એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2010 » September

સ્વ.હેમલતા ભટ્ટ ( પંડ્યા ) ને શ્રદ્ધાંજલી

September 22nd, 2010 Posted in અનુભૂતિ

સ્વ.હેમલતા ભટ્ટ ( પંડ્યા ) ને શ્રદ્ધાંજલી

 

હ્યુસ્ટન શહેરમાં મેં ઘણા બધાની અવસાન-નોંધો, શ્રદ્ધાંજલીઓ લખી છે અને વર્તમાનપત્રોમાં છપાવી પણ છે.પણ આજે જેની શ્રદ્ધાંજલી લખવી છે તેને તો હું પચાસ વર્ષ પહેલા ઓળખતો હતો અને છેલ્લા પચાસ વર્ષોમાં જેને જોઈ પણ નથી,ફોન પર પણ વાત કરી નથી કે કોઈ પત્રવ્યવહાર સુદ્ધાં થયો નથી.અને…છતાં..આ લાંબા ગાળા દરમ્યાન પણ પ્રસંગોપાત તેના સમાચારો મને હરહંમેશ મળતા રહ્યા જ છે.  આજે ૭૦ વર્ષની વયે હું મારી સમવયસ્ક કહી શકાય તેવી એક ભુતપૂર્વ દોસ્તના સંસ્મરણો વાગોળવા બેઠો છું જે ચાર દિવસ પહેલા જ અવસાન પામી ચુકી છે-પાછળ ચાર પરિણીત પુત્રીઓ અને એક પરિણીત પુત્રને છોડીને.

ચારેક માસ પહેલા એક કોમન મિત્રનો ફોન આવ્યો હતો કે હેમલતા સખ્ત બિમાર છે. તેને આંતરડા પર ચાંદા પડી ગયા છે અને સ્થુળ ભોજન લઈ શકતી નથી. શરીર ક્રુશકાય, જિર્ણ થઈ ગયું છે અને બાથરૂમ જવા પણ સહારો લેવો પડે છે.શરીરમા લોહી રહ્યું જ નથી અને તેનુ રૂપ વિલાઈ ચૂક્યું છે. જિવવાની શક્યતાઓ ઘટતી જાય છે. ગયે વર્ષે તેનો પતિ પણ ગુજરી ગયો.દિકરો અને વહૂ ચાકરી કરે છે. 

જેને પાંચ દાયકાઓથી જોઈ પણ નથી એના આવા દુખદ સમાચાર જાણીને મન પચાસ વર્ષ પહેલાની દૂનીયામાં ગોથા ખાવા લાગ્યું.મારી નજર સમક્ષ ભુતકાળના દ્રષ્યો ચિત્રપટની જેમ ફેરફૂદડી ફરી રહ્યા.મનનું આકાશ ભૂતકાળના બનાવોથી ઘટાટોપ ઘેરાઈ રહ્યું.મન એ ઘૂમરીઓમાં તણાવા લાગ્યું. ભૂતકાળને ઉડો ઉલેચીને હું ઊડો ઉતરવા લાગ્યો છું.

 ૧૯૬૧નું એ વર્ષ….ત્યારે એ વ્રુદ્ધા ન હતી.૧૮-૨૦ વર્ષની ઉંમરની એની યુવાનીનો સમય હતો.પાતળી સપ્રમાણ દેહલતા…ગૌર ત્વચા..નવી ઢબે હોળેલા અંબોડામાં સદાય રહેતું સફેદ મોગરાનું ફૂલ..ચપળતા દર્શાવતી મોટી, મોટી  આંખો…મરક મરક થતા હોઠ..પાતળી લાંબી ગ્રીવા..અને.. આકર્ષક ચાલ…અઢાર વીસ વર્ષની ઊમ્મર જીવનનો એવો તબક્કો હોય છે જ્યારે માણસને પતંગિયા પકડવાનું મન થાય છે.કુમળા ચળકતા ફૂલો અને લીલા પાંદડા તોડવાની ઇચ્છા થાય છે..પક્ષીઓની પેઠે ગીતો ગાવાનો ઉમળકો થઈ આવે છે.ઝરમર ઝરમર વરસાદમાં  ભિંજાવાનું દિલ થવા લાગે છે.

