એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » મારા દિલની વાતો » મુચ્યતામ…મુચ્યતામ… -નવીન બેન્કર-

મુચ્યતામ…મુચ્યતામ… -નવીન બેન્કર-

September 1st, 2015 Posted in મારા દિલની વાતો

મુચ્યતામ…મુચ્યતામ…         -નવીન બેન્કર-

આજે સવારે હું ડીશનેટવર્ક ની ચેનલ ૭૨૦ – ‘સંસ્કાર’- પર, ભાઈશ્રી,  રમેશ ઓઝાની ભાગવતકથાનું રસપાન કરી રહ્યો હતો-

આટલું વાંચીને તમને હસવું આવ્યું ને ? ‘નવીન બેન્કર’ અને ભા..ગ..વ..ત..ક..થા ?  શ્રીરામ..શ્રીરામ…’

બટ બીલીવ મી..નાનપણમાં હું પણ તમારા જેવો જ સંસ્કારી હતો.(!) હું નમણો અને કોમળ સ્વર ધરાવતો હતો એટલે છોકરાઓ મને ‘નવલો નરગીસ’ કહીને ચીડવતા હતા. સ્કુલમાં હું પ્રાર્થના કરાવતો હતો, મારા દાદીમા વિદ્યાબાની સાથે, સંન્યાસીના મઠમાં કથાવાર્તા સાંભળવા જતો હતો અને પછી ઘેર આવીને,  સ્વામિજીના સ્વરમાં રામાયણની ચોપાઇઓ બોલીને મીમીક્રી કરતો હતો. લલિતાબેનના અને અન્ય ભગતોના ભજનો મને કંઠસ્થ થઈ જતા.  નવ વર્ષની ઉંમરે તો ગીતાનો નવમો, બારમો અને પંદરમો અધ્યાય મને કંઠસ્થ હતા.

પછી હું ‘બગડી’ ગયો. ફિલ્મોને રવાડે ચડી ગયો. છાપાં વેચવાના દિવસો દરમ્યાન, લોકો અને પોલીસનો માર ખાઈ ખાઈને હું નઠોર અને હિંસક બનતો ગયો. પણ એ જુદી વાત છે. આજે વાત કરવી છે ‘મુચ્યતામ..મુચ્યતામ’ ની.

મારી પત્ની સવારના પહોરમાં ઉઠતાંની સાથે, ટીવી પર ‘આજતક’ કે ‘સમય’ ચેનલ પર સમાચારો જુએ છે. હું આ બન્ને ચેનલોને સખ્ત ધિક્કારું છું કારણ કે સવારના પહોરમાં મારે લાલુ, મુલાયમમિંયા, નિતીનીયો, માયાવતી અને મમતાડી ના ડાચા જોવા પડે છે. પત્નીનું આ વળગણ છોડાવવા માટે, એની ધાર્મિકતાને હથિયાર બનાવીને મેં ચાર રીલીજિયસ ચેનલો જેમાં ‘આસ્થા’ અને ‘સંસ્કાર’ ચેનલો આવે છે ,એ નંખાવી દીધી. એટલે હવે એ સવારના પહોરમાં મોરારિબાપુ, રમેશ ઓઝા અને એવા જ અન્ય ભગતોના પ્રવચનો, કથાઓ, દેવદેવલાના દર્શનો જ કર્યા કરે અને મને શાંતિથી કોમ્પ્યુટર પર ગુજરાતીમાં લખવા દે. જો કે હું પણ બાળપણના સંસ્કારોને કારણે ક્યારેક આવું બધું જોઇ લઉં.

આજે ‘સંસ્કાર’ ચેનલ પર, શ્રી. રમેશ ઓઝા ભાગવતકથા અંતર્ગત, મહાભારતના યુધ્ધ દરમ્યાન, દ્રૌપદીના પાંચ પુત્રોના માથા વાઢી જનાર, અશ્વસ્થામાને પકડીને ગાંડીવધારી બાણાવળી અર્જુન, દ્રૌપદી સમક્ષ લાવીને દ્રૌપદીને કહે છે કે – ‘ હે પાંચાલી, લે..આ તારા સુઈ રહેલા પાંચે પુત્રોના માથા વાઢી લેનાર હત્યારાને પકડી લાવ્યો છું. એને સજા કર.’

