એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Archive by category 'નાટ્યવિષયક સંસ્મરણો'

BLOOD PRESSURE Drama Picture

 

ડાબી બાજુથી- કોકિલાબેન નવીન બેન્કર, વચ્ચે નવીન બેન્કર અને જમણી બાજુ છેલ્લે વિરેન્દ્ર બેન્કર

મે માસની પાંચમી તારીખ અને ૧૯૭૦ ના રોજ લેવાયેલી આ તસ્વીર નાટક ‘બ્લડપ્રેશર’ ભજવાયું ત્યારની છે. મારી પત્ની અને ભાઇ મને મળવા અમદાવાદના ટાઉનહોલના ગ્રીનરૂમમાં આવેલા ત્યારની છે. ત્રીસ વર્ષની ભરયુવાન વયે, હું ત્યારે , આવા પાત્રો ભજવતો હતો. મુનીમજી, જ્યોતિષ, શેઠ, દારૂડીયો  ને એવા પાત્રો મને મળતા હતા.મારી પત્ની કેટલી નાની લાગે છે ફોટામાં !  આજે ય , જો કે, એવી નાની જ દેખાય છે. અને..મારો ભાઇ જે ૧૯૫૫ માં જન્મેલો તે ત્યારે ૧૫ વર્ષનો હતો અને વાંસળી વગાડતો હતો. આજે  એ સિકસ્ટી પ્લસ છે . નાટકમાં હું રૂપાળી હિરોઈનની હસ્તરેખા વાંચનાર જ્યોતિષી બન્યો હતો.

મુંબઈની કમાણી , મુંબાઇમાં સમાણી ( નાટ્ય-અવલોકન)

મુંબઈની કમાણી, મુંબઈમાં સમાણી (નાટ્ય-અવલોકન)

ગયા મહીને એટલે કે જુલાઈ ૨૦૧૧માં, જુના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરના નાટ્યગ્રુહમાં ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીઝ ઓફ ઈન્ડીયા ( FFOI )ના ઉપક્રમે,સંગીતા શાહ નિર્મિત અને ઇમ્તિયાઝ પટેલ લિખિત અને દિગ્દર્શીત નાટક ‘મુંબઈની કમાણી, મુંબઈમાં સમાણી’ લગભગ આઠસો પ્રેક્ષકોની હાજરીમાં ભજવાઈ ગયું.
બે દીકરા…બે વહુઓ…એક સાસુ..અને નાની વહુનો બાપ..આટલા મુખ્ય પાત્રો. ઉપરાંત..તાર માસ્તર,ધોબી અને ગણપતિ ઉત્સવ માટે ફાળો ઉઘરાવનાર જેવા ગૌણ પાત્રો- જે એક જ કલાકાર ત્રણ ત્રણ ભૂમિકાઓ વેશ બદલી બદલીને ભજવે..સંયુક્ત કુટુંબમાં કરકસર કરી કરીને ઘર ચલાવવાની વાત પર રચાયેલા આ નાટકમાં ઝી ટીવીની સિરીયલોની જેમ, દેરાણી જેઠાણી અને સાસુનો કલહ ત્રિકોણ છે, નાનકડા કાવાદાવા પણ છે પણ અંતે સાસુની જીત થાય છે અને ખાધુ-પીધું ને રાજ કર્યું એવી વાત છે.
સાસુના પાત્રમાં રજની શાંતારામ સમગ્ર નાટકમાં છવાઈ જાય છે.સ્વ.કલ્પના દિવાન માટે જ લખાયેલી આ ભૂમિકા રજનીબેન સુપેરે ભજવી જાય છે.તેમના એકે એક સંવાદ પર, સ્વ-ઉક્તિઓ પર પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ થાય છે.
નાટકમાં ઘણાં કટાક્ષો છે. ક્રુષ્ણ જન્મોત્સવની ઉજવણી પર કટાક્ષ…ફરાળ કરીને થતી અગિયારસ પર કટાક્ષ… ગણપતિ-વિસર્જનની ઉજવણી પર કટાક્ષ.. ફાળો ઉઘરાવનારાઓ પર કટાક્ષ…
મોંઘવારી પર કટાક્ષ.. .અજમેરી બાબા પર કટાક્ષ…એમ ઘણાબધા કટાક્ષો પર હાસ્ય-નિષ્પન્ન થયું છે.
કેટલાક સચોટ સંવાદો પણ આ નાટકમાં છે જેના પર પ્રેક્ષકો મન મૂકીને તાળીઓની ખંડણી આપે છે. જુઓ..આ રહ્યા એ સંવાદોના કેટલાક નમૂના-
‘લગ્ન પહેલાં નારી અબળા હોય છે.લગ્ન પછી નર નબળા થઈ જાય છે.’
‘માંગનાર એની ઔકાત પ્રમાણે માંગે. આપનારે એની હેસિયત પ્રમાણે આપવું જોઇએ.’
‘અક્કલ બદામ ખાવાથી ન આવે- ઠોકર ખાવાથી આવે.’
‘સિંહની સવારી કરવી જ પડે તો સમતોલન પોતાના બચાવની ગુરુચાવી છે.’
-કહેવાની જરુર નથી કે આ બધા જ સંવાદો સાસુ-રજની શાંતારામ-ના મુખે જ બોલાવેલા છે.રજનીબેનના અભિનયમાં પ્રેક્ષકોને ક્યારેક લલિતા પવાર, ક્યારેક સ્વ.કલ્પના દિવાન તો ક્યારેક મેડમ માયાવતી પણ દેખાય છે. મોટા દીકરાની વહુ-હીનાવહુ-ના પાત્રમાં પરીંદા પટેલ અને નાના દીકરાની વહુ-પ્રેમાવહુ-ના પાત્રમાં શીતલ અંબાણી રજની શાંતારામને અભિનયમાં સારી એવી ટક્કર આપે છે. બે દીકરા-અલકેશ અને દીપેશ-ના પાત્રોમાં જીગર બુંદેલા તથા ભાવેશ ઝવેરી પણ પાત્રોચિત અભિનય કરી જાય છે. નાની વહુના બાપ-ધનેશભાઇ-નો રોલ કરનાર કલાકાર શ્રી.કુકુલ તારમાસ્તરે ધોબી,અને ગણપતિનો ફાળો ઉઘરાવનાર બબ્બનની ભૂમિકાઓ પણ સફળતાપુર્વક ભજવી હતી.
જો કે સમગ્ર નાટક તો હતું રજની શાંતારામનું જ.
છેક ૧૯૯૫થીએ હ્યુસ્ટનમાં ‘ફોઈ’ નામે ઓળખાતું FRIENDS AND FAMILIES OF INDIA ગ્રુપ ગુજરાતીઓમાં કાર્યરત છે. આ ગ્રુપના કર્તાહર્તા કીર્તીભાઇ પટેલ અને માનાજી ઠાકોર નામના બે સેવાભાવી સજ્જનો અને તેમને સહકાર આપનાર ગિરીશ નાઈક, મહેન્દ્ર દેસાઇ, અરુણ બેન્કર, અને તેમના અન્ય મિત્રો જ છે.એમની કોઇ ઓફીસ નથી, સંસ્થાનું કોઇ મકાન નથી, કોઇ હોદ્દેદારોની પોસ્ટ નથી.નવરાત્રિ પ્રસંગે ગરબા, દીવાળી ડીનર, નવા વર્ષની ઉજવણી જેવા બેચાર પ્રસંગો અને સારા સારા એકાદ-બે નાટકોનું આયોજન કરી, ખુબ જૂજ દરે ટીકીટો વેચીને ખર્ચો કાઢી લે છે.ગરબા વખતે પણ લોકલ કલાકારો અને લોકલ વાદ્યવ્રુંદ જ. સિરીયલ્સના કલાકારો અને મોંઘાદાટ હોલના ભાડાના ખર્ચા નહીં. સંસ્થામાં કોઇ હુંસાતોંસી નહીં. કોઇ ચુંટણી,કોઇ આક્ષેપો-પ્રતિઆક્ષેપો..કશું જ નહીં. અરે…પાર્કીંગ પ્લોટમાં કાર પાર્ક કરવા માટેનો કોઇ ચાર્જ પણ નહીં. ખર્ચો કાઢવા માટે પાંચ-સાત ડોલર જેવી જૂજ પ્રવેશ ફી માત્ર. હ્યુસ્ટનની અન્ય સંસ્થાઓના દીવાળી-ડીનર કરતાં ‘ફોઈ’ના ડીનરની સુરતી વાનગીઓ હંમેશાં વખણાય.
‘ફોઇ’ ગ્રુપને આવું સરસ નાટક રજૂ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.
માહિતી સૌજન્ય અને તસ્વીરો- શ્રી. નવીન બેન્કર

