એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2015 (Page 3)

બેલેન્ડપાર્કના બાંકડેથી શ્રી. નવીન બેન્કર

 બેલેન્ડપાર્કના  બાંકડેથી           શ્રી. નવીન બેન્કર

 
બે માસથી ઇન્ડિયા ગયો હતો  એટલે  મારા વગર  બેલેન્ડપાર્કનો  બાંકડો સૂનો પડી ગયો હતો. આ વખતની મીટીંગમાં, ફિલ્મી સંગીત કે એવું કાંઇ ન હતું. યોગા અને એક્સરસાઇઝ જેવા શુષ્ક  વિષયો હતા એટલે મારા જેવા કેટલાક વયસ્ક મિત્રોએ બહાર બાંકડા પર અડીંગા જમાવ્યા હતા. આ વખતે અમારા એક મિત્ર શાંતિલાલને ન જોતાં, મેં અન્ય મિત્રોને તેમના ક્ષેમકુશળ પુછ્યા તો જાણવા મળ્યું કે શાંતિલાલ આજકાલ તેમની એક નવી સ્ત્રીમિત્ર સાથે મૂવી, નાટકો અને સંગીતના કાર્યક્રમોમાં જતા દેખાય છે.
 
આ શાંતિલાલ એટલે પેલા ‘ગરોળીવાળા શાંતિલાલ’ નહીં, હોં ! 
 
 હમણાં જ એમણે બાસઠ વર્ષ પુર્ણ કર્યા છે અને સંસ્થાના નિયમ મુજબ તેમને સભ્યપદ મળ્યું છે. દર મહિનાના ત્રીજા શનિવારે સવારથી સાંજ સુધી,બસમાં પિકનિક પર જવા મળે એટલે સભ્ય થયા છે. બાકી એમને મીટીંગ કરતાં, બાંકડે બેસીને ફડાકા મારવામાં વધુ રસ હોય છે. મારી સાથે એમને વધુ બને છે એટલે અમે પેટછૂટી વાતચીત કરી લઈએ.
 
આ શાંતિલાલને ૪૦ વર્ષનું લગ્નજીવન છે. ચાર યુવાન બાળકો છે. પત્ની બિચારી સીધી સાદી, ભલી-ભોળી અને ધર્મપરાયણ સ્ત્રી છે. એ સિનીયર્સની મીટીંગ-બીટીંગમાં કદી આવતી નથી. શ્રીનાથજીની હવેલી સિવાય એ ક્યાંય જાય નહીં. બધે શાંતિકાકા એકલા જ દેખાય. અમે શાંતિલાલની આ અંગે મજાક ઉડાવીએ.
 
હજી તો એમની વાત શરુ કરી ત્યાં તો શાંતિલાલ દેખાયા. આજે શાંતિલાલ, રાજેશ ખન્નાની જેમ ઝભ્ભો અને પેન્ટ પહેરીને આવેલા. એનું કારણ પુછતાં એમણે કહ્યું કે પ્રોસ્ટેટની તકલીફને કારણે   ‘ત્રીજી ધારના લીકીંગ પ્રોબ્લેમ ‘ ને કારણે ઝભ્ભો પહેરવો શરુ કર્યો છે જેથી….. ( યુ નો વોટ આઇ મીન ! ) 
 
આડીઅવળી વાત કર્યા વગર, અમે એમની નવી સ્ત્રીમિત્ર અંગે જ પૃચ્છા કરી દીધી તો જાણવા મળ્યું કે એમને લગભગ તેમની જ ઉંમરની એક સ્ત્રી સાથે નવી નવી દોસ્તી થઈ છે. તે ડાયવોર્સી છે, એકલી જ રહે છે. જોબ કરે છે. લગ્નોત્સુક પણ છે. ફિલ્મો, નાટકો અને સંગીતની શોખીન પણ ખરી. આવા જ કોઇ પ્રોગ્રામમાં તેને એકલા શાંતિલાલ ભટકાઇ ગયા હતા અને બન્ને વચ્ચે દોસ્તીના અંકુર ફુટ્યા હતા. ઘણાં પ્રોગ્રામોમાં બન્ને સાથે દેખાતા હતા.
 
શાંતિલાલના કહેવા પ્રમાણે તેમની મિત્રતા , માત્ર મિત્રતા જ છે. એમાં ક્યાંય સેક્સની વાત જ નથી. પોતે હજી એનો સ્પર્શ સુધ્ધાં કર્યો નથી. જસ્ટ સુખદુઃખની વાતો અને સાહચર્ય..
 
આ અંગે, અમારે મિત્રોમાં જે ચર્ચા થઈ એનું વિષ્લેષણ આ પ્રમાણે છે-
 
સ્ત્રીપુરુષ મિત્રો વચ્ચે, શારીરિક સંબંધો વગર, માત્ર લાગણીની લેવડદેવડના સંબંધો યુવાનીમાં તો શક્ય નથી જ હોતા. સ્ત્રીઓમાં મેનોપોઝ અને પુરુષોમાં પ્રોસ્ટેટની તકલીફો પછી કદાચ આ શક્ય બને. બાકી આવી મૈત્રિમાં શારીરિક આકર્ષણનો અન્ડરટોન રહેવાનો જ. આ અન્ડરટોન ક્યારે ઉછાળો મારે એ કહેવાય નહીં. તમને કોઇ  વિજાતિય વ્યક્તિ ગમી જાય કે એને જોઇને ‘કીક’ લાગે ત્યારે જ તમને એની સાથે વાત કરવાનું કે પરિચય કરવાનું મન થાય છે ને ? કોઇ મણીબેન કે મંછામાસીની સાથે દોસ્તી કરવાની ઇચ્છા કેમ નથી થતી ?  ત્યાં તો શાલિનતાપુર્વક ‘ જેસી કરસન’ કરીને બે હાથ જોડી દેવાય છે. ખરું ને ? સામાજિક ડર કે અંગત માન્યતા અગર અન્ય કારણોસર તમે આગળ ન વધી શકો પણ મનની અંદર તો આકર્ષણનો ભોરીંગ ફુંફાડા મારતો જ હોય છે.
 
કોઇ અંગ્રેજી ફિલ્મમાં, એક સ્ત્રી પાત્ર કહે છે કે- જે સ્ત્રી આકર્ષક લાગતી હોય એની સાથે પુરુષ  વિશુધ્ધ મૈત્રિસંબંધ  રાખી શકે જ નહીં. માત્ર જેના માટે આકર્ષણ ન હોય કે થવાની શક્યતા પણ ન હોય એવી જ સ્ત્રી સાથે એવી કહેવાતી વિશુધ્ધ મૈત્રિ શક્ય છે.
 
વિશુધ્ધ મૈત્રી એટલે  પ્રથમ પરિચય અને પ્રથમ કીસ વચ્ચેનો સમયગાળો.
 
શાંતિલાલને કલાવી કલાવીને પુછતાં એમણે એટલું તો સ્વીકારી લીધું હતું કે હા ! પોતે હજુ એનો સ્પર્શ કર્યો નથી. પણ ક્યારેક ફિલ્મમાં કે કારમાં વાતચીત દરમ્યાન તેમને ય પેલા ‘હેગા’ તો આવી જ જાય છે. પણ પોતે પરિણિત છે, જુવાન સંતાનોના બાપ છે, વર્ષોનું દામ્પત્યજીવન છે એટલે આગળ વધીને આ ઉંમરે, કોમ્લીકેશન કરવાની પોતાનામાં હિંમત નથી.
 
અમારા એક ટીખળી મિત્રએ તો શાંતિલાલને પુછી નાંખ્યું-‘ શાંતિભઈ, સાચું કહેજો, કેન યુ  પરફોર્મ એટ ધીસ એઇજ ?’… અને શાંતિભાઇ તતપપ થઈ ગયા હતા. ટૂંકમાં, આત્મવિશ્વાસના અભાવે પણ પુરુષ આગળ વધી શકતો ન હોય એવું યે બને.
 
શાંતિભાઈ અને સપનાબેને ( આપણે એ બહેનને સપના કહીશું )એમના રિલેશનશીપની બાઉન્ડરી બાંધી લીધી છે. કઈ બાબત વિશે વાત નહીં કરવાની અને ભવિષ્યની ઇમોશનલ પળોમાં પણ શારીરિક સ્પર્શ નહીં જ કરવાનો એવી મર્યાદા બાંધી લીધી છે. આવા સંબંધો, સભાનતાપુર્વક કેળવી શકાય અને વિકસાવી શકાય. જે પળે એ સભાનતા છૂટી જાય એ પળે એ સંબંધો પણ તૂટી જ જાય. સપનાબેન લગ્નોત્સુક છે, પણ આ ઉંમરે એમની સાથે લગ્ન કરવા તૈયાર થાય એવો પુરુષ ક્યાંથી મળે ? છૂટાછેડા લીધેલો પુરુષ તો દુધનો દાઝેલો હોય એટલે સો ગળણે ગાળીને પાણી પીએ ને ? વળી મહાપરાણે કોર્ટકચેરીમાં અને ભરણપોષણના કમીટમેન્ટમાંથી છૂટ્યો હોય એ પાછો આ લપમાં પડવા તૈયાર થાય ખરો? પાશેર દુધ પીવા માટે ઘેર ગાય બાંધવાની જરુર ખરી ? સાઇઠ વર્ષ સુધી અપરિણિત રહ્યો હોય એના પૌરુષ અંગે પરણનાર સ્ત્રી ભરોસો મૂકે ?
 
આવતા અંકે આપણે બીજા એક શાંતિલાલની રમૂજી વાત કરીશું.
 
નવીન બેન્કર  – ૬ એપ્રિલ ૨૦૧૫
 
 

કશુંક ભાળી ગયેલો માણસ- સોક્રેટીસ ( નાટ્ય અવલોકન ) રજુઆત- શ્રી. નવીન બેન્કર

કશુંક  ભાળી ગયેલો  માણસ-   સોક્રેટીસ  ( નાટ્ય અવલોકન )     રજુઆત- શ્રી.  નવીન બેન્કર

 

માર્ચ, ૨૦૧૫માં, અમદાવાદના એચ. કે. આર્ટ્સ કોલેજના નવા ઓડીટોરીયમમાં, હ્યુસ્ટનના સિનિયર સિટીઝન્સ એસોસિયેશનના ભૂતપુર્વ પ્રેસિડેન્ટ શ્રી. હસમુખ પટેલ અને મારા મિત્ર અને અભિનેતા શ્રી. કુમુદ રાવલના સૌજન્યથી, મને  આ નાટકના દિગ્દર્શક શ્રી. રાજુ બારોટ તરફથી આ ઐતિહાસિક નાટક જોવાનો અવસર પ્રાપ્ત થયો હતો.
 
