એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Archive by category 'મારા દિલની વાતો' (Page 3)

મારા દિલની વાતો

January 5th, 2014 Posted in મારા દિલની વાતો

મારી  મર્યાદાઓની  વાત   ( My Limitations )

મને કોમ્યુટર પર ગુજરાતીમાં લખવાનો ચસ્કો પડી ગયો છે.જેમજેમ હું ઝડપથી લખવા માંડું છું તેમ તેમ મને મઝા આવે છે.પ્રમુખ પેડ પર લખું,તેને ‘WORDS’ માં સેવ કરું અને પછી કટ.કોપી અને પેસ્ટની મદદથી ઇ-મેઇલમાં મિત્રોને મોકલું.બસ…કોમ્પુટર અંગેની મારી મઝા આટલી જ. અન્ય લેખકો /કવિઓની વેબ સાઈટ પર કે બ્લોગ પર જઈને કશું ય વાંચવું મને ના ગમે. કોમ્પ્યુટર પર ગીતો સાંભળવા કે નાટકો /ફિલ્મો જોવાની મારી વૃત્તિ જ નહીં. નાટકો સ્ટેજ પર ભજવાતા જોવાના. ફિલ્મો સિનેમા-થિયેટરોમાં જઈને પાંચ-પચાસ માણસો સાથે જોવાની અને છપાયેલા પુસ્તકો પલંગમાં સુતાં સુતાં કે સોફામાં બેસીને વાંચવાના મને ગમે.

કોમ્પ્યુટરની સામે બેસીને ઝળાંહળાં સ્ક્રીન પર કશું ય વાંચવું મને ઇરીટેટ કરે છે.મારી પત્ની પણ ઘડી ઘડી આવીને મને કોમ્પ્યુટર પરથી  ઉઠાડવા  ઘાંટા પાડતી હોય. પણ સાલુ આ કોમ્યુટર પર ઇ-મેઇલો વાંચવાનું અને તેના જવાબો ગુજરાતીમાં લખવાનું એક વળગણ ( Obsessionથઈ ગયું છે.

છેલ્લા ઘણા સમયથી હું , નવલિકા, લઘુનવલ કે કાવ્ય- કશું પણ સર્જનાત્મક સાહિત્ય લખી શક્યો નથી.૧૯૬૩થી ૧૯૬૬ ના સમયગાળા દરમ્યાન મેં કેટલાક કાવ્યો લખ્યા હતા એમ હું માનતો હતો. પણ જેમ જેમ હું મહાન કવિઓની ક્રુતિઓ વાંચતો અને સમજતો ગયો તેમ તેમ મને લાગ્યું કે મેં લખેલા એ કાવ્યો ન હતા પણ મારી ઊર્મિઓને વ્યક્ત કરતા, પ્રાસાનુપ્રાસ મેળવીને છોકરીઓને એ ઉંમરમાં એટ્રેક્ટ કરવા કે ઇમ્પ્રેસ કરવા બનાવેલા જોડકણા માત્ર હતા. આજે ય, મારા મિત્રો સમક્ષ, હું એ જોડકણા જેવા કાવ્યો રજૂ કરું છું અને પચાસ-પંચાવન વર્ષ પહેલાના મારા ‘પ્યાર’ની ગુલબાંગો ફેંકીને હું આનંદ મેળવું છું. પણ એને કાવ્યો કહેવાની મારી હિંમત નથી એટલે અમારી સાહિત્ય સરિતા જેવી સંસ્થાઓની મીટીંગ વખતે ચૂપ રહું છું.

