‘ઓમકારા ગ્રુપ’નો ગુજરાતી જલસો -હ્યુસ્ટનમાં
‘ઓમકારા ગ્રુપ’નો ગુજરાતી જલસો-હ્યુસ્ટનમાં
છઠ્ઠી ઓગસ્ટ અને રવિવારની બપોરે ત્રણ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી- એમ પુરા પાંચ કલાક સુધી, ઓમકારા ગ્રુપ અને હ્યુસ્ટનના ‘નમસ્કાર ગ્રુપ’ ના નેજા હેઠળ ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરતો એક કાર્યક્રમ યોજાઈ ગયો. ગુજરાતી ગીતો, કાવ્યો, લોકગીતો, હાસ્ય, નાટક થી તરબતર આ કાર્યક્રમ માણવા લાયક હતો.
મને જે ગમ્યુ એ આ હતું- ( આ કોઇ અહેવાલ કે વિવેચન નથી. )
જુના જમાનાનું નાટક કે જે ભાંગવાડી થિયેટરમાં ભજવાતું અને જેમાં કોઇ પુરૂષપાત્ર, સ્ત્રીના વસ્ત્રો પહેરીને સ્ત્રી ભૂમિકા ભજવતો તથા એમાં સરસ ગુજરાતી ગીતો રજૂ થતાં એ નાટકનુ મનોજ શાહ અને આપણા બોસ્ટનવાસી લેખક શ્રી. ચંદ્રકાંત શાહે રૂપાંતર કરીને હાલના સમયમાં રજુ કરેલ એ મહાન નાટક નો એક અંશ રજુ કર્યો જેમાં પીઢ ગુજરાતી કલાકાર ઉત્કર્ષ મઝુમદાર અને યુવાન કલાકાર ચિરાગ વોરાએ અભિનય કર્યો હતો. અત્રે, એનું કથાનક કહેવાનો કોઇ ઇરાદો નથી. પણ સહેજ ઝાંખી કરાવી દઉં.
મણિલાલને જુની રંગભુમિના નાટકોમાં સ્ત્રીપાત્રો ભજવતા શ્રી. જયશંકર સુંદરી અને બાલ ગાંધર્વ જેવી સ્ત્રી ભૂમિકાઓ ભજવીને પોતાનો ડંકો વગાડવો હતો પણ એને સખી, સહેલી કે દાસીની જ ભુમિકાઓ મળતી. મણિલાલ અને સુમનલાલ પોતપોતાના સ્વપ્નાઓની પૂર્તિ કરવાની તક જુએ છે અને પછી શરૂ થાય છે-ફેન્ટસીનો સંસાર.
જેમ આજે , કેટલાક લોકો ક્રિતી સેનન ને પરદા પર જોઇને એના દિવાસ્વપ્નો જોતા હોય છે એમ, મણિલાલ ( ઉત્કર્ષ મઝુમદાર ) ખયાલોમાં જે જુએ છે એને લેખક ચંદ્રકાંત શાહે અને દિગ્દર્શક મનોજ શાહે , જુની રંગભૂમિના કેટલાક લોકપ્રિય ગીતોનો કુશળતાપુર્વક ઉપયોગ કરીને રજુ કર્યા હતા
.એ ગીતો આ રહ્યા-
‘મીઠાં લાગ્યા છે મને આજના ઉજાગરા’….’ધુણી રે ધખાવી અમે’…’.મોહે પનઘટપે નંદલાલ’…’કેમ કરી પાણીડા ભરાય’…….’સાહ્યબો મારો ગુલાબનો છોડ’….. વગેરે..વગેરે…
કલાકાર ચિરાગ વોરાએ સ્ત્રીપાત્ર વનલતાનો અભિનય કર્યો-લાલ સાડી પહેરીને. વાંઢા સુમનલાલ તરીકે ઉત્કર્ષ મઝુમદાર પણ છવાઇ ગયા હતા.
શ્રી. ચિરાગ વોરાએ, ગુજરાતી રેપ સોન્ગ પણ માથે ઉંધી ટોપી પહેરીને કુશળતાપુર્વક પરફોર્મ કર્યું હતું.