જે લોકો ગ્રીક તત્વચિંતક સોક્રેટીસની કથા જાણતા હોય, ઇસ્વીસન પૂર્વેની  ચોથી સદીના એથેન્સનો ઇતિહાસ જાણતા હોય, ગ્રીક સામ્રાજ્ય, તેના ગણરાજ્યોના સત્તાકારણ અને લોકશાહી માટેના પ્રયાસો અંગે જાણતા હોય એ લોકો  જ આ નાટકને સારી રીતે માણી શકે એવું આ નાટક હતું.લગભગ  ૪૦૦ પાનાની દર્શકની સાહિત્યકૃતિને બે કલાકની નાટ્યકૃતિમાં રુપાંતરિત કરી છે શ્રી. ભરત દવેએ. ચૌદ દ્રષ્યો અને પાંચ વૃંદગાનમાં ઘટનાઓ દર્શાવાય છે. મુખ્ય ભૂમિકામાં ખ્યાતનામ વૈદ્યરાજ શ્રી. પ્રવિણ હીરપરા સોક્રેટીસની ભૂમિકા ભજવે છે. તેની પત્ની ઝેન્તેપીના પાત્રમાં દીપ્તિ જોશી અભિનયના અજવાળા પાથરે છે.
 
અદાલતના સમૂહ દ્રષ્યો ખુબ અસરકારક રહ્યા.  ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટવાળા શ્રી, ઇકબાલ પટેલ, ગોપાલ બારોટ, મૌલિક પાઠક, આ દ્રશ્યોમાં શોભતા હતા.  એથેન્સના ધનાઢ્ય ઘાતકી રાજપુરુષ એનેટ્સના પાત્રમાં શ્રી. નિસર્ગ ત્રિવેદી  અને ધૂર્ત મુત્સદ્દી તરીકે હેમન્ત સોની તથા સ્પાર્ટાના રાજા એજીસના પાત્રમાં શ્રી. ધ્રુવ ત્રિવેદી પણ તેમની ભૂમિકા સૂપેરે ભજવી ગયા. નાટકમાં સ્થિતિ અને ગતિ બન્ને અનુભવી શકાતા હતા. ગ્રીક વેશભુષા, પગરખા, બખ્તર, ભાલા , અસરકારક રહ્યા. સફરજન અને દ્રાક્ષનો આસવ, ઓલીવની વાડીઓ, મધ અને જવનો રોટલો, જેવા ઉલ્લેખો ગ્રીસની ભૂમિ ઉભી કરવામાં સફળ રહ્યા. નાટ્યપ્રયોગની મર્યાદાઓ તેની ઉત્કૃષ્ટતા સામે ઢંકાઇ જતી હતી. નાટકના અંતે ગ્રીન રુમમાં જઈને મેં દિગદર્શક શ્રી. રાજુ બારોટ અને સોક્રેટીસ બનેલા વૈદ્ય પ્રવિણ હીરપરા સાથે તસ્વીર ખેંચાવી હતી ,જે આ સાથે એટેચ કરી છે.
 
 આ નાટક એક વિશિષ્ટ કહી શકાય તેવું નાટક છે, જેના રીપીટ પ્રયોગો ટીકીટબારી પર સફળ ન થાય. આ નાટક પણ ‘ ક્લાસ’ માટેનું નાટક છે.  ‘માસ’ માટેનું નથી. જે લોકોને સાહિત્ય, ઇતિહાસમાં રસ હોય એવા બુધ્ધીજીવીઓ માટેનું નાટક છે. 
 
હ્યુસ્ટનમાં ‘નમસ્કાર’ વાળા રાજેશભાઇ આ નાટક લાવે તો લોકો પૈસા પાછા માંગે. હેમન્ત ભાવસાર, ઉમા નગરશેઠ, શ્રી. કીરીટ મોદી, નિતીન વ્યાસ કે મુકુંદ ગાંધી જેવા જ માણી શકે એ ટાઇપનું આ નાટક છે. આપણું ‘કલાકુંજ’ ભજવી શકે એ ટાઇપનું આ નાટક નથી જ.
  રજૂઆત- નવીન બેકર    
લખ્યા તારીખ- ૨૦ એપ્રિલ ૨૦૧૫
***************************************************************
Navin Banker  (713-818-4239)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
Ek Anubhuti : Ek Ahesas.

Kindly remove my name and    address before forwarding this e-mail. We    have no control over who will see forwarded messages! This keeps all our    Personal Contacts lists Private and Stops Intruders & Spammers.

 

ઓહ….અમેરિકા !! (વાર્તા) -નવીન બેન્કર-

August 28th, 2015 Posted in ટૂંકી વાર્તાઓ
ઓહ….અમેરિકા !!                 -નવીન બેન્કર-
 
અમેરિકા આવનાર દરેક સ્ત્રીલોલુપ રસિક પુરુષનું એક સ્વપ્ન હોય છે- ગોરી ચામડીવાળી અમેરિકન કે મેક્સીકન છોકરી સાથે મજા કરવાનું.
 
કેટલાકને આ વિધાન અતિશયોક્તિભર્યું લાગશે. કેટલાક નાકનું ટેરવું ચડાવશે કેટલાક ચોખલિયાઓ ‘અશિષ્ટ’, ‘અભદ્ર.’…એવો ચિત્કાર કરી ઉઠશે એ હું સમજું છું.
પણ, મેં ‘દરેક પુરુષ’ કે ‘દરેક રસિક પુરુષ’ એવો શબ્દપ્રયોગ નથી કર્યો, હોં !  આગળ ‘સ્ત્રીલોલુપ’ એવો શબ્દ પણ લખ્યો છે એની નોંધ લઈને પછી જ આ રસિક લેખ વાંચશો.
 
આજે , જે બે કિસ્સા લખવા છે તે મારા ફળદ્રુપ (!) ભેજાની પેદાશ નથી. પણ ૧૯૯૬માં, હ્યુસ્ટનના ‘હ્યુસ્ટન ક્રોનિકલ’ જેવા લબ્ધ પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબાર અને ‘ નયા પડકાર’ ના શુક્રવાર તારીખ ૨૮ જુન ૧૯૯૬ ના અંકમાં પ્રસિધ્ધ થયેલા, બે લેખોના આધારે આ માહિતી આપને જણાવું છું- અલબત્ત, રજૂઆત અને ભાષા મારી આગવી છે.
 
હાં…તો, દરેક સ્ત્રીલોલુપ રસિક પુરુષ હંમેશાં, ગોરી ગોરી, લીસી લીસી, ઉંચી, પાતળી સ્ત્રીને ઇચ્છતો હોય છે. અને…અમેરિકા ફરવા આવનાર મોટી ઉંમરના વડીલ પુરુષો પણ  પોતાના પુત્ર કે જમાઇને   કોઇ  ‘અવેઇલેબલ ગોરી’ અંગે પુછી ના શકે એટલે ક્યારેક કોઇ સિનિયર્સની મીટીંગમાં જાય અને હમવયસ્ક રસિક મિત્ર સાથે પરિચય થાય તો પુછી લે કે- ‘બાપુ… તમારે અમેરિકામાં  કોઇ  ‘ગોરી’ અવેઇલેબલ ખરી ?’   અને પછી, બીતાં બીતાં, કોઇ ગુનો કરી રહ્યાના ભાવ સાથે ન્યૂયોર્કની ૪૨મી ગલી કે ફીફ્થ એવન્યૂની ૨૮મી ગલીના આંટા મારતા હોય. હ્યુસ્ટનના હીલક્રોફ્ટ વિસ્તારની ગમે તે ક્લબમાં, રાતના દસ વાગ્યા પછી જાવ તો તમને આવા રસિક પુરુષો મળી જ રહેવાના.
 
સામાન્ય રીતે, અમેરિકામાં ગોરી ચામડીવાળી સ્ત્રીઓનો સહવાસ મેળવવો એ કોઇ પ્રોબ્લેમ નથી હોતો. મેક્સીકોમાંથી ગેરકાયદેસર ઘુસી ગયેલી અને પટેલોની મોટેલોમાં ચાદરો બદલનારી કે સંડાસ સાફ કરનારી  ગોરી મેક્સીકનો કે  ક્લબોની બાર ટેન્ડરો તરીકે કામ કરનારી ગોરી સ્ત્રીઓ મળી શકે- જો તમે સહેજ વાચાળ, હિંમતવાન અને આંખમાં આંખ પરોવીને મક્કમતાપુર્વક, શિષ્ટ રીતે પ્રપોઝ કરવાની આવડત અને ક્ષમતા ધરાવતા પુરુષ હો તો.
 
ઝાકઝમાળ રોશનીથી ઝગમગતી ગમે તે ક્લબમાં રાત્રે જઈ, એકાદ પેગ હાથમાં રાખીને, પગ પર પગ ચડાવીને  એકલી અટૂલી બેઠેલી કોઇ સુંદર ગોરી યુવતીને ટેક્ટફુલી એપ્રોચ કરીને તમે ગણત્રીની મીનીટોમાં જ તમારા એપાર્ટમેન્ટ પર કોફી પીવડાવવા (!) લઈ જઈ શકો છો.
 
હા…એપાર્ટમેન્ટ પર લઈ જવાની વાત આવી એટલે એક ઘટના યાદ આવી ગઈ.
 
હ્યુસ્ટન ક્રોનિકલ નામના એક સુપ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારમાં, નામ-ઠામ અને ફોટા સહિત છપાયેલ એક સત્ય ઘટના છે. જાવેદમિંયા યુવાન છે, હેન્ડસમ છે અને એકલા જ છે.ક્લબોમાં જઈને સ્મય બગાડવા કરતા, ડેટીંગ સર્વિસમાં ફોન કરીને તેમણે લીન્ડા નામની એક ‘ધોળી’નો સંપર્ક સાધ્યો. ખાસ્સી પચ્ચીસ મીનીટ સુધી પ્રેમાલાપ કર્યો. ફોન પર જ ‘આપ કેવી સ્ટાઇલમાં કે કયા આસનમાં જાતીય આનંદ માણવાનું પસંદ કરશો ? એવા સવાલનો રસિક જવાબ પણ તેમણે આપ્યો હતો. અને પોતાના એપાર્ટમેન્ટનું સરનામુ આપ્યું હતું. થોડી જ વારમાં લીન્ડા એપાર્ટમેન્ટ પર પહોંચી ગઈ અને જાવેદમિંયાને ખુબ મજા કરાવી. બીજી મુલાકાત વખતે  એ પોતાની સહેલીને લઈને આવી. જાવેદમિંયાએ દરવાજાની મેજીક આઇ માં થી જોયું તો એકને બદલે બબ્બે રૂપાળી લલનાઓને જોઇ, ખુશ થતાં થતાં દરવાજો ખોલીને બન્ને રૂપાળીઓને ઘરમાં દાખલ કરી. બીજી જ પળે પેલી રૂપાળીએ પિસ્તોલ કાઢીને તેના લમણામાં અડકાડી દીધી.  બીજીની મદદથી  જાવેદમિંયાના મ્હોં પર ટેપ લગાડીને હાથપગ બાંધી દીધા અને ખુણામાં પોટલુ બનાવીને ફેંક્યો. પછી ઘરમાંથી કેમેરા, રાચરચીલુ, ને રોકડ મળી લગભગ ચૌદ હજાર ડોલરની માલમતા સાથે છૂ થઈ ગઈ. પાછળથી જાવેદમિંયાએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે તપાસ કરીને, બન્ને જણીઓને પકડીને જેલ ભેગી કરી હતી.
 
આ તો જાવેદમિંયાના સદનસીબે એ બચી ગયા. બાકી, આવા કિસ્સામાં તો લમણામાં ગોળી ધરબી દઈને સાક્ષી-પુરાવાનો નાશ જ કરી નાંખવામાં આવતો હોય છે. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી.
 