પાનખરે ખીલ્યા ફૂલ નાટ્ય-અવલોકન- શ્રી. નવીન બેન્કર

પાનખરે ખીલ્યા ફૂલ                   નાટ્ય-અવલોકન-  શ્રી. નવીન બેન્કર

સાતમી માર્ચ ૨૦૧૫ના દિવસે, અમદાવાદના ઠાકોરભાઇ દેસાઇ હોલમાં, એક સરસ સામાજિક નાટક જોયું. વર્ષો પહેલાં- કદાચ ૧૯૭૦માં- પ્રિતમનગરના અખાડામાં, ‘રંગમંડળ’ નો જમાનો હતો અને સ્વ. શ્રી.રાજુ પટેલ, મહેન્દ્ર પાઠક તથા  પ્રતિભા રાવલ નાટકો કરતા હતા ત્યારે હું  રંગમંડળનો ઇતિહાસ લખવા રાત્રે ત્યાં જતો હતો એ અરસામાં મને પ્રતિભાબેનનો પરિચય થયેલો. ૪૫ વર્ષ પહેલાં ની એ વાત. પ્રતિભાબેન ખુબ સ્વરુપવાન. એમના, હવેલીની પોળવાળા મકાને પણ હું ગયેલો અને ત્યાં  એમની નાટ્યપ્રવૃત્તિ અંગે મુલાકાત કરેલી. એ સમયે, દિનેશ શુક્લ, ઇન્દીરા મેઘા,  સ્વ. નલિન દવે, સ્વ. પ્રવિણાબેન મહેતાના નાટકો પુરબહારમાં ચાલતા. એ સમયે, વિજય દત્ત, જશવંત ઠાકર, કૈલાસભાઇ, દામિની મહેતા, અરવિંદ ત્રિવેદી, પદમારાણી જેવા ધુરંધર કલાકારોને મારે મળવાનું થતું. એ દરેકની સાથે મારા સંસ્મરણો છે.

આ પ્રતિભા રાવલે લગભગ  ૭૫+ ની ઉંમરે આ નાટકમાં એક અગત્યની ભૂમિકા ભજવવા ઉપરાંત દિગ્દર્શન પણ કર્યું છે. નાટકના મુખ્ય પુરુષપાત્ર કુમુદભાઇ રાવલ અને પ્રતિભાબેને મને આ નાટક જોવા ખાસ આમંત્રણ આપેલું. એના રિહર્સલો વખતે પણ મને ખાસ બોલાવેલો.

ઘનશ્યામ દેસાઇના પત્ની, પૈસા, ધનદોલત, મોટર, બંગલા, નોકરચાકર અને વૈભવના મોહમાં, પતિની ગરીબી અને કલાનો ઉપહાસ કરીને એક શ્રીમંત સાથે નાસી જાય છે. ઘનશ્યામ દેસાઇ નોકરી અને ગામ છોડીને દૂર આવીને વસે છે, જ્યાં તેમની પાછલી જિન્દગીને કોઇ જાણે નહીં અને કોઇ ઓળખે નહીં.સંગીતના ટ્યુશનમાંથી જે પૈસા મળતા તેમાંથી બન્ને સંતાનોનો ઉછેર કરવા લાગ્યા. તેમના જીવનમાં આશાવરી નામની શિષ્યા આવી અને પરોક્ષ રીતે સંતાનોના ઉછેરમાં મદદ કરતી રહી. એક પરિણીત સ્ત્રી ,પોતાના સંતાનોને છોડીને ભાગી ગઈ અને બીજી અપરિણીત સ્ત્રીએ  તેના સંતાનોને સંભાળી લીધા.

