એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Archive by category 'Uncategorized' (Page 6160)

બિપીનભાઈના જુતા – એક સંસ્મરણ

August 3rd, 2017 Posted in Uncategorized

ડાબી બાજુથી  -શ્રી. બિપીનભાઇ અને  શ્રી. નવીન બેન્કર

બિપીનભાઈના જુતા  – એક સંસ્મરણ

-શ્રી. નવીન બેન્કર

આ વાત મહાગુજરાતના તોફાનો વખતની છે. સોરી ! હું આજે પણ એ સમયને ‘આંદોલન’ નથી કહેતો. આંદોલન તો  માત્ર મહાત્મા ગાંધીએ જ કરેલાં. ત્યારપછી તો પોતાની વાતને સાચી ઠેરવવા થયેલાં ત્રાગાં જ છે. નાક દબાવીને, પોતાના સંઘબળના જોરે, કલ્લી કઢાવી લેવાની ઘટનાઓને હું આંદોલનો નથી કહેતો.

એ સમયે મારી ઉંમર સોળ વર્ષની હતી. ( ૧૯૫૬).  અમે  અમદાવાદની  એક પોળમાં ભાડાના ઘરમાં દસ કુટુંબીજનો રહેતા હતા. બાપુજીની નોકરી છૂટી ગયેલી. ગુજરાન ચલાવવા, હું છાપાં અને બપોરના વધારા વેચતો. મારા  દાદીમા કોઇ સગાંને ત્યાં નાનામોટા કામો કરતા. બદલામાં, એ સગાં, અનાજપાણી અને ચીજવસ્તુઓ આપતા.  એ ઘરમાં મારાથી ત્રણ વર્ષે મોટો એક છોકરો પણ હતો.એનું નામ બિપીન. શાંત, સૌમ્ય અને ઓછાબોલા સ્વભાવના એ છોકરાના જુના શર્ટ્સ અને સેન્ડલ પણ મને મળતાં. એ જમાનામાં ખમીસ પણ હું શુક્રવારીમાંથી આઠ આનામાં ખરીદીને પહેરતો હતો. આ શુક્રવારી, ઘીકાંટાની કોર્ટ પાસે ભરાતી. પછી કાળક્રમે એ રવિવારે ગુજરી બજાર તરીકે વિક્ટોરિયા ગાર્ડન પાસે નદીના પટમાં ભરાતી થઈ હતી. આજે પણ ત્યાં જ, નવા રૂપરંગ સહિત ભરાય છે.

બિપીને એકવાર લાલ રંગના બાટાના સેન્ડલ પહેર્યા હતા. મને એ સેન્ડલ બહુ ગમી ગયેલા. હું વિચારતો કે આ સેન્ડલ થોડા જુના થાય અગર બિપીન નવા સેન્ડલ લાવે તો મને જ આ સેન્ડલ મળી જશે મહિનાઓ સુધી રાહ જોયા પછી, ગાંધીરોડ પર જુમ્મા મસ્જિદ પાસે આવેલી બાટા શુ કંપનીના શો કેઇસમાં મુકેલા એ સેન્ડલનો ભાવ પણ હું પુછી આવેલો. એ વખતે એની કિંમત હતી ૨૮ રૂપિયા. મારી તો એટલી હેસિયત ન હતી. મેં એક દિવસ હિમ્મત કરીને બિપીનભાઈને કહ્યું-‘ તમારા આ સેન્ડલ તમને બહુ સરસ લાગે છે. ‘ બિપીને કદાચ મારી આંખમાં મારી ઇચ્છા વાંચી લીધી હશે કે કેમ, પણ એણે તરત જ કહ્યું-‘ નવીન, તને ગમે છે ? તું લઈ લે. આમે ય મેં બહુ પહેર્યા છે. હું નવા લઈ લઈશ.’  અને આમ એ ૨૮ રૂપિયાના સેન્ડલ મને મળી ગયા હતા.

પછી તો કાળનું ચક્ર ફરતું રહ્યું…

બહેનની સ્પોન્સરશીપ પર  નવીન અમેરિકા આવી ગયો.

૧૯૮૨માં જ્યારે એ અમદાવાદ ગયો ત્યારે ન્યુયોર્કના લોંગ આઈલેન્ડ સીટીની એક ગારમેન્ટ ફેક્ટરી –RUSS TOGS INC-માં કામ કરીને થોડા ડોલર્સ બચાવીને, અમદાવાદમાં, આઠના ભાવના ડોલર, ૧૨ના ભાવે આપીને થોડા પૈસા બનાવેલા.

ઉંમર પણ ત્યારે ૪૨ વર્ષની જ હતી.

 બિપીનભાઈની તપાસ કરતાં ખબર પડી કે એ તો ઘણાં શ્રીમંત થઈ ગયા છે અને હવે મુંબઈના વરલી વિસ્તારના કોઇ  ભવ્ય ફ્લેટમાં પત્ની અને દીકરી સાથે રહે છે.

જોગાનુજોગ, કોઇ મિત્રના દીકરાના લગ્ન પ્રસંગે મુંબઈ જવાનું થયું હતું.

અમેરિકાની ગારમેન્ટ કંપની- RUSS TOGS-ના કાપડમાંથી સીવડાવેલા શાનદાર કપડા અને બાટાની  ચંપલો પહેરીને નવીન બેન્કર ઉપડ્યા વરલીના એ ફ્લેટ પર.

મનમાં ફાંકો હતો કે આજે બિપીનભાઈને બતાવીશ કે હવે હું પણ તમારા જેવા વસ્ત્રો અને શુઝ પહેરી શકું છું. લોકલ ટ્રેન અને બસમાં મુસાફરી કરીને , એ વરલી ઉતર્યો ત્યારે મેઘરાજા એ તાંડવ મચાવી દીધું હતું. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. નવીનભાઈ પલળી ગયા.

