ચતુરકાકા અને ચંચળબા (એક પુરાની યાદ )
મારી વિદુષી બહેન દેવિકા ધ્રુવ ના સંસ્મરણો
આ લખવાની પણ એક ચાનક હોય છે. રમણકાકા વિશે વિચારું તે પહેલાં શકુની ઈમેઈલ વાંચી મોટાભાઈ વિશે લખવા પ્રેરાઈ.અમેરિકન જેવો નાક-નક્શો ધરાવતા મોટાભાઈનો ચહેરો આકર્ષક હતો. તેમનું વ્યક્તિત્વ ધારદાર અને આરપાર હતું. એ લાગણીશીલ હતા પણ લાગણીને વશ ન હતા. એ સ્વપ્નશીલ હતા,પણ સ્વમાનને ભોગે નહિ..એમના સ્વમાને એમના ક્રોધ પર રાજ્ય કર્યું હોત તો જગત ખૂંદી વળ્યા હોત, ડોનાલ્ડ ટ્રમ્પ બની શક્યા હોત.પણ એ ક્રોધ પર કાબૂ ન રાખી શક્યા તો પ્રારબ્ધે એમના પુરુષાર્થને પાડી દીધો.સમજણી થઈ ત્યારથી આ વાત મનમાં વસી ગઈ અને ગુસ્સાથી સભાન બનતી રહી.
આનાથી વિરુધ્ધ, બીજી બાજુ, તેઓ નામ પ્રમાણે રંગીલા રસીલા પણ હતાં. બાને એ વિદુ કહેતા અને કમુને ‘બેરી’ કહેતા. વિરુને લઈ બધે વાંસળી વગાડવા જવાનું તેમને ખુબ જ ગમતું. ઘણીવાર વિરુ ના પાડે તો છાનામાના જાય. બહારથી એ આવે કે તરત જ સંગી એમને આખા દિવસની, કહેવાની કે ના કહેવાની, બધી વાતો કરી દે. શકુને પણ કદી લઢ્યા હોય તેવું મને યાદ નથી.આર્થિક લાચારીના સમયમાં મને એવું સ્મરણ છે કે એ કોકિબેનથી ડરતા. નવીનભાઈ સાથે ઝાઝુ બનતું નહિ. જમી પરવારી મારી સાથે રાત્રે પત્તા રમવા બેસતાં. એક રંગની રમી રમવામાં એમને મઝા આવતી. એમ લાગે છે કે બાએ તેમને નાનપણમાં લાડ લડાવ્યાં હશે.નહિ તો બાળપણમાં બાપની છત્રછાયા ગુમાવેલ છોકરામાં ગંભીરતા અને યોગ્ય માર્ગ પર રહેવાની વૃત્તિ સબળ હોય. જો કે, સારી નોકરીને ગુસ્સાને કારણે લાત માર્યા પછી,આપણને બધાને તકલીફ ન પડે તે માટે તે ઠેકઠેકાણે,દૂર દૂર સુધી (Banglore)ગયાં, એકલાં રહ્યાં,ખાવા-પીવાથી માંડીને ઘણી જાતજાતની મુશ્કેલીઓનો સામનો કરતા રહ્યાં. પણ નસીબે એમને યારી ન આપી તે ન જ આપી. છેવટે, આર્થિક સંકડામણ વચ્ચેની એ નિષ્ફળતા અને કેટલીક કુટેવોની અસર શરીર પર પડી ને વહેલાં પટકાયા.
બાની સરખામણીમાં મોટાભાઈમાં ઓછી પ્રતિભા અને ઓછા ગુણો. છતાં મને એમના માટે બા કરતાં થોડું વધારે ખેંચાણ ખરું. એટલા માટે કે મેં મોટાભાઈનો કમુ માટેનો પ્રેમ જોયો છે,અનુભવ્યો છે. લડવા-ઝઘડવા છતાં કમુને કામમાં મદદ કરતા હતાં. ઘરમાં જ્યારે જ્યારે કોઈ ન હોય ત્યારે ‘લાવ,તને થોડાં વાસણ મંજાવી લઉં’ હસીને કહેતાં અને કરતા પણ. પાણીની ડોલ પણ ખેંચી આપતા,ઘણીવાર સવારે ચહા બનાવતા અને ઘેર લાવેલા તાકામાંથી રેસા પણ કપાવતા. કમુ પરના ગુસ્સામાં તેમની લાચારીની વેદના જણાતી. થોડા પૈસા વધુ મળશે એ વિચારે (રેસા કાપવા જતી ત્યારે ) કમુ ઘેર મોડી આવે ત્યારે એ લડતા કારણ કે,તેમને કમુ માટે પ્રેમ હતો એવું મને તે સમયે પણ લાગતું અને આજે પણ સમજાય છે.કાશ ! એમના સ્વભાવમાં ગુસ્સો ન હોત તો !એ રીતે મને રમણકાકા ગમતા. એમણે કદી ગુસ્સો કર્યો નથી. એ ભલે ઓછી બુધ્ધિના ગણાતાં પણ તેમની સમજણ જેટલીહતી તેટલી સાચી હતી. એ હંમેશા કમુનો પક્ષ જ લેતા. કદી ઉંચા સાદે બોલતા નહિ. મંગુમાશીની જેમ જ શાંત રહેતા. એ કેમ ન ભણ્યા,ન કમાવા ગયા, કેમ ન પરણ્યાં…કશી જ ખબર નથી. ઉઠવું,ખાવું,પીવું બધું જ એકદમ નિયમિત. ઘડિયાળના કાંટે જ ચાલે. કોઈ જ એમને ગણતું નહતું કમુને ભાભી ભાભી કરતા. કમુ પણ એમને માનથી બોલાવતી અને એમના તરફ ભલી લાગણી રાખતી. કોઈ એમને ઘાંટા પાડે તે કમુને ગમતું નહિ.
સવારે ૯ વાગે કાકા ચાલવા જાય ત્યારે હંમેશા બંને હાથ પાછળ રાખીને ધીમુ ચાલતા. કલાકેક ચાલે પછી ઘેર આવે. હંમેશા ઝભ્ભો,ધોતિયું અને કાળી ટોપી પહેરતા. ખમીસ પહેર્યાનું સ્મરણ નથી. આ લખું છું ત્યારે એક મઝાની વાત યાદ આવે છે. કાકા ક્યારે ગુજરી ગયા તે વર્ષ તો યાદ નથી. પણ તેમના ગયા પછી એક સવારે હું દહીં લેવા નીકળી અને બરાબર એટલે બિલકુલ બરાબર તેમના જેવો જ એક માણસ લાખા પટેલની પોળેથી ચાલતો આવતો હતો.તેના પણ બંને હાથ પાછળ. એજ ધીમી ચાલ,નીચી નજર. હું બી ગઈ. દોડતી પાછી વળી ગઈ. સાંકુ માના ઓટલે ઉભી જોવા લાગી. તો આપણી પોળ પાસેથી પસાર થતાં તે માણસે નજર ફેરવી. બાપ રે! હું તો કમુને બોલાવી આવી ને બતાવ્યું સતત બે દિવસ સુધી એ જ ટાઈમે એ નીકળતો અને હું ને કમુ જોવા બહાર ઉભા રહેતા. હજી આજે પણ મને પ્રશ્ન છે કે એ માણસ કોણ હશે? કાકાના મૃત્યુ પહેલાં તો ક્યારે ય એને જોયો ન હતો!!‘હલોવીન’ Halloween આવે છે તેથી આ ખાસ યાદ આવ્યું અને લખ્યું.ચાલો, આવજો, વાંચજો અને તમારી પણ સ્મૃતિના દાબડામાંથી ઝવેરાતો કાઢી મોકલશો.નવીનભાઈના સંસ્મરણોમાં થોડું મારા તરફથી….નવીનભાઈની કમાલ કરતી કલમ કહું કે સંસ્મરણોનો જાદૂ ! આજે બસ, કવિતાને બદલે સંસ્મરણો જેવું જ કંઈક લખવાનું મન થયું. વિદ્યાબા અને રમણકાકાની સ્મૃતિઓ ફરી એકવાર ઝુંપડીની પોળે ખેંચી ગઈ.