બીજો એક કિસ્સો તો એનાથી ય વધુ રસિક છે. ‘ નયા પડકાર’ના ૨૮ જુન, ૧૯૯૬ના અંકમાં આ છપાયેલો કિસ્સો.એક મોટી ઉંમરના વિધુર  ગુજરાતી કાકાનો છે. આપણે તેમનું નામ નથી જાણવું. કાકા પોતાની દીકરી, જમાઇ, અપરિણિત દીકરા અને પૌત્રો સાથે  હ્યુસ્ટનના એક ઇન્ડીયન-પાકિસ્તાની કોમ્યુનિટી ધરાવતા એપાર્ટમેન્ટ કોમ્લેક્સમાં રહે છે. ભાડુ બચાવવા, આ બધા ભારતના સંયુકત કુટુંબ ની જેમ, બે બેડરુમના એપાર્ટમેન્ટમાં સાંકડે માંકડે પડ્યા રહેતા. કાકા સાંજે જોબ પરથી ઘેર પાછા ફરતાં, એપાર્ટમેન્ટના સીક્યોરીટી ગેટ પર મશીનમાં કાર્ડ ભરાવીને દરવાજો ખોલવા જતા હતા ત્યાં જ એક રૂપાળી લલનાએ આવીને કહ્યું- ‘હા…ય..’.
 
કાકા પાણી પાણી થઈ ગયા
.
મોટી ઉંમરના વિધુર કાકા સમજી ગયા કે ધોળી અવેઇલેબલ છે. એમણે સમય બગાડયા વગર સીધુ જ પુછ્યું- ‘ હાઉ  મચ ?’
 
ધોળીએ કહ્યું- ‘મે આઇ કમ ઇન, ઇન યોર કાર ? વી મે ટોક કમફર્ટેબ્લી.’
 
કાકાએ તેને પેસેન્જર સીટ પર બેસાડી દીધી અને ગાડી રીવર્સમાં લીધી. દીકરી, જમાઇ અને પૌત્રોથી ભર્યાભાદરા ઘરમાં તો ધોળીને લઈ જવાય તેમ ન હતી અને ધોળી પાસે પોતાની જગ્યા ન હતી એટલે એવું નક્કી થયું કે કોઇ એકાંત, અંધારા પાર્કીંગ પ્લોટમાં કાર પાર્ક કરી, સીટ જરા પાછળ કરીને, ‘બ્લો જોબ’થી જ સંતોષ માનવો. હવે મને કોઇ પુછશો નહીં કે ‘આ ‘બ્લો જોબ’ એટલે શું ?’ અશિષ્ટ ભાષાપ્રયોગ કર્યા સિવાય એનો અર્થ સમજાય નહીં એટલે જેઓ એનો અર્થ સમજતા હશે તે સમજી જશે .
 
એકાંત પાર્કીંગ લોટમાં કાર પાર્ક કરીને વિધુર પટેલબાપાએ પોતાની સીટ ઢળતી કરી અને આંખો મીંચીને, ‘સુખ’ માણવાની તૈયારી કરી ત્યાં તો…તેમના ગળા પર છરીની અણી દાબીને પેલી ‘માયા’ બોલી-‘ ચુપચાપ ખિસ્સા ખાલી કરીને મારે હવાલે કરી દો..નહિંતર ગળુ કાપી નાંખીશ…’  ( અલબત્ત, આ વાર્તાલાપ અંગ્રેજીમા થયેલો પણ આપણે પટેલબાપાના સગાવહાલા સમજી શકીએ એટલે ગુજરાતીમાં લખું છું. )
 
કાકાની બધી ઉત્તેજના ઓસરી ગઈ.
 
ક્રેડીટકાર્ડ સહિતનું પાકીટ ચુપચાપ તેણીને આપી દીધું. પેલી જતાં જતાં, પટેલબાપાનું પેન્ટ ઉતારીને પ્લાસ્ટીકની થેલીમાં ભરીને લઈ ગઈ અને થોડેક છેટે જઈને ગારબેજ કેનમાં નાંખીને ત્યાં પાર્ક કરેલી પોતાની કારમાં બેસીને છટકી ગઈ.
 
કાકા શરમજનક  સ્થિતિમાં  ઘેર આવ્યા. સાચી વાત તો કહી શકાય તેમ ન હતી એટલે ‘કોઇ કાળીયો ગન બતાવીને લૂંટી ગયો’ એવી કલ્પિત વાત કરીને લોકોની સહાનુભૂતિ મેળવી.
 
આમ તો આ વાતનો અહીં અંત આવી જાય. પણ ના…
 
એ કોમ્પ્લેકસમાં જ રહેતા એક  ‘દેશી’ સીક્યોરી ગાર્ડે, પટેલબાપાને એકલા મળ્યા ત્યારે  કહ્યું- ‘ કાકા…ગૂનો થાય એટલે કોઇ કાળિયાએ કર્યો એવી વાતો ફેલાવવાની હવે બંધ કરો. તમે એકલા આવી રીતે લૂંટાયા નથી. ઘણાં બધા લૂંટાયા છે અને પોલીસે ગુનેગારોને પકડ્યા પણ છે. પોલીસ ગૂનાની મોડસ ઓપરેન્ડી પરથી આ વિસ્તારની લૂંટારુ લલનાઓને ઓળખી કાઢે છે. પોલીસ ફરિયાદ કરશો તો પોલીસ તમારુ પાકિટ મેળવી આપશે.’
 
પણ કોઇ  કુટુંબકબીલાવાળો ગુજજુ માઈનો લાલ આવી ફરિયાદ કરવાની હિંમત કરે ખરો ?…. શ્રીરામ..શ્રીરામ…
 
હિલક્રોફ્ટ વિસ્તારના એક સ્ટોર પર સાંજે સ્ટોર બંધ થવાના સમયે એકલા મિત્રો ભેગા થઈને, ટોળટપ્પા કરતા હોય એને અહીં ‘કડીયાનાકા’ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં આવી બધી માહિતી મળી રહે. મંદીરોના બાંકડે પણ આવું બધું જાણવા મળે.
 
‘આહ…અમેરિકા’ નો લ્હાવો માણવા જતાં, ક્યારેક ‘ઓહ..અમેરિકા !’ કરીને ચિત્કાર પણ કરવો પડે, હોં !
 
નવીન બેન્કર.

