એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Page 18

પ્રોસ્ટેટ કેન્સર

April 14th, 2011 Posted in Uncategorized

આજે મારે તમને  પ્રોસ્ટેટ કેન્સર અંગે એવી વાતો કરવી છે કે જે અંગે મોટાભાગના દર્દીઓ પેટછૂટી વાત કરતા શરમાતા હોય છે. ડોક્ટરો પણ બહુ સ્પષ્ટતાથી ઘણી વખત બધુ સ્પષ્ટ કહેતા નથી હોતા.

ટીકા…નિંદા…ભૂલો પ્રત્યે અંગૂલિનિર્દેશ

March 21st, 2011 Posted in સંકલન્

ટીકા…નિંદા…ભૂલો પ્રત્યે અંગૂલિનિર્દેશ

સંકલન – શ્રી. નવીન  બેન્કર

                (‘ એક જ દે ચિનગારીના લેખક શશિન તથા શ્રીમતિ ઈલા દત્ત ના એક લેખના આધારે )

 

ભારતિય કોમ્યૂનિટી તરીકે ભારતીયો ભેગા થવાની, ભેગા થઈ સાથે રહેવાની સમાન ધ્યેય કે હિતો સંબંધિત મજબૂત એકતા ધરાવવાની અણઆવડત ધરાવે છે.સાંસ્કૃતિક,સામાજિક અને રાજકિય સંગઠનો વધતા જાય છે તો તેમાં વિભાજનો અને ખંડનો પણ થયા જ કરે છે.આ બધું માત્ર અને માત્ર અહમને કારણે જ થાય છે.

 

 

 

શરુઆતમા તો વિખવાદકારો સંસ્થાની કોઈપણ સારી પ્રવ્રુત્તિઓમાંથી ભૂલો શોધી કાઢશે. તમે કોઈપણ સારુ કામ શરૂ કરો ત્યારે ક્યાંકને ક્યાંક તો ભૂલો થવાની જ. ક્યારેક યોગ્ય નિર્ણય કરવામાં તમે ભૂલ કરી બેસવાના. તાજેતરમાં જ એક કાર્યક્રમમા અમૂક સુંદર પ્રોગ્રામ અંતમા રાખવાની હિમાલય જેવડી ભૂલ સંચાલકે કરી ( જો કે એને માટે સંચાલક પાસે તેમ કરવાના કારણો પણ હતા જ ) અને એ ઉત્તમ કાર્યક્રમ શ્રોતાઓની ગેરહાજરીને કારણે પ્રેક્ષકો સુધી ના પહોંચી શક્યો.  બસ…સંસ્થાના કાર્યકરો પર માછલા ધોવાયા.બબ્બે-ત્રણ ત્રણ મહિના સુધી કરેલી જહેમત એપ્રીસિયેટ કરવાને બદલે  તેમને જૂતા મારવાનું જ બાકી રખાયું.

 

 

 

કદાચ ટિકાકારોનો હેતુ ,ભૂલો પ્રત્યે માત્ર અંગૂલિનિર્દેશ કરવાનો જ હોઈ શકે. પણ એ ભૂલોને રાઈનો પહાડ કરી દઈને શૂળી પર ચઢાવવા માટે તૈયાર લોકો ટાંપીને બેઠા જ હોય છે.

 

સૌ પ્રથમ તો આવી ટીકાઓ થાય ત્યારે આપણે આત્મનિરિક્ષણ કરવું જોઇયે.

 

આપણી ભૂલ થઈ હોય તો એનો સ્વીકાર કરીને ફરી તેવી ભૂલ ન થાય તે માટે પગલા લેવા જોઈયે.ટીકાકાર સર્જનાત્મક ટીકાકાર હોય તો ભૂલનિર્દેશ પ્રત્યે તેનો આભાર માનવો. પણ ટીકાકાર જો વિઘ્નસંતોષી અને માત્ર કુથલીખોર, હવનમા હાડકા નાખનાર દુષ્ટ માનવી લાગે તો મૌન ધારણ કરી લેવું અને તેની ઉપેક્ષા કરવી. છતાં ટીકામાં જો સાર હોય તો તેટલા અંશે તેનો સ્વીકાર કરીને આત્મદર્શન દ્વારા કંઇક શિખવુ.ટીકાના સરવાળા કરવાને બદલે તેની બાદબાકી કરવી.ટીકાખોરો કોલસા જેવા હોય છે. એ  ઉજળા બને એની રાહ જોવાને બદલે એ જેવા છે તેવા તેને સ્વીકારી લઈને આપણા કાન બંધ કરી દેવા એ જ આપણે માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

 

  ટીકાખોરી એ ચેપી રોગ છે. એ વ્યક્તિ બીજી વ્યક્તિની ટીકા કરે, એ ટીકાનો ભોગ બનેલો માણસ પણ એનાથી યે અદકેરી, આકરી ટીકા કરવા મેદાને પડવાનો કારણ કે  માણસને ટીકાત્મક શબ્દો તીરની જેમ સાલતા હોય છે.

 

માણસ જ્યારે કોઇપણ વસ્તુ, વ્યક્તિ, સ્થિતિ કે પરિસ્થિતીની ટીકા કરતો હોય છે ત્યારે મનોમન પોતાની જાત માટે એ એમ જ માનતો હોય છે કે હું તો આવી ભૂલ ન જ કરત. પોતે તેવા દોષ કે ટીકાપાત્ર પરિસ્થિતિથી સાવ મુક્ત છે. સત્ય માણસને કટુ સ્વાદવાળા ભોજન જેવુ લાગે છે જ્યારે ટીકાભર્યુ અસત્ય તેને  છપ્પનભોગ જેવુ સ્વાદિષ્ટ લાગે છે !

 

 

 

માણસ ટીકા કે નિંદા સહન કરવામા સાવ પોચટ હોય છે.લોકલાજ કે તેના ડર માત્રથી વિહ્વળ બની જાય છે.ટીકાખોર તો નિરાંતે ઊંઘી જાય છે પણ જેની ટીકા થઈ હોય છે તે તો પથારીમાં પાસા ઘસ્યા કરે છે.માટે આપણામા રહેલી સહિષ્ણુતા અને શુભદ્રષ્ટિ જ આપણને ટીકા પર વિજય મેળવવામા મદદરૂપ થાય છે. ટીકાખોર ઘૂવડ જેવા હોય છે. તેમનાથી તેજસ્વી માણસના વ્યક્તિત્વની ધવલતા, ઉજાસ કે પ્રકાશ સહન નથી થતા !  ટીકા ભયંકર હોય છે કારણ કે તે માણસના આત્મગૌરવ પર આક્રમણ કરીને એને હચમચાવી મૂકે છે તથા માણસમા રહેલા ક્રોધને પ્રદિપ્ત કરવાનું પ્રોત્સાહન પૂરુ પાડે છે. આજ લગી થયેલા યુદ્ધોનું જો વિહંગાવલોકન કરવામા આવે તો જણાશે કે શસ્ત્ર કરતા આલોચક કે ટીકાખોરની કથોલી જીભનું કારસ્તાન જ કેન્દ્રસ્થાને રહ્યુ જણાશે.

 

 

 

મારા અંગત મત પ્રમાણે, કોઈપણ ભારતિય સંસ્થામા આગેવાન થયા વગર, સેવા કરવાની વ્રુત્તિ હોય તો માત્ર વોલન્ટિયર તરીકે થાય તેટલું કરવુ. આગળની હરોળમા બેસવાની વ્રુત્તિ ત્યજવી. સ્ટેજ પર મોટા ભા થવાનું તો ટાળવું જ. છેલ્લી હરોળમા બેસીને પ્રવ્રુત્તિઓનો આનંદ માણવો અને ચૂપચાપ વિદાય થવું. ગુપ્ત મતદાન કરવું પણ આંગળી ઉંચી કરવાની થાય તો ધીરેથી ખસી જવું. તાજેતરમાં એક સેવાભાવી સંસ્થાના ટ્રસ્ટીઓની સેવાની કદર કરવાને બદલે તેમની હકાલપટી કરવા માટેના રણશિંગા જોઈને તો મને ઉબકા જ આવી ગયા હતા !

 

ગુજરાતી ભાષાનું એક પણ અખબાર કોમ્યુનિટીના સમાચારો, અહેવાલો લખવા માટે પુરસ્કાર આપતું નથી.  અરે! લેખની નકલ કે જે ઈસ્યૂમા અહેવાલ છપાયો હોય તેની એક કોમ્પ્લિમેન્ટરી કોપી સુદ્ધાં મોકલવાનું સૌજન્ય દાખવતા નથી. લેખકને પણ પોતાના લેખની નકલ મેળવવા માટે લવાજમ ભરવા પડે છે. અને એ ગુજરાતી ભાષાના જતન અને સંવર્ધન માટે ગુજરાતી લેખકે પોતાના કિંમતી સમયનો ભોગ આપીને સમાજ માટે કંઈક કર્યાનો વાંઝિયો સંતોષ માનવાનો !ફોટા પાડો, સ્કેન કરો, કેપ્શનડ કરો, ઇ-મેઈલ કરો.. ફોર વોટ ? તમારુ એક નામ લેખ નીચે છપાયેલું જોઈને મિથ્યાભિમાન સંતોષવા માટે અને.. કોઈની શરતચૂકથી કોઈ કાર્યકરનો નામોલ્લેખ કરવાનો રહી ગયો હોય તો તો આવી જ બન્યુ ! તમે નિષ્પક્ષ નથી,’ તમે કોઈને ફેવર કરો છોજેવા આક્ષેપો સહન કરવા માટે તૈયાર રહેવાનું. શ્રી રામ…શ્રી રામ..શ્રી રામ..

