’ હું રીટાયર થયો’ (ત્રિઅંકી નાટક)-અહેવાલ-નવીન બેંકર.
૧૪ મે ના રોજ, હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરમાં, શ્રી.મુકુંદ ગાંધીએ, શ્રી.પ્રવિણ સોલંકી લિખિત અને શ્રી. સિદ્ધાર્થ રાંદેરિયા દિગ્દર્શિત, ત્રિઅંકી ગુજરાતી નાટક ‘હું રીટાયર થયો’ ભજવીને હ્યુસ્ટનના ગુજરાતી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી મુક્યા હતા.
આ નાટકનું કથાબીજ મૂળ તો મરાઠી લેખક સ્વ. શિરવાડકરના સાહિત્ય અકાદમી પુરસ્ક્રુત નાટક ‘નટસમ્રાટ’ને ગણી શકાય જેમાં શ્રીરામ લાગૂએ મુખ્ય ભૂમિકા કરી હતી.તે પછી શ્રી. જશવંત ઠાકરે,૧૯૭૦ના દાયકામાં,એચ.કે.કોલેજના હોલમાં આ ‘નટસમ્રાટ’ ભજવેલું એવું મને યાદ છે.૧૯૯૮ની આસપાસ આ જ નાટક સિદધાર્થ રાંદેરિયાએ ‘ અમારી દુનિયાઃતમારી દુનિયા’ એ નામે ભજવેલું.
એક અને માત્ર એક જ પાત્રની ભૂમિકા પર સમગ્રપણે અવલંબતા નાટકોમાં, આવા મુખ્ય પાત્રને આત્મસાત કરી શકે એવા, આંગણીને વેઢે ગણી શકાય તેવા કલાકારોમાં હ્યુસ્ટનના શ્રી. મુકુંદ ગાંધીને નિઃશંકપણે ગણી શકાય.આ એક એવી ભૂમિકા છે કે જેમાં એક અભિનેતા પોતાની જિંદગીની વિવિધ ભૂમિકાઓ ભજવે છે-કેટલીક રંગમંચની છે તો કે તો કેટલીક વાસ્તવિક જીવનની. અને..આ બન્નેની સહોપસ્થિતી બહુ જ અસરકારક રહી છે. કથાનક અને તેની રજૂઆતમાં ભારોભાર મેલોડ્રામા છે છતાં પણ કથાનકના હાર્દમાં રહેલી નગ્ન વાસ્તવિકતાની અભિવ્યક્તિ આથી ઝાંખી પડતી નથી.
રંગમંચ અને જિંદગીની એકરુપતાને કારણે નટસમ્રાટ અનંતરાય વિદ્યાપતિ તેના ઉત્તરકાળમાં અત્યંત દારુણ પરિસ્થિતિની વચ્ચે પણ જીવનસમ્રાટ બની શક્યો છે .જે કક્ષાએ નટસમ્રાટે રંગભૂમિ અને જીવનનું તાદાત્મ્ય સાધ્યું છે તેટલી કક્ષાએ, શ્રી. મુકુંદ ગાંધીનું પાત્ર સાથે તાદાત્મ્ય છે.જાણે તેઓ પોતાની જ જીવનકથા પ્રદર્શિત કરતા હોય એવું દરેક પ્રેક્ષક અનુભવી રહે છે.શરુઆતના દ્રષ્યમાં પ્રેક્ષકો સાથેનો પ્રત્યક્ષ સંપર્ક તેમ જ અનુરુપ સંવાદોને કારણે એ વધુ સ્વાભાવિક બની શક્યું છે.
આ નાટક માત્ર મેલોડ્રામા જ ન રહેતાં,રમુજની પ્રત્યેક તક લેખક અને દિગ્દર્શકે વિકસાવી છે અને છતાં પાત્રોને હાની નથી પહોંચાડી.પરિસ્થિતીની વિચિત્રતાથી અને તે માટેના કલાકારોના અભિનયમાં વ્યક્ત થતા પ્રતિભાવોથી જ અહીં હાસ્ય નિષ્પન્ન થાય છે.પ્રથમ અંક અને તે પછી વાઘજી પોપટ તથા મોહન પ્યારેના પાત્ર દ્વારા અહીં હાસ્ય ઉપજાવ્યું જ છે.
બધા જ મુખ્ય કલાકારોનો અભિનય અહીં પોતપોતાની ભૂમિકાને અનુરુપ, અતિ-ઉચ્ચકક્ષાનો રહ્યો છે.મુકુંદભાઈ ગાંધી,રક્ષાબેન પટેલ,યોગિનાબેન પટેલ,રસેશ દલાલ,હેમંત ભાવસાર, લલિત શાહ, ઉમા નગરશેઠ વગેરે બધા જ પાત્રો એ ભૂમિકાને સમજી, પચાવી,આત્મસાત કરીને અભિનય કર્યો છે અને કોઈ જ કસર રહેવા દીધી નથી.અરવિંદ પટેલ ( બાના ),મનીષ શાહ, કુલદીપ બારોટ ,મનોજ મહેતા જેવા સક્ષમ કલાકારોને તેમના ફાળે ગૌણ ભૂમિકાઓ આવી હોવાં છતાં,તેમણે પણ પાત્રોચિત અભિનય કરીને નાટકને સફળ કરવામાં પુરતો ફાળો આપ્યો છે.