બાટાની નવીનક્કોર ચંપલો પણ પાણીમાં તણાઇ ગઈ.

જેમતેમ કરીને બિપીનભાઇના ફ્લેટ પર તો પહોંચી ગયા, નસીબસંજોગે બિપીનભાઇ ઘેર જ હતા, ટુવાલથી શરીર લુછ્યું અને બિપીનભાઈના કપડાં પહેરીને સોફામાં બેઠો..ખાઇ-પી વાતો કરીને, જતી વખતે બિપીનભાઇના આપેલા શુઝ પહેરીને પાછો ફર્યો ત્યારે એને પોતે કરેલા અભિમાન બદલ શરમ આવી.

કુદરત જાણે કહેતી હતી કે ‘નવીન, તારે તો બિપીનભાઇના શુઝ જ પહેરવાના છે’.

એ વાતને ય આજે તો પાંત્રીસ વર્ષ વીતી ગયા છે. આજે ભારતથી કોઇ સગાં હ્યુસ્ટન આવ્યા અને તેમણે સમાચાર આપ્યા કે બિપીનભાઈ તો હમણાં જ ગુજરી ગયા.

મારી આંખ ભીની થઈ ગઈ.

નવીન બેન્કર   ( લખ્યા તારીખ- ૨૮ જુલાઈ ૨૦૧૭ )

*****************************************************************

 

અમેરિકાની ભક્તાણીઓની ધર્મભાવના

Discover something new.

અમેરિકામાં ભાગવતકથાઓની સીઝન આવી ગઈ છે.

August 2nd, 2017 Posted in Uncategorized

Discover something new.

એક ખુબસુરત યાદ-ડોક્ટર કોકિલાબેન ના લગ્નની તસ્વીર

આ તસ્વીર તારીખ ૩૦ માર્ચ ૧૯૭૧ની છે- અમારા ડોક્ટર કોકિલાબેન અને પ્રકાશભાઈ પરીખના લગ્ન વખતની. એમાંની વ્યક્તિઓનો પરિચય કરાવી દઉં.

ઉભા રહેલામાં ડાબી બાજુથી- માથે ઓઢેલી સફેદ સાડીમાં જે બહેન છે તે પાટણમાં ડોક્ટર કોકિલાબેનને ત્યાં ઘરકામ કરનાર બહેન છે.

બીજા નંબરે મારી પ્રિય, ભોળી, પ્રેમાળ પત્ની કોકિલા છે. એની બાજુમાં ઝુલ્ફાવાળો અને બ્લેક સુટ પહેરેલો ઉંચો યુવાન છે તે હું એટલે કે ત્રીસ વર્ષની વયનો નવીન બેન્કર છું મારી બાજુમાં મારો  એકનો એક નાનો ભાઈ વિરેન્દ્ર છે. એની બાજુમાં જે ખુબસુરત યુવાન છે જે જુના એક્ટર રાજેન હકસર જેવો દેખાય છે તે રણજી ટ્રોફીમાં રમી ચુકેલા ક્રિકેટર શ્રી. રાહુલ ધ્રુવ છે અને તેની બાજુમાં છોકરી જેવી દેખાય છે તે મારી નાની બહેન અને આજની વિદ્વાન ગુજરાતી કવયિત્રી દેવિકા ધ્રુવ છે . કહેવાની જરૂર નથી કે રાહુલ અને દેવિકા પતિ-પત્ની છે. તેમના સંતાનો પણ ખુબ તેજસ્વી છે. કોઇ સાયન્ટીસ્ટ છે તો કોઇ ડોક્ટર છે અને ગ્રાન્ડ ચિલ્ડ્રન્સ પણ વિવિધ ક્ષેત્રે નામના મેળવી રહ્યા છે.

ખુરશીમાં બેઠેલામાં- ડાબી બાજુથી- મારી બા કમળાબેન, એની બાજુમાં ડોક્ટર કોકિલાબેન, મારા દાદીમા વિચક્ષણ વિદ્યાબા, પ્રકાશભાઇ પરીખ અને છેલ્લે ઝબ્ભો, બંડી અને ધોળી ટ્પ્પીમાં મારા પિતાશ્રી. રસિકલાલ રતનલાલ બેન્કર છે.

હવે વારો આવે છે પેલી ફર્શ પર બેઠેલી બે બેબલીઓનો. ડાબી બાજુ છે તે સુષ્મા અને એની બાજુમાં સંગીતા. સુષ્મા ૧૯૫૭ અને સંગીતા ૧૯૬૨ ની બોર્ન છે.  મારા લગ્ન ૧૯૬૩માં થયેલા એટલે આ વિરેન્દ્ર, સુષ્મા અને સંગીતા અમારા ખોળામાં રમીને મોટા થયેલા, અમારા બાળકો જ છે. આ બન્ને બહેનો વિશે તો આખા જુદા લેખો લખાય તેમ છે. સંગીતા લતા મંગેશકરના ગીતો ગાવાને કારણે ટેક્સાસની કોયલ ગણાય છે. રેડીયો જોકી પણ છે. સુષમા પણ સારુ ગાઈ શકે છે. અને કલાના વિવિધ ક્ષેત્રે પ્રવૃત્ત છે.

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૬૯મી બેઠકનો અહેવાલ- શ્રી નવીન બેન્કર-

December 22nd, 2016 Posted in Uncategorized

  p1100226

 હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની વર્ષ ૨૦૧૬ની આખરી બેઠક (નં.૧૬૯),૧૮ ડીસેમ્બર ને રવિવારની બપોરે, Community Center,  Eldridge Park, Sugarlandના સભાગૃહમાં યોજવામાં આવી હતી.