દ્રૌપદી અશ્વસ્થામાને જુએ છે. આ અશ્વસ્થામા એ તો પાંડવો અને કૌરવોના ગુરૂ દ્રોણાચાર્યનો પુત્ર હતો. એ જમાનામાં ગુરૂને લોકો ભગવાનતુલ્ય માનતા અને ગુરૂનો પુત્ર પણ પુજનીય ગણાતો. અને તેમાં ય આ તો બ્રાહ્મણ…બ્રાહ્મણનો તો વધ કરાય જ કેવી રીતે ? એટલે દ્રૌપદી અર્જુનને કહે છે કે- હે અર્જુન, આ તો આપણા ગુરૂનો પુત્ર અને તેમાં ય પાછો બ્રાહ્મણ.. એનો વધ તો કરાય જ કેમ ? એણે મારા પાંચે પુત્રોના માથા વાઢી નાંખ્યા એટલે મને એક માતા તરીકે કેટલું દુઃખ થાય છે એ હું સમજું છું. ગુરૂ દ્રોણાચાર્યનો વધ થયા પછી એમની પત્નીનો આ એકમાત્ર સહારો છે. હવે જો આપ એનો વધ કરશો તો એની માતાને કેટલું દુઃખ થશે ? અને આપણા પુત્રો કાંઇ સજીવન તો થવાના નથી જ. માટે એને ક્ષમા કરીને ‘મુચ્યતામ..મુચ્યતામ’. ( એને છોડી મૂકો..છોડી મૂકો ).

મને લાગે છે કે ભારત સરકાર, આ મહાભારતને ફોલો કરી રહી છે. આપણા જવાનોના માથા વાઢીને લઈ જનાર પાકિસ્તાની લશ્કર સાથે હિસાબ પતાવતાં, એમને પણ દ્રૌપદીના શબ્દો યાદ આવી જતા લાગે છે. ભલે આપણા બે જવાનોના માથા વાઢી ગયા, આપણે એમના માથા વાઢી લઈશું એટલે આપણા જવાનો કાંઇ સજીવન તો થઈ જવાના નથી. જવાનોની માતાઓ જે દુઃખ અનુભવતી હશે એ જ દુઃખ, આપણા કૃત્યથી,પાકિસ્તાની માતાઓ પણ અનુભવે એ તો બરાબર નથી ને ? માટે, વેરની ભાવનાને ભૂલી જઈને એમને ‘મુચ્યતામ..મુચ્યતામ..’

હમણા જ રીલીઝ થયેલી, સૈફ અલી ખાન અભિનીત ફિલ્મ ફેન્ટમ (૨૦૧૫) માં ભારતીય જાસુસી સંસ્થા-રો- ના એક ઉચ્ચ અધિકારી કે પ્રધાન પણ આવી જ મતલબનો સંવાદ બોલે છે કે- ૨૬/૧૧ ના મુંબઈ હુમલાના આરોપીઓને ખતમ કરવા માટે આપણે યુધ્ધનું જોખમ ઉઠાવીને લાખ્ખો પાકિસ્તાનીઓની હત્યા ન કરી શકીએ.’

મને લાગે છે કે આપણી પ્રજાએ, આ મહાભારતની કથાઓનું  અફીણ બરાબર પચાવ્યું છે. નાનપણથી આવી આવી સુફિયાણી વાતો સાંભળી સાંભળી, વાંચી વાંચીને, આપણે, ક્ષમાશીલ –મારખાઉ- પ્રજા બની ગયા છીએ.

નવીન બેન્કર-   (લખ્યા તારીખ- ૧ સપ્ટેમ્બર ૨૦૧૫)

One Response to “મુચ્યતામ…મુચ્યતામ… -નવીન બેન્કર-”

  1. કોણ જાણે મને ગમતાં ધૂરંધર બ્લોગરો એવો બ્લોગ રાખે કે તે રિ-બ્લોગ જ ન થાયં . મારે આ લેખ મારા બ્લોગમાં રિબ્લોગ કરવો હતો પણ સમજાતું નથી. જો રિબ્લોગ કરવાની સગવડ હોય તો મારા બ્લોગના વાચકો એક પેરેગ્રાફ વાંચ્યા પછી તેઓ તરત તમારા બ્લોગમાં આવે અને આખો લેખ વાંચે. વ્યુઝની ક્રેડીટ તમને મળે. આતો મારે મારા બ્લોગમાં તમારી વાત કોપી-પેસ્ટ કરીને મારા બ્લોગમાં મૂકું તો કોઈ વકીલની સલાહ લઈને કદાચ ગરિબ બામણના કપડાં યે ઉતારી લો. જો તમારી હા હશે તો કોપી પેસ્ટ કરીને તમારા બ્લોગનું સરનામું આપતો રહીશ.

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.