 

 

 

મેં તો લગભગ નક્કી  જ કરી નાંખ્યું છે કે હવે કોઈપણ સંસ્થાની પ્રવ્રુત્તિઓના અહેવાલો લખવાને બદલે મારી સર્જનશક્તિનો ઉપયોગ મારા બ્લોગ પર સર્જનાત્મક લખાણો લખવામા કરવો.ગુજરાતી સમાજ, સાહિત્ય સરિતા, સિનિયર સિટિઝન એસોસિયેશન…કશું જ નહી.બસ..જીવન વિષયક ચિંતન..મનન..મનગમતા પુસ્તકોનુ વાંચન…લેખન…

 

 

 

આજે બસ માત્ર આટલું જ….

 

 

 

અસ્તુ….

 

 

 

નવીન  બેન્કર

 

૨૦ માર્ચ, ૨૦૧૧-  હોળીનું પર્વ.

“દશાબ્દિ મહોત્સવ” -અહેવાલ- નવીન બેંકર

March 16th, 2011 Posted in અહેવાલ

હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય સરિતાનો  “દશાબ્દિ મહોત્સવ”“-અહેવાલ- નવીન બેંકર

બારમી માર્ચ ને શનિવારની રાત્રે, હ્યુસ્ટનના જૂના સ્ટેફર્ડ સિવિક સેન્ટરના વિશાળ હોલમાં,ગુજરાતી સાહિત્ય સરિતાએ પોતાના દશ વર્ષ પૂર્ણ કર્યાની ખુશાલીમાં “દશાબ્દિ મહોત્સવ”નું  ભવ્ય આયોજન કર્યું હતુ.

બરાબર આઠને દસ મિનિટે, કાર્યક્રમના આયોજક શ્રી રસેશ દલાલ અને સંસ્થાના સંચાલક શ્રીમતિ દેવિકાબેન ધુવે પ્રેક્ષકોના સ્વાગતથી શરુઆત કરી.પ્રારંભમાં વિરેન્દ્ર બેંકરના કંઠે દેવિકા ધ્રુવ રચિત શારદ સ્તુતિ અને હેમંત ભાવસારના  કંઠે વિનોબા ભાવેની પ્રાર્થના રજૂ કરવામાં આવી.તે પછી દીપ-પ્રાગટ્યની વિધિ  થઇ હતી.
આ પ્રસંગે આમંત્રિત મુખ્ય મહેમાન તરીકે શિકાગોના જાણીતા અને માનીતા સન્માનીય ગઝલકાર કવિ-દંપતિ ડો.અશરફ ડબાવાલા  તથા ડો.મધુમતી મહેતા ઉપસ્થિત રહ્યા હતા. તેઓ ગુજરાતી ભાષા,સાહિત્ય અને સંગીતના પ્રસાર માટે શિકાગો આર્ટ સર્કલ નામની સંસ્થા દ્વારા પ્રવૃત્ત રહે છે.ડો. અશરફ  ડબાવાલાને ૨૦૦૭માં કલાપી એવોર્ડ,લીટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા તરફથી ચુનીલાલ વેલજી પારિતોષિક તથા શિકાગોની દ્રષ્ટિ-મીડીયા તરફ્થી ગઝલ-સર્જન માટે લાઇફ-ટાઇમ એવોર્ડ પણ પ્રાપ્ત થયાં છે.

અન્ય અતિથિવિશેષ,પદ્મશ્રી એવોર્ડથી વિભુષિત ડો.સુધીર પરીખ અને તેમના ધર્મપત્ની સુધાબેન પરીખ પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા.અનેકવિધ સન્માન અને મે્ડલ પ્રાપ્ત કરનાર ડો સુધીરભાઇ પરીખ વર્લ્ડવાઇડ મીડીયા ઇન્ક.ના ચેરમેન અને પબ્લીશર છે.આ ગ્રુપ ન્યુ ઇન્ડિયા ટાઇમ્સ,દેશી ટોક ઇન ન્યુયોર્ક,”ધી ઇન્ડિયન અમેરિકન્સ” તથા ગુજરાતીઓમાં સૌથી વધુ વંચાતા અને વેચાતા સપ્તાહિક ગુજરાત ટાઇમ્સનું પબ્લીકેશન  કરે છે.

દીપ-પ્રાગટ્ય પછી મહેમાનોનું પુષ્પગુચ્છ અને ભેટ-પ્રતિક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ તેમના શુભ-હસ્તે હ્યુસ્ટનના જાણીતા સર્જકોના પ્રસિધ્ધ થયેલ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું. હ્યુસ્ટનના ૯૦ વર્ષના કવિશ્રી ધીરજલાલ શાહના બે પુસ્તકો,પીઢ કવિ સુમન અજમેરીના ચાર પુસ્તકો, સર્યુબેન પરીખનુ એક પુસ્તક “નીતરતી સાંજ”,પ્રવીણાબેન કડકિયાના સ્વરચિત ગીતોની એક CD”સમર્પણ”, વગેરે નું વિમોચન કરાયા બાદ શ્રી વિજય શાહના પુસ્તક “નિવૃત્તિની પ્રવૃત્તિ” વિષે માહિતિ આપવામાં આવી હતી. હ્યુસ્ટનના તેર લેખકોના  સહિયારા સર્જન દ્વારા લખાયેલ નવલકથા “જીવન સંધ્યાએ”અને ૧૧ લેખકોના “સહિયારું સર્જન” (લઘુનવલકથા સંગ્રહ) નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. દેવિકાબેનના “શબ્દોને પાલવડે” નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ એક એકાંકી નાટક “ગુજરાત તારું ગૌરવ”રજૂ કરવામાં આવ્યુ.માત્ર ચાર જ પાત્રો દ્વારા ભજવાયેલ આ નાટકમાં પ્રહસન માટેની બધી જ સામગ્રી મૌજુદ હતી.ઝડપી કાર્યવેગ,સંવાદોમાં સાતત્ય, બધું જ. .નાટિકાના નામાભિધાન પ્રમાણે ગુજરાતના ગૌરવની તવારીખ જોશીલા સંવાદો દ્વારા એવી સરસ રીતે લખવામાં આવી છે અને દેવિકાબેન ધ્રુવના પાત્ર દ્વારા એવી જોશીલી જબાનમાં રજૂ કરવામાં આવી હતી કે તેના દરેક સંવાદ પર પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટથી સભાખંડ ગાજી ઉઠતો હતો.વાઇબ્રન્ટ ગુજરાત, શ્રી નરેન્દ્ર મોદીના ઉલ્લેખો અને ગુજરાતના વિકાસની ગાથા એવી કલાત્મક રીતે દિગ્દર્શક  શ્રી રાહુલ ધ્રુવ દ્વારા સાંકળી લેવામાં આવ્યા છે કે નાટકની વાર્તામાં રસક્ષતિ ન થાય. અમેરિકાનું બધું જ સારું અને ગુજરાતમાં તો આમ ને તેમ એવી મનોદશામાં જીવતા પતિની ભૂમિકા શ્રી રાહુલ ધ્રુવે એવી તો સરસ રીતે ભજવી બતાવી કે તેમના મોટાભાગના સંવાદો પર પ્રેક્ષકોની હાસ્યની ખંડણી આવતી હતી.તો….ગુજરાતના ગૌરવને પોતાની જોશીલી જબાન દ્વારા અને પ્રતિભાશીલ અભિનય દ્વારા દેવિકા ધ્રુવે સુપેરે રજૂ કર્યુ હતું. ગુજરાતી પડોશીના પૂરક પાત્રોમાં હ્યુસ્ટનના ખ્યાતનામ કાર્ડીઓલોજીસ્ટ ડો. કિરીટ દેસાઇ અને ખ્યાતનામ ગાયનોકોલોજીસ્ટ ડો.કોકીલા પરીખે પોતાના સુંદર આંગિક અને વાચિક અભિનય દ્વારા હળવી પળો પૂરી પાડીને પ્રેક્ષકોને સારું એવું મનોરંજન પૂરું પાડ્યું હતું. આ બંને ડોક્ટરો સારા ગાયકો પણ છે એટલે દિગ્દર્શકે તેમના કસબનો અહીં આ નાટકમાં પણ ઉપયોગ કરીને કેટલાંક ગીતોની પંક્તિઓ મૂકવાનો મોહ ટાળી શક્યા ન હતા. મુકેશ અંબાણી અને ગાયક  સ્વ.મુકેશ અંગેના સંવાદો,”તને જાતા જોઇ પનઘટની વાટે” કે”નજરના જામ છલકાવીને ચાલ્યાં ક્યાં તમે” જેવા ગીતોને સાંકળી લઇને ગીત-સંગીત સાથે હાસ્યને પણ સુંદર રીતે રજૂ કરવામાં લેખક તરીકે રાહુલ ધુવ અને કલાકારો તરીકે બંને ડોક્ટરો સંપૂર્ણ સફળ રહ્યાં હતાં. પ્રવક્તા તરીકે શ્રી  નિખિલ મહેતા અને નેપથ્ય પાર્શ્વસંગીત પીરસનાર શ્રી મનોજ મહેતા તથા શ્રી દિલીપ નાયક પ્રશંસનીય રહ્યા.