આ વખતે, પ્રથમ બે કલાક સાહિત્યસર્જન અંગે અને પછીના બે કલાક જનરલ બોડી મીટીંગ માટે ફાળવવામાં આવેલ હતા.

બરાબર બપોરના એક વાગ્યે, છોલે-પુરી, પુલાવ અને મોહનથાળ જેવી સ્વાદિષ્ટ વાનગીઓનું ભોજન લીધા બાદ, સંસ્થાના પ્રમુખ શ્રીમતિ ડોક્ટર ઇન્દુબેન શાહે હાજર રહેલા સૌ સભ્યોનું આવકાર પ્રવચન કર્યું અને ભાવનાબેન દેસાઇએ સરસ્વતી વંદનાથીશરૂઆત કરી.

સંસ્થાના એક બુઝુર્ગ સભ્ય અને કવિશ્રી. ગિરીશભાઇ દેસાઇનું , ૮૬ વર્ષની વયે દુઃખદ અવસાન થયા અંગે સૌ સભ્યોએ પ્રથમ બે મિનિટનું મૌન  પાળ્યું હતું.

ત્યારપછી ગુ.સા.સ.ના નવા, આકર્ષક અને સાહિત્યસભર બેનર હેઠળ સભાનો પ્રારંભ થયો. 

p1100132

સૌથી પ્રથમ ચીમનભાઈ પટેલે, ‘એવી ખબર થોડી જ હોયએ શિર્ષક હેઠળ એક હઝલ સંભળાવી. ભાવનાબેન દેસાઈએ,  પોતે જ સ્વરાંકન કરેલ, સંસ્થાના જ એક સભ્ય કવયિત્રી દેવિકા ધ્રુવની કવિતા પૂરવનો જાદૂગર”  મધુર કંઠે ગાઈ સંભળાવી.દેવિકા ધ્રુવે, મોનોઈમેજ કાવ્યપ્રકારનાં ઉદભવ, તેના ક્રમિક ઈતિહાસ અને આ કાવ્યપ્રકાર અંગે ટૂંકમાં ખૂબ સરસ વાતો કરી. સાથે સાથે, શ્રી મધુ કોઠારી અને પ્રીતમ લખલાણીના મોનોઈમેજ કાવ્યો ઉદાહરણ તરીકે રજૂ કર્યા.વિજયભાઇ શાહે એક સ્વરચિત ટૂંકી વાર્તા વાંચી સંભળાવી અને સ્વ. ગિરીશ દેસાઈ સાથેના પોતાના સંસ્મરણો કહ્યા.

મુકુંદભાઈ ગાંધીએ પ્રેમઅંગેની કેટલીક હાસ્યપ્રેરક વ્યાખ્યાઓ અને ટૂચકા રજૂ કરીને શ્રોતાઓને હસાવ્યા.  

પ્રેમ એટલે આવીજાથી આઘી જાસુધીની સફર.
પ્રેમ એટલે  ‘તારા જેવી કોઇ  નથી’  થી તારા જેવી સેંકડો જોઇ છેસુધીની સફર.
પ્રેમ એટલે માની જાથી લઈને  ‘તેલ પીવા જાસુધીની સફર.
પ્રેમ એટલે આમ આવોથી આઘા જાવસુધીની સફરઅનેએવું તો કંઇક…..

 ‘ગુજરાત ગૌરવના  તંત્રી શ્રી.નુરૂદ્દીન દરેડિયાએ , શકુર સરવૈયા લિખિત એક કાવ્ય રજૂ કર્યું હતું. શૈલા મુન્શાએ, ‘વીતેલી ક્ષણોજીવનસંધ્યા..કોરી કિતાબ.. ઝૂરાપો.. વગેરેવિષયક હાઈકુ વાંચી સંભળાવ્યા. શ્રી. સુરેશ બક્ષીએ રાબેતા મુજબ કેટલાંક મુકતકોની લ્હાણ કરીને શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા તો ફતેહ અલી ચતુરે, પ્રેમ અને ઇર્ષ્યા વિશેની  શૂન્ય પાલનપુરીની એક ગઝલ રજૂ કરી હતી. શ્રી. કિરીટ ભક્તાએ પણ પોતાની એક કૃતિ રજૂ કરી હતી. શ્રી. પ્રશાંત મુન્શાએ, સ્વ, ગિરીશ દેસાઇના કાવ્યસંગ્રહમારી મનોગંગામાંથી  એક રચના સંભળાવી હતી.

ભારતીબેન મજમુદારે  બે અવસાન ના સમાચાર અને બે પૌત્રીના જન્મ અંગેના સમાચાર આપ્યા હતા. હ્યુસ્ટનના મૂકેશ ગણાતા શ્રી. પ્રકાશ મજમુદારે મૂકેશનું એક સદાબહાર ગુજરાતી ગીત આપણ સૌએ, હરતાં ફરતાં પિંજરા, ઉપર બનાવ્યો મોર રૂડો ને એમાં ભર્યા નર્યા ચીંથરા રે….’ રજૂ કરીને શ્રોતાઓની વાહ વાહ મેળવી હતી. શ્રી. મનસુખ વાઘેલાએ  વોટ્સ અપ પર આવેલ એક હિન્દી વાતનું ગુજરાતી ભાષાંતર વાંચી સંભળાવ્યું હતું. તો પ્રમુખ શ્રીમતિ ઇન્દુબેન શાહે  ચિત્ર પરથી રચેલ એક ફોટોકુ રજૂ કર્યું હતું. સંસ્થાના સેક્રેટરી કમ ખજાનચી એવા શ્રી. સતિષ પરીખે જીવન નીકળતું જાય છેજેવા શબ્દો વાળું એક કાવ્ય વાંચ્યું હતું. અને સ્વ. ગિરીશ દેસાઇ સાથેના પોતાના સંસ્મરણો કહ્યા હતા.