૨૦-૨૨ વર્ષની વયે લખાયેલી ટૂંકી વાર્તાઓમાં, મારા નિષ્ફળ પ્રણયની અભિવ્યક્તિ જ હતી એવું અત્યારે આ ઉંમરે લાગે છે. કોઇ ગમી ગઈ કે એની સાથે થોડીક પળો વિતાવવા મળી હોય તો એની યાદો કાગળ પર ઉતારીને વાર્તા લખાઇ જતી અને  એ જમાનામાં, અશોક હર્ષ, પીતાંબર પટેલ,  ભગવતીકુમાર શર્મા, જેવા સાહિત્યકારોના પીઠબળથી, ‘ચાંદની’,’આરામ’, ‘મહેંદી’, ‘સવિતા’, મુંબઇ સમાચાર, જન્મભૂમિ, ‘શ્રીરંગ ડાયજેસ્ટ’, ‘સ્ત્રી’, ‘શ્રી’ જેવા સામયિકોમાં પ્રસિધ્ધ થતી. ‘નવચેતન’ ના સ્વ. શ્રી. ચાંપશી ઉદ્દેશીએ પણ મને ખુબ સાથ અને માર્ગદર્શન આપેલું અને એમના ખ્યાતનામ માસિકમાં, ગુજરાત અને મુંબઇના જાણીતા નાટ્યકલાકારો અને ગુજરાતી ફિલ્મ કલાકારોના ઇન્ટર્વ્યૂ  લેવાનું કામ સોંપેલું અને ૧૯૭૧-૭૨ના વર્ષોમાં, દરેક અંકમાં, મારી એ મુલાકાતોના અહેવાલ પ્રસિધ્ધ કરતા.

 બહોળા કુટુંબના જીવનનિર્વાહ માટે, મારી અલ્પ આવક પર્યાપ્ત ન હતી એટલે, બે છેડા ભેગા કરવા માટે, પોકેટબુકો લખવી શરુ કરેલી. ક્રાઉન૧૬ ની સાઇઝના ૯૬ પાનાંની દરેક પોકેટબુક માટે મને એ જમાનામાં સોએક રુપિયા મળતા. કેટલીક મારા પોતાના નામથી લખેલી. કેટલીક વિવિધ ઉપનામોથી લખાયેલી.  એ જમાનાના, ‘જયભારત પ્રકાશન’, ‘ગાઇડ પોકેટબૂક્સ’ ‘રુપાંગના પબ્લીકેશન્સ’, ‘મમતા પ્રકાશન’ જેવા નાના નાના પ્રકાશકો એ બધું છાપતાં. મારી આ પોકેટબૂક્સ કોઇ સાહિત્યીક ગુણવત્તા ધરાવતી લઘુનવલો ન હતી, પણ એસ.ટી.માં, ટાઇમ પાસ કરવા માટે વંચાતી, રોમેન્ટીક પ્રણયકહાણીઓ હતી એવું આજે સમજાય છે. પણ લોકોને એ ગમતી અને મારી છાપ રસિક મહેતા કે કોલકની કક્ષાની છે એમ કહેવાતું. એ જમાનામાં, આજની ખ્યાતનામ લેખિકા કાજલ ઓઝા-વૈદ્યના પિતાશ્રી દિગંત ઓઝા, સ્વરુપ સેક્સ ક્યોરવાળા ડોક્ટર સ્વરુપ ( સાચું નામ રામસ્વરુપ શર્મા ), અસગર  ભાવનગરી, મારા મિત્રો હતા.

મારી છપાયેલી ટૂંકી વાર્તાઓનો એક સંગ્રહ, મૂળશંકર મો. દવે એ, ભારતી સાહિત્ય સંઘ નામની પ્રકાશન સંસ્થાના નેજા હેઠળ, ‘પરાઇ ડાળનું પંખી’ ૧૯૭૧માં પ્રસિધ્ધ કરેલો. એ એક ઉલ્લેખનિય સિધ્ધી ગણું છું.

