હ્યુસ્ટનમા નવરાત્રિ મહોત્સવ
હ્યુસ્ટનમા નવરાત્રિ મહોત્સવ
અહેવાલ – શ્રી. નવીન બેન્કર
( ઓક્ટો ૨૯ ૨૦૧૦ના રોજ ગુજરાત ટાઇમ્સમાં છપાયેલ અહેવાલ )
————————————————————————————————–
નવરાત્રિ એટલે કે આસો સુદ એકમથી નોમ સુધી માતાજીની આરાધનાના દિવસો છે.માતાજીની સ્તૂતિ કરતા સ્તોત્ર, ગરબા ગાવાનો રિવાજ છે.છેલ્લા થોડા વર્ષોથી તો ઇન્ડીયામા શેરીના ગરબા લુપ્ત થઈ રહ્યા છે અને પાર્ટી પ્લોટ કલ્ચરના જ ગરબા પ્રચલીત થઈ રહ્યા છે.ફિલ્મી ગીતની ધૂનો પર માત્ર ઇન્સ્ટ્રુમેન્ટસ પર ધૂનો વાગ્યા કરે અને ખેલૈયાઓ, સ્ટાઈલો મારતા ગરબે ઘૂમે એ દ્રષ્ય કોમન થઈ ગયું છે. ગરબે ઘૂમતા ખેલૈયાઓને આ માતાજીનો ધાર્મિક તહેવાર છે એવો એહસાસ જ થતો નથી.અને એમાંય, અમેરિકામાં જ જન્મેલી, ભણેલી, ઊછરેલી આજની યુવાન પેઢીને તો ગુજરાતી લોકગીતોની રમઝટ પર વાગતો ગરબો ‘ ઈંધણ વીણવા ગઈ’તી મારી સહિયર’ જેવા લોકગીતનો અર્થ પણ ના સમજાય કે તેની ગતાગમ પણ ના પડતી હોય છતાં એ ધૂન પર મન મૂકીને સ્ટાઈલો મારીને મ્હાલતા હોય !
આ વર્ષે, ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટને ભરુચના લોકલાડીલા, લોકગાયક, બુલંદ સ્વરના શહેનશાહ એવા ‘આષાઢી મોરલા’ને નામે ઓળખાતા જાણીતા ને માનીતા શ્રી. અભેસિંહ રાઠોડ અને તેમના ચુનંદા વાજિન્ત્રકારોને નવરાત્રિના ગરબા માટે આમંત્ર્યા હતા. ફિમેઈલ વોઈસમા શ્રીમતી રાધાબેન વ્યાસના કોકિલકંઠનો તેમને સાથ મળ્યો હતો.તો, ઢોલ પર અમદાવાદના શ્રી.ચંદ્રકાંત સોલંકી, ઓક્ટૉપેડ પર શ્રી.નિખિલ મિસ્ત્રી, કી-બોર્ડ પર શ્રી.ઝલક પંડ્યા અને સહાયક પુરુષ સ્વરમા વોઇસ ઓફ કિશોરકુમાર એવા શ્રી. શૌરીન ભટ્ટનો તેમને સાથ સાંપડ્યો હતો.
ત્રણ તાળીના ગરબાથી શરૂ કરીને, પછી બે તાળીના ગરબા,માતાજીની આરતી,પ્રસાદ..થોડોક વિરામ..અને પછી સનેડો..લાલ સનેડો..રમઝણીયુ..ડાંડિયા રાસ..આ પ્રણાલી થઈ ગઈ છે..હ્યુસ્ટનના આ વખતના ગરબામાં ક્યાંય કોઈ ફિલ્મી ધૂન નહિં..માત્ર પરમ્પરાગત માતાજીના પ્રચલિત ગરબાના તાલ પર જ સમગ્ર કાર્યક્રમ સુરુચીપુર્ણ રીતે નવે દિવસ દરમ્યાન ઉજવાયો હતો.