આ કૃતિનું આલેખન રાહુલ ધ્રુવની રંગમંચના ઉપયોગની પોતાની આગવી સૂઝ દર્શાવી જાય છે.. પ્રહસનની સફળતાનો મોટો આધાર સંવાદોની અભિવ્યક્તિમાં,સમયસૂચકતા અને મુખના ભાવો તેમ જ આંગિક અભિનયના પ્રભુત્વ પર હોય છે.અહીં બધા જ કલાકારો એ સાદ્યંત સાચવે છે. નિષ્પન્ન થતા હાસ્યનો વ્યક્તિગત હિસ્સો જો ફાળવવાનો હોય તો રાહુલ ધ્રુવ અને ડો,કિરીટ દેસાઇ બંને સ્ત્રી પાત્રો કરતાં પ્રથમ આવે. સાહિત્ય સાથેનો સંપર્ક રંગભૂમિને કેટલી સમૃધ્ધ બનાવી શકે એ દેવિકાબેનના પાત્રાલેખન અને સંવાદો દ્વારા દિગ્દર્શક શ્રી રાહુલ ધ્રુવ આ કોમેડી નાટકમાં ઉપસાવી શક્યા છે. ઇતિહાસના યાદગાર પાત્રો કે ગુજરાતની અસ્મિતા દર્શાવતા સંવાદોમાં આ સ્પષ્ટ થાય છે. જૂના જમાનાના “સતી આણલદે” ની એકોક્તિ દ્વારા દેવિકાબેન ધ્રુવ સુંદર પ્રભાવ પાડી ગયાં.જો કે સમગ્ર નાટકમાં તેમના મુખે બોલાયેલ સંવાદોમાં સાહિત્યિક ભાષાનો અતિરેક થયો લાગે છે. ડો.કોકીલા પરીખ ના ફાળે જોશીલા સંવાદો ન આવવા છતાં, નાટકની હળવી પળો પૂરી પાડવામાં તેમનો ફાળો ઓછો ન આંકી શકાય.

આ નાટક પછી ગરબો રજૂ કરવામાં આવ્યો હતો, જેના શબ્દો હતા “ઉંચી તળાવડીને તીર પાણી ગ્યા’તા”.આ ગરબામાં પંચાવન કે તેથી વધુ ઉંમરની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.તેની કોરીઓગ્રાફી હ્યુસ્ટનના જાણીતા કોરીઓગ્રાફર મિત્રાબેન પંચાલ દ્વારા કરવામાં આવી હતી અને સ્વરાંકન પણ તેમના સુમધુર કંઠે કરવામાં આવ્યું હતુ.

“દશાબ્દિ મહોત્સવ”ના બીજા ભાગમાં તા. ૧૪મી મેના રોજ રજૂ થનાર ત્રિઅંકી નાટક “ હું રીટાયર થયો”ની ઝલક સ્લાઇડ શો દ્વારા દસેક મિનિટ  માટે વીડીયો પ્રેઝન્ટેશનથી પ્રેક્ષકોને બતાવવામાં આવી હતી.એક રીટાયર્ડ થયેલ નટ સમ્રાટના જીવનમાં પાછલી ઉંમરે જે ઝંઝાવાતો આવે છે તે હ્ર્દયસ્પર્શી સંવાદો અને જબરદસ્ત કથાનક સાથે, હ્યુસ્ટનના જ સ્થાનિક કલાકારો સાથે શ્રી મુકુંદભાઇ ગાંધીની મુખ્ય ભૂમિકામાં રજૂ થનાર છે તેની ક્લીપીંગ્સ દર્શાવવામાં આવી હતી.

ત્યારબાદ એક જબરદસ્ત એકાંકી નાટક “જો જો મોડું ના થાય” ભજવવામાં આવ્યું હતુ. મૂળ કૃષ્ણચંદર લિખિત આ નાટકનું રુપાંતર સાહિત્યપ્રેમી અને હાસ્યકવિની રચનાઓને પોતાની વિશિષ્ટ શૈલીમાં રજૂ કરવા માટે જાણીતા એવા શ્રી ફતેહ અલી ચતુરે ગુજરાતીમાં રુપાંતરિત કરીને રજૂ કર્યું હતું.
સચિવાલયના કમ્પાઉન્ડમાં  જાંબુનું  એક ઝાડ પડી ગયું છે અને તેની નીચે એક કવયિત્રી દબાઇ ગઇ છે. કોઇ રાહદારી આ અંગેની જાણ સચિવાલયના વિવિધ કર્મચારીઓને કરે છે અને બ્યૂરોક્રસીમાં અટવાયેલા કામચોર કર્મચારીઓ પેલી સ્ત્રીને બહાર કાઢવાને બદલે વાતને કેવી  ગૂંચવી મારે છે અને અંતે પેલી દબાયેલી સ્ત્રીનું મૃત્યુ થાય છે એવા કથાનક પર રચાયેલ આ નાટક એટલી સરસ રીતે ભજવવામાં આવ્યું હતું કે, રૂપાંતરકાર અને દિગ્દર્શક શ્રી ફતેહઅલી ચતુર અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા વગર રહી ન શકાય.

સૌ પ્રથમ તો સંનિવેશમાં ચીલાચાલુ બોક્સ-સેટને બદલે ઝાડનું કપાયેલું થડ તેના ડાળા-પાંદડા સાથે સ્ટેજ પર ગોઠવવામાં આવ્યું હતું અને સચિવાલયના બિલ્ડીંગનું મોટું ચિત્ર લટકાવવામાં આવ્યું હતું તો હોર્ટીકલ્ચર ડીપાર્ટમેન્ટ,એગ્રીકલ્ચર ડીપાર્ટ્મેન્ટ અને કલ્ચરલ ડીપાર્ટ્મેન્ટ્ની ઓફિસ તેના ટેલિફોનો વગેરેનું સેટીંગ્સ એટલી કુશળતાપૂર્વક કરવામાં આવેલું હતું કે પડદો ઉઘડતાં જ કશુંક નાવીન્યપૂર્ણ રજૂ થઇ રહ્યું છે તેનો આભાસ ઉભો થાય !
પ્રકાશ-આયોજન પણ સૂચક હતું. કયારેક સ્ટેજનો અમુક હિસ્સો પ્રકાશ-વર્તુળમાં આવે અને બીજો હિસ્સો અંધકારમાં રહે એવું આયોજન રહે પરંતુ ટેક્નીકલ મુશ્કેલીને કારણે અમુક દ્રશ્ય વખતે તે શક્ય બનતુ ન હતું.
ફતેહ અલી ચતુરની હથોટી જેટલી રુપાંતરમાં છે તેટલી જ દિગ્દર્શનમાં પણ જણાઇ આવે છે. રાહદારીના મુખ્ય પાત્રમાં જીવંત અદાકારી દાખવી હતી. વિવિધ શાયરો-ગઝલકારોના મુક્તકોનો ઉપયોગ તેમના મુખે બોલાવીને “દશાબ્દિ મહોત્સવ”ની ઉજવણી પ્રસંગે રજૂ થતા નાટક તરીકે તેને સફળ ગણી શકાય. નાટકની પકડ જાળવવા  કે પાત્રાલેખનને ખીલવવા માટે જે ચપળ અને ચબરાકી ભાષા જરૂરી છે તેનો અહીં બરાબર ખ્યાલ રાખવામાં આવ્યો છે. સતત ઝાડ નીચે દબાયેલી રહેતી કવયિત્રીના પાત્રને શ્રીમતિ શૈલાબેન મુનશાએ પડ્યા પડ્યા પણ પોતાના ચહેરાના ભાવ-પરિવર્તનને સૂપેરે દર્શાવીને સુંદર રીતે ન્યાય આપ્યો હતો. હેડક્લાર્ક તરીકે શ્રી પ્રશાંત મુનશા,પટાવાળાના પાત્રમાં શ્રી વિનય પંચાલ,સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે શ્રી નીતિન વ્યાસ, સતીશ પરીખ અને અન્ય ડિપાર્ટમેન્ટોના હેડ તરીકે ડો.ઇન્દુબેન શાહ તથા શ્રીમતિ ગીતાબેન ભટ્ટ અને છેલ્લે આવતા કલ્ચરલ ડિપાર્ટમેન્ટના શ્રી સુરેશ બક્ષી પણ પોતપોતાની ભૂમિકાને અતિસુંદર રીતે ભજવી ગયાં હતાં.

રાહુલ ધ્રુવ અને ફતેહ અલી ચતુર- બંને પાસે સર્જનાત્મક અભિવ્યક્તિ છે. કોમેડીની ઝીણી સૂઝ, સુક્ષ્મ નિરીક્ષણશક્તિ અને માર્મિક નિરુપણ…આ બંને સર્જકોમાં છે.બંને એકાંકીઓમાં સાહિત્યિક્તા અને અભિનયક્ષમતાનો વિરલ સમન્વય જોવા મળ્યો. ઊમાશંકરના એકાંકીઓની તીવ્ર સંવેદના કે જયંતિ દલાલના એકાંકીઓનો બુધ્ધિવૈભવ આવા નાટકોમાં ભલે ન હોય પણ પાત્રા-લેખન,સંવાદ-કળા,નાટ્યાત્મકતા,ક્રમિક પરાકાષ્ટા,તખ્તા-લાયકી આ બધા એકાંકીના ઉત્તમ લક્ષણોથી મંડિત, ટૂંકા સચોટ સીધી ગતિના લક્ષ્યવેધી સંવાદોથી આ નાટકો વિભૂષિત છે.