શ્રી. મુકુંદ ગાંધીએ, કલાકુંજ સંસ્થાના ઉપક્રમે અગિયારમી ફેબ્રુઆરીના રોજ યોજાનાર એક, નૃત્ય અને સંગીતના કાર્યક્રમ અંગે માહિતી આપી હતી.

કાર્યક્રમના બીજા દૌરમાં, ‘જનરલ બોડી મીટીંગ અને ૨૦૧૭ના વર્ષ માટેની કમિટી નીમવાનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું. સેક્રેટરી અને હિસાબનીશ એવા સતિષ પરીખે ૨૦૧૬ના વર્ષના નાણાંકિય હિસાબોના લેખાજોખા સમજાવ્યા.  પ્રમુખ શ્રીમતિ ઇન્દુબેન શાહે ૨૦૧૬ ના વર્ષ દરમ્યાન પોતાની કમિટી દ્વારા સંપન્ન થયેલા કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી હતી. ૨૦૧૬ ના વર્ષ દરમ્યાન હ્યુસ્ટન સાહિત્ય સરિતામાં ખ્યાતનામ સર્જકો નીલમ દોશી, પન્ના નાયક, ભાગ્યેશ ઝા, બળવંત જાની તથા અનિલ ચાવડા પધાર્યા હતા તે સમગ્ર બાબતોને આવરી લેતો વાર્ષિક અહેવાલ  સૌની જાણકારી માટે સરસ રીતે રજૂ કર્યો હતો.

સતિષભાઇએ વર્ષ દરમ્યાન વિવિધક્ષેત્રે સાથ આપનાર સૌ સભ્યો અને ખાસ તો આજનીબેઠકમાં સહાયભૂત થનાર સૌ મિત્રોનો આભાર માન્યો હતો.

કાર્યક્રમના અંતમાં, સર્વાનુમતે ૨૦૧૭ ના વર્ષ માટે નીચે પ્રમાણે કમિટીની રચના કરવામાં આવી.

p1100224

(૧)  શ્રી. સતિષ પરીખપ્રમુખ

(૨) શ્રી. નિતીન વ્યાસ, ઉપપ્રમુખ

(૩)  શ્રી. મનસુખ વાઘેલા, ખજાનચી/હિસાબનીશ

(૪)  શ્રી. અશોક પટેલ, સલાહકાર.

એકંદરે હ્યુસ્ટન માટે અસાધારણ ઠંડીના આ દિવસે પણ ઘણાં સાહિત્યરસિકોએ હાજરી આપી બેઠકને સુંદર રીતે માણી હતી..સામૂહિક ફોટો લીધા બાદ સૌ વિખરાયા હતા.

અસ્તુ.
નવીન બેંકર

ગુજરાતી સાહિત્ય સરિતા ની ૧૫૯મી બેઠક અને ‘જનરલ બોડી મીટીંગ’-અહેવાલ શ્રી નવીન બેંકર

December 24th, 2015 Posted in Uncategorized

 

P1060975

(૧) ડાબી બાજુથી- જુના બોર્ડ મેમ્બર્સ- ઉપપ્રમુખ શ્રી. નિખીલ મહેતા, શ્રીમતિ દેવિકા ધ્રુવ (સલાહકાર),
ખજાનચી શ્રી. નરેન્દ્ર વેદ અને પ્રમુખ શ્રી. ધવલ મહેતા,
નવા બોર્ડ મેમ્બર્સ- ડોક્ટર ઇન્દુબેન શાહ,શ્રીમતિ પ્રવિણાબેન કડકિયા અને સલાહકાર શ્રી. અશોક પટેલ.

P1060969
ગુ.સા. સ.ની ગૌરવભરી સભાના સભ્યો.

P1060972

 ગુ.સા.સ.ની નવી સમિતિ- ઉપપ્રમુખ પ્રવિણાબેનકડકિયા,સલાહકાર શ્રી અશોક પટેલ
અને પ્રમુખ ડોક્ટર ઇન્દુબેનશાહ. ખજાનચી શ્રી સતીશ પરીખ (હાજર નથી)

ગુજરાતી સાહિત્ય સરિતા ની ૧૫૯મી બેઠક અને ‘જનરલ બોડી મીટીંગ’-અહેવાલ શ્રી નવીન બેંકર

ફોટો સૌજન્યઃ શ્રી જયંત પટેલ.

 

૨૦મી ડીસેમ્બર અને રવિવારની શીતલ  સાંજે ૪ થી ૮ દરમ્યાન, હ્યુસ્ટનના શાકાહારી ભોજનગૃહના હોલમાં ૨૦૧૫ ના સફળ વર્ષની, છેલ્લી બેઠક યોજાઈ ગઈ.

 બરાબર ૪ના ટકોરે શ્રીમતિ ગીતાબેન પંડ્યાના સુમધુર કંઠે ગવાયેલ પ્રાર્થનાથી શુભ શરુઆત થઈ. સંસ્થાના વડીલ હાસ્યલેખક શ્રી. ચીમન પટેલે શેર, મુક્તક અને ગઝલથી બેઠકની શરૂઆત કરીને મહેફિલમાં રંગ જમાવી દીધો. ડોક્ટર રમેશ શાહે, કવિશ્રી. મકરંદ દવેની એક કૃતિ રજૂ કરી અને સાથે સાથે એનું રસદર્શન પણ ભાવ સહિત વાંચી સંભળાવ્યુ. નિતીન વ્યાસ નામના એક બહુશ્રુત વિદ્વાને, ગુજરાતના જાણીતા લેખક અને કવિ શ્રી. ધ્રુવ ભટ્ટના પુસ્તકનો પરિચય કરાવ્યો અને ભાવનગરના ટર્મિનસ પરની બોગી નંબર ૨૬૯૨ અને ચાહની લારીના દ્રશ્યો શ્રોતાઓની આંખ સમક્ષ તાદ્રુશ કરાવ્યા. 