છેલ્લ બે-ત્રણ વર્ષથી ગરબા દરમ્યાન સ્ટેજ પર હિન્દી ટીવી સિરિયલોના જાણીતા ને લોકલાડીલા કલાકારોને થોડીક મિનિટો માટે હાજર કરી દઈને ગરબાની ટીકીટોના વેચાણમાં વધારો કરીને મબલખ કમાણી કરી લેવાનો રીવાજ ચાલુ થઈ ગયો છે તો પછી હ્યુસ્ટન પણ તેમાંથી કેમ બાકાત રહે ? બેચાર વર્ષ પહેલા, મોનાસિંઘને ગરબામા હાજર કરવામા આવેલી. આ વર્ષે, પ્રથમ બે દિવસ દરમ્યાન ઝી ટીવીની હિન્દી સિરિયલ ‘છોટી બહૂ’ની યુગલ બેલડી ‘દેવ અને રાધિકા’ને સ્ટેજ પર હાજર કરવામા આવેલા, તેમની પાસે આરતી પણ કરાવવામા આવી હતી અને ઓડીયન્સમા પણ ફેરવવામા આવ્યા હતા. ૧૫મી તારીખે ઝી ટીવીની સિરિયલ ‘યહાં મૈ ઘર ઘર ખેલી’ની આભાને હાજર કરવામા આવી હતી.આ કલાકારોના ઓટોગ્રાફસ લેવા અને તેમની સાથે તસ્વીરો પડાવવા રીતસરની પડાપડી થતી હતી.
આ વર્ષે, હ્યુસ્ટનમા ઘણી સંસ્થાઓએ પોતાના જૂદા ગરબા રાખ્યા હતા.ફ્રેન્ડસ એન્ડ ફેમિલિ ઓફ ઈન્ડિયાએ પ્રથમ બે દિવસ સ્ટેફોર્ડ સિવિક સેન્ટરના વિશાળ હોલમા ગરબા રાખ્યા હતા જેનુ આકર્ષણ ફ્રી પાર્કીંગ અને ટીકીટ સાથે ભોજન પણ હતુ. લેઉવા પાટીદાર સમાજે પણ પોતાના ગરબા રાખેલા.હ્યુસ્ટનના પરા વિસ્તારો- કેટી અને ક્લીયરલેક- માં પણ ગરબાનુ આયોજન કરવામા આવેલુ.પહેલા ગુજરાતી સમાજના ગરબામા પાંચથી સાત હજારની મેદની ઉમટતી હતી.આ વખતે ખેલૈયાઓ વહેંચાઈ ગયા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ડિયન સિનિયર સિટિઝન્સ ઓફ હ્યુસ્ટને તારીખ નવમી ઓક્ટોબરે પોતાના ગરબા રાખ્યા હતા જેમા લગભગ ૨૬૦ સિનિયરોએ સક્રિય ભાગ લીધો હતો.વીરબાળાબેન શાહ અને અન્ય ચાર સભ્યોએ લ્હાણી પણ કરી હતી. ગાયક કલાકારોમા શ્રીમતી સુશીલાબેન પટેલ,તારાબેન પટેલ,હંસાબેન પરીખ હતા તો ઈન્સ્ટ્રુમેન્ટ્સ પર તેમને સાથ આપ્યો હતો શ્રી. દિવ્યકાત પરીખ,નવીન બેન્કર,આશિષ વોરા,રમેશ મોદી,સુધીર મથુરીયા અને હેમન્ત ભાવસારે.
ગાયક કલાકાર સુશીલાબેન પટેલ તરફથી સભ્યોને સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ કરાવવામા આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેસિડેન્ટ શ્રી. પ્રફુલ્લભાઇ ગાંધી,તેમના કમિટિ મેમ્બરો અને ટ્રસ્ટીઓએ ઘણી જહેમત ઉઠાવી હતી.
ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના ગરબાના કાર્યક્રમને સફળ બનાવવા માટે તેના પ્રેસિડેટ શ્રી.પ્રકાશ દેસાઈ,વાઈસ પ્રેસિડેન્ટ શ્રીમતી નિશાબેન મિરાણી,ટ્રેઝરર શ્રી. અજીત પટેલ, કમિટી મેમ્બરો શ્રીમતી યોગીનાબેન પટેલ,શ્રીમતી સપનાબેન શાહ,શ્રીમતી મયુરિબેન સુરતી વગેરેએ ઘણી જહેમત ઉઠાવી હતી.
એકંદરે, હ્યુસ્ટનમાં નવરાત્રિ મહોત્સવ વિવિધ સંસ્થાઓ દ્વારા દબદબાપુર્વક ઉજવવામાં આવ્યો.
અસ્તુ.
અહેવાલ લેખક – શ્રી. નવીન બેન્કર