ત્યારબાદ મહોત્સવની “signature item” “કવિ અને કવિતા”નો સેટ ગોઠવાય તે દરમ્યાન વચ્ચે ન્યૂયોર્કના ગાયક સંગીતકાર શ્રી વિરેન્દ્ર બેંકરના વાંસળી વાદનનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેને શ્રોતાઓએ મન ભરીને માણ્યો હતો.

આ અહેવાલ લખનારના અંગત અભિપ્રાય અનુસાર સમગ્ર કાર્યક્રમનો શિરમોર ભાગ છેલ્લે રજૂ થયેલ “ કવિ અને કવિતા” હતો. કાવ્ય,સંગીત અને કેળવાયેલ અવાજથી વિભૂ્ષિત સુંદર સાયુજ્ય સભર રચનાઓના દ્રશ્ય અને શ્રાવ્ય પ્રે્ઝન્ટેશનથી હાજર રહેલ પ્રેક્ષકો અનુભૂતિની શ્રેષ્ઠ અવસ્થાએ પહોંચી શક્યા હતા. જે કવિઓ અને તેમની રચનાઓને ગાયકો દ્વારા રજૂ કરવામાં આવી હતી તેમાં વીર કવિશ્રી નર્મદ ( શ્રી કિરીટ મોદી ), બરકત વિરાણી “બેફામ” ( શ્રી મુકુંદ ગાંધી ), ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા ( શ્રી ધીરુભાઇ શાહ ), ઉમાશંકર જોશી ( શ્રી વિશાલ મોણપરા), અવિનાશ વ્યાસ (શ્રી વિપુલ માંકડ ),શ્રી સુરેશ દલાલ ( શ્રી નવીન બેંકર ),તથા ઝવેરચન્દ મેઘાણી ( શ્રી પ્રશાંત મુન્શા). શ્રી રમેશ પારેખ ( શ્રી વિજય શાહ ) નો સમાવેશ થાય છે.

સ્ટેજની એક બાજુએથી ઉદઘોષકો ( શ્રી રસેશ દલાલ,શ્રીમતિ રિધ્ધિ દેસાઇ, ડો.કમલેશ લુલ્લા તથા શ્રીમતિ દેવિકા ધ્રુવ ) દ્વારા કવિનો પરિચય અપાય તે દરમ્યાન ધીમે પગલે જે તે કવિનું પાત્ર ભજવતા કલાકાર સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય અને અપાતો પરિચય પૂર્ણ થતાં બે શુભેચ્છાવાચક શબ્દો કહે અને ધીમે પગલે સ્ટેજની બીજી બાજુ પ્રસ્થાન કરે તે દરમ્યાન ગાયકો સંગીતના સથવારે તે કવિની રચનાને રજૂ કરે. આ આખી પરિકલ્પના સાહિત્ય સરિતાના  કુશળ સૂત્રધાર શ્રી રસેશ દલાલની હતી.
ગાયક વૃંદમાં શ્રી મનોજ મહેતા, શ્રીમતિ કલ્પના મહેતા, શ્રીમતિ સ્મિતા વસાવડા, વોઇસ ઓફ મુકેશ તરીકે ઓળખાતા શ્રી શ્રી ઉદયન શાહ તથા શ્રી દિલીપ નાયક હતાં. વાદ્યવૃંદમાં તબલા પર શ્રી ડેક્ષ્ટર રઘુ આનંદ, મંજીરા અને જાઝ પર શ્રી હેમંત ભાવસાર, હાર્મોનીયમ પર શ્રી દિલીપ નાયકે સાથ આપ્યો હતો.

“કવિ અને કવિતા”ની શરુઆતમાં શ્રી મનોજ મહેતાએ પોતાના  ભાવવાહી કંઠે શરુઆત કરીને વાતાવરણ જમાવી દીધું હતું. તેમના નરવા કંઠની બુલંદી માઇક વગર પણ ટહૂકી ઉઠે તેવી હતી.સ્મિતાબેન વસાવડાના કંઠમાં તો જાણે કોયલે માળો બાંધ્યો છે. તેમણે આલાપ,તાન અને ઉર્મિસભર રજૂઆત વડે શ્રોતાઓનો પ્રચંડ પ્રતિસાદ મેળવ્યો.અતિથિવિશેષ શ્રી અશરફ ડબાવાલાએ તેમને સ્ટેંડીંગ ઓવેશન આપ્યુ હતું જેને શ્રોતાઓએ પણ ઉભા થઇને સાથ આપ્યો હતો. સ્મિતાબેને એટલી જીવંત શૈલીથી ગીતોમાં ભાવ પૂરીને રચનાઓ ગાઇ સંભળાવી હતી કે કાર્યક્રમના અંતિમ ચરણને એક નવો આયામ મળ્યો હતો.

ગાયક અને સાજીંદાઓ વચ્ચે એટલો સુમેળ હતો કે જાણે સોનામાં સુગંધ મળી હતી. કવિઓની પસંદગી,ગીતોની પસંદગી,ગીતોનું સ્વરાંકન તથા શબ્દ અને સૂરની મિલાવટ એટલા મજબૂત હતા કે છેક સુધી હાજર રહેલા ભાવકો રસસમાધિમાં ડૂબી ગયા હતાં. આ કાર્યક્રમ ગીત, સંગીત અને ગાયકીનો બેજોડ સંગમ હતો, તો શ્રી વિશાલ મોણપરાની કોમ્પ્યુટરની ટેકનીકલ કાબેલિયત વડે રજૂ થયેલ સ્લાઇડ શો  અભિનંદનને પાત્ર હતાં. સમજદાર શ્રોતાઓ તરફથી કાર્યક્રમને જબરદસ્ત દાદ મળી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સાહિત્ય સરિતાના સભ્યોએ તો  ખુબ જ જહેમત ઉઠા્વી હતી જ, પરંતુ સ્ટેજની વ્યવસ્થા શ્રીમતિ મિત્રાબેન પંચાલ, શ્રી વિનય પંચાલ તથા શ્રી કિરીટ ભક્તાએ કુશળતાપૂર્વક સંભાળી હતી. તો મેઇક-અપ આર્ટીસ્ટ તરીકેની કામગીરી યોગીનાબેન પટેલે સુપેરે નિભાવી હતી. આવા સુંદર કાર્યક્રમનુ સફળ આયોજન અને સંચાલન કરવા માટે શ્રી રસેશ દલાલ,શ્રી વિજય શાહ, શ્રીમતિ દેવિકાબેન ધ્રુવ, ડો.રમેશભાઇ શાહ, શ્રી પ્રશાંત મુન્શા વગેરે અભિનંદનના અધિકારી છે.

“દશાબ્દિ” પ્રસંગે સાઇઠ  પાનાનું દળદાર સોવેનિયર ( સ્મરણિકા ગ્રંથ ) “કલ-નિનાદ” પણ બહાર પાડવામાં આવ્યું હતું જેના સંપાદન અને સંકલન માટે પીઢ કવિ શ્રી સુમન અજમેરી, શ્રી વિજય શાહ અને તેમની કમિટિએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવવા માટે જેમણે કિમતી સલાહ- સૂચનો આપ્યા છે તે માનદ સલાહકારો શ્રી દિપક ભટ્ટ, શ્રી મુકુંદ ગાંધી,શ્રી અશોક પટેલ વગેરેનો મહત્વનો ફાળો રહ્યો છે.

ચાર કલાકના આ સમગ્ર કાર્યક્રમમાં ઔપચારિક આભા્રવિધિ,વિમોચન તથા મહાનુભાવોના સંદેશાઓને ટૂંકાવીને કવિ અને કવિતાના કાર્યક્રમને શરુઆતમાં મૂકાયો હોત અને પછી બંને એકાંકીઓને મૂકાયા હોત તો  કાર્યક્રમ વધુ દીપી ઉઠત અને વધુ પ્રેક્ષકો સુધી પહોંચી શક્યો હોત એટલી ટકોર અસ્થાને નહિ ગણાય.

આટલો લાંબો અહેવાલ લખવામાં શક્ય છે કે કોઇનો નામોલ્લેખ રહી ગયો હોય તો એ મારો હકીકત-દોષ સમજી  ક્ષમ્ય ગણશો.

