ્રાસી શાયર બનતા અને શ્રી. અર્જુન ભંભાણી નામના એક મિત્ર લખનવી શાયરનો રોલ કરતા.મને લખનવી શાયરનો રોલ કરવાની ઇચ્છા થતી, એ ઇચ્છા ૧૯૬૯માં પુરી થઈ હતી. આ નાટક અમે ૯ ઓક્ટોબર ૧૯૬૬ના દિવસે  દિનેશહોલ ખાતે ભજવેલું અને ૨૭ ઓક્ટોબર ૧૯૬૯ના દિવસે વી. એસ.ઓડીટોરીયમમાં ભજવેલું. હિન્દી નાટકોના દિગ્દર્શક મોટેભાગે શ્રી. ચીમન ટેકાણી નામના, મારાથી દસેક વર્ષે મોટા એક સીંધી સદગ્રુહસ્થ  રહેતા. એમને કિશોરકુમારનો વહેમ હતો. કિશોરકુમારની સ્ટાઇલમાં જ  ફ્રી-સ્ટાઈલ કોમેડી કરતા.ચીમનભાઈ બધો વખત સ્ટેજ પર રહેવાય એવી જ ભૂમિકા પસંદ કરતા. બાકીના કલાકારોને તો આવનજાવન જ કરવાનું રહેતું.એમણે કેટલાય નવા કલાકારોને સ્ટેજ-એક્ટીંગ શીખવેલી.  આજે બ્યાશી વર્ષની વયે એ પથારીવશ છે.
અન્ય ગૌણ ભૂમિકાઓમાં સુરેશ ગોહેલ અને હાર્મોનિયમ માસ્ટર બાબુ જાદવ અભિનયના અજવાળા પાથરતા હતા.
ચીમનભાઇના દિગ્દર્શન તળે અમે બીજું એક નાટક ડો.તોતારામ શર્માભજવેલું જેમાં મને ૨૮ વર્ષની ભરજુવાન વયે દાદાજીનું પાત્ર ભજવવા મળેલું.
૭ જાન્યુઆરી ૧૯૬૮ના રોજ જ્યોતિસંઘ હોલમાં અમે એક સુંદર પ્રહસનમારે પરણવું છેભજવેલું જેમાં મેં મુખ્ય ભૂમિકા ભજવેલી.મારી હીરોઈન તરીકે વીણાબેન શાહ નામના એક બહેન હતા.અને સહ્કલાકારોમાં જીવરામ પરમાર,મનહર વ્યાસ, જયેશ દેસાઈ, દિલાવર પઠાણ અને ગુલાબ રાણા હતા. આ ગુલાબ રાણા  પટાવાળા તરીકે નોકરી કરતો, પણ ખુબ જોલી અને સ્વ. મુકેશના ગીતો ગાવાનો શોખીન.અમે તેની પાસે ચાંદ આહેં ભરેગા,ફુલ દિલ થામ લેંગેગવડાવતા એવું સ્મરણ છે. વીણાબેને પાછળથી, પોતાનાથી મોટી ઉંમરના, એક કરવંદીકર નામના મરાઠી સજ્જન સાથે પ્રભુતામાં પગલા પાડેલા.
૭ જાન્યુઆરી ૧૯૬૮ના રોજ અમદાવાદના ઓપનએર થીયેટરમાં અમે સ્વ. કમલેશ ઠાકર લિખિત નાટક બ્લડપ્રેશર‘  ભજવેલું જેમાં મેં જ્યોતિષી મહારાજની ભૂમિકા ભજવેલી. એ નાટકનું દિગ્દર્શન  સ્વ. હર્ષદ વ્યાસે કરેલું અને મુખ્ય સ્ત્રી-ભૂમિકા વીણાબેન શાહે ભજવેલી.