નીલે ગગન કે તલે / મધુ રાય

દિવ્યભાસ્કરકળશ પૂર્તિજૂન ૧૭૨૦૧૫
નીલે ગગન કે તલે / મધુ રાય ૭૪૭ શબ્દો
કોઈ કહે ચાંદ કોઈ આંખ કા તારા
પહેલાંના જમાનામાં ‘સંતોષી માનાં પોસ્ટકાર્ડ સર્કયુલેટ થતા હતાંઆજના જમાનામાં ભારતને––કે હિન્દુ ધર્મને––શ્રેષ્ઠ પુરવાર કરતા ઇમેઇલ ચકરાવા મારે છે. ‘અગર હિન્દૂ ધર્મ બુરા હૈ તો ક્યોં જુલિયા રોબર્ટ્સને હિન્દૂ ધર્મ અપનાયા હૈઔર કયોં રોજ મંદિર જાતી હૈઇન્ડોનેશિયા કે રૂપયોં કી નોટોં પર ક્યોં ગણેશજી કા ચિત્ર હૈ?’ જેવા તદ્દન સિરપૈર વિનાના ઇમેઈલ ફરતા  રહે છે જાણે હિંદુ ધર્મ વિશ્વની શ્રેષ્ઠ ચીજ છેઅને ભારત મહાસત્તા હતીછેઅને ચિરકાળ રહેશે મૂર્ખ વક્રચંદ્ર શેખીખોરો સાચા ભારતની વાસ્તવિક કંગાલિયત સામે આંખે અતીતના પાટા બાંધીને ફરે છે કેમકે ભારતનાં શહેરો દૂષિત હવાથી ખદબદે છે અને વસતીનો એક રાક્ષસી હિસ્સો હીનમાનવ બસ્તીઓમાં શ્વાસ લે છેસંતાનો જણે છેઅને મરે છે.
આવાં ખારાં વચન બોલવાનું નિમિત્ત છે દિલ્હીના પ્રદૂષણ વિશે ન્યુ યોર્ક ટાઇમ્સના સંવાદદાતા ગાર્ડિનર હેરિસે એક હૃદયમાં ઉઝરડા કરે એવો લેખ લખ્યો છેએનો સાર છે કે “…ન્યુ યોર્ક ટાઇમ્સના સંવાદદાતા તરીકે મારી બદલી દિલ્હી થઈ ત્યારે અમને ખબર હતી કે ત્યાં જીદ્દી ભિખારીઓ છેડેન્ગૂ છે૧૨૦ ડિગ્રી ગરમી છેપણ અમને ધીમે ધીમે સમજાયું કે દિલ્હીનો સૌથી મોટો ખતરો છેતેનાં હવાપાણીખોરાક અને માખીઓઅહીંની ઝેરી હવાથી દિલ્હીના ૪૪ લાખ બાળકોનાં ફેફસાં રોગિષ્ટ છેદિલ્હીની હવામાં બેજિંગ કરતાં બમણું ઝેર છેસૌથી વધુ ઝેરી હવાવાળાં દુનિયાનાં ૨૫ શહેરોમાંથી ૧૩ શહેર ભારતમાં છેભારતના સૌથી મોટા પ્રદૂષણ સંશોધનકારી સાર્થ ગુટ્ટીકોન્ડા પોતાનાં બે બાળકોની સલામતી માટે દિલ્હી છોડીને ગોવા રહેવા ગયા છેકેમકે ‘બીજે ક્યાંય રહી શકાય તેમ હોય તો કદી દિલ્હીમાં બાળક ઉછેરવું નહી.’
સદીઓથી દિલ્હીમાં દુનિયાભરમાંથી પરદેશીઓ આવી વસ્યા છેમુત્સદીઓઆદર્શવાદી યુવકયુવતીઓપત્રકારોઉદ્યોગપતિઓદાક્તરી કર્મચારીઓવિજ્ઞાનિકોકમ્પુટરનવેશોરોજી માટે અહીં વસેલા લોકોને કાયમ સવાલ થાય છે કે બાળકોની તબીયતના ભોગે રોટી કમાવી તે અંગત સ્વાર્થ કહેવાય કે નહીં?
દિલ્હીની હવાથી બાળકોનાં ફેફસાં બગડે તે કારણે તેમની જીવાદોરી ટૂંકી થાય છેપ્રદૂષણથી બાળકોની બુદ્ધિ ઠિંગરાય છેપ્રદૂષણમાં ઓટિઝમ (મંદબુદ્ધિ), વાઈમલ્ટીપલ સ્ક્લેરોસિસડાયાબિટીસ અને પુખ્તવયે થતા બીજા ભીષણ રોગોનું જોખમ છેઅને વિજ્ઞાનિકોના મતે દુનિયાના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં દિલ્હી મોખરે છેતેથી દિલ્હીનાં બાળકોનું જીવન કેવું નીવડશે તેની કલ્પના થતી નથીમોટાંઓને પણ સતત શિરોવેદનાગળાની ખરાબીશરદી અને ઊધરસ થતાં રહે છેમુખ્યમંત્રી કેજરીવાલને પણ ઊધરસ મટાડવા દિલ્હી છોડીને ૧૦ દિવસ બીજે રહેવું પડેલું.
ફક્ત હવાનો  વાંક છે એવું નથીદિલ્હીના અરધોઅરધ નિવાસીઓ રસ્તા ઉપર જાજરૂ જાય છેઅને જેમને જાજરૂ છે તેમની ગંદકી સીધેસીધી નદીમાં ફેંકાય છેઅમારા દિલ્હીના એક પાડોશીએ એક દિવસ ફરિયાદ કરેલી કે તેનું પાણી ગટર જેવું ગંધાય છેપછી બીજાનું પાણી અને પછી ત્રીજાનું એમ ગંધ ચારે તરફ ફેલાઈકારણ કે નીચે કોઈ ડેવલપરે ગટરો ખોદાવેલી જેમાંથી અમારા મકાનની પાણીની ટાંકીમાં તેની ગંદકી જતી હતીઅમારા શાવરમાંથી પણ બજરિયા રંગનું પાણી આવવા માંડેલુંપછી અમે ટાંકી ઉપર લઈ ગયા પણ અલબત્ત શહેરની અવસ્થા તેની તે  છે.
દિલ્હીમાં વાંદરાંકૂતરાં અને અન્ય પશુઓની વિષ્ટા ઠેર ઠેર દેખાય છેએની ઉપર માખીઓ બણબણતી હોય છેજે પાછી ખોરાક ઉપર બેસે છે. … અમે દિલ્હી રહેવા આવ્યાં તે પહેલાં અમારા દીકરાને શ્વાસની તકલીફ થયેલી ને ડોક્ટરોએ કહેલું કે વખત જતાં મટી જશેપરંતુ દિલ્હી આવ્યા બાદ તેને રોજ દવા લેવી પડે તેવો કાયમી અસ્થમા (દમલાગુ પડી ગયો છે. … અને આખરે અમે વોશિંગ્ટન પાછાં આવી ગયાં છીએ.”
ભારતે જીરોની શોધ કરી ને ભારતે પૈડું ફેરવ્યું ને ભારતના વિજ્ઞાનિકોએ પૃથ્વીથી સૂર્યનું અંતર આબાદ કલ્કયુલેટ કરેલું ને ભીમપુત્ર ઘટોત્કચ કા વિશાલકાય કંકાલ ૨૦૦૭ કી સાલ મેં ‘નેશનલ જિઓગ્રાફી’ કી ટીમને ઉત્તર ભારત કે ઇલાકે મેં ખોજાબધાઈ હોપણ તેનું આજના ભારતને શું છેગાર્ડિનરે જે વાત દિલ્હીની કરી છે તેની તે  મુંબઈકલકત્તાબંગલુરુચેનૈ ને ઇવન કર્ણાવતી માટે પણ કહી શકાય કે નહીં? 
આપણે ધારી લીધું છે કે ભારત એટલે આપણેપણ સાહેબાનભારત એટલે ઉચ્ચ મધ્યમવર્ગના ઓછુંવત્તું ભણેલાં લોકો છાપાનાં વાચકોફેસબુક ઉપર મહાલતા જુવાનો કે મોબાઇલ ઉપર મિસકોલતા વડીલો  નહીં પણ બાકીના શી ખબર લાખો કરોડો બસ્તીવાસીઓદલિતોભિખારીઓવિધવાઓ અને બેપનાહ બાળકો સહિત બે તૃતીયાંશ ભાગ્યપંગુ ભારતવાસીઓ પણ ભારત છેતે વિરાટ જનગણ પણ ભારતમાં  વસે છેશ્વસે છે વાત આપણે ભૂલી જઈએ છીએઆપણાં સાહિત્યમાં પણ   મધ્યમવર્ગના રોદણાં ને પ્રેમનાં ટાહ્યલાંઆપણી સીરિયલોમાં પણ   ઘસાયેલાં સામાજિક વૃત્તાંતોઆપણાં નાટકોમાં   મધ્યમવર્ગનાં ફારસ અને આપણી ફિલ્મોમાં બિલકુલ મોંમાથા વિનાના હાસ્યાસ્પદ બહાદુરો અને બેહૂદાં કોરસ ગાણાં છે. 
આપણી નદીઓ મળથી ખદબદે છેઆપણે પોતેમધ્યમવર્ગના લોકોઉપભોક્તઓમોટા ઉદ્યોગોનાં છળકપટથી વ્યવસ્થિત છેતરાતા જઈએ છીએ અને ભૂતકાળના વૈભવની ભ્રામક શેખીમાં તરબતર થઈને સામસામે હલો કરીએ છીએક્યોંકિ ‘ઓબામા અપની જેબ મેં બજરંગબલિ કી ફોટો રખતે હૈં!’ યારોજરા સોચો કે ગાર્ડિનરની વાત સાચી હોય તો આજની ઝેરી હવામાં જીવતાં બાળકો આવતી કાલની ઠિંગરાયેલી બુદ્ધિવાળી જનતા બનશે થશે ત્યારે શું થશેજય હનુમાન!
madhu.thaker@gmail.com Tuesday, June 9, 2015

 

‘બ્લ્યુ મગ’ નાટક અંગે

પ્રિય મિત્ર નિતીનભાઇ વ્યાસને એક પત્ર અને કોપી ટૂ અશોક પટેલ
વિષય-‘ બ્લ્યુ મગ’ – નાટક
તારીખ- ૨૦ જુલાઇ ૨૦૧૫
પ્રિય મિત્ર નિતીનભાઇ,
ગઈ કાલે આપણે ગીરીબાપુની શીવકથાના અંતીમ દિવસે, શીવશક્તિ મંદીરના પટાંગણમાં ,પાર્કીંગ લોટમાં ઉભા ઉભા ‘બ્લ્યુ મગ’ નાટક અને અન્ય પરદેશી નાટ્યકૃતિઓ અંગે  તથા  ઓશો રજનીશજી બાબતે ચર્ચાવિચારણા કરી રહ્યા હતા એના અનુસંધાનમાં આ પત્ર દ્વારા થોડીક વધુ માહિતી આપું છું.
મને પોતાને પણ એ નાટક નહોતુ સમજાયું અને આપણા હ્યુસ્ટનના પ્રેક્ષકોની તો વાત જ ક્યાં કરવી ? એટલે નાટક પુરુ થયા બાદ હું ગ્રીન રૂમમાં ગયેલો અને એના કલાકારો- રજતકપૂર, વિનય પાઠક રણવીર ( કપૂર નહીં ) અને શીબા ચઢઢા સાથે વાતો કરેલી અને મારી મુંઝવણ રજૂ કરેલી. મને મારૂં અજ્ઞાન પ્રદર્શિત કરતાં ક્યારેય સંકોચ નથી થતો. ફિલ્મ કોર્પોરેટથી ખ્યાતનામ થઈ ગયેલા ફિલ્મ અભિનેતા રજતકપૂરે મને બ્લ્યુ મગના કથાનક અંગે જે સમજ આપેલી એ આ પ્રમાણે હતી-
જેનું કોઇ નામ નથી કે ઓળખાણ આપવામાં આવતી નથી અને જેમની વચ્ચે કોઇ સંબંધ નથી એવા ચાર પાત્રો અહીં એક સાથે ટૂકડે ટૂકડે પોતપોતાની સ્મૃતિઓ વર્ણવે છે. એ સ્મૃતિઓનો પણ કોઇ ક્રમ નથી બધા પોતપોતાની ભાષામાં, પોતપોતાની રીતે આ વાતો કરે છે. એક માનસચિકિત્સક છે, બીજો એનો દરદી છે. દર્દીને વીસ વર્ષ પહેલાંનું યાદ રહે છે પણ વીસ મીનીટ પહેલાંનું યાદ નથી રહેતું. એની સ્મૃતિ જડ થઈ ગઈ છે. સ્ટેજ પર કોઇ પાત્રો એકબીજાને મળતા નથી પણ  રંગમંચ અને પ્રેક્ષકો વચ્ચે એક પારદર્શક દિવાલ છે.મંચને છેડે માત્ર ડોકું જોઇ શકાય એવી સગવડ છે.
માત્ર પ્રકાશાઅયોજન અને પાર્શ્વધ્વનિને આધારે જ નાટક દર્શાવાય છે.માત્ર સ્મૃતિઓની વાત, સ્મૃતિઓની વાસ્તવિકતા અને વિરોધાભાસ તથા નજીકના સમયની વિસ્મૃતિની વાત એ માનવીના મગજના અભ્યાસનો એક વિરલ તર્ક જ દર્શાવાયો હતો. ક્યાંય કોઇ કથા નહીં, મનોરંજન નહીં, રહસ્ય નહીં, પ્રેમબ્રેમ નહીં, ખુનખરાબા નહીં, સસ્પેન્સ નહીં.  મોડર્ન આર્ટ જેવું નાટક સામાન્ય પ્રેક્ષકોની સમજમાં ક્યાંથી આવે  ?
રણવીર શૌરી પણ કોંકણાસેન સાથે લગ્ન કરીને અને પછી તેને છૂટાછેડા આપીને ખ્યાતનામ થઇ ગયો છે. શીબા ચઢઢા પણ હિન્દી સીરીયલોને કારણે જાણીતી બની ગઈ છે એટલે  પ્રેક્ષકો તો આવેલા પણ નાટક સમજાયેલું નહીં એટલે ‘બોગસ’ ,’બોગસ’ કરીને વિદાય થઈ ગયેલા. આવા પ્રયોગશીલ નાટકો મુંબઈના પૃથ્વી થિયેટર્સમાં ભજવાય બાકી ટીકીટબારી પર નિષ્ફળ જ જાય.
 

