ગઝલકાર ડોક્ટર મહેશ રાવલ હ્યુસ્ટનમાં- શ્રી.નવીન બેન્કર
ગઝલકાર ડોક્ટર મહેશ રાવલ હ્યુસ્ટનમાં– શ્રી.નવીન બેન્કર
છબી સૌજન્ય::શ્રી જયંત પટેલ અને શ્રી પ્રશાંત મુન્શા
ગઝલકાર ડો મહેશ રાવલ..
હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૫મી બેઠક, શનિવાર ને ૨૦મી મે ૨૦૧૭ની સાંજે, ૪ થી ૭ દરમ્યાન સુગરલેન્ડના માટલેજ રીક્રીએશન સેન્ટરના હોલમાં, લગભગ ૬૦ જેટલા સાહિત્યરસિકોની હાજરીમાં યોજાઈ ગઈ. આ બેઠકના મુખ્ય મહેમાન, બે એરીઆના ફેમીલી ફિઝીશિયન અને ગઝલકાર ડોક્ટર મહેશ રાવલ હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી. વિજય શાહે સંભાળ્યું હતું.
નયનાબેન શાહે પ્રાર્થનાથી શરૂઆત કર્યા બાદ, સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી. સતીશ પરીખે આવકાર પ્રવચન કરતાં, સંસ્થાની ૧૬ વર્ષની પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો. ૧૨૦૦૦ પાનાના મહાગ્રંથનો પણ ઉલ્લેખ કર્યો. અને દેવિકાબેન ધ્રુવના હાથમાં માઇક સોંપી દેતાં, શ્રી. મહેશ રાવલનો પરિચય આપવા કહ્યું.
દેવિકાબેન ધ્રુવે શ્રી. મહેશ રાવલનો પરિચય આપતાં કહ્યું કે શ્રી. રાવલ સાહેબ,વ્યવસાયે ફેમીલી ફીઝીશિયન છે અને કેલિફોનિયાના ફ્રીમોન્ટમાં રહે છે. તેઓશ્રી. ચાર દાયકાથી ગઝલો લખે છે. મૂળ સુરેન્દ્રનગરના ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ. શિસ્ત ના આગ્રહી. ખોટું કરવું નહીં અને સહેવું પણ નહીં,એવા સંસ્કારોથી બધ્ધ. અમૃત ઘાયલને પોતાના ગુરૂ માને છે. કૈલાસ પંડીતની ગઝલોમાંથી પ્રેરણા લઈને લખતા થયા.વિકસતા, વિસ્તરતા અને નિખરતા ગયા. તેમના ચાર ગઝલ સંગ્રહો– ‘તુષાર’ (૧૯૭૮), ‘અભિવ્યક્તિ’ (૧૯૯૫), ‘નવેસર’ ( ૨૦૧૫), અને’ ખરેખર’.એક ઓડીયો સીડી –‘ શબ્દસર’ . શ્રી. મનહર ઉધાસના બબ્બે આલ્બમોમાં એમની ગઝલોને સ્થાન મળ્યું છે. રજૂઆતની આગવી શૈલી, રદીફ–કાફિયાનું નાવિન્ય એ તેમની ઓળખ છે. શુધ્ધ છંદની ગૂંથણી. સીધી સાદી તળપદી અને બોલચાલની ભાષા છતાં ધારદાર, ચોટદાર શબ્દોથી બનેલા શેરો માટે શ્રી. રાવલસાહેબ જાણીતા છે. અમદાવાદ–રાજકોટના દૂરદર્શન પર કાવ્યપઠન ઉપરાંત મુશાયરાના સંચાલન પણ તેમણે કરેલા છે. કેલિફોર્નિયામાં તેમના સર્જન માટે સન્માન પણ કરવામાં આવ્યું.