સેક્સ-વિષયક છપાયેલી વાર્તાઓના પણ ચારેક વાર્તાસંગ્રહો નાના નાના પ્રકાશકોએ છાપેલા. પણ એનું સાહિત્યિક મૂલ્ય ન હોવાને કારણે આજે મને એનો ઉલ્લેખ કરવો ગમતો નથી. જો કે, આજે મેં એ બધું સાચવી રાખ્યું છે, કારણ કે ગમે તેમ પણ મારું તો એ સર્જન છે. મારા ‘સંતાનો’ છે એ પુસ્તકો. ખુબ અંગત રસિક મિત્રો ક્યારેક એ વાંચવા લઈ જાય છે, પણ સમયસર  પરત નથી કરતા એટલે મારો જીવ ઉંચો રહે છે અને હું કોઇને પણ વાંચવા આપવાનું ટાળું છું.

આજે, ૨૦૧૪ના જન્યુઆરિમાં, માત્ર કોમ્યુટર પર ગુજરાતીમાં લખવાનો આનંદ હું માણું છું.

સાહિત્ય શિબિરોમાં, મૂક શ્રોતા તરીકે સાંભળું છું. શક્ય હોય ત્યાં સુધી ચૂપ રહેવું પસંદ કરું છું.આટલા વર્ષોમાં વિવિધ સંસ્થાઓ સાથે માત્ર એક વોલન્ટીયર તરીકે જ કામ કર્યું છે. ‘પ્રેસિડેન્ટ’, ‘સેક્રેટરી’ ‘ટ્રેઝરર’ ‘ટ્રસ્ટી’ જેવા રુપાળા પદનો મોહ ક્યારેય રાખ્યો નથી. કોઇ ઇલેક્શન્સમાં ઉભો રહ્યો નથી.

મેં ખુબ નાટકો જોયા છે. નાટ્યકલાકારોનું આતિથ્ય માણ્યું છે. નાટકોના અવલોકનો લખ્યા છે. આજે ય, અમદાવાદ જઈશ ત્યારે પણ મારી દરેક સાંજ તો ઠાકોરભાઇ દેસાઇ હોલ પર જ વિતાવવાની છે.

ઉંમરને કારણે, શરીરના અંગોની કાર્યક્ષમતા ઘટવા લાગેલી હું અનુભવી શકું છું. અશક્તિ વર્તાય છે. બાલાશંકર કંથારુયાની  ગઝલ ‘ગૂજારે જે શીરે તારે’ની પંક્તિઓ હર પળે યાદ આવે છે અને એ રીતે જીવન ગોઠવવાનો પ્રયત્ન કરું છું.

મંદીરો, મૂર્તિપૂજા, દેવસ્થાનોની મુલાકાતો જેવી બાબતો પ્રત્યે મને આસ્થા નથી. પત્નીની લાગણી ન દુભાય એટલા ખાતર એને એ બધી બાબતોમાં સાથ આપું છું.

મૃત્યુ પછી મારા દેહને હોસ્પિટલમાં દેહદાન કરવાની મારી ઇચ્છા છે,પણ મારી પત્ની એમ નહીં કરે એની મને ખાત્રી છે. છતાં, જો મારા અવસાન પહેલાં મારી પત્નીનું અવસાન થાય તો ચોક્કસપણે,આ શરીરનું દેહદાન કરવા અંગે મેં વીલ કરેલું છે.

જો કે આજે ય, ચશ્મા વગર હું કાર ચલાવી શકું છું, રાત્રે પણ ડ્રાઇવ કરું છું, લાયબ્રેરીમાં ચાર ચાર કલાક બેસીને પુસ્તકો વાંચું છું, ફિલ્મી મેગેઝીનોની ચટાકેદાર વાનગીઓનો રસાસ્વાદ કરી શકું છું. ફિલ્મોના રોમેન્ટીક દ્ર્ષ્યો જોતાં જોતાં, ‘મુંગેરીલાલકે સપને’ નો અનુભવ કરું છું. યુ નો વોટ આઇ મીન !!  દર અઠવાડીયે થિયેટરમાં બેસીને મૂવી જોઉં છું. મોડી રાત સુધી પત્નીના સાથમાં, ઝી ટીવીની સિરીયલો અને ક્યારેક ડીવીડી પર, પસંદગીના મૂવી જોઇએ છીએ. ડાઉન ટાઉનમાં, વર્ધમ થિયેટર કે જોન્સ હોલ જેવા વિશાળ હોલમાં કોન્સર્ટ્સનો આનંદ માણું છું. ચાર-છ બ્લોક્સ ચાલીને રસ્તા ક્રોસ કરું છું. ( અમદાવાદમાં એવું કરવાની મારી હિંમત નથી ). એટલે હજી હું કાર્યશીલ તો છું જ. માત્ર કોઇ નવું ‘સાહસ’ કરવાની મારી શક્તિ નથી. એ થ્રીલ, એ એક્સાઇટમેન્ટ, એ રોમાંચ હવે રહ્યા નથી એટલું જ. ‘ નિશાળેથી નીકળી, જવું પાંસરા ઘેર’….શ્રીરામ..શ્રીરામ…