બા તો બા જ હતા. પંડ્યા સાહેબે કહ્યું તે પ્રમાણે હા, એ સ્ત્રી દેહે પુરુષ હતાં. એમના વિષે લખવું ગમે, વાર્તાઓ કહેવી ગમે. મારાં પાંચે ગ્રાન્ડ-ચીલ્ડ્રનને મારી પહેલી વાર્તા, ચહેરાના હાવભાવ દ્વારા,બાની વાર્તાથી, આ રીતે લંબાણપૂર્વક શરુ થાય”My Grandma…. was a tall, fair and very strict lady.” હું જેવું શરું કરું કે એ લોકો તેમની આંખો વિસ્મયથી પહોળી કરી કરી સાંભળતા જાય અને હસતા જાય”હું બંધ કરું તો વધુ ને વધુ પૂછતા જાય.ખરેખર તો વિદ્યાબા મને રોજ જુદી જુદી વાર્તાઓ કહેતા. તેમની કહેવાની રીત ખુબ સરસ હતી. વર્ણન કરી કરી નાટકિય ઢબે એવી રીતે કહેતા કે આખી યે વાર્તાનું એક ચિત્ર ઉભું થતું અને આંખોમાં મઢાઈ જતું. બીજે દિવસે હું નિશાળમાં વહેલી જઈજઈને બેનપણીઓને એ જ રીતે કહેતી. શોભા, શાન્તુ, મંજુ વગેરેને પણ સાંભળવું ગમતું. બાની કલ્પના શક્તિ, યાદ શક્તિ અદભૂત હતી. તેમના જીવનમાં એક સરસ નિયમિતતા હતી. વહેલાં ઊઠવું, નહાવું, ધોવું, સેવા-પૂજા કરવી, રાંધવું બપોરે થોડું સૂઈ આરામ કરવો, સાંજે પોળના ઓટલે કે કાન્તા ફોઈને ઘેર જવું, મદદ કરવી, વહેલા જમીને સૂઈજવું..આ બધું જ નિયમિત સમયે. કદાચ એ નિયમિતતા જ એમના નિરોગી શરીરનું કારણ હશે.હું ૬-૭ વર્ષની હતી ત્યારથી મારી પાસે પગ દબાવડાવે. રોજ બપોરે વાર્તા કહેતા જાય અને પગ દબડાવતા જાય.૯ વર્ષની હતી ત્યારથી પોતાની થોડી રોટલીઓ કરી આખી કણેક મને સોંપી રોટલી કરાવતા. મારે રોટલી કરવી જ પડે. દાળ- શાકનો મસાલો કરે તો મને સામે બેસાડે. મારે જોવાનું ને શીખવાનુ. કમુને તો અડવા યે ના દે. ઘરમાં એમનું જ રાજ. એમના શબ્દોમાં કહું તો એમનો જ ‘ઓડકોયડો”ચાલતો. રોજ કહેતાં કે,” રાખીશ ખાંડાની ધાર પર, પણ ખવડાવીશ સોનાનો કોળિયો.”દર મહિને મને હાથમાં પાંચ થેલીઓ પકડાવે અને અનાજવાળાની દૂકાને લઈ જાય. ખીસામાં કંઇ ન હોય તો પણ રાણી વિકટોરિયાની જેમ પાટ પર બેસી, અનાજવાળા સાથે વાત કરી,હાથમાં કઠોળના દાણાને પરીક્ષકની નજરથી તપાસે અને સરખો ભાવતાલ કરી,થેલીઓમાં બરાબર તોળાવી ભરાવે. ઘેર આવીને તરત ને તરત જ સાફ કરી ભરાવે. પછી છીંકણીવાળાને ત્યાં મોકલી તેમની એક નક્કી કરેલી જગાએથી જ છીંકણી લેવા દોડાવે. હજી આજે પણ મને એ નાનું પડીકું યાદ આવે છે.અજાણે જ જીવનમાં એમ કેટલું બધું શીખાતું જાય! ૮૦ વર્ષની ઉંમરે પણ છજાની સીધી નિસરણીના ૧૨ પગથિયા ચડીને ધાબે જ સૂવા જાય. હિંમત અને હૂન્નર તો બાના જ. મેં ક્યારેય તેમને થાકતા, કંટાળતા,હારતા જોયા નથી. કાયમ જ રસ્તાઓ કાઢતા રહેતાં. રમૂજી અને નાટકિયો સ્વભાવ પણ ખરો.બા વિશે તો ઘણું બધું લખાય. એમના વિશે મને માન ખુબ જ. પણ મા પ્રત્યેનો તેમનો વ્યવહાર સતત યાદ આવતાં, પ્રેમની પાંદડી ખુલે ખુલે ને પાછી બીડાઈ જાય. નહિ તો આજે હું તેમની ચોક્કસ પૂજા કરતી હોત. મારામાં કમુ જેટલી મનની ઉદારતા ક્યારે ય ન આવી. કદાચ એટલે જ બા મને સ્વપનામાં ઘણી વખત આવ્યાં છે. પણ શું કરુ? ક્ષણે ક્ષણને મેં કમુ સાથે નિકટપણે વર્ષો સુધી સતત જીરવી છે અને રોજ સાંજે આશાપુરીના મંદિરમાં જઈ એની શાંતિ માટે ઝુરી છું.. કમુ વિશેની આડવાત પર પેન વળી જાય તે પહેલાં બાની થોડી વધુ વાતો કરી લઉં.
હા, તો હું એમ કહેતી હતી કે,બા મને સ્વપ્નમાં ઘણી વાર આવ્યાં છે.પણ ક્યારે ય ડરાવી નથી. એકવાર તો મેં ખરેખર અડધી રાત્રે છજામાં બાથરુમ જતા, ઉપરથી બાને નીચે ઉતરતા જોયા હતાં. આવા આભાસ તો એકથી વધુ વાર સાચા લાગે તેવી રીતે થયાં છે. ગમે તે કહો પણ બાએ આપણને સૌને ખુબ કાળજીથી ઉછેર્યા છે. નવીનભાઈ માટે તો અનહદ પ્રેમ. કોઈને એનો વાળ વાંકો કરવા ન દે. દૂધ તો માત્ર એને જ મળે. ફૂલકા રોટલી તો ખરી જ.બધા જ ભાઈબેનોની સારી-ખોટી તમામ સ્વભાવગત વિગતોને એમણે પ્રમાણી છે. બોલવામાં આખાબોલા. જે જેવું લાગે કે તરત કહી નાંખે. એક ઘા ને બે કટકા. હું ભણવામાં હોશિયાર હતી. કારણ કે, એમણે મને હમેશા પોરસાવી છે. રિઝલ્ટને દિવસે ‘ દેવલી તો લઈ આવશે પહેલો નંબર’ એમ જ કહે અને એમની વાતને સાચી પાડવા જ જાણે મેં ય પહેલાં જ નંબરને પકડી રાખ્યો!! કોકીબેનને એકલા ન રહેવું પડેતેથી એની સાથે પાટણ –મહેસાણા રહ્યાં હતાં. એને પરણાવવામાં બાનો મોટો ફાળો. સંગીને પણ મારી જેમ કામ બતાવતા, શકુને નહિ. એના વિશે તો ‘મૂઈ પોમલી છે’ એમ કહેતાં. વિરુ પાસે ટેપ કરાવતા એટલું જ યાદ આવે છે.આપણી મૂળ વાત હતી દાદા વિશે જાણવાની. તો મને તો બાના શબ્દો આ પ્રમાણે યાદ છે” નાની ઉંમરમાં પરણીને અમદાવાદ આવી, બે છોકરાં થયાં પછી તારા દાદા તો તાવમાં ઝલાયાં ને ઉપડી ગયાં.ત્યારથી આ ઘર ચલાવતી આવી છું. ઘરના ઘર હતાં, ઘોડાગાડી હતાં ને ખુબ પૈસો પેઢીએ હતો. આ પોળના બે ય મોટાં મકાનો તારા દાદાના હતાં. બધું વેચીને છોકરા મોટા કર્યાં”.હવે મને આજે એક સવાલ થાય છે કે એ જમાનામાં એવો તે કેવો તાવ, કે ચોખ્ખા ઘી-દૂધ ખાધેલો સાજો સમો સમૃધ્ધ માણસ, ભરજુવાનીમાં ચાલ્યો જાય?!!આવતે અંકે રમણકાકાની,…રેવાબાની વિગેરે વાતો. નવીનભાઈની સાંભળ્યા અને વાંચ્યા પછી..દેવિકા
પિતાશ્રી સાથેના, સંગીતા ના સંસ્મરણો
સંગીતા અમારી સૌથી નાની બહેન છે. ૧૯૬૨માં એનો જન્મ થયેલો અને મારા લગ્ન ૧૯૬૩ માં થયેલા એટલે કે મારા લગ્ન વખતે એ દસ મહિનાની હતી અમારે મન , એ અમારી નાની બહેન કરતાં દીકરી વધુ છે. એની પાસે ગુજરાતી ફોન્ટ્સ નથી. એટલે તેણે, સંસ્મરણો અંગ્રેજીમાં લખ્યા છે. આજે તે તેના પતિ શ્રી. અમીતકુમાર, અને બે બાળકો-નિકિતા તથા આનંદ સાથે ડલાસમાં રહે છે. આઝાદ રેડિયો પર જોકી પણ છે.
