એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Page 16996

મારી વિદુષી બહેન દેવિકા ધ્રુવ ના સંસ્મરણો

આ લખવાની પણ એક ચાનક હોય છે.  રમણકાકા વિશે વિચારું તે પહેલાં  શકુની ઈમેઈલ વાંચી મોટાભાઈ વિશે લખવા પ્રેરાઈ.

અમેરિકન જેવો નાક-નક્શો ધરાવતા મોટાભાઈનો ચહેરો આકર્ષક હતો. તેમનું વ્યક્તિત્વ ધારદાર અને આરપાર હતું. એ લાગણીશીલ હતા પણ લાગણીને વશ ન હતા. એ સ્વપ્નશીલ હતા,પણ સ્વમાનને ભોગે નહિ..એમના સ્વમાને એમના ક્રોધ પર રાજ્ય કર્યું હોત તો જગત ખૂંદી વળ્યા હોત, ડોનાલ્ડ ટ્રમ્પ બની શક્યા હોત.પણ  એ ક્રોધ પર કાબૂ ન રાખી શક્યા તો પ્રારબ્ધે એમના પુરુષાર્થને પાડી દીધો.
સમજણી થઈ ત્યારથી આ વાત મનમાં વસી ગઈ અને ગુસ્સાથી સભાન બનતી રહી.
 
આનાથી વિરુધ્ધ, બીજી બાજુ, તેઓ નામ પ્રમાણે રંગીલા રસીલા પણ હતાં. બાને એ વિદુ કહેતા અને કમુને ‘બેરી’ કહેતા. વિરુને લઈ બધે વાંસળી વગાડવા જવાનું તેમને ખુબ જ ગમતું. ઘણીવાર વિરુ ના પાડે તો છાનામાના જાય. બહારથી એ આવે કે તરત જ સંગી  એમને આખા દિવસની, કહેવાની કે ના કહેવાની, બધી વાતો કરી દે. શકુને પણ કદી લઢ્યા હોય તેવું મને યાદ નથી.આર્થિક લાચારીના સમયમાં મને એવું સ્મરણ છે કે એ કોકિબેનથી ડરતા. નવીનભાઈ સાથે ઝાઝુ બનતું નહિ. જમી પરવારી મારી સાથે રાત્રે પત્તા રમવા બેસતાં. એક રંગની રમી રમવામાં એમને મઝા આવતી. એમ લાગે છે કે બાએ તેમને નાનપણમાં લાડ લડાવ્યાં હશે.નહિ તો બાળપણમાં બાપની છત્રછાયા ગુમાવેલ છોકરામાં ગંભીરતા અને યોગ્ય માર્ગ પર રહેવાની વૃત્તિ સબળ હોય. જો કે, સારી નોકરીને ગુસ્સાને કારણે લાત માર્યા પછી,આપણને બધાને તકલીફ ન પડે તે માટે તે ઠેકઠેકાણે,દૂર દૂર સુધી (Banglore)ગયાં, એકલાં રહ્યાં,ખાવા-પીવાથી માંડીને ઘણી જાતજાતની મુશ્કેલીઓનો સામનો કરતા રહ્યાં. પણ નસીબે એમને યારી ન આપી તે ન જ આપી. છેવટે, આર્થિક સંકડામણ વચ્ચેની એ નિષ્ફળતા અને કેટલીક કુટેવોની અસર શરીર પર પડી ને વહેલાં પટકાયા.

બાની સરખામણીમાં મોટાભાઈમાં ઓછી પ્રતિભા અને ઓછા ગુણો
. છતાં મને એમના માટે બા કરતાં થોડું વધારે ખેંચાણ ખરું. એટલા માટે કે મેં  મોટાભાઈનો કમુ માટેનો પ્રેમ  જોયો છે,અનુભવ્યો છે. લડવા-ઝઘડવા છતાં કમુને કામમાં મદદ કરતા હતાં. ઘરમાં જ્યારે જ્યારે કોઈ ન હોય ત્યારે ‘લાવ,તને થોડાં વાસણ મંજાવી લઉં’ હસીને કહેતાં અને કરતા પણ. પાણીની ડોલ પણ ખેંચી આપતા,ઘણીવાર સવારે ચહા બનાવતા અને  ઘેર લાવેલા તાકામાંથી રેસા પણ કપાવતા. કમુ પરના ગુસ્સામાં  તેમની લાચારીની વેદના જણાતી. થોડા પૈસા વધુ મળશે એ વિચારે (રેસા કાપવા જતી ત્યારે ) કમુ ઘેર મોડી આવે ત્યારે એ લડતા કારણ કે,તેમને કમુ માટે પ્રેમ હતો એવું મને તે સમયે પણ લાગતું અને આજે પણ સમજાય છે.
કાશ ! એમના સ્વભાવમાં ગુસ્સો ન હોત તો !
 
એ રીતે મને રમણકાકા ગમતા. એમણે કદી ગુસ્સો કર્યો નથી. એ ભલે ઓછી બુધ્ધિના ગણાતાં પણ તેમની સમજણ જેટલી 
હતી  તેટલી સાચી હતી. એ હંમેશા કમુનો પક્ષ જ લેતા.  કદી ઉંચા સાદે બોલતા નહિ. મંગુમાશીની જેમ જ શાંત રહેતા. એ કેમ ન ભણ્યા,ન કમાવા ગયા, કેમ ન પરણ્યાં…કશી જ ખબર નથી. ઉઠવું,ખાવું,પીવું બધું જ એકદમ નિયમિત. ઘડિયાળના કાંટે જ ચાલે. કોઈ જ એમને ગણતું નહતું કમુને ભાભી ભાભી કરતા. કમુ પણ એમને માનથી બોલાવતી અને એમના તરફ ભલી લાગણી રાખતી. કોઈ એમને ઘાંટા પાડે તે કમુને ગમતું નહિ. 
સવારે ૯ વાગે કાકા ચાલવા જાય ત્યારે હંમેશા બંને હાથ પાછળ રાખીને ધીમુ ચાલતા. કલાકેક ચાલે પછી ઘેર આવે.  હંમેશા ઝભ્ભો,ધોતિયું અને  કાળી ટોપી પહેરતા. ખમીસ પહેર્યાનું સ્મરણ નથી. આ લખું છું ત્યારે એક મઝાની વાત યાદ આવે છે. કાકા ક્યારે ગુજરી ગયા તે વર્ષ તો યાદ નથી. પણ તેમના ગયા પછી એક સવારે હું દહીં લેવા નીકળી અને બરાબર એટલે  બિલકુલ બરાબર તેમના જેવો જ એક માણસ લાખા પટેલની પોળેથી ચાલતો આવતો હતો.તેના પણ બંને હાથ પાછળ. એજ  ધીમી ચાલ,નીચી નજર. હું બી ગઈ. દોડતી પાછી વળી ગઈ. સાંકુ માના ઓટલે ઉભી જોવા લાગી. તો આપણી પોળ પાસેથી પસાર થતાં તે માણસે નજર ફેરવી. બાપ રે! હું તો કમુને બોલાવી આવી ને બતાવ્યું સતત બે દિવસ સુધી એ જ ટાઈમે એ નીકળતો અને હું ને કમુ જોવા બહાર ઉભા રહેતા. હજી આજે પણ મને પ્રશ્ન છે કે એ માણસ કોણ હશે? કાકાના મૃત્યુ પહેલાં તો ક્યારે ય એને જોયો ન હતો!!
 
‘હલોવીન’ Halloween આવે છે તેથી આ ખાસ યાદ આવ્યું અને લખ્યું.
ચાલો, આવજો, વાંચજો અને તમારી  પણ સ્મૃતિના દાબડામાંથી ઝવેરાતો કાઢી મોકલશો.
 નવીનભાઈના સંસ્મરણોમાં થોડું મારા તરફથી….
 
નવીનભાઈની કમાલ કરતી કલમ કહું કે સંસ્મરણોનો જાદૂ ! આજે બસ, કવિતાને બદલે સંસ્મરણો જેવું જ કંઈક લખવાનું મન થયું. વિદ્યાબા અને રમણકાકાની સ્મૃતિઓ ફરી એકવાર ઝુંપડીની પોળે ખેંચી ગઈ. 

બા તો બા જ હતા. પંડ્યા સાહેબે કહ્યું તે પ્રમાણે હા, એ સ્ત્રી દેહે પુરુષ હતાં. એમના વિષે લખવું ગમે, વાર્તાઓ કહેવી ગમે.  મારાં પાંચે ગ્રાન્ડ-ચીલ્ડ્રનને મારી પહેલી વાર્તા, ચહેરાના હાવભાવ દ્વારા,બાની વાર્તાથી, આ રીતે લંબાણપૂર્વક શરુ થાય”
My Grandma…. was a tall, fair and very strict lady.” હું જેવું શરું કરું કે એ લોકો તેમની આંખો  વિસ્મયથી પહોળી કરી કરી સાંભળતા જાય અને હસતા જાય”હું બંધ કરું તો વધુ ને વધુ પૂછતા જાય.

