એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2012 » November

“પુષ્પગુચ્છ” એક અવલોકન

November 24th, 2012 Posted in રસદર્શન

“પુષ્પગુચ્છ” એક અવલોકન -નવીન બેંકર

 

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના ૨૫ જેટલા કવિઓ-ગઝલકારોની રચનાઓનું સંપાદન કરીને શ્રી.સુરેશ બક્ષીએ એક સુંદર પુષ્પગુચ્છ બનાવ્યું છે.એક સહ્રદય વાંચક તરીકે મેં, એ કવિતાઓ વાંચી છે,સરવે કાને સાંભળી છે અને મારી દ્રષ્ટીએ ઝીણા આંકની ચાળણીએ ચાળી પણ છે.

આમાં અછાંદસ કાવ્યો પણ છે, ગઝલ પણ છે અને વાંચતાં વાંચતાં સંભળાય એવા સુંદર કાવ્યો પણ છે.કવિશ્રી. સુમન અજમેરી,અબ્દુલ રઝાક મેઘાણી “રસિક” દેવિકાબેન ધ્રુવ, પ્રવિણાબેન કડકિઆ, સરયુબેન પરીખ જેવાના કાવ્યોનો સમાવેશ કરીને સુરેશ બક્ષીએ સરવા કાન અને ઝીણી નજરનો પુરાવો આપ્યો છે. કવિતાની કસોટીએ જ ખરી ઉતરેલી રચનાઓને જ પસંદ કરવાની નેમ, બક્ષીએ દાખવી છે એ અભિનંદનને પાત્ર છે.

 હવે,કેટલાક કાવ્યો અંગે વાત કરીએ- પ્રવિણા કડકિયાની રચનાઓમાં સદગત પતિના સંસ્મરણોનું સ્પર્શક્ષમ શૈલીમાં આલેખન, તેમાં રહેલો વિષાદ અને આનંદનો અંગત અનુભવ વાંચકના ભાવવિશ્વને ભર્યું ભર્યું કરે છે. સ્મ્રુતિઓથી ઘેરાતો વિષાદ તેમાં સૂપેરે પ્રતિબિંબિત થયો છે.ક્યાંક એકલતાની ભીંસ પણ અનુભવાય છે.એ લાગણીઓને અપાયેલ શબ્દદેહ વાંચકના હૈયાના તારોને રણઝણતા કરી શકે છે.

 આ પુષ્પગુચ્છના સર્જકોની રચનાઓમાં પ્રતિબિંબિત થતી એમની જીવનદ્રષ્ટી,એમની વૃત્તિ,એમનું ચિંતન,એમની અભિવ્યક્તિ સૌના હ્રદયભાવોને વાચા આપવા માટે જ જાણે પ્રગટ્યા હોય એવા જણાય છે. કેટલીક રચનાઓ તો એવી છે કે એનો નાદ,લય,શબ્દો એ એક અલગ જ અનુભૂતિનું વિશ્વ રચી આપે છે. ગઝલમાં વર્ણનને ખાસ અવકાશ નથી હોતો. બહુ ઓછ શબ્દોથી કામ લેવાનું હોય છે. ગઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર ભાવવિશ્વ ધરાવતો હોય છે. પ્રત્યેક શેર પોતે જ પોતાનામાં સ્વતંત્ર કાવ્ય હોય છે. રસિક મેઘાણીની ગઝલો અંગે તો કશું કહેવાપણું છે જ નહીં.’તમારી યાદનો ટહૂકો’ યોગ્ય સમયે જ ‘પુષ્પગુચ્છ’માં મુકાઇ છે.સ્ટ્રોકના હુમલા પછી, બે વર્ષ માટે બધું સમેટી લઈને પાકિસ્તાન ગયેલા આ ગઝલકારની ખોટ હ્યુસ્ટનના સહિત્ય-રસિકોને વધુ સાલશે. ‘તારી યાદ’માં હેમાબેન પટેલ પણ સુંવાળા દિવસોની યાદોને વાગોળે છે અને અટવાઇ ગયેલી જિન્દગીની વાતને વહી ગયેલા લાગણીના પ્રવાહો દ્વારા આપણને ય આપણાં ભુતકાળમાં ખેંચી જાય છે.