દેવિકાબેન ધ્રુવે એમના વક્તવ્યના અંતમાં શ્રી. મહેશ રાવલ માટે લખેલી પોતાની ચાર પંક્તિઓ કહી હતી–
ગઝલનો બાગ મહેકાવી સભામાં આજ આવ્યા છે
મજલ કાપીને મન માપી સભામાં આજ આવ્યા છે.
ખબર ના હો જો તમને તો કહી દઉં, વાત છાની એ,.
કે કિસ્સા લાગણીના લઈ સભામાં આજ આવ્યા છે.
ત્યારબાદ, હ્યુસ્ટનના ઘણાં બધાં સર્જકોને ગુજરાતી ફોન્ટ્સ આપીને લખતા કરનાર અને એમેઝોન પર પ્રતિષ્ઠા અપાવનાર શ્રી. વિજય શાહે કાર્યક્રમનો દૌર સંભાળ્યો. સૌ પ્રથમ ગુજરાતી નાટ્યકલા વૃંદના પ્રેસિડેન્ટ અને નાટ્યકાર શ્રી. અશોક પટેલને પોતાની કૃતિ રજૂ કરવા આમંત્રણ આપ્યું.
“આટલી તાઝગી ના હોય કદી સવારમાં
એ નક્કી મારા સ્વપ્નમાં આવ્યા હશે. “—
થી શરૂ કરીને શ્રી. બિપીન પટેલનું એક કાવ્ય વાંચી સંભળાવ્યું.
શૈલાબેન મુન્શાએ ‘કોઇ પાછુ વળી જાય’ શિર્ષક નીચી એક સુંદર કાવ્ય સંભળાવ્યું.
“ખોલું કમાડ હૈયાના, ને કોઇ પાછુ ફરી જાય.
આવીને ઉંબરે દિલના ને કોઇ પાછું ફરી જાય
ચાલતા રસ્તે મળે કદી અણજાણ મુસાફર,
નજરૂં મળે ના મળે, દિલની વાત કળી જાય…”
દેવિકાબેન ધ્રુવે પોતાની કૃતિ રજૂ કરી– ‘ तो बात बन जाये.’
નજર તારી મળે પળભર અગર, तो बात बन जाये.
નયન સમજે બધું હરદમ અગર तो बात बन जाये.
હજારો કંસ, કાળીનાગ ને કૌરવ કરોડો છે,
ફરી કર ધર્મને પગભર અગર, तो बात बन जाये.
હ્યુસ્ટનના ૯૬ વર્ષની વયના કવિ શ્રી. ધીરૂભાઇ શાહે વર્ષો પહેલાં કવિઓની અને ગઝલકારોની શું સ્થિતિ હતી અને અમદાવાદના રસ્તાઓ કેવાં હતાં એને લગતી રચના રજૂ કરી. હ્યુસ્ટનના કવિ, ગઝલકાર, નાટ્ય–અભિનેતા અને ગાયક એવી બહુમુખી પ્રતિભા ધરાવતા, ‘મનુજ હ્યુસ્તોનવી’ ને નામે લખતા કવિ શ્રી. મનોજ મહેતાએ પોતાની ગઝલ ‘કુતૂહલ’ રજૂ કરી.
“પાપ અહિંયા કર્યે જાય છે એટલા, જાય નહાવા પછીથી બનારસ હવે.
ધડકનો શ્વાસનો એક્તારો બની, જીવન સંગીતનો ઘુંટશે રસ હવે.
સત્યને, શીવને, સુંદરમને ભજતાં, જીવ, તું શીવ થઈ અનંતે વસ હવે.
રાખ આકાર, નિતનવા સ્વાંગમાં ભલે, જાણું છું, તું નિરાકાર છે બસ હવે.”
સંસ્થાના ટ્રેઝરર એવા શ્રી. મનસુખ વાઘેલાએ ગદ્યસર્જનમાં ચાર દ્રષ્યોની વાત કહી.
