એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2010

હ્યુસ્ટનમા નવરાત્રિ મહોત્સવ

October 30th, 2010 Posted in અહેવાલ

 હ્યુસ્ટનમા નવરાત્રિ મહોત્સવ

                                અહેવાલ – શ્રી. નવીન બેન્કર

 ( ઓક્ટો ૨૯ ૨૦૧૦ના રોજ ગુજરાત ટાઇમ્સમાં છપાયેલ અહેવાલ )

    

————————————————————————————————–

નવરાત્રિ એટલે કે આસો સુદ એકમથી નોમ સુધી માતાજીની આરાધનાના દિવસો છે.માતાજીની સ્તૂતિ કરતા સ્તોત્ર, ગરબા ગાવાનો રિવાજ છે.છેલ્લા થોડા વર્ષોથી તો ઇન્ડીયામા શેરીના ગરબા લુપ્ત થઈ રહ્યા છે અને પાર્ટી પ્લોટ કલ્ચરના જ ગરબા પ્રચલીત થઈ રહ્યા છે.ફિલ્મી ગીતની ધૂનો પર માત્ર ઇન્સ્ટ્રુમેન્ટસ પર ધૂનો વાગ્યા કરે અને ખેલૈયાઓ, સ્ટાઈલો મારતા ગરબે ઘૂમે એ દ્રષ્ય કોમન થઈ ગયું છે. ગરબે ઘૂમતા ખેલૈયાઓને આ માતાજીનો ધાર્મિક તહેવાર છે એવો એહસાસ જ થતો નથી.અને એમાંય, અમેરિકામાં જ જન્મેલી, ભણેલી, ઊછરેલી આજની યુવાન પેઢીને તો ગુજરાતી લોકગીતોની રમઝટ પર વાગતો ગરબો ‘ ઈંધણ વીણવા ગઈ’તી મારી સહિયર’ જેવા લોકગીતનો અર્થ પણ ના સમજાય કે તેની ગતાગમ પણ ના પડતી હોય છતાં એ ધૂન પર મન મૂકીને સ્ટાઈલો મારીને મ્હાલતા હોય !

 

આ વર્ષે, ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટને ભરુચના લોકલાડીલા, લોકગાયક, બુલંદ સ્વરના શહેનશાહ એવા ‘આષાઢી મોરલા’ને નામે ઓળખાતા જાણીતા ને માનીતા શ્રી. અભેસિંહ રાઠોડ અને તેમના ચુનંદા વાજિન્ત્રકારોને નવરાત્રિના ગરબા માટે આમંત્ર્યા હતા. ફિમેઈલ વોઈસમા શ્રીમતી રાધાબેન વ્યાસના કોકિલકંઠનો તેમને સાથ મળ્યો હતો.તો, ઢોલ પર અમદાવાદના શ્રી.ચંદ્રકાંત સોલંકી, ઓક્ટૉપેડ પર શ્રી.નિખિલ મિસ્ત્રી, કી-બોર્ડ પર શ્રી.ઝલક પંડ્યા અને સહાયક પુરુષ સ્વરમા વોઇસ ઓફ કિશોરકુમાર એવા શ્રી. શૌરીન ભટ્ટનો તેમને સાથ સાંપડ્યો હતો.

 

ત્રણ તાળીના ગરબાથી શરૂ કરીને, પછી બે તાળીના ગરબા,માતાજીની આરતી,પ્રસાદ..થોડોક વિરામ..અને પછી સનેડો..લાલ સનેડો..રમઝણીયુ..ડાંડિયા રાસ..આ પ્રણાલી થઈ ગઈ છે..હ્યુસ્ટનના આ વખતના ગરબામાં ક્યાંય કોઈ ફિલ્મી ધૂન નહિં..માત્ર પરમ્પરાગત માતાજીના પ્રચલિત ગરબાના તાલ પર જ સમગ્ર કાર્યક્રમ સુરુચીપુર્ણ રીતે નવે દિવસ દરમ્યાન ઉજવાયો હતો.

 

છેલ્લ બે-ત્રણ વર્ષથી ગરબા દરમ્યાન સ્ટેજ પર હિન્દી ટીવી સિરિયલોના જાણીતા ને લોકલાડીલા કલાકારોને થોડીક મિનિટો માટે હાજર કરી દઈને ગરબાની ટીકીટોના વેચાણમાં વધારો કરીને મબલખ કમાણી કરી લેવાનો રીવાજ ચાલુ થઈ ગયો છે તો પછી હ્યુસ્ટન પણ તેમાંથી કેમ બાકાત રહે ?  બેચાર વર્ષ પહેલા, મોનાસિંઘને ગરબામા હાજર કરવામા આવેલી. આ વર્ષે, પ્રથમ બે દિવસ દરમ્યાન ઝી ટીવીની હિન્દી સિરિયલ ‘છોટી બહૂ’ની યુગલ બેલડી ‘દેવ અને રાધિકા’ને સ્ટેજ પર હાજર કરવામા આવેલા, તેમની પાસે આરતી પણ કરાવવામા આવી હતી અને ઓડીયન્સમા પણ ફેરવવામા આવ્યા હતા. ૧૫મી તારીખે ઝી ટીવીની સિરિયલ ‘યહાં મૈ ઘર ઘર ખેલી’ની આભાને હાજર કરવામા આવી હતી.આ કલાકારોના ઓટોગ્રાફસ લેવા અને તેમની સાથે તસ્વીરો પડાવવા રીતસરની પડાપડી થતી હતી.

આ વર્ષે, હ્યુસ્ટનમા ઘણી સંસ્થાઓએ પોતાના જૂદા ગરબા રાખ્યા હતા.ફ્રેન્ડસ એન્ડ ફેમિલિ ઓફ ઈન્ડિયાએ પ્રથમ બે દિવસ સ્ટેફોર્ડ સિવિક સેન્ટરના વિશાળ હોલમા ગરબા રાખ્યા હતા જેનુ આકર્ષણ  ફ્રી પાર્કીંગ અને ટીકીટ સાથે ભોજન પણ હતુ. લેઉવા  પાટીદાર સમાજે પણ પોતાના ગરબા રાખેલા.હ્યુસ્ટનના પરા વિસ્તારો- કેટી અને ક્લીયરલેક- માં પણ ગરબાનુ આયોજન કરવામા આવેલુ.પહેલા ગુજરાતી સમાજના ગરબામા પાંચથી સાત હજારની મેદની ઉમટતી હતી.આ વખતે ખેલૈયાઓ વહેંચાઈ ગયા હતા.

