અહેવાલ-આદિલ-દિલસે
આદિલ મન્સૂરીની ગઝલો સંગીત સાથે- આદિલ દિલસે
હ્યુસ્ટન સાહિત્ય સરિતાના ઉપક્રમે તારિખ ચોથી જુન ને શુક્રવારની સાંજે યુવાન કવિ, નાટ્યકાર,ગઝલગાયક શ્રી.મનોજ મહેતા અને કલ્પનાબેન મહેતાના નિવાસસ્થાને સ્વ.આદિલ મન્સૂરીની ગઝલોને સંગીત સ્વરૂપે ગાઇને રજૂ કરવાનો એક સુંદર કાર્યક્રમ યોજાઇ ગયો.
એ સૂરિલી સાંજ હતી ગઝલના અભિસારની.
એ સૂરિલી સાંજ હતી હૈયે પ્રેમ-માર્દવના આવિષ્કારની. એ સૂરિલી સાંજ હતી વસંતની વેણીએ બંધાયેલા ફૂલની મીઠી વ્યગ્રતાની. એ સૂરિલી સાંજ હતી સ્વ.આદીલ મન્સૂરીની શામે-ગઝલની. કાર્યક્રમના માસ્ટર ઓફ સેરિમની-ઉદઘોષક હતા-ભારતિય સંસ્ક્રુતિના એમ્બેસેડર તરીકે ઓળખાતા હ્યુસ્ટનની ઉપાસના ન્રુત્ય એકેડેમીના પ્રણેતા અને નાટ્યકાર શ્રીમતિ ઉમાબેન નગરશેઠ.
કાર્યક્રમની શરૂઆતમાં તેમણે આવકાર અને સ્વાગતના બે શબ્દો કહીને હ્યુટનના પીઢ કવિશ્રી.સુમન અજમેરીને આદિલભાઇ વિષે બે શબ્દો કહેવાની વિનંતિ કરી. શ્રી.સુમન અજમેરી કે જેમણે આદિલ મન્સુરી વિષે ૪૫૦ પાનાનું પુસ્તક લખ્યું છે તેમણે આદિલના શરુઆતના જિવન-સંઘર્ષની વાતો જણાવતાં,તેમના ઉમાશંકર જોશી,સ્નેહરશ્મિ,અને યશવંત શુક્લ સાથેના પ્રસંગો, ‘ રે મઠ ‘ની સ્થાપનાની વાતો,શ્રી.ચિનુ મોદી, મનહર મોદી સાથેની તેમની પ્રથમ મુલાકાતની વાતો, અમદાવાદની રીલીફ સિનેમા પાસેની ઇમ્પિરીયલ હોટેલમાં થતી
ગુફ્તેગો, કાવ્ય-દિલ્લગી વગેરે જુના સંસ્મરણો વાગોળ્યા હતા. તે પછી, સાહિત્ય-સરિતાના મોભી એવા વિજય શાહે બિસ્મિલ મન્સૂરિનો ઓડિયો-મેસેજ રજુ કર્યો હતો જેમાંનું એક કાવ્ય ‘ ને…આંખ જોતી રહી ગૈ ‘ ની એક એક પંક્તિ પર શ્રોતાઓની આંખો ભીની થઇ જતી હતી.
સ્ટેજ પરના બધા જ ગાયકોના કંઠે રજૂ થયેલ શૌર્યગીત ‘ વિશ્વને રોશન કરી ગઇ દિપીકા ગુજરતની ‘માં મનોજ મહેતા, કલ્પના મહેતા, ઉદયન શાહ,સંજય શાહ, અમિત પાઠક તથા ઉમાબેન નગરશેઠે સ્વર આપ્યો હતો. ગીત-ગઝલના દૌરમાં શ્રીમતિ કલપનાબેન મહેતાના સૂરિલા કંઠે રજૂ થયેલ રચનાઓમાં ‘અગ્નિ સૌ બાળવા મથે છે મને’, સ્પર્ષ થઈ મહોરી ઉઠે કી-બોર્ડ પર’, હ્ર્દયના માર્ગ બધાં સાંકડા વધારે છે ‘, ઉલ્લેખનિય રહી. તો મુખ્ય ગાયક શ્રી. મનોજ મહેતાના સ્વરમાં રજૂ થયેલ
‘ મને ના શોધશો,હું ક્યાંય નથી’, ‘ આને મ્રુત્યુનું નામ ના આપો,મૂજથી છૂટું પડી રહ્યું છે કોઇ’, ‘ રહે છે કોણ આ દર્પણના આયના નીચે, હું રોજ જોઊં તો પણ ઓળખાય નહીં’, અને છેલ્લે રજૂ થયેલ ‘ નદીની રેતમાં રમતું નગર ‘જેવી રચનાઓએ શ્રોતાઓને ભાવ-સમાધીની અનૂભુતિ કરાવી દીધી હતી. હ્યુટનના વોઇસ ઓફ મુકેશ તરિકે ઓળખાતા શ્રી. ઉદયન શાહે રજૂ કરેલ ગઝલો ‘ કદી મોલ થઈને સરી ગયા,કદી સઢ થઈને તરી ગયા’, કોઇના નામનું રટણ થાયે,જ્યાં સુધી શ્વાસની ધમણ ચાલે’, ‘ જિન્દગી ભર રહે તે ખૂમારી આપો, ઘાવ આપો તો જરા જોઈ વિચારીને આપો’, ‘ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,ત્યારે જગમાં ગઝલની શરૂઆત થઈ હશે’,જેવી રચનઓએ સાહિત્ય-રસિક ગઝલપ્રેમીઓને ડોલાવી દીધા હતા.
હ્યુસ્ટન નાટ્યકલા વ્રુંદના પ્રેસિડેન્ટ શ્રી. અશોક પટેલે આદિલભાઈને એક ચિત્રકાર, નાટ્યકાર તરિકે મુલવીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું. શ્રી. અમિત પાઠક અને શ્રી.સંજય શાહે માઈક વ્યવસ્થા સંભાળી હતી.
શબ્દ અને સંગીતની આ શામે-ગઝલની મહેફિલમાં, સંસ્કાર નગરી હ્યુસ્ટનના કલા અને સંસ્કારપ્રેમી સુજ્ઞ જ્ઞાતા શ્રોતાઓએ કાર્યક્રમમાં રજૂ થયેલ એક એક રચના પર શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી જોરદાર પ્રતિસાદ આપ્યો હતો.
એક રચના પૂરી થયા બાદ અને બીજી રચના શરૂ થતાં પહેલાં શ્રીમતિ ઉમાબેન નગરશેઠ જે ખૂબીથી વિવિધ પંક્તિઓ રજૂ કરીને ઉદબોધન કરતાં હતા તે શ્રી. અંકિત ત્રિવેદી અને શ્રી.તુષાર શુક્લાની યાદ આપી જતા હતા.
અંતે, યજમાન-દંપતી શ્રી.મનોજ મહેતા અને શ્રીમતિ કલ્પનાબેન મહેતાએ ખિચડી-શાક,વઘારેલી છાશ,તળેલા સારેવડા,અને ચટકેદાર અથાણાની મોજ કરાવીને સૌને વિદાય આપી હતી.
******************************************************************
|
No Comments