ખરેખર તો વિદ્યાબા મને રોજ જુદી જુદી વાર્તાઓ કહેતા. તેમની કહેવાની રીત ખુબ સરસ હતી. વર્ણન કરી કરી નાટકિય ઢબે એવી રીતે કહેતા કે આખી યે વાર્તાનું એક ચિત્ર ઉભું  થતું અને આંખોમાં મઢાઈ જતું. બીજે દિવસે હું નિશાળમાં વહેલી જઈજઈને બેનપણીઓને એ જ રીતે કહેતી. શોભા, શાન્તુ, મંજુ વગેરેને  પણ સાંભળવું ગમતું. બાની કલ્પના શક્તિ, યાદ શક્તિ અદભૂત હતી. તેમના જીવનમાં એક સરસ નિયમિતતા હતી. વહેલાં ઊઠવું, નહાવું, ધોવું, સેવા-પૂજા કરવી, રાંધવું બપોરે થોડું સૂઈ આરામ કરવો, સાંજે પોળના ઓટલે કે કાન્તા ફોઈને ઘેર જવું, મદદ કરવી, વહેલા જમીને સૂઈજવું..આ બધું જ નિયમિત સમયે. કદાચ એ નિયમિતતા જ એમના નિરોગી શરીરનું કારણ હશે.

હું ૬-૭ વર્ષની હતી ત્યારથી મારી પાસે પગ દબાવડાવે. રોજ બપોરે વાર્તા કહેતા જાય અને પગ દબડાવતા જાય.૯ વર્ષની હતી ત્યારથી પોતાની થોડી રોટલીઓ કરી આખી કણેક મને સોંપી રોટલી કરાવતા. મારે રોટલી કરવી જ પડે. દાળ- શાકનો મસાલો કરે તો મને સામે બેસાડે. મારે જોવાનું ને શીખવાનુ. કમુને તો અડવા યે ના દે. ઘરમાં એમનું જ રાજ. એમના શબ્દોમાં કહું તો એમનો જ ‘ઓડકોયડો”ચાલતો. રોજ કહેતાં કે,” રાખીશ ખાંડાની ધાર પર, પણ ખવડાવીશ સોનાનો કોળિયો.”
દર મહિને મને હાથમાં પાંચ થેલીઓ પકડાવે અને અનાજવાળાની દૂકાને લઈ જાય. ખીસામાં કંઇ ન હોય તો પણ રાણી વિકટોરિયાની જેમ પાટ પર બેસી, અનાજવાળા સાથે વાત કરી,હાથમાં કઠોળના દાણાને પરીક્ષકની નજરથી તપાસે અને સરખો ભાવતાલ કરી,થેલીઓમાં બરાબર તોળાવી ભરાવે. ઘેર આવીને તરત ને તરત જ સાફ કરી ભરાવે. પછી છીંકણીવાળાને ત્યાં મોકલી તેમની એક નક્કી કરેલી જગાએથી જ છીંકણી લેવા દોડાવે. હજી આજે પણ મને એ નાનું પડીકું યાદ આવે છે.અજાણે જ જીવનમાં  એમ કેટલું બધું શીખાતું જાય! ૮૦ વર્ષની ઉંમરે પણ છજાની સીધી નિસરણીના ૧૨ પગથિયા ચડીને ધાબે જ સૂવા જાય. હિંમત અને હૂન્નર તો બાના જ. મેં ક્યારેય તેમને થાકતા, કંટાળતા,હારતા જોયા નથી. કાયમ જ રસ્તાઓ કાઢતા રહેતાં. રમૂજી અને નાટકિયો સ્વભાવ પણ ખરો.
 
બા વિશે તો ઘણું બધું લખાય. એમના વિશે મને માન ખુબ જ. પણ મા પ્રત્યેનો તેમનો વ્યવહાર સતત યાદ આવતાં, પ્રેમની પાંદડી ખુલે ખુલે ને પાછી બીડાઈ જાય. નહિ તો આજે હું તેમની ચોક્કસ પૂજા કરતી હોત. મારામાં કમુ જેટલી મનની ઉદારતા ક્યારે ય ન આવી. કદાચ એટલે જ બા મને સ્વપનામાં ઘણી વખત આવ્યાં છે. પણ શું કરુ? ક્ષણે ક્ષણને મેં કમુ સાથે નિકટપણે વર્ષો સુધી સતત જીરવી છે અને રોજ સાંજે આશાપુરીના મંદિરમાં જઈ એની શાંતિ માટે ઝુરી છું.. કમુ વિશેની આડવાત પર પેન વળી જાય તે પહેલાં બાની થોડી વધુ વાતો કરી લઉં.

હા, તો હું એમ કહેતી હતી કે,બા મને સ્વપ્નમાં ઘણી વાર આવ્યાં છે.પણ ક્યારે ય ડરાવી નથી. એકવાર તો મેં ખરેખર અડધી રાત્રે છજામાં બાથરુમ જતા, ઉપરથી બાને નીચે ઉતરતા જોયા હતાં. આવા આભાસ તો એકથી વધુ વાર સાચા લાગે તેવી રીતે થયાં છે. ગમે તે કહો પણ બાએ આપણને સૌને ખુબ કાળજીથી ઉછેર્યા છે. નવીનભાઈ માટે તો અનહદ પ્રેમ. કોઈને એનો વાળ વાંકો કરવા ન દે. દૂધ તો માત્ર એને જ મળે. ફૂલકા રોટલી તો ખરી જ.બધા જ ભાઈબેનોની સારી-ખોટી  તમામ સ્વભાવગત વિગતોને એમણે પ્રમાણી છે. બોલવામાં આખાબોલા. જે જેવું લાગે કે તરત કહી નાંખે. એક ઘા ને બે કટકા. હું ભણવામાં હોશિયાર હતી. કારણ કે, એમણે મને હમેશા પોરસાવી છે. રિઝલ્ટને દિવસે ‘ દેવલી તો લઈ આવશે પહેલો નંબર’ એમ જ કહે અને એમની વાતને સાચી પાડવા જ જાણે મેં ય પહેલાં જ નંબરને પકડી રાખ્યો!! કોકીબેનને એકલા ન રહેવું પડે 
તેથી એની સાથે પાટણ –મહેસાણા રહ્યાં હતાં. એને પરણાવવામાં બાનો મોટો ફાળો. સંગીને પણ મારી જેમ કામ બતાવતા, શકુને  નહિ. એના વિશે તો ‘મૂઈ પોમલી છે’ એમ કહેતાં. વિરુ પાસે ટેપ કરાવતા એટલું જ યાદ આવે છે.

આપણી મૂળ વાત હતી દાદા વિશે જાણવાની. તો મને તો બાના શબ્દો આ પ્રમાણે યાદ છે” નાની ઉંમરમાં પરણીને અમદાવાદ આવી, બે છોકરાં થયાં પછી તારા દાદા તો તાવમાં ઝલાયાં ને ઉપડી ગયાં.ત્યારથી આ ઘર ચલાવતી આવી છું. ઘરના ઘર હતાં, ઘોડાગાડી હતાં ને ખુબ પૈસો પેઢીએ હતો. આ પોળના બે ય મોટાં મકાનો તારા દાદાના હતાં. બધું વેચીને છોકરા મોટા કર્યાં”.

હવે મને આજે એક સવાલ થાય છે કે એ જમાનામાં એવો તે કેવો તાવ, કે ચોખ્ખા ઘી-દૂધ ખાધેલો સાજો સમો સમૃધ્ધ માણસ,  ભરજુવાનીમાં ચાલ્યો જાય?!!
 
આવતે અંકે રમણકાકાની,…રેવાબાની વિગેરે વાતો. નવીનભાઈની સાંભળ્યા અને વાંચ્યા પછી..
 
દેવિકા

પિતાશ્રી સાથેના, સંગીતા ના સંસ્મરણો

October 29th, 2015 Posted in મારા સંસ્મરણો

સંગીતા અમારી સૌથી નાની બહેન છે. ૧૯૬૨માં એનો જન્મ થયેલો અને મારા લગ્ન ૧૯૬૩ માં થયેલા એટલે કે મારા લગ્ન વખતે એ દસ મહિનાની હતી અમારે મન , એ અમારી નાની બહેન કરતાં દીકરી વધુ છે. એની પાસે ગુજરાતી ફોન્ટ્સ નથી. એટલે તેણે, સંસ્મરણો અંગ્રેજીમાં લખ્યા છે. આજે તે તેના પતિ શ્રી. અમીતકુમાર, અને બે બાળકો-નિકિતા તથા આનંદ સાથે ડલાસમાં રહે છે. આઝાદ રેડિયો પર જોકી પણ છે.