આ નાટકમાં, હ્યુસ્ટનના નાટ્યજગતને, બે નવા કલાકારો મળ્યા.યોગિનાબેન પટેલ અને નાનકડી બેબી પંક્તિ ગાલા.’સ્વર્ણિમ ગુજરાત’ની ઉજવણી વખતે ‘રંગલી’ના પાત્રમાં યોગિના નામની આ રુપાળી,ગોરી ગોરી સુંદર, મોટી મોટી ભાવવાહી આંખો ધરાવતી છોકરી સ્ટેજ પર એવી તો છવાઈ ગઈ હતી કે તે પછી હ્યુસ્ટનમાં તે ‘રંગલી’ તરીકે જ ઓળખાવા લાગી હતી.આ નાટકમાં તેણે અભિનયના ત્રણ જુદા જુદા શેડ્સ દર્શાવ્યા છે.શરુઆતની વ્હાલસોયી લાડકી દીકરી માબાપને પોતાને ઘેર આવેલા જોઈને હરખઘેલી થઈ જતી દીકરી…પછી..માબાપ પ્રત્યે શંકાશીલ બનીને આંખો ફેરવી લઈને રફ ટફ બનેલી સ્ત્રી..અને ..છેલ્લે સત્ય સમજાતાં પોતાને માફ કરી દેવાની કાકલુદી કરતી દીકરી..આ ત્રણે વિવિધ ભાવોને આ છોકરીએ એવી તો સૂપેરે દર્શાવ્યા છે કે તેના અભિનયને સલામ કહેવાનું મન થઈ જાય !
‘છૂક છૂક કરતી ગાડી આવી’ ગાતી, દોડતી, દાદાને હસાવતી, બનાવતી, વ્હાલ કરતી પૌત્રીના પાત્રમાં નાનકડી પંક્તિ ગાલા પણ પ્રેક્ષકોની આંખોને ભિંજવી જાય છે.
હેમંત ભાવસાર, હ્યુસ્ટનના કલાજગતનું એક આદરણિય નામ છે.આ નાટકમાં, દીકરીના ઘરના ,ફિલ્મી રંગે રંગાયેલા નોકરની નાનકડી ભૂમિકામાં તેમણે રમુજની પળો પુરી પાડી છે અને દેવ આનંદ, શાહરુખ ખાન, નાના પાટેકર તેમજ રાજકુમારની મિમિક્રી કરીને પ્રેક્ષકોને ખડખડાટ હસાવ્યા છે.
મુળભુત રીતે, કલાકારો નાટકના દિગ્દર્શનમાં, શ્રી.સિદ્ધાર્થ રાંદેરિયાને જ અનુસર્યા છે. છતાં,હ્યુસ્ટનના દિગ્ગજ દિગ્દર્શકો શ્રીમતી ઉમાબેન નગરશેઠ,શ્રી. અશોક પટેલ અને શ્રી.હેમંત ભાવસારના કિંમતી સલાહસુચનોનો ફાળો પણ નાનો સુનો નથી.
અનંતરાય વિદ્યાપતિની પત્ની મંગળા ( સરકાર ) ના પાત્રમાં ,રક્ષાબેન પટેલ દીકરાના હિસાબની સામે પોતાનો હિસાબ ગણાવે છે તે દ્રશ્યમાં અને તેમના અંતીમ દ્રશ્યમાં દરેકે દરેક પ્રેક્ષકની આંખ ભીની કરી મૂકે છે. સશક્ત પાત્રાલેખનને કારણે રક્ષાબેન પટેલ મંગળાના પાત્રમાં પ્રેક્ષકોની સહાનુભૂતિ મેળવી જાય છે.HNV ( Houston Natya Kalavrund ) ના ઘણા નાટકોમાં રક્ષાબેને અભિનય કરેલો હોવાથી ખૂબ સાહજિકતાથી આ પાત્ર તેઓ ભજવી શક્યા છે-કહો કે પાત્રને જીવી ગયા છે.સામાન્ય પ્રેક્ષક સરળતાથી સહભાગી થઈ શકે તેવો આ વિષય હોવાથી પ્રેક્ષકોનો રસ છેક સુધી જળવાઈ રહે છે.
રસેશ દલાલે આ નાટકમાં અનંતરાય વિદ્યાપતીના પુત્રની ભૂમિકામાં- નેગેટીવ રોલમાં- સુંદર ભૂમિકા ભજવી છે.