હવે આવે છે મારું એક અતિપ્રિય એકાંકિ નાટક- ઉકરડાના ફુલવર્ષ તો મને યાદ નથી, પણ કોલેજોના વાર્ષિકોત્સવ પ્રસંગે નાટ્યસ્પર્ધાઓ થતી એમાં ૧૯૬૪ કે તે દરમ્યાન સ્વામિનારાયણ કોલેજ તરફથી રજુ થયેલા આ નાટકને બેસ્ટ નાટકનો એવોર્ડ મળેલો અને નલીન દવે નામના વિદ્યાર્થીને એમાં ગુંડાની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળેલો. આ નલીન દવે પાતળો અને એટલો સોહામણો હતો કે નાટ્યગુરુ શ્રી. જશવંત ઠાકરે ૧૯૬૬માં મહાભારતના થીમ પર રચાયેલા નાટક પરિત્રાણમાં એને શ્રી.ક્રુષ્ણ ભગવાનની ભૂમિકા આપેલી.પરિત્રાણએક ઇતિહાસ સર્જી ગયું અને નલીન દવે ગુજરાતી ફિલ્મોનો હિરો બની ગયેલો. આ નલીન દવેની મારી મુલાકાત નવચેતનના ૧૯૭૧ ના કોઇ અંકમાં પ્રસિદ્ધ થઈ હતી.
મેં આ નાટક જોયેલું અને મારા મનમાં આ ભૂમિકા ભજવવાની જિજીવિષા એટલી બળવત્તર થઈ ગયેલી કે  એ નાટકના ત્રણે રોલ મેં જુદા જુદા સમયે ભજવ્યા હતા.૨૭ ઓગસ્ટ ૧૯૬૭ને દિવસે દિનેશ હોલમાં ભજવ્યું ત્યારે મેં પાગલની ભૂમિકા ભજવેલી. ૧૪મી સપ્ટેમ્બર ૧૯૬૯ને દિવસે ટાઉનહોલમાં ભ્જવ્યું ત્યારે મેં દારુડીયાની ભૂમિકા ભજવેલી. અને છેલ્લે, ૨૩ મે ૧૯૭૪ને દિવસે અમદાવાદના ટાઉનહોલમાં મેં  ગુંડાની ભૂમિકા કરેલી. અમારી ઓફીસના વાર્ષિકોત્સવ પ્રસંગે જ્યારે આ નાટક કરવાની મેં પ્રપોઝલ મૂકી અને સ્ત્રી-પાત્ર માટે ટહેલ  નાંખી તો કોઈ જ બહેન સ્ત્રીપાત્ર  ભજવવા જ તૈયાર ન થાય કારણ કે  એમાં સ્ત્રીપાત્રને ફેશનેબલ વસ્ત્રો પહેરીને રોલો પાડવાની તક ન હતી. શેરીમાં ગોદડી પાથરીને પડી રહેતી ભિખારણનું પાત્ર હતું.અંતે ઇન્દીરાબેન વૈષ્ણવ ( હવે દેસાઇ ) નામના એક બહેન તૈયાર થયા અને નાટક ભજવાયું.  આ ઘટના પર મેં એક કાલ્પનિક વાર્તા સહાનૂભુતિજન્ય સ્નેહપણ એ વખતે લખેલી જે સંદેશના સ્ત્રી સાપ્તાહિકમાં પ્રગટ થઈ હતી અને મારા ૧૯૭૧માં ભારતી સાહિત્ય સંઘ દ્વારા છપાયેલા વાર્તાસંગ્રહ  પરાઇ ડાળનું પંખીમાં પણ છપાયેલી. આજે પણ આ મારું પ્રિય એકાંકિ છે. પરંતુ …અફસોસ કે આજે હું આમાંનું એકે ય પાત્ર ભજવવાને લાયક રહ્યો નથી.