Motabhai was very good looking, hoshiyar, dreamy. Rasik like his name, had a high temper and at the same time he could swallow his pride when he needed to.
He was a very good accountant. I had seen his hisaab ni notebook. He could stitch. I remember he had done polo tanko  in my green ghaghri in my Sivan class in the 3rd grade. He knew how to make tea. Cook, fix things.
He used to feel very proud about his children’s talents – be it singing or first in studies – he always wanted to announce to the world that  us – the smart kids – are his kids.
I remember him telling Rahulbhai to take Deviben out. Many times, I had seen him keeping silence as he was a poor father.
I remember Kokiben coming to ZumpaDi’s pole in middle of night as she was in dilemma about getting married and leaving for USA. I remember MotBhai asking her to get married. Kokiben had sent a picture from US and he had enlarged it and framed it and hanged it right underneath Amba Maas photo and had seen him staring at It with a teary  eyes for a long time.
He wanted to attend all Virus programs and tell everyone that that talented flute player was his son.
I was very vhali to him. He used to bring gaanthia , kaNsai na  laadu, chawaNu  and Mithai for me.
I do not remember him talking to Kamu but I do remember he would call for Vidu (baa) and talk to her as soon as he entered home.
I always disliked zhaghda and confrontations of any knd so I used to wait for him at poLe and tell him everything nicely so he would not react angrily.
I never liked he smoked  બીડી.
સંગીતા ધારિયા

દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે ( ૨)

દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે ( ૨)

હમણાં,  હ્યુસ્ટનથી પ્રકાશિત થતા એક અંગ્રેજી અખબાર ‘વોઇસ ઓફ ઇન્ડીયા’ માં એક  ‘એવોર્ડ’ અંગેની જાહેરાત જોવામાં આવી. જેમાં, ટેલન્ટેડ ભજન સીંગર્સ ની શોધ અને તે દ્વારા અપાનાર એવોર્ડની વાત હતી.

થોડાક વર્ષો પહેલાં પણ આવી જ એક જાહેરાત જોવામાં આવેલી અને હ્યુસ્ટનના જ એક જાણીતા ગુજરાતી ભોજનાલયમાં હ્યુસ્ટનના ખ્યાતનામ ભજનિકોને ભેગા કરીને,સંગીતસંધ્યા કરવામાં આવેલી તથા સર્ટીફીકેટો અને એવોર્ડ અર્પણ કરવામાં આવેલા.

કોઇને પણ, એ  સર્ટીફીકેટો અને એવોર્ડ પ્રદાન કરનાર વ્યક્તિ કે કહેવાતી સંસ્થા વિશે સંશોધન કરવાની પડી ન હતી. કોઇપણ ચલતોપુર્જો માણસ જાતે જ સર્ટીફીકેટ આપે અને કોઇ રૂપાળા નામથી એવોર્ડનો PLAQUE  બનાવડાવી ભજનિક કે કલાકારને, પાંચ-પચ્ચીસના ટોળા (!) સામે અર્પણ કરી દે એટલે  એ મેળવનાર કૃતકૃત્ય થઈ જાય અને પોતાને એવોર્ડ મળ્યો માનીને એક વેંત અધ્ધર ચાલવા લાગે. આવી કોઇ સંસ્થા ખરેખર છે કે નહીં, એ સંસ્થા રજીસ્ટર્ડ થયેલી છે કે નહીં, એ સંસ્થાએ અગાઉ કઈ સમાજસેવાની પ્રવૃત્તિઓ કરેલી છે એ બધાની ભાંજગડમાં પડવા કોઇ નવરૂ નથી હોતું.

પછી… આ બહુમાન મેળવનાર ગાયકો /કલાકારો / સંગીતકારો / વાદ્યકારો ના સાથ અને સહકારથી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે. કોમ્યુનિટીના શ્રીમંત દાતાઓ પાસે ટહેલ નાંખવામાં આવે કે અમે, લોકલ આર્ટીસ્ટોને પ્રકાશમાં લાવવા એક મહાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ. આપ તેના સ્પોન્સર થાવ, એને પ્રમોટ કરો અને સેવા, સંસ્કૃતિ અને સ્પીરીચ્યુઅલ એકતાની ભાવનાની દ્ર્ઢ કરતા આ સામાજીક કાર્યમાં આપનો ફાળો નોંધાવો.સમાજના ત્રીસ-ચાલીસ મહાનુભાવોનો સંપર્ક કરતાં, પાંચ-દશ  બોકડાઓ (!) તો મળી જ આવે. એમને આગલી હરોળની વીસ વીસ ટીકીટો મફતમાં આપી દેવાની અને પાંચસો પાંચસો ઉઘરાવી લેવાના. શુક્રવાર જેવા ચાલુ ( વર્કીંગ) દિવસે, જુના સ્ટેફોર્ડ થિયેટર જેવો હોલ સસ્તા દરે બુક કરી લેવાનો. આર્ટીસ્ટો તો મફતિયા જ હોય, વળી લોકલ હોય એટલે એમને વાહનવ્યવહાર કે મોટેલમાં રાખવાનો તો ખર્ચ આપવાનો હોય જ નહીં. પ્રેક્ટીસ માટે પણ એ લોકો ગાંઠનું પેટ્રોલ બાળે અને કોસ્ચ્યુમ્સ પણ જાતે જ ખરીદે. દરેક કલાકારના ફેમિલી અને મિત્રો માટે ય દસ-વીસ પાસ આપી દેવાના. અને ટીકીટો પણ વેચવા એમને જ કહેવાનું. પોતે સ્ટેજ પર પરફોર્મ કરવાનો છે એ બતાવવા, એ લોકો દસ-વીસ ટીકીટો શરમાશરમીમાં  વેચી આપે. એટલે અડધુ ઓડીયન્સ તો ભરાઇ જ જાય. છતાં ટીકીટો ન વેચાય તો એકદમ સસ્તા દરે કોઇ ક્લબ કે સંસ્થાને જથ્થાબંધમાં ટીકીટો આપી દેવાની. કેટલાક સિનિયર્સ સીટીઝન્સ મંડળો એમને મળી જ જાય. કલાકારોને, કોઇ રેસ્ટોરાંમાં ભોજનની પાર્ટી આપી દેવાની અને સર્ટીફિકેટો કે એવોર્ડની લહાણી કરી દેવાની. રેસ્ટોરન્ટવાળાને પણ આગલી હરોળની ટીકીટો આપી દેવાથી એ, કલાકારોને મફતમાં જમાડી દે એવું યે બને.  સ્પોન્સરર્સને પણ સ્ટેજ પર બોલાવીને એમની સમાજસેવા માટે બિરદાવવાના અને એવોર્ડ આપી દેવાના. દરેક શહેરમાં જાણીતા બિઝનેસમેનો જેમાં  ખાસ તો જ્વેલરી સ્ટોર્સના માલિકો, ઇલેક્ટ્રીક કંપનીઓ, મોટેલવાળા આવા સાંસ્કૃતિક કાર્યોમાં ફાળો આપવા તૈયાર જ બેઠા હોય છે. સ્ટોર્સના માલિકો તૈયાર ન થાય તો એમની જાજરમાન રૂપાળી પત્નીઓને મીઠા મીઠા શબ્દોથી મસ્કા લગાવીને તૈયાર કરી શકાય. સ્ટેજ પરથી ચાલુ કાર્યક્રમે એ જાજરમાન ( સારા શબ્દોમાં સ્થુળ શબ્દની જગ્યાએ જાજરમાન શબ્દ લખવામાં આવે છે )  સ્પોન્સરરનો ઉલ્લેખ કરીને એમને બિરદાવવાના. કાર્યક્રમને અંતે, સ્ટેજ પર એમને બૂકે એનાયત કરતી વખતે પણ એમના ડ્રેસકોડ અને પસંદગી અંગે અહોભાવના બે શબ્દો કહેવાથી, એ  બીજા આવા કાર્યક્રમના સ્પોન્સર થવા તૈયાર થઈ જવાના. જો કે બધા માટે આ શક્ય નથી હોતું. આને માટે તમારી પાસે મોહક વ્યક્તિત્વ, વાચાળતા અને થોડુંક સંગીતનું કે નૃત્યનું બેકગ્રાઉન્ડ હોવું જરૂરી છે.

ગયે વર્ષે, એક ચલતાપુર્જા ગાયકે, પોતે અનુપ જલોટાનો એજન્ટ છે એમ ઓળખાણ આપીને, એક ખુબ જાણીતા પ્રીસ્ટને બાટલામાં ઉતારીને ચાર હજાર ડોલરનો ચૂનો લગાવી દીધો હતો.