સંગીતકાર  ઘનશ્યામ દેસાઇની મુખ્ય ભૂમિકામાં શ્રી. કુમુદ રાવલ અને તેમના મિત્ર અને વેવાઇ ભજીયાવાળા ભગવાનદાસની ભૂમિકામાં એડવોકેટ શ્રી. નવીન ઓઝાએ આખા નાટકનો ભાર ઉપાડી લીધો હતો. ઘનશ્યમભાઇના પુત્ર મોહન (અક્ષય પટેલ)ને ભજીયાવાળાની દીકરી રાધા  ( ટંકીકા પંચાલ ) સાથે પ્રેમ છે.  દીકરી સરિતા ( રુહીન ઘોરી )નું સગપણ , મીસ્ટર પરીખ  ( દિનકર ઉપાધ્યાય ) ના દીકરા પ્રોફેસર  (પૂરબ મહેતા)  સાથે થવાનું છે. સંગીતકાર ઘનશ્યામ દેસાઇને આશાવરી રાગ ખુબ પ્રિય છે. અને તેમના જીવનમાં પણ આશાવરી  આવે છે.જેને કારણે રુઢિચુસ્ત જૂનવાણી સમાજમાં ચણભણ થાય છે. ખુદ એમના બાળકો પણ બાપને ગૂનેગાર અને ચારિત્રહીન માનવા લાગે છે અને પછી શરુ થાય છે ઘર્ષણ.  ઘનશ્યામ દેસાઇના બન્ને સંતાનોના લગ્ન થઈ જાય છે એ પછી ઘનશ્યામ દેસાઇ આશાવરીને ઘેર લાવે છે અને સંતાનોને તેનો પરિચય કરાવતા જણાવે છે કે આશાવરીએ પત્ની અને માતા તરીકેની ફરજ અદા કરવામાં આખી જુવાની ખર્ચી નાંખી છે. પરંતુ, ફરજ બજાવનાર પિતા અને ત્યાગમૂર્તિ આશાવરીનો સંબંધ સંતાનોને સ્વીકાર્ય ન હતો.

કેટલાક હૃદયસ્પર્શી સંવાદો પછી, ઘનશ્યામ અને આશાવરી ઘર છોડી નવી જિન્દગી શરુ કરવા ચાલ્યા જાય છે એવા કથાનક પર સમસ્ત નાટકની માંડણી થઈ છે.

પ્રેમી ઘનશ્યામના જીવનમાં , તેમના ઘરસંસારમાં ખલેલ ના ઉભી થાય એ રીતે વર્ષો સુધી એકલતા અનુભવતી આશાવરીના પાત્રમાં પ્રતિભા રાવલ પાત્રોચિત સંયમી અભિનય કરી જાય છે. ઘનશ્યામ દેસાઇના, આશાવરી સાથેના સંબંધ અંગે પોતાના દ્ર્ષ્ટીબિંદુની રજૂઆત કરતા સંવાદોમાં આલેખનનું ઉત્તમ પાસુ જોવા મળે છે અને એ વખતના હ્ર્દયસ્પર્શી સંવાદોમાં કુમુદ રાવલ મેદાન મારી જાય છે. પુત્રવધુ બનતી અભિનેત્રી પણ છટાદાર સંવાદોથી પ્રેક્ષકોના દિલ જીતી લે છે. મોહન બનતા અક્ષય પટેલ ખુબ આશાસ્પદ કલાકાર છે. મીસ્ટર પરીખના મહેમાન કલાકાર જેવા રોલમાં દિનકર ઉપાધ્યાયને ખાસ કશું કરવાનું રહેતું નથી પણ પોતાના દમામદાર અભિનય અને અસરકારક અવાજના જોરે હાજરી પુરાવી ગયા. ભગવાનદાસ ભજીયાવાળાના રોલમાં શ્રી. નવીન ઓઝાએ સીક્સરો પર સીક્સરો ફટકારીને પ્રેક્ષકોને ખુબ હસાવ્યા હતા. પ્રોફેસર બનતા પૂરબ મહેતા પણ પોતાની ભૂમિકા સૂપેરે ભજવી ગયા. ત્રણેક કલાકારોએ તો પ્રથમ વખત જ સ્ટેજ પર અભિનય કર્યો હતો છતાં તેઓ અનુભવી કલાકારો જ લાગતા હતા.

નાટકનું રુપાંતર સ્વ. રાજુ પટેલનું હતું એમ સાઇનબોર્ડ પર જણાવાયું હતું.

જે ઉંમરે, અન્ય બધી જ અભિનેત્રીઓ થાઇરોડ અને આર્થરાઇટીસથી પીડાઇને, સ્ટેજ માટે નક્કામી બની જતી હોય છે એ ઉંમરે (૭૫+) પ્રતિભાબેનના શરીર પર ચરબીએ હુમલો કર્યો નથી. હા ! ઉંમરની અસર વર્તાય જરુર પણ હલનચલન  કે અભિનયક્ષમતા પર એની અસર નથી. આજે ય, એકલપંડે નાટ્યપ્રવૃત્તિ ચાલુ રાખી શક્યા છે. કુમુદ રાવલ પણ ચૌદ વર્ષના વનવાસ પછી. ફરી નાટ્યપ્રવૃત્તિમાં સક્રિય થયા છે એ જોઇને આનંદ થયો. કુમુદ રાવલ અને પ્રતિભા રાવલની અટક માં જ સામ્ય છે. બાકી ધે આર નોટ રીલેટેડ.

બેસ્ટ લક, પ્રતિભાબેન અને કુમુદભાઇ !

નવીન બેન્કર ફોન નંબર-૭૧૩-૮૧૮-૪૨૩૯    ( લખ્યા તારીખ-૨૨ એપ્રિલ ૨૦૧૫ )

 

કશુંક ભાળી ગયેલો માણસ- સોક્રેટીસ ( નાટ્ય અવલોકન ) રજુઆત- શ્રી. નવીન બેન્કર

કશુંક  ભાળી ગયેલો  માણસ-   સોક્રેટીસ  ( નાટ્ય અવલોકન )     રજુઆત- શ્રી.  નવીન બેન્કર

 

માર્ચ, ૨૦૧૫માં, અમદાવાદના એચ. કે. આર્ટ્સ કોલેજના નવા ઓડીટોરીયમમાં, હ્યુસ્ટનના સિનિયર સિટીઝન્સ એસોસિયેશનના ભૂતપુર્વ પ્રેસિડેન્ટ શ્રી. હસમુખ પટેલ અને મારા મિત્ર અને અભિનેતા શ્રી. કુમુદ રાવલના સૌજન્યથી, મને  આ નાટકના દિગ્દર્શક શ્રી. રાજુ બારોટ તરફથી આ ઐતિહાસિક નાટક જોવાનો અવસર પ્રાપ્ત થયો હતો.
 
જે લોકો ગ્રીક તત્વચિંતક સોક્રેટીસની કથા જાણતા હોય, ઇસ્વીસન પૂર્વેની  ચોથી સદીના એથેન્સનો ઇતિહાસ જાણતા હોય, ગ્રીક સામ્રાજ્ય, તેના ગણરાજ્યોના સત્તાકારણ અને લોકશાહી માટેના પ્રયાસો અંગે જાણતા હોય એ લોકો  જ આ નાટકને સારી રીતે માણી શકે એવું આ નાટક હતું.લગભગ  ૪૦૦ પાનાની દર્શકની સાહિત્યકૃતિને બે કલાકની નાટ્યકૃતિમાં રુપાંતરિત કરી છે શ્રી. ભરત દવેએ. ચૌદ દ્રષ્યો અને પાંચ વૃંદગાનમાં ઘટનાઓ દર્શાવાય છે. મુખ્ય ભૂમિકામાં ખ્યાતનામ વૈદ્યરાજ શ્રી. પ્રવિણ હીરપરા સોક્રેટીસની ભૂમિકા ભજવે છે. તેની પત્ની ઝેન્તેપીના પાત્રમાં દીપ્તિ જોશી અભિનયના અજવાળા પાથરે છે.
 