મારા બાળપણનો દોસ્ત અરવિંદ ઠેકડી
અરવિંદ ઠેકડી
આજે મારા બાળપણના મિત્ર શ્રી. અરવિંદ ઠેકડી અને મંજુલાબેન ઠેકડીના ૫૦ વર્ષના પ્રસન્ન દામ્પત્યજીવનની સુવર્ણજયંતિની ( ગોલ્ડન જ્યુબિલી ) ઉજવણી પ્રસંગે તેમના સંતાનો દ્વારા યોજાયેલી પાર્ટીમાં જવાનો પ્રસંગ મને પ્રાપ્ત થયો હતો. નરીન્સ બોમ્બે બ્રેસરીઝ નામના , હ્યુસ્ટનના વેસ્ટ લૂપ સાઉથ પર આવેલા રેસ્ટોરન્ટમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. થોડાક મિત્રો અને કુટુંબીજનોની હાજરીમાં , સ્વાદિષ્ટ ભોજન અને પુત્ર-પૌત્ર-પૌત્રીઓ દ્વારા રજૂ કરાયેલા આ કાર્યક્રમમાં સ્લાઈડ-શો દ્વારા ભુતકાળની ખુબસુરત યાદો તાજી કરવામાં આવી હતી.
કાર્યક્રમનું સંચાલન, અરવિંદભાઇની દીકરી હીનાની બે દીકરીઓ-શિવાની અને જાન્હવી- દ્વારા સૂપેરે કરવામાં આવ્યું હતું. અરવિંદભાઇના સુપુત્ર અપૂર્વ અને પુત્રવધુ સીમાની બે દીકરીઓ આશા (૧૨) અને જયા (૯) દ્વારા બે ફિલ્મી રેકર્ડ ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા.તેમના વેવાણ એટલે કે દીકરી હિનાના સાસુ તનમનબેન પંડ્યાએ રફી અને સુમન કલ્યાણપુર દ્વારા કોઇ હિન્દી ફિલ્મમાં ગવાયેલું ‘દિલે બેતાબકો સીનેસે લગાના હોગા’ ભાવવાહી રીતે રજૂ કર્યું હતું. બીજા એક ભાર્ગવી રાયજી નામના બહેન દ્વારા પણ ગીતાદતનું ‘ ન યે ચાંદ હોગા, ન તારે રહેંગે, મગર હમ હમેશાં તુમ્હારે રહેંગે’ જેવું પ્રસંગોચિત ગીત રજૂ કરવામાં આવ્યું હતું.
અરવિંદ-મંજુલાની દીકરીઓ હીના અને અનિતા દ્વારા તેમના માતાપિતાને પ્રશ્નોત્તરી દ્વારા, તેમની પસંદગીના ભોજન, મનગમતા સ્થળો, પહેલું ઘર જેવી યાદો તાજી કરાઇ હતી. તેમના યુવાન અને હેન્ડસમ ગોરા ગોરા દીકરા અપૂર્વએ સ્લાઈડ શો દ્વારા જીવનના વિવિધ પ્રસંગોની સમજ આપીને, આમંત્રિતોને માહિતી આપી હતી. આ અપૂર્વ મને સિરીયલના કોઇ યુવાન નવોદિત અભિનેતાની યાદ તાજી કરાવતો હતો.
,
- 3 Attachments
- View all
- Download all
મારો લાલિયો કુતરો
મારો લાલિયો કુતરો
આ વાત અમદાવાદની અને મારા બાળપણની છે. માણેકચોકમાં , સાંકડીશેરીમાં અમે ભાડાના ઘરમાં, મેડા પર રહેતા ત્યારે, મારી ઉંમર પંદરેક વર્ષની હતી. અમારી ખડકી ના નાકે, ચાર-પાંચ કુતરા તો હોય જ. બે ગાયો પણ રસ્તાની વચ્ચે બેઠેલી હોય. અમને ગાયોના શીંગડાની બહુ બીક લાગે. ખડકીમાં ૪૫ ડીગ્રીના કોર્નર પર વીજળીની બત્તીનો એક મ્યુનિસિપલ થાંભલો ,જેનું અજવાળુ, ખડકીના નાકા પર ન પડે. રાત્રે તો ખડકીમાં પ્રવેશતાં, ધ્યાન રાખવું પડે કે વચ્ચે ગાયબાય તો બેઠી નથી ને ? ક્યારેક કુતરા પણ બેઠેલા હોય ! પણ કુતરાઓનું તો એટલું સારૂ કે માણસને ખડકીમાં આવતો જુએ કે તરત ભસીને પોતાની હાજરી જાહેર કરી દે. પણ…ખડકીના રહેવાસીઓને કુતરા ઓળખી ગયેલા. કોઇને ય ક્યારેય કોઇ કુતરુ કરડ્યું હોય એવું મને યાદ નથી. સામાન્ય રીતે કુતરા લાલ, કાળા અને ધોળા રંગના. અમારા ઘરમાં, મારા દાદીમા સવારે નવ વાગ્યે ઘરના ૧૧ માણસ માટે રોટલી વણવા બેસે અને પહેલી રોટલી ગાય-કુતરા માટે જુદી રાખે. મોટેભાગે મને જ કહે કે –‘નવીનીયા, જા..પહેલા ગાયકુતરાની રોટલી નાંખી આવ. પછી ખાવા બેસ.’ જો મને એ દિવસે ગાય કે કુતરુ જોવા ન મળે તો ખડકીના નાકે, હેમુબેનની ઓટલી પર રોટલી મૂકી દઉં અને પછી જમવા બેસી જઉં. હેમુબેન ની ઓટલી અને હાંકુમાનો ઓટલો – મને આજે ય યાદ છે. હાંકુમા એટલે સંતોકબેન. પણ અમે ક્યારેય એમના એ નામને જાણતા જ નહોતા. હેમુબેન એક ડોસાને ,નવા નવા પરણીને આવેલા ત્યારે મારી ઉંમરના કિશોરોને એ ખુબ રૂપાળા લાગતા હતા. પછી જેમ જેમ અમે વધુ ને વધુ જુવાન થતા ગયા એમ એમ હેમુબેન ઘરડા થતા ગયા. છેવટે છેવટે તો એમના દાંત પણ પડી ગયેલા અને સા..વ.. ડોશી બની ગયેલા મેં જોયા હતા. કિશોરવયના મારા દોસ્તદારોમાં, અનિલ, ગુણવંત, દ્ત્તુ, રાજુ, ગિરીશ, મુરલીધર ( મોરલી), પ્રબોધ, સુરેન્દ્ર, પ્રવિણ, દેવલો ((દેવેન્દ્ર), કાનુ મને યાદ છે. આ મિત્રો સાથેની યે યાદો છે. પણ આજે તો મારે મારા લાલિયા કુતરાની વાત કરવી છે.
લાલિયો અમારા ઓટલા પર પુંછ્ડી દબાવીને બેઠેલો હોય. મને જોઇને પુંછડી પટપટાવે, મારા પગ ચાટે. મારી પાછળ પાછળ આવે. કોઇની સાથે ઝઘડો થાય અને મારામારીમાં મારે માર ખાવાનો વખત આવે ત્યારે હું એ દુશ્મન ( આમ તો એ મિત્ર જ હોય) પાછળ લાલિયાને છોડી દઉં. એટલે પેલો ભાગી જાય. લાલિયો કરડતો નહીં. અસ્સલ હિન્દુસ્તાની હતો એ. કોઇ આતંકવાદી ગમે તેટલા હુમલા કરે કે માથા વાઢી જાય પણ એ માત્ર ભસતા જ શીખેલો. ઘણીવર તો હું એને પોળને નાકે આવેલી કન્યાશાળાની બારીઓના ઓટલા પર બાજુમાં બેસાડીને પંપાળતો. મને એની આંખોમાં સ્નેહ દેખાતો. લાલિયાને નાંખેલો રોટલો બીજો બળવાન કુતરો ઝુંટવી જાય તો હું એને માટે બીજો રોટલો કે રોટલી લઈ આવીને ખવડાવતો. એક દિવસ, મ્યુનિસિપાલિટીની ગાડી આવીને કુતરા પકડી ગઈ એમાં મારો લાલિયો પણ ઝડપાઈ ગયો. આમે ય એ અહિંસક જ હતો ને ! અને…અહિંસકોને હંમેશાં માર જ ખાવાનો હોય છે. મને મહાત્મા ગાંધીજીની અહિંસામાં જરા ય વિશ્વાસ નથી, હું એમાં માનતો પણ નથી. નાનો હતો ત્યારથી હું આક્રમક રહ્યો છું. હું કોઇની સાથે લડતો હઉં તો મારા લલિતાપવાર જેવા દાદીમા પંખો લઈને દોડતા આવીને મારૂં ઉપરાણું લે અને મારી સાથે લડવાવાળા અને એની માને પણ ઝાટકી નાંખતા.
આજે પણ હું મારા આક્રમક સ્વભાવને બરાબર ઓળખું છું એટલે કોઇ જ સંસ્થામાં કમિટી કે કોઇ પદ પર ઉભો રહેતો નથી. મને કોઇ સહેલાઈથી ઉશ્કેરી શકે છે. અને હું આક્રમક બની જાઉં એવો મને ડર રહે છે. મારામાં સહનશીલતા અને ધીરજના ગુણો નથી. મારામાં મતાંતરક્ષમાનો ગુણ પણ નથી.