 

દર વર્ષની જેમ આ વર્ષે પણ  ઇન્ડિયન સિનિયર સિટિઝન્સ ઓફ હ્યુસ્ટને તારીખ નવમી ઓક્ટોબરે પોતાના ગરબા રાખ્યા હતા જેમા લગભગ ૨૬૦ સિનિયરોએ સક્રિય ભાગ લીધો હતો.વીરબાળાબેન શાહ અને અન્ય ચાર સભ્યોએ લ્હાણી પણ કરી હતી. ગાયક કલાકારોમા શ્રીમતી સુશીલાબેન પટેલ,તારાબેન પટેલ,હંસાબેન પરીખ હતા તો ઈન્સ્ટ્રુમેન્ટ્સ પર તેમને સાથ આપ્યો હતો શ્રી. દિવ્યકાત પરીખ,નવીન બેન્કર,આશિષ વોરા,રમેશ મોદી,સુધીર મથુરીયા અને હેમન્ત ભાવસારે.

ગાયક કલાકાર સુશીલાબેન પટેલ તરફથી સભ્યોને સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ કરાવવામા આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેસિડેન્ટ શ્રી. પ્રફુલ્લભાઇ ગાંધી,તેમના કમિટિ મેમ્બરો અને ટ્રસ્ટીઓએ  ઘણી જહેમત ઉઠાવી હતી.

 

ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના ગરબાના કાર્યક્રમને સફળ બનાવવા માટે તેના પ્રેસિડેટ શ્રી.પ્રકાશ દેસાઈ,વાઈસ પ્રેસિડેન્ટ શ્રીમતી નિશાબેન મિરાણી,ટ્રેઝરર શ્રી. અજીત પટેલ, કમિટી મેમ્બરો શ્રીમતી યોગીનાબેન પટેલ,શ્રીમતી સપનાબેન શાહ,શ્રીમતી મયુરિબેન સુરતી વગેરેએ ઘણી જહેમત ઉઠાવી હતી.  

એકંદરે, હ્યુસ્ટનમાં  નવરાત્રિ મહોત્સવ વિવિધ સંસ્થાઓ દ્વારા દબદબાપુર્વક ઉજવવામાં આવ્યો.  

અસ્તુ. 

 

અહેવાલ લેખક –  શ્રી. નવીન બેન્કર

જો બીત ગઈ,સો બીત ગઈ(બચ્ચન)

October 29th, 2010 Posted in સંકલન્

જો બીત ગઈ, સો  બીત ગઈ

અંબરમેં ઈતને તારે હૈ,

કુછ ડૂબે, કુછ ટૂટે,

કૌન ઊસકા શોક મનાતા હૈ ?

જો બીત ગઈ,સો બીત ગઈ.

       (પ્રસિદ્ધ કવિ શ્રી.હરિવંશરાય બચ્ચનની મધુશાલામાંથી સાભાર)

ઝી ટીવીના આજ તક પ્રોગ્રામમા સીધી બાત કાર્યક્રમમાં અમિતાભ બચ્ચને સંભળાવેલી પંક્તિઓ-

તારીખ ૨૩ ઓક્ટોબર ૨૦૧૦-રવિવાર

સ્વ.હેમલતા ભટ્ટ ( પંડ્યા ) ને શ્રદ્ધાંજલી

September 22nd, 2010 Posted in અનુભૂતિ

સ્વ.હેમલતા ભટ્ટ ( પંડ્યા ) ને શ્રદ્ધાંજલી

 

હ્યુસ્ટન શહેરમાં મેં ઘણા બધાની અવસાન-નોંધો, શ્રદ્ધાંજલીઓ લખી છે અને વર્તમાનપત્રોમાં છપાવી પણ છે.પણ આજે જેની શ્રદ્ધાંજલી લખવી છે તેને તો હું પચાસ વર્ષ પહેલા ઓળખતો હતો અને છેલ્લા પચાસ વર્ષોમાં જેને જોઈ પણ નથી,ફોન પર પણ વાત કરી નથી કે કોઈ પત્રવ્યવહાર સુદ્ધાં થયો નથી.અને…છતાં..આ લાંબા ગાળા દરમ્યાન પણ પ્રસંગોપાત તેના સમાચારો મને હરહંમેશ મળતા રહ્યા જ છે.  આજે ૭૦ વર્ષની વયે હું મારી સમવયસ્ક કહી શકાય તેવી એક ભુતપૂર્વ દોસ્તના સંસ્મરણો વાગોળવા બેઠો છું જે ચાર દિવસ પહેલા જ અવસાન પામી ચુકી છે-પાછળ ચાર પરિણીત પુત્રીઓ અને એક પરિણીત પુત્રને છોડીને.

ચારેક માસ પહેલા એક કોમન મિત્રનો ફોન આવ્યો હતો કે હેમલતા સખ્ત બિમાર છે. તેને આંતરડા પર ચાંદા પડી ગયા છે અને સ્થુળ ભોજન લઈ શકતી નથી. શરીર ક્રુશકાય, જિર્ણ થઈ ગયું છે અને બાથરૂમ જવા પણ સહારો લેવો પડે છે.શરીરમા લોહી રહ્યું જ નથી અને તેનુ રૂપ વિલાઈ ચૂક્યું છે. જિવવાની શક્યતાઓ ઘટતી જાય છે. ગયે વર્ષે તેનો પતિ પણ ગુજરી ગયો.દિકરો અને વહૂ ચાકરી કરે છે. 

જેને પાંચ દાયકાઓથી જોઈ પણ નથી એના આવા દુખદ સમાચાર જાણીને મન પચાસ વર્ષ પહેલાની દૂનીયામાં ગોથા ખાવા લાગ્યું.મારી નજર સમક્ષ ભુતકાળના દ્રષ્યો ચિત્રપટની જેમ ફેરફૂદડી ફરી રહ્યા.મનનું આકાશ ભૂતકાળના બનાવોથી ઘટાટોપ ઘેરાઈ રહ્યું.મન એ ઘૂમરીઓમાં તણાવા લાગ્યું. ભૂતકાળને ઉડો ઉલેચીને હું ઊડો ઉતરવા લાગ્યો છું.

 ૧૯૬૧નું એ વર્ષ….ત્યારે એ વ્રુદ્ધા ન હતી.૧૮-૨૦ વર્ષની ઉંમરની એની યુવાનીનો સમય હતો.પાતળી સપ્રમાણ દેહલતા…ગૌર ત્વચા..નવી ઢબે હોળેલા અંબોડામાં સદાય રહેતું સફેદ મોગરાનું ફૂલ..ચપળતા દર્શાવતી મોટી, મોટી  આંખો…મરક મરક થતા હોઠ..પાતળી લાંબી ગ્રીવા..અને.. આકર્ષક ચાલ…અઢાર વીસ વર્ષની ઊમ્મર જીવનનો એવો તબક્કો હોય છે જ્યારે માણસને પતંગિયા પકડવાનું મન થાય છે.કુમળા ચળકતા ફૂલો અને લીલા પાંદડા તોડવાની ઇચ્છા થાય છે..પક્ષીઓની પેઠે ગીતો ગાવાનો ઉમળકો થઈ આવે છે.ઝરમર ઝરમર વરસાદમાં  ભિંજાવાનું દિલ થવા લાગે છે.

