શ્રદ્ધાંજલિઃ ગુજરાતી ભાષાના સાક્ષર શ્રી. મોહનલાલ પટેલની ચિરવિદાય….
ગુજરાતી ભાષાના સાક્ષર શ્રી. મોહનલાલ પટેલની ચિરવિદાય
શ્રદ્ધાંજલિ– શ્રી. નવીન બેન્કર અને શ્રી. ચીમનભાઈ પટેલ
વીસેક જેટલી નવલકથાઓ, વાર્તાસંગ્રહો, અધ્યયન, વિવેચન, પ્રવાસકથાઓ, લઘુકથાઓના પુસ્તકોથી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર, કેળવણીકાર, લેખક, સાહિત્યકાર , વિચારક અને શિક્ષણવિદ એવા, શ્રી. મોહનલાલ પટેલે શુક્રવાર અને ૧૩મી માર્ચ, અમદાવાદમાં આ નશ્વર દેહનો ત્યાગ કર્યો.
૩૦ એપ્રિલ ૧૯૨૭ના રોજ જન્મેલા, શ્રી. મોહનભાઈ પટેલે ૧૯૪૮થી લેખનપ્રવૃત્તિ શરૂ કરી હતી અને કુમાર, નવચેતન, સવિતા, અખંડ આનંદ જેવા લબ્ધપ્રતિષ્ઠિત સામયિકોમાં તેમની વાર્તાઓ પ્રગટ થતી રહેતી હતી. ૧૯૫૪માં તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ હવા તુમ ધીરે બહો’ પ્રસિદ્ધ થયો હતો..
ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદે તેમના ઘણાં પુસ્તકોને જે તે વર્ષના શ્રેષ્ઠ પુસ્તક ગણીને સન્માન્યા છે. ગુજરાતી ભાષામાં લઘુકથાઓનું ખેડાણ કરનાર મોહનભાઇ, લઘુકથાઓના ‘જનક’ કે ‘દ્રોણાચાર્ય’ પણ કહેવાય છે.
આ અભ્યાસુ, પ્રયોગશીલ, કર્મઠ, સાધક, કર્મયોગી મોહનભાઇ પારદર્શક અને સંવેદનાપૂર્ણ વ્યક્તિત્વ ધરાવતા માનવી હતા.તેમની આત્મકથા ‘ટાઈમ કેપ્સ્યૂલ’ અમદાવાદના રંગદ્વાર પ્રકાશન દ્વારા પ્રગટ થયેલ જે ચરિત્રાત્મક સાહિત્યમાં શ્રેષ્ઠ પુસ્તક ગણાય છે. નવલકથા, ટુંકી વાર્તા અને લઘુકથાઓના લેખનની હથોટીને કારણે આ આત્મકથા પણ ખૂબ જ રસપ્રદ બની શકી છે. ક્યાંય વિગતોનો ભાર લાગતો નથી. કથાપ્રવાહ ક્યાંય અટકતો નથી. વાંચનમાં રસ પડે છે.
ટૂંકી વાર્તાઓના સર્જનમાં ઘટના, ભાવપરિસ્થિતિ અને અભિવ્યક્તિ ઉપર તેમણે વિવેચનાત્મક પુસ્તકો લખ્યા છે. ઊંચી કાયા, સ્નિગ્ધ નયન, લાંબા વાળ, સહેજ ઉજળો વાન, મુખ પર નિરંતર પ્રવર્તિત મીઠાશ.. એ હતું એમનું વ્યક્તિત્વ. ૧૯૯૫ અને ૨૦૧૨માં હું તેમને, એમના સત્યાગ્રહ છાવણીના નિવાસસ્થાને મળેલ. મેડા પર લઈ જઈને તેમણે એમના પુસ્તકોનો ખજાનો મને બતાવ્યો હતો અને બે ત્રણ પુસ્તકો પણ ભેટ આપ્યાં હતાં.
આપણા હ્યુસ્ટનના હાસ્યલેખક શ્રી. ચીમનભાઈ પટેલ ‘ચમન’ તેમના ખાસ મિત્ર. તેમની અંગત લાયબ્રેરીમાં મોહનભાઈના ઘણાં પુસ્તકો છે. મને તેનો અવારનવાર લાભ મળતો રહ્યો છે.
તમને ગુજરાતી સાહિત્યમાં ખરેખર રસ હોય તો તમારે મોહનભાઈ ની આત્મકથા ‘ ટાઈમ કેપ્સ્યુલ’ (૩૪૨ પાનાં ) જરૂરથી વાંચવી જોઈએ.
પ્રભુ શ્રી. મોહનભાઈના આત્માને ચિરશાંતિ અર્પે એવી પ્રાર્થના.
અસ્તુ.
No Comments