બે વર્ષ પછી, જિન્દગી હશે તો, નવીન બેન્કર એના આયુષ્યનો ‘અમૃત-મહોત્સવ’ (૭૫) ઉજવવા ભાગ્યશાળી બનશે.

નવીન બેન્કર   ૫ જાન્યુઆરિ ૨૦૧૪.

 

 

બહેન સ્વરકિન્નરી સંગીતાને એક પત્ર

January 5th, 2014 Posted in મારા દિલની વાતો

૩૦ સપ્ટેમ્બર ૨૦૧૨

 

પ્રિય સંગી, 

આજે સવારના પહોરમાં, ઉઠતાંની સાથે જ ટીવી -ડીશ નેટવર્ક- પર, આજતક ચેનલ પર લતાજીઅંગેનો કાર્યક્રમ આવતો હતો, એ જોયો.લતાજીના ઘણાંબધાં જૂના ગીતો સાંભળ્યા. સતત તું જ યાદ આવ્યા કરી. જૂની પેઢીના સંગીતકાર ખેમચંદ પ્રકાશના ભાઇએ તારા માટે કહેલું વાક્ય મને યાદ આવ્યા કર્યું.

ખરેખર એ વાક્ય તદ્દન સાચું અને દિલથી બોલાયેલું લાગે છે.

કેટલાક ગીતો વખતે તો હું એટલો ભાવવિભોર થઈ જતો હતો કે મારી આંખમાંથી આંસુ સરતા હતા-શબ્દોના ભાવ માટે નહીં.પણ એ ગીત સાથે તારા અવાજની સરખામણી થવાથી. તારા અવાજમાં પણ એ જ મીઠાશ છે. કમનસીબે, એ દીશામાં આપણે કશું કરી શક્યા નહીં એના અફસોસને કારણે મને લાગી આવતું હતુ !  આજે ય ઘણાંને સાંભળીએ, કેટલાકના ગાયેલા ગીતોની ક્લીપીંગ્સ જોઇએ ત્યારે એમ થાય કે એ ગાયિકા સારુ ગાય છે, એને ઢાળ આવડે છે, પણ એના અવાજમાં અમારી સંગીતાના સ્વરની જન્મજાત મીઠાશ નથી. કદાચ, તારા અવાજ પ્રત્યેનો મારો પક્ષપાત પણ હોય.

એની વે….તને અવારનવાર યાદ કરું છું- દરેક સંગીતના કાર્યક્રમમાં.

કુશળતા ઇચ્છતો,

નવીન બેન્કર

એકલતાનીપીડા

January 4th, 2014 Posted in મારા દિલની વાતો

 

એકલતાનીપીડા

હમણાં ગણેશોત્સવ પ્રસંગે, યોજાયેલા એક સંગીતઉત્સવ દરમ્યાન મારે, હ્યુસ્ટનમાં નવા આવેલા એક બહેનનો પરિચય થયો. તેઓ શાસ્ત્રિય સંગીતનું જ્ઞાન ધરાવે છે. સારુ ગાઇ શકે છે. એક્ટીંગનો પણ  અનુભવ છે. દેહલાલિત્ય પણ સરસ છે અને ગરબામાં ફરતી વખતે પણ કોઇનું પણ ધ્યાન આકર્ષી શકે એટલા આકર્ષક છે. જોબ કરે છે. સીંગલ ડાયવોર્સી છે. ડ્રાઇવીંગ પણ કરે છે અને સ્વતંત્ર રીતે  ભાડાના એપાર્ટમેન્ટમાં એકલા રહે છે.

