SHRADDHANJALI TO late Shri. Dhirubhai Shah
અસ્તુ.
ચંદુલાલ સેલારકાનું દુઃખદ અવસાન
ચંદુલાલ સેલારકાના દુઃખદ અવસાનથી મને અંગત રીતે ખુબ દુઃખ થયું છે. હું એમને ૪૫ વર્ષથી ઓળખું.એમની નવલકથા ‘હૈયાને દૂર શું ? નજીક શું ?’ અને ‘ફરી મળાય, ન મળાય‘ વાંચીને અમે-એટલે કે હું અને મારા શ્રીમતીજી કોકિલા-એમના ભક્ત બની ગયા હતા. પછી તો એમની ઘણી ટૂંકી વાર્તાઓ પણ અમે સામયિકોમાં અવારનવાર વાંચીએ અને એમને પત્રો લખીએ. એ પણ દરેક પત્રનો જવાબ પ્રેમપુર્વક લખે. સ્વ.ચાંપશીભાઈ ઉદ્દેશીના ‘નવચેતન‘માં હું નાટ્યકલાકારોની મુલાકાતો લખતો ત્યારે, ૧૯૭૧ કે ૧૯૭૨માં હું અને મારા પત્ની એમના ઘાટકોપરના નિવાસસ્થાને એમને મળવા ગયેલા અને એમનું આતિથ્ય માળેલું. એ ગાળામાં, મારી કેટલીક ટૂંકી વાર્તાઓ ‘ચાંદની‘, આરામ, મહેંદી, કંકાવટી, સ્ત્રી, શ્રી શ્રીરંગ ડાયજેસ્ટ જેવામાં પ્રસિધ્ધ થઈ ચૂકેલી. થોડીક પોકેટબૂકો પણ છપાયેલી. એના એડલ્ટ થીમને કારણે ચર્ચાસ્પદ પણ થયેલી. એમણે એના અનુસંધાનમાં મને કેટલીક શીખ પણ આપેલી અને પોતાની સાહિત્યયાત્રાની ઘણી વાતો પણ કરી હતી. વ્યક્તિગત રીતે, એ મારી પ્રથમ અને છેલ્લી રુબરુ મુલાકાત. પણ ફોન પર અમે ઘણીવાર વાતો કરતા.
હમણાં મહીનામાસ પહેલાં, મુંબઇના મારા સાહિત્યકાર મિત્ર ચંદ્રકાંત સંઘવી હ્યુસ્ટન આવેલા ત્યારે પણ એમના વિશે વાત થયેલી અને પછી, મેં હાસ્યલેખક શ્રી. અશોક દવે તથા રજનીકુમાર પંડ્યાને ઇ-મેઇલ લખીને એમના સમાચાર પુછેલા. એ બન્ને મિત્રોના પ્રત્યુત્તર આવી જતાં, મેં ચંદુભાઇને ઘેર ઘાટકોપરમાં ફોન કરીને એમની સાથે ખાસ્સી લાંબી વાતો કરી હતી. એમણે એમના પત્ની રંજનબેન, પુત્રવધુ અલ્પાબેન એમના બાળકો, બે દીકરા, દિશા, મિહિર,ઉજાસ વિનોદીની બધાંની ખુબ ખુબ વાતો કરી હતી. મેં એમનું ઇ-મેઇલ એડ્રેસ માંગ્યું, તો કહે, હું તો ઇ-મેઇલ વાપરતો નથી. પણ અમેરિકામાં નવીન વિભાકર નામના નવલકથાકાર રહે છે તેમની સાથે મારો સારો પરિચય છે.એમના હોટ્મેઇલના એડ્રેસ પર મને ઈ-મેઇલ લખીને મારા સમાચાર મેળવતા રહેજો. એમના પ્રથમ પત્ની સાથેના લગ્ન ૨૦મી એપ્રિલ ૧૯૫૦ને દિવસે થયેલા એની વાત, બાળકો નહીં થતાં, પત્નીના આગ્રહથી કરેલા બીજા લગ્ન, બન્ને પત્નીઓ કેવી રીતે સાથે સંપીને રહેલી એની વાતો, એક દીકરો સીંગાપુરમાં અને બીજો પોતાની સાથે રહે છે એની વાતો ખુબ રસ પુર્વક કરેલી. વચ્ચે વચ્ચે હાસ્યલેખક વિનોદ ભટ્ટનું પણ તેમણે સ્મરણ કરી લીધેલું. એમના હાર્ટએટેકની વાતો, અને બીજી ઘણી બધી વાતો આત્મિયતાપુર્વક કરેલી જે અંગે હવે પછી, હું મારા બ્લોગ પર એ સંસ્મરણો લખીશ.
એક ખુબ જ સારો માણસ, સારો મિત્ર, ઉમદા વિચારક , નવલિકાકાર, નવલકથાકાર, કવિ, વિવેચક ગુજરાતી સાહિત્યે ગુમાવ્યો છે. આપણને બધાંને એનું તીવ્ર દુઃખ છે. પણ આપણે શું કરી શકીએ ? પરમકૃપાળુ પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે.
નવીન બેન્કર
હ્યુસ્ટન
૩૦ નવેમ્બર ૨૦૧૨
Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.