કોઇ સારો કલાકાર હોય એટલે એ સારો માણસ પણ હોય એ જરૂરી નથી. કોઇ જર્નાલીસ્ટ એ કલાકારના કાર્યક્રમને બિરદાવે કે એ કલાકારની કલાકાર તરીકે ઓળખ આપે એટલે એ કલાકાર, ચલતોપુર્જો નહીં જ હોય એમ માની લેવું ના જોઇએ.

બાકી તો….દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે….

નવીન બેન્કર      ( લખ્યા તારીખ- ૮ /૮/ ૨૦૧૫ )

મારે કંઈક કહેવું છે.

September 1st, 2015 Posted in મારા દિલની વાતો

જીવનના લગભગ સાત દાયકા વટાવ્યા બાદ હું મારા જીવનના સંસ્મરણો લખવા બેઠો છું.માનવજીવન સદાકાળ સુખદુખોથી,સમસ્યાઓથી,સોનેરી સ્વપ્નોથી,આશા-આકાંક્ષાઓથી અને ક્યારેક અસહ્ય વેદનાઓથી પણ વ્યાપ્ત થયેલું છે.
વર્ષો પહેલા પણ આવું જ હતું. આજે પણ એવું જ છે અને કાલે પણ એવું જ રહેવાનું છે.એના બાહ્યરુપમાં ભલે ફેરફાર થતાં હોય પણ એની સમસ્યાઓ નવા સ્વરુપો ધારણ કરતી જ રહેવાની અને મારા સંવેદનશીલ હ્ર્દયને આહવાહન આપતી જ રહેવાની.મારા અનુભવો કે મારા સંસ્મરણોને કાગળ પર ચિત્રિત કરવાની ક્ષમતા મારામાં છે એની મને પ્રતિતી થઈ ચુકી છે.છતાં જે વિષય પર મેં ૫૦ વર્ષ પહેલાં લખ્યું હોય એજ વિષય પર આજે આ ઉંમરે એટલે કે સિત્તેર વર્ષની ઉંમરે લખતાં થોડો ફેર તો પડવાનો જ.કારણ કે ૫૦ વર્ષ પહેલાં હું ૨૦ વર્ષનો,યુવાનીથી થનગનતો યુવાન હતો અને આજે ૭૦ વર્ષનો સિનિયર સિટિઝન છું.( જોયું, હજી વ્રુદ્ધ લખવાની હીંમત નથી ?). આ ઉંમરે અગાઉના કાવ્યાત્મક ભાવનું,ચિંતનશીલતામાં રુપાંતર થયું હોય એમ પણ બને ! આ વર્ષો દરમ્યાન મારા વ્યક્તિત્વમાં, મારા ગમા-અણગમામાં,પસંદગી,ધ્યેય,સ્વપ્નો બધું જ બદલાઈ ગયું હોઈ શકે.લખાણની રચના,શૈલીમાં પણ ફેર પડ્યો હશે.મારી પોતાની પણ કેટલીક સમસ્યાઓ છે.જેના મારે પોતાને ઉકેલ શોધવાના હોય છે. અને  એ સમસ્યાઓને વ્યક્તિગતમાંથી સમષ્ટીગત બનાવીને મારા મિત્રો, વાંચકો સમક્ષ રજુ કરવી હોય છે.એ માટે મારે પાત્રો સર્જવા પડે છે. કાગળ પરના એ પાત્રોને લોહીમાંસના બનેલા જીવતા માણસની માફક હરતાં ફરતાં અનુભવું છું. એ માટે મારો તર્ક,નિરીક્ષણ કલ્પના બધું જ કામે લગાડું છું. કાગળ પર ચિતરેલા એ પાત્રોમાં હું લખતી વખતે ખોવાઈ જાઊં છું. આ તો થઈ મારી વાર્તાઓની પાર્શ્વભુમિકા. આ પાનાઓ પર હું વાર્તાઓ નથી લખવાનો. મારી જિંદગીનાં કેટલાક સંસ્મરણો, મારા પરિચયમાં આવેલી કેટલીક વ્યક્તિઓના રેખાચિત્રો દોરવાનો છું.દા.ત. મારી દાદીમા,મારી મા, મારા પિતાશ્રી, મારા કાકા,મારી બહેનો,બનેવીઓ,મારી ખુબ વહાલી પત્ની,મારા અંગત મિત્રો,કેટલાક સાહિત્યકારો,કવિઓ,લેખકો,ફિલ્મી કલાકારો,નાટ્યજગતના ધુરંધરો,કેટલીક સંસ્થાઓના પ્રમુખો,ટ્રસ્ટીઓ,સંપાદકો, વગેરે..વગેરે..માત્ર અને માત્ર સત્ય જ લખવાનો મારો પ્રયાસ રહેશે. છતાં,ઘણી વખત આપણે જેને સત્ય માનતા હોઈયે એનો બીજો ચહેરો પણ હોઈ શકે.કાશ્મિર અંગેનું ભારતનું સત્ય એક હોય અને પાકિસ્તાનનું સત્ય અલગ પણ હોય એવું યે બને.છતાં શક્ય એટલી તટસ્થતાથી અને જે રીતે એ વ્યક્તિને મેં જોઈ હોય અને સમજ્યો હોઊ એ રીતે આલેખવાનો મારો પ્રયાસ રહેશે. મારા વ્યક્તિત્વના ઘડતરમાં જે જે વ્યક્તિઓનો ફાળૉ રહ્યો છે તેમને તો હું કેમ જ ભુલું ?  યાદ રહે કે આ મારી આત્મકથા નથી. આત્મકથામાં તો નિર્ભેળ સત્ય જ હોવું જોઈયે. એ તો માત્ર મહાત્મા ગાંધી જ કરી શકે. મારા જેવા ક્ષુદ્ર,પામર માનવીનું એ ગજુ નહીં એટલી સ્પષ્ટતા હું નિખાલસપણે કરવી જરુરી સમજું છું.અસ્તુ.

મુંબઈની કમાણી , મુંબાઇમાં સમાણી ( નાટ્ય-અવલોકન)

મુંબઈની કમાણી, મુંબઈમાં સમાણી (નાટ્ય-અવલોકન)

