‘અક્ષરને અજવાળે’ (કાવ્યસંગ્રહ)- એક અવલોકન.
‘અક્ષરને અજવાળે‘ (કાવ્યસંગ્રહ)- એક અવલોકન.
CreateSpace eStore: https://www.createspace.com/4159377
કવયિત્રી દેવિકા રાહુલ ધ્રુવના આ બીજા કાવ્યસંગ્રહ ‘અક્ષરને અજવાળે‘ વાંચતાં, ગીત-ગઝલના ચાહકોને એક નવી સશક્ત કલમનો પરિચય થાય છે.આ સંગ્રહમાં ૩૩ ગીતો, ૨૭ ગઝલો, ૧૪ અછાંદસ અને ૧૮ મુક્તકો છે. છેલ્લા પાંચેક વર્ષથી, કાવ્ય અને ગઝલક્ષેત્રે જે થોડીક નવી કલમો કાર્યરત થઈ છે તેમાં દેવિકાબેનનું નામ અવશ્ય મૂકી શકાય. આ કવયિત્રીની કવિતાઓ અને ગઝલો વાંચતા તેમની તાઝગીભરી મથામણને આવકારવાનું મન થઇ જાય છે. આ કૃતિઓ કવયિત્રીના પગલાંને વિસ્તરીને એમનો રાજમાર્ગ કંડારી લે એવી આશા જન્માવે છે.
ગઝલ સાથે ગીતોની પ્રવાહિતા ધ્યાનપાત્ર જણાય છે. આ બીજા કાવ્યસંગ્રહની કૃતિઓ વધુ પરિપક્વ, પીઢ અને બળકટ જણાય છે.
અછાંદસ રચનાઓ કવિતાના રસિક વાંચકોને આનંદ બક્ષે તેવી સુંદર છે.
આ કાવ્ય જુઓ-
શતદલ પંખ ખીલત પંકજ પરહસતા નયન જ્યમ શ્યામ વદન પર
શતદલ બુંદ સરક દલ વાદળ, ભીંજત બદન નર નાર નવલ પર.
તમને આ વાંચતાં, એના શબ્દો સંભળાય છે ને ! મલપતો, રણકતો, ચળકતો અવાજ આ કાવ્ય વાંચતાં આપણને સંભળાય છે. સહ્ર્દય વાંચકો માટે આ , આસ્વાદ્ય કર્ણરસાયણ છે.શબ્દ, ભાષા, અને વિચારના ત્રિપરિમાણમાંથી સર્જાયેલ સૌંદર્યમઢીત આ કૃતિઓ આપણાં ફેફસામાં નવો પ્રાણવાયુ પૂરે છે.
કવિતામાં તેમનો ઝોક જીવનધારક તત્વ અને અધ્યાત્મ પ્રતિ વિશેષ જણાય છે. કવિતાઓમાં સૃષ્ટિલીલા પણ પ્રગટાવી છે.કવયિત્રી મુલ્યનિષ્ઠ જીવન અને કવનના ઉપાસક દેખાઇ આવે છે. ‘વિશ્વશાંતિ‘, ‘વિશ્વભાસ્કર‘, ‘પૃથ્વી વતન કહેવાય છે‘, જેવી કૃતિઓમાં ‘વસુધેવ કુટુંબકમ‘ની ભાવનાથી પ્લાવિત એવા ભાવવિશ્વની પ્રતીતિ થાય છે. ‘તડકો‘ જેવા કાવ્યમાં, તડકે બેઠેલા બે પ્રેમીજનો હુંફાળા હાથમાં હાથ લઈને બેઠાનું ચિત્ર કેવું તાદૃશ્ય થાય છે ! વાંચતાં વાંચતાં આપણે પણ જાણે ઝરમરતી ઝીલની મસ્તીને માણતાં ને ભીની ભીની ક્ષણોને વીણી વીણીને વાતોમાં વાગોળવા માંડીયે છીએ.
દેવિકાબેનની રચનાઓમાં પ્રકૃતિ અને પ્રભુની વાતો પણ છે. લય અને શબ્દ જોડે અર્થને ભેળવીને કવયિત્રી સુંદર ચિત્રો સર્જી શકે છે. શબ્દોની સહજ ગોઠવણી ધ્યાનાકર્ષક બની રહે છે. વ્યર્થતા, એકલતા, વેદના જેવી સંવેદનાઓ પણ તેમની રચનાઓમાં વ્યક્ત થાય છે. ‘હોય છે‘, ‘કોને મળી‘, કંઇક સારુ લાગે‘, ‘યાત્રા‘, ‘તમે એટલા તો વ્યસ્ત ના થાવ‘, જેવી કૃતિઓમાં દેવિકાબેન દાર્શનિક ( ફિલોસોફર) જણાય છે.
કવયિત્રી દેવિકા રાહુલ ધ્રુવની લયસિધ્ધી, શબ્દવૈભવ અને ભીતરી ગાંભીર્યનો રસાનુભવ કરાવતી ‘અક્ષરને અજવાળે‘ની રચનાઓ વાંચવા અને માણવા જેવી છે એમાં કોઇ શંકા નથી
.
નવીન બેન્કર
૧૭ ફેબ્રુઆરિ ૨૦૧૩
No Comments