 

‘જીવરામ ભટ્ટ આવ્યા’ ભવાઇ-નાટક અવલોકન- શ્રી. નવીન બેન્કર

August 28th, 2015 Posted in અહેવાલ
‘જીવરામ ભટ્ટ  આવ્યા’   ભવાઇ-નાટક
અવલોકન- શ્રી. નવીન બેન્કર
૧૮મી જુલાઇ ૨૦૧૫ને શનિવારની સાંજે, રાધાકૃષ્ણ મંદીરના હોલમાં, ગુજરાતી સમાજના ઉપક્રમે, ‘ગુજરાત દર્શન’ કાર્યક્રમ અંતર્ગત, સિનીયર સિટીઝન્સ એસોસિયેશનના સભ્યો દ્વારા એક ખુબ જૂનુ હાસ્યપ્રધાન ભવાઇ-નાટક ‘જીવરામ ભટ્ટ આવ્યા’ ની સફ્ળ ભજવણી કરવામાં આવી હતી.
વર્ષો પહેલાં, કદાચ ૧૯૬૦ માં, કવિશ્રી. દલપતરામકૃત ભવાઇશૈલીનું હાસ્યરસ પ્રધાન નાટક ‘મિથ્યાભિમાન’ જોયાનું યાદ આવે છે. એ નાટકમાં પ્રાણસુખ નાયક અને શ્રીમતિ અનસુયા સુતરિયા  અભિનય કરતા હતા. એ પછી, અમારી પોળમાં, એક નાટકમંડળી ભવાઇના વેશ કરતી હતી.  વાર્તાવસ્તુ હંમેશાં, ઐતિહાસિક હોય પણ એમાં વિદુષક રંગલો અને રંગલી જરૂર હોય. એક સુત્રધાર પણ હોય. રંગલો અને રંગલી તા..તા..થૈયા..થઈ.થઈ. કરીને વિશિષ્ટ સ્ટેપ્સ લઈને ગોળ ગોળ ફરીને, ચિત્રવિચિત્ર હાવભાવ કરીને પ્રેક્ષકોને હસાવે. એક સુત્રધાર પણ શરૂઆતમાં સ્ટેજ પર હાજર થઈને પેલા બે પાત્રો સાથે વાર્તાલાપ કરીને આજના ભવાઇવેષની માહિતી આપે.  બે ભૂગળધારી કલાકારો આવીને ભૂગળ વગાડે અને પછી ખેલ શરૂ થાય.
અહીં પણ એ જ બધી વાત હતી. સુત્રધાર…રંગલો…રંગલી…ભૂગળ..પાઘડા અને ફેંટાવાળા દેશી ગામડીયા…
 આ નાટક એ  જુના ફુલલેન્થ નાટકનું  નાનકડું રૂપાંતર  હતું. એ નાટકના ઘણાં પ્રસંગો અહીં કાપી નાંખવામાં આવેલા હતા. રાત્રે ભોજન કરવા બેઠેલા જમાઇ જીવરામ ભટ્ટ, રસોઈ પિરસતી સાસુને પાડી ધારી લઈને  લાત મારે છે એ દ્ર્ષ્ય, તથા ચોરને પકડવા આવેલા સિપાઇઓ ઘરના જમાઇ જીવરામ ભટ્ટને જ ચોર માનીને  ઉપાડી જાય છે જેવા બીજા પ્રસંગો પણ કદાચ સમયને અભાવે કાપી નાંખવામાં આવેલા લાગતા હતા. આ જ નાટક,  ‘દર્પણ’ માં, કૈલાસ પંડ્યાના દિગ્દર્શનમાં પણ ભજવાયાનું યાદ છે. જીવરામ ભટ્ટના અમર પાત્રને કેન્દ્રમાં રાખીને ઘણાં નાટકો ભજવાયા છે.
પાડીનું પુંછડું પકડી ચાલવા જતાં રતાંધળા જીવરામ ભટ્ટ રાત્રે ઉંડા ખાડામાં પડી જાય છે. જીવલો અને ભગલો નામના બે ગાયો ચરાવનારા જીવરામ ભટ્ટને બેવકૂફ બનાવી, સંડાસ જવા માટે વપરાતા લોટામાં, બિલાડીએ એંઠી કરેલી ખીર ખવડાવી દે છે એ પ્રસંગ સરસ રીતે શ્રી. કીરીટ મોદી અને શ્રી. ભરત શાહે ભજવી બતાવ્યો. રંગલો અને રંગલીના પાત્રમાં અનુક્રમે, શ્રી. શૈલેષ દેસાઇ અને શ્રીમતિ કૌશિકાબેન વ્યાસે પણ કોઠાસુઝ અને બિન્દાસ અભિનયના કૌવત દેખાડીને પ્રેક્ષકોને ખુશ ખુશ કરી દીધા હતા. જીવરામ ભટ્ટની મુખ્ય ભૂમિકા કરતા મહારાષ્ટ્રિય અભિનેતા વિભાસ ધુરંધર તો અદભુત અદાકાર છે. રાજકપૂર અને દિલીપકુમારની વિવિધ ભૂમિકાઓની  તેમની મીમીક્રી તો સિનીયર્સની મીટીંગોમાં ઘણી વખત જોઈ હતી. એકપાત્રીય અભિનય પણ અવારનવાર જોયેલો, પણ ગુજરાતી ભાષા વાંચી નહીં શકતા આ કલાકાર અન્ય ભાષામાં લખાયેલી સ્ક્રીપ્ટ વાંચીને આટલો સરસ અભિનય કરી શક્યા એ આનંદની વાત છે.
નાટકનું લેખન અને દિગ્દર્શન ‘દર્પણ’ના જ એક ભૂતપુર્વ કલાકાર શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદીનું હતું. આ ત્રિવેદી અત્યારે હ્યુસ્ટનમાં, ‘માસ્ટરજી’ ને નામે પ્રખ્યાત છે. છેલ્લા વીસ વર્ષમાં તેમણે ‘ મહાભારત’, ‘રામાયણ’, ‘શોલે’ જેવા ઘણાં નાટકો ભજવ્યા છે. ડાન્સ સ્કુલ ચલાવીને ઘણાં વિદ્યાર્થીઓને નૃત્યનું શિક્ષણ પણ આપ્યું છે.
નાટકનો સંગીત વિભાગ શ્રી. હેમંત દવે અને દીપ્તી દવે એ સંભાળ્યો હતો. ઓક્ટોપેડ પર શ્રી. મનીષ પટેલ અને ઢોલક પર શ્રી. વેદાત મથુર હતા.
નાટક્માં અન્ય સહાયકોમાં શ્રી. અરૂણ બેન્કર, શ્રી. પ્રફુલ્લ ગાંધી અને શ્રીમતિ સુધા ગાંધી પણ હતાં.
નાટકના બધા જ કલાકારો સિનીયર સીટીઝન્સ જ હતા.  એ આ કાર્યક્રમની વિશેષતા હતી.
અનેક  ભવાઇ-નાટકોમાં શ્રી. કૈલાસ પંડ્યા અને દામિની મહેતાએ પણ અભિનય કર્યો છે. દીનાબહેન ગાંધીએ ( દીના પાઠક)  પણ એક વખત આ મિથ્યાભિમાન નાટકમાં જીવરામ ભટ્ટની સાસુની ભૂમિકા કરેલી. એમાં તો રંગલો અને રંગલીના કેટલાક યાદગાર ગીતો પણ હતા. ભવાઇ-નાટક ગીતો વગરનું તો કલ્પી જ ન શકાય, અહીં રંગલા અને રંગલીના મુખે કેટલીક પંક્તિઓ પર ઠુમકા  હતા.અને પાર્શ્વમાં, હેમંત દવે અને દીપ્તી દવેના સ્વરમાં ગીતના શબ્દો હાર્મોનિયમ અને મંજીરાના સાથમાં રજૂ કરવામાં આવેલા. ‘રંગલો જામ્યો કાલિન્દીને કાંઠે’, ‘પ્રભાતિયા’,  કર્ણપ્રિય રહ્યા. પ્રસંગોપાત નદીના પાણીનો ખળખળ અવાજ, કુકડાનો અવાજ, પંખીઓનો કલરવ પણ ઓક્ટોપેડ ના સથવારે સાથ પુરાવી ગયા.
શ્રી, ઇન્દ્રવદન ત્રિવેદી અને તેમના સિનીયર્સ સાથી કલાકારોને ખુબ ખુબ અભિનંદન.
અવલોકનકાર- શ્રી. નવીન બેન્કર      લખ્યા તારીખ- ૨૧ જુલાઈ ૨૦૧૫
**************************************************************

                     

 


૧૫ ઓગસ્ટે, સ્ટેજ પરથી ગાઈ શકાય તેવું આધુનિક ભજન

August 28th, 2015 Posted in સંકલન્

૧૫ ઓગસ્ટે, સ્ટેજ પરથી ગાઈ શકાય તેવું આધુનિક ભજન

ભજન-  રચયિતા- શ્રી. સંજય ભટ્ટ

રાગ- વૈષ્ણવજન તો તેને રે કહિયે જે પીડ પરાઈ જાણે રે…

ધનવૈભવ તો તેને જ મળશે જે નીજની પીડા જાણે રે…

પરદેશે સુટકેસ ભરી જઈ,  ધનસંચય કરી જાણે  રે… ધનવૈભવ તો…

સકળ લોકમાં  સૌને ડંડે,  નિન્દા સૌની કરશે રે..

વાતવાતમાં  જુઠુ  બોલી, ખોટા વચનો  દેશે રે…..ધનવૈભવ તો…

વક્ર દ્રષ્ટી ને તૃષ્ણા ધારી, પર સ્ત્રી જેની સાથ રે…

જીહ્વા થકી અસત્ય જ બોલે, પરધન મારે હાથ રે…..ધનવૈભવ તો….

મોહમાયામાં રાચે નિશદિન,સુરાપાન ચઢાવે રે…

શ્રીરામ શ્રીરામ મુખમાં ધારી, છુરી છુપાવી રાખે રે..  ધનવૈભવ તો…

મન લોભી ને કપટ સહિત જે, કામક્રોધમાં રાચે રે….

કલયુગે આ સત્ય જે સમજે, તેના કુળ ઇકોતેર તરશે રે….ધનવૈભવ તો….

હ્યુસ્ટનના એક સિનીયરે, સ્વ. પત્નીની દ્વિતીય પુણ્યતિથીએ,સંગીતમય અંજલિ અર્પી.-

August 28th, 2015 Posted in અહેવાલ

હ્યુસ્ટનના એક સિનીયરે,  સ્વ. પત્નીની દ્વિતીય પુણ્યતિથીએ,સંગીતમય અંજલિ અર્પી.-      

અહેવાલ – શ્રી. નવીન બેન્કર

હ્યુસ્ટનના સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશયનના એક વરિષ્ઠ સભ્ય શ્રી. અરૂણ બેન્કરે, પોતાના જન્મદિવસની ઉજવણી, સંગીતનો કાર્યક્રમ સ્પોન્સર કરીને ગઈ ૧૩મી ઓક્ટોબરે કરી હતી.  એ જ અરૂણ બેન્કરે પોતાની સ્વ. પત્ની મીનાબેનની દ્વિતીય પુણ્યતિથીએ, સિનીયર્સની મીટીંગમાં હ્યુસ્ટનના ખ્યાતનામ ગાયકો અને સંગીતકારોને  આમંત્રિત કરીને તેમ જ બબ્બે મીટીંગોને સ્પોન્સર કરીને, ભવ્ય કાર્યક્રમ  યોજ્યો હતો.