ગયા મહીને એટલે કે જુલાઈ ૨૦૧૧માં, જુના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરના નાટ્યગ્રુહમાં ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીઝ ઓફ ઈન્ડીયા ( FFOI )ના ઉપક્રમે,સંગીતા શાહ નિર્મિત અને ઇમ્તિયાઝ પટેલ લિખિત અને દિગ્દર્શીત નાટક ‘મુંબઈની કમાણી, મુંબઈમાં સમાણી’ લગભગ આઠસો પ્રેક્ષકોની હાજરીમાં ભજવાઈ ગયું.
બે દીકરા…બે વહુઓ…એક સાસુ..અને નાની વહુનો બાપ..આટલા મુખ્ય પાત્રો. ઉપરાંત..તાર માસ્તર,ધોબી અને ગણપતિ ઉત્સવ માટે ફાળો ઉઘરાવનાર જેવા ગૌણ પાત્રો- જે એક જ કલાકાર ત્રણ ત્રણ ભૂમિકાઓ વેશ બદલી બદલીને ભજવે..સંયુક્ત કુટુંબમાં કરકસર કરી કરીને ઘર ચલાવવાની વાત પર રચાયેલા આ નાટકમાં ઝી ટીવીની સિરીયલોની જેમ, દેરાણી જેઠાણી અને સાસુનો કલહ ત્રિકોણ છે, નાનકડા કાવાદાવા પણ છે પણ અંતે સાસુની જીત થાય છે અને ખાધુ-પીધું ને રાજ કર્યું એવી વાત છે.
સાસુના પાત્રમાં રજની શાંતારામ સમગ્ર નાટકમાં છવાઈ જાય છે.સ્વ.કલ્પના દિવાન માટે જ લખાયેલી આ ભૂમિકા રજનીબેન સુપેરે ભજવી જાય છે.તેમના એકે એક સંવાદ પર, સ્વ-ઉક્તિઓ પર પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ થાય છે.
નાટકમાં ઘણાં કટાક્ષો છે. ક્રુષ્ણ જન્મોત્સવની ઉજવણી પર કટાક્ષ…ફરાળ કરીને થતી અગિયારસ પર કટાક્ષ… ગણપતિ-વિસર્જનની ઉજવણી પર કટાક્ષ.. ફાળો ઉઘરાવનારાઓ પર કટાક્ષ…
મોંઘવારી પર કટાક્ષ.. .અજમેરી બાબા પર કટાક્ષ…એમ ઘણાબધા કટાક્ષો પર હાસ્ય-નિષ્પન્ન થયું છે.
કેટલાક સચોટ સંવાદો પણ આ નાટકમાં છે જેના પર પ્રેક્ષકો મન મૂકીને તાળીઓની ખંડણી આપે છે. જુઓ..આ રહ્યા એ સંવાદોના કેટલાક નમૂના-
‘લગ્ન પહેલાં નારી અબળા હોય છે.લગ્ન પછી નર નબળા થઈ જાય છે.’
‘માંગનાર એની ઔકાત પ્રમાણે માંગે. આપનારે એની હેસિયત પ્રમાણે આપવું જોઇએ.’
‘અક્કલ બદામ ખાવાથી ન આવે- ઠોકર ખાવાથી આવે.’
‘સિંહની સવારી કરવી જ પડે તો સમતોલન પોતાના બચાવની ગુરુચાવી છે.’
-કહેવાની જરુર નથી કે આ બધા જ સંવાદો સાસુ-રજની શાંતારામ-ના મુખે જ બોલાવેલા છે.રજનીબેનના અભિનયમાં પ્રેક્ષકોને ક્યારેક લલિતા પવાર, ક્યારેક સ્વ.કલ્પના દિવાન તો ક્યારેક મેડમ માયાવતી પણ દેખાય છે. મોટા દીકરાની વહુ-હીનાવહુ-ના પાત્રમાં પરીંદા પટેલ અને નાના દીકરાની વહુ-પ્રેમાવહુ-ના પાત્રમાં શીતલ અંબાણી રજની શાંતારામને અભિનયમાં સારી એવી ટક્કર આપે છે. બે દીકરા-અલકેશ અને દીપેશ-ના પાત્રોમાં જીગર બુંદેલા તથા ભાવેશ ઝવેરી પણ પાત્રોચિત અભિનય કરી જાય છે. નાની વહુના બાપ-ધનેશભાઇ-નો રોલ કરનાર કલાકાર શ્રી.કુકુલ તારમાસ્તરે ધોબી,અને ગણપતિનો ફાળો ઉઘરાવનાર બબ્બનની ભૂમિકાઓ પણ સફળતાપુર્વક ભજવી હતી.
જો કે સમગ્ર નાટક તો હતું રજની શાંતારામનું જ.
છેક ૧૯૯૫થીએ હ્યુસ્ટનમાં ‘ફોઈ’ નામે ઓળખાતું FRIENDS AND FAMILIES OF INDIA ગ્રુપ ગુજરાતીઓમાં કાર્યરત છે. આ ગ્રુપના કર્તાહર્તા કીર્તીભાઇ પટેલ અને માનાજી ઠાકોર નામના બે સેવાભાવી સજ્જનો અને તેમને સહકાર આપનાર ગિરીશ નાઈક, મહેન્દ્ર દેસાઇ, અરુણ બેન્કર, અને તેમના અન્ય મિત્રો જ છે.એમની કોઇ ઓફીસ નથી, સંસ્થાનું કોઇ મકાન નથી, કોઇ હોદ્દેદારોની પોસ્ટ નથી.નવરાત્રિ પ્રસંગે ગરબા, દીવાળી ડીનર, નવા વર્ષની ઉજવણી જેવા બેચાર પ્રસંગો અને સારા સારા એકાદ-બે નાટકોનું આયોજન કરી, ખુબ જૂજ દરે ટીકીટો વેચીને ખર્ચો કાઢી લે છે.ગરબા વખતે પણ લોકલ કલાકારો અને લોકલ વાદ્યવ્રુંદ જ. સિરીયલ્સના કલાકારો અને મોંઘાદાટ હોલના ભાડાના ખર્ચા નહીં. સંસ્થામાં કોઇ હુંસાતોંસી નહીં. કોઇ ચુંટણી,કોઇ આક્ષેપો-પ્રતિઆક્ષેપો..કશું જ નહીં. અરે…પાર્કીંગ પ્લોટમાં કાર પાર્ક કરવા માટેનો કોઇ ચાર્જ પણ નહીં. ખર્ચો કાઢવા માટે પાંચ-સાત ડોલર જેવી જૂજ પ્રવેશ ફી માત્ર. હ્યુસ્ટનની અન્ય સંસ્થાઓના દીવાળી-ડીનર કરતાં ‘ફોઈ’ના ડીનરની સુરતી વાનગીઓ હંમેશાં વખણાય.
‘ફોઇ’ ગ્રુપને આવું સરસ નાટક રજૂ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.
માહિતી સૌજન્ય અને તસ્વીરો- શ્રી. નવીન બેન્કર

અધોગતિનું મૂળ- અંધશ્રધ્ધા

ગઈકાલે એક મંદીરના પટાંગણમાં ,જ્યાં ભાગવત પારાયણ ચાલી રહી છે ત્યાં એક શુભ્રધવલ સદરો પહેરેલા પ્રતિભાશાળી ગુરુજી મળી ગયા. એ પોતે કથામાં બેઠા ન હતા. માત્ર સોશ્યલાઇઝેશનાર્થે અને પોતાના ‘ધામ’ના પ્રચારાર્થે તથા ‘મહાપ્રસાદ’નો લાભ લેવા જ પધારેલા હતા. આવા ગુરુજીઓનું માર્કેટ આવા મંદીરોમાં આવતા ભક્તો જ હોય છે. જે પરિચીત મળે તેને તેઓશ્રી. સમાચાર આપતા હતા કે આપણા ‘ધામ’ ની વાત તો હવે ગૂગલ પર પણ મૂકાઇ ગઈ છે.અને ફલાણા ફલાણા ‘અવતાર’ ( જીવંત માણસને જેમણે અવતાર તરીકે ઠઠાડી દીધા છે તે ) ના જન્મદિવસની ઉજવણી ઓગસ્ટ માસની અમુક તારીખે આપણે નક્કી કરી છે અને આમંત્રણો પણ મોકલાઇ રહ્યા છે. કોન્સ્યુલેટ પણ પધારવાના છે તો તમે જરુરથી પધારજો.
મારો દાવો છે કે હ્યુસ્ટનમાં એકે ય માણસ એ કહેવાતા ‘અવતાર’ વિશે કશું ય જાણતો નહીં હોય કે કશું સાંભળ્યું પણ નહીં હોય. છતાં મને ખાત્રી છે કે એમના જન્મદીનની ઉજવણીમાં ‘ ખાવા’ માટે અમૂક વર્ગ જવાનો, કોઇ મહાનુભાવો પણ જવાના, પછી પેલા બાજીગર એમના ફોટાઓ છપાવીને, કોઇ સાઉથ ઇન્ડીયન પત્રકાર પાસે અહેવાલ લખાવીને આટલા ‘ઘેટાનું ટોળુ’ આ ઉત્સવમાં હાજર હતું એવું છપાવશે. બીજી વખત પેલું ટોળુ વધારે સંખ્યામાં આવશે. અનુયાયીઓ વધતા જશે.ભવિષ્યમાં એક આખો સંપ્રદાય ઉભો થઈ જાય તો યે નવાઇ નહીં. બાજીગર ગુરુજીને ઘેટાનું ટોળુ વાંકા વળી વળીને ચરણસ્પર્શ કરશે. હમણાં થોડા સમય પહેલા આવા એક ‘માતાજી’ના ચરણસ્પર્શ કરતી સાઉથ-ઇન્ડીયન મહીલાઓને તો હ્યુસ્ટનની ધર્મપ્રેમી જનતાએ જોઇ જ છે.
આ છે આપણી અધોગતિનું મૂળ. -અંધશ્રધ્ધા.
કોઇના કહેવાથી કશું માની ના લો. કોઇ કહે કે આ ફલાણો અવતાર છે એટલે માની ના લો. પ્રશ્નો પુછો કે-‘ભાઇ, આપ આ વિભૂતિને ક્યારે મળ્યા ? એમણે કયા મહાન કાર્યો કર્યા છે ? આપે આ વિભૂતિનો સાક્ષાત્કાર કર્યો ખરો ? જો કર્યો છે તો એ સાક્ષાત્કારી અવતાર આપને ભોજન કેમ નથી આપતા અને આપે અમેરિકાની સરકારના ‘વેલફેર’ પર આપના ઓરીજીનલ નામે કેમ જીવવું પડે છે ? આપ આપની જાતને ફલાણા ‘પ્રભુ’ કહેવડાવો છો અને આપના વેલ્ફેરના ચેકો તો કોઇ બીજા જ નામે આવે છે. શા માટે ? આપના ‘ધામ’ની લીઝ કોના નામે છે ?’
એટલે એ ગુરુજી પોતાના અસલ સ્વરુપનું આપને દર્શન કરાવશે અને ત્રીજુ નેત્ર ખોલીને કહેશે-‘ આ શ્રધ્ધાનો વિષય છે. તમારા જેવા નાસ્તિક અને પાપી માણસ ધર્મનું હાર્દ જાણી શકે નહીં. તમે જ હિન્દુ ધર્મનું નિકંદન કાઢવા બેઠા છો.થોડા જ દિવસોમાં પ્રભુ તમને તમારા આ નાસ્તિક વિચારો માટે દંડ કરશે. પરચો દેખાડશે.’ ( તમે ડરપોક હશો તો ડરી જશો અને વિચારવા લાગશો કે ‘આપણે શું ?આપણે શું કરવા કોઇ દુશ્મન ઉભા કરવા !’) હું જુવાન હતો ત્યારે આવા કેટલાય ઢોંગી જ્યોતિષીઓ અને ધુતારાઓને જાહેર રોડ પર ફટકાર્યા હતા.
હવે તમે પોતાની તર્કશક્તિ અને વિવેકબુધ્ધીની સરાણે ચઢાવીને આખી વાતને મૂલવજો. હું કહું છું માટે મારી વાત માનવાની પણ જરુર નથી.
શ્રીરામ…શ્રીરામ….