હું આડીવાતે ઉતરી ગયો…હમણાં એક સિનિયર સિટીઝન ડોશીમાને રાઇડ આપીને તેમને ઘેર ઉતારવા ગયો ત્યારે એમના ઘરમાં ડાઘિયા જેવા કુતરાને જોઇને મને ડર લાગી ગયેલો. કારણકે અત્યારે હવે આ ઉંમરે હું દોડીને ભાગી જઈ શકતો નથી. મારી નાની બહેન સંગીતા ધારિઆ ને ઘેર પણ એક ‘એમા’ નામની શ્વાન છે. ઘરના સભ્યની જેમ જ એને રાખે છે. . મારી પત્નીને કુતરા નથી ગમતા. કોઇના ઘેર કુતરો હોય કે બિલાડી હોય તો એમના સોફા પર બેસતાં યે એને સુગ ચડે છે.
હમણાં શ્રી. પી કે. દાવડા સાહેબનો એક લેખ વાંચ્યો, જે તેમના સૌજન્યથી આ સાથે નીચે કોપી-પેસ્ટ કરીને મૂકું છું.
અમેરિકામાં પાળેલા કુતરા
અમેરિકામાં ૨૦૧૧ માં એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે અમેરિકામાં બેતૃતિયાંસ ઘરોમાં કોઈને કોઈ પાળેલું પ્રાણી છે, અને આમાં સૌથી વધારે સંખ્યા કુતરાઓની છે. આજે જ્યારે માણસ એક બીજા પ્રત્યે વિશ્વાસ ગુમાવતો જાય છે ત્યારે પ્રાણીઓની વફાદારી માણસ કરતાં બે વેંત ઉંચેરી મનાય છે.
અમેરિકામાં પાળેલા કુતરા ઘરના એક સભ્યના જેટલો હક ભોગવે છે. ૯૦ % અમેરિકનોએ આ વાતનું સમર્થન કર્યું છે. સર્વેમાં એ પણ જાણવા મળ્યું કે અમેરિકાની ૪૦ % ગૃહીણીઓ માને છે કે એમના પતિ અને એમના સંતાનો કરતાં એમનું કુતરૂં એમને થોડો વધારે પ્રેમ કરે છે.
અહીં અમેરિકનો કુતરા પાછળ સમય અને ધન બન્નેનો દિલ ખોલીને ખર્ચ કરે છે. પોતે કામે ગયા હોય ત્યારે કુતરાને Day Care માં મૂકી જાય છે, જેથી એની ખાવા-પીવાની અને અન્ય સગવડ સચવાય. કુતરાઓ માટે ખાસ Clinics અને Hospitals ની બધે જ સગવડો છે. મારા એક મિત્ર પશુઓના ડૉકટર છે, અને એમની માલિકીની સાત પશુ હોસ્પિટલ છે. એ ધંધામાંથી એ એટલું કમાયા છે કે એમની માલિકીની Real Estate માં ૧૨૦૦ ભાડુત છે, અને એમની સંપત્તિ કરોડો ડોલરની છે.
અમેરિકનો પોતાની Wallet માં પોતાના સંતાનોના ફોટા રાખે છે, અને સાથે પોતાના કુતરાનો પણ ફોટા રાખે છે. કુતરૂં મરી જાય તો તેઓ અતિ ગમગીન થઈ જાય છે, અને શોક પાળે છે. અહીં કુતરાં માટે અલગ કબ્રસ્તાનો છે, અને એની ઉપર મોંઘા મોંઘા Tomb Stone મૂકવામાં આવે છે. ખોવાયલા કુતરાને શોધવા માટે ઈનામની જાહેરાતો આપવામાં આવે છે. ગ્રીટીંગકાર્ડ બનાવનારી હોલમાર્ક કંપનીના કુતરાઓને શુભેચ્છા આપતા કાર્ડસ મોટા પ્રમાણમાં વેચાય છે.
અમેરિકામાં પાળેલા કુતરાઓનું મહત્વ એટલું વધી ગયું છે કે Genetech નામની જગ પ્રસિધ્ધ બાયોટેક કંપનીએ તો કામપર, કુતરા સાથે લાવવાની છૂટ આપી છે, અને એમની સારસંભાળ લેવા વ્યવસ્થા કરી છે. સ્ટોરોમાં કુતરાઓના વપરાશની નવી નવી વસ્તુઓ અને કુતરાઓ માટેનો ખોરાક મોટા પ્રમાણમાં વેચાય છે.
આ કુતારાઓ બધી જાતના હોય છે. નાના નાના અનેક જાતના સુંદર ગલુડિયાં અને મોટા વાઘ જેવા કુતરા. હું તોજોઈને છક થઈ ગયો કે આ કુતરાઓ કેટલા બધા ટ્રેઈન્ડ છે. માલિકની અંગ્રેજીમા બોલાયલી બધી વાતો સમજે છે.એક ઉદાહરણ આપું. એક નાનું ગલુડિયું મને જોઈને ભસ્યું. એની માલકણે કુતરાને કહ્યું, “બેડ બોય. ગો એન્ડએપોલોજાઇસ”. કુતરૂં મારી પાસે આવીને ચુપચાપ ઊભું રહ્યું. મેં કહ્યું, “ઈટ્સ ઓ.કે.” ત્યારે જ એ પાછું ગયું. આવા તોઅનેક અનુભવો મને થયા છે. હવે મને પણ આ શિસ્તબધ્ધ કુતરા ગમવા લાગ્યા છે. જ્યારે પણ હું કોઈ કુતરા સામેપ્રેમથી જોઉં છું, ત્યારે એમના માલિક મારી સામે હસીને આભાર વ્યક્ત કરે છે. જ્યારે પણ હું કુતરાના વખાણ કરૂં છુંત્યારે કુતરા કરતાં એના માલિક વધારે રાજી થાય છે!! માલિકો તો એ બધું સમજતો હોય એવી રીતે એની સાથે વાતચીત કરે છે. જો ન માને તો એને ઠપકામાં માત્ર Bad boy કે Bad girl એટલું જ કહે છે.
માલિકો પોતાના કુતરાને અબાધિત પ્રેમ કરે છે. બદલામાં કુતરાઓ પણ એમના માલિકને ખરા દિલથી પ્રેમ કરે છે.માલિકની ગંધથી પણ એ પરિચિત હોય છે. આખો દિવસ ઘરમા પુરાયેલા હોવા છતાં, માલિકની ગાડી ઘરના ગેરેજપાસે આવે તો એમને તરત ખબર પડી જાય છે, અને ભસીને એમને આવકાર આપે છે. ઘર ખુલતાં જ માલિકનેવળગી પડે છે. અમેરિકામાં બાળકો મોટા થાય ત્યારે પોતાનું અલગ ઘર વસાવવા માબાપને છોડી જતા રહે છે ત્યારેમાબાપની એકલતા ટાળવામાં પાળેલા કુતરા મોટો ભાગ ભજવે છે. (પી કે. દાવડા )
આજે મને મારો એ લાલિયો યાદ આવી ગયો -આ લેખ વાંચતાં.
મને કુતરાઓને પકડીને લઈ જતી ગાડીઓ અને સાણસાથી પકડેલા કુતરાઓને જોઇને હંમેશાં દુઃખ થાય છે.
ડંડા મારી મારીને પોલીસવાનમાં ધકેલી દેવાતા માણસોને જોઇને પણ મને પોલીસો પર ઘૃણા થાય છે. ( મને ત્રણ વખત ‘પોલીસ- બૃટાલિટી’ ના અનુભવ થયેલા છે.)
આ વાતો તો સાઇઠ વર્ષ પહેલાંની છે.
આજે ય જ્યારે જ્યારે હું અમદાવાદ જાઉં છું ત્યારે ત્યારે અચૂક અમારી સાંકડીશેરીની એ ખડકીમાં જાઉં છું અને ‘હાંકુમા ના ઓટલે’ બેસીને આંખના ખુણા ભીના કરી લઉં છું. અમારા ફ્રીઝમાં મૂકેલી ચાર ચાર દિવસની રોટલીઓને માઇક્રોમાં મૂકીને ,ગરમ કરીને ખાતાં ખાતાં, મને હેમુબેનની ઓટલી પર મૂકેલી સુક્કી રોટલીઓ યાદ આવી જાય છે,
લાલદરવાજાથી બસમાથી ઉતરીને, ચાલતાં ચાલતાં ત્રણ દરવાજા…પાનકોરનાકા..ફુવારા..માણેકચોક..સાંકડીશેરી.. રાયપુર ચકલા..કુમાર કાર્યાલય… રાયપુર દરવાજા…જાઉં , ઘણાં સંસ્મરણો વાગોળું, થોડું રડી પણ લઉં..