હેમલતા પણ એવી જ એક ભોળી, નિર્દોષ, કુમળી કળી હતી ત્યારે….સ્વભાવે સાલસ..સભાન.અને સતર્ક…

કેટલાક  એને મીનાકુમારી કહેતા. મને એ મીનાકુમારી કરતાં કાનન કૌશલ વધુ લાગતી. પણ એને બધા મીનાકુમારી કહે એ વધારે ગમતું. શ્રીગોડ પવાળીયા જ્ઞાતીમા એમના જ ઘરમાં ભગવાને રૂપની લ્હાણ કરી હતી. એના મોટાભાઈ રાજકપૂરની કોપી હતા. ૧૯૬૨મા, અમદાવાદના ક્રિશ્ના સિનેમામા ફિલ્મ નજરાનારિલિઝ થઈ હતી એના ટાઇટલ પર મુકેલો રાજકપૂરનો ફોટો બીલકુલ બિપિનભાઇ ને મળતો હતો.  અમદાવાદના  રીગલ સિનેમામાં રિલિઝ થયેલીક્રિશ્ન-લીલાનામની હીન્દી ફિલ્મમાં આ બિપિન ભટ્ટે શેષનાગ પર લક્ષમીજી સાથે બીરાજેલા વિશ્નુ ભગવાનનો રોલ કરેલો એવું સ્મરણમાં છે. એ જ અરસામાં ટાઉનહોલમાં ભજવાયેલ નાટક ‘ દીયરવટુ માં બિપિનભાઈ અને હેમલતાએ ભૂમિકા ભજવેલી અને તેમાં હેમલતાના કંઠે હાસો મારો રામ રે શબ્દાંકન વાળા ગીતને રજૂ કરવામાં આવેલું ૧૯ ફેબ્રુઆરી ૧૯૬૧ ના દિવસે ટાઊનહોલમાં જ કરો કંકુનાનાટક જોવા પણ અમે પાસ લઈને ગયા હતા એવું સ્મરણ છે.

એ જમાનામા એચ.કે. આર્ટ્સ કોલેજ નું નામ રામાનંદ કોલેજહતું. ત્યાં એસ.એસ. સી. પરીક્ષા માટે હેમલતાનો સીટ નંબર આવેલો અને તે ફીની રિસિપ્ટ ભૂલી ગયેલી. હું રામાનંદથી સાઈકલ પર ઢાલગરવાડમાં આવેલી તેની ગર્લ્સ સ્કૂલમાં જઈને આઇ,શાહ સાહેબ પાસેથી ડુપ્લિકેટ રિસિપ્ટ લઈને રામાનંદ કોલેજ પર જઈને આપી આવેલો.એ દિવસે તારીખ હતી ૨૭ માર્ચ ૧૯૬૧.એની શાળાએ એ વર્ષે ગુજરાત-તારુ ગૌરવનામે એક મહોત્સવ યોજેલો તેમા હેમલતાએ જસમા ઓડણની ભૂમિકા ભજવેલી અને તેમાં મા પડ મારા વીર, તુને ચોસઠ કોણ ચડાવશે શબ્દોવાળુ ગીત પણ ગાયેલું એ મને હજી પણ યાદ છે.

જેઠાભાઈની પોળમા આવેલા એક બાળમંદીરમા તે શિક્ષિકા તરીકે નોકરી કરે અને બપોરે છૂટીને અમારા સાંકડીશેરી વાળા ઘેર આવે, મારી દાદીમા સાથે અલકમલકની વાતો કરે.મારા દાદીમાને તે ખૂબ વહાલી લાગે. કોઇને પણ વહાલી લાગે એવી હતી હેમલતા.મીઠુ મીઠુ હસે..મીઠુ મીઠુ બોલે અને આંખડી તો જાણે અમીભરી…અમારુ ત્રણ-ચાર જણનું એક ગ્રુપ થઈગયેલું.ક્યારેક ક્યારેક અમે કોઈ સારી ફિલ્મ જોવા પણ જતા.અમારી આર્થિક સ્થિતી સારી નહીં તેથી હું તો પાંચ આના કે દસ આના વાળી ટિકિટમા જ ફિલ્મ જોતો પણ મારી જિંદગીમા પ્રથમ વખત મેં એક રૂપિયા પાંચ આનાની ટિકિટમા લાઈટ હાઊસમા હમ હિન્દુસ્તાની જોયેલી. હું , મારી નાની બહેન કોકિલા અને હેમલતા એ જોવા ગયેલા.સંજીવકુમાર એ ફિલ્મમા એક પોલિસ ઇન્સપેક્ટરની સામાન્ય ભૂમિકા તેમાં કરતો હતો.હેમલતાએ ત્યારે કહેલું કેઆ કલાકાર એક દિવસ મોટા રોલ કરતો હિરો બની જશે‘. 