૧૯૬૮ અને ૧૯૭૨ ના વર્ષોમાં એક હિન્દી નાટક મકાન ખાલી હૈચિમન ટેકાણીએ ભજ્વ્યું અને એક વખત મને શાયર તો બીજી વખત મને ગુજરાતી કારકુનની ભૂમિકા આપેલી.બન્ને પાત્રો ગૌણ જ હતા. ચીમનભાઇ મકાન માલીક બનતા હતા અને આવનાર ભાડુતોના ઇન્ટર્વ્યુ લેતા એવું કંઇક વાર્તાવસ્તુ હતું. આ નાટકમાં દોલત રતવાણી, દિલીપ દેવ અને પૌરવીબેન મુન્શી ભૂમિકાઓ ભજવતા હતા. આ  નાટક ૯ સપ્ટેમ્બર ૧૯૬૮ને દિવસે દિનેશ હોલ અને ૧૩મી મે ૧૯૭૨ને દિવસે ટાઉનહોલમાં ભજવાયેલું એવું મારી પાસેના બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાઓની પાછળ લખેલી વિગતો પરથી જણાય છે.
૧૯૭૮માં જયશંકર સુંદરી હોલમાં ભજવેલ એક હિન્દી નાટક દામાદમાં મેં દીકરીના બાપની ચરિત્રભૂમિકા ભજવેલી.
૧૧ એપ્રિલ ૧૯૭૬ને દિવસે ટાઉનહોલમાં સ્વ. બકુલ ત્રિપાઠી લિખિત ફુલ લેન્થ પ્લે રાણીને ગમે તે રાજાઅમે ભજવેલું જેમાં મેં છોકરાના બાપ-ગરબડદાસ-નો રોલ કરેલો. ભારતીબેન રાવલ પન્નાની ભૂમિકા ભજવતા હતા.ભાઇ કુમુદ  પોચાલાલ, કંદર્પ શાહ ગોરમહારાજ અને ઇન્દ્રવદન પટેલ વનમાળીદાસ બનતો હતો. આ નાટક પછી કુમુદ રાવલ અને ભારતીબેન રાવલ અમારા ફેમિલી ફ્રેન્ડ્સ બની રહ્યા છે અને આજે આટલા વર્ષે પણ -૩૫ વર્ષની દોસ્તી અણનમ રહી શકી છે. જ્યારે જ્યારે અમદાવાદ જવાનું થાય છે ત્યારે અમે ચારે ય જણ-બન્ને કપલ- સાથે ગુજરાતી નાટકો, સંગીતના કાર્યક્રમો જોવા જઈએ. કુમુદભાઇ પણ સિરિયલોના સારા કલાકાર છે.બધા જ ગુજરાતી કલાકારો સાથે તેમને ઘરોબો છે.મને નાટકોની મોટી મોટી હસ્તીઓ સાથે મુલાકાત કરાવી આપે છે.
૧૯૭૯ના જુનમાં અમેરિકા આવતાં પહેલાં ૧૯૭૮માં મેં બે નાટકોમાં નાના નાના રોલ કરેલા. મરાઠી નાટ્યલેખક કાટદરે લિખિત મરાઠી  રહસ્ય નાટક ગુંચના ગુજરાતી રુપાંતરનું દિગ્દર્શન શ્રી.દિલીપ દેવ નામના એક કુશળ કલાકારે કરેલું .તેણે એમાં મુખ્ય ભૂમિકા પણ ભજવેલી.અન્ય મુખ્ય ભૂમિકામાં ઇકબાલ સૈયદ નામનો એક ખુબસુરત અભિનેતા હતો. અમે અમુક કારણોસર સૈયદની ઇર્ષા કરતા. અમેએટલે કોણ કોણ એ ચોખવટ હું અત્રે નહીં કરું.અને બીજું હિન્દી નાટક ચોર મચાયે શોરચીમન ટેકાણીએ ભજવેલું જેમાં મેં ગૌણ ભૂમિકા ભજવેલી.