મેં તેમને ગુજરાતી સમાજના ગરબા અને સમાજના સભ્ય થઈ જવાની અગત્યતા સમજાવતો એક મેઇલ મોકલ્યો.. બહેનનો જે જવાબ આવ્યો , એક બુદ્ધીશાળી વ્યક્તિની એકલતાની પીડા સમજાવવા પુરતો હતો.

નવીનભાઇ, આપે મોકલાવેલી માહિતી માટે આભાર. મારે , ગુજરાતી સમાજના સભ્ય તો થઈ જવું છે પણ મારે, મારી મિત્ર બની શકે તેવી કોઇ કંપની નથી. તમે સમજી શકો છો કે હું એકલી રહું છું, ડાયવોર્સી છું એટલે પુરુષમિત્રો તો અમુક રીતે જોવાના. સ્ત્રીઓ પણ કંઇક ઇર્ષ્યાના ભાવે ખોટી ખોટી વાતો કરતી હોય, સમાજમાં કોઇ સાથે અમસ્તી વાતની ઓળખાણ થાય તો યે આપણો સમાજ તો અફવાઓ ફેલાવ્યા વગર રહે. સ્ત્રીમિત્રો છે ,પણ કોઇ મારી બૌધ્ધિક કક્ષાની નથી. એમને કુથલીઓમાં રસ પડે છે. ક્યાં તો, બધી કથાવાર્તાઓ અને ગુરુઓઘેલી હોય છે. આપણી સાથે ફિલ્મમાં આવી શકે, ચર્ચા કરી શકે, સાહિત્યસંગીતની વાતોમાં ભાગ લઈ શકે એવું કોઇ નથી….વગેરે..વગેરે…’

મને બહેનની વાત સાંભળીને વિચાર આવ્યો કે, માનવીના ઘણાં સંબંધો હોવાં છતાં એકલો હોય છે. જે સ્ત્રી કે પુરુષ સંવેદનશીલ હોય, ભાવુક હોય હંમેશાં તત્વતઃ એકલા હોય છે. આપણી આજુબાજુ ચારેકોર મિત્રો, ક્લબો, ઇન્ટરનેટથી મલ્ટીપલ પ્રેમસંબંધો હોવાં છતાં આપણે એકલા નથી ? વિખ્યાત અસ્તિત્વવાદી ફ્રેંચ લેખકે ક્યાંક કહ્યું છે કે માણસ આંતરિક રીતે એકલો છે.

મારી સાથે મારી પત્ની છે. અમારું પચાસ વર્ષનું દામ્પ્ત્યજીવન છે. અમારા રસ અને અભિરુચી ભિન્ન છે ટલે અમે પણ તાત્વિક રીતે એકલા છીએ. પરંતુ એના ડીશનેટવર્કની ઝી ટીવીની સિરિયલો કે શ્રીનાથજીબાવાના ભક્તિભાવમાં એની એકલતાને ઓગાળી નાંખે છે અને હું ફિલ્મો, નાટકો અને પુસ્તકો કે ગુજરાતી ભાષામાં ઇન્ટરનેટ પર લખ લખ કરીને મારી એકલતાને પ્રવૃત્તિમય બનાવી દઉં છું.