હેમલતા પણ એવી જ એક ભોળી, નિર્દોષ, કુમળી કળી હતી ત્યારે….સ્વભાવે સાલસ..સભાન.અને સતર્ક…

કેટલાક  એને મીનાકુમારી કહેતા. મને એ મીનાકુમારી કરતાં કાનન કૌશલ વધુ લાગતી. પણ એને બધા મીનાકુમારી કહે એ વધારે ગમતું. શ્રીગોડ પવાળીયા જ્ઞાતીમા એમના જ ઘરમાં ભગવાને રૂપની લ્હાણ કરી હતી. એના મોટાભાઈ રાજકપૂરની કોપી હતા. ૧૯૬૨મા, અમદાવાદના ક્રિશ્ના સિનેમામા ફિલ્મ નજરાનારિલિઝ થઈ હતી એના ટાઇટલ પર મુકેલો રાજકપૂરનો ફોટો બીલકુલ બિપિનભાઇ ને મળતો હતો.  અમદાવાદના  રીગલ સિનેમામાં રિલિઝ થયેલીક્રિશ્ન-લીલાનામની હીન્દી ફિલ્મમાં આ બિપિન ભટ્ટે શેષનાગ પર લક્ષમીજી સાથે બીરાજેલા વિશ્નુ ભગવાનનો રોલ કરેલો એવું સ્મરણમાં છે. એ જ અરસામાં ટાઉનહોલમાં ભજવાયેલ નાટક ‘ દીયરવટુ માં બિપિનભાઈ અને હેમલતાએ ભૂમિકા ભજવેલી અને તેમાં હેમલતાના કંઠે હાસો મારો રામ રે શબ્દાંકન વાળા ગીતને રજૂ કરવામાં આવેલું ૧૯ ફેબ્રુઆરી ૧૯૬૧ ના દિવસે ટાઊનહોલમાં જ કરો કંકુનાનાટક જોવા પણ અમે પાસ લઈને ગયા હતા એવું સ્મરણ છે.

એ જમાનામા એચ.કે. આર્ટ્સ કોલેજ નું નામ રામાનંદ કોલેજહતું. ત્યાં એસ.એસ. સી. પરીક્ષા માટે હેમલતાનો સીટ નંબર આવેલો અને તે ફીની રિસિપ્ટ ભૂલી ગયેલી. હું રામાનંદથી સાઈકલ પર ઢાલગરવાડમાં આવેલી તેની ગર્લ્સ સ્કૂલમાં જઈને આઇ,શાહ સાહેબ પાસેથી ડુપ્લિકેટ રિસિપ્ટ લઈને રામાનંદ કોલેજ પર જઈને આપી આવેલો.એ દિવસે તારીખ હતી ૨૭ માર્ચ ૧૯૬૧.એની શાળાએ એ વર્ષે ગુજરાત-તારુ ગૌરવનામે એક મહોત્સવ યોજેલો તેમા હેમલતાએ જસમા ઓડણની ભૂમિકા ભજવેલી અને તેમાં મા પડ મારા વીર, તુને ચોસઠ કોણ ચડાવશે શબ્દોવાળુ ગીત પણ ગાયેલું એ મને હજી પણ યાદ છે.

જેઠાભાઈની પોળમા આવેલા એક બાળમંદીરમા તે શિક્ષિકા તરીકે નોકરી કરે અને બપોરે છૂટીને અમારા સાંકડીશેરી વાળા ઘેર આવે, મારી દાદીમા સાથે અલકમલકની વાતો કરે.મારા દાદીમાને તે ખૂબ વહાલી લાગે. કોઇને પણ વહાલી લાગે એવી હતી હેમલતા.મીઠુ મીઠુ હસે..મીઠુ મીઠુ બોલે અને આંખડી તો જાણે અમીભરી…અમારુ ત્રણ-ચાર જણનું એક ગ્રુપ થઈગયેલું.ક્યારેક ક્યારેક અમે કોઈ સારી ફિલ્મ જોવા પણ જતા.અમારી આર્થિક સ્થિતી સારી નહીં તેથી હું તો પાંચ આના કે દસ આના વાળી ટિકિટમા જ ફિલ્મ જોતો પણ મારી જિંદગીમા પ્રથમ વખત મેં એક રૂપિયા પાંચ આનાની ટિકિટમા લાઈટ હાઊસમા હમ હિન્દુસ્તાની જોયેલી. હું , મારી નાની બહેન કોકિલા અને હેમલતા એ જોવા ગયેલા.સંજીવકુમાર એ ફિલ્મમા એક પોલિસ ઇન્સપેક્ટરની સામાન્ય ભૂમિકા તેમાં કરતો હતો.હેમલતાએ ત્યારે કહેલું કેઆ કલાકાર એક દિવસ મોટા રોલ કરતો હિરો બની જશે‘. 

રિલિફ સિનેમામાં ભારત ભુષણ, પ્રદીપકુમાર, બીનારોય અને આશા પારેખની ભૂમિકાવાળી ફિલ્મ ઘૂંઘટપડેલી.તેમા એક કરૂણ સીન વખતે તે રડી પડેલી અને અમારે તે ફિલ્મ અર્ધેથી છોડીને નીકળી જવુ પડેલું.

મને યાદ છે કે અમારી સાથે જોયેલી છેલ્લી ફિલ્મ હતી- રેશમી રૂમાલ, જે સેંટ્રલ સિનેમામા સેકન્ડ રનમા પડેલી.એમા હિરો હતો ચંદ્રશેખર‘.એ ફિલ્મના ઘણાબધા કર્ણપ્રિય ગીતો જાણીતા છે. અમારા ગ્રુપના બધા જ ઘેરથી બહાના બતાવીને ફિલ્મ જોવા આવતા.કોઇપણ માબાપને પોતાનુ બાળક ખૂબ ફિલ્મો જૂએ એ નથી ગમતું હોતું.મને નાનપણથી ફિલ્મો જોવાનો ચસ્કો પડી ગયો છે.આજે પણ હું ઢગલાબંધ ફિલ્મો જોઊ છું.આજે મારી પત્નીને એ ટેવ નથી ગમતી એટલે મારે એની આગળ પણ ખોટુ બોલીને જ ફિલ્મ જોવા જઊ પડે છે.એ ફિલ્મો નથી જોતી,માત્ર સિરિયલો જ જુએ છે અને મંદીરોની ખાક છાનતી ફરે છે.

 સ્મરણોની માળા તો લાંબી ને લાંબી થતી જ જાય છે.

એક દિવસ હેમલતાના વિવાહ તેની જ જ્ઞાતીના ધનંજય પંડ્યા નામના યુવાન સાથે થયા.અને ૧૨મી ફેબ્રુઆરી ૧૯૬૩ ને દિવસે મધ્યમવર્ગ સોસાઈટીના ૧૦ નંબરના બંગલાના પ્રાંગણમા તેના લગ્ન થઈ ગયા.મેં  તે દિવસે લાલ રંગના પાનેતરમા તેને છેલ્લી વાર જોઈ હતી. 