મારા બાળપણનો દોસ્ત અરવિંદ ઠેકડી

September 1st, 2015 Posted in મારા સંસ્મરણો

 અરવિંદ ઠેકડી

આજે મારા બાળપણના મિત્ર શ્રી. અરવિંદ ઠેકડી અને મંજુલાબેન ઠેકડીના ૫૦ વર્ષના પ્રસન્ન દામ્પત્યજીવનની સુવર્ણજયંતિની ( ગોલ્ડન જ્યુબિલી ) ઉજવણી પ્રસંગે તેમના સંતાનો દ્વારા યોજાયેલી પાર્ટીમાં  જવાનો પ્રસંગ મને પ્રાપ્ત થયો હતો. નરીન્સ બોમ્બે બ્રેસરીઝ નામના ,  હ્યુસ્ટનના વેસ્ટ  લૂપ સાઉથ પર આવેલા રેસ્ટોરન્ટમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. થોડાક મિત્રો અને કુટુંબીજનોની હાજરીમાં , સ્વાદિષ્ટ ભોજન અને પુત્ર-પૌત્ર-પૌત્રીઓ દ્વારા રજૂ કરાયેલા આ કાર્યક્રમમાં સ્લાઈડ-શો દ્વારા ભુતકાળની ખુબસુરત યાદો તાજી કરવામાં આવી હતી.

 

કાર્યક્રમનું સંચાલન, અરવિંદભાઇની દીકરી હીનાની બે દીકરીઓ-શિવાની અને જાન્હવી- દ્વારા સૂપેરે કરવામાં આવ્યું હતું. અરવિંદભાઇના સુપુત્ર અપૂર્વ અને પુત્રવધુ સીમાની બે દીકરીઓ આશા (૧૨) અને જયા (૯) દ્વારા બે ફિલ્મી  રેકર્ડ ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા.તેમના વેવાણ એટલે કે દીકરી હિનાના સાસુ તનમનબેન પંડ્યાએ રફી અને સુમન કલ્યાણપુર દ્વારા કોઇ હિન્દી ફિલ્મમાં ગવાયેલું  ‘દિલે બેતાબકો સીનેસે લગાના હોગા’ ભાવવાહી રીતે રજૂ કર્યું  હતું. બીજા એક  ભાર્ગવી રાયજી  નામના બહેન દ્વારા પણ ગીતાદતનું    ‘ ન યે ચાંદ હોગા, ન તારે રહેંગે, મગર હમ હમેશાં તુમ્હારે રહેંગે’  જેવું  પ્રસંગોચિત  ગીત  રજૂ કરવામાં આવ્યું હતું.

અરવિંદ-મંજુલાની દીકરીઓ હીના અને અનિતા  દ્વારા તેમના માતાપિતાને પ્રશ્નોત્તરી દ્વારા, તેમની પસંદગીના ભોજન, મનગમતા  સ્થળો, પહેલું ઘર જેવી યાદો તાજી કરાઇ હતી. તેમના યુવાન અને  હેન્ડસમ  ગોરા ગોરા દીકરા અપૂર્વએ સ્લાઈડ શો દ્વારા જીવનના વિવિધ પ્રસંગોની સમજ આપીને, આમંત્રિતોને માહિતી આપી હતી. આ અપૂર્વ મને સિરીયલના કોઇ યુવાન નવોદિત અભિનેતાની યાદ તાજી કરાવતો હતો.

અહીં મારો આશય આ કાર્યક્રમનો અહેવાલ લખવાનો નથી. 
ત્યાં દિવાલ પર લટકાવાયેલી એક તસ્વીર જોઇને, મને પણ મારી લગભગ એ જ સમયગાળાની એક એવી જ તસ્વીરની યાદ તાજી થઈ ગઈ. 
હું, અરવિંદ ઠેકડી અને હરિપ્રસાદ પટેલ અમદાવાદની ફેલોશીપ હાઇસ્કુલમાં ૧૯૫૧થી ૧૯૫૮ સુધી ભણેલા. અરવિંદ અને હરિપ્રસાદ ભણવામાં પહેલો નંબર.  તેઓ શાળાના તેજસ્વી અને ચારિત્ર્યશીલ  સારા છોકરા ગણાતા. બધા તેમને માનની નજરે જોતા.  આજે આ ઉજવણીમાં અમે ત્રણે હાજર હતા. હરિપ્રસાદ પટેલ C.P.A. છે અને તેમણે કોમ્યુનિટીને ઘણી સેવા આપી છે. હાલમાં જ રીટાયર્ડ થયેલ છે.
આ સાથે એટેચમેન્ટમાં એ બન્ને તસ્વીરો સાથે  મારી અને મારા દોસ્તની આજની તસ્વીર મૂકું છું.  મારા લગ્ન ૧૯૬૩માં થયેલા, અરવિંદના લગ્ન ૧૯૬૪માં થયેલા, એ બન્ને તસ્વીરો સાથે આજની અમારા બે દોસ્તની વર્તમાન તસ્વીર વચ્ચે મૂકી છે.
                     .
,

મુચ્યતામ…મુચ્યતામ… -નવીન બેન્કર-

September 1st, 2015 Posted in મારા દિલની વાતો

મુચ્યતામ…મુચ્યતામ…         -નવીન બેન્કર-

આજે સવારે હું ડીશનેટવર્ક ની ચેનલ ૭૨૦ – ‘સંસ્કાર’- પર, ભાઈશ્રી,  રમેશ ઓઝાની ભાગવતકથાનું રસપાન કરી રહ્યો હતો-

આટલું વાંચીને તમને હસવું આવ્યું ને ? ‘નવીન બેન્કર’ અને ભા..ગ..વ..ત..ક..થા ?  શ્રીરામ..શ્રીરામ…’

બટ બીલીવ મી..નાનપણમાં હું પણ તમારા જેવો જ સંસ્કારી હતો.(!) હું નમણો અને કોમળ સ્વર ધરાવતો હતો એટલે છોકરાઓ મને ‘નવલો નરગીસ’ કહીને ચીડવતા હતા. સ્કુલમાં હું પ્રાર્થના કરાવતો હતો, મારા દાદીમા વિદ્યાબાની સાથે, સંન્યાસીના મઠમાં કથાવાર્તા સાંભળવા જતો હતો અને પછી ઘેર આવીને,  સ્વામિજીના સ્વરમાં રામાયણની ચોપાઇઓ બોલીને મીમીક્રી કરતો હતો. લલિતાબેનના અને અન્ય ભગતોના ભજનો મને કંઠસ્થ થઈ જતા.  નવ વર્ષની ઉંમરે તો ગીતાનો નવમો, બારમો અને પંદરમો અધ્યાય મને કંઠસ્થ હતા.

પછી હું ‘બગડી’ ગયો. ફિલ્મોને રવાડે ચડી ગયો. છાપાં વેચવાના દિવસો દરમ્યાન, લોકો અને પોલીસનો માર ખાઈ ખાઈને હું નઠોર અને હિંસક બનતો ગયો. પણ એ જુદી વાત છે. આજે વાત કરવી છે ‘મુચ્યતામ..મુચ્યતામ’ ની.

મારી પત્ની સવારના પહોરમાં ઉઠતાંની સાથે, ટીવી પર ‘આજતક’ કે ‘સમય’ ચેનલ પર સમાચારો જુએ છે. હું આ બન્ને ચેનલોને સખ્ત ધિક્કારું છું કારણ કે સવારના પહોરમાં મારે લાલુ, મુલાયમમિંયા, નિતીનીયો, માયાવતી અને મમતાડી ના ડાચા જોવા પડે છે. પત્નીનું આ વળગણ છોડાવવા માટે, એની ધાર્મિકતાને હથિયાર બનાવીને મેં ચાર રીલીજિયસ ચેનલો જેમાં ‘આસ્થા’ અને ‘સંસ્કાર’ ચેનલો આવે છે ,એ નંખાવી દીધી. એટલે હવે એ સવારના પહોરમાં મોરારિબાપુ, રમેશ ઓઝા અને એવા જ અન્ય ભગતોના પ્રવચનો, કથાઓ, દેવદેવલાના દર્શનો જ કર્યા કરે અને મને શાંતિથી કોમ્પ્યુટર પર ગુજરાતીમાં લખવા દે. જો કે હું પણ બાળપણના સંસ્કારોને કારણે ક્યારેક આવું બધું જોઇ લઉં.