રિલિફ સિનેમામાં ભારત ભુષણ, પ્રદીપકુમાર, બીનારોય અને આશા પારેખની ભૂમિકાવાળી ફિલ્મ ઘૂંઘટપડેલી.તેમા એક કરૂણ સીન વખતે તે રડી પડેલી અને અમારે તે ફિલ્મ અર્ધેથી છોડીને નીકળી જવુ પડેલું.

મને યાદ છે કે અમારી સાથે જોયેલી છેલ્લી ફિલ્મ હતી- રેશમી રૂમાલ, જે સેંટ્રલ સિનેમામા સેકન્ડ રનમા પડેલી.એમા હિરો હતો ચંદ્રશેખર‘.એ ફિલ્મના ઘણાબધા કર્ણપ્રિય ગીતો જાણીતા છે. અમારા ગ્રુપના બધા જ ઘેરથી બહાના બતાવીને ફિલ્મ જોવા આવતા.કોઇપણ માબાપને પોતાનુ બાળક ખૂબ ફિલ્મો જૂએ એ નથી ગમતું હોતું.મને નાનપણથી ફિલ્મો જોવાનો ચસ્કો પડી ગયો છે.આજે પણ હું ઢગલાબંધ ફિલ્મો જોઊ છું.આજે મારી પત્નીને એ ટેવ નથી ગમતી એટલે મારે એની આગળ પણ ખોટુ બોલીને જ ફિલ્મ જોવા જઊ પડે છે.એ ફિલ્મો નથી જોતી,માત્ર સિરિયલો જ જુએ છે અને મંદીરોની ખાક છાનતી ફરે છે.

 સ્મરણોની માળા તો લાંબી ને લાંબી થતી જ જાય છે.

એક દિવસ હેમલતાના વિવાહ તેની જ જ્ઞાતીના ધનંજય પંડ્યા નામના યુવાન સાથે થયા.અને ૧૨મી ફેબ્રુઆરી ૧૯૬૩ ને દિવસે મધ્યમવર્ગ સોસાઈટીના ૧૦ નંબરના બંગલાના પ્રાંગણમા તેના લગ્ન થઈ ગયા.મેં  તે દિવસે લાલ રંગના પાનેતરમા તેને છેલ્લી વાર જોઈ હતી. 

સુડતાલીસ વર્ષ વીતી ગયા એ વાતને. 

મારા દાદીમા મને ઘણીવાર પુછતા-પેલી હેમલી કેમ નથી આવતી હવે ?’

‘…’

હું  નિરુત્તર રહી જતો. 

૧૯૭૯થી હું અમેરિકાના હ્યુસ્ટન શહેરમા રહું છું.મારા ય દામ્પત્ય-જીવનના ૪૭ વર્ષો વીતી ગયા છે. મારી પત્ની ભલી છે, પ્રેમાળ છે..અમે બન્ને એકબીજાને ખૂબ પ્રેમ કરીયે છીયે.બે વર્ષ પછી અમે અમારા પ્રસન્ન-દામ્પત્ય જીવનના ૫૦ વર્ષોની ઊજવણીનો પ્લાન કરી રહ્યા છીયે…જીવનસેતુ તળેથી કાળસરિતાનો કેટલોય પ્રવાહ વહી ગયો. આ સમય દરમ્યાન તેના સમાચારો તો મળતા જ રહ્યા. હેમલતા મલાડમાં મામાની વાડીમા રહે છે‘…’હેમલતા આજે ડિલિવરી કરવા અમદાવાદ આવી છે‘..’હેમલતાને દીકરી આવી‘..’બીજી દીકરી આવી..ચાર દીકરીઓ પછી દીકરો આવ્યો‘..’આજે તેની દીકરીના લગ્ન છે‘..’આજે દીકરાના લગ્ન છે‘..’આજે તેણે અમદાવાદમા ફ્લેટ લીધો‘..’તેનો દીકરો જુદો રહેવા ગયો‘…વગેરે..વગેરે… 

અને..એકાદ વર્ષ પહેલા સમાચાર મળ્યા-ધનંજય ઈઝ નો મોર‘. 