સુડતાલીસ વર્ષ વીતી ગયા એ વાતને. 

મારા દાદીમા મને ઘણીવાર પુછતા-પેલી હેમલી કેમ નથી આવતી હવે ?’

‘…’

હું  નિરુત્તર રહી જતો. 

૧૯૭૯થી હું અમેરિકાના હ્યુસ્ટન શહેરમા રહું છું.મારા ય દામ્પત્ય-જીવનના ૪૭ વર્ષો વીતી ગયા છે. મારી પત્ની ભલી છે, પ્રેમાળ છે..અમે બન્ને એકબીજાને ખૂબ પ્રેમ કરીયે છીયે.બે વર્ષ પછી અમે અમારા પ્રસન્ન-દામ્પત્ય જીવનના ૫૦ વર્ષોની ઊજવણીનો પ્લાન કરી રહ્યા છીયે…જીવનસેતુ તળેથી કાળસરિતાનો કેટલોય પ્રવાહ વહી ગયો. આ સમય દરમ્યાન તેના સમાચારો તો મળતા જ રહ્યા. હેમલતા મલાડમાં મામાની વાડીમા રહે છે‘…’હેમલતા આજે ડિલિવરી કરવા અમદાવાદ આવી છે‘..’હેમલતાને દીકરી આવી‘..’બીજી દીકરી આવી..ચાર દીકરીઓ પછી દીકરો આવ્યો‘..’આજે તેની દીકરીના લગ્ન છે‘..’આજે દીકરાના લગ્ન છે‘..’આજે તેણે અમદાવાદમા ફ્લેટ લીધો‘..’તેનો દીકરો જુદો રહેવા ગયો‘…વગેરે..વગેરે… 

અને..એકાદ વર્ષ પહેલા સમાચાર મળ્યા-ધનંજય ઈઝ નો મોર‘. 

પાછા સમાચાર મળ્યા- શી ઈઝ એલોન…બ્રોકન…એન્ડ ..ડેઝર્ટેડ..(તેણી એકલી,ભાંગી પડેલી અને સૌથી તરછોડાયેલી છે ) એના પતીનો વિયોગ તે સહન નથી કરી શકતી. ચાર માસ પહેલા સમાચાર મળ્યા કે તેને આંતરડાનુ ચાંદુ છે..અને પથારીવશ છે. હેમલતાની ખૂબસુરત જવાની રોગ અને દુઃખની આગમા સળગીને રાખ થઈ ગઈ હતી.

 

ફૂલ જેવી કોમળ કાયા સૂકાઈને માત્ર હાડપિંજર જ રહ્યું હતું.ખૂબસુરત કળી મૂરઝાઈ ગઈ હતી.

 

છેલ્લે..ચાર દિવસથી ઉપરાછાપરી ઈ-મેઈલ આવ્યા કરે છે કે-હેમલતા ઈઝ નો મોર‘.

 

મેં હિન્દી ફિલ્મજગતની ઘણી ખૂબસુરત અભિનેત્રીઓના ઈન્ટરવ્યુ લીધા છે..નાટ્યજગતની હિરોઈનો સાથે પણ પનારો પડ્યો છે..અમેરિકાની ક્લબોમા પણ હુ ભટકી ચૂક્યો છુ.જિન્દગીના બધા સુંદર રંગો જોયા છે..૭૦ વર્ષની વય સુધી પહોંચી ગયો છુ. છ્તાં સાચુ કહુ છું કે હેમલતા જેવી સુંદર સ્ત્રી મેં કદી જોઈ નથી.મારે માટે તો તે આજે પણ દુનીયાની સૌથી ખૂબસુરત સ્ત્રી જ્ છે. અને.. એ ખૂબસુરત સ્ત્રી એક વખત મારી મિત્ર હતી- માત્ર મિત્ર જ. તે મને ગમતી હતી એટલુ જ.. અમે ક્યારે ય પ્રેમની વાતો કરી ન હતી કે પ્રેમના એકરાર કર્યા ન હતા…ચારિત્ર્યના શૈથિલ્યને પણ વશ થયા ન હતા. અરે ! સ્પર્શ સુદ્ધાં કર્યો ન હતો એ વાત કોઇ ના માને ! મારે માટે તે એક દેવાંશી સ્ત્રી હતી.

પરમક્રુપાળુ પરમાત્મા તેના આત્માને પરમ શાંતી આપે.

 હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ   લાગીયે,

શરણું મળે સાચું તમારું,એ હ્ર્દયથી  માગીયે,

જે જીવ આવ્યો આપ શરણે ચરણમા અપનાવજો,

પરમાત્મા એ આત્માને શાંતી સાચી આપજો.

 

રીફ્લેક્શન ઓફ કિશોરકુમાર- સંગીતસંધ્યા

September 8th, 2010 Posted in અહેવાલ

BHPENDRA(1).JPG BHPENDRA(1).JPG Bhupendra(2).JPGBhupendra(2).JPG

  • Bhupendra(3).JPGBhupendra(3).JPGBhupendra(5).JPGBhupendra(5).JPG
  • Bhupendra(7).JPGBhupendra(7).JPG
  •  

    સાહિલ ઈન્ટરનેશનલ ઈન્ક.અને સ્કાયવર્લ્ડ સેટેલાઈટના ઉપક્રમે રીફ્લેકશન્સ ઓફ કિશોરકુમારનામાભિધાન હેઠળ એક સંગીતસંધ્યાનો કાર્યક્રમ, ‘વોઇસ ઓફ કિશોરકુમારતરીકે ઓળખાતા ગાયક ભુપેન્દ્રસીંઘના સુમધુર કંઠે,મહાન ગાયક,સંગીતકાર કિશોરકુમારના ગાયેલા ગીતોના રસથાળનો કાર્યક્રમ તારીખ ચોથી સપ્ટેમ્બર ના રોજ હ્યુસ્ટનના જૂના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરના સભાગ્રુહમાં પાંચસો જેટલા સંગીતપ્રેમીઓની હાજરીમાં સંપન્ન થયો હતો. 

     

    શરુઆતમાં, શ્રીમતી સુનીતાસીંઘે કલાકારો અને શ્રોતાઓને આવકાર્યા હતા અને આજના ગાયકો ભુપેન્દ્રસિંઘ,ક્રિતિકા રામચંદાની તથા વાદ્યવ્રુંદના કલાકારોની ઓળખ આપી હતી.ભુપેન્દ્રસીંઘે કિશોરકુમારના કંઠે ગવાયેલા ગીતોમાંથી પસંદ કરેલા ઉત્તમ ગીતો પોતાના મોહક સ્વરમાં અને દિલકશ અદાઓમાં રજૂ કર્યા હતા. 