અદાલતના સમૂહ દ્રષ્યો ખુબ અસરકારક રહ્યા.  ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટવાળા શ્રી, ઇકબાલ પટેલ, ગોપાલ બારોટ, મૌલિક પાઠક, આ દ્રશ્યોમાં શોભતા હતા.  એથેન્સના ધનાઢ્ય ઘાતકી રાજપુરુષ એનેટ્સના પાત્રમાં શ્રી. નિસર્ગ ત્રિવેદી  અને ધૂર્ત મુત્સદ્દી તરીકે હેમન્ત સોની તથા સ્પાર્ટાના રાજા એજીસના પાત્રમાં શ્રી. ધ્રુવ ત્રિવેદી પણ તેમની ભૂમિકા સૂપેરે ભજવી ગયા. નાટકમાં સ્થિતિ અને ગતિ બન્ને અનુભવી શકાતા હતા. ગ્રીક વેશભુષા, પગરખા, બખ્તર, ભાલા , અસરકારક રહ્યા. સફરજન અને દ્રાક્ષનો આસવ, ઓલીવની વાડીઓ, મધ અને જવનો રોટલો, જેવા ઉલ્લેખો ગ્રીસની ભૂમિ ઉભી કરવામાં સફળ રહ્યા. નાટ્યપ્રયોગની મર્યાદાઓ તેની ઉત્કૃષ્ટતા સામે ઢંકાઇ જતી હતી. નાટકના અંતે ગ્રીન રુમમાં જઈને મેં દિગદર્શક શ્રી. રાજુ બારોટ અને સોક્રેટીસ બનેલા વૈદ્ય પ્રવિણ હીરપરા સાથે તસ્વીર ખેંચાવી હતી ,જે આ સાથે એટેચ કરી છે.
 
 આ નાટક એક વિશિષ્ટ કહી શકાય તેવું નાટક છે, જેના રીપીટ પ્રયોગો ટીકીટબારી પર સફળ ન થાય. આ નાટક પણ ‘ ક્લાસ’ માટેનું નાટક છે.  ‘માસ’ માટેનું નથી. જે લોકોને સાહિત્ય, ઇતિહાસમાં રસ હોય એવા બુધ્ધીજીવીઓ માટેનું નાટક છે. 
 
હ્યુસ્ટનમાં ‘નમસ્કાર’ વાળા રાજેશભાઇ આ નાટક લાવે તો લોકો પૈસા પાછા માંગે. હેમન્ત ભાવસાર, ઉમા નગરશેઠ, શ્રી. કીરીટ મોદી, નિતીન વ્યાસ કે મુકુંદ ગાંધી જેવા જ માણી શકે એ ટાઇપનું આ નાટક છે. આપણું ‘કલાકુંજ’ ભજવી શકે એ ટાઇપનું આ નાટક નથી જ.
  રજૂઆત- નવીન બેકર    
લખ્યા તારીખ- ૨૦ એપ્રિલ ૨૦૧૫
***************************************************************
Navin Banker  (713-818-4239)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
Ek Anubhuti : Ek Ahesas.

Kindly remove my name and    address before forwarding this e-mail. We    have no control over who will see forwarded messages! This keeps all our    Personal Contacts lists Private and Stops Intruders & Spammers.

 

‘બ્લ્યુ મગ’ નાટક અંગે

પ્રિય મિત્ર નિતીનભાઇ વ્યાસને એક પત્ર અને કોપી ટૂ અશોક પટેલ
વિષય-‘ બ્લ્યુ મગ’ – નાટક
તારીખ- ૨૦ જુલાઇ ૨૦૧૫
પ્રિય મિત્ર નિતીનભાઇ,
ગઈ કાલે આપણે ગીરીબાપુની શીવકથાના અંતીમ દિવસે, શીવશક્તિ મંદીરના પટાંગણમાં ,પાર્કીંગ લોટમાં ઉભા ઉભા ‘બ્લ્યુ મગ’ નાટક અને અન્ય પરદેશી નાટ્યકૃતિઓ અંગે  તથા  ઓશો રજનીશજી બાબતે ચર્ચાવિચારણા કરી રહ્યા હતા એના અનુસંધાનમાં આ પત્ર દ્વારા થોડીક વધુ માહિતી આપું છું.
મને પોતાને પણ એ નાટક નહોતુ સમજાયું અને આપણા હ્યુસ્ટનના પ્રેક્ષકોની તો વાત જ ક્યાં કરવી ? એટલે નાટક પુરુ થયા બાદ હું ગ્રીન રૂમમાં ગયેલો અને એના કલાકારો- રજતકપૂર, વિનય પાઠક રણવીર ( કપૂર નહીં ) અને શીબા ચઢઢા સાથે વાતો કરેલી અને મારી મુંઝવણ રજૂ કરેલી. મને મારૂં અજ્ઞાન પ્રદર્શિત કરતાં ક્યારેય સંકોચ નથી થતો. ફિલ્મ કોર્પોરેટથી ખ્યાતનામ થઈ ગયેલા ફિલ્મ અભિનેતા રજતકપૂરે મને બ્લ્યુ મગના કથાનક અંગે જે સમજ આપેલી એ આ પ્રમાણે હતી-
જેનું કોઇ નામ નથી કે ઓળખાણ આપવામાં આવતી નથી અને જેમની વચ્ચે કોઇ સંબંધ નથી એવા ચાર પાત્રો અહીં એક સાથે ટૂકડે ટૂકડે પોતપોતાની સ્મૃતિઓ વર્ણવે છે. એ સ્મૃતિઓનો પણ કોઇ ક્રમ નથી બધા પોતપોતાની ભાષામાં, પોતપોતાની રીતે આ વાતો કરે છે. એક માનસચિકિત્સક છે, બીજો એનો દરદી છે. દર્દીને વીસ વર્ષ પહેલાંનું યાદ રહે છે પણ વીસ મીનીટ પહેલાંનું યાદ નથી રહેતું. એની સ્મૃતિ જડ થઈ ગઈ છે. સ્ટેજ પર કોઇ પાત્રો એકબીજાને મળતા નથી પણ  રંગમંચ અને પ્રેક્ષકો વચ્ચે એક પારદર્શક દિવાલ છે.મંચને છેડે માત્ર ડોકું જોઇ શકાય એવી સગવડ છે.
માત્ર પ્રકાશાઅયોજન અને પાર્શ્વધ્વનિને આધારે જ નાટક દર્શાવાય છે.માત્ર સ્મૃતિઓની વાત, સ્મૃતિઓની વાસ્તવિકતા અને વિરોધાભાસ તથા નજીકના સમયની વિસ્મૃતિની વાત એ માનવીના મગજના અભ્યાસનો એક વિરલ તર્ક જ દર્શાવાયો હતો. ક્યાંય કોઇ કથા નહીં, મનોરંજન નહીં, રહસ્ય નહીં, પ્રેમબ્રેમ નહીં, ખુનખરાબા નહીં, સસ્પેન્સ નહીં.  મોડર્ન આર્ટ જેવું નાટક સામાન્ય પ્રેક્ષકોની સમજમાં ક્યાંથી આવે  ?
રણવીર શૌરી પણ કોંકણાસેન સાથે લગ્ન કરીને અને પછી તેને છૂટાછેડા આપીને ખ્યાતનામ થઇ ગયો છે. શીબા ચઢઢા પણ હિન્દી સીરીયલોને કારણે જાણીતી બની ગઈ છે એટલે  પ્રેક્ષકો તો આવેલા પણ નાટક સમજાયેલું નહીં એટલે ‘બોગસ’ ,’બોગસ’ કરીને વિદાય થઈ ગયેલા. આવા પ્રયોગશીલ નાટકો મુંબઈના પૃથ્વી થિયેટર્સમાં ભજવાય બાકી ટીકીટબારી પર નિષ્ફળ જ જાય.
 