 દેવિકા રાહુલ ધ્રુવ એમના પ્રથમ કાવ્યસંગ્રહ’ શબ્દોને પાલવડે’ પ્રકાશિત થયા પછી તો ઉપરાછાપરી કાવ્યોની હેલી જ વરસાવી રહ્યા છે. એમના કાવ્યો / ગઝલો છંદબધ્ધ હોય છે.એ માત્ર વાંચવાના જ નથી હોતા. સાંભળવાના પણ હોય છે.એમના કાવ્યો વાંચીએ કે એમને કંઠે સાંભળીએ ત્યારે જાણે આપણે કોઇ હોડીમાં બેસીને ખળખળ વહેતા જળમાં શ્બ્દચિત્રોને જોઇ અને સાંભળી શકીએ એવી અનુભૂતિ થાય છે.છેલ્લી પંક્તિઓમાં ચિંતનાત્મકતા, અધ્યાત્મકતા, અને જીવનની ફિલસૂફી પણ આવી જાય એ, દેવિકાબેનની વિશેષતા છે. કવિતામાંથી સંગીત પણ સર્જાઇ શકે અને શબ્દચિત્રનો આખો માહોલ વાંચકની દ્રષ્ટી સમક્ષ કેવી રીતે ઉભો થઇ શકે એ સમજવા માટે તમારે દેવિકા ધ્રુવના ‘શતદલ’ જેવા કાવ્યો વાંચવા જોઇએ.

ચીમન પટેલ હ્યુસ્ટનના હાસ્યલેખક છે. હમણાં થોડાક સમયથી તેમણે કવિતા,ગઝલ, હાઇકુ પર પણ સફળતાપુર્વક હાથ અજમાવવા માંડ્યો છે.પ્રસ્તુત કાવ્યસંગ્રહમાં, બાળકને સ્તનપાન કરાવતી પત્નીનું શબ્દચિત્ર ‘અલી, શીદને થઈ ઘેલી’ કાવ્ય દ્વારા તાદૃશ કરે છે. સાસુ-વહુના પ્રેમની વાત કરતું ,વર્ષાબેન શાહનું કાવ્ય પણ ભાવવિભોર બનાવી દે છે. સુમન અજમેરીની ‘અંતાક્ષરી’ એક આવકારદાયક નવીન પ્રયોગ છે.’મનુજ હ્યુસ્તોનવી’ ના નામે લખતા શ્રી. મનોજ મહેતા હ્યુસ્ટનના જાણીતા નાટ્યકાર, અભિનેતા, અને કવિ છે. ચિંતનાત્મક ફિલોસોફીવાળી તેમની ગઝલો નોંધનીય છે. હેમંત ગજરાવાળા પણ ‘મારી નજરઃતારી નજર’ દ્વારા સ્વપ્ના દર્શાવી જાય છે.અંગ્રેજી કવિતાઓના વાંચન દ્વારા અને તેના ભાવાનુવાદ દ્વારા પોતાની વિદ્વતાનો પરિચય કરાવી જતા આ સર્જક બહુશ્રુત અને વિદ્યાવ્યાસંગી છે. જિન્દગીના નવ દાયકા વટાવી ગયેલા અને હ્યુસ્ટનની ઇન્ડીયા કલ્ચર સેન્ટર દ્વારા ‘સ્પિરીટ ઓફ ટાગોર એવોર્ડ’થી સન્માનિત થયેલા શ્રી. ધીરુભાઇ શાહ પોતાની ઉંમરને અનુરુપ, સંબંધોની ફિલસુફી સમજાવે છે. વિજ્ય શાહનું ‘રિક્તતા’ કાવ્ય પણ હ્રદયસ્પર્શી છે.બધું ભર્યુભાદર્યુ હોય અને છતાં કોઇ પ્રિય આપ્તજનની ગેરહાજરીને કારણે વતનમાં જવાનું મન ન થવાની લાગણી આપણા બધાનો અનુભવ છે. રમઝાન વીરાણીની બન્ને રચનાઓ પર ‘ આ મુંબઇ છે’ ની અસર વર્તાય છે. વિશાલ મોણપરાના કાવ્યોમાં યૌવનની તાઝગી ને પ્રેમનો તલસાટ /ઉત્કટતા છે. સુરેશ બક્ષીના ‘ચડતી પડતીના સરવૈયાની વાત દિલને સ્પર્શી જાય તેવી છે. વિશ્વદીપ બારડની કૃતિ પણ સુંદર છે. ‘વૈશ્નવજન’ ના ઢાળ પર રચેલું ‘ સારા માનવ’ એ અંબુભાઇ દેસાઇનું કાવ્ય સમાનતા, ઉદારતા, કરુણા, મૈત્રિભાવ જેવા ભાવોની વાત કરતું ચિંતનાત્મક કાવ્ય છે તો સ્વ.મહમદ પરમાર ‘સૂફી’ ની ગઝલ આતંકવાદની વેદના તાદૃશ કરે છે.વર્ષા શાહ ‘ઘરેણાનો ડબ્બો’ દ્વારા કેવું સુરેખ ચિત્ર ઉપસાવી શક્યા છે ! બોખા મ્હોંએ સીતાફળની પેશી ખાતા પપ્પાનું ચિત્ર એ કાવ્ય દ્વારા ચિત્રિત કરી શક્યા છે. ‘પિયુના પગરખાનો અવાજ’ અને ‘નીતરતી સાંજ’ ના આલેખન દ્વારા સરયુબેન પરીખ કેવી સુંદર વાત કરે છે !