આજે ‘સંસ્કાર’ ચેનલ પર, શ્રી. રમેશ ઓઝા ભાગવતકથા અંતર્ગત, મહાભારતના યુધ્ધ દરમ્યાન, દ્રૌપદીના પાંચ પુત્રોના માથા વાઢી જનાર, અશ્વસ્થામાને પકડીને ગાંડીવધારી બાણાવળી અર્જુન, દ્રૌપદી સમક્ષ લાવીને દ્રૌપદીને કહે છે કે – ‘ હે પાંચાલી, લે..આ તારા સુઈ રહેલા પાંચે પુત્રોના માથા વાઢી લેનાર હત્યારાને પકડી લાવ્યો છું. એને સજા કર.’

દ્રૌપદી અશ્વસ્થામાને જુએ છે. આ અશ્વસ્થામા એ તો પાંડવો અને કૌરવોના ગુરૂ દ્રોણાચાર્યનો પુત્ર હતો. એ જમાનામાં ગુરૂને લોકો ભગવાનતુલ્ય માનતા અને ગુરૂનો પુત્ર પણ પુજનીય ગણાતો. અને તેમાં ય આ તો બ્રાહ્મણ…બ્રાહ્મણનો તો વધ કરાય જ કેવી રીતે ? એટલે દ્રૌપદી અર્જુનને કહે છે કે- હે અર્જુન, આ તો આપણા ગુરૂનો પુત્ર અને તેમાં ય પાછો બ્રાહ્મણ.. એનો વધ તો કરાય જ કેમ ? એણે મારા પાંચે પુત્રોના માથા વાઢી નાંખ્યા એટલે મને એક માતા તરીકે કેટલું દુઃખ થાય છે એ હું સમજું છું. ગુરૂ દ્રોણાચાર્યનો વધ થયા પછી એમની પત્નીનો આ એકમાત્ર સહારો છે. હવે જો આપ એનો વધ કરશો તો એની માતાને કેટલું દુઃખ થશે ? અને આપણા પુત્રો કાંઇ સજીવન તો થવાના નથી જ. માટે એને ક્ષમા કરીને ‘મુચ્યતામ..મુચ્યતામ’. ( એને છોડી મૂકો..છોડી મૂકો ).

મને લાગે છે કે ભારત સરકાર, આ મહાભારતને ફોલો કરી રહી છે. આપણા જવાનોના માથા વાઢીને લઈ જનાર પાકિસ્તાની લશ્કર સાથે હિસાબ પતાવતાં, એમને પણ દ્રૌપદીના શબ્દો યાદ આવી જતા લાગે છે. ભલે આપણા બે જવાનોના માથા વાઢી ગયા, આપણે એમના માથા વાઢી લઈશું એટલે આપણા જવાનો કાંઇ સજીવન તો થઈ જવાના નથી. જવાનોની માતાઓ જે દુઃખ અનુભવતી હશે એ જ દુઃખ, આપણા કૃત્યથી,પાકિસ્તાની માતાઓ પણ અનુભવે એ તો બરાબર નથી ને ? માટે, વેરની ભાવનાને ભૂલી જઈને એમને ‘મુચ્યતામ..મુચ્યતામ..’

હમણા જ રીલીઝ થયેલી, સૈફ અલી ખાન અભિનીત ફિલ્મ ફેન્ટમ (૨૦૧૫) માં ભારતીય જાસુસી સંસ્થા-રો- ના એક ઉચ્ચ અધિકારી કે પ્રધાન પણ આવી જ મતલબનો સંવાદ બોલે છે કે- ૨૬/૧૧ ના મુંબઈ હુમલાના આરોપીઓને ખતમ કરવા માટે આપણે યુધ્ધનું જોખમ ઉઠાવીને લાખ્ખો પાકિસ્તાનીઓની હત્યા ન કરી શકીએ.’

મને લાગે છે કે આપણી પ્રજાએ, આ મહાભારતની કથાઓનું  અફીણ બરાબર પચાવ્યું છે. નાનપણથી આવી આવી સુફિયાણી વાતો સાંભળી સાંભળી, વાંચી વાંચીને, આપણે, ક્ષમાશીલ –મારખાઉ- પ્રજા બની ગયા છીએ.

નવીન બેન્કર-   (લખ્યા તારીખ- ૧ સપ્ટેમ્બર ૨૦૧૫)

‘ધર્મ’ અંગે મારા વિચારો (૨) – નવીન બેન્કર

August 30th, 2015 Posted in મારા દિલની વાતો

Navin Banker (4) Navin Banker (5) PASSPORT PHOTO VAISHALI(5) Baku-Baku at Age 65 Navin Banker with Arvind Thekadi Navin Banker-1961 & 2011 MERI MAA- Jab Mai uske pet me thaa. Baku-Baku at Age 5 Me & My Baku (2) 13-5-1963 Bankers

ધર્મ અંગે મારા વિચારો  (૨)

 હું ટીલાંટપકાં ન કરું; પણ હું આધ્યાત્મીક છું. દુનીયાને ચલાવનારી કોઈ શક્તી તો છે જ.  માનવ શરીરને જ જુઓ. અને શરીરની બધીપ્રક્રીયાઓનું નીરીક્ષણ કરો. તો તમે પણ એ પરમશક્તીમાં માનતા થઈ જશો.
હું તેત્રીસ કરોડ દેવીદેવતાઓમાં નથી માનતો. કૃષ્ણ…રામ.. એ બધા સારા રાજાઓ હશે અને એમણે પ્રજા માટે સારા કામો પણ કર્યા હશે અને આપણી વ્યક્તિપૂજક પ્રજાએ એમને ‘ભગવાન’ બનાવી દીધા હશે અને પૂજવા માંડ્યા હશે. આજે કોઇ સંપ્રદાયના ધર્મગુરુને આપણે ‘પ્રગટ બ્રહ્મસ્વરુપ’ બનાવી દીધા છે એમ જ એ જમાનામાં એમને ભગવાન બનાવી દીધા હશે. સાંઇબાબા અને જલારામબાપા ભક્ત હતા .એમને પુજનીય ગણીએ ત્યાં સુધી મને વાંધો નથી. પણ એમને ભગવાનનો દરજ્જો આપી દઈને તેમના મંદીરો બાંધીને ઘંટ વગાડવાની વાત મને માન્ય નથી. સંતોષીમાતા ને મેલડીમાતા ને  કાળીમાતામાં મને જરાય શ્રધ્ધા નથી. મહાદેવજીને દૂધ ચડાવવાની કે ગણેશોત્સવ કરીને ગણેશજીનું વિસર્જન કરવાના ઘોંઘાટીયા ઉત્સવો ઉજવવાનો હું વિરોધી છું.
મને ધર્મના નામે ચાલતાધતીંગો નથી ગમતા. અને  જાત જાતની ધજાઓ લઈને ઘુમવામાં હું નથી માનતો. મને મોક્ષ અપાવવા નીકળી પડેલા આ ગુરુઓ નથીગમતા. હા, પરન્તુ  જગતને  નીયંત્રણમાં રાખનાર કોઈક  શક્તી છે. તેને હું  નમું  છું અને એને જ ભગવાન માનું છું.
સવારે ઉઠતી વખતે અને રાત્રે સૂતી વખતે આંખો મીંચીને હું એ સર્વશક્તિમાનને વંદન કરીને તેમને યાદ કરું છું. મેં ક્યારેય દીવો-ધૂપ કર્યા નથી. મારા બાપે પણ કર્યા ન હતા.
એ સર્વશક્તિમાનને યાદ કરવા માટે,મારે પણ કોઇ સ્વરુપની જરુર પડે છે અને નાનપણથી મને શીખવવામાં આવ્યું હતું કે કૃષ્ણ અને રામ તો હાડમાંસના બનેલા માનવો હતા. એમને તો આપણે ભગવાન તરીકે ઠઠાડી દીધા છે પણ ભોળા શંભુ- મહાદેવજી- તો સાચા પ્રભુ છે એટલે પ્રભુનું સ્મરણ કરતી વખતે હું મહાદેવજીના પ્રચલિત સ્વરુપને નજર સમક્ષ રાખું છું. એટલી આસ્તિકતા મારામાં છે.
નવીન બેન્કર
 
 