 

ગુજરાતી નાટકોના પુસ્તકો હ્યુસ્ટનની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં-

 

ગુજરાતી નાટકોના પુસ્તકો હ્યુસ્ટનની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં-

 

ગુજરાતી સાહિત્યના નીવડેલા, જાણીતા૪૭  જેટલા નાટ્યલેખકોના એકાંકી નાટકોના ત્રણ સંગ્રહો, હ્યુસ્ટનની સેન્ટ્રલ લાઈબ્રેરીમાં મને જોવા મળ્યા.

ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયે રઘુવીર ચૌધરી અને રતિલાલ બોરીસાગર જેવાના સંપાદનમાં આ ત્રણ ખજાનારુપ, જાણીતા અને વારંવાર ભજવાઇ ચૂકેલા એકાંકી નાટકોના સંગ્રહ પ્રસિધ્ધ કર્યા છે.

હ્યુસ્ટન જેવા શહેરમાં, કોઇ પ્રસંગે, કોઇ સંસ્થા, એકાંકી નાટકો ભજવવા માંગતી હોય છે અને સારુ એકાંકી ક્યાં છેની તપાસ શરુ થઈ જતી હોય છે એવા સમયે આ ત્રણ પુસ્તકો મદદરુપ થઈ શકે તેવા છે.

અત્યારના સમયમાં, ઘણા બધા કલાકારોને લઈને નાટકની પ્રેક્ટીસ કરવા માટે ભેગા થવું-એ મૂશ્કેલ અને ખર્ચાળ  કામ છે. એટલે એક ઘરમા પતિ-પત્ની બન્ને કલાકાર હોય અથવા એકાદ ખાસ મિત્ર કે પાડોશી નાટ્યપ્રવ્રુત્તી પ્રત્યે અભિરુચી ધરાવતા હોય તો, બે કે ત્રણ જ પાત્ર ધરાવતા, ૩૦ મીનીટના એકાંકીઓ પણ મને આ સંગ્રહોમાં વાંચવા મળ્યા. આવા કેટલાક નાટકોની એક નાનકડી સુચી અહીં લખું છું.

 

એકાંકીનું શિર્ષક                 લેખક             પાત્રોની સંખ્યા

સ્ટેશન માસ્તર            ધનસુખલાલ મહેતા     બે પુરુષ અને એક સ્ત્રી

ઝાંઝવા                   યશવંત પંડ્યા           એક પુરુષ અને બે સ્ત્રી

વન્સમોર                 ચુનીલાલ મડીયા        ચાર પુરુષ પાત્રો

ઇલાજ                     વિનોદ અધ્વર્યુ           એક સ્ત્રી અને ત્રણ પુરુષ

ચાલો, ઘર ઘર રમીએ    જ્યોતિ વૈદ્ય               એક પુરુષ- એક સ્ત્રી.

હુકમ, માલિક              ચિનુ મોદી               બે પુરુષ પાત્રો

અદાલતે ગીતા           મુકુંદરાય પંડ્યા           ત્રણ પુરુષ પાત્રો

કાહે કોયલ શોર મચાયે            લાભશંકર ઠાકર          એક પુરુષ અને એક સ્ત્રી

સ્મશાન સર્વીસ                    નિરંજન ત્રિવેદી          બે પુરુષ પાત્રો

આપણું એવું                       મધુ રાય                એક પુરુષપાત્ર સ્ટેજ પર અને

                                                           બીજું પાત્ર નેપથ્યમાંથી ટેલીફોન પર.

લોહી વરસતો ચંદ્ર                 મહેશ દવે                એક પુરુષ-એક સ્ત્રી.

ટેલીફોન                           હસમુખ બારાડી          એક પુરુષ-એક સ્ત્રી

દીવાલ                            સુભાષ શાહ              બે પુરુષ-એક સ્ત્રી

ઘર વગરના દ્વાર                   રવિન્દ્ર પારેખ            બે પુરુષ-એક સ્ત્રી

હેરપીન                            ઉત્તમ ગડા               એક પુરુષ- એક સ્ત્રી.

સ્પર્શ                               સોનલ વૈદ્ય              એક પુરુષ- એક સ્ત્રી.

                                                                                                        ( મહેમાન કલાકારો-નર્સ, વોર્ડબોય)

                                                                      સામગ્રી-સ્ટ્રેચર.

 આ નાટકો વાંચતાં વાંચતાં મારી દ્રષ્ટી સમક્ષ આપણા હ્યુસ્ટનના મુકુંદભાઇ ગાંધી, હેમંત ભાવસાર, ઉમાબેન નગરશેઠ, નિતીન વ્યાસ, ફતેહ અલી ચતુર, રક્ષાબેન પટેલ, દેવિકા અને રાહુલ ધ્રુવ જેવા કલાકારો તરવરતા રહ્યા હતા. હું જુવાન હતો ત્યારે કોઇ સારી નવલકથા વાંચુ ત્યારે એની પટકથા મારા માનસપટ પર અંકાવા લાગતી અને હું શેખચલ્લી બનીને વિચારતો કે જો હું આ કથા પરથી ફિલ્મ બનાવું તો આ પાત્રમાં સંજીવકુમાર, આ પાત્રમાં હેમા માલિની, આ પાત્રમાં બિન્દુડી (!) લઉં અને…પછી એ કથાને મારા મનમાં ભજવાતી જોતો. કહેવાની જરુર નથી કે એમાંના એકાદ પાત્રમાં હું મને ય ગોઠવી દેતો. અને બિન્દુ કે મુમતાઝ સાથેના પ્રણયદ્રશ્યો મનમાં ભજવતો. શ્રીરામ…શ્રીરામ….