આ સિવાય પણ કેટલાક નાટકો છે જેની વિગતવાર માહિતી મારી પાસે નથી.એક નાટકમાં દુધવાળીના પાત્રમાં મીસ ટેઇલર દેખાય છે,નવી દુલ્હનના લેબાસમાં વીણાબેન શાહ ,રાજુના પોષાકમાં દિલાવર પઠાણ અને ગાંડાની ભૂમિકામાં હું ઉભો છું એવો એક ફોટો મારા હાથમાં આવ્યો છે પણ તેની પાછળ કોઇ વિગત નથી લખેલી.કદાચ,ઓરીજીનલ કોપી પરથી પાછળથી કોપી કઢાવી હોય તેવું બન્યું હોય !
૧૯૭૦ના સમયગાળામાં કોઇ સંસ્થાએ નાટ્યહરિફાઇ યોજેલી અને એમાં હું અને સ્વ.રામકુમાર રાજપ્રિય નિર્ણાયકો તરીકે હતા. ત્યારે, એ વખતના અમદાવાદના મેયર શ્રી. ક્રુષ્ણવદન જોષી અને સ્વ. જશવંત ઠાકર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા.
અત્યારે તો નાટકોના જૂના ફોટાઓ જોતાં જોતાં જેમ જેમ સ્મરણો આવતા જાય છે તેમ તેમ લખતો જાઉં છું. ઘણીવાર જૂના મિત્રો ફોટામાં ઓળખાતા પણ નથી.ત્રીસ-ચાલીસ વર્ષ પહેલાંની યાદોની વણઝાર મારી આંખ સામેથી પસાર થતી જાય છે.જેમ જેમ મારા મિત્રો આ લખાણ વાંચતા જાય છે તેમ તેમ ભુલાયેલું યાદ અપાવતા જાય છે.ક્યારેક વર્ષ બાબતમાં કે નામ બાબતમાં મારી શરતચૂક થઈ જાય છે તો પ્રેમથી સુધારો પણ સુચવે છે.
મારું બાળપણ અને જૂવાની માણેકચોકમાં આવેલી સાંકડીશેરીની ઝુંપડીની પોળમાં વીત્યા છે.એ સાંકડીશેરીમાં એક ખીજડાની પોળ પણ આવેલી છે જ્યાં ત્રણ વસ્તુઓ પ્રખ્યાત છે. એક, કાકુભાઇ શેઠની હવેલી, બીજી સિટી હાઇસ્કુલ અને ત્રીજું,ત્રણ કલાકાર બંધુઓ-સ્વ.રજની શાસ્ત્રી, સ્વ.મય્રર શાસ્ત્રી અને આજનો ગુજરાતી કોમેડીયન મહેશ શાસ્ત્રી. આ મયુર શાસ્ત્રી મારી ઉંમરનો.  સાલો જીનીયસ હતો. નાટકો લખે, નાટકો ભજવે અને કોમેડી પણ કરી લે.એનો હાથ હંમેશાં તંગીમાં રહે.એનું લખેલું એક નાટક ધનાજીનું ધીંગાણુંમને ખુબ ગમી ગયેલું. એ નાટક મેં મારી રીતે, મને અને અન્ય કલાકારોને અનુકૂળ આવે તે રીતે ફેરફારો કરી કરીને ત્રણ વખત ભજવેલું. દરેક વખતે હું , જુવાન દીકરા અને દીકરીના બાપનો રોલ જ કરતો. છોકરાંઓ મને બેવકૂફ બનાવીને બહાર છાનગપતીયા કરીને પ્રેમલગ્ન કરી લે છે એવી કંઇક વાર્તા હતી.