પણ…ગયા માર્ચ માસમાં અમદાવાદ ગયો ત્યારે મારા પગમાં એટલું ચાલવાની શક્તિ ન હતી. બસમાં ચઢવાની હિંમત પણ ન હતી…બે-ત્રણ વખત કુમાર કાર્યાલયમાં ગયો, પણ રીક્ષામાં જ જવું પડ્યું હતું…
હું સમજી ચૂક્યો છું કે હવે મારા અંતની શરૂઆત થઈ ચૂકી છે. એક એક અંગની ક્રિયાશીલતા ઘટતી જાય છે.
શ્રીરામ..શ્રીરામ….
નવીન બેન્કર
લખ્યા તારીખ- ૨૦ ઓગસ્ટ ૨૦૧૫
નવીન બેંકર—–એક પરિચય લેખ
નવીન બેંકર
નવીનભાઈનો જન્મ ૧૯૪૧ માં અમદાવાદ નજીકના ભુડાસણ ગામમાં થયેલો. પિતાએ મેટ્રીક સુધીનો અભ્યાસ કરેલોઅને એક મીલમાં નોકરી કરતા હતા. માતા ચાર ધોરણ સુધી ભણેલા હતા. આ એક મધ્યમવર્ગી કુટુંબ હતું. નવીનભાઈનું શાળા કોલેજનું ભણતર અમદાવાદમાં જ થયેલું.કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિને લઈને ૧૦ મા અને ૧૧ મા ધોરણના અભ્યાસ દરમ્યાન એમને થોડા પૈસા કમાવવા માટે અનેક પ્રકારના નાના મોટા કામો કરવા પડેલા. એમના જ શબ્દોમાં લખું તો, “ધોરણ ૧૦ અને ૧૧ના અભ્યાસ દરમ્યાન ‘સંદેશ’માં ટ્રેડલ મશીન પર કેલેન્ડરના દટ્ટા કાપવાની નોકરી રાત્રિના સમયે કરી છે. રસ્તા પર બુમો પાડીનેછાપાં વેચ્યા છે, અને ૧૫૦ બાંધેલા ગ્રાહકોને, ઉઘાડા પગે, છાપાં પહોંચાડ્યા છે. સ્કુલમાંથી દાંડી મારીને ‘સેવક’ છાપાંના વધારા ભરબપોરે વેચ્યા છે, એટલું નહિં પણ દિવાળી ટાણે ખભે પાટિયું ભરાવી માણેકચોકમાં ફટાકડા વેચતો અનેઉતરાણના આગલા દિવસોમાં પતંગ-દોરી પણ વેચવા નીકળતો. આ સમય દરમ્યાન, ફેરિયાઓ સાથે મારામારી પણ થતી. મફતિયા પોલીસોનો માર પણ ખાધો છે.”૧૯૫૮ માં નવીનભાઈએ S.S.C. ની પરીક્ષા પસાર કરી. ૧૯૫૮ થી ૧૯૬૦ સુધી બે વર્ષ અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ ૧૯૬૦ થી ૧૯૬૨ સુધી અમદાવાદની એચ.એ. કોલેજ ઓફ કોમર્સમાં અભ્યાસકર્યો. આ સમય દરમ્યાન લો કોલેજ ગાર્ડનમાં એ વખતે ચાલતી બીઝી બી રેસ્ટોરન્ટમાં ૫૦ રુપિયાના પગારે વેઇટરની પાર્ટ ટાઈમ નોકરી પણ કરી હતી.નવીનભાઈએ ૧૯૬૨ માં એડવાન્સ એકાઉન્ટીંગ એન્ડ ઓડીટીંગ સાથે બી. કોમ. ની ડીગ્રી મેળવી.સિનેમા અને નાટકો પ્રત્યેના અનુરાગે નવીનભાઈને લેખનનો છંદ લગાડ્યો અને પછી તો એ જ જીવનનો રંગ બનીગયો. ૧૯૬૨માં નવીનભાઈની પહેલી વાર્તા ‘પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલી. અનંતરાય રાવળ,રમણલાલ જોશી, અશોક હર્ષ અને પીતાંબર પટેલે તેમને નવલિકાલેખન અંગે માર્ગદર્શન આપેલું. ત્યાર પછી ‘સ્ત્રીઓ અને સરકારી નોકરી’ કટાક્ષિકા, અને ’દિલ એક મંદિર’ ‘ વાર્તા ચાંદની’ માં પ્રગટ થઈ. ત્યારથી વાર્તાલેખનમાં વેગઆવ્યો. ઉપરાછાપરી સવાસો જેટલી તેમની નવલિકાઓ સ્ત્રી, શ્રી, મહેંદી, શ્રીરંગ ડાયજેસ્ટ, આરામ, મુંબઈ સમાચાર, કંકાવટી, જન્મભૂમિ પ્રવાસી, નવચેતન વગેરેમાં છપાતી રહી. તેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાં. આમાંથી પાંચ વાર્તાસંગ્રહો બન્યાં. ” હેમવર્ષા’, ‘અરમાનોની આતશબાજી’, ’રંગભીની રાત્યુંના સમ’, ’કલંકિત’ અને ‘પરાઈ ડાળનું પંખી’. ૧૮ જેટલી રોમેન્ટીક પોકેટબુક્સ પણ ૧૯૬૪ થી ૧૯૭૧ દરમ્યાન પ્રસિધ્ધ થઈ હતી.૧૯૬૨ માં સેન્ટ્રલ ગવર્નમેન્ટની એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં, ઓડીટર તરીકે નોકરી મળી.(નવીનભાઈ અને કોકિલાબહેન લગ્ન સમયે)૧૯૬૩માં નવીનભાઈના કોકિલાબહેન સાથે લગ્ન થયા. પોતાના લગ્ન વિશે નવીનભાઈ કહે છે, “એ એક ગરીબમાણસના લગ્ન હતા, ન બેન્ડ ન બાજા, ન બારાત ન રીસેપ્શન, ન ભોજન સમારંભ, સોનું દાગીના કંઈ જ નહીં ! લગ્નના માત્ર છ બ્લેક એન્ડ વાઈટ ફોટા મિત્રોએ પાડેલા. ચાર છ દોસ્તોંને બે બે રૂપિયા ચાંલ્લામાં આપેલા. પત્ની કોકિલા સીધી સાદી, ભલીભોળી, દસ ચોપડી ભણેલી, મા વગરની, લોકોને આશરે , ઘરના કામ કરીને, હડસેલા ખાઇનેમોટી થયેલી ગરીબ છોકરી હતી.” એ વખતે પોતાની પરિસ્થિતિ વિશે તેઓ કહે છે, “હું બહોળા કુટુંબમાં, એકમાત્ર કમાનાર, ૧૬૧ રુપિયા અને ૬૨ પૈસા નો માસિક પગાર લાવતો માણસ હતો. ભાડાના ઘરમાં ચોકડીમાં સ્નાન કરતા.એક જ ખાટલો હતો જે દાદીમા વાપરતા. બીજા ફર્શ પર પથારીઓ નાંખીને સૂઇ જતા અને સવારે ડામચીયા પર ગોદડા નાંખી દેતા.” પત્ની વિશે તેઓ કહે છે, “પત્ની ખુબ સારા સ્વભાવની અને હરહંમેશ સુખદુખમાં સાથ આપનાર મળી છે.ક્યારેય સાડીઓ કે ઘરેણા માંગ્યા નથી. અત્યારે ૭૨ વર્ષની વયે શ્રીનાથજીના સત્સંગ અને ભજન સિવાય ક્યાંયે જતી નથી.”(લગ્નના ૫૦ વર્ષ બાદ)૧૯૬૪થી ૧૯૭૭ સુધી નવીનભાઈએ ડઝનેક એકાંકીઓ અને કેટલાક ત્રિઅંકી નાટકોમાં કામ કર્યું હતું. ૧૯૭૦ થી૧૯૭૪ દરમ્યાન ગુજરાતી રંગમંચ અને ફિલ્મી જગતના જાણીતા કલાકારોની વ્યક્તિગત મુલાકાત અંગેના લેખો ‘નવચેતન’માં દર મહિને નિયમિત છપાતા.૧૯૭૯ માં નવીનભાઈના અમેરિકા સ્થિત બહેન ડો. કોકિલા પરીખની સ્પોન્સોરશીપ મળતાં નવીનભાઇ અને પત્ની કોકિલા બહેનને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળ્યું. ભારતની નોકરી ચાલુ રાખીને ગ્રીન કાર્ડના નિયમ અનુસાર ૧૯૭૯ અને ૧૯૮૬ વચ્ચે ત્રણ ચાર વાર અમેરિકા આવવું પડેલું. પ્રત્યેક વખતે આવીને તરત જ કોઇ દેશીના સ્ટોર પર કેઅમેરિકન ફેક્ટરીમાં કામ મળી જતું. ઇન્ડિયન વિસ્તારમાં એક સ્ટુડીયો અપાર્ટમેન્ટ ભાડે રાખી લેતા અને દસ–બારમહિના કાઢી નાંખતા. ઓફીસમાંથી નોટીસો આવે એટલે પાછા અમદાવાદ અને ડ્યુટી જોઇન કરી લેતા. પાછા અગિયારમે મહિને ત્રણ માસની રજા લઈને અમેરિકા ભેગો થતા. આખરે ૧૯૮૬ માં સ્વેછીક નિવૃતિ લઈને કાયમ માટે અમેરિકા આવી ગયા.