ટૂંકમા, ‘પુષ્પગુચ્છ’ની કેટલીક કૃતિઓ ચિંતનાત્મક છે. સુમન અજમેરિ, હેમાબેન પટેલ, શૈલાબેન મુન્શા, વિજય શાહ, દેવિકાબેન ધ્રુવની રચનાઓ એના ઉદાહરણ છે. કેટલીક કૃતિઓમાં અધ્યાત્મ અને ફિલોસોફી છે. પ્રદીપ બ્રહમભટ્ટ, ગિરીશ દેસાઇ,, ઇન્દીરાબેન શાહ, સુરેશ બક્ષીના કાવ્યો એના ઉદાહરણ તરીકે ગણાવી શકાય. હ્યુસ્ટનના આ કવિઓ / ગઝલકારો આધુનિક સંવેદનાના સર્જકો છે.તેઓ ગીત અને ગઝલની રચનામાં રત રહીને આધુનિક સંવેદનાઓને વાચા આપી શકે છે.વિભિન્ન રંગ,મિજાજ, ભાવ, વિષય અને શૈલી ધરાવતી રચનાઓને એકબીજાની સાથે વાંચતાં, કવિતાઓનો કેલિડોસ્કોપ જોયાનો અનુભવ કરાવે છે.

 દિલીપ પરીખના ચિત્રો, જયંત પટેલના ફોટોગ્રાફ્સ, અને નિખિલ મહેતાના આર્ટવર્કથી ઓપતું આ ‘પુષ્પગુચ્છ’ આકર્ષક બની શક્યું છે. સુરેશ બક્ષી, આપે, આમુખમાં આપના પ્રિય કવિ ગની દહીંવાલાનો જે શેર ટાંક્યો છે એને જ દોહરાવીએ, તો જરુર કહી શકાય કે આ સંપાદનથી, ગુજરાતી સાહિત્ય સરિતામાં, આપનું નામ પણ આદરપુર્વક લેવાતું રહેશે.

હ્યુસ્ટનના કવિઓ / ગઝલકારોના આ ક્લોઝ અપ માટે, સંકલનકાર બક્ષીસાહેબ, આપને સાદર સલામ.

નવીન બેન્કર ૨૧ નવેમ્બર ૨૦૧૨

Navin Banker

http://navinbanker.gujaratisahityasarita.org/

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.