શૈલાબેન મુન્શાએ કામો અંગે વર્ષાન્તે થતી અનુભૂતિ વિષયક એક હળવું મસ્તીભર્યું અછાંદસ કાવ્ય રજૂ કર્યું. 
 દેવિકાબેન ધ્રુવ આમ તો કવયિત્રી છે અને સામાન્યપણે પોતાની સ્વરચિત કવિતા કે ગઝલની જ રજૂઆત કરતા હોય છે પણ આજે તેમણે ‘સાહિત્ય એટલે શું ?’ એ વિષય પર મનનીય વક્તવ્ય રજૂ કર્યું.  ડોક્ટર ઇન્દુબેન શાહે વીતેલા દાયકાઓની વાતો કરી. પ્રશાંત મુન્શાએ પણ કેટલાંક સુંદર મુકતકો સંભળાવ્યા. ૯૫ વર્ષની વયના ધીરુભાઇ શાહે, જીવનના નિચોડ સમ,સારા જીવન માટેની અર્થસભર કણિકાઓ પ્રસ્તૂત કરી. અશોક પટેલે શ્રી. મનુ નાયકનું એક કાવ્ય રજૂ કર્યું. ત્યાર પછી નાસા, જોહન્સન સ્પેઈસ સેન્ટર, હ્યુસ્ટનના  વૈજ્ઞાનિક શ્રી. કમલેશ લુલ્લાએ શ્રી. નટવર ગાંધીની છંદોબધ્ધ કૃતિ સંભળાવી.

 પ્રકાશ મજમુદારે, સ્વ.મરીઝની ગઝલ રજૂ કરીને વાતાવરણને સંગીતની હવાથી તરબતર  કરી મૂક્યું.  શ્રી. વિજય શાહે, સાહિત્ય સરિતાના કલ્ચર અંગે અને પોતાની સાહિત્યિક પ્રવૃત્તિઓથી સભ્યોને માહિતગાર કર્યા. શ્રી અક્બર લાખાણી અને અક્બર અલી હબીબે પોતાની કૃતિઓ અને રમૂજની લ્હાણ કરી હતી. શ્રી. નવીન બેન્કરે, ફ્યુનરલ ટાણે, વક્તાઓ  મૃતકને અંજલિ આપતી વખતે કેવા કેવા છબરડાઓ કરતા  હોય છે અને અંત્યેષ્ટી કરાવનાર બ્રાહ્મણ કેવા પ્રવચનો ડાઘુઓને માથે મારતા હોય છે એની રમુજી વાતો કરીને સભ્યોને હસાવ્યા. પ્રવીણાબેન કડકિયાએ પણ તેમાં થોડો સૂર પૂરાવ્યો હતો.

 બેઠકના ઉત્તરાર્ધમાં, ‘જનરલ બોડી મીટીંગ’ ની શરૂઆત થઈ. સંસ્થાના પ્રમુખ શ્રી. ધવલ મહેતા અને ઉપપ્રમુખ શ્રી. નિખીલ મહેતાએ એમની આગેવાની હેઠળ છેલ્લા દોઢ વર્ષથી સંસ્થાએ જે જે પ્રવૃત્તિઓ કરી હતી એનો ચિતાર આપ્યો..સંસ્થાના ખજાનચી  શ્રી. નરેન્દ્ર વેદે, સંસ્થાના આર્થિક પાસાં અને ભંડોળને લગતી માહિતીસભર વિગતો આપી. સભ્યોની પ્રશ્નોત્તરી, ચર્ચા, મસલત પછી કેટલાંક જરૂરી મુદ્દાઓનો પણ વ્યવસ્થિત રીતે અને શાંતિપૂર્વક ઉકેલ લાવવામાં આવ્યો. ત્યારબાદ ૨૦૧૬થી શરૂ થતા વર્ષના નવા ‘બોર્ડ મેમ્બર્સ’ તરીકે નીચેના સભ્યોની વરણી થઈ-

પ્રમુખઃ ડોક્ટર શ્રીમતિ  ઇન્દુબેન શાહ
ઉપપ્રમુખઃ શ્રીમતિ
  પ્રવિણાબેન કડકિયા
ખજાનચીઃ શ્રી. સતિશ પરીખ-
              
સલાહકારઃ શ્રી. અશોક પટેલ

  
 નવી નિમાયેલી સમિતિના સભ્યો અને હાજર રહેલા સભ્યોએ, જુના બોર્ડ મેમ્બર્સની  સફળ કામગીરીને બિરદાવીને અભિનંદન આપ્યા હતા અને સમુહ ફોટોગ્રાફ્સ લઈને સૌ, ભોજન રેસ્ટોરન્ટના સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણીને છૂટા પડ્યા હતા.

છેલ્લાં પંદર વર્ષથી અવિરતપણે ચાલી રહેલી ગુજરાતી સાહિત્ય સરિતાની આ ગુજરાતી ભાષા અંગેની સજાગતાને અને સૌ સભ્યોને સો સો સલામ.

 અહેવાલ – શ્રી. નવીન બેન્કર   (લખ્યા તારીખ- ૨૦ ડીસેમ્બર ૨૦૧૫)

 

 

મારી વિદુષી બહેન દેવિકા ધ્રુવ ના સંસ્મરણો

આ લખવાની પણ એક ચાનક હોય છે.  રમણકાકા વિશે વિચારું તે પહેલાં  શકુની ઈમેઈલ વાંચી મોટાભાઈ વિશે લખવા પ્રેરાઈ.