૧૯૮૬થી અમેરિકા આવીને ડોક્ટર કોકિલાબેનની ઓફીસમાં જ એકાઉન્ટ્સ મેનેજરની નોકરી કરી. અમેરિકા આવીને એમની ઇતર પ્રવૃતિઓ વધારે ખીલી ઊઠી. ફિલ્મો, ગુજરાતી નાટકો વગેરેના અહેવાલ અને અવલોકનો વિષય પરનાતેમના અભ્યાસપૂર્ણ લેખો ‘ગુજરાત ટાઈમ્સ’, ગુજરાત સમાચાર’, ‘નયા પડકાર’ વગેરેમાં આવતા રહ્યાં. ૧૯૮૬માંન્યુયોર્કના ગુજરાતી સમાજે યોજેલી એક નાટ્ય હરિફાઈમાં નવીન બેંકર દિગ્દર્શિત નાટક ‘ધનાજીનું ધીંગાણુ’ રજૂ થયેલુંજેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૧૯૮૮માં હ્યુસ્ટન સ્થળાંતર કર્યા પછી હ્યુસ્ટન નાટય કલાવૃંદ સાથે જોડાયા અને ક્યારેક ‘મહાભારત’ના અંધ ધૃતરાષ્ટ્ર બને તો ‘શોલે’ના કાલિયાનો રોલ કરે. જૂની રંગભૂમિના નાટકોથી માંડીને આજના નાટકો સુધીનું, તેમનું જ્ઞાન અજોડ છે.(બેંકર દંપતિ જયા ભાદુરી સાથે)હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતા, અને સીનીયર સિટીઝન એસોસિયેશન સાથે પણ નવીનભાઈ જોડાયા.દરેકસંસ્થાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે તે અચૂક હાથ બઢાવે જ. ભારતથી અમેરિકાના ઈસ્ટ કોસ્ટની મુલાકાતે આવેલા સિનેમા અને નાટકો અથવા સંગીત જગતના કલાકારોમાંથી ભાગ્યે જ કોઇ એવું હશે કે જેમની મુલાકાત નવીનભાઈએ ન લીધી હોય.આટલી બહોળી પ્રસિધ્ધી હોવા છતાં નવીનભાઈ કોઈ સંસ્થામાં આગેવાનીનું પદ ન લે, કોઇ કમિટીમાં મેમ્બર ન બને.પોઝીશનનો જરા યે મોહ નહિ, માત્ર મૂક સેવક રહેવાનું વધારે પસંદ કરે. ૨૦૧૦ની સાલમાં હ્યુસ્ટનના વરિષ્ઠ મંડળે નવીનભાઈના આ પ્રદાનને સન્માન–પત્રથી નવાજ્યું. ઇન્ડિય કલ્ચરલ સેન્ટર ઓફ હ્યુસ્ટને તેમને ‘સ્પીરીટ ઓફ ટાગોરએવોર્ડ’ ભારતના કોન્સ્યુલર જનરલના શુભ હસ્તે ,૧૫મી ઓગસ્ટના સમારોહમાં, એનાયત કર્યો હતોતેમનો ‘ એક અનૂભુતિ એક અહેસાસ’ નામનો એક બ્લોગ પણ છે જેમા ‘મારા સંસ્મરણો’ શિર્ષક હેઠળ પોતાની આત્મકથાના પાનાં એમણે ખુલ્લા કર્યા છે. કેટલાક રેખાચિત્રો પણ આલેખ્યા છે.બહુરંગી વ્યક્તિત્વ અને બહુમુખી પ્રતિભા ધરાવતા નિખાલસ નવીન બેંકરના ખજાનામાં આવું ઘણું બધું છે. કશી યેઓછપની, ક્યારે ય ફરિયાદ કર્યા વગર, નાની નાની વાતોમાંથી મોટો આનંદ માણવો એ એમનો જીવન મંત્ર છે.-પી. કે. દાવડા
c
અમારા પ્રસન્ન દામ્પત્ય-જીવનના ૫૦ વર્ષ-સુવર્ણજયંતિ મહોત્સવ
૧૩મી મે ૧૯૬૩
આજે ૧૩મી મે ૨૦૧૩ ને સોમવાર…વૈશાખ સુદ ત્રીજ..
એ જ તિથી..એ જ તારીખ …અને એ જ વાર….વચ્ચે માત્ર પચાસ વર્ષનો સમય પસાર થઈ ગયો…બાવીસ વર્ષનો છોકરો આજે બોત્તેર વર્ષનો બુઢ્ઢો થઈ ગયો… એ જોશ.. એ ઉન્માદ…એ પાગલપન..બધું જ ખત્મ થઇ ગયું……..
એ દિવસે…પચાસ વર્ષ પહેલાં એક ગરીબ છોકરાના લગ્ન થયા હતા–એના જેવી જ ગરીબ છોકરી સાથે…
ન કોઈ વરઘોડો નીકળ્યો હતો..
ન કોઇ ફુલોથી શણગારેલી કાર હતી..
ઘરની સ્ત્રીઓ કોઇ બ્યૂટીપાર્લરમાં તૈયાર થવા નહોતી ગઇ..
સુશોભિત વસ્ત્રો પહેરેલી સ્ત્રીઓનું વૃંદ લગ્નગીતો ગાતું ગાતું વરઘોડાની પાછળ પાછળ ચાલતું નહોતું…
વરરાજાએ સૂટ નહોતો પહેર્યો..ઘરના ધોયેલા અને રુડી ધોબણના હાથે ઇસ્ત્રી કરેલા સુતરાઉ સફેદ પેન્ટ અને સફેદ શર્ટ પરિધાન કર્યા હતા.. ઘરના સભ્યો સહિત સાજનમાજનમાં પરાણે પચીસેક જાનૈયા હતા. સામે પક્ષે પણ એટલા જ માણસો કન્યાપક્ષે હતા.. એક તપેલામાંથી દૂધ કોલ્ડ્રીંક સર્વ કરાતું હતુ…
ન કોઇ જમણવાર હતો.. અને…ઉનાળાના ભરબપોરે કમોસમી માવઠુ થયું હતું–લગ્ન પતી ગયા પછી.
કદાચ કોઇએ કોમેન્ટ પણ કરી હોય– ‘ કુદરત પણ ચોધાર આંસુએ રડી રહી હતી’ અને કોઇ સારો અર્થ લેનારે કહ્યું હોય-‘ કુદરતે ભરઊનાળે વરઘોડીયા પર અમીછાંટણા કરીને આશીર્વાદ આપ્યા હતા…
એ દિવસે વહેલી સવારે સાંકડીશેરીની ઝુંપડીની પોળના એ છેકછેવાડેના ઘરમાં ચહલપહલ હતી..લલિતાપવાર જેવા સત્તાવાહી દાદીમા બૂમો પાડીને એમની વહુને કહેતા હતા– ‘અલી..જરા જલ્દી કરો..હમણા મ્યુનિસિસિપાલિટીનું પાણી બંધ થઈ જશે..જલ્દી જલ્દી નળો ભરી લે..નીચે ચકલી પર જઈને કપડાં ધોઇ નાંખો. આજે વધારે કપડાં ધોવા ના નાંખશો.’. પછી પોતે ઝટપટ સેવાવિધી પતાવી દીધી અને ઘરનાં જ અગિયાર માણસો માટેની રોટલીઓ માટે ઘઊંના લોટની કણકનો મોટો પેંડો બાંધવામાં મશગુલ થઈ ગયા હતા.
બપોરના બાર વાગતાંમાં તો ઘરનું બધું કામ પરવારીને બધાં આગલા ખંડની ફર્શ પર, કશુંય પાથર્યા વગર લાંબા થઈને પડ્યા હતા. ન કોઇ બેન્ડવાજા વાગ્યા હતા..ન કોઇ માઇક પર ગીતો ગવાયા હતા..
ચારેક વાગ્યાને સુમારે, બાબુકાકાની એમ્બેસેડર લઈને, ડ્રાઇવર પરભુભાઈ આવી ગયા. ઘરના ચાર સભ્યો કારમાં ગોઠવાયા અને બાકીના પોતપોતાની રીતે ચાલતા ચાલતા કે રીક્ષામાં આસ્ટોડીયા, ખમાસા ચાર રસ્તા પાસે આવેલી, દશાનાગરની વાડીમાં પહોંચ્યા. કોઇ સાસુ નાક ખેંચીને પોંખવા વાળી નહોતી…કોઇ સાળીઓ બૂટ સંતાડવાવાળી ન હતી. એકબીજા પર ફટાણા ગાઇને હસીમજાક કરનારા પણ ન હતા…બન્ને પક્ષે વર અને કન્યાપક્ષની ખામીઓ પર ટીકા કરનારા ઘણાં હતાં.