પાનખરે ખીલ્યા ફૂલ નાટ્ય-અવલોકન- શ્રી. નવીન બેન્કર

પાનખરે ખીલ્યા ફૂલ                   નાટ્ય-અવલોકન-  શ્રી. નવીન બેન્કર

સાતમી માર્ચ ૨૦૧૫ના દિવસે, અમદાવાદના ઠાકોરભાઇ દેસાઇ હોલમાં, એક સરસ સામાજિક નાટક જોયું. વર્ષો પહેલાં- કદાચ ૧૯૭૦માં- પ્રિતમનગરના અખાડામાં, ‘રંગમંડળ’ નો જમાનો હતો અને સ્વ. શ્રી.રાજુ પટેલ, મહેન્દ્ર પાઠક તથા  પ્રતિભા રાવલ નાટકો કરતા હતા ત્યારે હું  રંગમંડળનો ઇતિહાસ લખવા રાત્રે ત્યાં જતો હતો એ અરસામાં મને પ્રતિભાબેનનો પરિચય થયેલો. ૪૫ વર્ષ પહેલાં ની એ વાત. પ્રતિભાબેન ખુબ સ્વરુપવાન. એમના, હવેલીની પોળવાળા મકાને પણ હું ગયેલો અને ત્યાં  એમની નાટ્યપ્રવૃત્તિ અંગે મુલાકાત કરેલી. એ સમયે, દિનેશ શુક્લ, ઇન્દીરા મેઘા,  સ્વ. નલિન દવે, સ્વ. પ્રવિણાબેન મહેતાના નાટકો પુરબહારમાં ચાલતા. એ સમયે, વિજય દત્ત, જશવંત ઠાકર, કૈલાસભાઇ, દામિની મહેતા, અરવિંદ ત્રિવેદી, પદમારાણી જેવા ધુરંધર કલાકારોને મારે મળવાનું થતું. એ દરેકની સાથે મારા સંસ્મરણો છે.

આ પ્રતિભા રાવલે લગભગ  ૭૫+ ની ઉંમરે આ નાટકમાં એક અગત્યની ભૂમિકા ભજવવા ઉપરાંત દિગ્દર્શન પણ કર્યું છે. નાટકના મુખ્ય પુરુષપાત્ર કુમુદભાઇ રાવલ અને પ્રતિભાબેને મને આ નાટક જોવા ખાસ આમંત્રણ આપેલું. એના રિહર્સલો વખતે પણ મને ખાસ બોલાવેલો.

ઘનશ્યામ દેસાઇના પત્ની, પૈસા, ધનદોલત, મોટર, બંગલા, નોકરચાકર અને વૈભવના મોહમાં, પતિની ગરીબી અને કલાનો ઉપહાસ કરીને એક શ્રીમંત સાથે નાસી જાય છે. ઘનશ્યામ દેસાઇ નોકરી અને ગામ છોડીને દૂર આવીને વસે છે, જ્યાં તેમની પાછલી જિન્દગીને કોઇ જાણે નહીં અને કોઇ ઓળખે નહીં.સંગીતના ટ્યુશનમાંથી જે પૈસા મળતા તેમાંથી બન્ને સંતાનોનો ઉછેર કરવા લાગ્યા. તેમના જીવનમાં આશાવરી નામની શિષ્યા આવી અને પરોક્ષ રીતે સંતાનોના ઉછેરમાં મદદ કરતી રહી. એક પરિણીત સ્ત્રી ,પોતાના સંતાનોને છોડીને ભાગી ગઈ અને બીજી અપરિણીત સ્ત્રીએ  તેના સંતાનોને સંભાળી લીધા.

સંગીતકાર  ઘનશ્યામ દેસાઇની મુખ્ય ભૂમિકામાં શ્રી. કુમુદ રાવલ અને તેમના મિત્ર અને વેવાઇ ભજીયાવાળા ભગવાનદાસની ભૂમિકામાં એડવોકેટ શ્રી. નવીન ઓઝાએ આખા નાટકનો ભાર ઉપાડી લીધો હતો. ઘનશ્યમભાઇના પુત્ર મોહન (અક્ષય પટેલ)ને ભજીયાવાળાની દીકરી રાધા  ( ટંકીકા પંચાલ ) સાથે પ્રેમ છે.  દીકરી સરિતા ( રુહીન ઘોરી )નું સગપણ , મીસ્ટર પરીખ  ( દિનકર ઉપાધ્યાય ) ના દીકરા પ્રોફેસર  (પૂરબ મહેતા)  સાથે થવાનું છે. સંગીતકાર ઘનશ્યામ દેસાઇને આશાવરી રાગ ખુબ પ્રિય છે. અને તેમના જીવનમાં પણ આશાવરી  આવે છે.જેને કારણે રુઢિચુસ્ત જૂનવાણી સમાજમાં ચણભણ થાય છે. ખુદ એમના બાળકો પણ બાપને ગૂનેગાર અને ચારિત્રહીન માનવા લાગે છે અને પછી શરુ થાય છે ઘર્ષણ.  ઘનશ્યામ દેસાઇના બન્ને સંતાનોના લગ્ન થઈ જાય છે એ પછી ઘનશ્યામ દેસાઇ આશાવરીને ઘેર લાવે છે અને સંતાનોને તેનો પરિચય કરાવતા જણાવે છે કે આશાવરીએ પત્ની અને માતા તરીકેની ફરજ અદા કરવામાં આખી જુવાની ખર્ચી નાંખી છે. પરંતુ, ફરજ બજાવનાર પિતા અને ત્યાગમૂર્તિ આશાવરીનો સંબંધ સંતાનોને સ્વીકાર્ય ન હતો.

કેટલાક હૃદયસ્પર્શી સંવાદો પછી, ઘનશ્યામ અને આશાવરી ઘર છોડી નવી જિન્દગી શરુ કરવા ચાલ્યા જાય છે એવા કથાનક પર સમસ્ત નાટકની માંડણી થઈ છે.

પ્રેમી ઘનશ્યામના જીવનમાં , તેમના ઘરસંસારમાં ખલેલ ના ઉભી થાય એ રીતે વર્ષો સુધી એકલતા અનુભવતી આશાવરીના પાત્રમાં પ્રતિભા રાવલ પાત્રોચિત સંયમી અભિનય કરી જાય છે. ઘનશ્યામ દેસાઇના, આશાવરી સાથેના સંબંધ અંગે પોતાના દ્ર્ષ્ટીબિંદુની રજૂઆત કરતા સંવાદોમાં આલેખનનું ઉત્તમ પાસુ જોવા મળે છે અને એ વખતના હ્ર્દયસ્પર્શી સંવાદોમાં કુમુદ રાવલ મેદાન મારી જાય છે. પુત્રવધુ બનતી અભિનેત્રી પણ છટાદાર સંવાદોથી પ્રેક્ષકોના દિલ જીતી લે છે. મોહન બનતા અક્ષય પટેલ ખુબ આશાસ્પદ કલાકાર છે. મીસ્ટર પરીખના મહેમાન કલાકાર જેવા રોલમાં દિનકર ઉપાધ્યાયને ખાસ કશું કરવાનું રહેતું નથી પણ પોતાના દમામદાર અભિનય અને અસરકારક અવાજના જોરે હાજરી પુરાવી ગયા. ભગવાનદાસ ભજીયાવાળાના રોલમાં શ્રી. નવીન ઓઝાએ સીક્સરો પર સીક્સરો ફટકારીને પ્રેક્ષકોને ખુબ હસાવ્યા હતા. પ્રોફેસર બનતા પૂરબ મહેતા પણ પોતાની ભૂમિકા સૂપેરે ભજવી ગયા. ત્રણેક કલાકારોએ તો પ્રથમ વખત જ સ્ટેજ પર અભિનય કર્યો હતો છતાં તેઓ અનુભવી કલાકારો જ લાગતા હતા.

નાટકનું રુપાંતર સ્વ. રાજુ પટેલનું હતું એમ સાઇનબોર્ડ પર જણાવાયું હતું.

જે ઉંમરે, અન્ય બધી જ અભિનેત્રીઓ થાઇરોડ અને આર્થરાઇટીસથી પીડાઇને, સ્ટેજ માટે નક્કામી બની જતી હોય છે એ ઉંમરે (૭૫+) પ્રતિભાબેનના શરીર પર ચરબીએ હુમલો કર્યો નથી. હા ! ઉંમરની અસર વર્તાય જરુર પણ હલનચલન  કે અભિનયક્ષમતા પર એની અસર નથી. આજે ય, એકલપંડે નાટ્યપ્રવૃત્તિ ચાલુ રાખી શક્યા છે. કુમુદ રાવલ પણ ચૌદ વર્ષના વનવાસ પછી. ફરી નાટ્યપ્રવૃત્તિમાં સક્રિય થયા છે એ જોઇને આનંદ થયો. કુમુદ રાવલ અને પ્રતિભા રાવલની અટક માં જ સામ્ય છે. બાકી ધે આર નોટ રીલેટેડ.

બેસ્ટ લક, પ્રતિભાબેન અને કુમુદભાઇ !

નવીન બેન્કર ફોન નંબર-૭૧૩-૮૧૮-૪૨૩૯    ( લખ્યા તારીખ-૨૨ એપ્રિલ ૨૦૧૫ )

 

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.