હ્યુસ્ટનના એક ‘બહુનામી કાકા’ -નવીન બેન્કર-
August 2nd, 2017 Posted in અનુભૂતિ
હ્યુસ્ટનના એક ‘બહુનામી કાકા’ -નવીન બેન્કર-
અમારે હ્યુસ્ટનમાં એક ‘કાકા’ રહે છે. આમ તો એ ખરેખર ઉંમરને હિસાબે કાકા જ છે. પણ એ જુદા જુદા સ્થળે જુદા જુદા નામથી ઓળખાય છે.
દર ગુરૂવારે એ હિલક્રોફ્ટ એવન્યુ પર આવેલા પટેલ બ્રધર્સમાં ગુજરાત સમાચાર અને ગુજરાત ટાઇમ્સ નામના ગુજરાતી છાપાં ખરીદવા જાય ત્યારે પહેલા ફોન પર પુછી લે કે ‘ભાઈ, છાપાં આવી ગયા ? કાઉન્ટર પરથી જવાબ મળે કે ‘હા…આવી ગયા. આવી જાવ, કાકા’. એ પછી જ કાકા સ્ટોર પર જાય એટલે પેલો કાઉન્ટર પર ઉભેલો માણસ બીજાને કહે કે ‘પેલા છાપાવાળા કાકા આવી ગયા છે . તેમને બન્ને છાપાં આપી દો..’ અહીં એ કાકા,’ છાપાવાળા કાકા ‘તરીકે જ ઓળખાય.
એ જ સ્ટ્રીટ પર, શુભલક્ષ્મી ગ્રોસરી સ્ટોર પર, ગરમ ગરમ રોટલીનું પેકેટ લેવા જાય ત્યારે, કાઉન્ટર પરની છોકરી , અંદર રોટલી કરતા બહેનને ફોન પર જણાવે કે ‘પેલા રોટલીવાળા કાકા આવી ગયા છે. તેમનું પેકેટ બહાર કાઉન્ટર પર આપી જાવ.’
અહીં આ કાકાનું નામ ‘રોટલીવાળા કાકા’ તરીકે જ જાણીતું.
મંદીરમાં, પત્નીના ડ્રાઇવર તરીકે , જાય ત્યારે બાંકડે બેઠેલા અન્ય કાકાઓ તેમને ‘નાસ્તિક કાકા’ તરીકે ઓળખે. બાંકડે બેઠેલાઓને ‘નાસ્તિક’ અને ‘રેશનલ’ વચ્ચેના ભેદની ખબર નથી હોતી.
મંદીરાના કોઇ ઉત્સવ વખતે, મંદીરની દીકરીઓ આ કાકાને તેમના ગ્રુપના ફોટા પાડવા અને એ અંગે અહેવાલ લખવા વિનંતિ કરે ત્યારે એ કાકા ‘ફોટાવાળા કાકા’ તરીકે ઓળખાય.
અહીં કોઇને તેમના ઓરીજીનલ નામની ખબર જ નથી. અને આ ફુલણજી કાગડો પોતે કોઇ બહુ મોટો જાણીતો માણસ થઈ ગયો છે એવા ભ્રમમાં જીવે છે.
શ્રીરામ…શ્રીરામ…
**************************************************************
Discover something new.