ન્યુયોર્કના જાણીતા કલાકારો જલ્દી મારા માનસપટ પર નથી આવતા કારણ કે ઘણાં વર્ષોથી મેં આર.પી. શાહ, ભારતીબેન દેસાઇ કે રક્ષાબેન પંડ્યાને જોયા નથી. ઍટલે એમના ચહેરાઓ મને યાદ નથી આવતા. બાકી એ લોકો પણ સુપર્બ કલાકારો છે.

થોડા વર્ષો પહેલાં, હ્યુસ્ટનના વલ્લભ પ્રીતિ સેવા સમાજ ( પુષ્ટીમાર્ગીય હવેલી)ના ઉપક્રમે એક એકાંકી નાટક ભજવાવાનો પ્લાન થયેલો અને મેં યુવાન કલાકારોને લઈને પ્રેક્ટીસ પણ શરુ કરાવેલી ત્યારે પણ આવા જ કોઇ નાટકનું થીમ હું પણ શોધતો હતો.

આ લેખ હું કેટલાક નાટ્યપ્રેમી મિત્રોને મોકલી રહ્યો છું.

મિત્રો,  સારા નાટકો શોધવા માટે તમારે સાંજે જોબ પરથી છૂટ્યા બાદ અગર કોઇ શનિવારે ૫૦૦, મીકીની સ્ટ્રીટ પર ડાઉનટાઉનમાં આવેલી આ ભવ્ય લાયબ્રેરીની મુલાકાત લેવી જરુરી છે.ત્યાં, ફોરેઇન સેક્શનમાં, ગુજરાતી પુસ્તકોના ઘોડા પરથી આ પુસ્તકો શોધવાના. આ દેશમાં એટલી સરસ વ્યવસ્થા છે કે માત્ર તમારું ડ્રાયવર લાયસન્સ કે ફોટા સાથેનું કોઇ અધિકૃત ઓળખપત્ર બતાવો કે વિનામુલ્યે, ડીપોઝીટ વગર તમને પુસ્તકો આપે અને એ પુસ્તકો પાછા તમે શહેરની કોઇપણ લાયબ્રેરીની બ્રાંચમાં જમા કરાવી શકો. લાયબ્રેરીના દરવાજે મેટ્રોની છ બસો પણ આવે છે. હું પાર્કીંગના પૈસા બચાવવા, આ સિટી બસની ફ્રી સર્વીસનો જ લાભ લઊં છું. ( ફ્રી સર્વીસ માત્ર અમારા જેવા સીત્તેર વટાવી ગયેલાઓને જ મળે છે. બાકી સવા ડોલર ટીકીટ લાગે.)

હું, અઠવાડીઆના ત્રણ થી ચાર દિવસ, ચાર ચાર કલાક આ લાયબ્રેરીમાં વીતાવું છું પણ આજસુધીમાં મને એકેય ગુજરાતી વાંચક ત્યાં જોવા મળ્યો નથી.

શ્રીરામ..શ્રીરામ…

 

કોઇને કોઇ પ્રશ્ન હોય અથવા વધુ માહિતી જોઇતી હોય તો મારો, ઈ-મેઈલ મારફતે  સંપર્ક સાધી શકે છે. મોટેભાગે હું  લાયબ્રેરી કે મૂવી થિયેટરમાં સમય ગાળતો હોઉં એટલે ઘરના ફોન પર મળું નહીં અને સેલફોન ઉપાડવાની આદત નથી.ચાલુ કારે, થિયેટરમાં, મીટીંગમાં સેલફોન ઉપાડતો નથી. બેસ્ટ વે ટૂ કોન્ટેક્ટ મી ઇઝ ઇન્ટરનેટ.

‘શોલે’કી સ્કીટમેં નવીન બેન્કર

કીસી ઝમાનેમેં હમનેહ્યુસ્ટનમેં, ફિલ્મ  શોલે કી સ્કીટ કી થી, જિસમેં આપકા યે દોસ્ત નવીન બેન્કર કાલીયા બના થા ઔર ડાયલોગ બોલતા થા  –સરદાર,મૈંને આપકા નમક ખાયા હૈ

ઔર ગબ્બરસિંહ ( ગિરીશ નાયક ) કહેતા હૈ- તો અબ ગોલી ભી ખા ‘.ઔર…ઉસકી ગોલી ખાકર  મૈં -યાનિ કાલિયા- ગિર જાતા થા.

 કાલિયા- શ્રી,નવીન બેન્કર

 બસંતી- શ્રીમતી કીની                

વીરુ   – શ્રી.રાજુ ભાવસાર                        

 ગબ્બરસિંહ- શ્રી. ગિરીશ નાયક (FFOI વાળા)           

કાલિયાકે પ્રોડ્યુસર ઔર ડાયરેક્ટર થે  માસ્ટરજી યાનિ કી શ્રી.ઇન્દ્રવદન ત્રિવેદીજી-ગુરુજી

સસ્પેન્સ થ્રીલર નાટક ‘હેરાફેરી’ – અવલોકન

તારીખ ૨૯ જુને, હ્યુસ્ટનના જુના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરમાં, શ્રી. દિલીપ રાવલ લિખિત અને શ્રી.રસિક દવે અભિનીત-દિગ્દર્શિત કોમેડી-થ્રીલર હેરાફેરી‘  ભજવાઇ ગયું. લાગે છે કે શ્રી. રસિક દવેને હેરાફેરીશબ્દ ફળ્યો છે. ચારપાંચ વર્ષ પહેલાં, ‘હૈયાની હેરાફેરીનાટકનું દિગ્દર્શન તેમણે કરેલું અને એ નાટક પણ સફળ રહ્યું હતું.