અમેરિકન જેવો નાક-નક્શો ધરાવતા મોટાભાઈનો ચહેરો આકર્ષક હતો. તેમનું વ્યક્તિત્વ ધારદાર અને આરપાર હતું. એ લાગણીશીલ હતા પણ લાગણીને વશ ન હતા. એ સ્વપ્નશીલ હતા,પણ સ્વમાનને ભોગે નહિ..એમના સ્વમાને એમના ક્રોધ પર રાજ્ય કર્યું હોત તો જગત ખૂંદી વળ્યા હોત, ડોનાલ્ડ ટ્રમ્પ બની શક્યા હોત.પણ  એ ક્રોધ પર કાબૂ ન રાખી શક્યા તો પ્રારબ્ધે એમના પુરુષાર્થને પાડી દીધો.
સમજણી થઈ ત્યારથી આ વાત મનમાં વસી ગઈ અને ગુસ્સાથી સભાન બનતી રહી.
 
આનાથી વિરુધ્ધ, બીજી બાજુ, તેઓ નામ પ્રમાણે રંગીલા રસીલા પણ હતાં. બાને એ વિદુ કહેતા અને કમુને ‘બેરી’ કહેતા. વિરુને લઈ બધે વાંસળી વગાડવા જવાનું તેમને ખુબ જ ગમતું. ઘણીવાર વિરુ ના પાડે તો છાનામાના જાય. બહારથી એ આવે કે તરત જ સંગી  એમને આખા દિવસની, કહેવાની કે ના કહેવાની, બધી વાતો કરી દે. શકુને પણ કદી લઢ્યા હોય તેવું મને યાદ નથી.આર્થિક લાચારીના સમયમાં મને એવું સ્મરણ છે કે એ કોકિબેનથી ડરતા. નવીનભાઈ સાથે ઝાઝુ બનતું નહિ. જમી પરવારી મારી સાથે રાત્રે પત્તા રમવા બેસતાં. એક રંગની રમી રમવામાં એમને મઝા આવતી. એમ લાગે છે કે બાએ તેમને નાનપણમાં લાડ લડાવ્યાં હશે.નહિ તો બાળપણમાં બાપની છત્રછાયા ગુમાવેલ છોકરામાં ગંભીરતા અને યોગ્ય માર્ગ પર રહેવાની વૃત્તિ સબળ હોય. જો કે, સારી નોકરીને ગુસ્સાને કારણે લાત માર્યા પછી,આપણને બધાને તકલીફ ન પડે તે માટે તે ઠેકઠેકાણે,દૂર દૂર સુધી (Banglore)ગયાં, એકલાં રહ્યાં,ખાવા-પીવાથી માંડીને ઘણી જાતજાતની મુશ્કેલીઓનો સામનો કરતા રહ્યાં. પણ નસીબે એમને યારી ન આપી તે ન જ આપી. છેવટે, આર્થિક સંકડામણ વચ્ચેની એ નિષ્ફળતા અને કેટલીક કુટેવોની અસર શરીર પર પડી ને વહેલાં પટકાયા.

બાની સરખામણીમાં મોટાભાઈમાં ઓછી પ્રતિભા અને ઓછા ગુણો
. છતાં મને એમના માટે બા કરતાં થોડું વધારે ખેંચાણ ખરું. એટલા માટે કે મેં  મોટાભાઈનો કમુ માટેનો પ્રેમ  જોયો છે,અનુભવ્યો છે. લડવા-ઝઘડવા છતાં કમુને કામમાં મદદ કરતા હતાં. ઘરમાં જ્યારે જ્યારે કોઈ ન હોય ત્યારે ‘લાવ,તને થોડાં વાસણ મંજાવી લઉં’ હસીને કહેતાં અને કરતા પણ. પાણીની ડોલ પણ ખેંચી આપતા,ઘણીવાર સવારે ચહા બનાવતા અને  ઘેર લાવેલા તાકામાંથી રેસા પણ કપાવતા. કમુ પરના ગુસ્સામાં  તેમની લાચારીની વેદના જણાતી. થોડા પૈસા વધુ મળશે એ વિચારે (રેસા કાપવા જતી ત્યારે ) કમુ ઘેર મોડી આવે ત્યારે એ લડતા કારણ કે,તેમને કમુ માટે પ્રેમ હતો એવું મને તે સમયે પણ લાગતું અને આજે પણ સમજાય છે.
કાશ ! એમના સ્વભાવમાં ગુસ્સો ન હોત તો !
 