    પલ પલ દિલકે પાસ તુમ રહતી હો‘,’વો શામ કુછ અજીબ થી‘,હમેંતુમસે પ્યાર કિતના હમ નહીં જાનતે‘,જેવા મેલોડીયસ ગીતોથી શરૂ કરીને ‘ ‘મૈ યહાં ,તુમ વહાં‘,’જરા હોલે હોલે ચલો મોરે સાજના‘,’તેરે બીના જીંદગીસેજેવા યુગલ ગીતો પણ, ડલાસની ગાયિકા ક્રુતિકા રામચંદાની તથા હ્યુસ્ટનની એટર્ની ઉમા મંત્રાવાદી જેવી નિવડેલી ગાયિકાઓના સાથમાં રજૂ કરીને શ્રોતાઓને સંગીતના સૂરોમાં ઝબકોળી દીધા હતા. 

     

    મેરે સપનોંકી રાનીઅને પગ ઘુંઘરૂ બાંધ મીરાં નાચી રેતથા કજરા મહોબતવાલાજેવા ગીતો પર તો શ્રોતાઓને પણ ઈન્વોલ્વ કરીને  ઓડીયન્સને નાચતુ કરી મુક્યું હતું. 

    ઘણાં ગીતોમાં શીવાનંદ બાગડના ઘૂંઘરૂ અને અનિસ ચંદાનીના બંસરીવાદને એવો સમાં બાંધી દીધો હતો કે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈને ભાવવિભોર બની જતા હતા. 

     

    ભુપેન્દ્રસિંઘ, ક્રુતિકા રામચંદાની અને ઉમા મંત્રાવાદીને તબલા પર પુરણલાલ વ્યાસ અને દેવિસિંઘે,કોંગો પર શિવાનંદ બાગડે, ઢોલક પર મિસ્ટર સંપતે, ગિટાર પર વરુણસિંઘે અને કિબોર્ડ તથા બંસરીવાદનમાં શ્રી. અનીસ ચંદાનીએ સાથ આપ્યો હતો. 

     

    ગાયક અને વાદ્યવ્રુંદના કલાકારોએ પોતાની કળાનું ઉત્ક્રુશ્ટ પ્રદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 

     

    હ્યુસ્ટન સિનિયર્સ સિટિઝન્સ એસોસિયેશનના સિનિયર્સને આ કાર્યક્રમમાં ખાસ ૩૩ ટકા ડિસ્કાઉંટ આપવામાં આવ્યું હતું. 

     

    કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી. આશિષ વ્યાસ,શ્રીમતી મનીષા વ્યાસ, શ્રી. પરેશ ભટ્ટ, શ્રીમતી નીના ભટ્ટ,ઓસ્ટીનના શ્રી. મીતેષ પટેલ, હ્યુસ્ટનના ખ્યાતનામ ડેન્ટિસ્ટ શ્રીમતી પૂર્વીબેન પરીખ, અને રેણુ સિંઘલનો મોટો ફાળો રહ્યો હતો. 

     

    એક ખૂબસુરત શામ-કિશોરદા કે નામ !

     

    અહેવાલ-આદિલ-દિલસે

    June 14th, 2010 Posted in અહેવાલ

     