અસ્તુ

નવીન બેંકર

હ્યુસ્ટનમા નવરાત્રિ મહોત્સવ

October 30th, 2010 Posted in અહેવાલ

 હ્યુસ્ટનમા નવરાત્રિ મહોત્સવ

                                અહેવાલ – શ્રી. નવીન બેન્કર

 ( ઓક્ટો ૨૯ ૨૦૧૦ના રોજ ગુજરાત ટાઇમ્સમાં છપાયેલ અહેવાલ )

    

————————————————————————————————–

નવરાત્રિ એટલે કે આસો સુદ એકમથી નોમ સુધી માતાજીની આરાધનાના દિવસો છે.માતાજીની સ્તૂતિ કરતા સ્તોત્ર, ગરબા ગાવાનો રિવાજ છે.છેલ્લા થોડા વર્ષોથી તો ઇન્ડીયામા શેરીના ગરબા લુપ્ત થઈ રહ્યા છે અને પાર્ટી પ્લોટ કલ્ચરના જ ગરબા પ્રચલીત થઈ રહ્યા છે.ફિલ્મી ગીતની ધૂનો પર માત્ર ઇન્સ્ટ્રુમેન્ટસ પર ધૂનો વાગ્યા કરે અને ખેલૈયાઓ, સ્ટાઈલો મારતા ગરબે ઘૂમે એ દ્રષ્ય કોમન થઈ ગયું છે. ગરબે ઘૂમતા ખેલૈયાઓને આ માતાજીનો ધાર્મિક તહેવાર છે એવો એહસાસ જ થતો નથી.અને એમાંય, અમેરિકામાં જ જન્મેલી, ભણેલી, ઊછરેલી આજની યુવાન પેઢીને તો ગુજરાતી લોકગીતોની રમઝટ પર વાગતો ગરબો ‘ ઈંધણ વીણવા ગઈ’તી મારી સહિયર’ જેવા લોકગીતનો અર્થ પણ ના સમજાય કે તેની ગતાગમ પણ ના પડતી હોય છતાં એ ધૂન પર મન મૂકીને સ્ટાઈલો મારીને મ્હાલતા હોય !

 

આ વર્ષે, ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટને ભરુચના લોકલાડીલા, લોકગાયક, બુલંદ સ્વરના શહેનશાહ એવા ‘આષાઢી મોરલા’ને નામે ઓળખાતા જાણીતા ને માનીતા શ્રી. અભેસિંહ રાઠોડ અને તેમના ચુનંદા વાજિન્ત્રકારોને નવરાત્રિના ગરબા માટે આમંત્ર્યા હતા. ફિમેઈલ વોઈસમા શ્રીમતી રાધાબેન વ્યાસના કોકિલકંઠનો તેમને સાથ મળ્યો હતો.તો, ઢોલ પર અમદાવાદના શ્રી.ચંદ્રકાંત સોલંકી, ઓક્ટૉપેડ પર શ્રી.નિખિલ મિસ્ત્રી, કી-બોર્ડ પર શ્રી.ઝલક પંડ્યા અને સહાયક પુરુષ સ્વરમા વોઇસ ઓફ કિશોરકુમાર એવા શ્રી. શૌરીન ભટ્ટનો તેમને સાથ સાંપડ્યો હતો.

 

ત્રણ તાળીના ગરબાથી શરૂ કરીને, પછી બે તાળીના ગરબા,માતાજીની આરતી,પ્રસાદ..થોડોક વિરામ..અને પછી સનેડો..લાલ સનેડો..રમઝણીયુ..ડાંડિયા રાસ..આ પ્રણાલી થઈ ગઈ છે..હ્યુસ્ટનના આ વખતના ગરબામાં ક્યાંય કોઈ ફિલ્મી ધૂન નહિં..માત્ર પરમ્પરાગત માતાજીના પ્રચલિત ગરબાના તાલ પર જ સમગ્ર કાર્યક્રમ સુરુચીપુર્ણ રીતે નવે દિવસ દરમ્યાન ઉજવાયો હતો.

 

છેલ્લ બે-ત્રણ વર્ષથી ગરબા દરમ્યાન સ્ટેજ પર હિન્દી ટીવી સિરિયલોના જાણીતા ને લોકલાડીલા કલાકારોને થોડીક મિનિટો માટે હાજર કરી દઈને ગરબાની ટીકીટોના વેચાણમાં વધારો કરીને મબલખ કમાણી કરી લેવાનો રીવાજ ચાલુ થઈ ગયો છે તો પછી હ્યુસ્ટન પણ તેમાંથી કેમ બાકાત રહે ?  બેચાર વર્ષ પહેલા, મોનાસિંઘને ગરબામા હાજર કરવામા આવેલી. આ વર્ષે, પ્રથમ બે દિવસ દરમ્યાન ઝી ટીવીની હિન્દી સિરિયલ ‘છોટી બહૂ’ની યુગલ બેલડી ‘દેવ અને રાધિકા’ને સ્ટેજ પર હાજર કરવામા આવેલા, તેમની પાસે આરતી પણ કરાવવામા આવી હતી અને ઓડીયન્સમા પણ ફેરવવામા આવ્યા હતા. ૧૫મી તારીખે ઝી ટીવીની સિરિયલ ‘યહાં મૈ ઘર ઘર ખેલી’ની આભાને હાજર કરવામા આવી હતી.આ કલાકારોના ઓટોગ્રાફસ લેવા અને તેમની સાથે તસ્વીરો પડાવવા રીતસરની પડાપડી થતી હતી.

આ વર્ષે, હ્યુસ્ટનમા ઘણી સંસ્થાઓએ પોતાના જૂદા ગરબા રાખ્યા હતા.ફ્રેન્ડસ એન્ડ ફેમિલિ ઓફ ઈન્ડિયાએ પ્રથમ બે દિવસ સ્ટેફોર્ડ સિવિક સેન્ટરના વિશાળ હોલમા ગરબા રાખ્યા હતા જેનુ આકર્ષણ  ફ્રી પાર્કીંગ અને ટીકીટ સાથે ભોજન પણ હતુ. લેઉવા  પાટીદાર સમાજે પણ પોતાના ગરબા રાખેલા.હ્યુસ્ટનના પરા વિસ્તારો- કેટી અને ક્લીયરલેક- માં પણ ગરબાનુ આયોજન કરવામા આવેલુ.પહેલા ગુજરાતી સમાજના ગરબામા પાંચથી સાત હજારની મેદની ઉમટતી હતી.આ વખતે ખેલૈયાઓ વહેંચાઈ ગયા હતા.

 

દર વર્ષની જેમ આ વર્ષે પણ  ઇન્ડિયન સિનિયર સિટિઝન્સ ઓફ હ્યુસ્ટને તારીખ નવમી ઓક્ટોબરે પોતાના ગરબા રાખ્યા હતા જેમા લગભગ ૨૬૦ સિનિયરોએ સક્રિય ભાગ લીધો હતો.વીરબાળાબેન શાહ અને અન્ય ચાર સભ્યોએ લ્હાણી પણ કરી હતી. ગાયક કલાકારોમા શ્રીમતી સુશીલાબેન પટેલ,તારાબેન પટેલ,હંસાબેન પરીખ હતા તો ઈન્સ્ટ્રુમેન્ટ્સ પર તેમને સાથ આપ્યો હતો શ્રી. દિવ્યકાત પરીખ,નવીન બેન્કર,આશિષ વોરા,રમેશ મોદી,સુધીર મથુરીયા અને હેમન્ત ભાવસારે.

ગાયક કલાકાર સુશીલાબેન પટેલ તરફથી સભ્યોને સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ કરાવવામા આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેસિડેન્ટ શ્રી. પ્રફુલ્લભાઇ ગાંધી,તેમના કમિટિ મેમ્બરો અને ટ્રસ્ટીઓએ  ઘણી જહેમત ઉઠાવી હતી.

 

ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના ગરબાના કાર્યક્રમને સફળ બનાવવા માટે તેના પ્રેસિડેટ શ્રી.પ્રકાશ દેસાઈ,વાઈસ પ્રેસિડેન્ટ શ્રીમતી નિશાબેન મિરાણી,ટ્રેઝરર શ્રી. અજીત પટેલ, કમિટી મેમ્બરો શ્રીમતી યોગીનાબેન પટેલ,શ્રીમતી સપનાબેન શાહ,શ્રીમતી મયુરિબેન સુરતી વગેરેએ ઘણી જહેમત ઉઠાવી હતી.  

એકંદરે, હ્યુસ્ટનમાં  નવરાત્રિ મહોત્સવ વિવિધ સંસ્થાઓ દ્વારા દબદબાપુર્વક ઉજવવામાં આવ્યો.  

અસ્તુ. 

 

અહેવાલ લેખક –  શ્રી. નવીન બેન્કર

જો બીત ગઈ,સો બીત ગઈ(બચ્ચન)

October 29th, 2010 Posted in સંકલન્

જો બીત ગઈ, સો  બીત ગઈ

અંબરમેં ઈતને તારે હૈ,

કુછ ડૂબે, કુછ ટૂટે,

કૌન ઊસકા શોક મનાતા હૈ ?

જો બીત ગઈ,સો બીત ગઈ.