ધોતિયુ, ઝભ્ભો , બંડી, માથે ધોળી ટોપી, નાક પર ટેકવેલા ચશ્મા , હાથમાં લાકડી અને ચંપલો પહેરીને દોડાદોડી કરવાનો રોલ હતો. પ્રથમ વખત ઓફિસના વાર્ષિકોત્સવ પ્રસંગે મારા મિત્ર કુમુદ રાવલ સાથે ભજવેલું. બીજી વખત અમારી જ્યોતિકળશ સોસાઇટીમાં, સોસાઇટીના છોકરાઓને લઈને ભજ્વ્યું હતું અને ત્રીજી વખત ન્યુયોર્કમાં તારીખ ૨૧ સપ્ટેમ્બર ૧૯૮૬ના રોજ, જોન બાઉની હાઇસ્કુલના ઓડીટોરીયમમાં ( ૬૨-૨૫,મેઈન સ્ટ્રીટ, ફ્લશિન્ગ, ન્યુયોર્ક ખાતે ) ભજવેલું. રોહીત પંડ્યા, સ્વ. મહેન્દ્ર ત્રિવેદી,નૈષધ પંડ્યા,સ્વાતિ વૈષ્નવ,ડોક્ટર આર.પી.શાહ જેવા ધુરંધરો સાથેની સ્પર્ધામાં મેં ઝુકાવવાની ધ્રુષ્ટતા કરેલી. એ સ્પર્ધાના નિર્ણાયકો હતા-શ્રી.ચંદ્રકાંત શાહ ( ડાયસ્પોરા સર્જક,નાટ્યકાર, લેખક, કવિ અને શ્રી. તારક મહેતાના જમાઈ ), સુમતીબેન થાણાવાલા (ભરવાડા) જે આજે પણ ‘પલ્લવી પરણી ગઈ’નાટકની પલ્લવીના પાત્રથી વધુ જાણીતા છે તથા સ્વ. આદિલ મન્સુરિ. ન્યુયોર્કની ફાસ્ટ લાઇફમાં પ્રેક્ટીસ કરવાનો સમય ક્યાં મળે ? એટલે મેં, મારા બન્ને બાળકોના રોલ માટે મારા નાના ભાઇ વિરેન્દ્ર અને મારી સ્વરકિન્નરી બહેન સંગીતાને જ તૈયાર કરેલા. અમારા જ બિલ્ડીંગમાં રહેતા ભારતીબેન નામના એક રુપાળા બહેનને ય એક પાત્ર આપેલું. અમારા કમનસીબે, સ્પર્ધાના અન્ય નાટકોની સરખામણીમાં  અમે ઉણા ઉતર્યા અને અમને ઇનામ ન મળ્યું. ઇટસ ઓ.કે…શ્રીરામ..શ્રીરામ.
.
ભાગ-૨   ( સમયગાળો-૧૯૮૭  થી  ૨૦૧૧ )                                         સ્થળ- હ્યુસ્ટન .અમેરિકા
 
 

Navin Banker
Phone No: 713 771 0050

હરનીશ જાનીની “સુશીલા”–એક રસદર્શન-

September 1st, 2011 Posted in રસદર્શન
હરનીશ જાનીની ક્રુતિ ‘સર્જન-વિસર્જન’માં  સમીક્ષા અને ઓપિનિયન વચ્ચેનો તફાવત જે રીતે સમજાવ્યો છે એ વાંચ્યા પછી ‘સુશીલા’ની સમીક્ષા કરવાનું દુઃસાહસ મારાથી થઈ જ ન શકે.એ અંગે હું માત્ર મારો ઓપિનિયન જ આપી શકું. 