બીજા સર્જકો– પ્રવિણાબેન કડકિયા, નીરાબેન, વિનોદ પટેલ અને નુરૂદ્દીન દરેડીઆએ પણ હ્રદયંગમ રચનાઓ રજૂ કરી હતી.
સાડા પાંચ વાગ્યે, વિરામમાં બધાંને ચાહ, બિસ્કીટ અને જ્યુસનો અલ્પાહાર આપ્યા પછી કાર્યક્રમનો દૌર, આજના આમંત્રિત ગઝલકાર ડોક્ટર શ્રી. મહેશ રાવલે સંભાળતાં કહ્યું કે– હું તો પરંપરાનો માણસ છું. ઘાયલ અને મરીઝ ની સ્ટાઇલનો..
એ શોખ છે, આજીવિકાની લાચારી નથી.
મારી ગઝલ કંઈ કોઇની ઓશિયાળી નથી.”
જાહોજલાલી છે નિજાનંદી ખુમારની,
કંઈ જીહજૂરીની ઉઘાડી નાદારી નથી.
એક દબંગ સ્ટાઈલની ગઝલ પણ શ્રોતાઓને ખૂબ ગમી હતી.
“વિકસવું છે તો વિકસવાનું વટથી.
વરસવું છે તો વરસવાનું વટથી.
નિજાનંદે લખવું તો લખવું વટથી
મહેશત્વ નહીં છોડવાનું મહેશ,
જીવ્યા એવી રીતે મરવાનું વટથી.”
બહુ ગમેલી અને પ્રેક્ષકો એ વારંવાર તાળીઓથી વધાવેલી તેમની કેટલીક કૃતિઓ
-“નિઃશબ્દતા અને શબ્દ વચ્ચે લાગણી મુકી દ્યો,
લાગણી પણ શાંત નહીં, બેબાકળી મુકી જુઓ,”
– હું હવે મારી દશાની વાત પણ કરતો નથી.
કેમ છો? પૂછી જનારા ક્યાં મઝામાં હોય છે?
-નમ્યું જો ક્યાંય મસ્તક, તો નમ્યું છે લાગણી ખાતર
ખપે ગરજાઉમાં, એવી ગરજ ક્યાં સાવ રાખી છે!
-લખું છું એ ગમે છે, ને ગમે છે એ લખું છું હું
કરો જે અર્થ કરવો હોયે, છે એ લખું છું હું
પ્રલંબ લયમાં લખાયેલી એક ગઝલ જુઓ–
– ધારણાથી પર થતાં બહુ વાર લાગે છે,
બુંદને સાગર થતાં બહુ વાર લાગે છે.
કંઇ બધાં સમજી શકે નહીં આંખની ભાષા,
એકલું સાક્ષર થતાં બહુ વાર લાગે છે.
જિન્દગીનો અર્થ હું એમ સમજ્યો કે,
પુષ્પથી અત્તર થતાં બહુ વાર લાગે છે.
અત્રે , શ્રી. રાવલે રજૂ કરેલી બધી કૃતિઓ રજૂ કરવી શક્ય નથી તેથી એટલું જ કહીશ કે પૂરા દોઢ કલાક સુધી શ્રી. મહેશ રાવલે કાઠિયાવાડી,મીઠ્ઠી અને તળપદી ભાષામાં એટલી બધી કૃતિઓ સંભળાવી કે શ્રોતાગણે ઘણી રજૂઆતો પર તાળીઓના ગડગડાટ અને ક્યારેક તો સ્ટેન્ડીંગ ઓવેશન આપીને તેમને વધાવી લીધા હતા. તેમની વેબ સાઇટ www.drmahesh.rawal.us
.કાર્યક્રમના અંતમાં આભારવિધિ અને ગ્રુપ ફોટા બાદ સૌ વિખરાયા હતા.
સૌના માનસપટ પર સંવેદનાની એક સચ્ચાઈનો રણકો પડઘાતો હતો.
અસ્તુ.
નવીન બેંકર
1 Comment