       (પ્રસિદ્ધ કવિ શ્રી.હરિવંશરાય બચ્ચનની મધુશાલામાંથી સાભાર)

ઝી ટીવીના આજ તક પ્રોગ્રામમા સીધી બાત કાર્યક્રમમાં અમિતાભ બચ્ચને સંભળાવેલી પંક્તિઓ-

તારીખ ૨૩ ઓક્ટોબર ૨૦૧૦-રવિવાર

સ્વ.હેમલતા ભટ્ટ ( પંડ્યા ) ને શ્રદ્ધાંજલી

September 22nd, 2010 Posted in અનુભૂતિ

સ્વ.હેમલતા ભટ્ટ ( પંડ્યા ) ને શ્રદ્ધાંજલી

 

હ્યુસ્ટન શહેરમાં મેં ઘણા બધાની અવસાન-નોંધો, શ્રદ્ધાંજલીઓ લખી છે અને વર્તમાનપત્રોમાં છપાવી પણ છે.પણ આજે જેની શ્રદ્ધાંજલી લખવી છે તેને તો હું પચાસ વર્ષ પહેલા ઓળખતો હતો અને છેલ્લા પચાસ વર્ષોમાં જેને જોઈ પણ નથી,ફોન પર પણ વાત કરી નથી કે કોઈ પત્રવ્યવહાર સુદ્ધાં થયો નથી.અને…છતાં..આ લાંબા ગાળા દરમ્યાન પણ પ્રસંગોપાત તેના સમાચારો મને હરહંમેશ મળતા રહ્યા જ છે.  આજે ૭૦ વર્ષની વયે હું મારી સમવયસ્ક કહી શકાય તેવી એક ભુતપૂર્વ દોસ્તના સંસ્મરણો વાગોળવા બેઠો છું જે ચાર દિવસ પહેલા જ અવસાન પામી ચુકી છે-પાછળ ચાર પરિણીત પુત્રીઓ અને એક પરિણીત પુત્રને છોડીને.

ચારેક માસ પહેલા એક કોમન મિત્રનો ફોન આવ્યો હતો કે હેમલતા સખ્ત બિમાર છે. તેને આંતરડા પર ચાંદા પડી ગયા છે અને સ્થુળ ભોજન લઈ શકતી નથી. શરીર ક્રુશકાય, જિર્ણ થઈ ગયું છે અને બાથરૂમ જવા પણ સહારો લેવો પડે છે.શરીરમા લોહી રહ્યું જ નથી અને તેનુ રૂપ વિલાઈ ચૂક્યું છે. જિવવાની શક્યતાઓ ઘટતી જાય છે. ગયે વર્ષે તેનો પતિ પણ ગુજરી ગયો.દિકરો અને વહૂ ચાકરી કરે છે. 

જેને પાંચ દાયકાઓથી જોઈ પણ નથી એના આવા દુખદ સમાચાર જાણીને મન પચાસ વર્ષ પહેલાની દૂનીયામાં ગોથા ખાવા લાગ્યું.મારી નજર સમક્ષ ભુતકાળના દ્રષ્યો ચિત્રપટની જેમ ફેરફૂદડી ફરી રહ્યા.મનનું આકાશ ભૂતકાળના બનાવોથી ઘટાટોપ ઘેરાઈ રહ્યું.મન એ ઘૂમરીઓમાં તણાવા લાગ્યું. ભૂતકાળને ઉડો ઉલેચીને હું ઊડો ઉતરવા લાગ્યો છું.

 ૧૯૬૧નું એ વર્ષ….ત્યારે એ વ્રુદ્ધા ન હતી.૧૮-૨૦ વર્ષની ઉંમરની એની યુવાનીનો સમય હતો.પાતળી સપ્રમાણ દેહલતા…ગૌર ત્વચા..નવી ઢબે હોળેલા અંબોડામાં સદાય રહેતું સફેદ મોગરાનું ફૂલ..ચપળતા દર્શાવતી મોટી, મોટી  આંખો…મરક મરક થતા હોઠ..પાતળી લાંબી ગ્રીવા..અને.. આકર્ષક ચાલ…અઢાર વીસ વર્ષની ઊમ્મર જીવનનો એવો તબક્કો હોય છે જ્યારે માણસને પતંગિયા પકડવાનું મન થાય છે.કુમળા ચળકતા ફૂલો અને લીલા પાંદડા તોડવાની ઇચ્છા થાય છે..પક્ષીઓની પેઠે ગીતો ગાવાનો ઉમળકો થઈ આવે છે.ઝરમર ઝરમર વરસાદમાં  ભિંજાવાનું દિલ થવા લાગે છે.

હેમલતા પણ એવી જ એક ભોળી, નિર્દોષ, કુમળી કળી હતી ત્યારે….સ્વભાવે સાલસ..સભાન.અને સતર્ક…

કેટલાક  એને મીનાકુમારી કહેતા. મને એ મીનાકુમારી કરતાં કાનન કૌશલ વધુ લાગતી. પણ એને બધા મીનાકુમારી કહે એ વધારે ગમતું. શ્રીગોડ પવાળીયા જ્ઞાતીમા એમના જ ઘરમાં ભગવાને રૂપની લ્હાણ કરી હતી. એના મોટાભાઈ રાજકપૂરની કોપી હતા. ૧૯૬૨મા, અમદાવાદના ક્રિશ્ના સિનેમામા ફિલ્મ નજરાનારિલિઝ થઈ હતી એના ટાઇટલ પર મુકેલો રાજકપૂરનો ફોટો બીલકુલ બિપિનભાઇ ને મળતો હતો.  અમદાવાદના  રીગલ સિનેમામાં રિલિઝ થયેલીક્રિશ્ન-લીલાનામની હીન્દી ફિલ્મમાં આ બિપિન ભટ્ટે શેષનાગ પર લક્ષમીજી સાથે બીરાજેલા વિશ્નુ ભગવાનનો રોલ કરેલો એવું સ્મરણમાં છે. એ જ અરસામાં ટાઉનહોલમાં ભજવાયેલ નાટક ‘ દીયરવટુ માં બિપિનભાઈ અને હેમલતાએ ભૂમિકા ભજવેલી અને તેમાં હેમલતાના કંઠે હાસો મારો રામ રે શબ્દાંકન વાળા ગીતને રજૂ કરવામાં આવેલું ૧૯ ફેબ્રુઆરી ૧૯૬૧ ના દિવસે ટાઊનહોલમાં જ કરો કંકુનાનાટક જોવા પણ અમે પાસ લઈને ગયા હતા એવું સ્મરણ છે.

એ જમાનામા એચ.કે. આર્ટ્સ કોલેજ નું નામ રામાનંદ કોલેજહતું. ત્યાં એસ.એસ. સી. પરીક્ષા માટે હેમલતાનો સીટ નંબર આવેલો અને તે ફીની રિસિપ્ટ ભૂલી ગયેલી. હું રામાનંદથી સાઈકલ પર ઢાલગરવાડમાં આવેલી તેની ગર્લ્સ સ્કૂલમાં જઈને આઇ,શાહ સાહેબ પાસેથી ડુપ્લિકેટ રિસિપ્ટ લઈને રામાનંદ કોલેજ પર જઈને આપી આવેલો.એ દિવસે તારીખ હતી ૨૭ માર્ચ ૧૯૬૧.એની શાળાએ એ વર્ષે ગુજરાત-તારુ ગૌરવનામે એક મહોત્સવ યોજેલો તેમા હેમલતાએ જસમા ઓડણની ભૂમિકા ભજવેલી અને તેમાં મા પડ મારા વીર, તુને ચોસઠ કોણ ચડાવશે શબ્દોવાળુ ગીત પણ ગાયેલું એ મને હજી પણ યાદ છે.

જેઠાભાઈની પોળમા આવેલા એક બાળમંદીરમા તે શિક્ષિકા તરીકે નોકરી કરે અને બપોરે છૂટીને અમારા સાંકડીશેરી વાળા ઘેર આવે, મારી દાદીમા સાથે અલકમલકની વાતો કરે.મારા દાદીમાને તે ખૂબ વહાલી લાગે. કોઇને પણ વહાલી લાગે એવી હતી હેમલતા.મીઠુ મીઠુ હસે..મીઠુ મીઠુ બોલે અને આંખડી તો જાણે અમીભરી…અમારુ ત્રણ-ચાર જણનું એક ગ્રુપ થઈગયેલું.ક્યારેક ક્યારેક અમે કોઈ સારી ફિલ્મ જોવા પણ જતા.અમારી આર્થિક સ્થિતી સારી નહીં તેથી હું તો પાંચ આના કે દસ આના વાળી ટિકિટમા જ ફિલ્મ જોતો પણ મારી જિંદગીમા પ્રથમ વખત મેં એક રૂપિયા પાંચ આનાની ટિકિટમા લાઈટ હાઊસમા હમ હિન્દુસ્તાની જોયેલી. હું , મારી નાની બહેન કોકિલા અને હેમલતા એ જોવા ગયેલા.સંજીવકુમાર એ ફિલ્મમા એક પોલિસ ઇન્સપેક્ટરની સામાન્ય ભૂમિકા તેમાં કરતો હતો.હેમલતાએ ત્યારે કહેલું કેઆ કલાકાર એક દિવસ મોટા રોલ કરતો હિરો બની જશે‘. 

રિલિફ સિનેમામાં ભારત ભુષણ, પ્રદીપકુમાર, બીનારોય અને આશા પારેખની ભૂમિકાવાળી ફિલ્મ ઘૂંઘટપડેલી.તેમા એક કરૂણ સીન વખતે તે રડી પડેલી અને અમારે તે ફિલ્મ અર્ધેથી છોડીને નીકળી જવુ પડેલું.