    આદિલ મન્સૂરીની ગઝલો સંગીત સાથે-  આદિલ  દિલસે     
                                          
               હ્યુસ્ટન સાહિત્ય સરિતાના ઉપક્રમે તારિખ ચોથી જુન ને શુક્રવારની સાંજે યુવાન કવિ, નાટ્યકાર,ગઝલગાયક શ્રી.મનોજ મહેતા અને કલ્પનાબેન મહેતાના નિવાસસ્થાને સ્વ.આદિલ મન્સૂરીની ગઝલોને સંગીત સ્વરૂપે ગાઇને રજૂ કરવાનો એક સુંદર કાર્યક્રમ યોજાઇ ગયો.
    એ  સૂરિલી સાંજ હતી ગઝલના અભિસારની.
    એ  સૂરિલી સાંજ હતી હૈયે પ્રેમ-માર્દવના આવિષ્કારની.
    એ  સૂરિલી સાંજ હતી વસંતની વેણીએ બંધાયેલા ફૂલની મીઠી વ્યગ્રતાની.
    એ  સૂરિલી સાંજ હતી સ્વ.આદીલ મન્સૂરીની શામે-ગઝલની.
    કાર્યક્રમના માસ્ટર ઓફ સેરિમની-ઉદઘોષક હતા-ભારતિય સંસ્ક્રુતિના એમ્બેસેડર તરીકે ઓળખાતા હ્યુસ્ટનની ઉપાસના ન્રુત્ય એકેડેમીના પ્રણેતા અને નાટ્યકાર શ્રીમતિ ઉમાબેન નગરશેઠ.
    કાર્યક્રમની શરૂઆતમાં તેમણે આવકાર અને સ્વાગતના બે શબ્દો કહીને હ્યુટનના પીઢ કવિશ્રી.સુમન અજમેરીને આદિલભાઇ વિષે બે શબ્દો કહેવાની વિનંતિ કરી.
    શ્રી.સુમન અજમેરી કે જેમણે આદિલ મન્સુરી વિષે ૪૫૦ પાનાનું પુસ્તક લખ્યું છે તેમણે આદિલના શરુઆતના જિવન-સંઘર્ષની વાતો જણાવતાં,તેમના ઉમાશંકર જોશી,સ્નેહરશ્મિ,અને યશવંત શુક્લ સાથેના પ્રસંગો, ‘ રે મઠ ‘ની સ્થાપનાની વાતો,શ્રી.ચિનુ મોદી, મનહર મોદી સાથેની તેમની પ્રથમ મુલાકાતની વાતો, અમદાવાદની રીલીફ સિનેમા પાસેની ઇમ્પિરીયલ હોટેલમાં થતી
    ગુફ્તેગો, કાવ્ય-દિલ્લગી વગેરે જુના સંસ્મરણો વાગોળ્યા હતા.
    તે પછી, સાહિત્ય-સરિતાના મોભી એવા વિજય શાહે બિસ્મિલ મન્સૂરિનો ઓડિયો-મેસેજ રજુ કર્યો હતો જેમાંનું એક કાવ્ય ‘ ને…આંખ જોતી રહી ગૈ ‘ ની એક એક પંક્તિ પર શ્રોતાઓની આંખો ભીની થઇ જતી હતી.
    સ્ટેજ પરના બધા જ ગાયકોના કંઠે રજૂ થયેલ શૌર્યગીત ‘ વિશ્વને રોશન કરી ગઇ દિપીકા ગુજરતની ‘માં મનોજ મહેતા, કલ્પના મહેતા, ઉદયન શાહ,સંજય શાહ, અમિત પાઠક તથા ઉમાબેન નગરશેઠે સ્વર આપ્યો હતો.
    ગીત-ગઝલના દૌરમાં શ્રીમતિ કલપનાબેન મહેતાના સૂરિલા કંઠે રજૂ થયેલ રચનાઓમાં ‘અગ્નિ સૌ બાળવા મથે છે મને’,  સ્પર્ષ થઈ મહોરી ઉઠે કી-બોર્ડ પર’,  હ્ર્દયના માર્ગ બધાં સાંકડા વધારે છે ‘,  ઉલ્લેખનિય રહી. તો મુખ્ય ગાયક શ્રી. મનોજ મહેતાના સ્વરમાં રજૂ થયેલ
    ‘ મને ના શોધશો,હું ક્યાંય નથી’, ‘ આને મ્રુત્યુનું નામ ના આપો,મૂજથી છૂટું પડી રહ્યું છે કોઇ’,  ‘ રહે છે કોણ આ દર્પણના આયના નીચે, હું રોજ જોઊં તો પણ ઓળખાય નહીં’, અને છેલ્લે રજૂ થયેલ ‘ નદીની રેતમાં રમતું નગર ‘જેવી રચનાઓએ શ્રોતાઓને ભાવ-સમાધીની અનૂભુતિ કરાવી દીધી હતી.
    હ્યુટનના વોઇસ ઓફ મુકેશ તરિકે ઓળખાતા શ્રી. ઉદયન શાહે રજૂ કરેલ ગઝલો ‘ કદી મોલ થઈને સરી ગયા,કદી સઢ થઈને તરી ગયા’,  કોઇના નામનું રટણ થાયે,જ્યાં સુધી શ્વાસની ધમણ ચાલે’, ‘ જિન્દગી ભર રહે તે ખૂમારી આપો, ઘાવ આપો તો જરા જોઈ વિચારીને આપો’, ‘ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,ત્યારે જગમાં ગઝલની શરૂઆત થઈ હશે’,જેવી રચનઓએ સાહિત્ય-રસિક ગઝલપ્રેમીઓને ડોલાવી દીધા હતા.
    હ્યુસ્ટન નાટ્યકલા વ્રુંદના પ્રેસિડેન્ટ શ્રી. અશોક પટેલે આદિલભાઈને એક ચિત્રકાર, નાટ્યકાર તરિકે મુલવીને કાર્યક્રમનું  સમાપન કર્યું હતું.
    શ્રી. અમિત પાઠક અને શ્રી.સંજય શાહે માઈક વ્યવસ્થા સંભાળી હતી.
    શબ્દ અને સંગીતની આ શામે-ગઝલની મહેફિલમાં, સંસ્કાર નગરી હ્યુસ્ટનના કલા અને સંસ્કારપ્રેમી સુજ્ઞ જ્ઞાતા શ્રોતાઓએ  કાર્યક્રમમાં રજૂ થયેલ એક એક રચના પર શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી જોરદાર પ્રતિસાદ આપ્યો હતો.
    એક રચના પૂરી થયા બાદ અને બીજી રચના શરૂ થતાં પહેલાં શ્રીમતિ ઉમાબેન નગરશેઠ જે ખૂબીથી વિવિધ પંક્તિઓ રજૂ કરીને ઉદબોધન કરતાં હતા તે શ્રી. અંકિત ત્રિવેદી અને શ્રી.તુષાર શુક્લાની યાદ આપી જતા હતા.
    અંતે, યજમાન-દંપતી શ્રી.મનોજ મહેતા અને શ્રીમતિ કલ્પનાબેન મહેતાએ ખિચડી-શાક,વઘારેલી છાશ,તળેલા સારેવડા,અને ચટકેદાર અથાણાની મોજ કરાવીને સૌને વિદાય આપી હતી.
    ******************************************************************
     

    સ્વર્ણિમ ગુજરાત

    May 18th, 2010 Posted in અહેવાલ

    હ્યુસ્ટનમાં સ્વર્ણિમ ગુજરાતની શાનદાર ઉજવણી

                             અહેવાલ – નવીન બેન્કર

     

    ગુજરાત રાજયની સ્થાપનાનો સુવર્ણ જયન્તી મહોત્સવ દુનિયાભરમાં વસતા વતનપ્રેમી ગુજરાતીઓ ઉત્સાહ અને આનંદથી ઉજવી રહ્યા હોય ત્યારે હ્યુસ્ટનના ગુજરાતીઓ તેમાંથી કેમ બાકાત રહે ?

    ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના નેજા હેઠળ અને બીજેપી ઓફ હ્યુસ્ટનના સહકારથી તેમજ ભક્તા સમાજ,પાટીદાર સમાજ,જૈન સમાજ,સનાતન હિન્દુ સેન્ટર, સ્વામિનારાયણ મંદીર,વલ્લભ પ્રીતિ સેવા સમાજ ( પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ હવેલી ),સિનિયર સિટિઝન્સ એસોસિયેશન, સાહિત્ય સરીતા ઓફ હ્યુસ્ટન, નુપુર ડાન્સ સ્કુલ, ઉપાસના ડાન્સ સ્કુલ વિગેરે સંસ્થાઓના સહયોગથી સ્વર્ણિમ ગુજરાતની શાનદાર ઉજવણી, અત્રેના ઇમેન્યુઅલ હોલ ખાતે શનિવાર તારીખ પંદરમી મે ના રોજ બપોરના બે થી શરૂ કરીને રાત્રીના દસ વાગ્યા સુધી કરવામાં આવી હતી.

    બપોરે બે વાગ્યાથી વાનગી હરિફાઇ, રંગોળી સ્પર્ધા, મહાગુજરાતની ચળવળની યાદોને દર્શાવતી તસ્વીરોનું પ્રદર્શન જેવી પ્રવ્રુત્તીઓથી શરૂઆત થઇ હતી.વાનગી સ્પર્ધામાં ડોક્ટર કોકિલાબેન પરીખને પારિતોષીક એનાયત થયું હતું. રંગોળી સ્પર્ધામાં પ્રવીણાબેનનો નંબર લાગ્યો હતો.સ્પર્ધાના નિર્ણાયકો તરીકે રોહિણીબેન પટેલ, સોહિણીબેન દેસાઇ તથા સુશીલાબેન પટેલે સેવાઓ આપી હતી.

    સાંજે પાંચ વાગ્યે મનોજ મહેતા, કલ્પના મહેતા, ઉમાબેન નગરશેઠ, અજીત પટેલ તથા સંજય શાહે સમુહ પ્રાર્થના ગાન કરીને સાંસ્ક્રુતિક  કાર્યક્રમની શરુઆત કરી હતી.