૨૫મી જુલાઇ ૨૦૧૫ની મીટીંગમાં, હ્યુસ્ટનના જાણીતા સંગીતકાર, નાટ્યકાર, ગાયક એવા શ્રી. હેમંત ભાવસાર, સ્વરકિન્નરી  સ્મિતા વસાવડા, અને મુકેશજીના અવાજ તરીકે ખ્યાતનામ  ગાયક શ્રી. ઉદયન શાહના સથવારે, પોતે લખેલી સ્ક્રીપ્ટ દ્વારા, પોતે જ માસ્ટર ઓફ સેરિમની એટલે કે ઉદઘોષક તરીકે એક અતિસુંદર ભવ્ય કાર્યક્રમ સિનીયર્સ સમક્ષ રજૂ કર્યો હતો. ઇન્ડીયામાં, વર્ષો પહેલાં, રેડીયો પર ‘ગીતગાથા’ નામે એક કાર્યક્રમ પ્રસારિત થતો હતો. એ જ સ્ટાઇલમાં, ઉદઘોષક પોતાની પત્ની કે  પ્રિયતમા સાથેના  ૪૬ વર્ષના દામ્પત્ય જીવનના મધુર કે દર્દીલા સંસ્મરણોની વાત કહેતો જાય અને એ ઘટનાને અનુરૂપ જે કોઇ ફિલ્મીગીત કે શાયરી હાથવગી હોય એને ગાયકો દ્વારા રજૂ કરવામાં આવે. અરૂણભાઇ પોતાની પત્ની સાથેના સંસ્મરણોની વાત કહેતા જાય અને આ ત્રણ ગાયકો એને અનુરુપ ગીત રજૂ કરે. હેમંત ભાવસારે એકાદ બે પ્રાર્થના-ભજન રજૂ કર્યા બાદ, ઉદયન શાહે, ‘ભૂલી હુઈ યાદેં મુજે ઇતના ના સતાઓ’, ‘આપકે અનુરોધ પર મૈં યે ગીત સુનાતા હું’, કહીં દૂર જબ દિન ઢલ જાયે’, જેવા યાદગાર ગીતો ભાવપુર્ણ સ્વરે રજૂ કરીને સિનીયર્સ શ્રોતાઓને ભાવતરબોળ કરી મૂક્યા હતા.

નાગરકન્યા સ્મિતાબેન વસાવડાએ ‘રહે ના રહે હમ’, ‘હમેં ઔર જીનેકી ચાહત ન હોતી’, એક પ્યારકા નગ્મા’, તેરે મેરે મિલનકી યે રૈના’, ‘આપકી આંખોંમેં કુછ મહેંકે હુએ રાઝ હૈ’, ‘ વાદા કર લો ચાંદકે સામને’, જેવા ગીતો રજૂ કરીને શ્રોતાઓના મન મોહી લીધા હતા. વચ્ચે વચ્ચે પોતાની કાઠિયાવાડી ભાષામાં જોક્સ અને મીમીક્રી દ્વારા પણ શ્રોતાઓને ખુબ હસાવતા હતા. તેમના મીઠા સ્વરમાં, કંઠની કમાલનો અનુભવ કરવો એ એક લહાવો છે.

અરૂણ બેન્કર પોતે સારા ભજનિક પણ છે. ખુબ ભજનો તેમણે લખ્યા છે. સ્ક્રીપ્ટ રાઇટર તરીકે પણ સફળ છે. હ્યુસ્ટનમાં વર્ષોથી  જાણીતા છે. સિનિયર્સની મીટીંગોમાં અને પિકનીકોમાં આગેવાની લઈને બે વર્ષથી સેવા બજાવી રહ્યા છે.

શ્રી. અરૂણભાઇના પુત્ર ડોક્ટર નિતેશ બેન્કરે, સમગ્ર કાર્યક્રમની વીડીયોગ્રાફી કરી હતી.

 એ જ શ્રેણીની બીજી બેઠકમાં, તારીખ ૮ ઓગસ્ટે, ફરીથી હ્યુસ્ટનના બીજા ખ્યાતનામ ગાયકો પ્રકાશ મજમુદાર ( વોઇસ ઓફ મુકેશ ) , મધુર સ્વરની મલ્લિકા બિન્દુ મલહોત્રા, અને દિનેશ ભાવસારને આમંત્રણ આપીને બોલાવ્યા હતા. દિનેશ ભાવસારે, હેમંતકુમારના સ્વરમાં હેમંતદાના ત્રણેક યાદગાર ગીતો રજૂ કરીને શ્રોતાઓનું સ્ટેન્ડીંગ ઓવેશન મેળવ્યું હતું.  નમ્ર, અને મિલનસાર સ્વભાવના ‘ડાઉન ટૂ અર્થ’ ગાયક પ્રકાશ મજમુદારે સ્વ. મુકેશજીના કેટલાક યાદગાર ગીતો ગાયા હતા. બિન્દુજી એક જમાનામાં, હ્યુસ્ટનની એક  ટીવી ચેનલ પર સંવાદદાતા અને ન્યુઝ રીડર રહી ચૂકેલી ખુબસુરત સન્નારી છે. એના કંઠે ‘ગલીમેં આજ ચાંદ નિકલા’ આરોહ-અવરોહયુક્ત સ્વરે સાંભળવું એ એક લ્હાવો છે. બિન્દુજીએ પણ લગભગ અડધો ડઝન જેટલા ગીતો રજૂ કરીને, પોતાના કંઠના કામણથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી મુક્યા હતા.

વિભાસ ધુરંધર, સિનીયર્સ એસોસિયેશનનો એક સક્રિય મરાઠીભાષીય કાર્યકર છે. ખુબ સારો એક્ટર છે. સ્ટેજ પર તેણે એક્ટીંગ સાથે , ‘ગુલાબી આંખે જો તેરી દેખી’, રજૂ કરીને  શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા. વિભાસ ધુરંધરે એક્ટીંગ અને મીમીક્રી ઉપરાંત શ્રી. અરૂણ બેન્કરને માસ્ટર ઓફ સેરિમનીમાં પણ સહયોગ આપ્યો હતો.

આ બીજી બેઠકના કાર્યક્રમમાં અરૂણભાઇનો  સુપુત્ર ડોક્ટર નિતેશ બેન્કર, પુત્રવધુ, પૌત્રીઓ, સ્વ. મીનાબેનના પિયરપક્ષના કેટલાક સભ્યો વગેરે પણ હાજર રહ્યા હતા. બન્ને કાર્યક્રમોને શ્રી. અરૂણભાઇએ જ સ્પોન્સર કરીને સિનીયરોને સ્વાદિષ્ટ ભોજનનો અને સાથે સુમધુર સંગીતનો રસાસ્વાદ કરાવ્યો હતો.

 

મારો લાલિયો કુતરો

August 28th, 2015 Posted in મારા સંસ્મરણો

 મારો લાલિયો કુતરો

આ વાત અમદાવાદની અને મારા બાળપણની છે. માણેકચોકમાં , સાંકડીશેરીમાં અમે ભાડાના ઘરમાં, મેડા પર રહેતા ત્યારે, મારી ઉંમર પંદરેક વર્ષની હતી. અમારી ખડકી ના નાકે, ચાર-પાંચ કુતરા તો હોય જ. બે ગાયો પણ રસ્તાની વચ્ચે બેઠેલી હોય. અમને ગાયોના શીંગડાની બહુ બીક લાગે. ખડકીમાં ૪૫ ડીગ્રીના કોર્નર પર વીજળીની બત્તીનો એક મ્યુનિસિપલ થાંભલો ,જેનું અજવાળુ, ખડકીના નાકા પર ન પડે. રાત્રે તો ખડકીમાં પ્રવેશતાં, ધ્યાન રાખવું પડે કે વચ્ચે ગાયબાય તો બેઠી નથી ને ?  ક્યારેક કુતરા પણ બેઠેલા હોય ! પણ કુતરાઓનું તો એટલું સારૂ કે માણસને ખડકીમાં આવતો જુએ કે તરત ભસીને પોતાની હાજરી જાહેર કરી દે. પણ…ખડકીના રહેવાસીઓને કુતરા ઓળખી ગયેલા. કોઇને ય ક્યારેય કોઇ કુતરુ કરડ્યું હોય એવું મને યાદ નથી. સામાન્ય રીતે કુતરા લાલ, કાળા અને ધોળા રંગના. અમારા ઘરમાં, મારા દાદીમા સવારે નવ વાગ્યે ઘરના ૧૧ માણસ માટે રોટલી વણવા બેસે અને પહેલી રોટલી ગાય-કુતરા માટે જુદી રાખે. મોટેભાગે મને જ કહે કે –‘નવીનીયા, જા..પહેલા ગાયકુતરાની રોટલી  નાંખી આવ. પછી ખાવા બેસ.’ જો મને એ દિવસે ગાય કે કુતરુ જોવા ન મળે તો ખડકીના નાકે, હેમુબેનની ઓટલી પર રોટલી મૂકી દઉં અને પછી જમવા બેસી જઉં. હેમુબેન ની ઓટલી અને હાંકુમાનો ઓટલો – મને આજે ય યાદ છે. હાંકુમા એટલે સંતોકબેન. પણ અમે ક્યારેય એમના એ નામને જાણતા જ નહોતા. હેમુબેન  એક ડોસાને ,નવા નવા પરણીને આવેલા ત્યારે મારી ઉંમરના કિશોરોને એ ખુબ રૂપાળા લાગતા હતા. પછી જેમ જેમ અમે વધુ ને વધુ જુવાન થતા ગયા એમ એમ હેમુબેન ઘરડા થતા ગયા. છેવટે છેવટે તો એમના દાંત પણ પડી ગયેલા અને સા..વ.. ડોશી બની ગયેલા મેં જોયા હતા. કિશોરવયના મારા દોસ્તદારોમાં, અનિલ, ગુણવંત, દ્ત્તુ, રાજુ, ગિરીશ, મુરલીધર ( મોરલી), પ્રબોધ, સુરેન્દ્ર, પ્રવિણ, દેવલો ((દેવેન્દ્ર), કાનુ મને યાદ છે. આ મિત્રો સાથેની યે યાદો છે. પણ આજે તો મારે મારા લાલિયા કુતરાની વાત કરવી છે.

લાલિયો અમારા ઓટલા પર પુંછ્ડી દબાવીને બેઠેલો હોય. મને જોઇને પુંછડી પટપટાવે, મારા પગ ચાટે. મારી પાછળ પાછળ આવે. કોઇની સાથે ઝઘડો થાય અને મારામારીમાં મારે માર ખાવાનો વખત આવે ત્યારે હું એ દુશ્મન ( આમ તો એ મિત્ર જ હોય)  પાછળ લાલિયાને છોડી દઉં. એટલે પેલો ભાગી જાય. લાલિયો કરડતો નહીં. અસ્સલ હિન્દુસ્તાની હતો એ. કોઇ આતંકવાદી ગમે તેટલા હુમલા કરે કે માથા વાઢી જાય પણ એ માત્ર ભસતા જ શીખેલો. ઘણીવર તો હું એને પોળને નાકે આવેલી કન્યાશાળાની બારીઓના ઓટલા પર બાજુમાં બેસાડીને પંપાળતો. મને એની આંખોમાં સ્નેહ દેખાતો. લાલિયાને નાંખેલો રોટલો બીજો બળવાન કુતરો ઝુંટવી જાય તો હું એને માટે બીજો રોટલો કે રોટલી લઈ આવીને ખવડાવતો. એક દિવસ, મ્યુનિસિપાલિટીની ગાડી આવીને કુતરા પકડી ગઈ એમાં મારો લાલિયો પણ ઝડપાઈ ગયો. આમે ય એ અહિંસક જ હતો ને ! અને…અહિંસકોને હંમેશાં માર જ ખાવાનો હોય છે. મને મહાત્મા ગાંધીજીની અહિંસામાં જરા ય વિશ્વાસ નથી, હું એમાં માનતો પણ નથી. નાનો હતો ત્યારથી હું આક્રમક રહ્યો છું. હું કોઇની સાથે લડતો હઉં  તો મારા લલિતાપવાર જેવા દાદીમા પંખો લઈને દોડતા આવીને મારૂં ઉપરાણું લે અને મારી સાથે લડવાવાળા અને એની માને પણ ઝાટકી નાંખતા.