મને યાદ છે કે અમારી સાથે જોયેલી છેલ્લી ફિલ્મ હતી- રેશમી રૂમાલ, જે સેંટ્રલ સિનેમામા સેકન્ડ રનમા પડેલી.એમા હિરો હતો ચંદ્રશેખર‘.એ ફિલ્મના ઘણાબધા કર્ણપ્રિય ગીતો જાણીતા છે. અમારા ગ્રુપના બધા જ ઘેરથી બહાના બતાવીને ફિલ્મ જોવા આવતા.કોઇપણ માબાપને પોતાનુ બાળક ખૂબ ફિલ્મો જૂએ એ નથી ગમતું હોતું.મને નાનપણથી ફિલ્મો જોવાનો ચસ્કો પડી ગયો છે.આજે પણ હું ઢગલાબંધ ફિલ્મો જોઊ છું.આજે મારી પત્નીને એ ટેવ નથી ગમતી એટલે મારે એની આગળ પણ ખોટુ બોલીને જ ફિલ્મ જોવા જઊ પડે છે.એ ફિલ્મો નથી જોતી,માત્ર સિરિયલો જ જુએ છે અને મંદીરોની ખાક છાનતી ફરે છે.

 સ્મરણોની માળા તો લાંબી ને લાંબી થતી જ જાય છે.

એક દિવસ હેમલતાના વિવાહ તેની જ જ્ઞાતીના ધનંજય પંડ્યા નામના યુવાન સાથે થયા.અને ૧૨મી ફેબ્રુઆરી ૧૯૬૩ ને દિવસે મધ્યમવર્ગ સોસાઈટીના ૧૦ નંબરના બંગલાના પ્રાંગણમા તેના લગ્ન થઈ ગયા.મેં  તે દિવસે લાલ રંગના પાનેતરમા તેને છેલ્લી વાર જોઈ હતી. 

સુડતાલીસ વર્ષ વીતી ગયા એ વાતને. 

મારા દાદીમા મને ઘણીવાર પુછતા-પેલી હેમલી કેમ નથી આવતી હવે ?’

‘…’

હું  નિરુત્તર રહી જતો. 

૧૯૭૯થી હું અમેરિકાના હ્યુસ્ટન શહેરમા રહું છું.મારા ય દામ્પત્ય-જીવનના ૪૭ વર્ષો વીતી ગયા છે. મારી પત્ની ભલી છે, પ્રેમાળ છે..અમે બન્ને એકબીજાને ખૂબ પ્રેમ કરીયે છીયે.બે વર્ષ પછી અમે અમારા પ્રસન્ન-દામ્પત્ય જીવનના ૫૦ વર્ષોની ઊજવણીનો પ્લાન કરી રહ્યા છીયે…જીવનસેતુ તળેથી કાળસરિતાનો કેટલોય પ્રવાહ વહી ગયો. આ સમય દરમ્યાન તેના સમાચારો તો મળતા જ રહ્યા. હેમલતા મલાડમાં મામાની વાડીમા રહે છે‘…’હેમલતા આજે ડિલિવરી કરવા અમદાવાદ આવી છે‘..’હેમલતાને દીકરી આવી‘..’બીજી દીકરી આવી..ચાર દીકરીઓ પછી દીકરો આવ્યો‘..’આજે તેની દીકરીના લગ્ન છે‘..’આજે દીકરાના લગ્ન છે‘..’આજે તેણે અમદાવાદમા ફ્લેટ લીધો‘..’તેનો દીકરો જુદો રહેવા ગયો‘…વગેરે..વગેરે… 

અને..એકાદ વર્ષ પહેલા સમાચાર મળ્યા-ધનંજય ઈઝ નો મોર‘. 

પાછા સમાચાર મળ્યા- શી ઈઝ એલોન…બ્રોકન…એન્ડ ..ડેઝર્ટેડ..(તેણી એકલી,ભાંગી પડેલી અને સૌથી તરછોડાયેલી છે ) એના પતીનો વિયોગ તે સહન નથી કરી શકતી. ચાર માસ પહેલા સમાચાર મળ્યા કે તેને આંતરડાનુ ચાંદુ છે..અને પથારીવશ છે. હેમલતાની ખૂબસુરત જવાની રોગ અને દુઃખની આગમા સળગીને રાખ થઈ ગઈ હતી.

 

ફૂલ જેવી કોમળ કાયા સૂકાઈને માત્ર હાડપિંજર જ રહ્યું હતું.ખૂબસુરત કળી મૂરઝાઈ ગઈ હતી.

 

છેલ્લે..ચાર દિવસથી ઉપરાછાપરી ઈ-મેઈલ આવ્યા કરે છે કે-હેમલતા ઈઝ નો મોર‘.

 

મેં હિન્દી ફિલ્મજગતની ઘણી ખૂબસુરત અભિનેત્રીઓના ઈન્ટરવ્યુ લીધા છે..નાટ્યજગતની હિરોઈનો સાથે પણ પનારો પડ્યો છે..અમેરિકાની ક્લબોમા પણ હુ ભટકી ચૂક્યો છુ.જિન્દગીના બધા સુંદર રંગો જોયા છે..૭૦ વર્ષની વય સુધી પહોંચી ગયો છુ. છ્તાં સાચુ કહુ છું કે હેમલતા જેવી સુંદર સ્ત્રી મેં કદી જોઈ નથી.મારે માટે તો તે આજે પણ દુનીયાની સૌથી ખૂબસુરત સ્ત્રી જ્ છે. અને.. એ ખૂબસુરત સ્ત્રી એક વખત મારી મિત્ર હતી- માત્ર મિત્ર જ. તે મને ગમતી હતી એટલુ જ.. અમે ક્યારે ય પ્રેમની વાતો કરી ન હતી કે પ્રેમના એકરાર કર્યા ન હતા…ચારિત્ર્યના શૈથિલ્યને પણ વશ થયા ન હતા. અરે ! સ્પર્શ સુદ્ધાં કર્યો ન હતો એ વાત કોઇ ના માને ! મારે માટે તે એક દેવાંશી સ્ત્રી હતી.

પરમક્રુપાળુ પરમાત્મા તેના આત્માને પરમ શાંતી આપે.

 હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ   લાગીયે,

શરણું મળે સાચું તમારું,એ હ્ર્દયથી  માગીયે,

જે જીવ આવ્યો આપ શરણે ચરણમા અપનાવજો,

પરમાત્મા એ આત્માને શાંતી સાચી આપજો.

 

રીફ્લેક્શન ઓફ કિશોરકુમાર- સંગીતસંધ્યા

September 8th, 2010 Posted in અહેવાલ

BHPENDRA(1).JPG BHPENDRA(1).JPG Bhupendra(2).JPGBhupendra(2).JPG

 • Bhupendra(3).JPGBhupendra(3).JPGBhupendra(5).JPGBhupendra(5).JPG
 • Bhupendra(7).JPGBhupendra(7).JPG
 •  

  સાહિલ ઈન્ટરનેશનલ ઈન્ક.અને સ્કાયવર્લ્ડ સેટેલાઈટના ઉપક્રમે રીફ્લેકશન્સ ઓફ કિશોરકુમારનામાભિધાન હેઠળ એક સંગીતસંધ્યાનો કાર્યક્રમ, ‘વોઇસ ઓફ કિશોરકુમારતરીકે ઓળખાતા ગાયક ભુપેન્દ્રસીંઘના સુમધુર કંઠે,મહાન ગાયક,સંગીતકાર કિશોરકુમારના ગાયેલા ગીતોના રસથાળનો કાર્યક્રમ તારીખ ચોથી સપ્ટેમ્બર ના રોજ હ્યુસ્ટનના જૂના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરના સભાગ્રુહમાં પાંચસો જેટલા સંગીતપ્રેમીઓની હાજરીમાં સંપન્ન થયો હતો. 

   

  શરુઆતમાં, શ્રીમતી સુનીતાસીંઘે કલાકારો અને શ્રોતાઓને આવકાર્યા હતા અને આજના ગાયકો ભુપેન્દ્રસિંઘ,ક્રિતિકા રામચંદાની તથા વાદ્યવ્રુંદના કલાકારોની ઓળખ આપી હતી.ભુપેન્દ્રસીંઘે કિશોરકુમારના કંઠે ગવાયેલા ગીતોમાંથી પસંદ કરેલા ઉત્તમ ગીતો પોતાના મોહક સ્વરમાં અને દિલકશ અદાઓમાં રજૂ કર્યા હતા. 

  પલ પલ દિલકે પાસ તુમ રહતી હો‘,’વો શામ કુછ અજીબ થી‘,હમેંતુમસે પ્યાર કિતના હમ નહીં જાનતે‘,જેવા મેલોડીયસ ગીતોથી શરૂ કરીને ‘ ‘મૈ યહાં ,તુમ વહાં‘,’જરા હોલે હોલે ચલો મોરે સાજના‘,’તેરે બીના જીંદગીસેજેવા યુગલ ગીતો પણ, ડલાસની ગાયિકા ક્રુતિકા રામચંદાની તથા હ્યુસ્ટનની એટર્ની ઉમા મંત્રાવાદી જેવી નિવડેલી ગાયિકાઓના સાથમાં રજૂ કરીને શ્રોતાઓને સંગીતના સૂરોમાં ઝબકોળી દીધા હતા. 

   

  મેરે સપનોંકી રાનીઅને પગ ઘુંઘરૂ બાંધ મીરાં નાચી રેતથા કજરા મહોબતવાલાજેવા ગીતો પર તો શ્રોતાઓને પણ ઈન્વોલ્વ કરીને  ઓડીયન્સને નાચતુ કરી મુક્યું હતું. 