પાછા સમાચાર મળ્યા- શી ઈઝ એલોન…બ્રોકન…એન્ડ ..ડેઝર્ટેડ..(તેણી એકલી,ભાંગી પડેલી અને સૌથી તરછોડાયેલી છે ) એના પતીનો વિયોગ તે સહન નથી કરી શકતી. ચાર માસ પહેલા સમાચાર મળ્યા કે તેને આંતરડાનુ ચાંદુ છે..અને પથારીવશ છે. હેમલતાની ખૂબસુરત જવાની રોગ અને દુઃખની આગમા સળગીને રાખ થઈ ગઈ હતી.

 

ફૂલ જેવી કોમળ કાયા સૂકાઈને માત્ર હાડપિંજર જ રહ્યું હતું.ખૂબસુરત કળી મૂરઝાઈ ગઈ હતી.

 

છેલ્લે..ચાર દિવસથી ઉપરાછાપરી ઈ-મેઈલ આવ્યા કરે છે કે-હેમલતા ઈઝ નો મોર‘.

 

મેં હિન્દી ફિલ્મજગતની ઘણી ખૂબસુરત અભિનેત્રીઓના ઈન્ટરવ્યુ લીધા છે..નાટ્યજગતની હિરોઈનો સાથે પણ પનારો પડ્યો છે..અમેરિકાની ક્લબોમા પણ હુ ભટકી ચૂક્યો છુ.જિન્દગીના બધા સુંદર રંગો જોયા છે..૭૦ વર્ષની વય સુધી પહોંચી ગયો છુ. છ્તાં સાચુ કહુ છું કે હેમલતા જેવી સુંદર સ્ત્રી મેં કદી જોઈ નથી.મારે માટે તો તે આજે પણ દુનીયાની સૌથી ખૂબસુરત સ્ત્રી જ્ છે. અને.. એ ખૂબસુરત સ્ત્રી એક વખત મારી મિત્ર હતી- માત્ર મિત્ર જ. તે મને ગમતી હતી એટલુ જ.. અમે ક્યારે ય પ્રેમની વાતો કરી ન હતી કે પ્રેમના એકરાર કર્યા ન હતા…ચારિત્ર્યના શૈથિલ્યને પણ વશ થયા ન હતા. અરે ! સ્પર્શ સુદ્ધાં કર્યો ન હતો એ વાત કોઇ ના માને ! મારે માટે તે એક દેવાંશી સ્ત્રી હતી.

પરમક્રુપાળુ પરમાત્મા તેના આત્માને પરમ શાંતી આપે.

 હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ   લાગીયે,

શરણું મળે સાચું તમારું,એ હ્ર્દયથી  માગીયે,

જે જીવ આવ્યો આપ શરણે ચરણમા અપનાવજો,

પરમાત્મા એ આત્માને શાંતી સાચી આપજો.

 

રીફ્લેક્શન ઓફ કિશોરકુમાર- સંગીતસંધ્યા

September 8th, 2010 Posted in અહેવાલ

BHPENDRA(1).JPG BHPENDRA(1).JPG Bhupendra(2).JPGBhupendra(2).JPG

 • Bhupendra(3).JPGBhupendra(3).JPGBhupendra(5).JPGBhupendra(5).JPG
 • Bhupendra(7).JPGBhupendra(7).JPG
 •  

  સાહિલ ઈન્ટરનેશનલ ઈન્ક.અને સ્કાયવર્લ્ડ સેટેલાઈટના ઉપક્રમે રીફ્લેકશન્સ ઓફ કિશોરકુમારનામાભિધાન હેઠળ એક સંગીતસંધ્યાનો કાર્યક્રમ, ‘વોઇસ ઓફ કિશોરકુમારતરીકે ઓળખાતા ગાયક ભુપેન્દ્રસીંઘના સુમધુર કંઠે,મહાન ગાયક,સંગીતકાર કિશોરકુમારના ગાયેલા ગીતોના રસથાળનો કાર્યક્રમ તારીખ ચોથી સપ્ટેમ્બર ના રોજ હ્યુસ્ટનના જૂના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરના સભાગ્રુહમાં પાંચસો જેટલા સંગીતપ્રેમીઓની હાજરીમાં સંપન્ન થયો હતો. 