આજે પણ હું મારા આક્રમક સ્વભાવને બરાબર ઓળખું છું એટલે કોઇ જ સંસ્થામાં કમિટી કે કોઇ પદ પર ઉભો રહેતો નથી. મને કોઇ સહેલાઈથી ઉશ્કેરી શકે છે. અને હું આક્રમક બની જાઉં એવો મને ડર રહે છે. મારામાં સહનશીલતા અને ધીરજના ગુણો નથી. મારામાં  મતાંતરક્ષમાનો ગુણ પણ નથી.

હું આડીવાતે ઉતરી ગયો…હમણાં એક સિનિયર સિટીઝન ડોશીમાને રાઇડ આપીને તેમને ઘેર ઉતારવા ગયો ત્યારે એમના ઘરમાં ડાઘિયા જેવા કુતરાને જોઇને મને ડર લાગી ગયેલો. કારણકે અત્યારે હવે આ ઉંમરે હું દોડીને ભાગી જઈ શકતો નથી. મારી નાની બહેન સંગીતા ધારિઆ ને ઘેર પણ એક ‘એમા’ નામની શ્વાન છે. ઘરના સભ્યની જેમ જ એને રાખે છે. . મારી પત્નીને કુતરા નથી ગમતા. કોઇના ઘેર કુતરો હોય કે બિલાડી હોય તો એમના સોફા પર બેસતાં યે એને સુગ ચડે છે.

હમણાં શ્રી. પી કે. દાવડા સાહેબનો એક લેખ વાંચ્યો, જે તેમના સૌજન્યથી આ સાથે નીચે કોપી-પેસ્ટ કરીને મૂકું છું.

અમેરિકામાં પાળેલા કુતરા

અમેરિકામાં ૨૦૧૧ માં એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે અમેરિકામાં બેતૃતિયાંસ ઘરોમાં કોઈને કોઈ પાળેલું પ્રાણી છે, અને આમાં સૌથી વધારે સંખ્યા કુતરાઓની છે. આજે જ્યારે માણસ એક બીજા પ્રત્યે વિશ્વાસ ગુમાવતો જાય છે ત્યારે પ્રાણીઓની વફાદારી માણસ કરતાં બે વેંત ઉંચેરી મનાય છે.

અમેરિકામાં પાળેલા કુતરા ઘરના એક સભ્યના જેટલો હક ભોગવે છે. ૯૦ % અમેરિકનોએ આ વાતનું સમર્થન કર્યું છે. સર્વેમાં એ પણ જાણવા મળ્યું કે અમેરિકાની ૪૦ % ગૃહીણીઓ માને છે કે એમના પતિ અને એમના સંતાનો કરતાં એમનું કુતરૂં એમને થોડો વધારે પ્રેમ કરે છે.

અહીં અમેરિકનો કુતરા પાછળ સમય અને ધન બન્નેનો દિલ ખોલીને ખર્ચ કરે છે. પોતે કામે ગયા હોય ત્યારે કુતરાને Day Care માં મૂકી જાય છે, જેથી એની ખાવા-પીવાની અને અન્ય સગવડ સચવાય. કુતરાઓ માટે ખાસ Clinics અને Hospitals ની બધે જ સગવડો છે. મારા એક મિત્ર પશુઓના ડૉકટર છે, અને એમની માલિકીની સાત પશુ હોસ્પિટલ છે. એ ધંધામાંથી એ એટલું કમાયા છે કે એમની માલિકીની Real Estate માં ૧૨૦૦ ભાડુત છે, અને એમની સંપત્તિ કરોડો ડોલરની છે.

અમેરિકનો પોતાની Wallet માં પોતાના સંતાનોના ફોટા રાખે છે, અને સાથે પોતાના કુતરાનો પણ ફોટા રાખે છે. કુતરૂં મરી જાય તો તેઓ અતિ ગમગીન થઈ જાય છે, અને શોક પાળે છે. અહીં કુતરાં માટે અલગ કબ્રસ્તાનો છે, અને એની ઉપર મોંઘા મોંઘા Tomb Stone મૂકવામાં આવે છે. ખોવાયલા કુતરાને શોધવા માટે ઈનામની જાહેરાતો આપવામાં આવે છે. ગ્રીટીંગકાર્ડ બનાવનારી હોલમાર્ક કંપનીના કુતરાઓને શુભેચ્છા આપતા કાર્ડસ મોટા પ્રમાણમાં વેચાય છે.

અમેરિકામાં પાળેલા કુતરાઓનું મહત્વ એટલું વધી ગયું છે કે Genetech નામની જગ પ્રસિધ્ધ બાયોટેક કંપનીએ તો કામપર, કુતરા સાથે લાવવાની છૂટ આપી છે, અને એમની સારસંભાળ લેવા વ્યવસ્થા કરી છે. સ્ટોરોમાં કુતરાઓના વપરાશની નવી નવી વસ્તુઓ અને કુતરાઓ માટેનો ખોરાક મોટા પ્રમાણમાં વેચાય છે.

આ કુતારાઓ બધી જાતના હોય છે. નાના નાના અનેક જાતના સુંદર ગલુડિયાં અને મોટા વાઘ જેવા કુતરા. હું તોજોઈને છક થઈ ગયો કે આ કુતરાઓ કેટલા બધા ટ્રેઈન્ડ છે. માલિકની અંગ્રેજીમા બોલાયલી બધી વાતો સમજે છે.એક ઉદાહરણ આપું. એક નાનું ગલુડિયું મને જોઈને ભસ્યું. એની માલકણે કુતરાને કહ્યું, “બેડ બોય. ગો એન્ડએપોલોજાઇસ”. કુતરૂં મારી પાસે આવીને ચુપચાપ ઊભું રહ્યું. મેં કહ્યું, “ઈટ્સ ઓ.કે.” ત્યારે જ એ પાછું ગયું. આવા તોઅનેક અનુભવો મને થયા છે. હવે મને પણ આ શિસ્તબધ્ધ કુતરા ગમવા લાગ્યા છે. જ્યારે પણ હું કોઈ કુતરા સામેપ્રેમથી જોઉં છું, ત્યારે એમના માલિક મારી સામે હસીને આભાર વ્યક્ત કરે છે. જ્યારે પણ હું કુતરાના વખાણ કરૂં છુંત્યારે કુતરા કરતાં એના માલિક વધારે રાજી થાય છે!! માલિકો તો એ બધું સમજતો હોય એવી રીતે એની સાથે વાતચીત કરે છે. જો ન માને તો એને ઠપકામાં માત્ર Bad boy કે Bad girl એટલું જ કહે છે.

માલિકો પોતાના કુતરાને અબાધિત પ્રેમ કરે છે. બદલામાં કુતરાઓ પણ એમના માલિકને ખરા દિલથી પ્રેમ કરે છે.માલિકની ગંધથી પણ એ પરિચિત હોય છે. આખો દિવસ ઘરમા પુરાયેલા હોવા છતાં, માલિકની ગાડી ઘરના ગેરેજપાસે આવે તો એમને તરત ખબર પડી જાય છે, અને ભસીને એમને આવકાર આપે છે. ઘર ખુલતાં જ માલિકનેવળગી પડે છે. અમેરિકામાં બાળકો મોટા થાય ત્યારે પોતાનું અલગ ઘર વસાવવા માબાપને છોડી જતા રહે છે ત્યારેમાબાપની એકલતા ટાળવામાં પાળેલા કુતરા મોટો ભાગ ભજવે છે. (પી કે. દાવડા )

આજે મને મારો એ લાલિયો યાદ આવી ગયો -આ લેખ વાંચતાં.

મને કુતરાઓને પકડીને લઈ જતી ગાડીઓ અને સાણસાથી પકડેલા કુતરાઓને જોઇને હંમેશાં દુઃખ થાય છે.

ડંડા મારી મારીને પોલીસવાનમાં ધકેલી દેવાતા માણસોને જોઇને પણ મને પોલીસો પર  ઘૃણા થાય છે. ( મને ત્રણ વખત ‘પોલીસ- બૃટાલિટી’ ના અનુભવ થયેલા છે.)

આ વાતો તો સાઇઠ વર્ષ પહેલાંની છે.

આજે ય જ્યારે જ્યારે હું અમદાવાદ જાઉં છું ત્યારે ત્યારે અચૂક અમારી સાંકડીશેરીની એ ખડકીમાં જાઉં છું અને ‘હાંકુમા ના ઓટલે’ બેસીને આંખના ખુણા ભીના કરી લઉં છું.  અમારા ફ્રીઝમાં મૂકેલી ચાર ચાર દિવસની રોટલીઓને માઇક્રોમાં મૂકીને ,ગરમ કરીને ખાતાં ખાતાં, મને  હેમુબેનની ઓટલી પર મૂકેલી સુક્કી રોટલીઓ યાદ આવી જાય છે,

લાલદરવાજાથી બસમાથી ઉતરીને, ચાલતાં ચાલતાં ત્રણ દરવાજા…પાનકોરનાકા..ફુવારા..માણેકચોક..સાંકડીશેરી.. રાયપુર ચકલા..કુમાર કાર્યાલય… રાયપુર દરવાજા…જાઉં , ઘણાં સંસ્મરણો વાગોળું, થોડું રડી પણ લઉં..

પણ…ગયા માર્ચ માસમાં અમદાવાદ ગયો ત્યારે મારા પગમાં એટલું ચાલવાની શક્તિ ન હતી. બસમાં ચઢવાની હિંમત પણ ન હતી…બે-ત્રણ વખત કુમાર કાર્યાલયમાં ગયો, પણ રીક્ષામાં જ જવું પડ્યું હતું…

હું સમજી  ચૂક્યો છું કે હવે મારા અંતની શરૂઆત થઈ ચૂકી છે. એક એક અંગની ક્રિયાશીલતા ઘટતી જાય છે.

શ્રીરામ..શ્રીરામ….