એ રીતે મને રમણકાકા ગમતા. એમણે કદી ગુસ્સો કર્યો નથી. એ ભલે ઓછી બુધ્ધિના ગણાતાં પણ તેમની સમજણ જેટલી 
હતી  તેટલી સાચી હતી. એ હંમેશા કમુનો પક્ષ જ લેતા.  કદી ઉંચા સાદે બોલતા નહિ. મંગુમાશીની જેમ જ શાંત રહેતા. એ કેમ ન ભણ્યા,ન કમાવા ગયા, કેમ ન પરણ્યાં…કશી જ ખબર નથી. ઉઠવું,ખાવું,પીવું બધું જ એકદમ નિયમિત. ઘડિયાળના કાંટે જ ચાલે. કોઈ જ એમને ગણતું નહતું કમુને ભાભી ભાભી કરતા. કમુ પણ એમને માનથી બોલાવતી અને એમના તરફ ભલી લાગણી રાખતી. કોઈ એમને ઘાંટા પાડે તે કમુને ગમતું નહિ. 
સવારે ૯ વાગે કાકા ચાલવા જાય ત્યારે હંમેશા બંને હાથ પાછળ રાખીને ધીમુ ચાલતા. કલાકેક ચાલે પછી ઘેર આવે.  હંમેશા ઝભ્ભો,ધોતિયું અને  કાળી ટોપી પહેરતા. ખમીસ પહેર્યાનું સ્મરણ નથી. આ લખું છું ત્યારે એક મઝાની વાત યાદ આવે છે. કાકા ક્યારે ગુજરી ગયા તે વર્ષ તો યાદ નથી. પણ તેમના ગયા પછી એક સવારે હું દહીં લેવા નીકળી અને બરાબર એટલે  બિલકુલ બરાબર તેમના જેવો જ એક માણસ લાખા પટેલની પોળેથી ચાલતો આવતો હતો.તેના પણ બંને હાથ પાછળ. એજ  ધીમી ચાલ,નીચી નજર. હું બી ગઈ. દોડતી પાછી વળી ગઈ. સાંકુ માના ઓટલે ઉભી જોવા લાગી. તો આપણી પોળ પાસેથી પસાર થતાં તે માણસે નજર ફેરવી. બાપ રે! હું તો કમુને બોલાવી આવી ને બતાવ્યું સતત બે દિવસ સુધી એ જ ટાઈમે એ નીકળતો અને હું ને કમુ જોવા બહાર ઉભા રહેતા. હજી આજે પણ મને પ્રશ્ન છે કે એ માણસ કોણ હશે? કાકાના મૃત્યુ પહેલાં તો ક્યારે ય એને જોયો ન હતો!!
 
‘હલોવીન’ Halloween આવે છે તેથી આ ખાસ યાદ આવ્યું અને લખ્યું.
ચાલો, આવજો, વાંચજો અને તમારી  પણ સ્મૃતિના દાબડામાંથી ઝવેરાતો કાઢી મોકલશો.
 નવીનભાઈના સંસ્મરણોમાં થોડું મારા તરફથી….
 
નવીનભાઈની કમાલ કરતી કલમ કહું કે સંસ્મરણોનો જાદૂ ! આજે બસ, કવિતાને બદલે સંસ્મરણો જેવું જ કંઈક લખવાનું મન થયું. વિદ્યાબા અને રમણકાકાની સ્મૃતિઓ ફરી એકવાર ઝુંપડીની પોળે ખેંચી ગઈ. 

બા તો બા જ હતા. પંડ્યા સાહેબે કહ્યું તે પ્રમાણે હા, એ સ્ત્રી દેહે પુરુષ હતાં. એમના વિષે લખવું ગમે, વાર્તાઓ કહેવી ગમે.  મારાં પાંચે ગ્રાન્ડ-ચીલ્ડ્રનને મારી પહેલી વાર્તા, ચહેરાના હાવભાવ દ્વારા,બાની વાર્તાથી, આ રીતે લંબાણપૂર્વક શરુ થાય”
My Grandma…. was a tall, fair and very strict lady.” હું જેવું શરું કરું કે એ લોકો તેમની આંખો  વિસ્મયથી પહોળી કરી કરી સાંભળતા જાય અને હસતા જાય”હું બંધ કરું તો વધુ ને વધુ પૂછતા જાય.

ખરેખર તો વિદ્યાબા મને રોજ જુદી જુદી વાર્તાઓ કહેતા. તેમની કહેવાની રીત ખુબ સરસ હતી. વર્ણન કરી કરી નાટકિય ઢબે એવી રીતે કહેતા કે આખી યે વાર્તાનું એક ચિત્ર ઉભું  થતું અને આંખોમાં મઢાઈ જતું. બીજે દિવસે હું નિશાળમાં વહેલી જઈજઈને બેનપણીઓને એ જ રીતે કહેતી. શોભા, શાન્તુ, મંજુ વગેરેને  પણ સાંભળવું ગમતું. બાની કલ્પના શક્તિ, યાદ શક્તિ અદભૂત હતી. તેમના જીવનમાં એક સરસ નિયમિતતા હતી. વહેલાં ઊઠવું, નહાવું, ધોવું, સેવા-પૂજા કરવી, રાંધવું બપોરે થોડું સૂઈ આરામ કરવો, સાંજે પોળના ઓટલે કે કાન્તા ફોઈને ઘેર જવું, મદદ કરવી, વહેલા જમીને સૂઈજવું..આ બધું જ નિયમિત સમયે. કદાચ એ નિયમિતતા જ એમના નિરોગી શરીરનું કારણ હશે.

હું ૬-૭ વર્ષની હતી ત્યારથી મારી પાસે પગ દબાવડાવે. રોજ બપોરે વાર્તા કહેતા જાય અને પગ દબડાવતા જાય.૯ વર્ષની હતી ત્યારથી પોતાની થોડી રોટલીઓ કરી આખી કણેક મને સોંપી રોટલી કરાવતા. મારે રોટલી કરવી જ પડે. દાળ- શાકનો મસાલો કરે તો મને સામે બેસાડે. મારે જોવાનું ને શીખવાનુ. કમુને તો અડવા યે ના દે. ઘરમાં એમનું જ રાજ. એમના શબ્દોમાં કહું તો એમનો જ ‘ઓડકોયડો”ચાલતો. રોજ કહેતાં કે,” રાખીશ ખાંડાની ધાર પર, પણ ખવડાવીશ સોનાનો કોળિયો.”
દર મહિને મને હાથમાં પાંચ થેલીઓ પકડાવે અને અનાજવાળાની દૂકાને લઈ જાય. ખીસામાં કંઇ ન હોય તો પણ રાણી વિકટોરિયાની જેમ પાટ પર બેસી, અનાજવાળા સાથે વાત કરી,હાથમાં કઠોળના દાણાને પરીક્ષકની નજરથી તપાસે અને સરખો ભાવતાલ કરી,થેલીઓમાં બરાબર તોળાવી ભરાવે. ઘેર આવીને તરત ને તરત જ સાફ કરી ભરાવે. પછી છીંકણીવાળાને ત્યાં મોકલી તેમની એક નક્કી કરેલી જગાએથી જ છીંકણી લેવા દોડાવે. હજી આજે પણ મને એ નાનું પડીકું યાદ આવે છે.અજાણે જ જીવનમાં  એમ કેટલું બધું શીખાતું જાય! ૮૦ વર્ષની ઉંમરે પણ છજાની સીધી નિસરણીના ૧૨ પગથિયા ચડીને ધાબે જ સૂવા જાય. હિંમત અને હૂન્નર તો બાના જ. મેં ક્યારેય તેમને થાકતા, કંટાળતા,હારતા જોયા નથી. કાયમ જ રસ્તાઓ કાઢતા રહેતાં. રમૂજી અને નાટકિયો સ્વભાવ પણ ખરો.
 