૪૦ વર્ષથી જે નાટકો, સિરીયલો, ગુજરાતી ફિલ્મોમાં કામ કરી રહી છે એ અભિનેત્રી મીનળ પટેલે પણ કેટલીક રજુઆતો કરી હતી. જેમાં ‘એકોક્તિ’ મને ગમી હતી. જાહ્નવી, ગાર્ગી વોરા, માનસી ગોહિલ અને પાર્થિવ ગોહિલે પણ કેટલાક સદાબહાર ગીતો રજુ કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી મુક્યા હતા.
સાંઇરામ દવે એ પોતાની લાક્ષણિક શૈલિથી અને કાઠિયાવાડી બોલી વડે શ્રોતાઓને ખુબ હસાવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમમાં, યુવાન કવિ શ્રી. પ્રણવ પંડ્યાએ માસ્ટર ઓફ સેરિમની તરીકે સુંદર કામગિરી બજાવી હતી.
પાર્થિવ ગોહિલ, અને અન્ય સહાયક ગાયકોએ કેટલાક સદાબહાર ગીતોનો ગુલદસ્તો રજૂ કર્યો હતો.
હું તો છેલછબીલો ગુજરાતી……મેંદી તે વાવી માળવે…તારી બાંકી રે પાઘલડીનું ફુમતુ રે…..અમે મણિયારા…મારગડો મારો મેલી દ્યોને….પંખીઓએ કર્યો કલશોર….ચરરર મારૂં ચગડોળ ચાલે…હુતુતુતુ…વગેરે…વગેરે……
વાદ્યવૃંદમાં અન્ય વાજિંત્રકારોના નામ તો મને ખબર નથી પણ કુલકર્ણી નામના વાંસળીવાદકની ફ્લ્યુટના સુરો મને ખુબ આકર્ષી રહ્યા હતા. હું સ્ટેજ પર જઈને તેને અને સરૈયાભાઇ નામના તબલાવાદકને
અભિનંદન આપી આવ્યો હતો.
કમનસીબે, મારી શારીરિક મર્યાદાઓને કારણે, હું સાડાત્રણ કલાકનો સમગ્ર કાર્યક્રમ જોઇ શક્યો ન હતો. મારે વારંવાર ઉઠી ઉઠીને બહાર જવું પડતું હતું. ( યુ નો વોટ આઇ મીન !) એટલે ઘણી બીજી સારી બાબતોનો ઉલ્લેખ કરવાનું રહી ગયું હોય એમ બનવાજોગ છે.
મારા પ્રિય લેખકો ઉત્પલ ભાયાણી અને હિતેન આનંદપરાને મળીને મને ખુબ ખુબ આનંદ થયો. એવી જ રીતે જેમની સાથે હું ઇ-મેઇલના માધ્યમથી ઘણાં વર્ષોથી સંકળાયેલો રહ્યો છું એ પીઢ કલાકાર ઉત્કર્ષ મઝુમદારને મળીને, તેમની સાથે વાતો કરીને , કૃતકૃત્યતા અનુભવી.
નેશનલ પ્રમોટર ઓમકારા ગ્રુપના, ડોક્ટર શ્રી. તુષાર પટેલ અને ‘નમસ્કાર ગ્રુપ’ના રાજેશ દેસાઈએ ખુબ ટુંકા સમયમાં આવો કાર્યક્રમ યોજ્યો તે માટે એમને પણ અભિનંદન.
કમનસીબે, રક્ષાબંધનના તહેવારને કારણે ઘણાં સુજ્ઞ પ્રેક્ષકો ‘આઉટ ઓફ ટાઉન’ હતા. કેટલાકને ઘેર , બહારગામના કુટુંબીઓ આવેલા અને ખાણીપીણીના કાર્યક્રમો હતા તો કેટલાક સિનિયરો પાંચ કલાક બેસી રહેવાય તેમ ન હોવાથી કાર્યક્રમથી દૂર રહ્યા હતા. ( હું પણ અંદર-બહાર, અંદર-બહાર જ કરતો હતો ને ! ).
નવીન બેન્કર ( લખ્યા તારીખ- ૮/૮/૨૦૧૭ – શહીદ દિન )
———————————————————————–