હેરાફેરી‘  એક કોમેડી સસ્પેન્સ થ્રીલર છે. પરકાયાની હેરાફેરી..પરમાયાની હેરાફેરી…આત્માની હેરાફેરી..તકદીરની હેરાફેરી…

અહીં પણ પતિ,પત્ની ઔર વોની જ કથા છે. પ્રેયસીના નામે માલમિલ્કત, પૈસાટકાનું વસિયતનામુ લખી આપીને તથા પત્ની પાસેથી છેતરપીંડીથી છૂટાછેડાના કાગળ પર સહી કરાવી લઈને, એ જ રાત્રે હાર્ટએટેકથી અવસાન પામેલા પતિની જાળમાંથી બહાર નીકળવા મથતી પત્ની અને પત્નીનો ભાઈ રાજેન, પરકાયા પ્રવેશના જાણકાર એવા રમતારામ બાપુ પાસે જાય છે. આ બાવો મ્રુત શરીરમાં પરકાયાપ્રવેશ કરીને પેલું વીલ ફાડી નાંખવામાં તો સફળ થાય છે પણ પછી કથામાં નાટ્યાત્મક વળાંક ( TWIST ) આવે છે જે સૌને સ્તબ્ધ કરી મૂકે છે. એ પછી પણ બીજા બબ્બે વણાંકો આવે છે અને આ નાટકને ખરેખર સસ્પેન્સ થ્રીલરની કક્ષામાં લઈ જાય છે. લેખક અહીં રસ પડે એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે અને તેને પ્રેક્ષકોનો સાચો પ્રતિભાવ સાંપડે છે.એમાં દિગ્દર્શક રસિક દવેની સફળતા છે.રસિક દવે અવિનાશ વૈશ્નવી નામના સફળ શ્રીમંત બિઝનેસમેન અને અલગારી અલખ નિરંજની બાવાની બેવડી ભૂમિકા સૂપેરે ભજવી બતાવે છે.બન્ને પાત્રોની વિરોધાભાસી લાક્ષણિકતાઓને તખ્તા પર સ્વાભાવિકતાપુર્વક જીવંત કરી જાય છે.

અવિનાશની પત્નીનું પાત્ર ભજવતા બહેન છાયા વોરાની કાયા ભલે ભારે હોય પણ પાત્રને અનુરુપ જીવંત અભિનયથી પ્રેક્ષકોને હળવાફુલ રાખી શકે છે.

મહેશ ઉદ્દેશી અને લોપા શાહ પણ પાડોશી-દંપતિના પાત્રોમાં, પ્રસંગોપાત આવનજાવન કરીને હાસ્ય પુરુ પાડે છે.

કશ્યપ દેસાઇ પણ ડોક્ટર અને ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં પ્રસંગોચિત અભિનય કરી જાય છે.

આશીષ જાની ક્યારેક સોલિસીટર, ક્યારેક નંદન નામનો નોકર, ક્યારેક સાધુ જેવી ભૂમિકાઓમાં વેશપરિવર્તન કરી કરીને હાજરી પુરાવી ગયા.

અવિનાશના સાળા રાજેનના પાત્રમાં કોમેડી એક્ટરશ્રી. હરેશ પંચાલ પણ વિવિધ ફિલ્મી એક્ટરોની મીમીક્રી કરીને હળવી પળો પુરી પાડી ગયા.

નિષ્પન્ન થતા હાસ્યનો વ્યક્તિગત હિસ્સો જો ફાળવવાનો હોય તો શ્રી. હરીશ પંચાલને જ એનું શ્રેય આપવું રહ્યું.

પૂજા દમણીયા પણ સેક્રેટરી કમ પ્રેયસીની ચિત્તાકર્ષક ભૂમિકામાં ગ્લેમરસ રોલ ભજવી ગયા.

ઝડપી કાર્યવેગ, સંવાદોમાં સાતત્ય અને તેની અભિવ્યક્તિમાં સમયસુચકતા તથા દરેક પાત્રના મુખના ભાવો તેમ જ આંગિક અભિનય પરના પ્રભુત્વને   કારણે  આ નાટક રસ જાળવી રાખવામાં સફળ રહે છે. આખુ નાટક સાદ્યંત દિગ્દર્શક રસિક દવેના કાબુમાં રહે છે.સંવાદોની અભિવ્યક્તિ કે ચહેરાના હાવભાવમાં મુખ્ય ચારે ય પાત્રો ખુબ અસરકારક રહ્યા.

મને યાદ છે ત્યાં સુધી રસિક દવેને સૌ પ્રથમ નાટક આંખે કંકુના સુરજ આથમ્યામાં જોયા હતા. એ વખતે આ ફૂટડો ગોરો ગોરો , મીઠુ મીઠુ હસતો યુવાન હિન્દી ફિલ્મોના ભુતપુર્વ અભિનેતા રાજકિરણ જેવો લાગેલો.ત્યારપછી તો ઘણા ગુજરાતી નાટકો, સિરીયલો, ફિલ્મો વગેરેમાં આ કલાકારને અભિનયના અજવાળા પાથરતો જોયો છે. બી. આર. ચોપરાની મહાભારતસિરીયલમાં તેમણે ભજવેલું વસુદેવ (નોટ વાસુદેવ)નું પાત્ર તો અવિસ્મરણીય રહ્યું છે.

આવું સુંદર નાટક હ્યુસ્ટનની ગુજરાતી જનતા સમક્ષ રજૂ કરવા બદલ નમસ્કાર ગ્રુપના શ્રી. રાજેશ દેસાઇને અભિનંદન.

Navin Banker

http://navinbanker.gujaratisahityasarita.org/ Phone No: 713 771 0050

નારી ચાલીસા’- કોમેડી નાટક- અવલોકન

નારી ચાલીસા’- કોમેડી નાટક- અવલોકન

 

ગુજરાતી રંગભૂમિ પર વ્યવસાયી નાટકો આપી શકે તેવા નાટ્યલેખકો

નથી એવી ફરિયાદમાં અપવાદ ગણાય એવા લેખકોમાં ભાઇ અશોક

ઉપાધ્યાયનું નામ ગણી શકાય.વ્યવસાયી રંગભૂમિ પર સરળતાથી

 નભી શકે એવું મૌલિક નાટક તે નારીચાલીસા.પ્રેક્ષકોની રુચિ અનુસાર

 નાટકો આપી શકવાની પોતાની સજ્જતા અશોક ઉપાધ્યાયે પુરવાર

 કરી દીધી છે.નાટકના કથાવસ્તુમાં ખાસ કશું નવું નથી.એ જ પતિ-પત્ની…

એમાં વચ્ચે ‘વો’ તરીકે આવતી સેક્રેટરી. રુપાળી પત્ની હોવાં છતાં,

પરનારીની પ્રીતમાં ફસાતા પતિદેવને, મામા અને પત્ની કેવી રીતે

 સીધા રસ્તા પર લાવી દે છે એની કથા કહેતા આ નાટકમાં કેટલીક

રોમાંચક ક્ષણો પણ છે. લગભગ દરેક પુરુષના જીવનમાં  ક્યારેક ને

ક્યારેક  બનતી આવી ઘટનાઓ કે આવી ઉત્કટ ઝંખનાઓ પ્રત્યે લાલબત્તી

ધરતું આ નાટક, જોક્સ અને રમૂજી પ્રસંગોને  કારણે સતત હસાવતું રહે છે.