‘ હાય..હાય..છોકરો કારકુનની નોકરી કરે છે. એકસો એકસઠ રુપીયાનો પગાર અને અગિયાર જણાનો પરિવારછે… નાની ચાર ચાર બહેનો અને એક ભાઈ, મા–બાપ, કાકા, વડસાસુ અને આ બે.. થઈને અગિયાર જણાનું પુરુ કરવાનું છે છોકરાએ. છોકરો ભણેલો છે બાકી’……વગેરે..વગેરે….
છોકરાપક્ષ વાળા પણ કહેતા-‘ છોકરીને મા નથી. બાપ ગાંડા જેવો છે..ભાઇ–બહેનો પણ નથી…મામા–માસી પણ નથી. છોકરી ,ફૈઓના ઘરના ટાંપાટૈયા કરીને બે રોટલી ખાઇને મોટી થઈ છે. ભણી યે નથી. આઠ ચોપડીનું ભણતર તે ભણતર કહેવાય ? બચારી વસ્તારીના ઘરના કામ કરી કરીને …..’ વગેરે..વગેરે…
એ ગરીબ છોકરો અને એ ગરીબ છોકરીએ સંસાર માંડ્યો…કોઇને ત્યારે એકબીજા માટે પ્રેમ કે આકર્ષણ જેવું ન હતું. એકબીજાના સ્વપ્ના નહોતા આવતા. સતત સહવાસમાં રહેવાના ઓરતા પણ નહોતા થતા. આખા દિવસની દૈનિક ક્રિયાઓમાંથી ફારેગ થયા બાદ, એક નાનકડી ઓરડીમાં, જમીન પર પાથરેલી ગોદડી પર, કોઇ જ ઉત્તેજના વગર ભેગા સુઇ જઈને શારીરિક સહવાસ કરીને, ઉંઘી જવાની આદત પડી ગઈ હતી. ફિલ્મોમાં દર્શાવાતા મધુરજનીના ઉત્તેજક દશ્યો કે પ્રેમાળ વાર્તાલાપ કે એવું બધું ક્યાંય ન હતું…
હતી માત્ર શારીરિક જરુરિયાત….પરસ્પરનો પ્રેમ..લાગણી કશું ય ન હતું.. એ બધાનો તો વખત વીતતાં, એકબીજાના સુખદુઃખમાં ભાગ લેતાં લેતાં, વર્ષો વિત્યા બાદ એહસાસ થયો. એક જ છત નીચે વર્ષો સુધી સાથે રહીને, એકબીજાના ગમા–અણગમાને જાણતા થયા. ક્યારેક લઢ્યા–ઝઘડ્યા, ક્યારેક રિસાયા, ક્યારેક અબોલા યે લીધા…
પત્નીને, પિતાના અવસાન પછી, પિયર જેવું કાંઇ રહ્યું જ ન હતું પિયરનું ઘર કે માનો ખભો રડવા માટે ન હતો એટલે એ જાય તો પણ ક્યાં જાય ?
પતિ પણ સ્વભાવનો આકરો, ગુસ્સાવાળો, અન્ય રુપાળી સ્ત્રીઓના રુપમાં મોહ પામનારો એટલે પત્ની માટે કષ્ટદાયક પરિસ્થિતિ તો ઉભી થાય જ ! જીવનમાં એવા ઘણાં ય પડાવો આવ્યા જ્યારે લગ્નજીવન ખોરંભે ચડી જાય..
પણ એક વસ્તુ એવી હતી જેણે બન્નેને હંમેશાં જોડાયેલા રાખ્યા.
પત્ની જાણતી હતી કે એનો વર ભલે ગુસ્સાવાળો છે પણ લાગણીશીલ છે, દિલનો સારો છે અને મને ક્યારેય છોડી નહીં દે.
પતિ પણ જાણતો હતો કે પત્ની જીદ્દી છે, ક્યારેક વાતને યોગ્ય રીતે સમજી શકતી નથી, પણ દિલની ભલી છે, ધાર્મિક છે, ખોટું કરે તેવી નથી, મને ખોટે રસ્તે જવા દે એવી નથી, લેવુમંત્રુ તો જરાય નથી. કોઇનું એક વાર ખાઇ આવે તો સામાને બે વાર ન ખવડાવે ત્યાં સુધી એને ચેન ના પડે. જીવનમાં હંમેશાં સંતોષી રહી છે. મારી હેસિયત બહારની કોઈ વસ્તુ ક્યારેય માંગી નથી. છેલ્લા થોડા વર્ષોથી, સાંભળવાની તકલીફને કારણે, એ ફિલ્મો કે નાટકો જોવામાં કે સિનિયર્સની મીટીંગો જેવા સ્થળે મને કંપની નથી આપતી પણ મને રોકતી પણ નથી અને હું ઘેર ન આવું ત્યાં સુધી એ, એકલી જમી પણ લેતી નથી.રાતના બાર કે એક વાગ્યા સુધી એ ભૂખી બેસી રહે પણ જમી ના લે.
મારી કોઇ ભૂલ થઈ જાય તો મને હક્કપૂર્વક લઢી નાંખે, બધાંના દેખતાં ખખડાવી નાંખે પણ એ પત્ની તરીકે નહીં– મારી ‘બકુ’ તરીકે. સંતાનના અભાવે, એનામાં પતિ પ્રત્યે પણ માતાનું વાત્સલ્ય ઉદભવે છે. નાના બાળકની, ભૂલ થતાં, એક માતા લઢે એ રીતે એ મને લઢે છે અને હું એના શબ્દો સામે નથી જોતો, એની લાગણી સમજું છું અને એની સાથે ઝઘડતો નથી.
જો કે, હજી મારા સ્વભાવની કમજોરીઓને કારણે હું એને અન્યાય કરી બેસું છું પણ એના પ્રત્યેની મારી લાગણીમાં ક્યારેય ઓટ નથી અવતી.
આ પચાસ વર્ષના લગ્નજીવનના ઘણાં બધાં સંભારણા, પ્રસંગો હજી હું લખવાનો છું. કેટલાક સત્ય પ્રસંગો તરીકે. અને જ્યાં જાહેરમાં સ્વીકાર ન કરી શકું એવી વાતો હશે તો એને કોઇ વાર્તા સ્વરુપે.
એ ગરીબ છોકરાએ સરકારી નોકરીમાં ૨૬ વર્ષ નોકરી કરી. કારકુનમાંથી સુપરવાઈઝર થયો અને ગવર્નમેન્ટ ઓડીટર તરીકે રીટાયર થયો. બહેનની સ્પોન્સર્શિપને કારણે અમેરિકા ગયા, ત્યાં પણ ૧૮ વર્ષ બહેનની ઓફીસમાં જ એકાઉન્ટ્સ મેનેજર તરીકે નોકરી કરી અને ૨૦૦૬માં રીટાયર થયો. વિવિધ સોશ્યલ સંસ્થાઓમાં વોલન્ટીયર કામ કરીને , છાપાંઓમાં લેખો, વાર્તાઓ, વિવેચનો , અહેવાલો લખીને પ્રતિષ્ઠા મેળવી.
અમેરિકાના એક જાણીતા શાકાહારી રેસ્ટોરન્ટમાં લગ્નજીવનના પચાસ વર્ષની ઉજવણી કરી જેના અહેવાલો સ્થાનિક વર્તમાનપત્રોએ ફોટાઓ સાથે છાપ્યા.
માનવી કશું જ નથી. સમય જ બળવાન છે. તમે જેની કલ્પના પણ ના કરી હોય એવી તકો ઉભી થઈ જાય અને તમે ક્યાંના ક્યાંય પહોંચી જાવ. એ તકદીર અને સમયના જ ખેલ છે બધા.
એક વાત તો ચોક્ક્સ કે ભલે તમે પ્રેમ કર્યા વગર લગ્ન કર્યા હોય પણ એક છત નીચે પચાસ પચાસ વર્ષ સાથે વીતાવ્યા હોય, એકબીજાના સુખદુઃખમાં ભાગ લીધો હોય અને પરસ્પર માટે આદર ધરાવતા હો, તો તમે એકબીજાને પ્રેમ કરો છો. ભલે, આપણે શબ્દો દ્વારા ‘આઇ લવ યૂ’ ના કહ્યું હોય !- જીવનમાં લપસી પડવાના નાનામોટા છમકલા થયા હોય તો પણ ગનીમત , ઓ.કે ?
નવીન બેન્કર
એક સંસ્મરણ
સંસ્મરણ
કુટુંબના બાળકોએ હ્યુસ્ટનના મહારાજાભોગ રેસ્ટોરન્ટમાં
ચાર પ્રસંગોની ઉજવણી કરી-
(૧) નવજાત શિશુ નિખિલ શાહના, આ દુનિયામાં
આગમનની વધામણી. (ડોક્ટર શેનિલ અને ડો. સપના શાહનો પુત્ર)
(૨) ડોક્ટર આશીષ બેન્કર અને વ્યોમા બેન્કરના,
એકાદ બે દિવસમાં જ જન્મનાર બેબી ( વૈશાલી)ના આગમનનું
રીસેપ્શન.