  ઘણાં ગીતોમાં શીવાનંદ બાગડના ઘૂંઘરૂ અને અનિસ ચંદાનીના બંસરીવાદને એવો સમાં બાંધી દીધો હતો કે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈને ભાવવિભોર બની જતા હતા. 

   

  ભુપેન્દ્રસિંઘ, ક્રુતિકા રામચંદાની અને ઉમા મંત્રાવાદીને તબલા પર પુરણલાલ વ્યાસ અને દેવિસિંઘે,કોંગો પર શિવાનંદ બાગડે, ઢોલક પર મિસ્ટર સંપતે, ગિટાર પર વરુણસિંઘે અને કિબોર્ડ તથા બંસરીવાદનમાં શ્રી. અનીસ ચંદાનીએ સાથ આપ્યો હતો. 

   

  ગાયક અને વાદ્યવ્રુંદના કલાકારોએ પોતાની કળાનું ઉત્ક્રુશ્ટ પ્રદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 

   

  હ્યુસ્ટન સિનિયર્સ સિટિઝન્સ એસોસિયેશનના સિનિયર્સને આ કાર્યક્રમમાં ખાસ ૩૩ ટકા ડિસ્કાઉંટ આપવામાં આવ્યું હતું. 

   

  કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી. આશિષ વ્યાસ,શ્રીમતી મનીષા વ્યાસ, શ્રી. પરેશ ભટ્ટ, શ્રીમતી નીના ભટ્ટ,ઓસ્ટીનના શ્રી. મીતેષ પટેલ, હ્યુસ્ટનના ખ્યાતનામ ડેન્ટિસ્ટ શ્રીમતી પૂર્વીબેન પરીખ, અને રેણુ સિંઘલનો મોટો ફાળો રહ્યો હતો. 

   

  એક ખૂબસુરત શામ-કિશોરદા કે નામ !

   

  અહેવાલ-આદિલ-દિલસે

  June 14th, 2010 Posted in અહેવાલ

   

  આદિલ મન્સૂરીની ગઝલો સંગીત સાથે-  આદિલ  દિલસે     
                                        
             હ્યુસ્ટન સાહિત્ય સરિતાના ઉપક્રમે તારિખ ચોથી જુન ને શુક્રવારની સાંજે યુવાન કવિ, નાટ્યકાર,ગઝલગાયક શ્રી.મનોજ મહેતા અને કલ્પનાબેન મહેતાના નિવાસસ્થાને સ્વ.આદિલ મન્સૂરીની ગઝલોને સંગીત સ્વરૂપે ગાઇને રજૂ કરવાનો એક સુંદર કાર્યક્રમ યોજાઇ ગયો.
  એ  સૂરિલી સાંજ હતી ગઝલના અભિસારની.
  એ  સૂરિલી સાંજ હતી હૈયે પ્રેમ-માર્દવના આવિષ્કારની.
  એ  સૂરિલી સાંજ હતી વસંતની વેણીએ બંધાયેલા ફૂલની મીઠી વ્યગ્રતાની.
  એ  સૂરિલી સાંજ હતી સ્વ.આદીલ મન્સૂરીની શામે-ગઝલની.
  કાર્યક્રમના માસ્ટર ઓફ સેરિમની-ઉદઘોષક હતા-ભારતિય સંસ્ક્રુતિના એમ્બેસેડર તરીકે ઓળખાતા હ્યુસ્ટનની ઉપાસના ન્રુત્ય એકેડેમીના પ્રણેતા અને નાટ્યકાર શ્રીમતિ ઉમાબેન નગરશેઠ.
  કાર્યક્રમની શરૂઆતમાં તેમણે આવકાર અને સ્વાગતના બે શબ્દો કહીને હ્યુટનના પીઢ કવિશ્રી.સુમન અજમેરીને આદિલભાઇ વિષે બે શબ્દો કહેવાની વિનંતિ કરી.
  શ્રી.સુમન અજમેરી કે જેમણે આદિલ મન્સુરી વિષે ૪૫૦ પાનાનું પુસ્તક લખ્યું છે તેમણે આદિલના શરુઆતના જિવન-સંઘર્ષની વાતો જણાવતાં,તેમના ઉમાશંકર જોશી,સ્નેહરશ્મિ,અને યશવંત શુક્લ સાથેના પ્રસંગો, ‘ રે મઠ ‘ની સ્થાપનાની વાતો,શ્રી.ચિનુ મોદી, મનહર મોદી સાથેની તેમની પ્રથમ મુલાકાતની વાતો, અમદાવાદની રીલીફ સિનેમા પાસેની ઇમ્પિરીયલ હોટેલમાં થતી
  ગુફ્તેગો, કાવ્ય-દિલ્લગી વગેરે જુના સંસ્મરણો વાગોળ્યા હતા.
  તે પછી, સાહિત્ય-સરિતાના મોભી એવા વિજય શાહે બિસ્મિલ મન્સૂરિનો ઓડિયો-મેસેજ રજુ કર્યો હતો જેમાંનું એક કાવ્ય ‘ ને…આંખ જોતી રહી ગૈ ‘ ની એક એક પંક્તિ પર શ્રોતાઓની આંખો ભીની થઇ જતી હતી.
  સ્ટેજ પરના બધા જ ગાયકોના કંઠે રજૂ થયેલ શૌર્યગીત ‘ વિશ્વને રોશન કરી ગઇ દિપીકા ગુજરતની ‘માં મનોજ મહેતા, કલ્પના મહેતા, ઉદયન શાહ,સંજય શાહ, અમિત પાઠક તથા ઉમાબેન નગરશેઠે સ્વર આપ્યો હતો.
  ગીત-ગઝલના દૌરમાં શ્રીમતિ કલપનાબેન મહેતાના સૂરિલા કંઠે રજૂ થયેલ રચનાઓમાં ‘અગ્નિ સૌ બાળવા મથે છે મને’,  સ્પર્ષ થઈ મહોરી ઉઠે કી-બોર્ડ પર’,  હ્ર્દયના માર્ગ બધાં સાંકડા વધારે છે ‘,  ઉલ્લેખનિય રહી. તો મુખ્ય ગાયક શ્રી. મનોજ મહેતાના સ્વરમાં રજૂ થયેલ
  ‘ મને ના શોધશો,હું ક્યાંય નથી’, ‘ આને મ્રુત્યુનું નામ ના આપો,મૂજથી છૂટું પડી રહ્યું છે કોઇ’,  ‘ રહે છે કોણ આ દર્પણના આયના નીચે, હું રોજ જોઊં તો પણ ઓળખાય નહીં’, અને છેલ્લે રજૂ થયેલ ‘ નદીની રેતમાં રમતું નગર ‘જેવી રચનાઓએ શ્રોતાઓને ભાવ-સમાધીની અનૂભુતિ કરાવી દીધી હતી.
  હ્યુટનના વોઇસ ઓફ મુકેશ તરિકે ઓળખાતા શ્રી. ઉદયન શાહે રજૂ કરેલ ગઝલો ‘ કદી મોલ થઈને સરી ગયા,કદી સઢ થઈને તરી ગયા’,  કોઇના નામનું રટણ થાયે,જ્યાં સુધી શ્વાસની ધમણ ચાલે’, ‘ જિન્દગી ભર રહે તે ખૂમારી આપો, ઘાવ આપો તો જરા જોઈ વિચારીને આપો’, ‘ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,ત્યારે જગમાં ગઝલની શરૂઆત થઈ હશે’,જેવી રચનઓએ સાહિત્ય-રસિક ગઝલપ્રેમીઓને ડોલાવી દીધા હતા.
  હ્યુસ્ટન નાટ્યકલા વ્રુંદના પ્રેસિડેન્ટ શ્રી. અશોક પટેલે આદિલભાઈને એક ચિત્રકાર, નાટ્યકાર તરિકે મુલવીને કાર્યક્રમનું  સમાપન કર્યું હતું.
  શ્રી. અમિત પાઠક અને શ્રી.સંજય શાહે માઈક વ્યવસ્થા સંભાળી હતી.
  શબ્દ અને સંગીતની આ શામે-ગઝલની મહેફિલમાં, સંસ્કાર નગરી હ્યુસ્ટનના કલા અને સંસ્કારપ્રેમી સુજ્ઞ જ્ઞાતા શ્રોતાઓએ  કાર્યક્રમમાં રજૂ થયેલ એક એક રચના પર શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી જોરદાર પ્રતિસાદ આપ્યો હતો.
  એક રચના પૂરી થયા બાદ અને બીજી રચના શરૂ થતાં પહેલાં શ્રીમતિ ઉમાબેન નગરશેઠ જે ખૂબીથી વિવિધ પંક્તિઓ રજૂ કરીને ઉદબોધન કરતાં હતા તે શ્રી. અંકિત ત્રિવેદી અને શ્રી.તુષાર શુક્લાની યાદ આપી જતા હતા.
  અંતે, યજમાન-દંપતી શ્રી.મનોજ મહેતા અને શ્રીમતિ કલ્પનાબેન મહેતાએ ખિચડી-શાક,વઘારેલી છાશ,તળેલા સારેવડા,અને ચટકેદાર અથાણાની મોજ કરાવીને સૌને વિદાય આપી હતી.
  ******************************************************************
   

  Archives

  Recent Posts

  Categories

  Recent Comments

  Meta

  Recent Comments

  Type in

  Following is a quick typing help. View Detailed Help

  Typing help

  Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

  Settings reset
  All settings are saved automatically.