ઉમા નગરશેઠ આ નાટકમાં પુત્રવધૂ તરીકે નેગેટીવ રોલમાં દેખા દે છે.પ્રેક્ષકો તેમના પાત્રને ધિક્કારે એટલી સરસ રીતે તેમણે આ ભૂમિકા નીભાવી છે.છેલ્લ વીસ વર્ષથી હ્યુસ્ટનના નાટ્યકલાવ્રુંદના નાટકોમાં તેમણે વિવિધ ભૂમિકાઓ કરી છે.
નાટકનું પ્રકાશ-આયોજન લલિત શાહ, મનીષ શાહ અને નીલ શાહે સંભાળ્યું હતું.શાંતીભાઈ ગાલા,ગીતાબેન ગાલા તથા મનોજ મહેતાએ સંગીત અને અમિત પાઠક / સંજય શાહે ધ્વની વિભાગ સંભાળ્યા હતા.રંગમંચ સજાવટ માટે શ્રી. વિનયભાઈ અને દક્ષાબેન વોરા,નિરંજન ગાંધી,ભરત મહેતા,તથા કુલદીપ બારોટનો સહયોગ સાંપડ્યો હતો.રંગમંચ વ્યવસ્થા શ્રી.હેમંત ભાવસારે સંભાળી હતી. તો.. પ્રોપર્ટી મેનેજર તરીકે શ્રી.હર્ષદ પટેલ (માસ્તર) અને સજાવટમાં ઉમા નગરશેઠ તથા યોગીનાબેન પટેલનો ફાળો નાનોસુનો નથી.સુરેશ બક્ષી અને પ્રદીપ બ્રહ્મભટે નેપથ્ય સહાય કરી હતી.ફોટોગ્રાફી શ્રી.રવિ બ્રહ્મભટ્ટે,વિડીયોગ્રફી શ્રી.પરેશ શાહે તથા મેક-અપ,રંગભૂષાનો કાર્યભાર શ્રીમતી સુજ્ઞાબેન ગોહીલ,યોગિનાબેન પટેલ અને પાયલ દવે એ સંભાળ્યો હતો.
પુરા એક ડઝન કલાકારો અને પુરા બે ડઝન રંગમંચ સહાયકોના કાફલા સાથે, શ્રી.મુકુંદ ગાંધીએ આ ભગીરથ કાર્યને,પોતાની નીજી મર્યાદાઓ હોવાં છતાં,અને પ્રતિકુળ સંજોગો વચ્ચે પણ સફળતાપુર્વક પાર પાડ્યું તે બદલ હ્યુસ્ટનના કદરદાન પ્રેક્ષકોએ નાટકના અંતે, સીટ પરથી ઉભા થઈને તાળીઓના ગડગડાટ સહિત સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું હતું.
પ્રેક્ષકોને વિચારતા કરી મૂકે તેવું ઉંડાણ આ નાટક ‘ હું રીટાયર થયો’માં છે આ નાટક,અભિનય,દિગ્દર્શન,વાર્તા, જાજરમાન સન્નિવેષ,વાતાવરણ સાચવતું પ્રકાશ આયોજન અને અનુરૂપ વેષભુષા જેવા બધાં જ અંગોમાં ધોરણ સચવાયું હોવાથી શ્રેષ્ઠ રહ્યું.
હ્યુસ્ટનની સાહિત્ય સરિતાના સભ્યોએ પણ આ નાટકની સફળતામાં પોતાનો ફાળો આપ્યો હતો.બધાંના નામોલ્લેખ આ લેખની સ્થળમર્યાદાને કારણે શક્ય ના હોવાથી એ નામી-અનામી મિત્રો /શુભેચ્છકોનો, શ્રી. મુકુંદ ગાંધી અને સાહિત્ય સરિતાના સભ્યો આભાર માને છે.
હ્યુસ્ટન એ સંસ્કારનગરી છે. અહીં લેખકો છે, કવિઓ છે,નાટ્યકલાકારો છે, ન્રુત્યકારો છે. વિવેચકો છે, વ્રુતાંતનિવેદકો છે, દિગ્દર્શકો છે…હ્યુસ્ટનના જ કલાકારો-કસબીઓ દ્વારા ભજવાયેલું આ નાટક અમેરિકાના દરેક શહેરમાં ભજવાય એવી આ અહેવાલ-લેખકની દીલી ખ્વાહિશ છે.
આ નાટક તમારા શહેરમાં ભજવવા માટે સંપર્ક -શ્રી. મુકુંદ ગાંધી-૨૮૧-૨૪૨-૮૫૮૬
નવીન બેન્કર ૭૧૩-૭૭૧-૦૦૫૦ અને ઈ મેઈલ એડ્રેસ -navinbanker@yahoo.com અસ્તુ