(૩) કુટુંબના વડીલ ડોક્ટર કોકિલા પરીખ અને પ્રકાશ પરીખની
નજીકમાં જ આવનાર જન્મદિવસની ઉજવણી.
(૪) કુટુંબના વરિષ્ટ સભ્ય નવીન અને કોકિલા બેન્કરના પચાસ
વર્ષના પ્રસન્ન દામ્પત્ય જીવનની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી.
થર્ટીફર્સ્ટડીસેમ્બરનીન્યુયર્સપાર્ટી -નવીન બેન્કર
થર્ટી ફર્સ્ટ ડીસેમ્બરની ન્યુયર્સ પાર્ટી -નવીન બેન્કર
એક જમાનામાં અમે, અમદાવાદમાં ૩૧ ડીસેમ્બરની રાત્રે ક્યાં તો સેન્ટ ઝેવિયર્સ કોલેજના પટાંગણમાં યોજાતા આનંદમેળામાં મિત્રો સાથે ધક્કામુક્કી કરવા જતા અને જુવાનીની થ્રીલ, રોમાંચનો આનંદ માણતા અને ક્યાં તો દૂરદર્શન પર આવતા દિવેલીયા કાર્યક્રમો જોઇને સંતોષ પામતા.
ન્યુયોર્કમાં હતો ત્યારે ૩૧મી ડીસેમ્બરે રાત્રે લોંગ ઓવરકોટ પહેરી, કોલર ઉંચા ચડાવીને, રાત્રે દસ વાગ્યે, સાત નંબરની સબ-વે ટ્રેઇનમાં સિક્સટી ફર્સ્ટ સ્ટ્રીટના સ્ટેશનેથી ચડીને, ફોર્ટી સેકન્ડના છેલ્લા સ્ટેન્ડે –ટાઇમ્સ સ્ક્વેર–ઉતરીને, મેનહટ્ટન વિસ્તારના ટોળાઓમાં ઘુસતો અને રાતના બાર વાગ્યે પેલો ગોળો ઉતરતો જોતાં, ચિચિયારીઓ પાડીને, ગોરી સ્ત્રીઓને હગ કરીને નવા વર્ષના અભિનંદન આપવાના બહાને સ્પર્શસુખ માણતો અને મોડી રાત્રે ૬૧–૧૭, વૂડસાઇડ એવન્યુ પરના એપાર્ટમેન્ટ પર પાછો ફરતો. આ વાત ૧૯૭૯ થી ૧૯૮૫ સુધીની છે. ત્યારે હું ૪૦–૪૫ વર્ષનો યુવાન (!) હતો.
૧૯૮૬થી હ્યુસ્ટનમાં આવ્યા પછી, ગુજરાતી સમાજના ગાંધી હોલમાં યોજાતી આવી ૩૧ ડીસેમ્બરની પાર્ટીઓમાં જવા માંડ્યું. ત્યાં ખાવાપીવાનું, કોઇ મ્યુઝીકલ પાર્ટીઓના ગીતો અને પછી રાત્રે બાર વાગ્યે ‘હેપી ન્યુયર’ના નારાઓ વચ્ચે શેમ્પેઇનની છોળો ઉડતી જોતો. ‘જોતો’ એટલા માટે લખું છું કે મેં શેમ્પેઇનનો સ્વાદ ક્યારેય માણ્યો નથી. મને એનું આકર્ષણ થયું જ નથી. આમ તો હું રોમેન્ટીક કીસમનો માણસ છું પણ શરાબ, બિયર, સિગારેટ…એવી કોઇ જ ટેવ મને નથી. હા ! શબાબની વાત જુદી છે. એ રીતે હું ખાખરાની ખિસકોલી ગણાઉં.
આ વર્ષે પણ, નવા વર્ષના વધામણા કરવા, આપણા ગુજરાતી સમાજના સભ્યો થનગની રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ, ડી.જે. ના મ્યુઝીકના તાલે કે રાકેશ પટેલના ગીતોને સથવારે કપલ્સ હિલોળા લેશે. યુવાન તનબદન તેજલિસોટાની જેમ થનગનશે. પાશ્ચાત્ય ડાન્સ કરતા ન આવડતા હોય એવા ‘દેશીઓ’ ગરબા ગાતા હોય એમ ઠેકડા મારી મારીને પાર્ટનરની કમરમાં હાથ નાંખીને ગોળ ગોળ ફરશે. અમારા જેવા સાંધાના વા અને પગની ઢાંકણીના ટોટલ ની રીપ્લેસમેન્ટ કરાવેલા સેવન્ટીપ્લસ સિનિયરો ટેબલ પર જ બેઠા રહીને, નાચતા કપલ્સને જોઇને ભુતકાળની વાતો યાદ કરશે. કુચીપુડી, ભરતનાટ્યમ કે કથકલી જેવા શાસ્ત્રિય નૃત્યો માણનારો વર્ગ, આ ધમાલથી દૂર જ રહેવાનો. લોકોને પાશ્ચાત્ય ડાન્સમાં નાચવું ગમે છે. એ ફિલ્મી પડદે પણ માણવો ગમે છે. પ્રકૃતિએ પ્રાણીમાત્રમાં નર–માદાને રીઝવવા, આકર્ષવા, નૃત્ય–સંવેદનો મૂકેલા છે.
યુવક–યુવતીઓ લટકા મટકા સાથે નાચે ત્યારે અજીબ આનંદના સ્પંદનો ઉભા થાય છે જ. પ્લેઝર ઇઝ યોર પાવર ! આનંદની અનુભૂતિને કંઇ શબ્દોની સમજૂતિ હંફાવી ન શકે. સકલ સૃષ્ટિમાં નાચ એ અદ્ર્શ્યની અભિવ્યક્તિ છે. ડાન્સ, પરફોર્મરને તો મજા કરાવે છે જ, પણ જોનારને–દર્શકને– પણ લ્હેરની લેરખીમાં ડૂબાડી દે છે.
જગતભરમાં બધે જ સેલિબ્રેશન એટલે ડાન્સીંગ ! ઉત્સવ એટલે જ ઉમળકા અને ઉત્સાહથી નાચવું–કૂદવું ! હીલક્રોફ્ટ પર આવેલી અમેરિકન ક્લબોની મુલાકાત તમે લીધી છે કદી ? રીચમન્ડ એવન્યૂ પર ચીમની રોક થી સિકસ ટેન સુધીના રસ્તા પર આવેલી ઢગલાબંધ નાઇટક્લબોમાં અનાવૃત્ત અવસ્થામાં નૃત્ય કરતી બેલી ડાન્સર્સના નૃત્યોને માણ્યા છે કદી ? માણ્યા હોય તો યે એકે ય ગૂજ્જુમાં, એ જાહેરમાં સ્વીકારવાની હિંમત નથી હોતી. શરીર અને સૌંદર્યને પ્રેમ કરતી અમેરિકન સંસ્કૃતિના આ દેશમાં તમે આ બધું માણ્યું ન હોય તો તમે અમેરિકન લાઇફ જીવ્યા જ નથી. બેહદ શૃંગારિક ઇરોટીકા ડાન્સ પર નાચતા યુવાન મોહક શરીરોના થિરકતા અંગોપાંગો પર, નવા વર્ષના વધામણા કરવાનો આનંદ માણ્યા પછી, અવિનાશ વ્યાસના ગુજરાતી સુગમ સંગીતના સથવારે, કે ‘આગે ભી જાને ના તુ’ જેવા ગીતો પર પગના ઠેકા મારીમારીને, સ્થુળ થઈ ગયેલી કાયાને ઘૂમાવતા ગૂજજુભાઇઓ અને બહેનોને જોવાનો ચાર્મ મરી જતો હોય છે ! ક્લબોમાં ગોરી ચામડીવાળી, સફેદ ગુલાબના પ્રતિબિંબ જેવી શ્વેત–ધવલ લીસ્સી લીસ્સી પીંડીઓવાળી મેકલીઓને,સફેદ કબૂતરોની પાંખો જેમ ગતિમાં, યૌવનસૂચક અંગોને ઉલાળતી જોયા પછી આપણું ‘દેશી’ સેલીબ્રેશન ઘણાંના મનને માફક નથી આવતું.
એની વે….ડાન્સ, મ્યુઝિક અને પાર્ટીના શોખીન એવા દેશી ભાઇ–બહેનો, થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે ગુજરાતી સમાજના ઉપક્રમે, નિર્મળ આનંદ માણતા માણતા, નવા વર્ષના વધામણા કરશે.
એન્જોય યોરસેલ્ફ દોસ્તો !
નવીન બેન્કર
૨૪ ડિસેમ્બર ૨૦૧૩