તારીખ ૯મી ફેબ્રુઆરિને શનિવારે હ્યુસ્ટનના બેલેન્ડ પાર્ક સ્થિત કોમ્યુનિટી હોલમાં લગભગ અઢીસો સિનીયરોએ સૂર અને શબ્દને સથવારે, શ્રી. કલ્પક ગાંઘીના કેળવાયેલા અને ઘૂંટાયેલા સ્વરમાં સૂર અને શબ્દની મહેફીલ માણી. જેને ગુજરાતી ભાષા કે હિન્દી ભાષાનું જ્ઞાન નથી અને છતાં માત્ર સ્વર અને સંગીતની જ ભાષા સમજનાર તબલાનવાઝ શ્રી. ડેક્ષ્ટર અને મંજીરાના એક્ષ્પર્ટ શ્રી. હેમંત ભાવસારના સાથમાં, શ્રી. કલ્પક ગાંધીએ એવી તો સૂર અને સંગીતની રસલ્હાણ કરી કે સિનીયર શ્રોતાઓ અભિભૂત થઈ ઉઠ્યા.
કાર્યક્રમની શરુઆતમાં, શ્રી. હેમંત ભાવસાર અને તેમના સહધર્મચારિણી શ્રીમતી દક્ષાબેને હેપી બર્થ-ડે સોંગ, સંસ્કૃત અને હિન્દી ભાષામાં ગાઇને, જે સિનીયરોની જન્મતારીખ ફેબ્રુઆરિ માસમાં આવતી હતી તેમને શુભેચ્છા પાઠવી. ત્યારપછી, ટોરન્ટોથી તાજેતરમાં જ, હ્યુસ્ટન ‘મૂવ‘ થયેલા વડોદરાના ગાયક, સંગીતકાર શ્રી. કલ્પક ગાંધીએ કાર્યક્રમનો દોર સંભાળી લીધો. જેમની ઘણી સીડી,કેસેટો બહાર પડી ચૂકી છે તથા ૬૦૦થી પણ વધુ ગીતોને જેમણે કમ્પોઝ કર્યા છે એવા શ્રી. કલ્પકભાઇએ પોતાના કેળવાયેલા અને ઘૂંટાયેલા અવાજમાં ગુજરાતી સુગમ સંગીતના પ્રચલિત ગીતો, ભજનો, ફિલ્મી ગીતોનો એવો તો મારો ચલાવ્યો કે શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા. સુગમ સંગીત હોય અને ‘નીલગગનના પંખેરુ‘ને અને ‘તારી આંખનો અફીણી‘ કોઇ ભૂલે ખરું ? મૂકેશ જોશી જેવા કવિની રચના પણ રજૂ થઇ.ગુજરાતી ભાષાની અસ્મિતા અને ગૌરવની પણ વાતો થઇ. જગજીતસિંહની ગઝલ ‘મેરે ગીત અમર કર દો‘ એ શ્રોતાઓની આંખોને ભીંજવી હતી.
કલ્પકભાઇની વિશેષતા એ હતી કે ભજન કે ગીતના શબ્દોની વચ્ચે, હારમોનિયમના સ્વરોને મંદ કરીને વક્તવય રજૂ કરે, શ્રોતાઓને હસાવે અને પાછા તરત ગીતના મુળ શબ્દો પર આવી જઈને ઝમક ઉભી કરી દે. તમે અનૂપ ઝલોટાજીને સાંભળ્યા હોય ત્યારે એ જે રીતે ‘ચાંદ અંગડાઇયાં લે રહા હૈ‘ જેવી પંક્તિઓ વખતે શબ્દોને આરોહ-અવરોહ વડે એવા લહેરાવે કે તમે, હોલમાં ચાંદને અંગડાઇઓ લેતો અનુભવી શકો-અલબત્ત, જો તમે સંગીતના ખરેખર જ્ઞાતા અને જાણકાર હો તો.આ જ વસ્તુ કલ્પકમાં પણ છે.
દરેક ગીતને પણ તેનો એક મિજાજ હોય છે.ગાયક એ મિજાજને લાડ લડાવી ને ગીત રજૂ કરે ત્યારે એ ગીત, શ્રોતાના દિલ સુધી પહોંચી શકે છે.
કલ્પકભાઇએ જોશીલા, રમતિયાળ અને ફાસ્ટ રીધમવાળા ગીતો પણ ગાયા. ગુજરાતી ભાષાની ઉંડી સૂઝને કારણે, એમની, ગીતોની અભિવ્યક્તિ પણ બળુકી હતી.સંગીતમાં રાગ અને તાલનું જે ‘વિઝન‘ હોય છે એ બહુ મહત્વનું છે. સૂરની બારીકાઇને પારખવી એ જેટલું ગાનાર માટે મહત્વનું છે એટલું જ સહ્ર્દયી- સુજ્ઞ શ્રોતાઓ માટે પણ જરુરી બની જાય છે.
સંગીતને સથવારે વહેતા સુગમ સંગીતના ગીતો શ્રોતાઓને હોઠે ચડી ગયા છે અને હૈયે ઘર કરી બેઠા છે.
કલ્પક જેવો ગાયક હોય, ડેક્ષ્ટર જેવો તબલાનવાઝ હોય અને હેમંત ભાવાસાર જેવો મંજીરાવાદક હોય તો ક્યાંક સૂર શબ્દને ખેંચે તો ક્યારેક શબ્દ સૂરને.સ્વર અને સંગીતનું સૂરીલુ રાસાયણીક સંયોજન થાય પછી કહેવું જ શું ?