    ભાજપના સૂરત ખાતેના કોષાધ્યક્ષ શ્રી. રમણલાલ જાનીએ મુખ્ય અતિથિ વિશેષ તરીકે સ્થાન  ગ્રહણ કર્યા બાદ ભક્તા સમાજની બહેનોએ ગણપતી-વંદના લોકન્રુત્ય ઉપરાંત રાસ ગરબાની  રમઝટ બોલાવી દીધી હતી. તો પાટીદાર સમાજની બહેનોએ પણ ગરબા,રાસ, ઉપરાંત ઉમેશ પટેલ અભિનીત એક એકોક્તિ સોલો સ્કીટ રજૂ કરી હતી જેને પ્રેક્ષક સમુદાયે તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. નુપૂર ડાન્સ સ્કૂલ અને ઉપાસના સ્કૂલની બહેનોએ પણ અનુક્રમે દિવડા ન્રુત્ય અને ટિપ્પણી  ડાન્સ રજૂ કર્યા હતા.જૈન સમાજની બે બહેનોએ રજૂ કરેલ ‘અચકો મચકો કારેલી’ ડાન્સ પણ સરસ રહ્યો.

    સનાતન હિન્દુ સેન્ટરે રજુ કરેલ ‘આપણા મલકની વાતો’ નાટકમાં સત્તરેક પાત્રો દ્વારા ગુજરાતના સર્વાંગી વિકાસની અને શ્રી. નરેન્દ્ર મોદીની યશગાથાઓને સંવાદો સ્વરૂપે બિરદાવવામાં આવી હતી. શ્રી.પરિમલ જોશીના મુખે મૂકાયેલા એકએક સંવાદ પર પ્રેક્ષકો આફ્રિન પોકારી ઉઠયા હતા.

    સાઇઠ વર્ષથી વધુ વયની સિનિયર સિટિઝન્સ બહેનોએ રજુ કરેલ બેડા ગરબો જોઇને કોઇ કહી ના શકે કે આ બહેનો ખરેખર સિનિયર છે ! એ લચક..એ હલક.. એ વાંકા વળવું..ઝૂમવું..રીયલી,,અમેરિકામાં સાઇઠ સિત્તેરે પણ યુવાની રહે છે !

    સ્વામિનારાયણ મંદિર (  બાપ્સ ) ના હરિભક્તો દ્વારા રજૂ કરાયેલ , કવિ બ્રહ્માનંદ સ્વામી રચિત રાજ મને લાગ્યો કસુંબીનો રંગ શૌર્ય ગીતે પ્રેક્ષકોને જુસ્સામાં લાવી દીધા હતા.

    વલ્લભ પ્રીતિ સેવા સમાજની બેનોનો ગરબો પણ પ્રેક્ષ્ણીય રહ્યો. કેરીઓકી કે તબલાંના સાથ વગર શ્રી જયંતિ પટેલે ગાયેલ સદાબહાર ગીત તારી આંખનો અફીણી પણ સારી એવી દાદ મેળવી શક્યું હતું.

    સ્વરમલ્લિકા ગ્રુપવાળા શ્રી હેમન્ત દવે,શ્રીમતિ દિપ્તી દવે અને તેમના પુત્ર શ્રી ઓમકાર દવે દ્વારા બુલંદ સ્વરે ગવાયેલ જય જય ગરવી ગુજરાતને શ્રોતાઓએ મન ભરીને માણ્યું હતું.બાય ધ વે, શ્રી હેમંત અને દીપ્તિ દવેની સુપૂત્રી મૌલી દવે ( સારેગમપ ) ને તાજેતરમાં ગાંધીનગર ખાતે ઉજવાયેલ સ્વર્ણિમ ગુજરાત્ની ઉજવણી પ્રસંગે એવોર્ડ એનાયત થયો છે.

    હવે વાત આવે છે સમગ્ર કાર્યક્રમના શિરમોર સમી બે રજૂઆતોની..

    ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના જ સર્જકો દ્વારા લિખિત,દિગ્દર્શિત, અભિનિત નાટક એક અનોખી મહેફિલ એટલી સુંદર રીતે ભજવાયું કે એના એક એક સંવાદો પર પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટ કરી મૂક્યાં હતાં. અને નાટકના અંતે તો ૧૧૦૦થી પણ વધુ પ્રેક્ષકોએ ઉભા થઇને  સ્ટેન્ડીંગ ઓવેશન દ્વારા ક્યાંય સુધી તાળીઓથી વધાવ્યા જ કર્યું હતું.

    જવનિકા ઉઘડતા પહેલાં પાર્શ્વમાં ગુજરાતની ગરિમાનુ ગાન કરતી બે પંક્તિઓ વાગે છે.

    ધીમે ધીમે જવનિકા ( પડદો ) ખુલે છે અને દ્રષ્ટિગોચર થાય છે—કાળા રંગના પૂતળાં…મોરારજી દેસાઇ, ઝવેરચંદ મેઘાણી,કસ્તૂરબા ગાંધી.,મહાત્મા ગાંધી,લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ, સ્પેઇસ સેન્ટરના પ્રણેતા શ્રી વિક્રમ સારાભાઇ, તથા વીર કવિ નર્મદ.

    પ્રદર્શનનો ચોકીદાર પૂતળા પર લાગેલી ધૂળ સાફ કરવાનું લુછણિયું લઇને ખાખી ડ્રેસમાં સ્વગતોક્તિ કરતો સ્ટેજ પર દાખલ થાય છે અને સરદાર, ગાંધી અને મોરારજીભાઇની હળવી મજાક કરતો આગળ વધે છે ત્યાં પૂતળાઓમાં જાન ફૂંકાય છે અને પૂતળાઓ મહેફિલ ભરે છે..

    મહાગુજરાતને લગતી  યશસ્વી વાતોને વણી લેતાં સંવાદો અને નર્મદની કવિતાઓ,ઝવેરચંદ મેઘાણીના શૌર્ય ગીતો, આજના સંદર્ભમાં બાપૂની હૈયાવરાળ એ બધું એટલી તાદ્રશ રીતે આ હ્યુસ્ટનના સર્જકોએ રજૂ કર્યું હતુ કે ન પૂછો વાત !

    સુરતની ઘારી…સુરતની વાણી…મોડર્ન થઇ ગયેલા ગુજરાતીઓ..અંગ્રેજી બોલતા કસ્તુરબા..પૂતળાઓ ઉપર ચરકતા કબૂતરોની વાત..ખાદી પહેરીને દેશને ખરાબ કરી મૂકનાર વર્તમાનકાળના નેતાઓ પરના કટાક્ષ..ખાંડ,સ્પ્લેન્ડા અને મગફળીના તેલના ઉલ્લેખો..મોરારજી દેસાઇનું સ્પેશ્યલ પીણું..,લાલુ યાદવનો ઘાસચારો,મલ્લિકા શેરાવતનો ઉલ્લેખ..આતી ક્યા ખંડાલા..સાયગલનું ગીત…નાકમાંથી ગાતો હિમેશ રેશમિયા અને અંતમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ અને બાપૂના ગુજરાતી ભાઇબેનોને અપાયેલ દર્દભર્યા સંદેશ્નાના એક એક ઉલ્લેખો પર,એક એક સંવાદ પર પ્રેક્ષકો ઝૂમી ઉઠ્યા હતા.