એકલતા કોઇ નવી વાત નથી. તમે તમારા વિચારોમાં નિરાળા હો, જગતથી જુદું વિચારતા હો ત્યારે તમારું નિરાળાપણું તમારી પીડા બની જાય છે. માણસે આંસુઓનો સહારો લઈને પણ જીવવું પડે છે. આંસુઓ પી પીને પણ તરસ્યા રહીને જીવનને ઉંચું લાવવું પડે છે. પ્રેમ, મૈત્રી અને નામ વગરના સંબંધ થકી એકલતાને દૂર કરી શકાય છે. પ્રેમની સુંવાળપ કે ભીનાશ માનવીની એકલતાને દૂર કરી શકે છે.

આજે આખી દુનિયામાં એકલા રહેનારાઓની સંખ્યા વધી રહી છે. સંયુકત કુટુંબો તૂટતા જાય છેછૂટાછેડાનું પ્રમાણ વધતું જાય છે..અમેરિકામાં તો મોટાભાગની સિનિયર સિટીઝન  ગોરી ડોશીઓ એકલી હોય છે.

સ્ત્રીપુરુષનો સંબંધબાયોલોજીકલ નીડહોઇ શકે અનેપ્રેમપણ. કહેવાતો પ્રેમ વિજાતીય આકર્ષણ પણ હોઇ શકે. કોઇપણ આકર્ષણ કાયમ સ્થિર નથી રહી શકતું.

કોઇના વિચાર તમને ગમતા હોય, કોઇનું શારીરિક સૌંદર્ય તમને ખેંચતું હોય, કોઇનો અવાજ તમને ગમતો હોય, કોઇની વાત કહેવાની સ્ટાઇલ તમને આકર્ષતી હોય, કોઇના પ્રત્યે તમને અહોભાવ થતો હોય તો પણ આપણે લાગણીને પ્રેમનું રુપાળુ લેબલ લગાવી દઈએ છીએ.

મારા એક સિનિયર સિટીઝન મિત્ર છે. મારાથી દસેક વર્ષે નાના છે, વિધુર છે. બાળકો મોટા થઇ ગયેલા છે અને જૂદા રહે છે. મિત્ર પણ પોતાના ઘરમાં એકલા રહે છે. એમણે પોતાની એકલતા દૂર કરવા એક સ્ત્રીમિત્ર સાથે મૈત્રીનો સંબંધ વિકસાવ્યો છે. બહેન પણ વિધવા છે. બાળકોથી જૂદા, એકલા રહે છે, ટીફીનસેવા આપીને આજીવિકા રળે છે. બન્નેના જીવનમાંમેનોપોઝછે. તમને થશે કે પુરુષના જીવનમાં મેનોપોઝ ક્યારથી શરુ થયો ? પણ એક જૂદુ ચેપ્ટર લખવું પડે. ટૂંકમાં, શારીરિક સંબંધનો અહીં અભાવ છે એટલું કહીશ. બન્ને મળે છે, ફિલ્મ જોવા સાથે જાય છે, મેક્સીકન રેસ્ટોરન્ટમાં જમવા જાય છે, સુખદુખની વાતો કરે છે, પુસ્તકોની આપલે કરે છે અને સહજીવન જીવન જીવે છે.

      એકલતાની પીડા વેઠવા કરતાં, માણસ આવા સંબંધો –નામ વગરના સંબંધો વિકસાવે તો મને તો એમાં કશું ખોટું લાગતું નથી. અમેરિકાનું આ એક સુખ છે. અહીં કોઇને કશી પડી નથી હોતી. બાકી, ઇન્ડીયામાં તો પાડોશીઓ બાંયો ચઢાવીને,’યે શરીફોંકા મહોલ્લા હૈ, યહાં ઐસા નહીં ચલેગા’ કરીને મારામારી કરવા આવી જાય. ઝી ઈવી ની એકતા કપૂરની સિરીયલોમાં આવા દ્રશ્યો સાહજીક છે. ‘ક્રાઇમ પેટ્રોલ’ કે ‘સાવધાન ઇન્ડીયા’ જેવા શોમાં પણ આવા દ્રશ્યો ઘણીવાર જોવા મળે છે.

 

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.