બા વિશે તો ઘણું બધું લખાય. એમના વિશે મને માન ખુબ જ. પણ મા પ્રત્યેનો તેમનો વ્યવહાર સતત યાદ આવતાં, પ્રેમની પાંદડી ખુલે ખુલે ને પાછી બીડાઈ જાય. નહિ તો આજે હું તેમની ચોક્કસ પૂજા કરતી હોત. મારામાં કમુ જેટલી મનની ઉદારતા ક્યારે ય ન આવી. કદાચ એટલે જ બા મને સ્વપનામાં ઘણી વખત આવ્યાં છે. પણ શું કરુ? ક્ષણે ક્ષણને મેં કમુ સાથે નિકટપણે વર્ષો સુધી સતત જીરવી છે અને રોજ સાંજે આશાપુરીના મંદિરમાં જઈ એની શાંતિ માટે ઝુરી છું.. કમુ વિશેની આડવાત પર પેન વળી જાય તે પહેલાં બાની થોડી વધુ વાતો કરી લઉં.

હા, તો હું એમ કહેતી હતી કે,બા મને સ્વપ્નમાં ઘણી વાર આવ્યાં છે.પણ ક્યારે ય ડરાવી નથી. એકવાર તો મેં ખરેખર અડધી રાત્રે છજામાં બાથરુમ જતા, ઉપરથી બાને નીચે ઉતરતા જોયા હતાં. આવા આભાસ તો એકથી વધુ વાર સાચા લાગે તેવી રીતે થયાં છે. ગમે તે કહો પણ બાએ આપણને સૌને ખુબ કાળજીથી ઉછેર્યા છે. નવીનભાઈ માટે તો અનહદ પ્રેમ. કોઈને એનો વાળ વાંકો કરવા ન દે. દૂધ તો માત્ર એને જ મળે. ફૂલકા રોટલી તો ખરી જ.બધા જ ભાઈબેનોની સારી-ખોટી  તમામ સ્વભાવગત વિગતોને એમણે પ્રમાણી છે. બોલવામાં આખાબોલા. જે જેવું લાગે કે તરત કહી નાંખે. એક ઘા ને બે કટકા. હું ભણવામાં હોશિયાર હતી. કારણ કે, એમણે મને હમેશા પોરસાવી છે. રિઝલ્ટને દિવસે ‘ દેવલી તો લઈ આવશે પહેલો નંબર’ એમ જ કહે અને એમની વાતને સાચી પાડવા જ જાણે મેં ય પહેલાં જ નંબરને પકડી રાખ્યો!! કોકીબેનને એકલા ન રહેવું પડે 
તેથી એની સાથે પાટણ –મહેસાણા રહ્યાં હતાં. એને પરણાવવામાં બાનો મોટો ફાળો. સંગીને પણ મારી જેમ કામ બતાવતા, શકુને  નહિ. એના વિશે તો ‘મૂઈ પોમલી છે’ એમ કહેતાં. વિરુ પાસે ટેપ કરાવતા એટલું જ યાદ આવે છે.

આપણી મૂળ વાત હતી દાદા વિશે જાણવાની. તો મને તો બાના શબ્દો આ પ્રમાણે યાદ છે” નાની ઉંમરમાં પરણીને અમદાવાદ આવી, બે છોકરાં થયાં પછી તારા દાદા તો તાવમાં ઝલાયાં ને ઉપડી ગયાં.ત્યારથી આ ઘર ચલાવતી આવી છું. ઘરના ઘર હતાં, ઘોડાગાડી હતાં ને ખુબ પૈસો પેઢીએ હતો. આ પોળના બે ય મોટાં મકાનો તારા દાદાના હતાં. બધું વેચીને છોકરા મોટા કર્યાં”.

હવે મને આજે એક સવાલ થાય છે કે એ જમાનામાં એવો તે કેવો તાવ, કે ચોખ્ખા ઘી-દૂધ ખાધેલો સાજો સમો સમૃધ્ધ માણસ,  ભરજુવાનીમાં ચાલ્યો જાય?!!
 
આવતે અંકે રમણકાકાની,…રેવાબાની વિગેરે વાતો. નવીનભાઈની સાંભળ્યા અને વાંચ્યા પછી..
 
દેવિકા

પ્રોસ્ટેટ કેન્સર

April 14th, 2011 Posted in Uncategorized

આજે મારે તમને  પ્રોસ્ટેટ કેન્સર અંગે એવી વાતો કરવી છે કે જે અંગે મોટાભાગના દર્દીઓ પેટછૂટી વાત કરતા શરમાતા હોય છે. ડોક્ટરો પણ બહુ સ્પષ્ટતાથી ઘણી વખત બધુ સ્પષ્ટ કહેતા નથી હોતા.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.