નવીન બેન્કર

લખ્યા તારીખ- ૨૦ ઓગસ્ટ ૨૦૧૫

 

 

 

શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદી ( માસ્ટરજી )-નૃત્યકાર, કોરીઓગ્રાફર

August 28th, 2015 Posted in અહેવાલ

ઇન્ડીયન સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશનના નૃત્યકાર, કોરીઓગ્રાફર

           શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદી  ( માસ્ટરજી )

૧૬મી ઓગસ્ટે,  હ્યુસ્ટનના  નવા સ્ટેફોર્ડ સિવિક સેન્ટર ખાતે, ઇન્ડિયા કલ્ચર સેન્ટર આયોજિત ઇન્ડીયા ફેસ્ટ-૨૦૧૫ કાર્યક્રમ અંતર્ગત, સિનિયર સિટીઝન્સ એસોસિયેશનના સિનિયર્સના વીસેક સિનિયર્સ સભ્યો દ્વારા એક એક સમુહનૃત્યગીત ‘ભારતકા રહનેવાલા હું, ભારતકી બાત સુનાતા હું ‘ એટલી સરસ રીતે સ્ટેજ પરથી રજૂ થયું  હતું કે પ્રેક્ષકોએ ‘વન્સમોર વન્સમોર’ ના પોકારોથી એ ગીતની રજુઆતને વધાવી લઈને ,સ્ટેન્ડીંગ ઓવેશન આપીને, ફરી વખત એ ગીતનું રીપીટેશન કરવાની કલાકારોને ફરજ પાડી હતી. આ ગીતમાં ભાગ લેનાર મુખ્ય  કલાકારો હતા સર્વશ્રી. ઇન્દ્રવદન ત્રિવેદી, કીરીટ મોદી, રમેશ મોદી, નુરૂદ્દેન દરેડિઆ, પ્રકાશ શાહ, શૈલેશ દેસાઇ, ભરત શાહ, અરવિંદ પટેલ, વિભાસ અને બકુલા ધુરંધર, શ્રીમતિ સુધાબેન ગાંધી, શ્રીમતિ સુશીલાબેન પટેલ,  અને બીજા દસેક જણ. જેમના નામ મને અત્યારે યાદ નથી આવતા. ૬૨ થી ૭૫ સુધીની વયના આ સિનિયર્સના  કાર્યક્રમને જોઇને કોઇ કહી ના શકે કે આમાંના મોટાભાગના કલાકારોએ કદી પણ સ્ટેજ પર પગ પણ મુક્યો નથી.  આ પત્થરોમાં પ્રાણ પુરનાર મુખ્ય કલાકાર શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદીને હું પચ્ચીસ વર્ષોથી ઓળખું છું. ૧૯૯૬માં, મેં એમના વિશે, ‘નયા પડકાર’ અને ‘ગુજરાત સમાચાર’ માં એમના પરિચય લેખો લખેલા છે. આજે, થોડુંક વધારે એમના વિશે મારે જણાવવું છે.

મૂળ ગુજરાતના દહેગામમાં જન્મેલા શ્રી. ત્રિવેદીએ શાસ્ત્રિય નૃત્ય પ્રત્યેની અભિરૂચીને કારણે માત્ર સાત જ વર્ષની વયે વડોદરા સંગીત મહાવિદ્યાલયમાં તાલીમ લેવી શરૂ કરી હતી. ત્યાંથી જ ભરતનાટ્યમમાં માસ્ટરી મેળવી. શ્રીમતિ મૃણાલિની સારાભાઇ સંચાલિત દર્પણ એકેડેમીઓફ પરફોર્મીંગ આર્ટ્સમાં. કુચીપુડી નૃત્યમાં માસ્ટરી મેળવી.ભારત  તેમજ પરદેશના ઘણાં શહેરોમાં તેમણે પોતાના નૃત્યના પ્રયોગો રજૂ કરેલા છે. ફૂટ પેઇન્ટીંગ એ તેમની વિશિષ્ટતા છે. નૃત્ય કરતાં કરતાં જ પગ વડે પતંગિયુ, મોર વગેરે ચિત્રો દોરી શકતા હતા..’દર્પણ’ ના નેજા હેઠળ, ફર્સ્ટ એશિયન પેસિફિક પપેટ ફેસ્ટીવલમાં જાપાનના ટોકિયો શહેરમાં તેમણે પોતાના ગ્રુપ સાથે કઠપુતળીના ખેલ રજૂ કર્યા હતા. થોડાક વર્ષો પહેલાં- હું ભુલતો ન હોઉં તો- ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી શ્રી. ત્રિવેદી ઝંકાર સ્કુલ ઓફ ડાન્સીંગ ના નેજા હેઠળ એક ડાન્સ સ્કુલ પણ હ્યુસ્ટનમાં ચલાવતા હતા.

થોડાક વર્ષો પહેલાં તેમણે હ્યુસ્ટનમાં ‘કૃષ્ણલીલા’ નામનો એક કાર્યક્રમ યોજ્યો હતો જેમાં કૃષ્ણ, ગોપ ગોપીઓ, નાગ-નાગણીઓ, ગોપબાળો જેવા પાત્રો હતા- બધા જ તેમની સ્કુલના વિદ્યાર્થીઓ હતા.

‘શાકુંતલ’ ભજવેલું તેમાં પોતે દુષ્યંતની ભૂમિકા કરેલી

‘પ્રલયતાંડવ’ માં શીવજીની મુખ્ય ભૂમિકા તેમણે ભજવેલી.

પુષ્ટીમાર્ગીય વૈષ્ણવોના પ્રિય ‘અધરમ મધુરમ, વદનમ મધુરમ’ માં તેમનું ભાવપ્રદર્શન અદભુત હતું.

પચીસ વર્ષ પહેલાં, તેમની સાડા ચાર કલાક લાંબી નૃત્ય નાટિકા ‘મહાભારત’ માં, આપણા હ્યુસ્ટનના શ્રી. મુકુંદ ગાંધી, હેમંત ભાવસાર, હાલો રે હાલો’ ફેઇમ મ્યુઝીક મસાલાવાળો સુનિલ ઠક્કર, શેખર પાઠક,  સંજય શાહ તથા મારા જેવા કલાકારોએ ભૂમિકાઓ ભજવી હતી. હું એમાં કૌરવોનો આંધળો બાપ ધૃતરાષ્ટ્ર  બનેલો. મુકુંદ ગાંધી ‘ભીષ્મ’ બનેલા.

તેમણે  ફિલ્મ ‘શોલે’ ની  એક સ્કીટ પણ ભજવેલી જેમાં મેં, રાજુ ભાવસાર, ગિરીશ નાયક અને ‘ ‘કીની’ નામની એક ખુબસુરત યુવતીએ હેમા માલિનીવાળી ભૂમિકા ભજવી હતી. અલબત્ત હું એમાં ‘કાલિયા’ બનેલો.

‘મોગલે આઝમ’ પણ અમે ભજવેલું જેમાં હું દુર્જનસિંહ નો રોલ કરતો હતો. ફિલ્મ મોગલે આઝમમાં એ ભૂમિકા અભિનેતા અજીતે ભજવી હતી.

મોગલે આઝમ માં જોધાબાઇનો રોલ કરતા એક  મહારાષ્ટ્રીયન બહેન  ક્રાંતિ વાલવડેકર મને યાદ છે. નાના પાટેકર પુરુષ નાટક લઈને હ્યુસ્ટનમાં આવેલો ત્યારે હું એને , લઈને ક્રાંતિબેનને ઘેર લઈ ગયેલો ત્યાં માસ્ટરજી પણ ઉપસ્થિત હતા અને મેં ત્યાં હાજર રહેલા ઘણાંના ફોટા નાના પાટેકર સાથે લીધેલા. આ ક્રાંતિબહેન  ક્યારેક ક્યારેક મને સાંઇબાબાના મંદીરમાં મળી જતા હોય છે. ( રખે માની લેતા કે હું સાંઇબાબાનો ભક્ત છું. હું તો ક્યારેક મારી પત્ની ની ધાર્મિક લાગણી ન દુભાય એટલા ખાતર એના ડ્રાઇવર તરીકે  તેની સાથે જઉં છું એટલું જ શ્રીરામ  શ્રીરામ )

મને યાદ છે કે કમલાહસનનું પિક્ચર ‘હિન્દુસ્તાની’ રીલીઝ થયું ન હતું અને તે ફિલ્મની  ગીતોની રેકર્ડ જ બહાર આવેલી ત્યારે એના એક જાણીતા ગીતની તર્જ સાંભળીને ઇન્દ્રવદનભાઇએ પોતાની વિદ્યાર્થિનીઓ પાસે એ ગીત કોરીયોગ્રાફ કરીને નૃત્ય તૈયાર કરાવેલું અને કોઇ કાર્યક્રમમાં રજૂ કરેલું. એ ગીતમાં હ્યુસ્ટનની બે જોડકા બહેનો નેહા અને નીરજુ ટેઇલર, તેમની માતા પ્રજ્ઞા ટેઇલર, અરૂણ બેન્કરની ભત્રીજી સોનલ, મીનળ ગાંધી  પણ હતી. આ તો પચીસ વર્ષ પહેલાંની સ્મૃતિના આધારે લખું છું એટલે નામો લખવામાં કોઇ ક્ષતિ રહી જાય એવું પણ બને.

અમેરિકન સંસ્થાઓમાં પણ તેમણે પોતાના કાર્યક્રમો રજૂ કરીને અમેરિકન પ્રજાના પણ પ્રમાણપત્રો મેળવ્યા છે.

અહીં જ જન્મેલી અને અહીં જ ઉછરેલી નવી પેઢીની બાળાઓને શાસ્ત્રિય નૃત્યની તાલીમ આપીને, તેમનામાં ભારતિય કલા અને સંસ્કૃતિનું સીંચન  કરવાનું કામ તેઓશ્રીએ કર્યું છે.

માસ્ટરજી ( ઇન્દ્રવદન ત્રિવેદી ) સાથે કરેલા કાર્યક્રમોના રિહર્સલો ની યાદો પર તો એક આખુ પુસ્તક હું લખી શકું.

એક આડવાત-

આપણી ભારતીય સંસ્થાઓ-ખાસ તો ગુજરાતી સંસ્થાઓ- કોઇ કાર્યક્રમ પ્રસંગે, આવા કલાકારોને કોઇ આઈટમ રજૂ કરવા આમંત્રણ આપે પણ એના રીહર્સલો વખતે ચાહનાસ્તા માટે કે ગેસ ભરાવવાના નાણાં ન આપે. કાર્યક્રમના ડ્રેસીસ માટે, પાઘડી, ખેસ, લાકડી, જેવી વસ્તુ પણ કલાકારે જ લાવવાની હોય. ક્યારેક તો એ સંસ્થાઓએ ટીકીટો પણ વેચી હોય. હોલનું ભાડુ ખર્ચે, ટીકીટો છપાવવાના નાણાં ખર્ચે, લોકોને પ્રોક્લેમેશન્સ આપે, હારતોરા પાછળ પૈસા ખર્ચે, પણ પોતાના ફેમિલીટાઇમમાં કાપ મૂકીને દિવસો સુધી રીહર્સલો કરનાર કલાકારે તો ગાંઠનું જ ગોપીચંદન કરવાનું.

આ જ વાત આપણા ગુજરાતી વર્તમાનપત્રો અને સામયિકોને ય લાગૂ પડે છે.

કોઇ કલાકાર વિશિષ્ટ કોસ્ચ્યુમ કે સામાન લાવવા પૈસા માંગે તો જવાબ મળે કે-‘ભાઇ, આ તો કોમ્યુનિટી વર્ક છે. અમે ય ફ્રી સેવા જ આપીએ છીએ.’ કલાકાર પોતાની અસમર્થતા જાહેર કરે તો કહેશે-‘ હ્યુસ્ટનમાં નવો નવો હતો ત્યારે સારો હતો. હવે જરા નામ થઈ ગયું એટલે એને રાઈ ચઢી ગઈ છે. સાલો પ્રોફેશનલ થઈ ગયો છે.’

કેટલીક સંસ્થાઓના માંધાતાઓ કાર્યક્રમ પતી ગયાના એકાદ બે માસ બાદ, હાથની લખેલી રીસીટો એટેચ કરીને વાઉચરો બનાવીને ખર્ચા પાડી દેતા હોય અને પોતે ખર્ચેલા ગેસના નાણાં વસૂલ કરી લેતા હોય એ ગનીમત !

નવીન બેન્કર

લખ્યા તારીખ- ૧૯ ઓગસ્ટ ૨૦૧૫

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.