   

  શરુઆતમાં, શ્રીમતી સુનીતાસીંઘે કલાકારો અને શ્રોતાઓને આવકાર્યા હતા અને આજના ગાયકો ભુપેન્દ્રસિંઘ,ક્રિતિકા રામચંદાની તથા વાદ્યવ્રુંદના કલાકારોની ઓળખ આપી હતી.ભુપેન્દ્રસીંઘે કિશોરકુમારના કંઠે ગવાયેલા ગીતોમાંથી પસંદ કરેલા ઉત્તમ ગીતો પોતાના મોહક સ્વરમાં અને દિલકશ અદાઓમાં રજૂ કર્યા હતા. 

  પલ પલ દિલકે પાસ તુમ રહતી હો‘,’વો શામ કુછ અજીબ થી‘,હમેંતુમસે પ્યાર કિતના હમ નહીં જાનતે‘,જેવા મેલોડીયસ ગીતોથી શરૂ કરીને ‘ ‘મૈ યહાં ,તુમ વહાં‘,’જરા હોલે હોલે ચલો મોરે સાજના‘,’તેરે બીના જીંદગીસેજેવા યુગલ ગીતો પણ, ડલાસની ગાયિકા ક્રુતિકા રામચંદાની તથા હ્યુસ્ટનની એટર્ની ઉમા મંત્રાવાદી જેવી નિવડેલી ગાયિકાઓના સાથમાં રજૂ કરીને શ્રોતાઓને સંગીતના સૂરોમાં ઝબકોળી દીધા હતા. 

   

  મેરે સપનોંકી રાનીઅને પગ ઘુંઘરૂ બાંધ મીરાં નાચી રેતથા કજરા મહોબતવાલાજેવા ગીતો પર તો શ્રોતાઓને પણ ઈન્વોલ્વ કરીને  ઓડીયન્સને નાચતુ કરી મુક્યું હતું. 

  ઘણાં ગીતોમાં શીવાનંદ બાગડના ઘૂંઘરૂ અને અનિસ ચંદાનીના બંસરીવાદને એવો સમાં બાંધી દીધો હતો કે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈને ભાવવિભોર બની જતા હતા. 

   

  ભુપેન્દ્રસિંઘ, ક્રુતિકા રામચંદાની અને ઉમા મંત્રાવાદીને તબલા પર પુરણલાલ વ્યાસ અને દેવિસિંઘે,કોંગો પર શિવાનંદ બાગડે, ઢોલક પર મિસ્ટર સંપતે, ગિટાર પર વરુણસિંઘે અને કિબોર્ડ તથા બંસરીવાદનમાં શ્રી. અનીસ ચંદાનીએ સાથ આપ્યો હતો. 

   

  ગાયક અને વાદ્યવ્રુંદના કલાકારોએ પોતાની કળાનું ઉત્ક્રુશ્ટ પ્રદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 

   

  હ્યુસ્ટન સિનિયર્સ સિટિઝન્સ એસોસિયેશનના સિનિયર્સને આ કાર્યક્રમમાં ખાસ ૩૩ ટકા ડિસ્કાઉંટ આપવામાં આવ્યું હતું. 

   

  કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી. આશિષ વ્યાસ,શ્રીમતી મનીષા વ્યાસ, શ્રી. પરેશ ભટ્ટ, શ્રીમતી નીના ભટ્ટ,ઓસ્ટીનના શ્રી. મીતેષ પટેલ, હ્યુસ્ટનના ખ્યાતનામ ડેન્ટિસ્ટ શ્રીમતી પૂર્વીબેન પરીખ, અને રેણુ સિંઘલનો મોટો ફાળો રહ્યો હતો. 

   

  એક ખૂબસુરત શામ-કિશોરદા કે નામ !

   

  Archives

  Recent Posts

  Categories

  Recent Comments

  Meta

  Recent Comments

  Type in

  Following is a quick typing help. View Detailed Help

  Typing help

  Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

  Settings reset
  All settings are saved automatically.