પુરુષસહજ નબળાઇઓને કેન્દ્રસ્થાને રાખીને, વિવિધ સીચ્યુએશન્સ ઉભી

 કરીને લેખકે રમુજી વાતાવરણ સર્જ્યુ છે. કથાનક અને સંવાદો, ભરપુર

શબ્દરમતને કારણે એકબીજાના પૂરક બનીને  સુંદર પ્રહસન બની રહે છે.

 સ્વાભાવિક રીતે જ નીતીન ત્રિવેદી, ભૂમિ શુક્લ અને અશોક ઉપાધ્યાય

અભિનયમાં  શ્રેષ્ઠ રહે છે.સમીરના પાત્રમાં આ નાટકના દિગ્દર્શક

શ્રી. પરીનભાઇ શાહ પણ પાત્રોચિત અભિનય કરી જાય  છે.બહેરા મામા

 અને મદ્રાસી નોકરની બેવડી ભૂમિકામાં લેખક અશોક ઉપાધ્યાય પણ

પોતાના મુક્ત અભિનયથી પ્રેક્ષકોને ખડખડાટ હસાવી શકે છે. ‘વો’ તરીકે

ધારિણી બાપટ, રચનાની ભૂમિકામાં દમદાર લાગે છે. નાટકની સાઉન્ડ

સીસ્ટમ શ્રી. હેમંત ભાવસાર, શ્રી.અમીત પાઠક અને શ્રી. સંજય શાહે

સંભાળી હતી. લેઉઆ પાટીદાર સમાજના પ્રેસિડેન્ટ શ્રી. અતુલ પટેલ

અને તેમની ટીમે કાર્યક્રમને સફળ બનાવવામાં ખુબ પરિશ્રમ ઉઠાવ્યો

 હતો. રાધિકા ફિલ્મ્સ એન્ડ વિઝનોટેકવાળા  શ્રી.અજય શાહના પ્રોડક્શનનું

આ નાટક શ્રી. પરીન  શાહે લેઉઆ પાટીદાર સમાજ માટે  હ્યુસ્ટનના

સ્ટેફોર્ડ સિવીક સેન્ટરમાં તારીખ ૩૦મી જુને પ્રસ્તુત કર્યું હતું.

                                                               Navin Banker

http://navinbanker.gujaratisahityasarita.org/

Phone No: 713 771 0050

 

નાટ્યવિષયક સંસ્મરણો- (૩)

નાટ્યવિષયક સંસ્મરણો- (૩)

આજે ત્રણ નાટકોની વાત માંડવી છે. આ ત્રણે નાટકો આપણા હ્યુસ્ટનના જ એક કલાકારે પ્રોડ્યુસ

કરેલા. એમનું  મૂળ નામ તો છે-શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદી, જે અત્યાર સુધી માસ્ટરજી‘, ‘ગુરુજી

જેવા નામે ઓળખાત હતા અને કુચિપુડી, ભરતનાટ્યમના વર્ગો ચલાવતા હતા. નાના

બાળકોને ફિલ્મી ગીતોની કોરીયોગ્રાફી કરીને ખાસ પ્રસંગે રજૂ કરવાના ગીતો તૈયાર

કરાવતા હતા. ન્રુત્યવિષયક એક ફાઇન કલાકાર. આજે હિલક્રોફ્ટ વિસ્તારમાં મદનધામ

 ચલાવે છે અને પોતાને દેવજી પ્રભુતરીકે ઓળખાવે છે.આ માણસે પંદરેક વર્ષ પહેલાં

શોલેપિકચરની સ્કીટ ભજવેલી.જેમાં મને કાલિયાનો રોલ આપેલો. શોલેનો પેલો

ડાયલોગ યાદ છે ને ?સરદાર..મૈંને આપકા નમક ખાયા હૈ.‘ ‘તો…અબ. ગોલી ભી ખા

 અને..ગબ્બરસિંગની ગોળી ખાઇને કાલિયાના  રામ બોલો ભાઇ રામ થઈ ગયા હતા.

એ ભૂમિકા મેં કરેલી.ગબ્બર્સીંગના રોલમાં શ્રી. ગિરીશ નાઈક, ધર્મેન્દ્રવાળા વીરુના

રોલમાં .ICCના પ્રેસિડેન્ટ શ્રી. રાજુ ભાવસાર અને હેમા માલિનીવાળા બસંતીની

ભૂમિકા ભજવનાર રુપાળી  છોકરીનું નામ આજે યાદ આવતું નથી. આ ચારે ય ની

તસ્વીર આ સાથે એટેચ કરી છે.બીજુ નાટક હતું મહાભારત‘. આમાં તો આપણા

મુકુંદ ગાંધી ભિષ્મ પિતામહ બનેલા.  સંગીતકાર-ગાયક શેખર પાઠકે કનૈયાની મોહક

ભૂમિકા ભજવેલી  અને સ્ટેજ પર રાસલીલા કરેલી.આપણા લાડીલા હેમંત ભાવસારે

વિદુરજીનો રોલ કરેલો. હમણાં હું રીટાયર થયોનાટકમાં   સરકારનો હ્રદયસ્પર્શી

 અભિનય કરીને શ્રોતાઓની આંખો ભીની કરી જનાર આપણા રક્ષાબેન પટેલે ગાંધારી

નો અભિનય  આંખે પાટા બાંધીને કરેલો.રક્ષાબેનના દેરાણી સરોજબેન પટેલે પણ

એક ભૂમિકા કરેલી. અને..કુંતીની યાદગાર ભૂમિકામાં  રાગિણીબેન ભટ્ટ  હતા. મેં કૌરવોના

 આંધળા બાપ ધ્રુતરાષ્ટ્રની ભૂમિકા કરેલી. આ નાટકની  તસ્વીરો અહીં એટેચ કરી છે.

અને..માસ્ટરજીનું ત્રીજુ સર્જન તે મુઘલે આઝમજેમાં પોતે શહેનશાહ અકબર બનેલા

 અને હું ફિલ્મમાં અજીતવાળી ભૂમિકા-દુર્જનસીંગ- કરતો હતો. આ સાથે એટેચ કરેલી

તસ્વીરમાં અનારકલી, દુર્જનસીંગ (નવીન બેન્કર), શહેનશાહ અકબર ( માસ્ટરજી)

અને શાહ્જાદા સલીમ બનત કલાકારને જોઇ શકાય છે.

Navin Banker

http://navinbanker.gujaratisahityasarita.org/

Phone No: 713  771  0050

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.