     

    આ અહેવાલ લખનારે, સિત્તેર વર્ષની ઉંમરમાં, કંઇ કેટલાયે નાટકો જોયા છે, સો થી પણ વધુ નાટકોના અવલોકનો લખ્યા છે પણ આટલું સર્વાંગ સુંદર નાટક ક્યારેય જોયું નથી.

     

    મહાત્મા ગાંધીની ભૂમિકામાં શ્રી મુકુન્દ ગાંધી,સરદારની ભૂમિકામાં શ્રી રસેશ દલાલ,વિક્રમ સારાભાઇ તરીકે શ્રી વિજય  શાહ, ઝવેરચન્દ મેઘાણી તરીકે શ્રી વિશ્વદીપ બારડ,મોરારજી દેસાઇ તરીકે શ્રી સુરેશ બક્ષી,વીર કવિ નર્મદના પાત્રમાં શ્રી કીરિટ મોદી,.કસ્તૂરબાના પાત્રમાં શ્રીમતિ દેવિકા ધ્રુવ તથા ચોકીદારની અવિસ્મરણિય ભૂમિકા ભજવનાર કલાકાર શ્રી ફતેહ અલી ચતુર કે જેઓ આ નાટકના લેખક પણ છે તે સુપર્બ રહ્યા.હ્યુસ્ટન નાટ્ય કલાવ્રુંદના પ્રેસીડેન્ટ શ્રી અશોક પટેલે આ ઉત્ક્રુષ્ટ નાટકનું દિગ્દર્શન સંભાળ્યું હતું.

    નાટકની સફળતાનું શ્રેય મેક અપ આર્ટીસ્ટ શ્રીમતિ સુજ્ઞાબેન ગોહેલને ફાળે પણ જાય છે.

     

    એવો જ બીજો કાર્યક્રમ હતો સાહિત્ય સરિતાની બેનોનો દીવડા ગરબો .હ્યુસ્ટનની કવયિત્રી દેવિકા ધ્રુવ રચિત આ દીવડા ગરબાના શબ્દો હતા દીવડા તે લાવી દેશથી, એમાં દીવા પ્રગટાવ્યા આજ રે..સુવર્ણ ગુજરાત કેરા.છેલ્લી આઇટમ હતી ડો. કોકિલાબેન પરીખની. તેમણે ગુજરાતની તળપદી ગ્રામ્ય બોલીમાં સમગ્ર કાર્યક્રમની સફળતાને,તેના વોલન્ટીયર્સને અભિનંદન આપીને,ગુજરાતી સમાજની પ્રવૃત્તિઓ માટે ફાળો આપવાની વિનંતિ કરી હતી.

    શ્રીમતિ નિશાબેન મીરાણીએ કાર્યક્રમની સમાપ્તિમાં આભારવિધિ કરી હતી,

     

    ગુજરાતી સમાજ,હ્યુસ્ટનની તવારીખમાં આટલો સુંદર અને આટલો સફળ કાર્યક્રમ થયાનું યાદ આવતું નથી.સમાજના પ્રેસીડેન્ટ શ્રી પ્રકાશ દેસાઇ,વાઇસ પ્રેસીડેન્ટ શ્રી અજીત પટેલ,નિશાબેન મીરાણી,યોગીનાબેન પટેલ,સુરેશ પટેલ (દરબાર),સપના શાહ,સંજય શાહ,હિમાંશુ પટેલ, રાજુ પટેલ, બોબી ( ભરત ) પટેલ,ધવલ પટેલ, લેઉઆ પાટીદાર સમાજના તથા ડિવાઇન ટ્રસ્ટના વોલન્ટીયર યુવકો,કોહિનૂર ફૂડવાળા શ્રી અંબરભાઇ તથા હાઉસ ઓફ સ્પાઇસ વાળા શ્રી શ્રીધરભાઇ,ગુજરાતી સમાજના ભૂતપૂર્વ પ્રમુખ તથા ટ્રસ્ટી એવા સેવાભાવી શ્રી રમેશભાઇ શાહ વગેરેએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં તનતોડ મહેનત કરી હતી.કોહિનૂર ફૂડ તરફ્થી સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભાજીનુ શાક અને ભાત તથા ગરવી ગુજરાતના ખમણ ઢોકળાંની ડીશો ફ્રીમાં આપવામાં આવતી હતી.સાથે પીણાં અને બરફના ગોળા પણ.

    અંતમાં લગભગ ૧૨૦૦ જેટલાં પ્રેક્ષકો વગેરેને બોચાસણવાસી સ્વામિનારાયણ સંસ્થા તરફથી રોટલી અને બૂંદી તથા નીતા રેસ્ટોરન્ટના ખીચડી શાક અને  છાશ પીરસવામાં આવ્યાં હતાં.

    હ્યુસ્ટનના કોન્સુલ જનરલે પણ પોતાના સ્ટાફ સહિત ખાસ હાજરી આપી હતી અને શરુઆતથી અંત સુધી હાજર રહ્યાં હતાં તથા નાટકની સમાપ્તિ વખતે સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું હતુ.

    હ્યુસ્ટનની દરેકે દરેક ભારતિય સંસ્થા,મંદિરોના અધ્યક્ષો તથા ગુજરાતી સમાજના ભૂતપૂર્વ અને વર્તમાન ટ્રસ્ટીઓ,પ્રેસીડેન્ટો વગેરે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં અને ગુજરાતના ચીફ મીનીસ્ટર શ્રી નરેન્દ્ર મોદીના પ્રગતિશીલ કાર્યોને બિરદાવ્યા હતાં.

     

    એક સર્વાંગ સુંદર, સફળ કાર્યક્રમ…….

     

    અસ્તુ………..

     

    નવીન  બેન્કર,

     (હ્યુસ્ટન )

     

     

    ક્ષણિક-પ્રફુલ્લ દવે

    May 16th, 2010 Posted in સંકલન્

    પડછાયાના  જેવું છળ છે,
    જીવન તો આ પળ બે પળ છે.

    યુગોથી સંબંધ રુદીયાનો,
    મળવાનું પણ પળ બે પળ છે.

    ઉપર લાગે સ્થિર પ્રવાહો,
    અંદર તો આ ખળ ખળ ખળ છે.

    કાચના ઘરમાં જીવીયે છીએ,
    હાથમાં પત્થર, મન ચંચળ છે.

    ડૂબી જવાનું છે નિયતિમાં,
    આજુબાજુ ઝાંઝવાજળ  છે.

    Archives

    Recent Posts

    Categories

    Recent Comments

    Meta

    Recent Comments

    Type in

    Following is a quick typing help. View Detailed Help

    Typing help

    Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

    Settings reset
    All settings are saved automatically.