સૌથી વધુ ગમી-સુપરપાવર‘. ‘ક્રિશ્ન ભગવાનની બાબરી‘,’રામચંદ્ર ભગવાનની પાદુકા‘,’કદમના વ્રુક્ષ પર આજે ય લટકતા વસ્ત્રોને એવી બધી અંધશ્રદ્ધાઓ પર કટાક્ષ કરતી આ હાસ્યરચના મારી દ્રષ્ટીએ શ્રેષ્ઠ છે. વિવિધ સામયિકોમાં એક ના એક લેખ છપાવવા,કવિતાઓના મુશાયરામાં એક ની એક ક્રુતિઓ  અને સુગમ સંગીતના કાર્યક્રમોમાં એના એ જ આંખનો અફીણીજેવા ગીતો અને ચવાઇ ગયેલી શાયરીઓ અને જોક્સ અંગે કટાક્ષ કરતો લેખ પુનરપિ પુનરાવર્તનપણ ગમ્યો. મહમ્મદ ગઝનીની સત્તર સત્તર ચઢાઇઓવાળી વાત પણ આપણી નબળાઇઓ પર જે કટાક્ષ કરે છે તે દિલને ચુભી જતી વાત છે.રોજબરોજના જીવનમાં બનતી પ્રાસંગીક ઘટનાઓને આધાર બનાવીને  જે લેખો લખ્યા છે તે તેમના આંતરબાહ્ય પ્રવાસની સૌંદર્યપિપાસાની,ઉત્કટકળાપ્રીતિની,તેમના અનેકરંગી વ્યક્તિત્વની,વિદગ્ઘતાની,સહ્રદયતાની,અને રસિકતાની દ્યોતક છે. 
લખાણોની ભાષા વિશદ અને પ્રવાહી રહી છે તેથી વાંચકોને રસક્ષતિ થતી નથી.લખાણોમાં કટાક્ષ અને વાણી-વક્રતાનો પણ ઉપયોગ થયેલો જણાઇ આવે છે. સાહિત્ય સાથે  જગતદ્રષ્ટી,એનું દ્રષ્ટીબિંદુ ( Point of View ), સામગ્રી,અનુભવ,સજ્જતા,નિપુણતા ક્ષમતા, બધું જ સંકળાયેલું જણાઇ આવે છે.લેખક જે જુઓ છો તેને ઘેટાઓના ટોળાની જેમ સ્વીકારી લેતા નથી,પણ વિવેકબુદ્ધીથી તોળી, ચકાસીને રજુ કરે છે..આવી વિચારણામાંથી, ચયન-સંપાદન ( Editing ) કરવાની  પ્રક્રિયામાંથી (Process) કરીને જે ક્રુતિ રચાઇ છે તેનું ઉત્ક્રુષ્ટ ઉદાહરણ સુપરપાવરછે. આને કારણે જ ક્રુતિ પ્રભાવક બની શકી છે. લખાણોમાં  વિશાળ વાંચન અને બહુશ્રુતતાનો સમન્વય જોવા મળે છે. 
સરળ ભાષા,માવજતપુર્ણ ભાવ-અભિવ્યક્તિ અને લાઘવપુર્ણ સૌંદર્ય રજૂ કરતી આ ક્રુતિઓ વાંચવી ગમે એવી છે.ક્રુતિઓ વાંચતાં, લેખકનું નિરભિમાની અને પારદર્શક વ્યક્તિત્વ દેખાઇ આવે છે.મને આવા માણસને મિત્ર બનાવવો ગમે.
અંતમાં…સુંદર,સત્વશીલ, હળવા અને રસસમ્રુદ્ધ લેખો-હાસ્યરચનાઓ-ગુજરાતી સાહિત્યને આપવા બદલ હાર્દીક અભિનંદન.
નવીન બેન્કર
સપ્ટેમ્બર ૦૧, ૨૦૧૧
નોંધ- લેખકે જીંદગીમાં સૌ પ્રથમ વખત  આજે, કોઇના પુસ્તક વિશે  સમીક્ષા કે ઓપિનિયન લખવાની અનધિક્રુત ચેષ્ટા કરી છે. તો..એમાં રહેલા હકિકતદોષો કે
          મુદ્રણદોષો વગેરે અંગે ક્ષમાપ્રાર્થી છું.
 
  
Navin Banker
Phone No:
713 771 0050

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.